બોંગાઇગાંવ : આસામ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 28´ ઉ. અ. અને 90° 34´ પૂ. રે. આજુબાજુનો 2,159 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાનનો પહાડી પ્રદેશ આવેલો છે. પૂર્વમાં બારપેટા જિલ્લો, દક્ષિણે ગોલપાડા તથા પશ્ચિમે ધુબરી અને કોકરાઝાર જિલ્લાઓ આવેલા છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનો ઘણોખરો ભાગ સમતળ મેદાની વિસ્તાર છે. બ્રહ્મપુત્ર નદી અહીંથી પસાર થતી હોવાથી તેનાં પૂરનાં પાણી આજુબાજુના ભાગોમાં ફરી વળે છે ત્યારે પ્રભાવિત ભાગ કળણભૂમિ બની રહે છે. નદીની ખીણથી દૂર જતાં, ઊંચાઈ વધતી જાય છે, કળણભૂમિનું સ્થાન ડાંગરનાં ખેતરો લે છે. નદીની આજુબાજુનો વિસ્તાર ઘાસ અને છોડવાઓથી ગીચ બની રહે છે. જોગીઘોપાથી પશ્ચિમે ચંદર દીંઘા હારમાળા (245 મીટર લંબાઈ), સોનામુખ (203 મીટર લંબાઈ) અને ટોકરાબંધ (274 મીટર લંબાઈ) જેવી છૂટી છૂટી ટેકરીઓ આવેલી છે. બાગ્રીવાડીમાંની મહામાયા ટેકરી અને ગૌરીપુર ખાતેની એક નાની ટેકરી બ્રહ્મપુત્રના કાંપના મેદાની ભાગમાં આવેલી છે. પશ્ચિમ તરફ નાની નાની જીભ આકારની ડુંગરધારો જોવા મળે છે.

જળપરિવાહ : બ્રહ્મપુત્ર અહીંની મુખ્ય નદી છે. તે જિલ્લાના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. પશ્ચિમ તિબેટમાંથી નીકળીને આવતી આ નદી વાર્ષિક 185 લાખ ઘનમીટર જેટલો ફળદ્રૂપ કાંપ ખેંચી લાવે છે. આ કાંપ હિમાલયના પહાડી જૂથ અને મેઘાલય ઉચ્ચપ્રદેશ વચ્ચેની આસામની ખીણમાં પથરાય છે. ત્યાંથી તે બંગાળના ત્રિકોણપ્રદેશ તરફ જાય છે.

ખેતી : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે, વર્ષમાં તેના ત્રણ પાક લેવાય છે. આ ઉપરાંત અહીં મકાઈ, ઘઉં, બાજરી, કઠોળ તથા તેલીબિયાં પણ થાય છે. ખેતી માટે અહીં સિંચાઈનો મહત્તમ ઉપયોગ થાય છે. જિલ્લામાં ભેંસો, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ અને ડુક્કર જેવાં પશુઓનો તેમજ મરઘાંઓનો ઉછેર થાય છે.

ઉદ્યોગો : જિલ્લામાં ખાદ્યપેદાશો, લાકડાંની પેદાશો, ઊન, રેશમ અને કૃત્રિમ રેસાઓ, કાગળ અને કાગળની પેદાશો, રબર, પ્લાસ્ટિક, ખનિજતેલ અને કોલસો, રસાયણો અને રાસાયણિક પેદાશો, ધાતુ–મિશ્રધાતુ પેદાશો, સમારકામના, વીજળીના, વાયુ અને બાષ્પના એકમો જેવા 42 જેટલા સૂચીકૃત ઉદ્યોગો છે. આ ઉપરાંત બોંગાઇગાંવ અને ગોલપાડા જિલ્લાઓના મળીને નાના પાયા પરના 1,134 જેટલા સૂચીકૃત એકમો છે. આ જિલ્લામાં 23 શેડ સહિતની ઔદ્યોગિક વસાહતો છે. હાથસાળનાં ત્રણ તાલીમી મથકો અને વણાટકામના બે એકમો પણ છે.

વેપાર : આસામ રાજ્યમાં બોંગાઇગાંવ અગત્યનું વેપારી મથક ગણાય છે. અહીં જાહેર ક્ષેત્રની રિફાઇનરી તથા પેટ્રો-કેમિકલ સંકુલ આવેલું છે. જોગીઘોપા ખાતે અશોક પેપર મિલ છે. ડાંગરના વાવેતરવાળો અભયપુર વિસ્તાર પણ અહીંનું વેપારી ક્ષેત્ર બની રહેલો છે. ત્યાંથી શણ, તેલીબિયાં વગેરે બહાર મોકલાય છે. અહીં લાકડાની હોડીઓ અને માટીનાં વાસણો પણ બને છે. અહીંના બીજની સ્થળેથી સરસવ, શણ અને સોપારીની નિકાસ થાય છે.

પરિવહન : બોંગાઇગાંવ અગત્યનું વેપારી મથક હોવા ઉપરાંત મોટું જંક્શન પણ છે. બોંગાઇગાંવથી દક્ષિણે 35 કિમી. અંતરે આવેલું જોગીઘોપા નદીબંદર છે. જોગીઘોપા અને ગોલપાડાના પંચરાત્ર વચ્ચે ફેરી-સેવા ચાલે છે. જિલ્લામાં 507 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે; તે પૈકી 57 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો છે, 17 કિમી.ના રાજ્યમાર્ગો છે, બાકીના અન્ય માર્ગોની લંબાઈ 433 કિમી. જેટલી છે. 507 કિમી.ના આ માર્ગો પૈકી 124 કિમી.ના માર્ગો પાકા છે, જ્યારે 383 કિમી. લંબાઈના માર્ગો ગ્રૅવલવાળા કે માટીના છે.

પ્રવાસન : જોગીઘોપા તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ માટે જાણીતું બનેલું છે. તે આહોમ કિલ્લાનું તેમજ યુરોપિયન વસાહતનું સ્થળ ગણાય છે. જૂના સમયમાં ઋષિમુનિઓ અહીંની ગુફાઓમાં નિવાસ કરતા હોવાનો ઉલ્લેખ મળે છે. અહીંના દૂધનાથના મંદિરમાં પાષાણમાં કંડારેલી શિવપાર્વતીની મૂર્તિઓ છે. અભયપુર ખાતેના મંદિરમાં અષ્ટધાતુમાંથી બનાવેલી અભયાદેવીની મૂર્તિ જોવાલાયક છે.

આ જિલ્લામાં ખેતીની વિવિધ મોસમો – વાવણી, લણણી અને નવરાત્રી – મુજબ વર્ષમાં ત્રણ વાર વિશિષ્ટ  રીતે અને રંગેચંગે ‘બિહુ’ના ઉત્સવો ઊજવાય છે. અગાઉ થઈ ગયેલા વૈષ્ણવ સંતોના જન્મ અને મરણદિવસો વૈષ્ણવ સંપ્રદાયના લોકો ગીત-નૃત્ય દ્વારા ઊજવે છે. આ ઉપરાંત વર્ષના મહત્વના તહેવારો પણ ઊજવાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 8,07,523 જેટલી છે; તે પૈકી 4,16,216 પુરુષો અને 3,91,307 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 7,33,669 અને 73,854 જેટલું છે. અહીંની મુખ્ય ભાષા અસમી છે. ધર્મવિતરણ મુજબ અહીં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની સંખ્યા વિશેષ છે, જૈન, શીખ અને બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે, જ્યારે બાકીના અન્યધર્મી છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 3,11,773 છે; તે પૈકી 1,93,282 પુરુષો અને 1,18,491 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 2,59,951 અને 51,822 જેટલું છે. 858 ગામડાં પૈકી 780 ગામોમાં શિક્ષણની સગવડો છે. 770 ગામોમાં પ્રાથમિક શાળાઓ, 175 ગામોમાં માધ્યમિક શાળાઓ, 87 ગામોમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓ, 3 ગામોમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા જિલ્લામાં 3 પ્રૌઢ શિક્ષણકેન્દ્રો આવેલાં છે. બોંગાઇગાંવમાં એક કૉલેજ છે. અહીં એક હૉસ્પિટલ તથા ત્રણ ગ્રામીણ કુટુંબ-કલ્યાણ આયોજન માટેનાં કેન્દ્રો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બોંગાઇગાંવ, બીજની, શ્રીજનગ્રામ, બોલ્ટામારી અને સિડલી મંડળોમાં તથા ત્રણ ઉપવિભાગોમાં અને પાંચ સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : આસામમાં તેરમી સદીના પૂર્વાર્ધમાં આહોમ રાજાઓએ સત્તા હસ્તગત કરેલી, ત્યારથી 1826 સુધી તેમણે ત્યાં રાજ્ય કર્યું. આહોમ શાસકોમાં આંતરિક વિખવાદો થયા ત્યારે તેના પૂર્વના સીમાડેથી મ્યાનમારના લોકો પ્રવેશ્યા. 1826ની યાંદાબુની સંધિથી અંગ્રેજો હસ્તક તે પ્રદેશો ગયા. બર્માના શાસકે આસામનો વિસ્તાર અંગ્રેજોને સોંપી દીધો. બોંગાઇગાંવ જિલ્લાની રચના 1989માં કરવામાં આવેલી છે. તે અગાઉ આ પ્રદેશ ગોલપાડા જિલ્લામાં હતો.

ગિરીશભાઈ પંડ્યા