બોરનો રોગ : બોરને ઓઇડિયમ ઇરિસીફૉઇડ્સ નામની ફૂગથી થતો રોગ. દક્ષિણ ગુજરાતમાં વધુ ભેજવાળા અને હૂંફાળા પ્રદેશમાં પાકની ઋતુની શરૂઆતથી એટલે કે ફૂલ બેસતાં જ ફૂલ અને પાન ઉપર ફૂગનું આક્રમણ શરૂ થઈ જાય છે અને તેથી બોરનો પાક લઈ શકાતો નથી.

ચોમાસા બાદ ઠંડીની શરૂઆત થતાં પાનની નવી કૂંપળો ઉપર રોગનું આક્રમણ શરૂ થઈ જાય છે. સફેદપડતા કે રાખોડિયા રંગની છારી બોર, પાન અને ફૂલની દાંડી ઉપર વિશેષ જોવા મળે છે. રોગની અસરને લીધે ફૂલમાંથી ફળ બેસતાં પહેલાં જ ફૂલ કરમાઈને મૃત્યુ પામે છે. જો ફળ બેસી ગયા બાદ રોગનું આક્રમણ થાય તો ફળનો વિકાસ થતો નથી અને ફળ બેડોળ થઈ ચીમળાઈ જાય છે. આવા ફળ ઉપર ઝાંખા સફેદ રંગના ફૂગના બીજાણુની છારી જોવા મળે છે અને ફળ ચીમળાઈ, કાળાં થઈ ખરી પડે છે.

આ રોગના નિયંત્રણ માટે 300 મેશની બારીક ગંધકની ભૂકીનો છંટકાવ થાય છે. ભીંજક ગંધક 0.2 % અથવા કેરેથિયૉન 0.07 % અથવા કાલિક્ષરીન 0.05 %નો છંટકાવ, રોગ દેખાય ત્યારથી, દર પંદર દિવસે કરવો પડે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ