ફારૂક (1લો) (જ. 11 ફેબ્રુઆરી 1920, કેરો; અ. 18 માર્ચ 1965, રોમ) : 1936થી 1952 સુધી ઇજિપ્તના રાજા. રાજા ફાઉદના તે પુત્ર હતા અને તેથી તેમના વારસદાર તરીકે પસંદ થયા હતા. તેમણે પ્રારંભમાં ઇજિપ્તમાં અને પછીથી ઇંગ્લૅન્ડમાં શિક્ષણ લીધું. 1936માં ઇજિપ્તના રાજા તરીકે તેમની તાજપોશી થઈ. રાજ્યાભિષેક બાદ તેમણે રાજ્ય–વહીવટનાં સૂત્રો હાથ ધર્યાં ત્યારે જનાધાર ધરાવતા વક્દ પક્ષ સાથે તેમને ભારે મતભેદો ઊભા થયા, જે લાંબે ગાળે રાજા અને વક્દ પક્ષ વિરુદ્ધની દુશ્મનાવટમાં પરિણમ્યા. અલબત્ત, આ દુશ્મનાવટ તેમના પિતાના સમયથી ચાલી આવતી હતી. વહીવટી કાર્યોમાં પેદા થયેલા સંઘર્ષને લીધે તેમણે વક્દ પક્ષને મોટાભાગનાં અન્ય કાર્યોમાં પણ દૂર રાખવાનું પસંદ કર્યું હતું.

ફારૂક

બીજા વિશ્વયુદ્ધ બાદ ઇજિપ્તમાં બ્રિટિશ દળોની હાજરી છતાં ફારૂકે શાસક તરીકે તે અંગે તટસ્થતા જાળવી રાખી; પરંતુ બ્રિટિશ હિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા વક્દ પક્ષના નેતા મુસ્તફા અન-નહાસ પાશાનું નામ વડાપ્રધાન તરીકે જાહેર કરવા બ્રિટિશ શાસકોએ ફારૂકને 1942માં ફરજ પાડી હતી. 1944ના ઑક્ટોબરમાં આ વડાપ્રધાને ઍલેક્ઝાંડ્રિયા પ્રોટોકૉલ – જે આરબ રાજ્યોનું સંગઠન રચવાની દિશાનો પ્રયાસ હતો – અંગે મંત્રણાઓ આરંભી. રાજા ફારૂકને આ સંગઠનના વડા બનવાની મહેચ્છા હતી; આથી તેમણે અન-નહાસ પાશાને વડાપ્રધાનના હોદ્દા પરથી બરતરફ કર્યા.

1948માં ઇઝરાયલની સ્થાપનાને કારણે તથા ઇજિપ્તમાંથી બ્રિટિશ લશ્કર હટાવવાના નિર્ણય અંગેની નિષ્ફળતાને કારણે ઇજિપ્તના રાષ્ટ્રવાદને ભારે ધક્કો લાગ્યો. આ નિષ્ફળતાને કારણે ઇજિપ્તનું લશ્કર અને વિશેષે કરીને તેના અધિકારીઓ અત્યંત નારાજ હતા; કેમ કે તેમની ર્દઢ માન્યતા હતી કે ફારૂક-શાસનના ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમ વહીવટને કારણે જ ઇજિપ્તને આ પરાજય વેઠવો પડ્યો છે. વધુમાં, લશ્કરી અધિકારીઓની ક્લબના પ્રમુખ અને સંરક્ષણપ્રધાનના હોદ્દા માટે ફારૂકે લશ્કરને ન ગમે તેવા ઉમેદવારના નામનું સૂચન કર્યું ત્યારે રાજા તરીકે તે પ્રજા અને અધિકારીઓમાં વધુ અપ્રિય થઈ પડ્યા. પરિણામે, 1952માં ‘ફ્રી ઑફિસર્સ’ તરીકે ઓળખાતા લશ્કરી અધિકારીઓના જૂથે બળવો કર્યો, જેનું નેતૃત્વ અબ્દુલ જમાલ નાસરે લીધું હતું. અંતે, બળવો સફળ થતાં ફારૂકનું શાસન ઊથલી પડ્યું અને તેમને સત્તાત્યાગ કરવાની ફરજ પડી. ત્યારબાદ તુરત જ તેમના બાળપુત્ર ફાઉદ બીજાને ગાદીનશીન કરવામાં આવ્યો. રાજા ફારૂક યુરોપમાં ભાગી ગયા. ત્યારપછી એક વર્ષથીય ઓછા ગાળામાં ઇજિપ્ત પ્રજાસત્તાક બન્યું. નાસરની માન્યતા હતી કે સરકારમાં પરિવર્તન થાય તો જ ઇજિપ્ત સંપૂર્ણ રાજકીય સ્વાતંત્ર્ય ભોગવી શકશે અને આર્થિક પ્રગતિ પણ કરી શકશે. ફારૂક પદભ્રષ્ટ થવાને કારણે ઇજિપ્તની નવરચનાનો માર્ગ મોકળો બન્યો.

રક્ષા મ. વ્યાસ