બર્નસ્ટાઇન, કાર્લ

January, 2000

બર્નસ્ટાઇન, કાર્લ (જ. 1944, વૉશિંગ્ટન ડી.સી.) : જાણીતા અમેરિકી પત્રકાર અને લેખક. બૉબ વુડ નામના અન્ય એક પત્રકારના સહકાર વડે વૉટરગેટ કૌભાંડ ખુલ્લું પાડનાર પત્રકાર તરીકે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. એ કૌભાંડ બહાર આવવાના પરિણામે અમેરિકામાં બંધારણીય કટોકટી ઊભી થઈ હતી અને રિચાર્ડ નિક્સનને પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું. સદીના આવા મહાન પરિવર્તનકારક ગુનાશોધનનો અખબારી હેવાલ પ્રગટ કરી જાહેર સેવા બજાવ્યા બદલ, બંને પત્રકારોના પરિશ્રમના ફળ રૂપે, 1973માં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ને પુલિત્ઝર પ્રાઇઝ અપાયું. બંનેએ સાથે મળીને લખેલું ‘ઑલ ધ પ્રેસિડન્ટ્સ મેન’ (1974) નામક પુસ્તક શ્રેષ્ઠ વેચાણ માટેનાં પુસ્તકોની યાદીમાં સ્થાન પામ્યું હતું. ફિલ્મરૂપે પણ તે પુષ્કળ સફળતા પામેલું. ‘ધ ફાઇનલ ડેઝ’ (1976) નામના પુસ્તકમાં પ્રમુખ નિક્સનના છેલ્લા મહિનાના શાસનકાળનો લગભગ કલાકે-કલાકનો વૃત્તાંત આલેખાયો છે.

મહેશ ચોકસી