ફૈઝી, અબુલ ફેઝ (જ. 1547, આગ્રા; અ. 1595) : પ્રસિદ્ધ ફારસી કવિ. અમીર ખુશરૂ તથા ઉર્ફી શીરાઝીની હરોળના ત્રીજા કવિ. તેઓ મુઘલ શહેનશાહ અકબરના દરબારના નવ રત્નોમાંના એક હતા. શેખ મુબારક નાગોરના બે પુત્રોમાં તેઓ જ્યેષ્ઠ હતા.

ફૈઝીએ પોતાના વિદ્વાન પિતા પાસેથી વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું. ટૂંક સમયમાં જ તેમણે વિદ્વાન અને કવિ તરીકેની પ્રસિદ્ધિ મેળવી. અકબરના દરબારમાં તેમનો ઉચ્ચ માન-મરતબો અને પ્રતિષ્ઠા હતાં. શહેનશાહના તેઓ અંગત મિત્ર પણ હતા. શાહી દરબારમાં શિક્ષણ અર્થે તેમની શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી. 1588માં તેમને ‘રાજ-કવિ’નો ખિતાબ મળેલો.

સાહિત્યમાં પ્રતિષ્ઠા મેળવ્યા ઉપરાંત ફૈઝીએ અનેક હોદ્દાઓ પર રહીને નામના મેળવી. 1581માં અકબરે તેમને આગ્રા, કાલ્પી અને કાલંજરના ન્યાયાધીશ તરીકે નીમ્યા હતા. દક્ષિણનાં રાજ્યોમાં અકબરના એલચી તરીકે પણ તેમણે ફરજો બજાવી હતી. પ્રખ્યાત ઇતિહાસકાર બદાયૂની પણ ફૈઝીના સહવાસમાં 40 વર્ષ રહેલા.

ફૈઝીની સાહિત્યિક રચનાઓની સંખ્યા 101ની છે. તેમના ‘દીવાને ગઝલિયાત’માં 9,000 કાવ્યપંક્તિઓનો સમાવેશ થયેલો છે. ફૈઝીએ મસ્નવી, કસીદહ, ગઝલ વગેરે બધા જ કાવ્યપ્રકારોનાં કાવ્યો લખ્યાં છે. તેમની ગઝલોમાં રહસ્યવાદનો ઘેરો રંગ ઘૂંટાયેલો છે. તેમની કવિ તરીકેની સફળતાનું રહસ્ય તેમનું વિશાળ જ્ઞાન, વિદ્વત્તા અને બહોળા અનુભવમાં રહેલું છે. તેમની કવિતામાં રૂમીનો રહસ્યવાદ, ખૈયામનું તત્વજ્ઞાન, હાફિઝનું દર્દ અને સઆદીની નૈતિકતા એકસાથે જોવા મળે છે.

ફૈઝી ફારસી ઉપરાંત અરબી અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. પોતાના યુગમાં  તે ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, વૈદક અને તત્વજ્ઞાન જેવાં શાસ્ત્રોમાં નિપુણ હતા. તેમની પ્રસિદ્ધ અને મુખ્ય કૃતિઓ પૈકી મસ્નવીઓમાં ‘મરકઝે અદવાર’, ‘સુલયમાન વ બીલકીશ’, ‘નલ-દમન’, ‘હફત કિશ્વર’ અને ‘અકબરનામા’ છે. આ પાંચ કાવ્યો ‘ખમ્સહ’ નામે ઓળખાય છે. આ કાવ્યોની રચનાની શરૂઆત 1585માં થયેલી; પરંતુ તે બધાં જ તેઓ પૂર્ણ કરી શક્યા નહિ. ‘નલ-દમન’ (નળ-દમયંતી) અને ‘મરકઝે અદવાર’ પૂર્ણ સ્વરૂપે મળે છે. કાવ્ય અને તત્વજ્ઞાનના કેટલાક સંસ્કૃત ગ્રંથોનું તેમણે ફારસીમાં ભાષાંતર કર્યું છે; તેમાં મહાભારતનો ફારસી અનુવાદ નોંધપાત્ર છે. ભાસ્કરાચાર્યના બીજગણિત અને ‘લીલાવતી’ને તેમણે ફારસી રૂપ આપ્યું. કુરાને શરીફ પર ‘સવાતિલ્-ઉલ-ઇલ્હામ’ નામે ભાષ્ય-પુસ્તકમાં તેમણે નુક્તા(બિંદુ) રહિત શબ્દોનો ઉપયોગ કર્યો છે; જે તેમની અસાધારણ બુદ્ધિ અને કલ્પનાશક્તિનો પરિચય આપે છે.

ઈસ્માઈલ કરેડિયા