બાલસંભાળ (માનવ)

બાળકના ઉછેર વખતે રખાતી કાળજી. બાળકની જરૂરિયાત સંતોષાય ત્યારે તેનો સૌથી વધુ વિકાસ થાય છે. શિશુ તથા બાળકની સારી રીતે સંભાળ ન લેવાય તો તે રોગો અને માંદગીનો ભોગ બને છે. વળી તેની બહુ અવગણના થાય તો તેની સાંભળવાની કે જોવાની શક્તિ પણ જોખમાય છે. કુપોષણ અને માંદગીનો ભોગ બનવાથી બાળક અશક્ત બને છે, જલદી થાકી જાય છે, તે સ્વભાવે ચીડિયું બને છે. બાળકની શરૂઆતનાં વર્ષોમાં પ્રેમભરી સંભાળ લેવાથી તેનાં વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ સુંદર રીતે થાય છે અને ભવિષ્યમાં તે એક જવાબદાર વ્યક્તિ તરીકે જીવી શકે છે. તેથી બાલસંભાળ રાખવી અગત્યની છે.

બાળકનાં વૃદ્ધિ અને વિકાસ : બાળકની સંભાળમાં તેના કુટુંબની તથા ખાસ કરીને તેની માતાની જવાબદારી ઘણી મોટી હોય છે. બાળક શરૂઆતનાં પાંચ વર્ષમાં ઘણું શીખી શકે છે. બાલ્યાવસ્થાનો સમય ખૂબ જ ઝડપી વિકાસનો છે. તે સમયે બાળકનાં શારીરિક, માનસિક, સામાજિક અને બૌદ્ધિક વિકાસના પાયા નંખાય છે. તેના ચારિત્રનું ઘડતર થાય છે. માતા-પિતાએ આ વિકાસને સમજીને દરેક તબક્કે તેની જરૂરિયાત સંતોષવાની હોય છે; બાળકની વૃત્તિઓને સમજી તેને યોગ્ય રીતે પોષવાની હોય છે. એ રીતે બાળઉછેરનું જ્ઞાન બાળકના વિકાસમાં દીવાદાંડીનું કામ કરે છે.

‘વૃદ્ધિ’ શબ્દ બાળકનાં શારીરિક અંગોમાં થતા પરિવર્તનનો સૂચક છે. આ પ્રક્રિયા શરીરનાં બધાં અંગોમાં એકધારી આગળ વધતી નથી. જીવનના વિવિધ તબક્કે વૃદ્ધિની ગતિ ઓછી-વધતી થાય છે; વચ્ચે સ્થગિતતા પણ આવે છે. શારીરિક વૃદ્ધિ સાથે શારીરિક વિકાસ થતો રહે છે. બાળકનું શરીર, કદ અને વજનમાં તો વધે જ છે, તે સાથે તેના અવયવોના ઉપયોગની ક્રિયામાં પણ વધારો થાય છે. ઉપયોગની ક્ષમતામાં થતા વધારાને વિકાસ કહેવાય છે. વિકાસને કારણે બાળકના વર્તનમાં પરિવર્તન આવે છે. શારીરિક વિકાસ શારીરિક વૃદ્ધિથી ઘણો આગળ જાય છે.

અસ્થિપિંજરની વૃદ્ધિ : જન્મ સમયે બાળકનું શરીર કોમળ હોય છે. તેનાં હાડકાં નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. તેના શરીરમાં 270 નાનાં હાડકાં હોય છે. સાંધાઓ મજબૂત હોતા નથી. ઉંમર વધતાં હાડકાંનાં કદ, સંખ્યા અને બંધારણમાં ફેરફાર થાય છે. ઉંમર વધતાં નાનાં હાડકાં મોટાં હાડકાંમાં ભળી જાય છે. હાડકાંની સંખ્યા ઘટી 206 થાય છે. બાળકને મળતા પોષણ પર અસ્થિતંત્રની વૃદ્ધિનો આધાર રહે છે.

ઊંચાઈ અને વજનની વૃદ્ધિ : બાળપણથી કિશોરાવસ્થા સુધી વજન અને ઊંચાઈ સતત વધતાં રહે છે. જુદી જુદી અવસ્થામાં તેની ઝડપ વધતીઓછી થાય છે. શૈશવ-અવસ્થા અને કિશોરાવસ્થામાં વજન અને ઊંચાઈની વૃદ્ધિ ખૂબ ઝડપી હોય છે. 6થી 13 વર્ષમાં વૃદ્ધિની ગતિ મંદ હોય છે. ઊંચાઈ અને વજનનો યોગ્ય સંબંધ બાળકની તંદુરસ્તી સૂચવે છે. જન્મ-સમયે બાળકની ઊંચાઈ 16થી 20 ઇંચ જેટલી હોય છે. છોકરી કરતાં છોકરાની ઊંચાઈ સહેજ વધારે હોય છે. 10 વર્ષ સુધી છોકરા-છોકરીની ઊંચાઈમાં આવો તફાવત રહે છે. 18 વર્ષ સુધી છોકરાઓની અને 16 વર્ષ સુધી છોકરીઓની ઊંચાઈ વધે છે. પ્રથમ 6 માસમાં બાળકની ઊંચાઈ 5થી 6 ઇંચ વધે છે. પ્રથમ વર્ષમાં ઊંચાઈ 8થી 10 ઇંચ વધે છે. જન્મ સમયે તંદુરસ્ત બાળકનું વજન 2.67થી 3.56  કિગ્રા. હોય છે. છોકરીનું વજન છોકરા કરતાં 226થી 284 ગ્રામ ઓછું હોય છે. જન્મ પછી તુરત વજન થોડું ઘટે છે. પહેલા માસના અંત સુધીમાં વજન વધવાની શરૂઆત થાય છે. બાળક 6 માસનું થાય ત્યારે જન્મના સમય કરતાં બમણું અને વર્ષનું થાય ત્યારે તેનું વજન ત્રણગણું થાય છે. શરૂઆતનાં 10 વર્ષમાં છોકરી કરતાં છોકરાનું વજન વધુ હોય છે. પછીના ગાળામાં છોકરીનું વજન વધુ હોય છે. તરુણાવસ્થામાં છોકરાના વજનમાં ઝડપી વધારો થાય છે. છોકરી કરતાં છોકરાનું વજન વધી જાય છે. આ તફાવત કાયમી રહે છે. ઊંચાઈ અને વજન સતત માપવાથી તંદુરસ્તીનો ખ્યાલ આવે છે.

દાંતની વૃદ્ધિ : બાળકના ગર્ભના અંત-સમયમાં તેના પેઢામાં દાંતનાં મૂળ નંખાઈ ગયાં હોય છે. જન્મ પછીના છ માસ બાળકના દાંત ફૂટવાની શરૂઆત થાય છે. 4 વર્ષની ઉંમર સુધીમાં 20 દૂધિયા દાંત ફૂટી જાય છે. 7થી 9 વર્ષ સુધીમાં દૂધિયા દાંત પડી જાય છે અને કાયમી દાંત આવે છે. તે 32 હોય છે. 12થી 13 વર્ષની ઉંમરે બાળકને 28 દાંત આવી જાય છે. 4 ડહાપણની દાઢ 18થી 25 વર્ષની ઉંમરમાં આવે છે. છોકરીઓના કાયમી દાંત છોકરાઓ કરતાં વહેલા ઊગે છે.

અંગઉપાંગોની વૃદ્ધિ : બાળક જન્મે છે ત્યારે તેનું માથું શરીરના પ્રમાણમાં મોટું હોય છે. પુખ્ત બને ત્યાં સુધીમાં માથાની લંબાઈ શરીરના 10મા ભાગની બને છે. વિકાસની દિશા માથાથી ધડ તરફની હોય છે. માથાના પ્રમાણમાં હાથપગ નાના અને નાજુક હોય છે. છાતી અને પેટનો ઘેરાવો વધે છે. માથાના ઘેરાવામાં ફેરફાર થતો નથી. માથા અને શરીર પર કોમળ વાળ હોય છે. વાળ ધીરે ધીરે ખસી જાય છે. નવા વાળ આવે છે. અંગો પરની રુવાંટી ઘસીને કાઢી નાખવામાં આવે છે.

બાળકની આંખો પ્રકાશ ઝીલી શકતી નથી. 10થી 15 દિવસે તે ઝાંખો પ્રકાશ ઝીલી શકે છે. બાળકની આંખો પર તીવ્ર પ્રકાશ સીધો ન પડવો જોઈએ. બાળક ત્રણ માસનું થાય ત્યારે અવાજ તરફ તેનું ધ્યાન દોરાય છે. જન્મે કે તરત હોઠ અને જીભમાં સ્પર્શશક્તિ ધીરે ધીરે વધે છે. ચાર-પાંચ મહિને માતાના અને અન્ય વ્યક્તિઓના સ્પર્શ વચ્ચેનો ભેદ તે પારખી શકે છે. સ્વાદનો અનુભવ જલદી ઓળખી જાય છે. નાના બાળકનું શરીર હૃષ્ટપુષ્ટ અને દડીલું લાગે છે. ધીમે ધીમે તે પાતળું બને છે. બાળપણમાં પુરુષબાળક અને સ્ત્રીબાળકના બાહ્યાકારમાં તફાવત દેખાતો નથી. પુખ્ત ઉંમર થતાં જાતીય અંગોનો વિકાસ થાય છે ત્યારે આકારમાં ફરક પડે છે.

બાળવિકાસનો ક્રમ : બાળકની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા ગર્ભમાંથી જ શરૂ થાય છે. તે સળંગ પ્રક્રિયા છે. મનુષ્યના વિકાસના જુદા જુદા તબક્કાઓ છે. તે દરેકની વિશિષ્ટતા હોય છે.

(1) શૈશવાવસ્થા : જન્મથી બે, ત્રણ વર્ષ સુધીની તે ખૂબ જ ઝડપી અવસ્થા છે.

(2) બાલ્યાવસ્થા (કિશોરાવસ્થા) : આ અવસ્થા 2થી 12, 13 વર્ષની ઉંમર સુધીની છે. આ અવસ્થાના 3 પેટા વિભાગો છે :

(અ) શાળા પહેલાંનો તબક્કો – 3થી 6 વર્ષનો

(બ) પ્રાથમિક શાળાનો તબક્કો – 6થી 9 વર્ષનો

(ક) માધ્યમિક શાળાનો તબક્કો – 9થી 12 વર્ષનો. આ અવસ્થામાં વિકાસની ઝડપ ઘટે છે.

(3) તરુણાવસ્થા : 12 કે 13 વર્ષથી શરૂ થઈ વ્યક્તિ પુખ્ત થાય ત્યાં સુધીની.

(4) પુખ્તવાસ્થા : 17 કે 18 વર્ષની ઉંમરે આ તબક્કો શરૂ થાય છે.

(5) પ્રૌઢાવસ્થા : 40થી 60 વર્ષ સુધીની.

(6) વૃદ્ધાવસ્થા : 60થી મૃત્યુ સુધીની.

બાળકને સમજવા માટે દરેક તબક્કાના વિકાસને સમજવો જોઈએ.

હલનચલનનો વિકાસ : 2થી 5 વર્ષનો ગાળો બાળકના હલનચલનના વિકાસ માટે ઘણો મહત્વનો હોય છે. આ સમય દરમિયાન તે અનેક જુદી જુદી ક્રિયાઓમાં કૌશલ્ય કેળવે છે. પહેલા 2 વર્ષમાં સ્નાયુનો વિકાસ સારો થાય છે. ધડ અને હાથપગના સ્નાયુઓ પરિપક્વ થતાં બાળક બેસતાં, રમતાં અને વસ્તુ પકડતાં શીખે છે. પહેલાં માથાના, પછી હાથ અને ધડના અને છેલ્લે પગના સ્નાયુઓ પર કાબૂ મેળવે છે. મોટા સ્નાયુઓનો વિકાસ પ્રથમ થાય છે; પછી નાના સ્નાયુઓનો વિકાસ થાય છે. પગના સ્નાયુનો વિકાસ થતાં બાળક દાદરા ચડવા, ઊતરવા, કૂદકા મારવા, દોરડાં કૂદવાં, સાઇકલ ચલાવવી જેવાં કાર્ય કરી શકે છે.

નવજાત શિશુ શરૂઆતમાં ઊંઘતું જ હોય છે. ભૂખ લાગે ત્યારે ઊઠે છે. પ્રથમ માસમાં દાઢી ઊંચી કરી શકે છે; આંખો ખોલી શકે છે; પ્રકાશ ઝીલી શકે છે. બીજા માસમાં છાતી ઊંચી કરી શકે છે; હસીને આનંદ વ્યક્ત કરે છે. ત્રીજા માસમાં પદાર્થને પકડવા પ્રયત્ન કરે છે; હાથપગ ઉછાળે છે. ચોથા માસમાં ઊંધું પડે છે; હાથપગની હિલચાલ વધે છે; ફરે છે; ટેકા સાથે બેસી શકે છે. 5, 6 માસનું બાળક વધુ કિલકિલાટ કરે છે; ધાંધલિયું બને છે; થોડો વખત બરાબર બેસી શકે છે; પદાર્થ પકડતું થાય છે. 7-8 માસનું બાળક લાંબો સમય બેસી શકે છે. પગના જોરે ખસતું થાય છે. 9 માસનું થતાં ઘણાં બાળકો ઘૂંટણિયાભેર ચાલતાં થઈ જાય છે. 10 માસ થતાં બાળક હાથ પકડી ઊભું થાય છે. 11 માસે તે હાથ પકડીને ડગલાં ભરે છે; ફર્નિચરને આધારે ચાલે છે.

એક વર્ષનું થતાં બાળક ઘણુંખરું ચાલે છે. સવા વર્ષ સુધીમાં બાળકો એકલાં ચાલતાં હોય છે. દોઢ બે વર્ષનું બાળક પગથિયાં ચડી શકે છે. હલકાં રમકડાં, બૉલ ફેંકી શકે છે. અઢી વર્ષનું બાળક પગથિયાં ઊતરવાં, કૂદકા મારવા, બ્લૉક્સ ગોઠવવા વગેરે ક્રિયાઓ સારી રીતે કરી શકે છે. 3 વર્ષ પછી બાળક બટન ખોલવાં, મણકા પરોવવા, પેન્સિલ કે પીંછી પકડવી વગેરે ક્રિયાઓ કરી શકે છે. 4 વર્ષનું બાળક સાઇકલ ચલાવવી, લપસવું, કૂદવું વગેરે ક્રિયાઓ કરી શકે છે. 5 વર્ષના બાળકમાં આંગળાના સ્નાયુઓ પર કાબૂ આવે છે. પેન પકડવી, નાનાં નાનાં કામ કરવાં, પાનાં ફેરવવાં, ચિત્ર દોરવું, કાતરકામ જેવાં નાના સ્નાયુનાં કાર્ય કરી શકે છે. દરેક બાળકના વિકાસમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે.

આવેગિક વિકાસ : ક્રોધ, ભય, ઈર્ષા, પ્રેમ, આનંદ વગેરે આવેગોને ભાવાવેગો કહે છે. તે બાળકના જીવનઘડતર માટે અગત્યના છે. આવેગો સારા તેમજ નરસા હોય છે. આવેગો મનુષ્યના વર્તનમાં પ્રેરણાદાયી નીવડે, કાર્યને આગળ વધારવા પ્રોત્સાહિત કરે અને સર્જનાત્મક શક્તિ પણ આપે. મનુષ્યના કાર્યમાં વિઘ્નરૂપ થાય તેવા આવેગો ખંડનાત્મક લેખાય છે. નાનપણથી જ આવેગો અને લાગણીઓનું યોગ્ય ઘડતર થાય અને તેનો યોગ્ય વિકાસ થાય તો તેનાથી બાળકનું ભાવિ જીવન સમતોલ બને છે; સામાજિક અને વ્યક્તિગત અનુકૂલન સાધવામાં મદદ મળે છે. લાગણીઓ બૌદ્ધિક ક્ષમતા પર અસર કરે છે. અતિ લાગણીશીલતા ને ચિંતા કાર્યના ઉત્સાહને હણી નાખે છે; બાળકની ગ્રહણશક્તિ ઘટાડે છે. આવા અનિચ્છનીય આવેગો અને લાગણીઓની અસ્થિરતાનો વિકાર બાળકને અપરાધ કરવા પ્રેરે છે. સમાજ તેમને સ્વીકારતું નથી. મોટપણે બાળક ઉદ્ધત અને બંડખોર બને છે. બીક, ગુસ્સો અને અદેખાઈ બાળક સમજણું થાય તે પહેલાં દેખાય છે.

આ ત્રણેય ખંડનાત્મક લાગણીઓ છે. તેમનું યોગ્ય ઘડતર થવાથી બાળકના વિકાસ પર ખરાબ અસર થતી નથી. આમ આવેગો અને લાગણીઓની બાળકના શારીરિક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ પર ઘેરી અસર પડે છે.

સામાજિક વિકાસ : બાળક જન્મે છે ત્યારે તે સામાજિક હોતું નથી. સામાજિક વર્તન બેથી વધારે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા દ્વારા શિખાય છે. સામાજિક વર્તન એટલે અન્ય વ્યક્તિની હાજરીમાં તેની સાથે થતું વર્તન. ત્રીજા માસની શરૂઆતથી, બંધાતી જતી સામાજિક ભૂમિકામાં બાળક પોતાની આસપાસમાં આવતી જતી વ્યક્તિઓ તરફ નજર માંડે છે; તેમના અવાજ તરફ ધ્યાન આપે છે અને વ્યક્તિને જોતાં હસે છે ને હાથપગ પણ હલાવે છે. 5-6 માસનું બાળક વ્યક્તિના અવાજમાં થતું પરિવર્તન જાણી શકે છે. તેને બીજા રમાડે કે ફેરવે તે તેને ગમે છે. તે પ્રથમ માતાને અને પછી કુટુંબની વ્યક્તિઓના ચહેરાઓને ઓળખી શકે છે. 8-10 માસનું બાળક મોટાં સાથે છૂટથી રમે છે; મોટાંના અવાજનું અનુકરણ કરે છે. પ્રિય વ્યક્તિની હાજરીમાં બાળક ખીલે છે. જુદા અવાજો, ચાળાઓ દ્વારા તે બીજાનું ધ્યાન ખેંચે છે અને નાપસંદગી પણ દર્શાવે છે.

વર્ષના અંતભાગમાં બીજાં નાનાં બાળકો પ્રત્યે તે ધ્યાન આપે છે. બીજાં બાળકોનાં રમકડાં ઝૂંટવી લેવા તે પ્રયત્ન કરે છે; વાળ કે કપડાં ખેંચે છે; પણ તે બીજાં બાળક સાથે રમતું નથી. દોઢ વર્ષ બાદ બીજાં બાળકો સાથે તે રમતું થાય છે. બે વર્ષનું બાળક બીજાં બાળકો સાથે હસે છે, નાચે છે અને એમ તેનું શરમાળપણું ઓછું થાય છે.

અઢી-ત્રણ વર્ષના બાળકમાં અહં, મારાપણાની ભાવના ખૂબ હોય છે. પોતાની વસ્તુ પર તે પ્રભુત્વ જમાવે છે. તે નાનાં નાનાં કામ કરી શકે છે. ઘર ઉપરાંત આડોશ-પાડોશનાં માણસો સાથે તે સંબંધ ધરાવતું થાય છે. તેનામાં આપ-લેની વૃત્તિ કેળવાય છે. 4-5 વર્ષનું બાળક સમૂહમાં રમે છે. તેના સાથીદારો બદલાતા રહે છે. તેને જાતિ, વર્ણ, આર્થિક સ્થિતિના ભેદભાવ હોતા નથી. બીજાનાં ભાવ-લાગણી સમજી શકે છે. તે પોતાની લાગણી પણ વ્યક્ત કરે છે.

બાળક 6 વર્ષનું થતાં તેનું મિત્રવર્તુળ વધે છે. 6થી 10 વર્ષ દરમિયાન તે સામાજિક બંધનો, ધોરણો સ્વીકારી શકે છે; પોતાનાં હક્કો સાથે ફરજો પ્રત્યે જાગ્રત બને છે અને નાનાં ભાઈબહેનની સંભાળ રાખી શકે છે. 10-12 વર્ષના બાળકને જૂથમાં રહેવું ગમે છે. પોતાના જૂથને તે વફાદાર રહે છે. જૂથના વડાનો હુકમ માને છે. આ ગાળા દરમિયાન છોકરા-છોકરીઓનાં જૂથો અને પ્રવૃત્તિઓ જુદાં પડે છે.

ભાષાકીય વિકાસ : ભાષા પ્રતીકોની બનેલી એક વ્યવસ્થા છે; જેના દ્વારા અમુક નિશ્ચિત ચીજો, સંબંધો, ક્રિયાઓ અને લાગણીઓ વ્યક્ત થાય છે. ભાષાના માધ્યમથી વિવિધતા ધરાવતા સંદેશાઓ મોકલી શકાય છે અને મેળવીને સમજી શકાય છે. એકબીજા સાથે વ્યવહાર કરવામાં ભાષા મદદરૂપ બને છે. લોકો સાથે સામાજિક રીતે સંબંધ જોડવામાં તે મદદરૂપ થાય છે; વિચારશક્તિ, સમજશક્તિ અને સ્મૃતિનો તે વિકાસ કરે છે.

પ્રારંભમાં બાળક રડવાથી સંદેશા આપે છે. એક માસનું થતાં તે સૌમ્ય અવાજો કરી શકે છે. 6થી 10 માસનું થતાં તે અસ્પષ્ટ શબ્દો બોલે છે. ‘મા’, ‘દા’ જેવા શબ્દો તે વારંવાર બોલે છે. તેનું શબ્દભંડોળ 3થી 8 શબ્દોનું હોય છે. તેના એક શબ્દનું કાર્ય એક વાક્ય જેવું હોય છે. ભાષાકીય વિકાસમાં જૈવિક અને પરિસ્થિતિજન્ય પરિબળોનો પ્રભાવ દેખાય છે.

બાળકની ટેવો, તેનું ઘડતર અને રમતો : બાળક જન્મે છે ત્યારે કોરી પાટી જેવું હોય છે. બાળપણમાં જે સંસ્કાર, ટેવો પડે છે તે કાયમી રહે છે. નાનપણથી સારી ટેવોનું આરોપણ કરવામાં ન આવે તો બાળકના વ્યક્તિત્વનું ઘડતર યોગ્ય રીતે થતું નથી. સારી ટેવો જીવનને સુંદર, સરળ અને સુખી બનાવે છે. સારી ટેવને કારણે કાર્ય સરળ, સહજ બની જાય છે. બાળક નાનું હોય ત્યારથી જ સારી ટેવો પડે તે માટે માબાપે સજાગ રહેવું જોઈએ. સારી ટેવોને લીધે બાળકનું શરીર-સ્વાસ્થ્ય સારું રહે છે.

બાળક જન્મે છે ત્યારે તેનો મુખ્ય આહાર માતાનું દૂધ હોય છે. માતાએ બાળકની તંદુરસ્તી જાળવી રાખવા તેને નિયમિત સ્તન્યપાન કરાવવાનું રહે છે. બે સ્તન્યપાન વચ્ચેનો ગાળો ત્રણથી ચાર કલાકનો રાખવો જરૂરી હોય છે. સ્તન્યપાન માતાએ શાંતિથી બાળકને ખોળામાં લઈને 15 મિનિટ સુધી કરાવવું હિતાવહ છે. સૂતાં સૂતાં સ્તનપાન કરાવવું યોગ્ય નથી. બાળકને ઉપરનું દૂધ આપવું પડતું હોય તો દૂધના સમય અને પ્રમાણની નિયમિતતા જાળવવી જરૂરી બને છે. દૂધનું પ્રમાણ, બાળક તે પચાવી શકે અને તેની તંદુરસ્તી સારી રહે તેટલું રાખવું ઇષ્ટ છે. બાળક ખોરાક લેતું થાય ત્યારે ખાવાપીવાનાં વાસણો તેમજ હાથ સ્વચ્છ હોય એ જરૂરી છે. જમ્યા પછી બાળક બરાબર હાથ-મોં ધુએ અને ધીમે ધીમે શાંતિથી જમે તેવી તેને ટેવ પાડવી આવશ્યક છે.

બાળકને શરૂઆતથી એકલું સુવાડવાની ટેવ પાડવાથી તેને અંધારાની બીક લાગતી નથી. વળી રોજ નિયમિત નિશ્ચિત સમયે તેને સુવાડવું જરૂરી છે. બાળક જ્યારે ગુસ્સામાં હોય કે દુ:ખી હોય ત્યારે તે દશામાં તેને ન સુવાડાય એની તકેદારી પણ ઇચ્છનીય છે. બાળકને તે શાંત પડે પછી જ સ્વચ્છ નરમ કપડાં પહેરાવી સુવાડાય એ ઇષ્ટ છે.

નાના બાળકનો વ્યાયામ એટલે ઓછામાં ઓછાં કપડાં પહેરાવી બાળકને ગોદડી પર છૂટથી રમવા દેવો. બાળક હાથપગ હલાવી ઉછાળે છે. કિલકિલાટ કરી રમે છે. આ તેની સ્વાભાવિક કસરત છે. બે-ત્રણ વર્ષનાં બાળકને દોડવું, ચડવું, ઊતરવું, ખોદવું વગેરે ક્રિયાઓ ગમે છે. ખુલ્લી જગ્યામાં ફરવાનું પણ તેને ગમે છે.

બાળકને નાનપણથી જ કુદરતી હાજતો અંગેની સ્વચ્છતા અને નિયમિતતાની ટેવ પાડવી હિતાવહ છે. કુદરતી હાજતોની નિયમિતતા પર બાળકના સ્વાસ્થ્યનો આધાર રહેલો હોય છે.

રમત બાળકની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને તેના વિકાસનું માધ્યમ પણ છે. બાળકના જ્ઞાનાત્મક વિકાસને, કલ્પના અને સર્જનશક્તિને, શારીરિક અને ચેષ્ટાત્મક વિકાસને તે પ્રોત્સાહન આપે છે. ભાષાવિકાસ, સામાજિક વિકાસ અને સાંવેગિક વિકાસમાં તે મદદ કરે છે. બાળકો મુક્ત અને નિયત રમતો, બહારની અને અંદરની રમતો, વ્યક્તિગત અને જૂથ-રમતો, ચપળ અને શાંત રમતો, સંવેદનયુક્ત ગતિશીલ અને પ્રતિકારક રમતો એમ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. રમત પર ઉંમર, જાતિ, સંસ્કૃતિ, સામાજિક વર્ગ-સંદર્ભ, જીવવિજ્ઞાન, આસપાસનું વાતાવરણ, ર્દશ્ય-શ્રાવ્ય સાધનો વગેરે પરિબળો અસર કરે છે. રમતથી બાળક પ્રસન્નચિત્ત રહે છે અને તેનામાં નૈતિક ગુણોનો વિકાસ થાય છે. બાળકમાં મિલનસારપણું, સહકારની વૃત્તિ, સમભાવ અને સરસાઈ કરવાની વૃત્તિ ખીલે છે. રમત દ્વારા તેઓ સામાજિક જીવનની તૈયારી કરે છે. માતાપિતાએ બાળકને રમત છૂટથી રમવા મળે તે માટે તેને બને તેટલી મદદ કરવી આવશ્યક છે. બાળકના વિકાસક્રમને સમજીને યોગ્ય રમકડાં આપવાથી તેનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે છે. પગની સાઇકલ એ તેની પહેલી રમત છે. તેમ કરતાં કોઈ અટકાવે તે તેને ગમતું નથી. ચત્તું સૂતેલું બાળક ઊંધું થાય, પેટે ચાલે, કપડાના કે કાગળના ડૂચાથી રમે, ઘુઘવાટ કરે એ તેની સ્વાભાવિક રમત છે. આ રમતોમાં જ તેનાં વ્યાયામ અને વિકાસ સમાયેલાં છે.

બાળક થોડું મોટું થતાં તેને હાથમાં કંઈક પકડવાનું ગમે છે. વસ્તુનો આકર્ષક રંગ હોય, અવાજ થતો હોય અને તે હલનચલન કરનારી હોય તો તે વસ્તુ તરફ બાળક આકર્ષાય છે. રંગીન ઘૂઘરા, દડા, રંગીન મોર, ચકલીઓ, ફુગ્ગા પારણે લટકાવવાથી તેમને જોવાની અને તેમને પકડવાના પ્રયત્નો કરવાની બાળકને મજા પડે છે.

બાળક ચાલતું થાય ત્યારે લાકડાનાં પ્રાણીઓ, ગાડીઓ, મોટરો વગેરે ચાલતાં – ગતિ કરતાં રમકડાં તેને રમવા માટે અપાય છે. દાંત આવતાં હોય તે સમયે રંગ ઊતરે તેવાં કે કોઈક રીતે નુકસાનકારક પદાર્થનાં, રબ્બરનાં કે પ્લાસ્ટિકનાં રમકડાં તેને ન અપાય એ જરૂરી છે. વળી બાળકમાં વસ્તુ ફેંકવાની વૃત્તિ હોવાને કારણે તેને ન તૂટે તેવાં રમકડાં અપાય એ ઇચ્છવાયોગ્ય છે.

2 વર્ષનું થતાં બાળક અનુકરણ કરે છે; તેથી તેને ઢીંગલીઓ, નાનાં નાનાં વાસણો, માતા જે કામ કરે છે તે સાધનોનાં નાના નમૂનાઓ રમકડાં તરીકે આપવાં એ યોગ્ય છે. બાળક 3 વર્ષનું થતાં સમૂહમાં રમે છે. છોકરા-છોકરીના ભેદનું તેને ભાન હોતું નથી. વધુ મોટું થતાં આંગણામાં તે છૂટથી રમે છે. બાળકને બાળ-ક્રીડાંગણમાં કે મેદાનમાં થોડી વાર રમવા મોકલવું એ હિતાવહ છે.

બાળક 4-5 વર્ષનું થતાં ગિલ્લી-દંડા, દડા વગેરેથી રમે છે. પઝલબૉક્સ, મેકેનો જેવી બુદ્ધિગમ્ય રમતો રમવી પણ તેને ગમે છે. તે ઘનનો ઉપયોગ કરીને ટાવર, પુલ, મકાન, મંદિર બનાવી શકે છે. ચિત્રોની ચોપડીઓ પણ તેને ગમે છે. વળી ક્રેયનથી ચિત્રોમાં રંગ પૂરવા તે પ્રેરાય છે. ગીતો ગાવાં, વાર્તાઓ સાંભળવી વગેરે ક્રિયાઓમાં તે ઉત્સાહથી ભાગ લે છે. તેને સમૂહરમતોમાં પણ રસ પડે છે. આ તબક્કે થોડી હરીફાઈની લાગણી પણ તેનામાં શરૂ થાય છે.

લગ્ન અને કૌટુમ્બિક સંબંધો : બાળકોને કુદરતી રીતે જ માબાપ તરફથી સારો આવકાર મળે એ જરૂરી છે. તે માટે માતાપિતામાં આનંદ અને ઉત્સાહ પણ અપેક્ષિત છે. મા-બાપ વચ્ચેનો મીઠો સંબંધ, બંનેનું સુખ-સંતોષભર્યું દામ્પત્યજીવન બાળકના આગમન માટે ઔર્મિક વાતાવરણ ઊભું કરે છે. બાળકના ઉત્કર્ષ માટે તંદુરસ્ત વાતાવરણની આવશ્યકતા રહે જ છે, જે માબાપના સમજપૂર્વકના પારસ્પરિક સંબંધથી ઉત્પન્ન થાય છે. તે બાળકની પ્રતિભાની ખિવલણીમાં ઘણો અગત્યનો વિધેયાત્મક ભાગ ભજવે છે.

કેટલાંક માબાપ બાળકની બાબતમાં સ્પષ્ટ નીતિરીતિ કે જરૂરી આત્મવિશ્વસ ધરાવતાં હોતાં નથી. તેઓ બાળકને આનંદ-ખુશીથી આવકારી શકતાં નથી અને તેની બાળકના ઉછેરને ગંભીર હાનિ પહોંચે છે. કેટલાંક માતાપિતા અહંકેન્દ્રી હોય છે. તેમની મોજમજામાં કારકિર્દીમાં, મુસાફરીમાં, સિનેમા-નાટક અને ક્લબ-નિર્ભર જીવનમાં, હરવા-ફરવામાં, સામાજિક પ્રવૃત્તઓમાં બાળકનું આગમન કાપ મૂકશે એવું તેમને લાગે છે અને તેથી તેઓ બાળકનું આગમન રોકે છે અથવા બાળક આવ્યું હોય તો તેના ઉત્કર્ષ માટે જરૂરી નરવું વાતાવરણ ઊભું કરી શકતાં નથી.

બાળકના સુર્દઢ અને સુગ્રથિત વિકાસ માટે તેનાં માતાપિતાએ પૂરતી સુસજ્જતા મેળવી લીધી હોય એ જરૂરી છે. બાળકની માંગોને સમજે, તેની યોગ્ય માંગો પોષવા તત્પર રહે, બાળકની દરેક પ્રવૃત્તિમાં રસ લે, તેનાં રસ-રુચિને તેમજ શક્તિ-આવડતને પોષવા-વિકસાવવા પ્રયત્ન કરે એ અપેક્ષિત છે. બાળક આત્મવિશ્વસુ બને, આત્મસંયમી અને આત્મબળવાળો બને તેવા પ્રયત્નો માતાપિતા દ્વારા કરાય તે આવશ્યક છે. સમજુ માતાપિતા બાળકની સફળતામાં રાચે છે અને ગૌરવ લે છે. તેઓ માતા-પિતા બનવાના લહાવાનો અનુપમ આનંદ અને આત્મસંતોષ માણે છે.

બાળક અને માબાપ વચ્ચેના સંબંધો : બાળક પ્રત્યેનો અણગમો કે દુર્લક્ષતા તેની પ્રતિભાને હાનિ પહોંચાડે છે. બાળકના વિકાસ માટે અગત્યની જરૂરિયાત માબાપના પ્રેમની છે. તેના વિના બાળક નિર્બળ, ડરપોક, અસહાય અને અસ્થિર બને છે. માબાપ ઘણી વખત બે-ત્રણ બાળકોમાંથી એકાદ પ્રત્યે પક્ષપાત કે રોષ ધરાવે એવુંય બને છે. એક બાળકની સરખામણીમાં બીજાની ટીકા કરવી, તેને ઉતારી પાડવું કે તેનું અપમાન કરવું, હાંસી ઉડાવવી અને એ રીતે તેના પ્રત્યે અણગમો દાખવવો એ જરાયે યોગ્ય નથી. એવું કરવાથી આઘાત પામેલું બાળક અદેખું બને છે અને વિકૃત વર્તન દાખવે છે.

બાળકના વ્યક્તિત્વનાં વિકાસ કે રૂંધામણ માબાપના બાળક સાથેના વર્તન-વ્યવહાર પર નિર્ભર છે. માબાપ દ્વારા બાળઉછેર કરવા માટેની જુદી જુદી અનેક રીતો હોય છે.

માબાપના બાળક પ્રત્યેના દુર્વ્યવહારના પડઘા કે પ્રત્યાઘાત બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં પડતા જ હોય છે. કેટલાંક માબાપ બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર કરે છે ત્યારે કેટલાંક તેનો સ્વીકાર કરવામાં સંકોચ પણ અનુભવે છે.

માબાપે બાળકને અપનાવવા માટે નરમ તેમજ ર્દઢ, ભાવનાશીલ છતાં વાસ્તવિક બનવું જરૂરી હોય છે. બાળકને પ્રેમ કરવો, તેમને સુરક્ષિત રાખવાં, તેમનો સહવાસ માણતાં રહેવું – આ બધું માબાપ માટે અનિવાર્ય લેખાય છે.

કેટલાંક માબાપને પોતાની કારકિર્દી કે આર્થિક પરિસ્થિતિ ખાતર, તેમજ વધુ બાળકો હોવાને કારણે બાળકો પ્રત્યે આંતરિક રીતે અણગમો હોય છે; જે તેમના વર્તનમાં પણ પછી દેખાઈ આવે છે. વળી તેઓ તેમની આંતરિક લાગણી કરતાં વિરુદ્ધ વર્તન પણ દાખવતાં હોય એવું પણ બને છે. બાળકને વધુ પડતાં લાડ કરે, તેમને શરતી પ્રેમ આપે, તેમને વધુ પડતું રક્ષણ આપે, તેમનાં તોફાન બંધ કરવા તેમની બધી જ માંગો પૂરી કરે તો તે બધાંથી બાળક પાંગળું કે નબળુંયે બને એવો સંભવ રહે છે.

બાળકની સંભાળ અને તેનું સ્વાસ્થ્ય : બાળકની તંદુરસ્તીનો પ્રશ્ન બાળક ગર્ભરૂપમાં હોય ત્યારથી જ શરૂ થઈ જાય છે. માતા જો તન અને મનથી સ્વસ્થ હોય તો બાળક પણ સ્વસ્થ જન્મે છે. માતાએ પૌષ્ટિક આહાર લેવો, માનસિક રીતે શાંત રહેવું તથા ધૂમ્રપાન અને દારૂનું સેવ ન કરવું જરૂરી છે. ધૂમ્રપાન કરવાથી બાળક ઓછા વજનવાળું જન્મે છે. વળી મદ્યપાનથી ગર્ભની આંખો, કાન અને હૃદયની વિકૃતિ થઈ શકે છે. કેફી પદાર્થના સેવનથી બાળકમાં ચીડિયાપણું, ધ્રુજારી કે આંચકી, ઊલટી-ઝાડા, શ્વાસ લેવામાં મુશ્કેલી વગેરે તકલીફોની શક્યતા વધી જાય છે. સગર્ભાવસ્થા દરમિયાન લેવાયેલી દવાઓની પણ કેટલીક વાર નુકસાનકારક અસર થઈ શકે છે. માતા જો ખુશ અને તાણમુક્ત રહે તો આવનાર બાળકનું સ્વાસ્થ્ય બધી રીતે સારું રહે છે.

પ્રથમ વર્ષમાં બાળકને માંદગી જલદી આવે છે. તેને રોગોથી બચાવવા સંપૂર્ણ આહારની જરૂર રહે છે. તેને જરૂરી રસીઓ આપવાની રહે છે. વળી થોડા થોડા સમયને અંતરે તેની વૃદ્ધિની તપાસ પણ કરાવવી હિતાવહ છે.

નવજાત શિશુનો આહાર માતાનું દૂધ છે. શરૂઆતમાં તે દૂધ થોડું પીએ છે, પણ મોટું થતાં તેનું પ્રમાણ વધતું જાય છે અને દિવસમાં પાંચ-છ વાર દૂધ પીતું થાય છે. ચાર માસના શિશુને જો માતાના દૂધમાંથી પોષકતત્વો પૂરાં ન થતાં હોય તો પૂરક આહાર આપવો જરૂરી થાય છે. શરૂઆતમાં બાળકને પૂરક આહાર પ્રવાહી સ્વરૂપનો અપાય છે. તેમાં ફળોનો રસ, શાકભાજીનો પાતળો સૂપ વગેરે બે-ત્રણ ચમચી અપાય છે. બાળકને છથી આઠ માસની ઉંમર થતાં અર્ધઘટ્ટ આહાર અપાય છે. તેમાં રાબ, મસળેલાં શાક અને છૂંદેલાં ફળોનો રસ વગેરે અપાય છે. બાળકને દિવસમાં ત્રણ વાર પૂરક આહાર અપાય એ ઇષ્ટ છે. દાંત આવવાના સમયે થોડી કડક વસ્તુઓ, બિસ્કિટ, ગાજરના ટુકડા વગેરે આપવામાં આવે તો તેથી તેનાં પેઢાંને કસરત મળે છે. તેને તીખો, મસાલાયુક્ત અને તપેલો ખોરાક અપાતો નથી. વળી પૂરક આહાર બારીક અને સુપાચ્ય હોવો આવશ્યક છે. પૂરક આહાર લેવા માટેની દરેક બાળકની પસંદગી અલગ અલગ હોય છે.

બાળકને ડિફ્થેરિયા, ઉટાંટિયું, ધનુર, પોલિયો, ટી.બી., ઓરી જેવા રોગોથી બચાવવા રસીઓ આપવામાં આવે છે. યોગ્ય ઉંમરે અને સમયે રસી અપાય તો બાળક ઘણા ચેપોથી બચી શકે છે.

બાળકનો ઉંમર પ્રમાણે વિકાસ થાય છે કે નહિ તે નક્કી કરવા થોડા થોડા સમયને અંતરે તેની તબીબી તપાસ પણ કરાવાય તે જરૂરી છે. બાળકનાં યોગ્ય વૃદ્ધિ-વિકાસની જાણ જો પહેલેથી થાય તો તેનાં ઉપચાર અને માવજત પણ યોગ્ય રીતે કરી શકાય છે.

અંજના ગાંધી

શીલા નાણાવટી