બૉરમૅન, ફ્રૅન્ક (જ. 1928, ગેરી, ઇલિનૉઈ) : અમેરિકાના પ્રસિદ્ધ અવકાશયાત્રી. તેમણે  વેસ્ટ પૉઇન્ટ ખાતે તાલીમ લીધી હતી; 1951–56ના સમય દરમિયાન તેમણે વાયુદળના વિમાની તરીકે ફરજ બજાવેલી. ત્યારપછી તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ‘એરોનૉટિકલ એન્જિનિયરિંગ’નો અભ્યાસ કર્યો. એ પછી વેસ્ટ પૉઇન્ટ તથા એરોસ્પેસ રિસર્ચ પાઇલટ્સ સ્કૂલમાં તાલીમશિક્ષણ આપ્યું. 1962માં ‘નાસા’(NASA)એ અવકાશયાત્રી તરીકેની તાલીમ માટે તેમની પસંદગી કરી.

2 ઐતિહાસિક ઉડ્ડયનમિશનોના કાફલામાં તેમનો પણ સમાવેશ થયો હતો. પ્રથમ મિશન તે ‘જેમિની-7 સ્પેસ એન્ડ્યુરન્સ ફ્લાઇટ(1965)’નું અને બીજું મિશન તે ચંદ્રની ફરતાં સૌપ્રથમ સમાનવ એપૉલો-8(1968)માં ઊડવાનું. 1970 સુધી તેમણે ‘નાસા’માં કામ કર્યું અને તે પછી તેઓ ‘ઈસ્ટર્ન એરલાઇન્સ’માં જોડાયા અને 1976માં ડિરેક્ટર બોર્ડના અધ્યક્ષ બન્યા.

મહેશ ચોકસી