ફીચર સંસ્થા

February, 1999

ફીચર સંસ્થા : અખબારો અને સામયિકોને વિવિધ વિષયો અંગે લેખસામગ્રી (features) પૂરી પાડવાનું કામ કરતી સંસ્થા. દેશની બે પ્રમુખ સમાચાર-સંસ્થાઓ પી.ટી.આઇ. અને યુ.એન.આઇ. પણ ફીચર-સેવા ચલાવે છે. આમાં આર્થિક, રાજકીય, સામાજિક તથા વાણિજ્ય, વિજ્ઞાન અને રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રો ને વિષયોના નિષ્ણાતો અને પીઢ પત્રકારોની કલમે લખાયેલા ઘટના તથા વિષયની પૃષ્ઠભૂસમજ આપતા અને સંબદ્ધ વિગતો પૂરી પાડતા લેખોનો તથા વિશ્લેષણાત્મક લેખોનો સમાવેશ થાય છે. કેટલીક ફીચર સંસ્થાઓ વિશેષ લેખવિભાગોનો સંપુટ પણ પોતાના ગ્રાહકોને આપે છે. કેટલીક સંસ્થાઓ ચિત્રો, છબીઓ, આલેખો પૂરાં પાડે છે. કેટલીક સંસ્થાઓ દરેક પ્રકારની સંપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે.

ઇન્ડિયા ન્યૂઝ ઍન્ડ ફીચર એજન્સી (ઇન્ફા), ઇન્ડિયા પ્રેસ એજન્સી (આઇ.પી.એ.), નૅશનલ પ્રેસ એજન્સી (એન.પી.એ.), ન્યૂઝ ટૂડે, ન્યૂઝ ફ્રૉમ નૉન-એલાઇન્ડ વર્લ્ડ, પ્રેસ એશિયા ઇન્ટરનૅશનલ, કેબીકે ઇન્ફોગ્રાફ્સ, રંગરેખા ફીચર્સ વગેરે અનેક ફીચર સંસ્થાઓ દિલ્હીમાં વર્ષોથી કામ કરતી રહી છે. એવી સંસ્થાઓની સંખ્યા હવે તો ઘણી વધી ગઈ છે.

દિલ્હી અને મુંબઈ જેવાં મહાનગરોમાં વિદેશી એલચી કચેરીઓ અને વાણિજ્ય દૂતાલયોની પ્રચારાત્મક તથા માહિતીપ્રદ સામગ્રીનું ભાષાંતર કરી કેટલીક ફીચર સંસ્થાઓ અખબારોને વિના મૂલ્યે તેનું વિતરણ કરે છે. સ્વયંસેવી સંસ્થાઓની પ્રવૃત્તિઓના સમાચારો વિના મૂલ્યે વિતરિત થાય છે.

કેટલીક ફીચર સંસ્થાઓ વિદેશી વર્તમાનપત્રો તથા સામયિકોની લેખ-સામગ્રીને પુન:પ્રકાશિત કરવાના હક્કો મેળવી અખબારોને તેનું વિતરણ કરે છે.

કેટલાક પીઢ પત્રકારોની કટારો(કૉલમ)નું વિતરણ વિવિધ અખબારોને કરવા માટે પણ ફીચર સંસ્થાઓ કામ કરે છે. આમાં કુલદીપ નાયરની બિટ્વીન ધ લાઇન્સ, અરુણ શૌરીની પૉલિટિકલ બાઇનૉક્યુલર, ખુશવંતસિંહની સાપ્તાહિક કટાર વગેરેનો સમાવેશ થાય છે. આવી કટારોને સિન્ડિકેટેડ  કૉલમ તરીકે ઓળખાવાય છે. તે એકસાથે એક કરતાં વધારે પત્રોમાં પ્રકાશિત થાય છે.

ગુજરાતીમાં ફીચર સંસ્થા શરૂ કરવાના અનેક વાર પ્રયાસો થયા છે; પરંતુ તેને ખાસ સફળતા સાંપડી નથી. 1956માં અમદાવાદમાં બંસીધર શુક્લે એશિયા ફીચર્સ સિન્ડિકેટની સ્થાપના કરીને ગુજરાતી પત્રોને કટાક્ષચિત્રો, ચિત્રવાર્તાઓ, આલેખો, આંકડા, ચિત્રો, છબીઓ તથા રોબર્ટ રિપ્લેના માનો યા ના માનો (Believe it or not) પ્રકારનાં ફીચરો નિયમિત પૂરાં પાડવા પ્રસ્તાવ મૂક્યો; પણ, ત્યારે ગુજરાતી પત્રોમાં આ ક્ષેત્રે રુચિ નહિ જેવી હોવાથી એ સંસ્થા ટકી નહિ.

ભારતમાં સ્વતંત્ર સ્થાનિક ફીચર સંસ્થાઓ સ્થપાઈ તે પહેલાં પરદેશી સંસ્થાઓ તેમના પ્રતિનિધિઓ દ્વારા ફીચરો પૂરાં પાડતી હતી. તેમાં અમેરિકાની કિંગ ફીચર્સ સિન્ડિકેટ, યુનાઇટેડ ફીચર્સ સિન્ડિકેટ તથા વૉલ્ટ ડિઝની પ્રોડક્શન્સ  – એ સંસ્થાઓ મુખ્ય હતી.

અખબારોમાં સમાચારો કરતાં ઇતર લેખસામગ્રીનું પ્રમાણ વધ્યું હોવાથી ફીચર સંસ્થાઓ અથવા સિન્ડિકેટેડ કૉલમ માટે ઘણો અવકાશ છે. ઇન્ફરમેશન ટેક્નોલૉજીના વિકાસે આ અવકાશને ઓર વધાર્યો છે. એ માટે વૈજ્ઞાનિક અભિગમની આવશ્યકતા છે.

મહેશ ઠાકર