બાલાવબોધ

January, 2000

બાલાવબોધ : ગુજરાતીનો મધ્યકાલીન સાહિત્યપ્રકાર. ‘બાલ’ના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટે રચનાઓ તે બાલાવબોધ. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોના કે ક્વચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકા રૂપે બાલાવબોધ રચાતા રહ્યા છે.

બાલાવબોધમાં કેટલીક વાર જે તે કૃતિના સાદી ભાષામાં લેખકે કરેલા સીધા અનુવાદ હોય તો કેટલીક વાર મૂળ ગ્રંથોના અનુવાદને ર્દષ્ટાંતકથાઓથી પુષ્ટ કરવામાં આવ્યા હોય. ક્યારેક મૂળકથાનો અનેકગણો વિસ્તાર થયેલો હોય છે. કેટલીક વાર એમાં મૂળ કૃતિનો સારસંક્ષેપ પણ હોય. ક્યારેક મુક્ત અનુવાદ રૂપે પણ હોય. બાલાવબોધની ભાષા લોકગમ્ય અને સરળ હોય છે. બધા બાલાવબોધનું પ્રયોજન મૂળ કૃતિના શબ્દોના અર્થ અવગત કરાવવાનું હોય છે, એટલે એ મૂળ કૃતિને કેન્દ્રમાં રાખીને જ આગળ વધે છે. લેખકને સ્વતંત્રપણે સામગ્રીનું આયોજન કરવાનો તથા તેને સમુચિત ભાષા, શૈલી વગેરે વડે ઘાટ આપવાના સર્જનાત્મક પ્રયાસ માટે કશો અવકાશ હોતો નથી. મધ્યકાલીન જૈન સાહિત્યે બાલાવબોધો મોટી સંખ્યામાં આપ્યા છે. તરુણપ્રભસૂરિ અને સોમસુંદરસૂરિ જેવા તો માત્ર બાલાવબોધોના જ લેખકો હતા. તેમણે મૂળ ધર્મગ્રંથોના અનુવાદને ર્દષ્ટાંતકથાઓથી પુષ્ટ કરેલ છે. છેક તેરમી સદીના ઉત્તરાર્ધથી બાલાવબોધોની રચના આરંભાયેલી છે. 800 ઉપરાંત લેખકોની નામછાપ સાથેના બાલાવબોધો ‘જૈન ગૂર્જર કવિઓ’ (સંપા. નવસંસ્કરણ, જયંત કોઠારી)માં નોંધાયેલા મળે છે. એ ઉપરાંત અજ્ઞાત લેખકોના બાલાવબોધની સંખ્યા હજુ ઉપલબ્ધ થઈ નથી. ઘણી કૃતિઓ હસ્તપ્રતોમાં જ સચવાયેલી છે.

તરુણપ્રભસૂરિનો ‘ષડાવશ્યક બાલાવબોધ’ (ઈ. 1345) પ્રથમ સુદીર્ઘ અને વ્યવસ્થિત બાલાવબોધ છે. આ ઉપરાંત અનેક અજ્ઞાત કવિઓના ‘આરાધના’ (ઈ. 1274), ‘બાલશિક્ષા’ (ઈ. 1280), ‘મુગ્ધાબોધ ઔક્તિક’ (ઈ. 1394), ‘ગણિતસાર’ (ઈ. 1449), ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (ઈ. 1422), નવતત્વ, ષષ્ટિશતક (ઈ. 1411), યોગશાસ્ત્ર, અતિચાર (ઈ. 1284) વગેરે પરના બાલાવબોધો મળે છે.

કીર્તિદા શાહ