ફ્રૅંક, ઇલિયા મિખાઇલોવિચ

March, 1999

ફ્રૅંક, ઇલિયા મિખાઇલોવિચ [જ. 23 ઑક્ટોબર 1908, લેનિનગ્રાડ (હવે પીટર્સબર્ગ); અ. 1990] : વિજ્ઞાનીઓ ચેરેનકૉફ તથા ઇગોર વાય. ટેમ્મની સાથે 1958નો ભૌતિકશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર સંયુક્ત સ્વરૂપે મેળવનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ મિખાઇલ લ્યુદવિગોવિચ અને માતાનું નામ ફોલિઝાવેતા મિખાઇલોવ્ના. મૉસ્કો યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. ભૌતિકશાસ્ત્ર-ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

ઇલિયા મિખાઇલોવિચ ફ્રેંક

1930થી 1934 સુધી ‘ઑપ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ’માં કાર્ય કર્યું. 1934થી સોવિયેટ યુનિયનની વિજ્ઞાન અકાદમીમાં ભૌતિકવિજ્ઞાનની સંસ્થામાં જોડાયા. તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી કાર્ય કર્યું. 1934માં પાવેલ એ. ચેરેનકૉફે શોધ્યું કે જ્યારે વિદ્યુતભારિત કણ અતિશય ઝડપથી ગતિ કરે છે ત્યારે તે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ચેરેનકૉફે દર્શાવ્યું કે, જ્યારે ઉચ્ચ ઊર્જા ધરાવતા વિદ્યુતભારિત કણો પારદર્શક માધ્યમમાં પ્રકાશ કરતાં વધારે વેગથી ગતિ કરે છે ત્યારે વાદળી રંગનો પ્રકાશ, વિદ્યુતભારિત કણોના પથ સાથે અમુક કોણ બનાવતી દિશામાં ઉત્સર્જિત થાય છે અને આ પ્રકાશ એક પ્રકારના શંકુ આકારના તરંગઅગ્ર (wave-front) રચે છે. ઉત્સર્જિત થતા પ્રકાશના વિદ્યુતભારિત કણોના પથ સાથેના કોણની મદદથી વિદ્યુતભારિત કણોની ઊર્જા જાણી શકાય છે. ચેરેનકૉફ (cerenkov) વિકિરણનું ઉત્સર્જન થવાની ઘટનાને અતિઝડપી વિમાન દ્વારા ધ્વનિપટલ(sonic barrier)ને ભેદતાં ઉત્પન્ન થતા દાબતરંગો (shock-waves) સાથે સરખાવી શકાય છે. આ શોધના પરિણામે નાભિકીય ભૌતિકશાસ્ત્ર-(nuclear physics)માં ખૂબ ઝડપથી ગતિ કરતા કણોને પારખવા(detect)ની તથા તેનો વેગ માપવાની રીત વિકસાવી શકાઈ. ફ્રૅંક તથા ઇગોર વાય. ટેમ્મે સાથે રહીને તેનું સૈદ્ધાંતિક પ્રતિપાદન કર્યું. પછી ઑર્ડર ઑવ્ લેનિન અને 1946માં સ્ટૅલિન પારિતોષિક એનાયત થયાં.

ફ્રૅંકે પ્રવાહીમાં પ્રકાશીય સ્ફુરણ (photo-luminescence)ની ઘટનાઓનો અભ્યાસ કર્યો. પ્રકાશીય રસાયણશાસ્ત્ર (photo-chemistry), નાભિકીય ભૌતિકવિજ્ઞાન તેમજ પ્રકાશના કારણે અણુઓના વિઘટન(dissociation)નો પણ અભ્યાસ કર્યો. ગામા-કિરણો અને ન્યૂટ્રૉનની કિરણાવલીઓની બાબતમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી.

ફ્રૅંકે ‘ઍટોમિક અને ન્યૂક્લિયર’ ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળામાં મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કાર્ય કર્યું. દુબ્ના ખાતે ન્યૂક્લિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ન્યૂટ્રૉન ફિઝિક્સ વિભાગના તેઓ નિયામક રહ્યા અને સાથે સાથે મૉસ્કો યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક પણ રહ્યા.

મિહિર જોશી