બૉરમૅન, માર્ટિન (જ. 1900, હેલ્બર સ્ટેટ, જર્મની; અ. 1945 ?) : ચર્ચાસ્પદ બનેલા નાઝી રાજકારણી. તેમણે 1923માં, નિષ્ફળ નીવડેલા મ્યુનિકના બળવામાં ભાગ લીધો હતો. પછી તેઓ હિટલરના સૌથી નિકટના સલાહકાર બની રહ્યા. 1941માં તેઓ પક્ષના ચાન્સેલર બન્યા અને છેક છેલ્લી ક્ષણો સુધી તેઓ હિટલરની સાથે જ રહ્યા.

તેમનું પોતાનું શું થયું તે વિશે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ચાન્સેલરી તરફથી 1945માં હિટલરના સ્ટાફમાં જે મોટા પાયે નાસભાગ મચી ગઈ તેમાં રશિયાના હત્યારાઓએ કદાચ તેમની હત્યા કરી નાખી હોય. 1972માં બર્લિનમાં ખોદકામ દરમિયાન, એક સંશોધકને સાવ આકસ્મિક રીતે જ એક માનવ-હાડપિંજર મળી આવેલું. નિષ્ણાતોએ તે બૉરમૅનનું હાડપિંજર હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.

મહેશ ચોકસી