બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS)

January, 2000

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં શિક્ષણ અને સંશોધનકાર્ય કરતી રાજસ્થાનમાં પિલાણીમાં આવેલી સંસ્થા.

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ઍન્ડ સાયન્સ, પિલાણી (રાજસ્થાન)

વીસમી સદીના પ્રારંભે, 1901માં માત્ર એક જ શિક્ષક દ્વારા અહીં પ્રાથમિક શિક્ષણનો આરંભ થયો હતો, જેમાં જાણીતા ઉદ્યોગપતિ બિરલા ઘનશ્યામદાસે ઊંડો રસ લીધો અને વર્ષો વીતતાં અહીં માધ્યમિક શાળા અને સ્નાતક કક્ષા સુધીની કૉલેજ વિકસી. 1952માં આ કૉલેજનું વિભાજન થતાં એક વિનયન કૉલેજ અને બીજી વિજ્ઞાન, વાણિજ્ય અને ફાર્મસી કૉલેજની રચના કરવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સરકારે અહીં સંરક્ષણ-સેવા અને તેને સંલગ્ન ઉદ્યોગો માટે ટૅકનિકલ તાલીમ કેન્દ્રની સ્થાપના કરી. યુદ્ધને અંતે બિરલાના પ્રયાસોથી આ કેન્દ્રનું ઇજનેરી કૉલેજમાં રૂપાંતર કરવામાં આવ્યું અને 1964માં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સની રચના કરવામાં આવી, જેમાં ઉપર્યુક્ત ઇજનેરી કૉલેજ સમાવી લેવામાં આવી. પ્રારંભિક ઘડતરકાળનાં વર્ષોમાં અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી અને ફૉર્ડ ફાઉન્ડેશનની મદદથી હાલની અન્ય સંલગ્ન સંસ્થાઓનો વિકાસ કરવામાં આવ્યો. ઇજનેરી ક્ષેત્રની સિવિલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રિક, કેમિકલ, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રૉનિક્સ ઉપરાંત ફાર્માસ્યૂટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ વગેરે વિવિધ શાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ આ સંસ્થાઓ અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવે છે અને દેશના યુવાન તથા ઉત્કૃષ્ટ બુદ્ધિધનને આકર્ષે છે. સામાન્ય રીતે 90 %થી વધુ ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ જ અહીં પ્રવેશને લાયક ઠરે છે. સંસ્થાએ ઇજનેરી ક્ષેત્રના અભ્યાસક્રમો ઉપરાંતના અભ્યાસક્રમોની વિવિધતામાં સતત વધારો કર્યો છે; જેમાં મૅનેજમેન્ટ, અર્થશાસ્ત્ર, ભાષાઓ, માનવવિદ્યાઓ, જીવવિજ્ઞાન, મ્યુઝિયમ-સ્ટડી વગેરેનો સમાવેશ થાય છે. દૂર-શિક્ષણ વ્યવસ્થા દ્વારા પણ અનેક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

સંસ્થાએ ટૅકનૉલૉજીના શિક્ષણમાં ઉચ્ચ સ્તર જાળવેલ હોઈ તેમજ સંસ્થામાં લાઇબ્રેરી, કમ્પ્યૂટર સેન્ટર અને હૉસ્ટેલની સારી સુવિધા ઉપરાંત અન્ય આંતરમાળખાકીય સુવિધાઓને કારણે તેને યુનિવર્સિટી-કક્ષાની સ્વાયત્ત સંસ્થા તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુ.જી.સી.), ન્યૂ દિલ્હી તરફથી ઘણાં વર્ષોથી માન્યતા મળી છે.

સિમેસ્ટર પદ્ધતિ, આંતરિક મૂલ્યાંકન અને દરેક અભ્યાસક્રમના વિદ્યાર્થીને તેના અભ્યાસક્રમના ભાગ તરીકે સુગઠિત ઔદ્યોગિક તાલીમ એ આ સંસ્થાની શિક્ષણમૂલ્ય વધારતી ખાસ બાબતો છે. વ્યવસાયી શિક્ષણ સાથે રોજબરોજની વ્યવહારુ તાલીમને સાંકળતી એક વિશેષ યોજના આ સંસ્થાએ ઘડી છે, જે ‘પ્રૅક્ટિસ સ્કૂલ પ્રોગ્રામ’ તરીકે ઓળખાય છે. તેમાં વિદ્યાર્થીને વર્ગખંડની તાલીમ ઉપરાંત ઉદ્યોગોની વાસ્તવિક જરૂરિયાતોથી માહેર કરવામાં આવે છે, જેથી તેમનામાં સંઘભાવના અને નેતૃત્વ જેવા ગુણો વિકસે તેમજ ત્વરિત નિર્ણયશક્તિ સાથે નિયત સમયમર્યાદામાં તેઓ કામ પાર પાડી શકે. આમ આ એકમ શિક્ષણ અને વ્યવસાયી જરૂરિયાતોનો સુમેળ સર્જીને કડીરૂપ ભૂમિકા નિભાવે છે. આથી લગભગ 90 % ખ્યાતનામ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ પ્રત્યેક વર્ષે સંસ્થાની મુલાકાત લઈ, ઇન્ટરવ્યૂ યોજી તેજસ્વી વિદ્યાર્થીઓની તત્કાળ ભરતી કરે છે. આવા જ કારણને લીધે આ સંસ્થામાંથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અત્યંત ઝડપથી વિવિધ વ્યવસાયમાં નિમણૂકો પ્રાપ્ત થાય છે.

સંસ્થામાં બે લાખથી વધુ પુસ્તકો ધરાવતું વિશાળ ગ્રંથાલય છે. તેમાં લગભગ પાંચ સો સામયિકો નિયમિત આવે છે અને 300 વિદ્યાર્થીઓ એકસાથે વાચન કરી શકે તેવી સગવડ ગ્રંથાલય ધરાવે છે.

સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું લક્ષ્ય ધરાવતી હોવાથી હૉસ્ટેલ, તબીબી કેન્દ્રો, સ્નાનાગાર, ગ્લાઇડિંગ ક્લબ અને સંગ્રહાલય જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે.

આ સંસ્થાના વહીવટ માટે ત્રણ જુદી જુદી સમિતિઓ છે :

(1) સામાન્ય સભા (general body), જેમાં ટ્રસ્ટના પ્રતિનિધિઓ, ઉદ્યોગક્ષેત્રના પ્રતિનિધિઓ, જુદી જુદી શિક્ષણ-સંસ્થાના પ્રતિનિધિઓ, અધ્યાપકોના પ્રતિનિધિઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય છે.

(2) ગવર્નિગ બૉડી એ વહીવટને લગતી નીતિવિષયક નિર્ણયો લેતી  મહત્વની સમિતિ છે, જેમાં પણ ટ્રસ્ટના સભ્યો ઉપરાંત પ્રાધ્યાપકોના, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગક્ષેત્રના પ્રતિનિધિઓ હોય છે.

(3) સેનેટ એ શિક્ષણને લગતી નીતિવિષયક બાબતો નક્કી કરતી સમિતિ છે, જેમાં સંસ્થાના નિયામક ઉપરાંત બધા અભ્યાસક્રમો માટેના પ્રાધ્યાપકો/વિભાગના વડાઓ, અન્ય પ્રાધ્યાપકોના પ્રતિનિધિઓ ઉપરાંત ચાલુ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ હોય છે.

કૃષ્ણકાંત ગો. દેસાઈ

રક્ષા મ. વ્યાસ