ફ્રૅંક, જેમ્સ (જ. 26 ઑગસ્ટ 1882, હૅમ્બર્ગ, જર્મની; અ. 21 મે 1964, ગોટિંગન, જર્મની) : વિજ્ઞાની ગુસ્તાવ હર્ટ્ઝ સાથે 1925ની સાલના ભૌતિકશાસ્ત્રનો સંયુક્ત નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ જેકબ અને માતાનું નામ રેબેકા. 1901–02 સુધી હાઇડલબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1906માં બર્લિન યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મની તરફથી યુદ્ધ લડ્યા અને શૌર્યચંદ્રક પણ પ્રાપ્ત કર્યો.

1906માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના મદદનીશ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1916–18 સુધી ભૌતિકશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર રહ્યા. 1918–20 સુધી કૈઝર વિલ્હેલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ કેમિસ્ટ્રીના ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ રહ્યા. 1920–33 દરમિયાન પ્રોફેસર ઉપરાંત ગોટિંગન યુનિવર્સિટીની ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના નિયામક તરીકે રહ્યા. 1933માં નાઝી રાજ્યનો વિરોધ કર્યો અને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. ત્યારબાદ 1934માં કોપનહેગન યુનિવર્સિટીમાં એમેરિટસ પ્રોફેસર અને મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા. 1935માં અમેરિકા આવ્યા અને અમેરિકન નાગરિક બન્યા. 1935–41 દરમિયાન જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં ભૌતિક-રસાયણશાસ્ત્રના પ્રોફેસર અને પછી 1941માં હિચકૉક યુનિવર્સિટી, કૅલિફૉર્નિયામાં એમેરિટસ પ્રોફેસર રહ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં પરમાણુબૉમ્બના વિકાસના કાર્યમાં જોડાયા, પરંતુ જ્યારે જાપાનના હિરોશીમા ઉપર અમેરિકા દ્વારા પરમાણુબૉમ્બ ઝીંકાયા ત્યારે તેનો તેમણે વિરોધ કર્યો.

જેમ્સ ફ્રૅંક

ગોટિંગનમાં તેમણે વિજ્ઞાની ગુસ્તાવ હર્ટ્ઝની સાથે કાર્ય કર્યું. 1914માં વિખ્યાત ‘ફ્રૅંક-હર્ટ્ઝ’ પ્રયોગ કર્યો. પારાની બાષ્પ ઉપર જુદી જુદી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનનું તબક્કાવાર પ્રતાડન (bombardment) કર્યું. જ્યારે આપાત થતા ઇલેક્ટ્રૉનની ઊર્જા, બે ઊર્જા-સ્તરો (energy levels) વચ્ચેના ફેરફાર માટે જરૂરી પૂર્ણ ક્વૉન્ટમ-સંખ્યા જેટલી ન હોય ત્યારે આ ઇલેક્ટ્રૉનો સ્થિતિસ્થાપકીય રીતે (elastically) પ્રત્યાઘાત પામીને પાછા ફેંકાતા (rebound) જોવા મળ્યા; પરિણામે પ્રકાશનું ઉત્સર્જન જોવા ન મળ્યું. જ્યારે આ ઇલેક્ટ્રૉનોની ઊર્જા યોગ્ય હતી ત્યારે ક્વૉન્ટમનું શોષણ થતું જોવા મળ્યું અને પ્રકાશનું ઉત્સર્જન શક્ય બન્યું. ઓછી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રવાહને વાયુ ભરેલી ઇલેક્ટ્રૉન ટ્યૂબમાંથી પસાર કરવાના ફ્રૅંકના પ્રયોગો મહત્વના પુરવાર થયા. જ્યારે ઇલેક્ટ્રૉનના પ્રવાહની ઊર્જા ક્રાંતિમૂલ્ય (critical value) કરતાં વધારે હોય ત્યારે તે વગર વિઘ્ને વાયુમાંથી પસાર થઈ શકે છે, નહિતર પસાર થઈ શકતા નથી. આમ ક્રાંતિમૂલ્ય કરતાં વધારે મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રૉનની ઊર્જાનું શોષણ વાયુમાં શક્ય બને છે અને વાયુના પરમાણુઓના ઇલેક્ટ્રૉનો તુરત છલાંગ લગાવીને ઊંચા ઊર્જા-સ્તરોમાં જાય છે. આ ઘટના પ્લાંકના ક્વૉન્ટમવાદ સાથે સુસંગત હતી. તે સમયે બોહરનો પરમાણુવાદ જ એક પ્રવર્તમાન સિદ્ધાંત હતો અને તેથી ‘ફ્રક–હર્ટ્ઝ’ પ્રયોગ તેની એક સાબિતીરૂપ ગણવામાં આવ્યો. પાછળથી શ્રોડિંગરના તરંગવાદના સિદ્ધાંતો પણ પરિણામને અનુરૂપ નીવડ્યા. ગુસ્તાવ હર્ટ્ઝ સાથે તેથી જ 1925માં આ સંશોધનો માટે ઉપર્યુક્ત નોબેલ પુરસ્કાર મળ્યો. 1953માં જર્મન ફિઝિકલ સોસાયટીનો મૅક્સ પ્લાંક ચંદ્રક અને 1955માં અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સનો રૂમફર્ડ ચંદ્રક તેમને એનાયત થયા.

તેમનાં અન્ય મહત્વનાં સંશોધનોમાં ક્લૉરોફિલમાં થતી પ્રકાશીય-રાસાયણિક (photochemical) પ્રક્રિયાઓનો તથા પરમાણુ ભૌતિકશાસ્ત્ર અને આણ્વિક પટ્ટ-વર્ણપટ (molecular band spectra) ઉપરથી અણુને વિભાજિત કરવાની ઊર્જા પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. 1926માં જર્મન ભાષામાં ‘એન્રેગુન્ગ ફૉન ક્વૉન્ટસ્પ્રુન્ગેન’ નામનું તેમનું પુસ્તક પ્રકાશિત થયું.

વિશ્વભરની અનેક યુનિવર્સિટીઓએ તેમનાં સંશોધનકાર્યોની કદર રૂપે માનાર્હ પદવીઓ આપી. 1928માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીએ એલએલ.ડી.ની માનાર્હ પદવી આપી. 1954માં ઇઝરાયલની હાઇફા યુનિવર્સિટીએ એસસી.ડી.ટેક. તથા 1960માં હમ્બોલ્ડ્ટ યુનિવર્સિટી, બર્લિને એસસી.ડી.ની માનાર્હ પદવીઓ એનાયત કરી.

મિહિર જોશી