બાલારામ

January, 2000

બાલારામ : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં બાલારામ નામની નદીના કાંઠા પર આવેલું સૌંદર્યધામ,  પર્યટનકેન્દ્ર અને તીર્થક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : 24° 16´ ઉ. અ. અને 72° 32´ પૂ. રે. આ સ્થળનો ચિત્રાસણી ગ્રામપંચાયતમાં સમાવેશ થાય છે. ચિત્રાસણી રેલમથકથી તે 3 કિમી. પૂર્વ તરફ આવેલું છે. ચિત્રાસણી ગામ જિલ્લામથક પાલનપુરથી 14 કિમી. ઉત્તરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 14 પર તેમજ અમદાવાદ–દિલ્હી રેલમાર્ગ પર આવેલું છે.

લોકવાયકા એવી છે કે ઘણાં વર્ષો અગાઉ સિંધમાંથી સ્થળાંતર કરીને આવેલા, અહીં પડાવ નાખીને રહેલા દુષ્કાળપીડિત પરિવારોનાં બાળકોની સ્વયં મહાદેવજીએ સાધુવેશમાં રહીને સારસંભાળ રાખેલી તથા તેમને માટે અહીં આરામદાયક પરિસ્થિતિનું નિર્માણ કરેલું. આથી અહીંના મહાદેવ ‘બાલ-આરામ-દાદા’ તથા બાલારામ તરીકે ઓળખાય છે.

અહીં બાલારામ નદી વહે છે, તે આગળ જતાં બનાસને મળે છે. નદીકાંઠે શ્વેત આરસમાંથી કંડારેલું બાલારામ મહાદેવનું સુંદર મંદિર છે. નયનરમ્ય હરિયાળી વનશ્રીથી તથા તાડ અને ખાખરાનાં વૃક્ષોથી આ મંદિર ઘેરાયેલું છે. આ વિસ્તાર અરવલ્લીના પહાડી ભૂપૃષ્ઠવાળો છે. ડુંગરોમાંથી વહેતાં મીઠા જળનાં ઝરણાંમાંથી એક ઝરણું મંદિરમાં આવેલા શિવલિંગ પર ગૌમુખ મારફતે નિરંતર જલાભિષેક કરે છે. સહેલગાહ કે ઉજાણી કરવા માટે કુદરતને ખોળે આવેલું, પવિત્ર વાતાવરણ ધરાવતું આ રમણીય સ્થળ આકર્ષણનું કેન્દ્ર છે. ‘ગુજરાતના કાશ્મીર’ તરીકે પણ એનો નિર્દેશ થતો રહ્યો છે. વિશેષે કરીને રજાના દિવસો દરમિયાન અહીં પર્યટકોનો તેમજ અવારનવાર નજીકનાં ગામોની શાળાઓનાં બાળકોનો ભારે ધસારો રહે છે. ગુજરાત પ્રવાસન તરફથી અહીંની ટેકરી પર પર્યટકો માટે તથા શ્રદ્ધાળુ ભાવિકો માટે રહેવા-જમવાનું એક અદ્યતન ઉજાણીગૃહ બાંધવામાં આવેલું છે.

અહીં ખાસ કરીને શ્રાવણ માસમાં શ્રદ્ધાળુ હિન્દુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણના દર સોમવારે વધુ ભીડ થતી હોય છે. દર વર્ષે શ્રાવણના છેલ્લા સોમવારે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં ગ્રામસંસ્કૃતિ તથા આદિવાસી નૃત્યો અનેરું આકર્ષણ જમાવે છે.

બાલારામની નજીકમાં આશરે 3 કિમી દૂર ગંગાસર તળાવ તેમજ આશરે 5 કિમી. દૂર, જંગલોની મધ્યમાં ધાર માતાનું એક નાનું મંદિર આવેલું છે. ત્યાં એક સમયે વાઘના શિકારનું આયોજન થતું હતું. બાલારામની આજુબાજુના વિસ્તારમાં જેસોર તેમજ બીજી ડુંગરાળ ટેકરીઓ તથા કેટલાંક જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. ચિત્રાસણીની નજીકમાં આવેલા વિશાળ ગંગાસાગર સરોવર પાસે પાલનપુરના જૂના નવાબનો એક મહેલ પણ આવેલો છે. બાલારામ નદીકાંઠાના જંગલમાં અર્જુન, પલાશ, ટીમરુ, શીમળો, ગરમાળો, ધામણ, બોરડી, કેરડો જેવાં વૃક્ષો થાય છે. જંગલમાંથી ઘાસ અને ઇમારતી તથા બળતણનાં લાકડાં મળી રહે છે.

બીજલ પરમાર

શિવપ્રસાદ રાજગોર