બિરલા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ, કૉલકાતા

January, 2000

બિરલા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ, કૉલકાતા (1959) : વિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓ, ઉદ્યોગો અને યંત્રવિદ્યાનું સંગ્રહાલય. રવીન્દ્રનાથ ટાગોર અને ત્યારબાદ ઉદ્યોગપતિ બિરલાનું જે નિવાસસ્થાન હતું તે ઐતિહાસિક વિશાળ મકાનને ઘનશ્યામદાસ બિરલાએ સંગ્રહાલય બનાવવા માટે દાનમાં આપ્યું હતું. ત્યાં ઇન્ડસ્ટ્રિયલ અને ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ બનાવતી વખતે મ્યુનિચના Deutsches Museum અને લંડનના સાયન્સ મ્યુઝિયમને નજર સમક્ષ રાખવામાં આવ્યાં હતાં.

બિરલા ઇન્ડસ્ટ્રિયલ અને ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ પાછળ વિજ્ઞાનના આવા સામાન્ય નિયમોને અર્થપૂર્ણ નમૂનાઓ દ્વારા તર્કસંગત રીતે સમજાવવાનો મુખ્ય હેતુ છે. તેમાં ગુરુત્વાકર્ષણનો નિયમ હોય કે માનવશરીરની રચના કે કાર્ય હોય, એ બધાંનાં વિવિધ સાધનો અને નમૂનાઓથી સંતોષકારક રીતે સમજ આપવામાં આવી છે. ‘ફન સાયન્સ ગૅલરી’માં 21 સરળ નમૂનાઓ વડે વિજ્ઞાનના નિયમોનો ખુલાસો કરાયો છે. આ વિભાગમાં 8થી 12 વર્ષનાં બાળકો સમક્ષ વિજ્ઞાનના સામાન્ય નિયમો અને રહસ્યમયી કુદરતના નિયમોને તર્કસંગત ધોરણે પ્રસ્તુત કરવાથી તેમનો શૈક્ષણિક પાયો મજબૂત બને છે.

ઉદ્યોગ અને યંત્રવિભાગમાં ધાતુવિદ્યા, પેટ્રોલિયમ, વીજળી, ઇલેક્ટ્રૉનિક્સ, ટેલિવિઝન સ્ટુડિયો તથા ટેલિફોન એક્સચેન્જની પાછળ રહેલા સિદ્ધાંતો તથા કામગીરી અને પદ્ધતિ અંગે મુલાકાતીઓ પોતે ભાગ લઈ જાણકારી પ્રાપ્ત કરે છે.

સોનલ મણિયાર