બાલસંભાળ (માનવેતર) (parental care) : સ્વતંત્ર રીતે જીવવા અસમર્થ એવાં બાળકોની પ્રજનકો વડે લેવાતી યોગ્ય કાળજી. બાળક સ્વતંત્ર રીતે જીવવાનું સામર્થ્ય કેળવે ત્યાં સુધી પ્રજનકો પાલનપોષણની જવાબદારી ઉપાડે છે. સામાન્યપણે બાલસંભાળની વૃત્તિ પ્રાણીઓની પ્રજનનશક્તિ સાથે સંકળાયેલી છે. મોટી સંખ્યામાં ઈંડાં મૂકનાર પ્રાણીઓ બાલસંભાળ જેવા કાર્યમાં પોતાની શક્તિનો વ્યય કરતાં નથી. દા.ત., ભારતના પશ્ચિમ કિનારે સામાન્ય એવી બાંગડા (mackerel) માછલી, લાખોની સંખ્યામાં ઈંડાં મૂકે છે. જેમાંનાં મોટાભાગનાં ઈંડાં અને જન્મેલાં બચ્ચાં બાલસંભાળના અભાવે વિપરીત પરિબળોની અસર હેઠળ નાશ પામે છે અને જવલ્લે જ જૂજ ઈંડાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતાં હોય છે. ઓછાં બચ્ચાં ઉત્પન્ન કરનારાં પ્રાણીઓ પ્રજનનનું કાર્ય કરતાં બચેલી શક્તિનો ઉપયોગ બાલસંભાળમાં કરે છે. મોટાભાગનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બાલસંભાળ સૌથી વધારે જોવા મળે છે. બાલસંભાળનો મુખ્ય ઉદ્દેશ ઈંડાં, અવિકસિત ગર્ભ, ડિંભ અને અંતે બચ્ચાંઓને પવન, પાણીનો પ્રવાહ, તાપમાન, પ્રતિકૂળ હવામાન અને દુશ્મનોના હુમલા જેવાં વિપરીત પરિબળો સામે રક્ષણ આપવાનો છે.

સાંઢ (lobster) અને જિંગા(prawn)ની માદા ઈંડાં તથા ગર્ભને સ્વતંત્રપણે જીવન જીવે ત્યાં સુધી ઉદરીય ઉપાંગો ઉપર લઈને ફરે છે. ભમરીઓ, મધમાખી, કીડી, ઊધઈ જેવા કેટલાક કીટકો તેમનાં ઈંડાંને ખાસ બનાવેલા મધપૂડા, દર, રાફડા કે ઘરોમાં મૂકે છે. કેટલીક ભમરીઓ ઘડા આકારના માટીના માળા બનાવે છે. આ પછી ભમરીઓ કીટકને ડંખ મારી તેમને મારી નાખતી નથી. પરંતુ તેમને ડંખ એટલા પ્રમાણમાં મારી બેભાન કરી પોતાના માળામાં લઈ જાય છે. ત્યાં આ કીટકોના શરીર ઉપર ઈંડાં મૂકે છે અને પછી માળાને માટીથી બંધ કરી દે છે. આ ઈંડાંમાંથી નીકળતી ઇયળો, બેભાન કરેલા કીટકોનો રસ ચૂસી પોતાનો વિકાસ સાધે છે. મધમાખી, કીડી અને ઊધઈ જેવા સમૂહજીવી કીટકોના સામાજિક જીવનમાં રાણી, નર, શ્રમિકો અને સૈનિકો એવી કૌટુંબિક વ્યવસ્થા જોવા મળે છે. રાણીએ ફક્ત ઈંડાં મૂકવાનું કાર્ય કરવાનું હોય છે. જ્યારે નરનું કામ ઈંડાંનું સેવન કરી તેને ફલિત કરવાનું હોય છે. સૈનિકોનું કામ માળાનું રક્ષણ કરવાનું રહે છે, જ્યારે શ્રમિકોનું માળાનું બાંધકામ કરવાનું, તેની સાફસૂફી કરવાનું, જરૂરી ખોરાક મેળવવાનું અને ઇયળોની સંભાળ રાખવાનું રહે. વરુ-કરોળિયો (wolf-spider) અંડઘર બનાવી તેમાં ઈંડાં મૂકે છે અને તેને સાથે લઈને ફરે છે. તેનાં ઉત્પન્ન થયેલાં બચ્ચાંઓ તેના શરીર પર ચોંટેલાં જોવા મળે  છે. બેલોસ્ટોમા, પાણીમાં વાસ કરતું કીટક છે. બેલોસ્ટોમાની માદા, નરની પીઠ ઉપર ઈંડાં મૂકી તેમને ચીકણા પદાર્થના સ્રાવથી ચોંટાડે છે. નર બેલોસ્ટોમા ઈંડાંમાંથી ઇયળ ઉત્પન્ન થતા સુધી તેમને પીઠ ઉપર રાખી તેમનું રક્ષણ કરે છે. માદા વીંછી તો લગભગ 30થી 32 જેટલાં બચ્ચાંનું રક્ષણ કરવા તેમને પીઠ ઉપર મૂકી એક સ્થળેથી બીજા સ્થળે હરેફરે છે.

કેટલીક માછલીઓ અને ઉભયજીવી જેવાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ખૂબ જ અસાધારણ બાલસંભાળ જોવા મળે છે. જળઘોડો (sea-horse) અને ચલમમાછલી(pipe-fish)ની માદા નર પ્રાણીમાં આવેલ એક વિશિષ્ટ પ્રકારની શિશુધાની(કોથળી)માં પોતાનાં ઈંડાં મૂકે છે. આ શિશુધાની નરમાં પ્રજનનઋતુ દરમિયાન ઉદર સાથે જોડાયેલી હોય છે. ચામડીની બનેલી આ શિશુધાની પ્રજનનઋતુ દરમિયાન જાડી અને રુધિરવાહિનીયુક્ત બને છે. નર જળઘોડો ઈંડાંમાંથી બચ્ચાં જન્મે ત્યાં સુધી તેમને સાથે લઈને ફરે છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકાની નર એરિયસ બિડાલ માછલી નરના મોઢામાં પોતાનાં ઈંડાં રાખે છે. આ ઈંડાંમાંથી બચ્ચાં જન્મે નહિ ત્યાં સુધી નર ખોરાક પણ લેતો નથી.

નર સ્ટિકલબૅક માછલી જલીય વનસ્પતિનાં પાંદડાંના જોડાણથી માળો બનાવે છે. માળો તૈયાર થતાં તે ઈંડાંવાળી માદાની શોધમાં નીકળે છે અને તેને લલચાવી માળામાં ઈંડાં મૂકવા પ્રેરે છે. માદા 2થી 3 ઈંડાં માળામાં મૂકે છે. નર સ્ટિકલબૅક અન્ય માદાઓને પણ લલચાવે છે અને આખો માળો ઈંડાંથી ભરી દે છે. તે પછી નર સ્ટિકલબૅક માળાનું રક્ષણ યોદ્ધાની જેમ એક મહિના સુધી કરવા ઉપરાંત બચ્ચાં મુક્તપણે હરેફરે નહિ ત્યાં સુધી તેમની સંભાળ પણ રાખે છે.

ઉભયજીવીઓમાં બાલસંભાળનાં અનેક ઉદાહરણો જોવા મળે છે. ઇક્થિયોફિસ ઉભયજીવી છે. તે પોતાનાં ઈંડાંના સમૂહને પોતાની આજુબાજુ વીંટાળીને તેનું રક્ષણ કરે છે. પશ્ચિમ યુરોપનો એલાઇટિસ ટોડ તેના પાછલા પગ પર માદાએ મૂકેલાં ઈંડાંની હારમાળા વીંટાળીને દિવસ દરમિયાન ફરે છે. જ્યારે રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે નર આ ઈંડાંને પાણીમાં ડુબાડીને ભીંજવે છે. લગભગ ત્રણ અઠવાડિયાં બાદ ઈંડાંમાંથી નીકળતા ટૅડપોલને તે પાણીમાં છોડી મૂકે છે. વૃક્ષનિવાસી દેડકાં નોટાટ્રેમાની માદાની પીઠ ઉપરના પાછલા ભાગમાં ખૂલતી ચામડીની બનેલી એક કોથળી હોય છે, જે શિશુધાની તરીકે કાર્ય કરે છે. આ શિશુધાનીમાં માદા ફલિત ઈંડાં લઈને ફરે છે, જેમાંથી સમય જતાં બચ્ચાં પેદા થાય છે.

સૂરીનામ ટોડ પાઇપાની માદાની પીઠ પ્રજનન સમયે જાડી અને છિદ્રિષ્ઠ બને છે. આખી પીઠ ઉપર ફલિત ઈંડાંને નર એકસરખી રીતે ગોઠવે છે. આ ફલિત ઈંડાંઓ ધીમેથી પોચી ચામડીના નાના સરખા પવાલા આકારના ખાડામાં ગોઠવાય છે. આ ખાડાઓ ઢાંકણથી બંધ થઈ જાય છે. આ ખાડામાં આશરે 80 દિવસ પછી ઈંડાંનો વિકાસ થતાં તેમાંથી ટૅડપોલ બને છે. નર રાહીનોડર્મા દેડકાની સ્વરકોથળી પ્રજનનકાળ દરમિયાન પહોળી બને છે અને તેમાં ફલિત ઈંડાં મુકાય છે. ઈંડાંમાંથી બચ્ચાં જન્મે ત્યાં સુધી તે ઈંડાં સ્વરકોથળીમાં જોવા મળે છે.

સામાન્યપણે બાલસંભાળ સરિસૃપોમાં જોવા મળતી નથી, જોકે કેટલાક કાચબાઓની માદાઓ નદી, તળાવ અથવા તો સમુદ્રકિનારે રેતીમાં ખાડા કરી ઈંડાં મૂકે છે, જે સૂર્યના તાપથી સેવાય છે. આ જ પ્રમાણે મગરની માદા રેતીમાં ખાડો ખોદી ઈંડાંને દાટી દે છે. ઈંડાંમાંથી બચ્ચાં ઉત્પન્ન થાય ત્યારે બચ્ચાં સિસોટી જેવો તીણો અવાજ કાઢે છે. આ અવાજ સાંભળી માદા બચ્ચાંને દરમાંથી બહાર કાઢે છે. અજગરની માદા ઈંડાંની આસપાસ બે મહિના સુધી વીંટળાઈને તેમને સાચવે છે.

પક્ષીઓમાં બાલસંભાળ સારી રીતે વિકાસ પામેલી જોવા મળે છે. પ્રજનનકાળમાં સંવનન કર્યા બાદ નર અને માદા અનુકૂળ જગ્યાએ માળો બાંધે છે. માળામાં ઈંડાં કાળજીપૂર્વક સેવાય છે, તથા ત્યાં બચ્ચાંને પ્રતિકૂળ વાતાવરણ તથા દુશ્મનો સામે રક્ષણ મળે છે. પક્ષીઓ માળા બાંધવામાં પાંદડાં, રૂ, દોરી, પીંછાં, ઘાસ, ઝાડની સૂકી ડાળીઓ, લોખંડના તાર વગેરેનો ઉપયોગ કરે છે. કાબર, કાગડા, સમડી અને ચકલી વગેરે ઝાડ ઉપર પવાલાઆકારનો માળો બાંધે છે. લક્કડખોદ ઝાડના થડમાં ખાડો કરી માળો બનાવે છે. ઘુવડ ઝાડના પોલાણમાં માળો બનાવે છે. સુરખાબ રેતીમાં ખાડો ખોદી માળો બનાવે છે. સુઘરી કૂજાઆકારનો માળો ઝાડની ટોચ પર લટકતો રાખે છે. આ માળો ઘણાં પક્ષીઓ ભેગાં મળી, ઘાસ પાંદડાંનો ઉપયોગ કરીને બનાવે છે. દરજીડો પક્ષી બેથી ત્રણ મોટાં પાંદડાંઓને સીવી તેમાંથી એક સરસ માળો બનાવે છે. ચિલોત્રો(hornbill) સલામતીને અગ્રતા આપતો જણાય છે. તેથી ઝાડની બખોલમાં માદા 2થી 3 મહિના સુધી કેદ રહે છે. કારણ કે બખોલનું કાણું નર કાદવના પ્લાસ્ટરથી ઢાંકી દે છે અને તેમાં રહેલી માદાને હવા અને ખોરાક મળી રહે તેવું છિદ્ર માત્ર રાખે છે. આ રીતે ઈંડાંને દુશ્મનથી રક્ષણ મળે છે. જ્યારે માદા અંદર ઈંડાંનું સેવન કરે છે.

માળો બાંધ્યા બાદ સામાન્યપણે પક્ષીઓની માદા તેમાં ઈંડાં મૂકી સેવે છે. ઈંડાંને સેવવાનું કાર્ય મોટેભાગે માદાના ફાળે જાય છે. પરંતુ શાહમૃગ અને કબૂતરમાં કેટલાક સમયે નર પણ ઈંડાંને સેવતા હોય છે. સામાન્ય રીતે 10થી 20 દિવસના સેવન બાદ ઈંડાંમાંથી બચ્ચું નીકળે છે. તાજાં જન્મેલાં બચ્ચાંને પીછાં હોતાં નથી અને તેમાંથી કેટલાંક આંધળાં પણ હોઈ શકે છે. આવાં અસહાય બચ્ચાંઓને માબાપ ખોરાકનો કણ લાવી ખવડાવે છે. જ્યારે પેણ (pelican) તો પોતે પચાવેલો ખોરાક બચ્ચાંને ખવડાવે છે. બચ્ચાં મોટાં થયા પછી તેમને ઊડતાં કે તરતાં, ખોરાક મેળવતાં, શિકાર પકડતાં અને દુશ્મન સામે રક્ષણ મેળવતાં શીખવવાનું કામ તેનાં માતાપિતા કરે છે.

સસ્તન પ્રાણીઓમાં સામાન્યપણે ગર્ભનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે. જોકે માદા બતકચાંચ (duck bill platypus) નદીને કિનારે દર બનાવીને તેમાં ઈંડાં મૂકે છે. કીડીખાઉ પોતાના પેટ ઉપર આવેલી કામચલાઉ શિશુધાનીમાં ઈંડાં મૂકે છે. આ શિશુધાનીમાં ઈંડાંનો વિકાસ થઈ બચ્ચાં જન્મે છે. કાંગારુમાં અર્ધવિકસિત જન્મેલાં બચ્ચાં માદાની પેટ ઉપર આવેલી શિશુધાનીમાં વિકાસ પામે છે. શિશુધાનીમાં રહી સ્તનમાંથી સ્રાવ થતું દૂધ પીને બચ્ચું મોટું થાય છે. બચ્ચું પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવે તે પછી શિશુધાનીમાં રહેતું નથી. કૂતરાં, બિલાડાં, ઉંદર, ખિસકોલી અને સસલાં જેવાં સસ્તનોમાં તરત જન્મેલાં બચ્ચાંઓ નિ:સહાય હોય છે. તેમની કાળજી તેમની મા રાખે છે. ખિસકોલી, સુરક્ષિત જગ્યાએ પીછાં, કાપડનાં ચીંથરાં, રૂ વગેરેનો સુંવાળો માળો બાંધે છે. માતા તેનાં બચ્ચાંના શરીરને જીભ વડે ચાટીને સાફ રાખે છે. ખરીવાળાં પ્રાણીઓમાં બચ્ચાં વધારે વિકસિત જન્મે છે. તેમના શરીર પર વાળ હોય છે. આંખો ખુલ્લી હોય છે અને જન્મતાંની સાથે તેઓ માની સાથે દોડી પણ શકે છે. અને તેમની ઇન્દ્રિયો પણ વિકસિત હોય છે. હાથી જેવાં પ્રાણીઓ, બચ્ચાં પોતાનાં હોય કે બીજાનાં, સામૂહિક રીતે બાલસંભાળની જવાબદારી ઉપાડે છે. માનવી તો પોતાનાં બાળકોની તે પુખ્ત ઉંમરનાં પરણવાલાયક થાય ત્યાં સુધી કાળજી લેતો હોય છે.

યોગેશ મણિલાલ દલાલ