ફીચ, રાલ્ફ

February, 1999

ફીચ, રાલ્ફ (જ. 1550; અ. 4 ઑક્ટોબર, 1611 લંડન) : ભારત તથા અગ્નિએશિયાનો પ્રવાસ કરનાર પ્રથમ અંગ્રેજોમાંનો એક; લંડનનો વેપારી. ફેબ્રુઆરી 1583માં જૉન ન્યૂબેરી, જૉન એલ્ડર્ડ, વિલિયમ લિડીઝ, જેમ્સ સ્ટોરી અને ફીચ રાલ્ફ જહાજમાં પ્રવાસ શરૂ કરીને સિરિયા ગયા. ત્યાંથી તેઓ બગદાદ તથા બસરા થઈને ઈરાની અખાતના જાણીતા નગર હોરમઝ પહોંચ્યા. ત્યાં તેમની ધરપકડ કરી ભારતમાં પોર્ટુગીઝ સત્તા હેઠળના ગોવામાં કેદમાં રાખવામાં આવ્યા. ત્યાંથી બે રોમન કૅથલિક ધર્મગુરુઓ(જેસ્યુઇટ્ઝ)એ તેમને છોડાવ્યા. એપ્રિલ 1584માં ફીચ રાલ્ફે તેના સાથીઓ સહિત ભારતનો પ્રવાસ શરૂ કર્યો. તેઓ ફતેહપુર સિક્રીમાં મુઘલ સમ્રાટ અકબરના દરબારમાં ગયા. લિડીઝ ત્યાં દરબારના ઝવેરી તરીકે રહી ગયો. ફીચે જલમાર્ગે પ્રવાસ કરી વારાણસી તથા પટણાની મુલાકાત લીધી. જમીનમાર્ગે તે હિમાલયની તળેટીમાં કૂચ બિહાર ગયો. ત્યાંથી પૂર્વબંગાળનો પ્રવાસ કરીને નવેમ્બર 1586માં તે મ્યાનમાર (બર્મા) ગયો અને રંગૂન તથા પેગુની મુલાકાત લીધી. તેણે 1588માં, હાલના મલેશિયામાં આવેલા મલાક્કાની મુલાકાત લીધી અને જાવા, સુમાત્રા વગેરે મસાલાના ટાપુઓ તથા ચીન સાથેના વેપારની ઘણી ઉપયોગી માહિતી મેળવી. ત્યાંથી નીકળીને, 29 એપ્રિલ, 1591ના રોજ તે લંડન પહોંચ્યો. ફીચે પોતાના પ્રવાસનો હેવાલ લખ્યો છે. ઈસ્ટ ઇંડિયા કંપનીના સ્થાપકોએ તેના આંખે દેખ્યા હેવાલને ઘણું મહત્વ આપ્યું હતું. તેના જણાવવા મુજબ ઇંગ્લૅન્ડની રાણી એલિઝાબેથના સમયના લંડન કરતાં આગ્રા અને ફતેહપુર સિક્રી ઘણાં મોટાં અને વધારે વસ્તી ધરાવતાં શહેરો હતાં.

જયકુમાર ર. શુક્લ