ફિરંગી વસાહતો

February, 1999

ફિરંગી વસાહતો : ઈ. સ. 1453માં તુર્કોએ કૉન્સ્ટન્ટિનૉપલ જીતી લીધા બાદ યુરોપના લોકોને પૂર્વના દેશો તરફ જવાનો જમીન માર્ગ બંધ થઈ જવાથી, કેટલાક સાહસિક નાવિકોએ દરિયાઈ માર્ગો શોધવા માંડ્યા.

સ્પેન અને પોર્ટુગલે નવા નવા મુલકો શોધી કાઢવાની પહેલ કરી. પોર્ટુગીઝ યા ફિરંગી લોકોએ પૂર્વ તરફ જવાના નવા જળમાર્ગો શોધ્યા.

1486માં ફિરંગી, બાર્થોલોમ્યુ ડિયાઝ, આફ્રિકાની દક્ષિણે કેપ-ઑવ્-ગુડ હોપ સુધી પહોંચ્યો. થોડાં વરસો પછી વાસ્કો-દ-ગામા નામનો બીજો એક ફિરંગી નાવિક કેપ-ઑવ્-ગુડ હોપ થઈને હિંદમાં આવ્યો. 1498ના મે મહિનાની વીસમી તારીખે તે મલબાર કિનારાના કાલિકટ બંદરે ઊતર્યો. વાસ્કો-દ-ગામાને પોર્ટુગલના રાજા હેન્રીની સહાય મળી હતી. તે રાજા ‘હેન્રી-વહાણવટી’ તરીકે વિખ્યાત થયો હતો.

ફિરંગીઓએ કાલિકટના રાજા ઝામોરિનને વીનવીને વેપારની રજા મેળવી. કોચીન અને કાનાનોરમાં વેપારની કોઠીઓ નાંખી. આ કોઠીઓના રક્ષણ માટે કિલ્લા બાંધ્યા. નૌકાદળને જોરે હિંદી તેમજ આરબ હરીફોને મહાત કરીને તેમણે હિંદી મહાસાગર પર સત્તા જમાવી.

વાસ્કો-દ-ગામા પછી બીજો પોર્ટુગીઝ – પેડ્રો આલ્વારિલ કારબ્રેલ, તેર વહાણો અને બાર હજાર ફિરંગીઓ સાથે 1500માં હિંદ આવ્યો. તેણે રાજા ઝામોરિન પાસે દરિયાકિનારે વેપાર કરવાની તથા પોર્ટુગીઝ કોઠી બાંધવાની મંજૂરી મેળવી.

1498માં વાસ્કો-દ-ગામાના કાલિકટ બંદરે આવ્યા પછીના સત્તર વર્ષમાં એટલે કે 1515માં ફિરંગી ગવર્નર આલ્બુકર્કના થયેલા અવસાન સુધીના સમયમાં ઈરાની અખાતમાં આવેલા નિર્જન ટાપુ હોરમઝથી માંડી અગ્નિ એશિયામાં આવેલા ગરમ મસાલાના ટાપુઓમાં મલાક્કા સુધી ફિરંગી વેપાર વિસ્તર્યો અને પોર્ટુગીઝ વસાહતો સ્થપાઈ.

વાસ્કો-દ-ગામા પછી પ્રથમ ફિરંગી વાઇસરૉય તરીકે હિંદમાં આવેલા ડૉમ-ફ્રાન્સિસ્કો-દ-અલ્મીદાએ હિંદના પશ્ચિમ કાંઠા પર થાણાં નાંખી, કિલ્લા બાંધવાની નીતિ અપનાવી. આ સમયે ગુજરાતનું દીવ બંદર આંતરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે મહત્વનું બંદર ગણાતું.

ત્યાંનો હાકેમ મલિક ઐયાઝ હતો, જે ફિરંગીઓનો કટ્ટર વિરોધી હતો. તેણે ફિરંગીઓને 1508માં મુંબઈની ઉત્તરે આવેલ ચેવલ બંદર નજીક હાર આપી. પાછળથી તેણે ફિરંગીઓ સાથે 1509માં સંધિ કરી હતી.

પછી 1509માં હિંદના બીજા ફિરંગી વાઇસરૉય તરીકે આલ્ફોન્ઝો-દ-આલ્બુકર્ક આવ્યો. તેણે મહમૂદ બેગડા સાથે સંધિ કરી. તે જ સમયે તેણે ગોવા જીતી લીધું. તેથી હિંદનાં રાજ્યોમાં ફિરંગીઓની પ્રતિષ્ઠામાં વધારો થયો. 1511માં મહમૂદ બેગડાના અવસાન પછી ગુજરાતના સુલતાન તરીકે મુઝફ્ફરશાહ બીજો ગાદીએ આવ્યો. એના સમયમાં ફિરંગીઓ સાથેના સંબંધો વધુ વિકસ્યા અને આલ્બુકર્ક, ગોવામાં પોતાની સત્તા ર્દઢ કરી શક્યો. તેણે ગુજરાતનાં બંદરો સાથે વેપાર કરવા અને ત્યાં થાણાં નાંખવા તથા દીવમાં કિલ્લો બાંધવાની પરવાનગી માગી. સુલતાનના દરબારમાં પોતાના પ્રતિનિધિને ભેટ-સોગાદો સાથે મોકલ્યો. સુલતાને એ માગણી ફગાવી દીધી. સુલતાને માહીમ, ડુમસ, ભરૂચ અથવા સૂરત બંદર વિકલ્પ તરીકે સૂચવ્યાં; પણ દીવ સિવાય બીજા કોઈ સ્થળ પર કિલ્લો બાંધવા ફિરંગીઓ તૈયાર ન હતા. 1515માં આલ્બુકર્કને પોર્ટુગલના રાજાએ પાછો બોલાવી લીધો અને લોપો-સૉરેસને હિંદના વાઇસરૉય તરીકે મોકલ્યો.

ગુજરાતમાં મુઝફ્ફરશાહ પછી બહાદુરશાહ સુલતાન થયો (1526). ફિરંગીઓએ દીવમાં કિલ્લો બાંધવાનું સેવેલું સ્વપ્ન એના સમયમાં ફળીભૂત થયું, જેનું શ્રેય લોપો-સોરેસ પછી આવેલા ફિરંગી વાઇસરૉય નુનો-દ-કુન્હાને ફાળે જાય છે. તેણે 1529માં હિંદમાં આવીને તુરત જ ખંભાત, સૂરત અને દમણ બંદરો પર હુમલા કર્યા, આગ લગાડી અને લોકોની ઘાતકી રીતે કતલ કરાવી. 1531માં તેણે દમણ પર અને પછી દીવ પર આક્રમણ કર્યું. પ્રથમ આક્રમણમાં તેનો પરાજય થયો, પણ પોતાની મળેલી નિષ્ફળતાનો બદલો લેવા તેણે ઘોઘા, મહુવા, વલસાડ, તારાપુર, માહિમ, કેલવા અને અગાશી બંદરો પર હલ્લા કરી એ બંદરો તારાજ કર્યાં અને પુષ્કળ નુકસાન પહોંચાડ્યું. 1534માં નુનોએ વસઈનો કિલ્લો જીતી લીધો. ત્યારપછી તેણે થાણા, વાંદરા અને માહીમ બંદરો જીતી લઈ ત્યાં ફિરંગી સત્તા સ્થાપી. 1534માં જ મુઘલ સમ્રાટ હુમાયૂંએ ગુજરાત પર આક્રમણ કરતાં ગુજરાતના સુલતાન બહાદુરશાહને ફિરંગી સત્તા સાથે સંધિ કરવાની ફરજ પડી. આ સંધિ અન્વયે વસઈનું મહત્વનું બંદર અને તેની આજુબાજુનો પ્રદેશ પોર્ટુગીઝોને મળ્યો. હુમાયૂંના આક્રમણ તથા વિજયોથી ભયભીત બનીને બહાદુરશાહે ફિરંગીઓ સાથે બીજી સંધિ કરી (1535). આ સંધિ મુજબ પોર્ટુગીઝ વાઇસરૉય નુનોએ દીવમાં કિલ્લો બાંધવાની પરવાનગી મેળવી લીધી.

ગુજરાત પરના આક્રમણ પછી હુમાયૂં આગ્રા પાછો ફર્યો, પછી બહાદુરશાહે અમદાવાદ કબજે કર્યું. ગુજરાત પર ફરીથી પોતાની સત્તા જમાવી. ત્યારપછી સુલતાન બહાદુરશાહને ફિરંગીઓ સાથે અગાઉ કરેલી સંધિઓ બદલ પસ્તાવો થયો.

ફિરંગી વાઇસરૉય નુનો સાથે ચર્ચાવિચારણા કરવા, સુલતાન જાન્યુઆરી 1537માં દીવ પહોંચ્યો. ફિરંગીઓને બાદશાહના ઇરાદાની જાણ થઈ જતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ. તેમાં સુલતાન બહાદુરશાહ માર્યો ગયો (1537). આ સમયે નુનોએ તક ઝડપી લઈ દીવ પર કબજો જમાવી દીધો. આમ ગુજરાતના દરિયાઈ વેપાર તથા વહાણવટા પર ફિરંગીઓનો સંપૂર્ણ અંકુશ સ્થપાયો.

બહાદુરશાહના મૃત્યુ પછી ફિરંગીઓની તાકાત ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર અને હિંદી મહાસાગરમાં વધી. પૂર્વમાં ફિરંગીઓની જીતના સમાચાર આખા યુરોપમાં પ્રસરી ગયા અને ગવર્નર નુનોને પોર્ટુગલના રાજાએ અભિનંદન પાઠવ્યા.

દીવ જીત્યા પછી ફિરંગીઓએ ગુજરાતના દરિયાઈ કિનારા પર પોતાનું વર્ચસ્ સ્થાપી દીધું. 1537ની સંધિથી દમણ અને તેની આજુબાજુનો પ્રદેશ મેળવ્યો હતો પરંતુ ઈ. સ. 1559માં દમણ પર આક્રમણ કરી તેનો સંપૂર્ણ કબજો મેળવી ત્યાં નવો કિલ્લો બાંધ્યો તથા ખ્રિસ્તી દેવળ અને કેટલાંક મકાનો બાંધવામાં આવ્યાં. ફિરંગીઓએ સૂરત કબજે કરવા ઘણા પ્રયાસો કરેલા પણ તેમાં તેમને નિષ્ફળતા મળેલી.

1572–73માં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીત્યું અને મુઘલ લશ્કરે સૂરતને ઘેરો ઘાલ્યો ત્યારે અકબરની તાકાતનો સામનો કરવાનું ફિરંગીઓને યોગ્ય ન લાગ્યું અને તેમણે સંધિ કરી લીધી. 1573 સુધીમાં ફિરંગીઓએ ગોવા, દીવ અને દમણમાં પોતાની સત્તા સ્થાપી દીધી હતી. દમણની સાથે જ તેની નજીકમાં આવેલા દાદરા અને નગરહવેલીના પ્રદેશ પર પણ તેમનો કબજો સ્થપાયો હતો.

‘મીરાતે અહમદી’ મુજબ, ઇમાદ્ઉલ મુલ્કના પુત્ર ચંગીઝખાને ફિરંગીઓને આપેલા દમણ આસપાસના પ્રદેશમાં 700 ગામો હતાં અને તેની આવક રૂપિયા 43 લાખ થતી હતી.

ફિરંગીઓએ પ્રાપ્ત કરેલ આ નવા પ્રદેશને સંજાણ, તારાપુર, દહાણુ, કેળવે અને માહિમ પ્રશાસન એકમોમાં વહેંચી નાંખવામાં આવ્યા અને તેનું શાસન ગોવાના વાઇસરૉયના હાથ નીચેના કૅપ્ટન જનરલ ઑવ્ ધ નૉર્થને સોંપવામાં આવ્યું હતું. આ અધિકારી પાસે દમણ અને દીવનો પણ અખત્યાર હતો. પોર્ટુગીઝ હકૂમત હેઠળ વલસાડ બંદર અને શહેર પણ આવી ગયું હોવાની નોંધ સર ટૉમસ રોના હેવાલમાં છે.

ફિરંગીઓ એક દરિયાઈ સત્તા હોવાથી તેમને જેટલા ભૂમિગત સંરક્ષણના પ્રશ્નો ઊભા થયા હતા તેટલા સમુદ્રગત કે કિનારાના સંરક્ષણના પ્રશ્નો ન હતા. આથી તેમણે તેમના પ્રદેશની આસપાસ સંધિ-જોડાણો કરી ભૂમિગત સંરક્ષણ મજબૂત બનાવવા પ્રયત્નો કર્યા હતા. આ રીતે તેમણે દમણની પૂર્વમાં આવેલા ધરમપુર(રામનગર)ના રાજા સાથે સમજૂતી કરી હતી. ફિરંગીઓ ધરમપુરના રાજાને પ્રદેશની આવકનો ચોથો ભાગ આપતા અને તે રીતે પોતાની સત્તા ટકાવી રાખતા.

ફિરંગીઓએ દમણની દક્ષિણે સંજાણથી વસઈ સુધી અનેક નાના-મોટા કિલ્લા બંધાવ્યા અને તેમાં તોપો ગોઠવી લશ્કરી છાવણી ઊભી કરી.

મુઘલ સત્તા નબળી પડતાં ફિરંગીઓએ ફરીથી પશ્ચિમના દરિયાકિનારાનાં બંદરો પર છૂટક આક્રમણો કર્યાં, પરંતુ બીજી વિદેશી સત્તાઓ તથા મરાઠા સત્તાના ઉદયથી તેમને સફળતા મળી નહિ.

ફિરંગીઓ ભારતમાં રાજ્યવિસ્તાર કરી શક્યા નહિ, પણ તેમણે એક સદી સુધી સમુદ્રમાર્ગો પર અખંડ સત્તા ભોગવી. સત્તરમી સદીની શરૂઆત થઈ એ પહેલાં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ વગેરે યુરોપના બીજા લોકો ફિરંગીઓ જોડે વેપારની સ્પર્ધામાં ઊતર્યા. એ બળવાન હરીફોના હલ્લા સામે ફિરંગીઓ ઝાઝો વખત ટકી શક્યા નહિ અને દીવ, દમણ, ગોવા તથા દાદરા-નગરહવેલીના પ્રદેશ સિવાય બીજાં સર્વે હિંદી થાણાં ગુમાવી બેઠા. ભારતની આઝાદી પછી 1954માં દાદરા-નગરહવેલી અને 1961માં દીવ-દમણ-ગોવા પણ ફિરંગી સત્તામાંથી મુક્ત થયાં.

ગુણવંતરાય દેસાઈ