બાલામણિ અમ્મા (જ. 1909, તિરુવંતપુરમ, કેરળ; અ. 1992) : મલયાળમ લેખિકા. એમણે શાળાનું શિક્ષણ લીધું નથી. પરંતુ ઘરમાં જ સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. મલયાળમ પણ એમના નાના નલપ્પા મલયાળમના જાણીતા કવિ મેનન પાસેથી શીખ્યા અને કિશોરાવસ્થામાં જ મલયાળમ પર પ્રભુત્વ મેળવ્યું. ઘરમાં બેઠાં બેઠાં એમના નાનાએ એમને જાતજાતનું વાચન પૂરું પાડ્યું. તેઓ 19 વર્ષનાં હતાં ત્યારે એમનાં લગ્ન થયાં અને ત્યારપછી ઘણાં વર્ષો કલકત્તામાં રહ્યાં. જાણીતાં ભારતીય અંગ્રેજી લેખિકા કમલા દાસ એમનાં પુત્રી થાય.

અમ્મા બાલામણિ

એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કુપ્પુકઈ’ 1930માં પ્રગટ થયો. અત્યાર સુધીમાં એમના 5 કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. જેમની અનેક આવૃત્તિઓ થઈ હોય એવા સંગ્રહો છે – ‘અમ્મા’, ‘કુટુંબિની’, ‘ભાવનાયિલ’ અને ‘સોપાનમ્’. એમના ‘મુત્તાસી’ કાવ્યસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી એ વર્ષના મલયાળમના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ઍવૉર્ડ માટે પસંદ કરાયું હતું. એમનાં કાવ્યોમાં સ્ત્રીઓની સમસ્યાઓ રજૂ થઈ છે અને એ વિદ્રોહી કવયિત્રી તરીકે પંકાયાં છે. એમણે એમનાં પૌરાણિક કાવ્યોમાં પણ વિશ્વામિત્રે મેનકાને કરેલો અન્યાય, પરશુરામે કરેલી માતૃહત્યા ઉપરાંત દ્રૌપદીને પાંડવોએ દ્યૂતમાં – હોડમાં મૂકી અને એની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાંડવો તથા ભીષ્મપિતામહ શાંત બેસી રહ્યા, તે બધું દર્શાવી સ્ત્રીઓ માટે અનિવાર્ય એવી વિદ્રોહની ભૂમિકા રજૂ કરી છે. અને એવા સંદર્ભમાં દ્રૌપદીના પાત્રને તથા અહલ્યા જેવાં પાત્રોને એમણે વિદ્રોહી તરીકે ઉપસાવી આપ્યાં છે. રામે સીતાને કરેલા અન્યાયને એમણે પુરુષે સ્ત્રીઓને કરેલા અન્યાય તરીકે ગણાવી, રામ કરતાં સીતાના પાત્રને વિદ્રોહી બતાવ્યું છે. સીતા ભૂમિમાં સમાઈ તે ઘટનાને એમણે સીતા પિયર ચાલી ગઈ એ રીતે ઘટાવી છે.

ચન્દ્રકાન્ત મહેતા