ફૈય્યાજખાં (જ. 1886, સિકંદરા; અ. 5 નવેમ્બર 1950, વડોદરા) : આગ્રા ઘરાનાના મશહૂર અને અગ્રણી રચનાકાર. પિતાનું નામ સફદરહુસેન. તેમના જન્મ પહેલાં જ પિતાનું મૃત્યુ થવાથી ફૈય્યાજખાંનું પાલનપોષણ તેમના નાના ગુલામ અબ્બાસે કર્યું હતું. નાનાજીએ જ તેમને સંગીતશિક્ષણ આપ્યું. નાનપણથી જ ફૈય્યાજખાં પાસે ઘણી બંદિશોનો સંગ્રહ થયો હતો.

કિશોરાવસ્થાથી જ ખાંસાહેબના ગાયનમાં શાસ્ત્રશુદ્ધિ અને મધુરતાનો સમન્વય થયેલો દેખાતો હતો. તત્કાલીન મૈસૂર-નરેશે 1906માં તેમને એક સુવર્ણપદક અને 1911માં ‘આફતાબે મોસિકી’(સંગીતનો સૂર્ય)ની પદવી એનાયત કરી હતી. એ જ રીતે વડોદરાના મહારાજ સયાજીરાવે પણ તેમને દરબારી ગાયક તરીકે નિયુક્ત કર્યા અને ‘જ્ઞાનરત્ન’ની ઉપાધિથી સન્માન્યા. તેમની ગાયકીમાં તેમણે પિતૃવંશના ‘રંગીલે’ અને માતૃવંશના આગ્રા ઘરાનાનો સુંદર સમન્વય કર્યો હતો.

ફૈય્યાજખાં

તેમનો કંઠ નીચો પરંતુ ભરાવદાર અને બુલંદ હતો. બહુ જ નીચલી સ્વરપટ્ટીમાં તેઓ ગાતા ત્યારે પણ શ્રોતાઓ પર શરૂઆતથી જ તેમનો પ્રભાવ રહેતો. ગાતી વખતે પોતાના મિજાજનો તેઓ બહુ જ ખ્યાલ રાખતા. પોશાક, રહેણીકરણી, રીતભાત જેવી બાબતો પર પણ ખાસ ધ્યાન આપતા.

ઉસ્તાદ ફૈય્યાજખાંસાહેબ ખ્યાલ, ધ્રુપદ, ધમાર, ઠૂમરી, ટપ્પા, ગઝલ, કવ્વાલી આદિ બધા જ પ્રકારની ગાયનશૈલીમાં નિપુણ હતા. ધ્રુપદ, ધમારમાં તો તેઓ અદ્વિતીય ગણાતા હતા. પોતાના ભરાવદાર અવાજમાં ઠૂમરીના પ્રભેદક અંગને ખૂબ સરસ રીતે સજાવતા. તેમણે ગાયેલી ‘બાજુબંદ ખુલ ખુલ જા’ ઠૂમરી ખૂબ પ્રસિદ્ધિ પામી છે. ધ્રુપદ, ધમારમાં ‘નોમ્ તોમ્’ સાથે વચ્ચે ‘તુ હી અનંત હરિ ઓમ’ એમ પણ બોલતા. તેમની સ્વરલગાવની રીત સાચા અર્થમાં આગ્રા ઘરાનાનું પ્રતિનિધિત્વ કરતી હતી. આગ્રા ઘરાનાની વિશિષ્ટતા – બોલબનાવ અને બોલતાન આ બંને તેઓ નિપુણતાથી રજૂ કરતા હતા. સ્વર, લય અને તાલ ઉપર તેમની સંપૂર્ણ પકડ હતી. ‘જબડે કી તાન’નો પ્રયોગ તેઓ તેમના ગાયનમાં વધુ કરતા હતા. તેમનું રાગ-જ્ઞાન બહુ જ વિશાળ હતું. પ્રત્યેક રાગ તેઓ અલગ અલગ ઢંગ અને અદાથી ગાઈ શકતા હતા. તેમના ગાયનમાં અનેક પ્રકારની ખૂબીઓ એકસાથે જોવા મળતી, જે અત્યંત દુર્લભ ગણાય છે.

તેઓ એક સારા રચનાકાર પણ હતા. તેમણે ‘પ્રેમપ્રિયા’ નામથી પોતાની રચનાઓ તૈયાર કરી છે. ‘જયજયવંતી’ રાગમાં તેમણે ગાયેલી ‘મોરે મંદિર અબ લૌ નહીં આયે’ તથા રાગ જોગમાં ‘આજ મોરે ઘર આયે’ – આવી તેમની બંદિશો બહુ જ લોકપ્રિય થઈ હતી. લલિત રાગમાં નિબદ્ધ ‘તડપત હૂં જૈસે જલ બિન મીન’ તથા નટબિહાગ રાગમાં ‘ઝન ઝન ઝન પાયલ બાજે’ – આવી તેમની ધ્વનિમુદ્રિકાઓ આજે પણ ઉચ્ચકોટિની ગણાય છે.

1935માં અખિલ બંગાલ સંગીત પરિષદે તથા ત્યારબાદ અલાહાબાદ વિશ્વવિદ્યાલયે તેમને પ્રશંસાપત્રથી નવાજ્યા હતા.

સામાન્યપણે કાળી શેરવાણી અને સફેદ સાફો એવો તેમનો પોશાક રહેતો હતો. હૃષ્ટપુષ્ટ શરીર, મોટી મૂછો, લગભગ ઊંચાઈનો બાંધો એવા એમના વ્યક્તિત્વનો પણ પ્રભાવ પડતો હતો. વીસમી સદીના પૂર્વાર્ધમાં ખાંસાહેબને ભારતમાં અસાધારણ સન્માન મળ્યું હતું. દેશની દરેક સંગીત પરિષદમાં તેમની હાજરી અનિવાર્ય ગણાતી હતી.

વડોદરા દરબારમાં હતા ત્યારે સંગીત-સંમેલનો અને આકાશવાણીના કાર્યક્રમોમાં તેઓ ભાગ લેતા હતા. જયજયવંતી, લલિત, દરબારી, સુધરાઈ, તોડી, રામકલી, પૂરિયા અને પૂર્વી – આ તેમના પ્રિય રાગ હતા.

તેમના શિષ્યગણમાં એસ. એન. રાતંજનકર, દિલીપચંદ્ર બેદી, લતાફત હુસેનખાં, મહતાબ હુસેન, શરાફત હુસેનખાં, અજમત હુસેનખાં, અલા હુસેન જેવા મશહૂર ગાયકોનો સમાવેશ થાય છે.

તેમના ગાયનની સંહતિકા (કૉર્ડ્ઝ) અને  કૅસેટો બહાર પડી છે.

મંદાકિની અરવિંદ શેવડે