બર્નસ્ટાઇન, એડુઅર્ડ

January, 2000

બર્નસ્ટાઇન, એડુઅર્ડ (જ. 6 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની; અ. 18 ડિસેમ્બર 1932, બર્લિન, જર્મની) : અગ્રણી જર્મન ઇતિહાસકાર અને સમાજવાદી ચિંતક. તેમણે સમાજવાદને નવા સંદર્ભમાં અભિવ્યક્ત કર્યો અને લોકશાહી – ઉત્ક્રાંતિવાદી સમાજવાદનો પાયો નાંખ્યો. જન્મ યહૂદી કુટુંબમાં. પિતા ઇજનેર તથા કાકા આરોન બર્નસ્ટાઇન પ્રગતિશીલ વર્તમાનપત્રના સંપાદક હતા. આ વર્તમાનપત્ર કામદારોનો બહોળો વાચકવર્ગ ધરાવતું હતું. યુવા વયના એડુઅર્ડ બર્નસ્ટાઇનને તેમના કાકાએ કામદારો અંગેની પ્રવૃત્તિઓમાં પળોટવા માંડ્યા હતા.

22 વર્ષની વયે બૅંકના કારકુન તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી અને તેઓ સોશિયલ ડેમોક્રૅટિક પાર્ટીમાં જોડાયા. આ દરમિયાન ઉદ્દામ માર્કસવાદને બદલે વ્યવહારુ સમાજવાદ તરફ તેઓ આકર્ષાયા. બિસ્માર્કના સમાજવાદવિરોધી કાયદાઓનો તેમણે સખત વિરોધ કર્યો, જેને પરિણામે, તેમને જર્મનીમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા. આથી તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં વસવાનું નક્કી કર્યું. ત્યાં સમાજવાદી પક્ષની ભૂગર્ભ પ્રવૃત્તિઓના સામયિક ‘ધ સોશિયલ ડેમોક્રૅટ’ની ઝૂરિચ ખાતેની આવૃત્તિના તેઓ સંપાદક બન્યા, પરંતુ બિસ્માર્કની સૂચનાથી તેમને ત્યાંથી પણ દેશનિકાલ કરવામાં આવ્યા. આથી તેમણે લંડન જઈ ત્યાંથી ઉપર્યુક્ત સામયિકનું સંપાદન ચાલુ રાખ્યું. ત્યાંના વસવાટ દરમ્યાન તેઓ સમાજવાદના ક્રમશ: વિકાસની તરફેણ કરનાર ફેડરિક એન્જલ્સ અને ફેબિયન સમાજવાદીઓના ગાઢ પરિચયમાં આવ્યા. આ નવા પરિચયથી સમાજવાદમાં પરિવર્તન આણવાના તેમના વિચારો વધારે ર્દઢ બન્યા અને તેઓ માર્કસની સામ્યવાદી વિચારધારાની પુનર્વિચારણાની હિમાયત કરનારા પુનરાવૃત્તિવાદના પુરસ્કર્તા બન્યા.

માર્કસના સમાજવાદના વિચારો સાથે તેઓ સંમત હતા, પરંતુ સમાજવાદ સ્થાપવાની પદ્ધતિ અંગે માર્ક્સ અને તેમની વચ્ચે મહત્વના મતભેદો હતા. માર્કસ દ્વારા સૂચિત ક્રાંતિકારી પરિવર્તનને બદલે તેઓ આર્થિક પ્રગતિથી સમગ્ર સમાજવ્યવસ્થાનો ઢાંચો ક્રમશ: બદલવાના હિમાયતી હતા. તેઓ માનતા કે લોકશાહીને વ્યાપક બનાવીને સાર્વત્રિક મતાધિકારનો લાભ લઈને, નાગરિકોને સમાજમાં ભાગીદારીની તક આપીને, મજૂરમંડળોનો સક્રિય ઉપયોગ કરીને તથા કાયદાની મદદ લઈને ક્રમશ: અને તબક્કાવાર પરિવર્તન લાવી શકાય. આમ ધીમે ધીમે મૂડીવાદ નાબૂદ કરીને સમાજવાદની સ્થાપના કરી શકાય. આ કામમાં જરૂર પડ્યે વિશાળ બુર્ઝ્વા વર્ગનો સાથસહકાર પણ લઈ શકાય એવી તેમની માન્યતા હતી.

વિવિધ લેખશ્રેણીઓ દ્વારા તેમજ 1898ની સ્ટટગાર્ટ (Stuttgert) ખાતેની સોશિયલ ડેમોક્રૅટિક પાર્ટીની સભામાં પણ તેમણે પોતાની આ વિચારસરણીથી લોકોને વાકેફ કર્યા હતા.

1901માં તેઓ જર્મનીમાં પાછા ફર્યા અને 1902માં જર્મન સંસદમાં (રીચસ્ટાગમાં) પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ 1928 સુધી તેઓ સતત ધારાસભામાં ચૂંટાતા રહ્યા. આ સમય દરમિયાન તેમના વિચારો ‘લોકશાહી ઉત્ક્રાંતિવાદી સમાજવાદ’ તરીકે જાણીતા બન્યા. 1919માં તેઓ નાણાવિભાગના સેક્રેટરી ઑવ્ સ્ટેટના હોદ્દા માટે પસંદગી પામ્યા. પછીનાં વર્ષોમાં તેમણે રજૂ કરેલા વિચારો લોકપ્રિય અને સુધારાવાદી લડતના સ્વરૂપે યુરોપમાં ઊભરી આવ્યા. ‘ઈવોલ્યુશનરી સોશ્યાલિઝમ’ (1899) તેમનો બહુ જાણીતો ગ્રંથ છે. આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ 1909માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

રક્ષા મ. વ્યાસ