ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન

February, 1999

ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન

ગુનાશોધમાં સહાય કરતું વિજ્ઞાન. ભૌતિક પદાર્થ/વસ્તુ અથવા સૈદ્ધાંતિક સમસ્યાઓના અભ્યાસમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને તેનાં પરિણામોને ન્યાયાલયમાં વૈજ્ઞાનિક પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. બીજા અર્થમાં ન્યાયસહાયક વિજ્ઞાન એટલે ગુનાની તપાસ અને ન્યાયિક અનુશાસનમાં વૈજ્ઞાનિક રીતો અને સિદ્ધાંતોનો ઉપયોગ પણ કહી શકાય.

ફોરેન્સિક શબ્દ લૅટિન પર્યાય ફરેન્સિસ ઉપરથી આવેલ છે તેનો અંગ્રેજી અર્થ થાય છે. Forum એટલે કે ‘પંચ’. આધુનિક પરિભાષામાં તેનો અંગ્રેજી અર્થ છે ‘ન્યાયની અદાલત’ (Court of Justice). એ રીતે બહોળા અર્થમાં ન્યાયસહાયક વિજ્ઞાન એટલે ન્યાયાલયને લગતું વિજ્ઞાન કહે છે. તેમાં અદાલતી બાબતોમાંની વસ્તુઓ/પદાર્થ વગેરે ઉપર વૈજ્ઞાનિક નિયમો, સિદ્ધાંતો, જ્ઞાન, માહિતી પદ્ધતિનો ઉપયોગ કરી પરીક્ષણ કરવામાં આવે છે અને મળતાં પરિણામો ઉપરથી પરીક્ષણ અહેવાલો તૈયાર કરવામાં આવે છે. જે ન્યાયાલયમાં ‘વૈજ્ઞાનિક પુરાવા’ (scientific evidence) તરીકે રજૂ થાય છે.

તબીબી વિદ્યાની વૈધાનિક (કાયદાલક્ષી) પ્રયુક્તિ(legal application)નો ઉપયોગ ગુનાશોધમાં અને ન્યાય મેળવવા તથા અપાવવામાં થાય છે. તેથી તેને વૈધાનિક આયુર્વિજ્ઞાન (legal medicine) અથવા ન્યાયસહાયક આયુર્વિજ્ઞાન (forensic medicine) કહે છે. ક્યારેક તબીબી કાર્યની વ્યક્તિ અને સમાજને જોખમી અસરો પડે છે. તેના અભ્યાસને આયુર્વિજ્ઞાનનાં વૈધાનિક પાસાં(legal aspects)નો અભ્યાસ કહે છે. તેથી તેને તબીબી વૈધાનિક વિદ્યા અથવા આયુર્વૈધાનિક વિદ્યા (medicolegal science) કહે છે. આ બંને ઉપવિદ્યાઓ (વૈધાનિકી આયુર્વિજ્ઞાન અને આયુર્વૈધાનિકવિદ્યા)નાં નામો ભારતમાં એકબીજાના પર્યાયરૂપે પણ વપરાય છે. જ્યારે અમેરિકામાં કાયદાક્ષેત્ર અને તબીબી વિદ્યાનાં બધાં જ આંતરપાસાંને દર્શાવવા માટે આયુર્વિજ્ઞાની વૈધાનિકવિદ્યા (medical jurisprudence) શબ્દ વપરાય છે. તેમાં દરેક કાયદાલક્ષી વિષયનાં તબીબી પાસાંને આવરી લેવાય છે. તેનાથી વિપરીત, ઇંગ્લૅન્ડમાં ન્યાયસહાયક આયુર્વિજ્ઞાન (forensic medicine) શબ્દ વધુ વપરાશમાં છે અને તે બંને પાસાંને આવરી લે છે. ચૈલે (Chaille) 1949માં આ વિદ્યા રાજકીય અસરોથી બહાર હોવાનું દર્શાવવા માટે તેને માટે રાજ્યશાસની આયુર્વિજ્ઞાન (state medicine) શબ્દ સૂચવ્યો હતો. પણ તે હાલ ખાસ વપરાશમાં નથી. ફ્રાન્સ અને જર્મનીમાં કાયદાકીય અથવા વૈધાનિકી આયુર્વિજ્ઞાન (legal medicine) શબ્દ વધુ વપરાશમાં છે. ભારતના અમુક ભાગમાં તેમાં ‘ન્યાયસહાયક આયુર્વિજ્ઞાન’ શબ્દ પ્રયોગ વધુ વપરાશમાં છે. કેટલેક સ્થળે તેમાં વિષવિદ્યા(toxicology)ના અભ્યાસને પણ ઉમેરવામાં આવે છે. ભારતનાં પૂર્વીય રાજ્યો, બંગાળ, અસમ અને મણિપુરમાં તેને ન્યાયસહાયક અને રાજ્યશાસનીય આયુર્વિજ્ઞાન (forensic and state medicine) કહે છે. અમેરિકી તબીબી વિદ્યાનાં પુસ્તકોના વ્યાપક પ્રચારને કારણે તથા વૈધાનિક (કાયદાલક્ષી) તથા આયુર્વિજ્ઞાનીય પાસાંને સાથે સમજવા માટે હાલ મોટાભાગનાં વિદેશી પુસ્તકોમાં વૈધાનિક આયુર્વિજ્ઞાન (legal medicine) શબ્દ પ્રયોગ વધુ વપરાશમાં જોવા મળે છે.

ન્યાયસહાયક વિજ્ઞાન(forensic science)ના અભ્યાસમાં તબીબી પાસાં ઉપરાંત બીજાં બધાં વૈજ્ઞાનિક પાસાંનો પણ સમાવેશ થાય છે. તે અંગેનાં પરીક્ષણો કરવાની સંસ્થાને ન્યાયસહાયક વિજ્ઞાનપ્રયોગશાળા કે વૈધાનિકી વિજ્ઞાનપ્રયોગશાળા (forensic science laboratory) કહે છે. ગુનાશોધની પ્રક્રિયામાં તબીબનો જે ફાળો છે તેમાં વૈધલક્ષી વિજ્ઞાનની પ્રક્રિયાનો ઘણો મોટો હિસ્સો રહેલો છે. ભારતમાં વિવિધ પ્રકારની અનેક પ્રયોગશાળાઓ છે. તે વિવિધ સ્થળોએ આવેલી છે. તેમના પર રાજ્ય કે કેન્દ્રીય સરકારનું નિયંત્રણ હોય છે. લગભગ દરેક રાજ્યને પોતાની પ્રયોગશાળા, તથા જો કાર્યભાર વધુ હોય તો તેની કેટલીક શાખાઓ પણ હોય છે. કેન્દ્રીય સરકારની પ્રયોગશાળાઓ વિશિષ્ટ (specific) અને વિશેષજ્ઞતાવાળું (specialist) પ્રાયોગિક કાર્ય કરે છે.

કાર્યક્ષેત્ર અને નમૂનાના પ્રકાર : ન્યાયસહાયક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વિશાળ છે. જુદા-જુદા ગુનામાંથી ગુના અને સ્થળને અનુરૂપ વિવિધ પ્રકારના ભૌતિક નમૂનાઓ મળી શકે છે. અસ્તિત્વ ધરાવતો કોઈ પણ પદાર્થ ગમે ત્યારે નમૂનો બની શકે છે. કાચ કે રંગના કણો, માટી, કાગળ, કાપડ, તાંતણા, રસાયણો, ઔષધો, માદક દ્રવ્યો, લોહી, લોહીવાળાં કપડાં કે હથિયાર, લાળ, વાળ, વનસ્પતિ, હાડકાં, હથિયારના ઘસારાનાં નિશાન, હથિયારના ભાગ, બંદૂક, રિવોલ્વર કે અન્ય અગ્ન્યસ્ત્ર, બંદૂકની ગોળી, કારતૂસ, સ્ફોટક પદાર્થ કે તેના અવશેષ, દસ્તાવેજ, યંત્રના ભાગ, બળવાનો અવશેષ એમ અનેક પ્રકારના નમૂનાઓ ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે આવે છે અને તેથી આ પ્રયોગશાળામાં વિજ્ઞાનની જુદી જુદી વિદ્યાશાખાઓ જેવી કે ભૌતિક-વિજ્ઞાન, રસાયણ-વિજ્ઞાન, જીવ-વિજ્ઞાન, સિરમ-વિજ્ઞાન વગેરેનો સમાવેશ થયેલ હોય છે. આવશ્યકતા અનુસાર નમૂના કે નમૂનાઓનું એક અથવા એકથી વધારે વિભાગમાં પૃથક્કરણ કરવામાં આવે છે. પૃથક્કરણમાં વિજ્ઞાનની બધી વિજ્ઞાનશાખાઓની આધુનિક વિશ્લેષણની રીતો અને કાર્યપદ્ધતિઓ અપનાવવામાં આવે છે. બહુ વિભાગો ધરાવતી ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા પરસ્પર આંતરવિભાગીય સહકારથી કામગીરી કરે છે અને આજે તે એક અલગ વિદ્યાશાખા તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ પ્રયોગશાળામાં કરવામાં આવતાં પરીક્ષણો ફોજદારી (criminal), દીવાની (civil) અને નિયમન (regulatory) કાયદાની હકૂમત ઉપર આધાર રાખે છે અને પ્રવર્તમાન કાનૂની જરૂરિયાતો સંતોષાય તે રીતે નમૂનાઓના પૃથક્કરણની કામગીરી હાથ ધરવામાં આવે છે.

સિદ્ધાંત : વિજ્ઞાનની જુદી-જુદી વિદ્યાશાખાઓના નિયમો અને સિદ્ધાંતો એ ન્યાયસહાયક વિજ્ઞાનનો પાયો છે. ઉપરાંત આ વિજ્ઞાન (1) પરસ્પર વિનિમયના સિદ્ધાંત (principle of exchange of transfer) અને (2) અદ્વિતીયતાના નિયમ (law of uniqueness) અથવા વ્યક્તિવૈશિષ્ટ્ય(individuality)ના સિદ્ધાંત ઉપર આધાર રાખે છે.

(1) પરસ્પર વિનિમયનો સિદ્ધાંત : ફ્રેન્ચ વૈજ્ઞાનિક એડમંડ લોકાર્ડે 1928માં રજૂ કરેલ મત અનુસાર જ્યારે કોઈ બે વસ્તુ એકબીજીના સંસર્ગમાં આવે ત્યારે બંને વચ્ચે જાણતાં કે અજાણતાં કોઈ પદાર્થની સૂક્ષ્મ કે મોટા સ્વરૂપે અદલાબદલી થાય છે અને તે રીતે બંને વસ્તુ એકબીજી ઉપર પોતાની ઓળખની કોઈ નિશાની મૂકે છે. ટૂંકમાં જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે ત્યારે તે વ્યક્તિ કે તેના દ્વારા ઉપયોગમાં લેવાતું સાધન/હથિયાર ગુનાસ્થળે કે ગુનાનો ભોગ બનનાર ઉપર પોતાની ઓળખની કોઈ નિશાની મૂકી જાય છે અને ગુનાસ્થળ કે ભોગ બનનારની ઓળખની કોઈ નિશાની સાથે લઈ જાય છે. આમ, ગુનેગાર, ગુનાસ્થળ, ભોગ બનનાર અને ગુનામાં સમાવિષ્ટ વસ્તુઓ વચ્ચે હંમેશાં ઓળખની કોઈ નિશાનીઓની અરસપરસ અદલાબદલી થાય છે. પરસ્પર વિનિમય થતી ભૌતિક નિશાની (physical clue) અથવા ભૌતિક નમૂના (exhibits) તરીકે ઓળખાય છે અને તે ગુનેગારને ગુના સાથે સાંકળવામાં વૈજ્ઞાનિક પુરાવા તરીકે ઉપયોગમાં આવે છે. ઘરફોડ ચોરી વગેરે કિસ્સામાં ગુનાસ્થળે મળતી આંગળાંની છાપ અને શકદારનાં કપડાં, બૂટ વગેરેમાંથી મળતી ગુનાસ્થળની ધૂળ, વાહન, અકસ્માતના બનાવમાં અકસ્માતમાં સંકળાયેલાં વાહનો વચ્ચે એકબીજાં વાહનના થતા રંગના ઘસારા–નાં નિશાન વગેરે આનાં ઉદાહરણો છે.

(2) અદ્વિતીયતાનો નિયમ : વિશ્વમાંની કુદરતની કે માનવસર્જિત દરેક વસ્તુ અથવા પદાર્થ પોતાની લાક્ષણિકતા અથવા વૈશિષ્ટ્ય ધરાવે છે, જેની બીજી વસ્તુ કે પદાર્થમાં નકલ થઈ શકે નહિ. એટલે કે તે પદાર્થની બીજી હૂબહૂ નકલ બની શકે નહિ – બીજા અર્થમાં વિશ્વમાં કોઈ બે વસ્તુ કદાપિ બધી રીતે એકસરખી બની શકે નહિ. સરખી દેખાતી વસ્તુઓ વચ્ચે પણ સૂક્ષ્મ કે મોટા સ્વરૂપે કોઈ ને કોઈ વિભિન્નતા રહેવાની જ. જો વિભિન્નતા (જુદાપણું) ન મળી આવે તો તેમાં પૃથક્કરણ પદ્ધતિની અપૂરતી વિભેદનક્ષમતા કારણભૂત હોવાની. ગુનાસ્થળે મળતાં હથિયારનાં નિશાન, બંદૂકની ગોળી ઉપર ઘસારાનાં નિશાન વગેરે તેનાં ઉદાહરણો છે.

પૂર્વભૂમિકા : વિજ્ઞાનનો ગુનાશોધનમાં ઉપયોગ એક અથવા બીજા સ્વરૂપે સૈકાઓથી થતો આવ્યો છે. પરંતુ તેમાં નોંધપાત્ર વિકાસ વીસમી સદી દરમિયાન થયો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગુનેગાર વ્યક્તિની ઓળખ અગત્યની છે. 1879માં ફ્રાન્સના આલ્ફન્ઝો બાર્ટીલોને ગુનેગારને ઓળખવા માટે શરીરના જુદા-જુદા અવયવોની માપણીની રીત માનવઅંગમિતિ(anthropometry)ની પદ્ધતિ વિકસાવી. તે પદ્ધતિનાં પરિણામ ઉત્સાહજનક હતાં. પરંતુ તે પદ્ધતિ ફક્ત પુખ્તવયની વ્યક્તિ માટે જ ઉપયોગી હતી અને માપણીમાં વ્યક્તિગત ભૂલોને અવકાશ હતો જેની સીધી અસરથી પદ્ધતિની વિશ્વસનીયતા ઘટાડતી હતી. ઓગણીસમી સદીના અંતભાગમાં વ્યક્તિની ઓળખ માટે અતિચોક્કસ એવી આંગળાંની છાપો અથવા અંગુલિમુદ્રા (fingerprints)નું વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. આંગળાંની છાપોનો ગુનાશોધનમાં સૌપ્રથમ ઉપયોગ ભારતમાં શરૂ થયો, જેનું શ્રેય અગાઉ હુગલી જિલ્લાના કલેક્ટર સર વિલિયમ હર્ષલ તેમજ બંગાળના ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલિસ સર હેન્રી અને તેના મદદનીશો રાવબહાદુર હેમચંદ્ર બોઝ તથા અઝીઝુલ હક્કને જાય છે. મદદનીશોની મદદથી સર હેન્રીએ આંગળાંની છાપોનું વર્ગીકરણ કરવાની રીત શોધી જે હેન્રીની રીત તરીકે ઓળખાય છે. તેને આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલ છે અને સુધારા સાથેની હેન્રીની આંગળાંની છાપોના વર્ગીકરણની રીત આજે પણ ઘણા દેશોમાં ઉપયોગમાં લેવાય છે. વિશ્વની સૌપ્રથમ ફીંગરપ્રિન્ટ બ્યુરો કલકત્તા ખાતે 1897માં સ્થપાઈ અને ભારત સરકારે આંગળાંની છાપોને વૈજ્ઞાનિક પુરાવા તરીકે માન્યતા આપી. ત્યારબાદ વિશ્વમાં 1908થી આંગળાંની છાપોનો ગુનાશોધનમાં પદ્ધતિસરનો ઉપયોગ શરૂ થયો.

વિજ્ઞાનના વિકાસ સાથે પૃથક્કરણની નવી નવી પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ ગુનામાંથી મળતા ભૌતિક નમૂનાઓ ઉપર કરવામાં આવ્યો અને શરૂઆતમાં રાસાયણિક પૃથક્કરણ માટે રાસાયણિક પરીક્ષક(chemical examiner)ની પ્રયોગશાળાઓ શરૂ થઈ. ધીમે-ધીમે વિજ્ઞાનની ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્ર વિદ્યાશાખાઓની પૃથક્કરણની પદ્ધતિઓનો ઉપયોગ ગુનાશોધનમાં થવા લાગતાં રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની વિદ્યાશાખાઓ સાથેની ન્યાયસહાયક વિજ્ઞાનની પ્રયોગશાળાઓ એક અલગ વિદ્યાશાખા તરીકે શરૂ થઈ. વિશ્વની સૌપ્રથમ ‘ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા’ ફ્રાન્સમાં લ્યોન્સ ખાતે 1910માં સ્થપાઈ. વિશ્વના અન્ય દેશો તેને અનુસર્યા અને આજે સૌથી મોટી અને અદ્યતન ગણાતી અમેરિકાની ‘ફેડરલ બ્યુરો ઑવ્ ઇન્વેસ્ટિગેશન’ (FBI)ની પ્રયોગશાળા 1932માં શરૂ થઈ. લંડનમાં સ્કૉટલૅન્ડ યાર્ડની આવી પ્રયોગશાળા 1953માં સ્થપાઈ. ભારતમાં આવી પ્રયોગશાળા કલકત્તા ખાતે 1953માં શરૂ થયેલ. આજે વિશ્વના મોટાભાગના દેશો આવી પ્રયોગશાળાઓ ધરાવે છે. ભારતમાં ન્યાયસહાયક વિજ્ઞાનની પ્રયોગશાળાઓનો ફેલાવો દેશ, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ થયેલ છે. કામગીરીનું પ્રમાણ અને ક્ષેત્ર, પ્રયોગશાળાના સ્થળ પ્રમાણે અતિશય બદલાય છે. દેશ કે રાજ્યોમાં આવેલ સાધનસજ્જ કેન્દ્રીય પ્રયોગશાળાઓ સઘળા પ્રકારના નમૂનાઓના પૃથક્કરણની સુવિધા ધરાવે છે અને તે અતિ વિશિષ્ટ અને જટિલ પ્રકારનાં પૃથક્કરણ પણ કરે છે. પ્રાદેશિક કે જિલ્લા કક્ષાની પ્રયોગશાળા મર્યાદિત પ્રકારના ગુનાઓમાંથી મળતા નમૂનાઓનું પૃથક્કરણ-કાર્ય કરે છે. કેટલીક પ્રયોગશાળાઓ ફક્ત પ્રાથમિક પરીક્ષણની કામગીરી જ કરતી હોય છે. વિકસિત દેશોમાં જુદાં-જુદાં સ્થળોએ સાધનસજ્જ પ્રયોગશાળાઓ શૃંખલાની જેમ આવેલ હોય છે. જ્યારે વિકસતા દેશો કેન્દ્રીય, પ્રાદેશિક અને જિલ્લા પ્રયોગશાળાઓ ધરાવે છે. આજે ઘણા દેશ-રાજ્યોમાં ન્યાયસહાયક વૈજ્ઞાનિકો (તજ્જ્ઞ કે નિષ્ણાત) સાથેની ‘ફરતી પ્રયોગશાળા’ઓ(mobile laboratary) આવેલ છે. નિષ્ણાતો ફરતી પ્રયોગશાળામાં ગુનાના સ્થળે જઈ ત્યાં ગુનાને અનુરૂપ મળી શકતા નમૂનાઓની માહિતી – તેને મેળવવા, એકઠા કરવા અને તેને બાંધી સીલ કરી જરૂરી વૈજ્ઞાનિક પૃથક્કરણ કરવા માટે ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલવા અંગે તપાસ અધિકારીઓને વૈજ્ઞાનિક માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે. આવશ્યકતા પ્રમાણે તે ગુનાસ્થળે પ્રાથમિક પરીક્ષણ કરી પ્રાથમિક પરીક્ષણ અહેવાલ આપે છે, જે તપાસઅધિકારીઓને તપાસની આગળની કાર્યવાહીમાં મદદરૂપ થાય છે. પ્રયોગશાળામાં મુખ્યત્વે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્રના વિભાગો આવેલા હોય છે. પરીક્ષણ માટે આવતા નમૂનાઓનું ઇજનેરી, તબીબી, પુરાતત્વવિદ્યા વગેરે અન્ય વિદ્યાશાખામાં પરીક્ષણ કરવાની જરૂર હોય ત્યારે તે વિદ્યાશાખા ધરાવતી જાણીતી અન્ય સંસ્થાઓનો સહકાર મેળવી પૃથક્કરણની કામગીરી કરવામાં આવે છે. આવા પૃથક્કરણ માટે વધારે નમૂનાઓ આવતા જણાય ત્યારે તે માટે પ્રયોગશાળામાં તેવા વિભાગ કે જરૂરી સુવિધા ઊભી કરવામાં આવે છે.

વ્યક્તિની ઓળખ માટે આંગળાંની છાપના પરીક્ષણ માટે તથા તકરારી દસ્તાવેજો(disputed-documents)માં લખાણ અને સહીના પરીક્ષણ માટેના વિભાગો અલગ રીતે પોલીસખાતા હેઠળ કામગીરી કરે છે. કેટલીક ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાઓ આવા વિભાગો પણ ધરાવે છે.

ન્યાયસહાયક વિજ્ઞાનપ્રયોગશાળાના વિભાગો : વિવિધ વિભાગો દ્વારા આવી પ્રયોગશાળાઓ કાર્ય કરે છે : (1) વિષવિદ્યા વિભાગ (toxicology department)માં શરીરના અવયવો, પ્રવાહીઓ અને અન્ય નમૂનાઓ પર વિવિધ (વિષ) તથા દવાઓની હાજરી કે અસર જાણવા માટે પ્રયોગ કરાય છે. (2) રુધિરરસવિદ્યા (serology) વિભાગમાં શંકાસ્પદ ડાઘા, શારીરિક અને લોહીના નમૂનાનાં રુધિરજૂથ (blood groups) જાણવા માટેની પ્રક્રિયાઓ કરાય છે. (3) જીવવિજ્ઞાન વિભાગમાં શારીરિક પ્રવાહીઓની ઓળખ અને પરીક્ષણ ઉપરાંત નખ, વાળ, વાનસ્પતિક દ્રવ્યોની ઓળખ અને પરીક્ષણ વગેરે વિવિધ જીવવિજ્ઞાનલક્ષી પ્રક્રિયાઓ કરાય છે. (4) આણ્વિક જીવવિજ્ઞાન- (molecular biology)નો વિભાગ ડી. એન. એ.ને લગતાં ન્યાયસહાયક પરીક્ષણો કરે છે. (5) ભૌતિક તપાસ વિભાગમાં વિવિધ ભૌતિક (physical) સાબિતીરૂપ નમૂનાઓનો અભ્યાસ કરાય છે. (6) અસ્ત્રવિદ્યા અને વિસ્ફોટકો(ballistics and explosives)ના વિભાગમાં બંદૂક જેવાં આગ્નેય શસ્ત્રો (firearms), પ્રક્ષેપાસ્ત્રો (missiles) તથા વિસ્ફોટક પદાર્થોનો અભ્યાસ કરાય છે. (7) અંગુલિમુદ્રા (fingerprint) વિભાગમાં આંગળાંની અસ્પષ્ટ અને આકસ્મિક છાપોનો અભ્યાસ કરીને ઓળખ નિશ્ચિત કરવામાં આવે છે. કેટલેક સ્થળે આ વિભાગ ન્યાયસહાયક પ્રયોગશાળાથી અલગ રીતે કાર્ય કરે છે. (8) બહુ-આલેખન (polygraph) વિભાગમાં એક સાધન વડે હાથ અને ગળાની ધમનીની નાડીઓ અને હૃદયટોચ(cardiac apex)ના ધબકારાના એમ એકસાથે અનેક બાબતોને નોંધવાની ક્રિયા કરવામાં આવે છે. તેને અનૃતનિર્દેશક અથવા જૂઠશોધક (lie detector) યંત્ર પણ કહે છે. કેટલાક દેશોમાં આ વિભાગને ન્યાયસહાયક પ્રયોગશાળા સાથે જોડવામાં આવે છે. (9) દસ્તાવેજી પૃથક્કરણ (document analysis)ના વિભાગમાં હાથલખાણ અને ટાઇપરાઇટિંગ (બીબાંયંત્રલેખન)નો અભ્યાસ કરીને દસ્તાવેજોમાં કરેલા અનધિકૃત સુધારા/વધારા કે નાણાંની ખોટી નોટ અંગેનો અભ્યાસ કરાય છે. (11) પરિવહન વિભાગની મદદથી પ્રયોગશાળા પોતાના અભ્યાસ માટેના નમૂના એકત્ર કરી શકે છે. આવી વિવિધ સેવામાંથી કોઈ વૈધલક્ષી તબીબ (medicolegal expert)ને વિષવિદ્યા, રુધિરરસવિદ્યા, જીવવિજ્ઞાન, આણ્વિક જીવવિજ્ઞાન, અસ્ત્રવિદ્યા, વિસ્ફોટનવિદ્યા અને બહુ-આલેખકના વિભાગો સાથે સુમેળ સાધવો જરૂરી બને છે.

પ્રયોગશાળાનું મુખ્યકાર્ય : (1) પરીક્ષણ માટે આવતા ભૌતિક નમૂનાઓ ઉપર જરૂરી વિવિધ વૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને અહેવાલ રૂપે અખંડનીય અને વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા, જે ન્યાયાલયમાં સાંયોગિક પુરાવા તરીકે કોઈ વ્યક્તિની ગુનાઇત જવાબદારી નક્કી કરવામાં કે તેની નિર્દોષતા ચકાસવામાં ઉપયોગી થાય છે.

(2) અગત્યના ગુનાઓમાં વૈજ્ઞાનિક તજ્જ્ઞોને ફરતી પ્રયોગશાળામાં ગુનાસ્થળે મોકલી તપાસઅધિકારીઓને સ્થળ પર જરૂરી વૈજ્ઞાનિક મદદ અને માર્ગદર્શન આપવું.

(3) ગુનાશોધનક્ષેત્રે તપાસઅધિકારીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે તેઓને જરૂરી વૈજ્ઞાનિક તાલીમ આપવી.

કાનૂની પાસાં (legal aspects) : પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો મહદ્અંશે પૃથક્કરણના તકનીકી (પ્રાવૈધિક) પાસાં સાથે જ નિસબત ધરાવે છે. પરંતુ કેટલીક વખત તેઓ નમૂના પ્રયોગશાળામાં આવે તે પહેલાં અને પછી પણ નમૂનાની હેરફેર સાથે સંકળાયેલ હોય છે. ભૌતિક પુરાવા તરીકે ગણતરીમાં લેવાતી વસ્તુ (નમૂનો) પાંચ તબક્કા  – જેવા કે, તેની પરખ (recognition), એકત્રીકરણ (collection), જાળવણી (preservation), પૃથક્કરણ (analysis) અને સાક્ષી પુરાવા(testimony)–માંથી પસાર થાય છે. નમૂનો ન્યાયાલયમાં સ્વીકારાય તે માટે દરેક તબક્કે નિશ્ચિત કાનૂની જરૂરિયાતો સંતોષાય તે રીતે કામગીરી કરવાની રહે છે અને નમૂનાના યોગ્ય પૃથક્કરણ માટે જરૂરી વૈજ્ઞાનિક સાવચેતી લેવાની રહે છે. ભૌતિક નમૂનો મળે ત્યારથી તે ન્યાયાલયમાં રજૂ કરવામાં આવે તે સમય દરમિયાન નમૂનાનું સાતત્ય જળવાઈ રહે એ એક અગત્યની કાનૂની જરૂરિયાત હોય છે. એટલે કે નમૂનો મળે ત્યારબાદ તેનો કબજો, જાળવણી, હેરફેર અને પૃથક્કરણ બાદ તેને ન્યાયાલયમાં રજૂ કરવામાં આવે તે દરમિયાન નમૂનો એકસરખો વ્યવસ્થિત રીતે સાચવવામાં આવેલ છે અને તેમાં સંબંધિત અધિકારીઓ સિવાય અન્ય કોઈને હસ્તક્ષેપ કરવાનો અવકાશ મળેલ નથી તે ન્યાયાલયમાં આડકતરી રીતે સાબિત થવું જોઈએ. આ માટે નમૂનાની દરેક વસ્તુ જે સ્થળેથી અને જે સ્થિતિમાં મળે તેની વિગતવાર નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ નમૂનાની જાળવણી, કબજો, હેરફેર તથા પૃથક્કરણ વગેરેની પણ સંબંધિત અધિકારીઓ દ્વારા વિગતવાર નોંધ કરવામાં આવે છે. નમૂનાની હેરફેર તેને પડીકાં કે કોથળીમાં બાંધી પડીકાં કે કોથળી ખૂલી ન શકે તે રીતે તેના પર સંબંધિત અધિકારીનાં સહી-સિક્કા અને સીલ કરી સીલ (મહોર) અકબંધ જળવાઈ રહે તે રીતે નમૂનાની હેરફેર કરવામાં આવે છે. નમૂનાની આપ-લે લેખિત સહી લઈને જ કરવામાં આવે છે. જે અધિકારીને નમૂના મળે તેઓ તે વખતે જ નમૂના કઈ સ્થિતિમાં મળ્યા છે તેની વિસ્તૃત નોંધ કરે છે. સંજોગો અનુસાર જો નમૂનાઓમાં કોઈ ફેરફાર થયા હોય તો ન્યાયાલયને તે વિગતવાર જણાવવામાં આવે છે. નમૂના સતત વ્યવસ્થિત રીતે જળવાય છે તેવું જો સાબિત ન થઈ શકે તો તેનાથી પુરાવાની પ્રમાણભૂતતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે અને તપાસ તથા પૃથક્કરણની સંપૂર્ણ પ્રક્રિયા વ્યર્થ નીવડે છે.

ગુનાની સફળ તપાસ મોટેભાગે ગુનાસ્થળેથી ભૌતિક નમૂનાઓ કેટલી સારી રીતે મેળવી, એકઠા કરી, જાળવી તેને પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે તેના ઉપર અવલંબે છે. ન્યાયસહાયક વૈજ્ઞાનિક તેના વિશિષ્ટ જ્ઞાન અને અનુભવને કારણે કયા પદાર્થ કે વસ્તુ નમૂના તરીકે સારી રીતે ઉપયોગી થઈ શકશે તેવી જાણકારી ધરાવતા હોય છે. તેથી ગુનાસ્થળે તેવા પદાર્થ કે વસ્તુને ઓળખી કાઢી, તેને મેળવી તેમાં થઈ શકતા વૈજ્ઞાનિક પરીક્ષણની માહિતી અને વૈજ્ઞાનિક ઉપયોગિતા જળવાઈ રહે તે રીતે નમૂનાની જાળવણી, હેરફેર બાબતમાં તેઓ તપાસ અધિકારીને સારું માર્ગદર્શન આપી શકે છે. આથી ગંભીર અને અગત્યના ગુનાઓમાં નિષ્ણાતની ગુનાસ્થળની મુલાકાત બહુ ઉપયોગી બને છે.

ન્યાયાલયમાં જુબાની વખતે પરીક્ષણ અધિકારીએ જટિલ ઉપકરણીય કાર્યપદ્ધતિઓ(complex instrumental techniques)ની માહિતી, તે વિષયના બિનનિષ્ણાત  ન્યાયવિદો તે સહેલાઈથી સમજી શકે તેવી સરળ ભાષામાં રજૂ કરવાની રહે છે. જુબાની વખતે ઊલટ તપાસનો સક્ષમ રીતે સામનો કરી શકાય તે માટે નિષ્ણાતને તેના વિષય, પદાર્થના ગુણધર્મો અને ઉપકરણોની તકનીકી માહિતીની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ.

પૃથક્કરણની કામગીરી : ફોરેન્સિક પૃથક્કરણ ભૌતિક નમૂનાની ચોક્કસ ઓળખ અથવા બે કે વધારે નમૂનાની સરખામણીએ બેમાંથી કોઈ એક હેતુ માટે કરવામાં આવે છે. ઓળખ માટેના કિસ્સામાં કોઈ અમુક રાસાયણિક જાતિ(chemical species)ની ઓળખ અને મોટેભાગે તેની માત્રા અંગે પરીક્ષણ કરવામાં આવે છે. ઉદાહરણોમાં લોહીમાં દારૂની હાજરી અને પ્રમાણ, ઉતકો(tissue)માં અમુક દવાની હાજરી અને માત્રા, શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં વિશેષમાં અમુક ઝેરની ઓળખ અને માત્રા, ગોળીબારના બનાવમાં અવશિષ્ટ પદાર્થમાં બેરિયમ એન્ટિમની ધાતુની માત્રા વગેરે દર્શાવી શકાય.

નમૂનાઓની સરખામણી ગુનામાં મળેલ અને નિયંત્રણ (control) નમૂના વચ્ચે કરવામાં આવે છે. તેમાં બે નમૂનાઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શોધી, તેના તુલનાત્મક અભ્યાસથી બંને વચ્ચે સુસંગતતા (consistency) કે અસંગતતા તપાસવામાં આવે છે. પરિણામ ઉપરથી બંને નમૂનાઓ એક જ જગ્યાના છે; એટલે કે, બંનેનું ઉદભવસ્થાન (origin) એક જ છે કે કેમ તે નક્કી કરવામાં આવે છે. જો ગુણધર્મો વચ્ચે અસંગતતા જણાય તો તે બંને નમૂનાઓનું ઉદભવસ્થાન એક નથી તેમ ખાતરીપૂર્વક કહી શકાય છે. સરખામણીનાં ઉદાહરણોમાં ગુનાસ્થળેથી મળેલ વાળની શકદારના વાળ (નિયંત્રણ નમૂના) સાથે સરખામણી ઉપરથી શકદારની ગુનાસ્થળે હાજરી સાબિત કરી શકાય. તેવી જ રીતે ગુનાસ્થળેથી કે અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિનાં કપડાં ઉપરથી મળેલ રંગની નાની પોપડીઓની શંકાવાળા વાહન ઉપરથી લીધેલ રંગના નમૂના સાથેની સરખામણીથી તે વાહન અકસ્માતમાં સંકળાયેલ છે કે કેમ તે સાબિત થઈ શકે છે. ગુનાસ્થળે મળતી ગુપ્ત આંગળાંની છાપોની શકદારનાં આંગળાંની છાપોની સાથે સરખામણી કરી તે ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે નક્કી થઈ શકે છે.

ફોરેન્સિક પ્રયોગશાળામાં થતાં પરીક્ષણનાં પરિણામ કોઈ વ્યક્તિના ભવિષ્યને અસરકર્તા હોઈ પરીક્ષણ/પૃથક્કરણમાં અતિ ચોકસાઈ રાખવામાં આવે છે. ઘણી વખત પૃથક્કરણ માટે આવતા નમૂનાની માત્રા અલ્પ હોઈ નમૂનાનો સંપૂર્ણ નાશ ન થાય, નમૂનો અતિ અલ્પ (સૂક્ષ્મ) માત્રામાં જ વપરાય અને ન્યાયાલયમાં રજૂ કરવા શેષ નમૂનો રહે તે રીતે પૃથક્કરણકાર્યનું આયોજન કરાય છે. નમૂનાના ભૌતિક પરીક્ષણ, જેમાં સૂક્ષ્મદર્શક(microscope)માં નમૂનાની પૃષ્ઠીય લાક્ષણિકતા(surface characteristics)નો અભ્યાસ, નમૂનાનો રંગ, રચના કે આકાર, માપ, ઘનતા, વક્રીભવનાંક અને એક્સ કિરણોમાં વિવર્તન (diffraction). ધાત્વીય પરીક્ષણ માટે એક્સ-કિરણોમાં પ્રસ્ફુરણ (fluorescence) વગેરેમાં નમૂનો નષ્ટ થતો નથી. નમૂનાના ચોકસાઈભર્યાં પરિણામો માટે અદ્યતન પૃથક્કરણ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે અને ઉપકરણીય પૃથક્કરણ માટે વિશિષ્ટ અને જટિલ કીમતી ઉપકરણોથી પ્રયોગશાળા સુસજ્જ હોય છે. પૃથક્કરણ અહેવાલ આપતા અધિકારી (તજ્જ્ઞ) દેશના પુરાવાના કાયદાની કલમો અન્વયે નિષ્ણાતની અને તેઓએ રજૂ કરેલ પૃથક્કરણ અહેવાલ નિષ્ણાતના અભિપ્રાય(expert’s opinion)ની કક્ષાના ગણાય છે. દંડસંહિતાની કલમ અન્વયે નિષ્ણાતનો લેખિત અભિપ્રાય ન્યાયાલયમાં સ્વીકાર્ય બને છે અને ન્યાયાલય કે બચાવપક્ષના વકીલ નિષ્ણાતને ન્યાયાલયમાં સાક્ષી પુરાવા આપવા કે ઊલટ તપાસ માટે બોલાવી શકે છે.

યંત્રસાધન, ઉપકરણો અને પૃથક્કરણ પદ્ધતિઓ : આધુનિક ફોરેન્સિક પ્રયોગશાળા શ્રેણીબંધ જટિલ યંત્ર-ઉપકરણો ધરાવે છે. દરેક યંત્ર અમુક પ્રકારના પૃથક્કરણ માટે વપરાય છે. બધાં યંત્રોથી વિવિધ પ્રકારના નમૂનાઓનાં જુદાં-જુદાં પૃથક્કરણ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં નરી આંખના પરીક્ષણમાં જ પરિણામ મળે છે. કોઈ પણ તૂટેલ/ફાટેલ વસ્તુ કે હથિયારનો એક ભાગ ગુનાસ્થળેથી અને તેનો બીજો ભાગ શકદાર પાસેથી મળી આવે તેવા કિસ્સામાં બંને ભાગની તૂટેલ ધારોની નરી આંખે ભૌતિક સુમેળ(physical matching)ની ચકાસણીથી શકદારની ગુનામાં જવાબદારી નક્કી થઈ શકે છે. બારી દરવાજાના કાચ તૂટવાના કિસ્સામાં કાચ અરીયવિભંગ (radial fracture) કે સર્પિલ વિભંગ (spiral fracture) રીતે તૂટેલ છે તે, અને કાચના આડછેદ ઉપર શિરા (rib) અથવા દંતાળી (hackle) જેવા કાપાના પરીક્ષણથી કાચ તૂટવા માટે લાગેલ બળની દિશા, પ્રક્ષેપ્ય-(projectile)નો પ્રકાર, સ્વરૂપ અને લાક્ષણિકતાઓ જાણી શકાય છે.

નમૂનાની ‘ત્વરિત કસોટી’ (spot test) એ પ્રાથમિક પરીક્ષણની સરળ રીત છે. તેમાં અમુક પ્રકારનાં રસાયણો સાથે પ્રક્રિયામાં રંગમાં ફેરફાર થવો, અવક્ષેપ બનવા, કોઈ ગૅસ ઉત્પન્ન થવો કે સ્ફટિક બનવા જેવી ક્રિયા થાય છે. આ પૃથક્કરણથી ચોક્કસ ઓળખ નથી થતી તેમ છતાં નમૂનાઓને અલગ કરવામાં તે ઉપયોગી થાય છે. ઉપરાંત નમૂનાનું પાણી અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવું, તેનું ગલનબિંદુ, ઉત્કલનબિંદુ સ્ફુરાંક (flash point) વગેરે પરીક્ષણો પણ ઉપયોગી બને છે.

સૂક્ષ્મદર્શકો : પરંપરાગત રીતે ર્દક્કાચ સાથેના ફોરેન્સિક વૈજ્ઞાનિકનું ર્દશ્ય આજે સૂક્ષ્મદર્શકમાં બદલાયું છે. આજે સૂક્ષ્મદર્શક પરીક્ષણ માટે દરેક પ્રયોગશાળામાં વધારે ઉપયોગમાં લેવાતું સાધન છે. પ્રયોગશાળાના રોજિંદી પૃથક્કરણમાં એક અથવા બીજા હેતુ માટે બધા પ્રકારનાં સૂક્ષ્મદર્શક યંત્રો હોવાં જરૂરી છે. ફોરેન્સિક પરીક્ષણની ઘણી પદ્ધતિઓ આજે સૂક્ષ્મદર્શક આધારિત છે. રેતી, રંગની પતરીઓ, તાંતણા, કાગળ વગેરે. અપારદર્શક પદાર્થના પૃષ્ઠતળના પરીક્ષણ માટે અલ્પક્ષમતાવાળા ત્રિપરિમાણીય સૂક્ષ્મદર્શક (low power stereomicroscope) વપરાય છે. વાળની આંતરિક સંરચનાના પરીક્ષણ માટે, કાચના નાના ટુકડાનો વક્રીભવનાંક શોધવા, શુક્રકોષો(spermatozoa)ના પરીક્ષણમાં તેમજ પેશી(tissue)ના પરીક્ષણ માટે પ્રકાશ પારસરણીય સૂક્ષ્મદર્શક (optical transmission microscope) વપરાય છે. આ સૂક્ષ્મદર્શક સાથે મળતાં ઉપસાધનોના ઉપયોગથી સંદીપ્તિશીલતા(luminescence)નો અભ્યાસ વિખેરણીય અભિરંજન(dispersion staining)ની ચકાસણી અને ધ્રુવીભૂત પ્રકાશમાં સ્ફટિક પદાર્થોના પ્રકાશીય ગુણધર્મો(optical properties)ની માપણી થઈ શકે છે. જૈવિક કોષો અને પેશીઓના અભ્યાસ માટે વિકલાવિપર્યાસી સૂક્ષ્મદર્શક (phase contrast microscopes) ઉપયોગી થાય છે. બે નમૂનાઓને સરખાવવા માટે તે બંને નમૂનાઓનું મોટું પ્રતિબિંબ એક જ પડદા ઉપર અર્ધા અર્ધા ભાગમાં પાસે પાસે મળે તે પ્રકારના તુલનાદર્શી સૂક્ષ્મદર્શક (comparision microscope) યંત્રો પણ ઉપલબ્ધ હોય છે. રંગની પતરીઓના નમૂનાઓના આડછેદને આ સૂક્ષ્મદર્શકથી તપાસી તેમાં રહેલ જુદા-જુદા રંગનાં પડની સંખ્યા અને તેની જાડાઈ માપી શકાય છે. વિલંજન (fractured) થયેલ ધાતુઓના ટુકડા કે ભાગોના પરીક્ષણ માટે ધાતુ આલેખન સૂક્ષ્મદર્શક (metallographic microscope) વપરાય છે. ફોરન્સિક પરીક્ષણમાં તત્ત્વીય વિશ્લેષક (elemental analyser) સાથેના વીજાણુ સૂક્ષ્મદર્શક (electrone microscope) પણ ઘણા ઉપયોગી છે. પ્રકાશીય સૂક્ષ્મદર્શક (optical microscope) કરતાં સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપથી વધારે ક્ષેત્રીય ઊંડાણ (depth of field) સાથે 1,00,000 જેટલું આવર્ધન (magnifiction) મળી શકે છે. પ્રકાશીય સૂક્ષ્મદર્શકની વિભેદન ક્ષમતા (resolution) આશરે 200 n.m. જેટલી છે. જ્યારે સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની વિભેદનશક્તિ 10 n. m. જેટલી હોય છે. મને તેમાં ત્રિપરિમાણીય પ્રતિબિંબ મળે છે. ફૂટેલ કારતૂસના આવરણ ઉપરના સૂક્ષ્મ ઘસારાનાં નિશાન, તાળાં, કળ તેમજ હાડકાં કાસ્થિ (cartilage) વગેરે ઉપર હથિયારના ઘસારાનાં સૂક્ષ્મ ચિહ્નો તથા રંગના નાના કણોનું સંયોજન વગેરે આ સૂક્ષ્મદર્શકથી ચકાસી શકાય છે. ગોળીબારના બનાવોમાં કોઈક આકાર અને અમુક તત્વીય સંયોજન ધરાવતા અતિસૂક્ષ્મ કણો (0.001 મિમી.) અવશેષરૂપે મળે છે. ગોળીબાર કરનાર વ્યક્તિના હાથ તેમજ ગોળીબાર કરતી વખતે પહેરેલ કપડાં ઉપર એ અવશિષ્ટ પદાર્થની હાજરી ‘સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ’થી તપાસી શકાય છે. અથવા વિદ્યુતપ્રવાહથી મૃત્યુના કિસ્સામાં વીજદાહમૃત્યુ (electrocution) ચામડી પર વિદ્યુત તારના બળવાનાં નિશાન અને ત્યાં જમા થયેલ તાંબું. સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે.

વિષવિદ્યાલક્ષી તપાસકસોટીઓ : ઝેર, ઔષધ તથા અન્ય રસાયણોને શોધવા અને ઓળખવા માટે વિવિધ પદ્ધતિઓ વપરાય છે. જેમકે વર્ણકાલેખન (chromatography), વીજચલન (electrophoresis), રંગપટ પ્રકાશમિતિ (spectrum spectrometry) વગેરે. વર્ણકાલેખન માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. જેમકે સ્તંભીય વર્ણકાલેખન (column chromatography), પત્ર (paper) વર્ણકાલેખન, તનુસ્તરીય (thin layer) વર્ણકાલેખન, વાયવી વર્ણકાલેખન (gas chromatography), વર્ણકમાપક (colourimeter) નામના વર્ણપટદર્શક(spectroscope)ની મદદથી રંગપટનિરીક્ષા (spectroscopy) અથવા રંગપટપ્રકાશમિતિ (spectrophotometry) કરાય છે. તેમાં મુખ્ય પારજાંબલી કિરણો કે અધોરક્ત (infra-red) કિરણોની મદદથી રંગપટનિરીક્ષા કરી શકાય છે. રંગપટનિરીક્ષાના અન્ય પ્રકારોમાં કિરણોત્સર્ગી રંગપટ આલેખન (spectrograph) કરી શકાય છે તથા પારમાણ્વિક અવશોષણ રંગપટ પ્રકાશમિતિ (atomic absorption spectrophotometry) જેવાં પરીક્ષણો પણ કરાય છે.

પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતાં બીજાં સામાન્ય વર્ગનાં યંત્રો એ રંગપટનિરીક્ષા(spectroscopy)નાં ક્ષેત્રનાં યંત્રો છે. શુદ્ધ પદાર્થનો અધોરક્ત વર્ણપટ(infrared spectrum) એ પદાર્થની રાસાયણિક આંગળાની છાપ (chemical fingerprints) છે. પદાર્થની ચોક્કસ ઓળખ કરવા આ પદ્ધતિ ઉપયોગી છે અને તેનાથી મિશ્રણમાં રહેલા પદાર્થો પણ નક્કી કરી શકાય છે.

અજ્ઞાત કાર્બનિક પદાર્થની ચોક્કસ ગુણાત્મક ઓળખ કરવા માટે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રૉફોટોમીટર બહુ ઉપયોગી સાધન છે. તે અતિસંવેદનશીલ અને ઝડપી હોય છે. પરીક્ષણમાં નમૂનો નષ્ટ થતો નથી. ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ સ્વરૂપના નમૂનાનું પૃથક્કરણ તેનાથી થઈ શકે છે. ઝેરી પદાર્થ, ગુંદર, તાંતણા, ડામર વગેરે નમૂનાના પૃથક્કરણ માટે તે વપરાય છે. અલ્પપ્રમાણના કાર્બનિક સંયોજનની પરખ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રૉમીટરથી મેળવી શકાય છે. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રૉમીટરની સરખામણીમાં કુરિયર ટ્રાન્સફૉર્મ ઇન્ફ્રારેડ સાધન અતિશય સંવેદનશીલ હોય છે અને સૂક્ષ્મ માત્રામાં મળતા નમૂનાનું અતિ ચોકસાઈભર્યું પૃથક્કરણ તેનાથી થઈ શકે છે.

પારજાંબલી અને ર્દશ્યમાન પ્રકાશમાં રંગપટ પ્રકાશમાપન અથવા રંગપટ પ્રકાશમિતિ (spectrophotometry) એ વિવિક્તિકર નિરીક્ષણ(screening)ની કાર્યપદ્ધતિ છે, જે રંગીન પદાર્થનું લાક્ષણિક ચિત્ર રજૂ કરે છે. ઝેરની ઓળખ, દવા, જંતુનાશકો, કેફી પદાર્થ, શાહીમાંના રંજક પદાર્થ તેમજ કાગળ, પ્લાસ્ટિક વગેરેના બળેલ અવશેષોના પૃથક્કરણમાં તે બહુ ઉપયોગી છે.

પારમાણ્વિક અવશોષણ વર્ણપટમાપક (atomic absorption spectrometer) અને ઉત્સર્જન વર્ણપટ આલેખક (emission spectrograph) વડે નમૂનાનું તત્વીય પૃથક્કરણ થઈ શકે છે. બંને યંત્રોથી પદાર્થમાં રહેલાં તત્વોની અતિ અલ્પમાત્રા શોધી શકાય છે. સામાન્ય રીતે તત્વની પરખનું મળતું પ્રમાણ અબજમાં એક ભાગ જેટલું હોય છે. રંગ, સીલ વગેરેમાંના અકાર્બનિક પદાર્થની ઓળખ અને તેની માત્રા (પ્રમાણ) બંદૂક ફૂટવાના કિસ્સામાં અવશેષ પદાર્થ, પ્રદૂષણ કારકો (pollutants) તેમજ સીસા (lead) તથા આર્સેનિક જેવા ધાત્વીય ઝેરના પરીક્ષણ માટે પણ તે ઉપયોગી છે. ઉત્સર્જન વર્ણપટમાપકની તત્વોની ઓળખ અને તેનું પ્રમાણ શોધવાની પદ્ધતિ એ પુરાણી અને સારી રીતે પ્રસ્થાપિત થયેલી પૃથક્કરણની પદ્ધતિ છે. તેમાં નમૂનો અલ્પ માત્રામાં જ જોઈએ છે. પરંતુ તે નષ્ટ થાય છે. દ્રવ્ય વર્ણપટમાપક(mass spectrometer)થી બાષ્પશીલ રાસાયણિક પદાર્થની ઘનાત્મક પરખ થઈ શકે છે. સંકીર્ણ કાર્બનિક અણુનું બંધારણ તેનાથી જાણી શકાય છે. અલ્પમાત્રાના ઝેરની ચકાસણી માટે પણ તે યંત્ર ઉપયોગી છે. મોટેભાગે આ યંત્રને ગૅસક્રોમેટોગ્રાફ યંત્ર સાથે તેના વિશિષ્ટ સંસૂચક (detector) તરીકે જોડવામાં આવે છે. આ યંત્રથી વિસ્ફોટક પદાર્થની ઓળખ માટે પૃથક્કરણની વિશિષ્ટ પદ્ધતિઓ વિકસાવવામાં આવેલ છે.

વર્ણકાલેખન (chromatography) : નમૂનાઓ મોટેભાગે સુયોગ્ય (relevant) અને અયોગ્ય અથવા અસંબંધિત (irrelevant) પદાર્થોનું મિશ્રણ ધરાવતા હોઈ વૈજ્ઞાનિકોએ વિયોજન (separation) પદ્ધતિનો આધાર લેવો પડે છે. તે માટે ચીલાચાલુ પદ્ધતિઓ જેવી કે નિષ્કર્ષણ (extraction), નિસ્યંદન (distillation) અને અવક્ષેપણ (precipitation) વગેરે પ્રશિષ્ટ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાતી હતી. મોટેભાગે હવે તેનું સ્થાન ‘ક્રોમેટોગ્રાફી’ પદ્ધતિએ લીધું છે. ક્રોમેટોગ્રાફીથી સરખા ઘટકને જુદા પાડવાની સાથે-સાથે તેનું પ્રમાણ પણ જાણી શકાય છે. આજે વર્ણકાલેખન પદ્ધતિમાં વિસ્તાર, સંવેદનશીલતા, ઝડપ અને વિશ્વસનીયતાને કારણે ન્યાયસહાયક વિજ્ઞાનમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. વિશિષ્ટ પ્રકારના નિર્દેશક અથવા સંસૂચકના વપરાશથી આ પદ્ધતિનો ઉપયોગ વિસ્તર્યો છે. દવા, સ્ફોટક પદાર્થ, ઝેર અને શાહી રંગદ્રવ્યની હાજરીની ઝડપી ચકાસણી તનુસ્તરીય (thin layer) વર્ણકાલેખનથી થઈ શકે છે. તે પદાર્થોની હાજરી અને તેનું પ્રમાણ વાયવી વર્ણકાલેખનપદ્ધતિથી શોધી શકાય છે. દવા, દહન-ઉત્તેજક પદાર્થ (arson accelerants), જંતુનાશકોના પૃથક્કરણ માટે અને જોખમી રસાયણોના અનુશ્રવણ (monitoring) માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પરીક્ષણ માટે નમૂનાની થોડી જ તૈયારીની જરૂરિયાત અને વધુ સર્વતોમુખી સંસૂચકોના ઉપયોગને લઈ ‘લિક્વિડ ક્રોમેટોગ્રાફી’ની પદ્ધતિ ‘તનુસ્તરીય’ અને ‘ગૅસ ક્રોમેટોગ્રાફી’ને બદલે વધારે ઉપયોગી સાબિત થયેલ છે. ‘પ્રવાહી વર્ણકાલેખન’ (liquid chromatography) પદ્ધતિથી અબાષ્પશીલ પદાર્થનું પૃથક્કરણ પણ થઈ શકે છે. આજે ‘અતિકાર્યક (અતિદાબ) પ્રવાહી વર્ણકાલેખન’ (high performance (pressure) liquid chromatography) એ આ શ્રેત્રમાં નવું સાધન છે. તેનાથી અલ્પમાત્રાના નમૂનાનું વિયોજન શક્ય છે. પૃથક્કરણ માટેના નમૂનાની અલ્પ તૈયારી, ઝડપ, દક્ષતા અને અત્યુત્તમ વિયોજનને કારણે આ પદ્ધતિ વધુ ઉપયોગી બની છે.

વીજચલન (electrophoresis) : વ્યક્તિની ઓળખ માટે લોહી (blood)નું ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ જૂથ(group)માં વર્ગીકરણ કરવાની પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. કપડાં હથિયાર વગેરે ઉપર મળતા સૂકા લોહીના ડાઘ માટે તે વાપરી શકાય છે. આ ઉપરાંત લોહીમાંના બે ઘટકો પ્રોટીન અને ઉત્સેચકો (enzymes) પર આધારિત શ્રેણીનો ઉપયોગ પણ થાય છે. પ્રોટીન અને ઉત્સેચક જેવા મોટા અણુઓને ‘વીજચલન’ યંત્રથી અલગ કરી શકાય છે. સુકાઈ ગયેલા લોહીના ડાઘાઓમાંથી આવા ઘટકો મેળવી તેને શકદારના પ્રમાણિત નમૂનાના ઘટકો સાથે રુધિરરસવિદો (serologist) સરખાવી શકે છે.

એક્સ-રેની પદ્ધતિઓ : એક્સ-રેની શોધ થઈ ત્યારથી અલ્પવેધી એક્સ-રે (soft X-ray) અને અતિવેધી એક્સ-રે (hard X-ray) અપારદર્શક વસ્તુની આંતરિક ચકાસણીના ઉપયોગમાં લેવાય છે. કપડાં, કાગળ, દસ્તાવેજ, બંદૂકની ગોળીથી થયેલ છિદ્રની આસપાસ ગનપાઉડરનો ફેલાવો, દાગીના, ચિત્રો, ચલણી નોટો વગેરેના પરીક્ષણમાં અલ્પવેધી – એક્સ-રે ઉપયોગમાં લેવાય છે. શંકાવાળાં પૅકેટ, પેટી, બનાવટી સિક્કા, બંદૂક રિવોલ્વર વગેરે હથિયાર ખાલી છે કે કારતૂસથી ભરેલાં (loaded), મશીનના ભાગો વગેરે ધાતુની બનાવટમાં રહી ગયેલ બંધારણીય ખામીઓ વગેરે બાબતોની ચકાસણીમાં અતિવેધી એક્સ-રે ઉપયોગમાં લેવાય છે.

એક્સ-રે વિવર્તન (X-ray diffraction)થી મિશ્રણમાં રહેલ સ્ફટિકી પદાર્થની ઓળખ થઈ શકે છે. આ યંત્રથી ફિલ્મ ઉપરના રંગદ્રવ્યનું તેને અલગ કર્યા વગર સીધે સીધું જ પૃથક્કરણ થઈ શકે છે. માટી, ખનિજ, ઘરગથ્થુ રસાયણો, દવા વગેરેના પૃથક્કરણમાં પણ તે વપરાય છે.

એક્સ-રે દમનક (X-ray fluorescence) પદ્ધતિ ધાતુતત્વો શોધવા માટેની ઝડપી, ચોકસાઈભરી અને સર્વતોમુખી પદ્ધતિ છે. તેનાથી ગુણાત્મક અને માત્રાત્મક પૃથક્કરણ થઈ શકે છે. સોડિયમ કરતાં વધારે અણુભાર ધરાવતાં મૂળતત્ત્વોનાં પ્રમાણ એકસાથે ફક્ત 100 સેકન્ડ જેટલા સમયમાં જ શોધી શકાય છે. કોઈ પણ પ્રકારના નમૂનાનું પૃથક્કરણ તેનાથી થઈ શકે છે. ધાતુની પતરી, રંગના કણો, આગના કિસ્સામાં મળતા અવશિષ્ટ પદાર્થ વગેરેના પૃથક્કરણમાં તે ઉપયોગી છે.

આ ઉપરાંત રીએક્ટર ધરાવતી વૈજ્ઞાનિક સંસ્થાના સહકારથી ‘તટસ્થકણીય સક્રિયક વિશ્લેષણ’ (neutron activation analysis) અને ગેમા રે વર્ણપટમિતિ (Gamma ray spectrometer) યંત્રો પણ નમૂનાના પૃથક્કરણમાં ઉપયોગમાં લેવાય છે.

યાંત્રિક પદ્ધતિઓ ઉપરાંત જરૂરી રાસાયણિક કે ભૌતિક પરીક્ષણો પણ કરવામાં આવે છે. કોઈ એક જ પદ્ધતિથી ચોક્કસ ઓળખ કે સરખામણી શક્ય નથી. તેથી થઈ શકે તે અલગ અલગ પદ્ધતિઓથી પૃથક્કરણ કરી ખરા નિષ્કર્ષ ઉપર આવવાનું રહે છે. કોઈ વિશિષ્ટ કિસ્સામાં કઈ પદ્ધતિથી પૃથક્કરણ કરવું તે પરીક્ષક ઉપર અવલંબે છે. પરંતુ પરીક્ષકે જે પદ્ધતિ કાનૂની જરૂરિયાતો સંતોષતી હોય, તેવી જ પદ્ધતિની પસંદગી કરવાની રહે છે.

વિકસિત દેશોમાં આજે વ્યક્તિની ઓળખ માટે જીવશાસ્ત્ર વિભાગમાં ડીએનએ ફિંગરપ્રિન્ટની પદ્ધતિનો ઉપયોગ થાય છે. ગુના સાથે સંકળાયેલ વ્યક્તિ અસત્ય બોલે છે કે કેમ તે નક્કી કરવા પૉલિગ્રાફ યંત્ર(polygraph machine)નો ઉપયોગ થાય છે તેમજ બૉમ્બ અંગે કે અપહરણના કિસ્સામાં પૈસા માટે ટેલિફોન ઉપર આપવામાં આવતી ધમકી અને બદનામ કરવાના ટેલિફોન વગેરે કિસ્સામાં રેકર્ડ કરેલ અવાજને શકદારના અવાજ સાથે વાક્ધ્વનિ–વર્ણપટ આલેખ (voice spectrograph) યંત્ર દ્વારા સરખાવવામાં આવે છે. કેટલાક વિકસિત દેશોમાં પણ આ પદ્ધતિઓની શરૂઆત થયેલ છે.

જૂઠશોધક (lie detector) યંત્ર : તેને બહુઆલેખક (polygraph) પણ કહે છે. તેમાં વ્યક્તિની સાથે વાત કરતી વખતે તેની શ્વસન, રુધિરાભિસરણ, ચેતાતંત્રીય ક્રિયાઓ વગેરેનો એકસાથે અભ્યાસ કરાય છે. વાત કરતી વખતે ઉદભવતી અનુકંપી વિભાગના સ્વાયત્ત ચેતાતંત્રીય પ્રતિભાવો(sympathetic autonomic responses)ની નોંધ લેવાય છે. સૌપ્રથમ જે-તે વ્યક્તિની સંપૂર્ણ શારીરિક અને માનસિક તપાસ કરાય છે. માનસિક વિકારવાળી વ્યક્તિ, ઔષધવ્યસનીઓ કે હૃદય, ફેફસાં કે ચેતાતંત્રના વિકારોવાળી વ્યક્તિમાં આ પરીક્ષણ સફળ રહેતું નથી. તેને એક ખુરશીમાં બેસાડાય છે. તેની સાથે યંત્રના જરૂરી જોડાણ બાંધવામાં આવે છે. હાથ પર નાડી અને લોહીનું દબાણ માપવા માટેના પટ્ટા અને છાતી પર શ્વસનક્રિયાની નોંધ લેવા માટેનો પટ્ટો લગાડવામાં આવે છે. એક આંગળી પર ગૅલ્વેનિક વીજાગ્ર લગાવીને ચામડીનો ગૅલ્વેનિક વીજતરંગ તરફનો પ્રતિભાવ નોંધવામાં આવે છે. ત્યારબાદ તેને સીધા સૂચક સવાલો પૂછીને ‘હા’ કે ‘ના’માં જવાબો મેળવવામાં આવે છે. તેમાં છેતરામણા જવાબો વખતે થતી શારીરિક અસરો નોંધવામાં આવે છે. સામાન્ય રીતે તપાસના વિષય સાથે અસંગત, તેની સાથે સંગત અને અન્ય નિયંત્રણરૂપી પ્રશ્નો એમ – 3 જૂથમાં કુલ 10 સવાલો પુછાય છે. વધુ પ્રશ્નો હોય તો ફેરતપાસ કરાય છે. શંકાસ્પદ વ્યક્તિ જ્યારે જવાબો આપતી હોય ત્યારે તેના ચહેરાના હાવભાવની પણ નોંધ લેવાય છે. મુખ્ય તપાસને 8 પરીક્ષણોમાં વહેંચવામાં આવેલી હોય છે. – પ્રથમ કસોટી, પત્તા કસોટી (card test) જેમાં એક વખત તેને જાણી જોઈને ખોટું બોલવાનું કહેવામાં આવે છે, તૃતીય કસોટી, પ્રથમ કસોટીની ફેરતપાસ, મિશ્રપ્રશ્નોની કસોટી, હકારાત્મક ઉત્તરોવાળી કસોટી જેમાં ખોટા આક્ષેપ કરવામાં આવે તે વખતનો તેનો પ્રતિભાવ જાણી શકાય છે, દોષભાવના (guilt feeling) સર્જતી કસોટી, પુન:કસોટી અને અતિતીવ્ર તણાવકારી કસોટી. આમ વિવિધ કસોટીઓ કરીને વ્યક્તિ શું સાચું અને શું ખોટું બોલી રહી છે તેની તપાસ કરાય છે.

કમ્પ્યૂટર : આજે બધાં ક્ષેત્રોમાં કમ્પ્યૂટરનો ઉપયોગ વધ્યો છે. કમ્પ્યૂટર સાથેનાં જટિલ-કીમતી યંત્રોના ઉપયોગથી આજે પૃથક્કરણનું કાર્ય ઝડપી, ચોક્કસ અને કાર્યક્ષમ બન્યું છે. તેને લઈ પ્રયોગશાળાની કાર્યક્ષમતામાં પણ વધારો થયેલ છે.

પ્રયોગશાળામાં ફોરેન્સિક વિષયને લગતું જરૂરી સાહિત્ય, તકનીકી માહિતી, સરખામણી માટે કેટલાંક ઉત્પાદનોની પ્રમાણભૂત માહિતી (authentic data) વગેરે કમ્પ્યૂટરમાં સંગ્રહી શકાય છે. જરૂરી ગણતરીઓ, સરખામણી વગેરે તેનાથી થઈ શકે છે. સંગ્રહાયેલી માહિતી જરૂરિયાત પ્રમાણે ત્વરિત મેળવી શકાય છે. આમ, ગણતરીયંત્ર પણ પ્રયોગશાળા માટે જરૂરી બન્યું છે. કામગીરીનું આયોજન, વહીવટી અને નાણાકીય બાબતો માટે પણ તે ઉપયોગી છે. ગણતરીયંત્રના વ્યાપક ઉપયોગની સાથે નાણાકીય હિસાબોમાં ફેરફાર, ઉચાપત, પરીક્ષાનાં પરિણામોમાં ચેડાં, પસંદગી યાદીમાં ગોટાળા વગેરે બનાવો પણ વધ્યા છે. આથી ભવિષ્યમાં જરૂરી કાયદાઓ થતાની સાથે ફોરેન્સિક પ્રયોગશાળામાં ગણતરીતંત્રના ગુનાઓની તપાસનો વિભાગ પણ શરૂ થવાની સંભાવના છે.

સામાન્ય રીતે ફોરેન્સિક પ્રયોગશાળામાં નીચે પ્રમાણેના પરીક્ષણ/પૃથક્કરણ કરવામાં આવે છે.

(1) પેટ્રોલિયમ પદાર્થો, ખાદ્યતેલ, ઔષધો, રંગો, જંતુનાશક દવાઓ, ખાતર, સિમેન્ટ વગેરેનાં ભેળસેળની ચકાસણી.

(2) ચરસ, ગાંજો, ભાંગ, અફીણ, હેરોઇન, મોરફીન તથા તેના વ્યુત્પન્નો અને અન્ય માદક પદાર્થોના નમૂનાઓમાં પદાર્થની ઓળખ અને પ્રમાણ (માત્રા) શોધવાં.

(3) આગના બનાવોમાં અવશિષ્ટ પદાર્થમાં સળગી ઊઠે તેવા પદાર્થ(દહન ઉત્તેજક પદાર્થ)ની હાજરી શોધી આગ લાગવાનું કારણ શોધવું.

(4) વિસ્ફોટન(explosion)ના બનાવમાં સ્થળપરીક્ષણ કરવું તેમજ તેમાં મળતા અવશિષ્ટ પદાર્થનું પૃથક્કરણ કરી વિસ્ફોટક પદાર્થ શોધી બૉમ્બનો પ્રકાર અને શક્તિ નક્કી કરવાં.

(5) આપઘાત, અકસ્માતમૃત્યુ કે મરણ નિપજાવવાના કિસ્સામાં મરણોત્તર પરીક્ષા (post-mortem) દરમિયાન તબીબે લીધેલ હોજરી (stomach), આંતરડું (intestine), યકૃત (liver), મૂત્રપિંડ (kidney) વગેરે શરીરના અવયવો (viscera) તેમજ લોહી તથા સ્થળ પરથી લીધેલ અન્ય નમૂનાઓમાં ઝેરની હાજરી અને તેનાં પ્રકાર અને પ્રમાણ શોધવાં અથવા દારૂ કે દવાની હાજરી અને માત્રા શોધવાં.

(6) દારૂબંધીના કેસોમાં વ્યક્તિના લોહીમાં તથા કબજે લીધેલ નમૂના, શીશીઓ વગેરેમાં દારૂની હાજરી અને માત્રા શોધવાં. ઝેરીલી શરાબ (લઠ્ઠો) પીવાના કિસ્સામાં અસર પામેલ વ્યક્તિનાં લોહી, પેશાબ અને મૃતકના વિશેરામાં બનાવ માટે અસરકર્તા પદાર્થની હાજરી અને તેનું પ્રમાણ શોધવાં.

(7) ઘર, દુકાન, કારખાનાં અને મોટાં ઔદ્યોગિક સંકુલોમાં બનતા વિસ્ફોટનના અને આગના બનાવોમાં બનાવ વિદ્યુત શોર્ટ સર્કિટના કારણે થયેલ છે, યાંત્રિક ખામી કે અકસ્માતથી થયેલ છે, ગૅસ કે અન્ય કોઈ રસાયણના ગળવાથી કે નિષ્કાળજીથી થયેલ છે તે તપાસવું અથવા કોઈ પ્રકારના વિસ્ફોટક પદાર્થથી થયેલ છે તે નક્કી કરવું.

(8) ગોળીબારના કિસ્સામાં મળતાં હથિયાર તથા દારૂગોળાનું પૃથક્કરણ કરવું. સ્થળ પરથી મળેલ ખાલી કારતૂસ, છરા, ગોળી તેમજ ઈજા કે મૃત્યુ પામનારના શરીરમાંથી નીકળેલ ગોળી વગેરે શંકાવાળા હથિયારમાંથી ફોડવામાં આવેલ છે કે કેમ તે નક્કી કરવું. ગોળીબાર કેવા હથિયારમાંથી, કેટલા અંતરેથી અને કઈ દિશામાંથી કરવામાં આવ્યો હશે તે નક્કી કરવું તથા શકદારના હાથ અને કપડાં ઉપરના પાવડરના અવશેષ પદાર્થ પરથી શકદારે ગોળીબાર કરેલ છે કે કેમ તે નક્કી કરવું.

(9) ગુનાસ્થળે કોઈ સપાટી કે વસ્તુ ઉપર મળેલ હથિયારના ઘસારાનાં નિશાન, શંકાવાળા હથિયારથી થયેલ છે કે કેમ, ગુનાસ્થળે મળતાં ટાયરનાં નિશાન શંકાવાળા વાહનનાં ટાયરનાં છે કે કેમ તે નક્કી કરવું. ગુનામાં મળેલ રંગ, માટી, ધાતુ, કાચ કે તેના કણો, કાપડ, તાંતણા તથા અન્ય ભૌતિક પદાર્થોનું પૃથક્કરણ કરવું અને શકદાર કે શંકાવાળા વાહન–હથિયાર પરથી મળતા તેવા પદાર્થો સાથે તેની સરખામણી કરવી.

(10) ચોરાયેલાં વાહનો, કીમતી દાગીના, જર-ઝવેરાત ઉપર ભૂંસી નાખેલ ઓળખનાં નામ કે નંબરો (એન્જિન નંબર, ચેસીસનંબર) ફરીથી ઉપસાવવાં કે જેથી તેની મૂળ માલિકી નક્કી થઈ શકે. લખાણ કે દસ્તાવેજોમાં કરેલ ફેરફાર, સુધારાવધારાની ચકાસણી કરવી, ભૂંસી નાખેલ લખાણ કે ઘૂંટેલ લખાણ ઉકેલવાં તેમજ બળેલ દસ્તાવેજનાં લખાણ ઉકેલવાં, બનાવટી ચલણી નોટો, સિક્કા વગેરેનું પરીક્ષણ કરવું.

(11) ખૂન, બળાત્કાર, મહાવ્યથા કે અપમૃત્યુના બનાવોમાં કપડાં, હથિયાર વગેરે ઉપર મળતાં લોહી, લાળ તથા અન્ય શરીરદ્રવ(body fluid)ની ઓળખ અને વર્ગીકરણ કરવું તથા તેનું ઉદભવસ્થાન નક્કી કરવું. વાળ, હાડકાં તથા બીજા પ્રાણીજ કે વનસ્પતિજન્ય પદાર્થોનું પરીક્ષણ કરવું, હાડકાં, ખોપરી વગેરે માનવનાં છે કે કેમ અને હોય તો વ્યક્તિની આશરે ઉંમર, જાતિ, બાંધો તથા ઓળખ શોધવાં. પિતૃત્વના તકરારી કિસ્સામાં લોહીની ચકાસણી કરી પિતૃત્વ નક્કી કરવું.

(12) ખોરાક કે પીણાથી થતા ઝેરીકરણના બનાવોમાં ખોરાક, હોજરીમાંનો પદાર્થ, પીણાં, વાસણો વગેરેમાં જીવાણુજ સંક્રમણની ચકાસણી કરવી.

લાલજી વિ. કરગથરા

શિલીન નં. શુક્લ