ફ્રેંચ કલા

ફ્રાંસમાં પાંગરેલી ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની કલા. યુરોપની કલાના કેટલાક પ્રવાહો અને શૈલીઓની જન્મભૂમિ ફ્રાંસ રહ્યું છે, તો સાથે સાથે યુરોપના અન્ય દેશોમાં પાંગરેલાં કલાપ્રવાહો અને શૈલીઓએ પણ ફ્રાંસમાં મૂળિયાં જમાવ્યાં હોય એવું પણ બન્યું છે. યુરોપની કલાના સમગ્ર વિકાસમાં ફ્રાંસનો ફાળો નાનોસૂનો ન કહેવાય. કલાના 30,000 વરસ જૂના અવશેષો ફ્રાંસમાં મળ્યા છે; જેમાં લાસ્કુ અને શોવે નામની ગુફાઓમાંથી મળેલાં પ્રાગૈતિહાસિક કાળનાં ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. આ પછી ઐતિહાસિક સમયમાં ઇજિપ્ત અને પશ્ચિમ એશિયામાં યુફ્રેટિસ અને તૈગ્રિસ નદીઓના કિનારે મહાન સંસ્કૃતિ અને સભ્યતા અસ્તિત્વમાં આવી ત્યારે ફ્રાંસ તો હજી સંસ્કૃતિની પ્રાથમિક અવસ્થામાં હતું. ત્યારપછી રોમન કાળમાં તે રોમન સામ્રાજ્યની હકૂમત હેઠળ આવ્યું ત્યારે ફ્રાંસમાં રોમન સત્તાએ કેટલાંક ભવ્ય સ્થાપત્યો સર્જ્યાં; દા.ત., આજથી 1900 વરસ પૂર્વે બંધાયેલો પાણીનું વહન કરવા માટેનો પુલ ‘પોં દુ ગાર્દ’. પરંતુ આને સાચી ફ્રેંચ કલા ન કહી શકાય; કારણ કે તે સ્થાપત્યમાં ફ્રેંચ પ્રજાની ચેતનાનું નિરૂપણ કે તેનો આવિષ્કાર ન હતાં.

ઈસુની અગિયારમી અને બારમી સદી દરમિયાન ફ્રાંસમાં તુલુસ ખાતે બંધાયેલ સટ સૅર્મિનનું ચર્ચ ફ્રેંચ સ્થાપત્યનો પહેલો અગત્યનો નમૂનો ગણી શકાય. તેની બાંધણીની ‘રોમનેસ્ક’ શૈલી પણ ફ્રાંસમાં જ પાંગરી હતી. ‘રોમનેસ્ક’ એટલે રોમન સામ્રાજ્યના અંત પછી અસ્તિત્વમાં આવેલી સ્થાનિક શૈલી. આ પછી તો સ્થાનિક શૈલીનાં ભવ્ય ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યોની લાંબી પરંપરાઓ ફ્રાંસમાં પ્રકટી.

1050માં સર્જાયેલ કૉર્બિના મઠ મૉનૅસ્ટરી(monastery)ની ‘ગૉસ્પેલ બુક’નાં લઘુચિત્રોને રોમનેસ્ક શૈલીની ચિત્રકળાનું સીમાચિહ્ન ગણવામાં આવે છે. છાયાપ્રકાશ અને અવકાશનો અભાવ તથા અક્કડ અને ઘેરી રેખાઓના વળાંકો આ ચિત્રકળાની મુખ્ય લાક્ષણિકતાઓ છે. તેમાં ત્રિપરિમાણના આભાસનો અભાવ છે.

1150થી 1400 સુધી પાંગરેલી ગૉથિક શૈલીનાં કેટલાંક મહત્ત્વનાં સ્થાપત્યો ફ્રાંસમાં આવેલાં છે; તેમાં ‘ઍબી ચર્ચ ઑવ્ સેંટ દેની’, ‘નૉત્ર-દામ’, ‘શાર્ત્ર કથીડ્રલ’, ‘રાઇમ્સ કથીડ્રલ’ અને કેટલાક કિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમાં અણિયાળી કમાનોની બાંધણીને કારણે મકાનના સમગ્ર માળખાનું વજન કમાનો અને થાંભલા પર લઈ શકાયું, જેથી ઊંચાં ગગનચુંબી બાંધકામ શક્ય બન્યાં; તેમજ દીવાલો વજન ઝીલવા માટે જરૂરી ન રહેતાં તેને સ્થાને કાચની વિશાળ બારીઓ મૂકવામાં આવી. ઉપર કહેલ ચર્ચોમાં ગૉથિક શૈલીનાં ફ્રેંચ શિલ્પો જોવા મળે છે. આ શિલ્પો વિસ્તૃત કરેલાં છે એટલે કે વાસ્તવ કરતાં પ્રમાણમાં વધુ લાંબાં છે. ચહેરા પર ભાવો ઋજુ છે અને દેહને ત્રિભંગમાં ઢાળીને લાવણ્ય પ્રકટાવ્યું છે. કેટલાંક ગૉથિક શિલ્પ વાસ્તવમૂલક અને વિરાટકાય પણ છે. ચર્ચની બારીઓમાં રંગબેરંગી કાચ વડે ખ્રિસ્તી ધર્મની કથાઓ તેમજ પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવતું હતું. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી ઝગઝગતી આ બારીઓ ચર્ચને પવિત્ર ધાર્મિક વાતાવરણથી ભરી દેવામાં મદદ કરતી હતી.

આ પછી પંદરમી સદીમાં ઇટાલીના રેનેસાંસની ચેતના પણ ફ્રાંસમાં પ્રસરી; પણ કોઈ નોંધપાત્ર સ્થાપત્ય સર્જાયું નહિ. પણ ચિત્રકળાના ક્ષેત્રે ફૂકે અને કાર્તોંનું યોગદાન મહત્વનું છે. આ સમયગાળામાં કોઈ વિશિષ્ટ શિલ્પસર્જન થયું નથી.

સત્તરમી સદીમાં લૂઇ તેરમા અને ચૌદમાના રાજ્યમાં ફ્રાંસની કળામાં એક નવું જોમ આવ્યું. નવજાગરણકાળની કળાનાં મૂલ્યો અને સિદ્ધાંતોને વિસ્તૃત કરીને તેનો વિશાળ આવિષ્કાર કરનારી ‘બરૉક’ શૈલીની કળા ઇટાલી અને સ્પેનની માફક ફ્રાંસમાં પણ પાંગરી. ફ્રેંચ ચિત્રકાર દ લા તુરે ઇટાલિયન ચિત્રકાર કારાવાજિયોની માફક પ્રકાશ અને છાયાનો તીવ્ર વિરોધાભાસ કૅન્વાસ પર ઉતાર્યો. નિકૉલસ પુસોંએ પ્રશિષ્ટ ગ્રીક અને રોમન સિદ્ધાંતોને અનુસરીને ચિત્રો સર્જ્યાં. લૉરેઇને મનોહર નિસર્ગર્દશ્યો ચીતર્યાં. 1661માં રાજા લૂઇ ચૌદમાએ રૉયલ એકૅડેમીની સ્થાપના કરી. એ રીતે રાજ્યસત્તા દ્વારા સંસ્થાની સ્થાપના કરી કલાનું નિયમન કરવાનો પ્રયત્ન થયો. આવો પ્રયત્ન યુરોપભરમાં પ્રથમ હતો. આ સંસ્થા રાજવી દ્વારા સ્થાપિત હોઈ સ્વાભાવિક જ તે રાજા અને તેના સલાહકારોના વિચારોનો પ્રચાર કરનાર આપખુદ સંસ્થા બની. તેમાં અભિપ્રાયની મોકળાશ કે લોકશાહી મૂલ્યોનું કોઈ સ્થાન ન હતું. રાજા લૂઇ ચૌદમાએ પોતાના નિવાસ માટે લુવ્ર નામનો વિશાળ મહેલ પણ બંધાવ્યો. 3 વ્યક્તિની બનેલી તેની સ્થપતિ સમિતિમાં પ્રાચીન સ્થાપત્યના વિદ્યાર્થી ક્લૉદ પેરો, રાજ્યના ચિત્રકાર ચાર્લ્સ લેબ્રું અને રાજ્યના સ્થપતિ લૂઇ લ વુ હતા; પણ મહેલની ડિઝાઇનમાં મુખ્ય ફાળો વિદ્યાર્થી ક્લૉદ પેરોનો હતો. પ્રાચીન ગ્રીક અને રોમન સ્થાપત્યો નજર સમક્ષ રાખીને અતિવિરાટ કદમાં અલંકૃત સ્થાપત્ય રચાયું. આ અલંકારપ્રાચુર્ય અને વિશાળ કદ તે જ બરૉક સ્થાપત્યનાં મુખ્ય લક્ષણો.

રાજા લૂઇ ચૌદમાએ આ ઉપરાંત વર્સેલ્સ મહેલ પણ બંધાવ્યો. તેના સ્થપતિ હતા જુલે હાદૉઈ માંસા અને ફાન્કૉઈ માંસા. તેના પ્રાંગણમાં જે બાગબગીચા વિકસ્યા તેનાથી બરૉક શૈલીની બાગબાનીનો ચીલો શરૂ થયો.

બરૉક શૈલીનાં ફ્રેંચ શિલ્પો પર પ્રખ્યાત ઇટાલિયન શિલ્પી બર્નિનીનો પ્રભાવ છે. માધ્યમ ઓળખવું મુશ્કેલ પડે તેટલો માધ્યમ પરનો સંપૂર્ણ કાબૂ, પ્રસંગનું અતિરંજિત અથવા અતિહિંસક નિરૂપણ અને આકૃતિઓની જટિલ ગૂંથણી એ બરૉક શિલ્પની ત્રણ ખાસિયતો ફ્રેંચ બરૉક શિલ્પમાં પણ જોવા મળે છે. તેમાં સૌથી નોંધપાત્ર શિલ્પી પુગે છે.

1715માં લૂઇ ચૌદમાના મૃત્યુ પછી લૂઇ પંદરમો ગાદીએ આવ્યો. તેના રાજમાં સમાજ વધુ ઉપભોક્તાવાદી બન્યો. કલાએ પણ સ્વરૂપ બદલ્યું. કલા હવે બૌદ્ધિક ન રહેતાં છીછરા મનોરંજનનું સાધન બની. વિશાળ મહેલો, કોઠી અને બંગલાની કલાત્મક સજાવટ હવે શરૂ થઈ. ચિત્ર અને શિલ્પ પણ આછકલાં બન્યાં અને તેમાં રતિભાવ મુખ્ય બન્યો. આ શૈલી ‘રકૉકો’ નામે જાણીતી બની અને સમગ્ર પશ્ચિમ યુરોપમાં ઝડપથી પ્રસરી.

બર્નિની-સર્જિત વિરાટ શિલ્પનાં નાનાં રમકડાં બનાવ્યાં હોય તેવાં ફ્રેંચ રકૉકો શિલ્પ છે. આ સિવાય કોઈ નવીનતા દેખાતી નથી. ફ્રેંચ રકૉકો શિલ્પ કદમાં નાનાં છે અને ક્લોદિઓં તથા પિગેલ પ્રમુખ શિલ્પકાર છે. ફ્રાંસની રૉયલ એકૅડેમી પણ કલાકારોમાં મૌલિકતાનો કોઈ ઉન્મેષ પ્રગટાવી શકી નહિ. એકૅડેમીના સભ્યોમાં પુસોંની શૈલીનો પક્ષ લેનારા અને રુબેન્સની શૈલીનો પક્ષ લેનારા – એમ બે પક્ષ પડી ગયા હતા. એકૅડેમીના જડ નીતિનિયમો ચિત્રકારોને કોઈ પણ પ્રકારની મદદ કે માર્ગદર્શન આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આમ રકૉકો-ચિત્રશૈલી જન્મી, પણ તેના જનક ચિત્રકારો એકૅડેમીના આશ્રિતો નહિ, પણ સ્વતંત્ર મિજાજના સર્જકો હતા : ઍન્તોની વાતુ, ફ્રાન્સોઇસ બુશર, જ્યાં હોનોરે, ફ્રેગૉનાર્દ અને સિમ્યોં શાર્દાં. વાતુનાં ચિત્રોનો મુખ્ય વિષય રળિયામણાં વન-ઉપવનોમાં ઉજાણી કરતા ધનિકો અને રંગલાઓ છે. આ ચિત્રો ફ્રેંચ પ્રજામાં એટલાં બધાં લોકપ્રિય બની ગયાં કે રૉયલ એકૅડેમીએ પણ વાતુની સિદ્ધિઓથી અંજાઈને પોતાની નીતિઓ બદલી અને વાતુનું સન્માન પણ કર્યું. બુશર અને ફ્રેગૉનાર્દ તો ચિત્રોમાં જીવનનો ઉલ્લાસ વાતુ કરતાં પણ વધુ કામુક રીતે પ્રગટાવે છે; અને રસનું ઉદ્દીપન અશ્લીલતા સુધી પહોંચી જાય છે : તેમણે માખણ જેવી કુમળી ત્વચાવાળી, હૃષ્ટપુષ્ટ મૃદુ મજ્જાવાળી નવયૌવનાઓને નગ્ન હાલતમાં બગીચામાં વિહરતી, હીંચકા ખાતી અને હોજમાં તરતી બતાવી છે. પવનમાં વસ્ત્ર ઊડી જતાં ખુલ્લાં પડતાં જાંઘ અને ગુદાને તેમણે ચિત્રનું કેન્દ્ર બનાવ્યું છે. શાર્દાંની કલા ઘણી જુદી પડે છે. તેણે સુરુચિપૂર્ણ ઘરેલુ ર્દશ્યો અને પદાર્થચિત્રો સર્જ્યાં છે.

રકૉકો-કલામાં દેખાતી વિલાસિતા, વૈભવ અને કામુકતા 1750 પછી અર્દશ્ય બની. જૂની ગ્રીક કલાની સાદગી અને સંયમની ઉપાસના કરનારી નવી શૈલી હવે પ્રચલિત બની, જે નવપ્રશિષ્ટ (neoclassical) નામે જાણીતી થઈ. વૈભવી જલસાને સ્થાને ગ્રીક ટ્રૅજેડી કે ફ્રાંસના ઇતિહાસના વીર નાયકોના જીવનપ્રસંગો ચિતરાવા શરૂ થયા; તેમાં ચિત્રકાર ઝાક લૂઇ દાવિદનું નામ મોખરાનું છે. ફ્રાંસમાં નવપ્રશિષ્ટ સ્થાપત્ય-શૈલી પણ વિકસી; તેમાં પ્રાચીન ગ્રીસના આયૉનિક પ્રકારના સ્થાપત્યનાં સાદગી અને સંયમનો આવિષ્કાર જોવા મળ્યો તથા અલંકાર અને શણગારની પ્રચુરતા દૂર થઈ. સૉફલો, બુલી અને લીદુ નવપ્રશિષ્ટ સ્થપતિમાં મુખ્ય ગણી શકાય.

ઓગણીસમી સદીમાં કલામાં રંગદર્શિતાવાદે (romanticism) જોર પકડ્યું. પારંપરિક શિસ્ત કરતાં વિષયની જોરદાર અભિવ્યક્તિનું મૂલ્ય વધ્યું. ચિત્રકલામાં થિયૉડૉર જેરિકો અને યુજિન દ લા ક્રૂવા આ સમયના અગ્રણી ચિત્રકારો છે. તેમણે પ્રાચીન ગ્રીક પુરાણકથાઓ, ખ્રિસ્તી ધર્મની કથાઓ કે ઐતિહાસિક નાયકોની પ્રશસ્તિ કરતા પ્રસંગોનું નિરૂપણ કરવાને બદલે સમકાલીન કરુણાંતિકાઓ અને ચોમેર થઈ રહેલ માનવતાના હ્રાસને ચિત્રવિષય બનાવ્યો. જેરિકોનું ચિત્ર ‘મેદુસાનો તરાપો’ સરકારી વહાણ ડૂબતાં યાત્રીઓ તરાપા પર જીવવા માટે થઈને કેવા વિકરાળ માનવભક્ષી બને છે તેનું વરવું વેધક ચિત્રણ કરે છે. આ રીતે તેણે વહાણ પરના જવાબદાર સરકારી અમલદારોની બેદરકારી ખુલ્લી પાડી. ચિત્રમાં વાસ્તવનું યથાતથ આલેખન કરવા માટે તેણે જહાજના બચી ગયેલા પ્રવાસીઓનો વ્યક્તિગત અભ્યાસ કર્યો હતો. દ લા ક્રૂવા અરબી અને પૂર્વીય સંસ્કૃતિઓ તરફ આકર્ષાયેલ. આ પ્રદેશોનાં કેટલાંક પાત્રો અને સ્થળોનાં ચિત્રો વડે તેણે યુરોપિયન સંસ્કૃતિથી બહાર જઈ વિષય શોધી ચિત્રણ કરવાની નવી પ્રણાલી શરૂ કરી. દૉમિયેએ કચડાયેલાં શ્રમજીવીઓનાં અનુકંપાસભર ચિત્રો અને સાથે સાથે સત્તાધીશોનાં ઠઠ્ઠાચિત્રો ઉપસાવવાની પણ પહેલ કરી.

ઓગણીસમી સદીમાં ફ્રેંચ ચિત્રકળામાં નિસર્ગચિત્રની બાર્બિઝોં નામે નવી શૈલીએ આકાર લીધો. આ શૈલીના ચિત્રકારો કોરો, રુસો, મિલે અને બોંહે વહેલી પરોઢે રંગ અને કૅન્વાસ લઈને બહાર નીકળી પડતા અને ઊગતા સૂર્યના આછા પ્રકાશનું નજાકતભર્યું આલેખન કરતા.

રંગદર્શી શિલ્પીઓમાં ફ્રાન્સોઇસ રુદનાં શિલ્પમાં બરૉક જટિલતા તરી આવે છે. શિલ્પી ઍન્તની લૂઇ બેરી હિંસક પ્રાણીઓની ભયંકર લડાઈઓનાં શિલ્પ સર્જવા માટે વિખ્યાત થયો. ‘ગંગાના ઘડિયાલને ચીરતો વાઘ’ એ તેની ઉત્તમ લેખાતી કૃતિ છે.

શિલ્પી ઑગુસ્ત પ્રિયો તીવ્ર મનોભાવોને માનવચહેરા પર કુશળતાપૂર્વક આલેખવા માટે વિખ્યાત થયો. અમેરિકાના ન્યૂયૉર્કના બારામાં ઊભેલા 46 મીટર કરતાં વધુ ઊંચા શિલ્પ ‘સ્વાતંત્ર્યદેવી’નો સર્જક ઑગુસ્ત બાર્થોલ્ડી વિશાળ શિલ્પો બનાવવા માટે જાણીતો બન્યો.

રંગદર્શી ફ્રેંચ સ્થાપત્યનો ઝોક જૂના ગૉથિક સ્થાપત્યને નવેસરથી પ્રચલિત કરવા તરફ છે.

ઓગણીસમી સદીના અંતમાં ફ્રાંસમાં ફોટોગ્રાફીની શોધ થઈ. શોધ કરવાનું શ્રેય જૉસેફ નિસેફર નિપ્સેને અને ડૅગ્વેરેને જાય છે. ફોટોગ્રાફીની શરૂઆત કલાત્મક અભિવ્યક્તિની એક ખોજ તરીકે થઈ હતી, નહિ કે વાસ્તવના દસ્તાવેજીકરણ માટે. પછીના વખતમાં ફોટોગ્રાફીની અસર ચિત્રકલા પર પણ પડી. ચિત્રકલાએ વાસ્તવિક પ્રકારના આલેખનને સ્થાને કલ્પના અને અમૂર્તતા તરફ ઝોક દર્શાવ્યો.

ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ ચૂકી હતી અને કલાના વિષયવસ્તુ ઉપર પણ તેની અસર પડવી શરૂ થઈ હતી. સમાચારપત્રો અને સામયિકોનો પ્રસાર અક્ષરજ્ઞાનના બહોળા પ્રસારને કારણે ઘણો ફાલ્યો હતો. પત્રકારત્વમાં પણ ફોટોગ્રાફીએ ‘ફોટોજર્નાલિઝમ’ દ્વારા સમાચારને તાર્દશ કરી આપવામાં ભાગ ભજવ્યો.

ઓગણીસમી સદીના અંતમાં ગુસ્તાવ કૉર્બે અને પ્રભાવવાદી ચિત્રકારોએ નિસર્ગ તથા નગરોનું અરૂઢ ચિત્રણ શરૂ કર્યું. સ્ટુડિયોમાંથી બહાર નીકળી જઈ તેમણે પ્રકાશની પદાર્થ પરની અસરોને કૅન્વાસ પર અંકિત કરી. કલ્પનાનું ચિત્રણ કરવા માટેના તેમના વિરોધનો કૉર્બેના એક વાક્ય પરથી ખ્યાલ આવે છે : ‘હું દેવદૂત ચીતરી ન શકું, કારણ કે મેં દેવદૂત જોયો નથી.’ એદુઅર્દ માને, ક્લોદ મોને, કેમાઇલ પિસારો, ઑગુસ્ત રેન્વા, એદ્ગાર દેગા, બર્થે મોરિસો અને મેરી કેસેટ જેવા પ્રભાવવાદી ચિત્રકારોએ રેનેસાંસનાં શાસ્ત્રીય કે બરૉક બંધનોથી મુક્ત થઈ ‘પોતાની આંખે દેખાયું તેવું ચીતર્યું.’ શિલ્પી ઑગુસ્ત રોદાંએ માનવમુખ પર ચીપકેલાં ભીનાં પારદર્શક વસ્ત્રોને શિલ્પમાં કંડારી પ્રભાવવાદ(impressionism)ને શિલ્પમાં પણ ઉતાર્યો.

ઓગણીસમી સદીના અંતમાં એન્જિનિયરિંગને ક્ષેત્રે થયેલા વિકાસનો લાભ પણ સ્થાપત્યને મળ્યો. હવે મકાનના માળખાનું વજન લોખંડ અને પોલાદના થાંભલા તથા પાયા પર આવતાં મકાનોની દીવાલો પાતળી બની શકી. હેન્રી લાબ્રોસ્ત, જૉસેફ પૅક્સ્ટન, વૉશિન્ગ્ટન રોબ્લિંગ અને ગુસ્તાફ એફિલ મુખ્ય સ્થપતિઓ હતા. એફિલે બાંધેલ એફિલ ટાવર તો રાતોરાત વિશ્ર્વભરમાં વિખ્યાત થઈ ગયો; એટલું જ નહિ, તે પૅરિસનું પ્રતીક બની ગયો.

ઓગણીસમી સદીના છેલ્લા દશકમાં પ્રભાવવાદમાંથી ફાંટા પડી 3 નવી ચિત્રશૈલીઓના અંકુર ફૂટ્યા. તેમાં પૉલ સેઝાંની શૈલી આગળ જતાં ઘનવાદ(cubism)માં પરિણમી, જ્યૉર્જ સૂરાની શૈલી નવપ્રભાવવાદ (neoimpressionism) અથવા બિંદુવાદ (pointilism)માં પરિણમી અને વાન ગૉફની શૈલી અભિવ્યક્તિવાદ(expressionism)માં પરિણમી. વાન ગૉફ પોતે ફ્રેંચ ન હોવા છતાં તેણે પોતાની શૈલીનો વિકાસ ફ્રાંસમાં રહીને કર્યો. પૉલ ગોગાંની શૈલીમાં અભિવ્યક્તિવાદ અને ફૉવવાદના અણસાર દેખાય છે. આ જ સમયે ‘નબીસ’ નામે ઓળખાતું પ્રતીકવાદી ચિત્રકારોનું એક જૂથ ફ્રાંસમાં કાર્યરત હતું. તેને પદાર્થ પર પ્રકાશની પ્રભાવવાદી અસરોમાં કોઈ રસ ન હતો; પણ પ્રતીકો દ્વારા માનવમનની આંતરચેતનાને વાચા આપવા તે જૂથ મથતું હતું. આ જૂથના ચિત્રકારો હતા – એદુઆર્દ વુઇલાર્દ, પુવી દ શાવેન્સ, ગુસ્તાવ મોરિયુ, ઑબ્રે બર્ડસ્લે અને ઓદિલોં રેદોં. અરિસ્તાઇદ મઇલોલ આ જૂથના શિલ્પી હતા.

વીસમી સદીના પ્રારંભથી ફ્રાંસમાં કલાના નવા ઉન્મેષો દેખાવા માંડ્યા. એદુઆર્દ મુઇબ્રિજે ચલચિત્ર-ગતિમાન ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી; અને એતીન-જુલે મારેએ તેને સંપૂર્ણ કક્ષા સુધી વિકસાવી. ચિત્રકળામાં વીસમી સદીના પ્રારંભમાં જ ચિત્રકાર હેન્રી માતીસની આગેવાની હેઠળ નવો વાદ – ‘ફૉવવાદ’ પ્રગટ્યો. પ્રભાવવાદથી એક ડગલું આગળ જઈ ફૉવવાદે સ્થાનિકતાના તત્વ(local colour)ને સાવ જ ફગાવી દઈ તદ્દન તરંગી અને કપોલકલ્પિત રંગો વડે મનુષ્ય અને પ્રકૃતિનું આલેખન કરવું શરૂ કર્યું. આ ચળવળમાં વ્લામિન્ક ડેરેઇન અને બોનાર્ડને અગત્યના ચિત્રકાર ગણી શકાય. ફૉવવાદ (fauvism) મૂલત: રંગમૂલકવાદ (ચળવળ) હોઈ શિલ્પમાં તેનો ફાળો નથી.

જર્મનીમાં વિકસતી જતી અભિવ્યક્તિવાદી કલાના પડઘા ફ્રાંસમાં જ્યૉર્જ રુઓનાં ચિત્રોમાં સંભળાય છે.

મૂળ સ્પૅનિશ ચિત્રકાર પિકાસોએ ફ્રાંસમાં સ્થિર થઈને પોતાનો વિકાસ કર્યો. પહેલેથી જ તેની પર અભિવ્યક્તિવાદની અસર જણાય છે. તેનાં શરૂઆતનાં ‘બ્લૂ’ અને ‘રોઝ’ ચિત્રોમાં પીડિતો અને શોષિતો પ્રત્યેની અનુકંપા પ્રકટ થાય છે. 1907માં તેણે અને જ્યૉર્જ બ્રાકે ઘનવાદ નામે નવી શૈલી ચિત્રમાં અને શિલ્પમાં શરૂ કરી. દ કીરીકો અને શાગાલે મનઘડંત કલ્પનાવિહાર (fantasy) કૅન્વાસ પર ચીતરવો શરૂ કર્યો; જ્યારે પ્રથમ વિશ્ર્વયુદ્ધથી થોડાં જ વર્ષો અગાઉ 1912માં ઇટાલીમાં જન્મેલ ફ્યૂચરિસ્ટ કલાવાદની અસર હેઠળ પૅરિસમાં ફ્રેંચ કલાકાર માર્સેલ દ્યુશોંએ ગતિમાન પદાર્થોનું ચિત્રણ અને શિલ્પમાં આલેખન કરવું શરૂ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પિકાસોએ ઘનવાદના ચોકઠામાંથી નીકળી જઈ અભિવ્યક્તિવાદી ઢબે ચિત્રણા કરી; તેમાં સ્પેનના ગાર્નેકા નામના ગામ પર નાઝી દળોએ કરેલ બૉંબવર્ષાથી ક્રોધિત થઈને કરેલું ‘ગાર્નેકા’ નામનું ચિત્ર ઉત્તમ લેખી શકાય. 1920 પછી માતીસ  પૂર્વના દેશોના ‘સપાટ’ રંગલેપનવાળાં લઘુચિત્રો તરફ આકર્ષાયો. એની અસર તેની તે પછીની કલા પર જોઈ શકાય છે.

ફર્નાન્દ લેહારની કલામાં અમૂર્ત કલાનાં લક્ષણો પ્રગટવાં શરૂ થાય છે. 1912 પછી પૅરિસમાં સ્થાયી થનાર મૂળ ડચ ચિત્રકાર પિયે મોન્દ્રિયાં પણ અમૂર્ત ચિત્રકાર છે.

પશ્ચિમની કલાને કલા જ ન માનનાર એક મહત્વની ચળવળ 1920 પછી ઊભી થઈ, તે ‘દાદા’ શૈલી. દાદા-શૈલીના કલાકારો પોતાને ‘કલા વિરોધી’ (anti-art) કલાકારો કહેવડાવતા હતા. તેમાં દ્યુશોં જોડાયો. આ વાદમાં રહેલાં અનેક અતાર્કિક અને નકારાત્મક વલણો પાછળ કલાને સ્વચ્છ અને નવતર સ્વરૂપ આપવાની નેમ હતી તે હકીકત નિર્વિવાદ છે. કોઈ પણ વિધિનિષેધ વિના જ તેમણે સજાતીય અને વિજાતીય સંબંધોનું ખુલ્લેખુલ્લું નિરૂપણ કર્યું. દાદા-ચળવળમાંથી જ ફ્રાંસમાં આગળ જતાં પરાવાસ્તવવાદ જન્મ્યો. કવિ આન્દ્રે બ્રેતોંની આગેવાની હેઠળ આ વાદમાં મુખ્ય કલાકારો ફ્રેંચ સિવાયના હતા.

આ સમય દરમિયાન માતીસે ઘણાં શિલ્પો કર્યાં; બેશક, ફૉવવાદના કોઈ પણ ખ્યાલથી મુક્ત રહીને તેણે શિલ્પસર્જન કર્યું છે. મૂળ રોમાનિયન શિલ્પી બ્રાન્કુસીએ પૅરિસમાં રહીને અભિવ્યક્તિવાદી શિલ્પસર્જન કર્યું. માર્સેલ દ્યુશોંના ભાઈ રેમન્ડ દ્યુશોં-વિલોંએ સ્થૂળ શિલ્પમાં જીવંત પ્રાણીની ગતિ બતાવવામાં સફળતા મેળવી. મૂળ બેલ્જિયન શિલ્પી વાન્ટોન્ગેર્લુએ અલ્પતાવાદી (minimalist) શૈલીમાં શિલ્પ સર્જ્યાં. મૂળ લિથુયાનિયન શિલ્પી ઝાક લિપ્સ્ખિટ્ઝે ઘનવાદી અને અભિવ્યક્તિવાદી શિલ્પો કર્યાં. 1945 પછી માર્સેલ દ્યુશોંએ ‘રેડીમેડ’ શિલ્પ દ્વારા પરાવાસ્તવવાદી શિલ્પનો ચીલો શરૂ કર્યો. રેડીમેડ એટલે બજારમાં તૈયાર મળતી અને ફૅક્ટરીની યંત્રનિર્મિત ચીજો લાવી તેને પેડિસ્ટલ પર મૂકી તે શિલ્પ છે તેમ કહેવું. પરાવાસ્તવવાદી ચિત્રકલામાં પીંછીના સ્વયંસંચાલનની જે શક્યતા છે તે શિલ્પમાં જોવા મળતી નથી. તેથી, કોઈ ‘ચાલુ’ વસ્તુને શિલ્પ તરીકે ખપાવી મનુષ્યની આંતરચેતનાને ઢંઢોળવાનો દ્યુશોંનો આ એક નુસખો હતો.

રેને માગ્રીતે પૅરિસ આવી પરાવાસ્તવવાદી ચિત્રો કર્યાં. મૂળ સ્વિસ જ્યાકોમેતી અને મૂળ સ્પૅનિશ ગોન્ઝાલેસે પૅરિસમાં આવી પરાવાસ્તવવાદી શિલ્પો સર્જ્યાં છે.

અમિતાભ મડિયા