પુનિત મહારાજ (. 19 મે 1908, ધંધૂકા, સૌરાષ્ટ્ર; . 27 ઑગસ્ટ 1962, અમદાવાદ) : ગુજરાતના લોકભજનિક તથા સમાજસેવક. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સરસ્વતીબહેન સાથે 13 વર્ષની ઉંમરે લગ્ન. ખૂબ નાની વયે પિતાનું મૃત્યુ. સતત ગરીબી ભોગવતા રહ્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરી. માતાથી એ હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી લીધા. ‘ગર્જના’ દૈનિકમાં કારકુનીથી અખબારી આલમમાં પ્રવેશ. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને ‘વીણા’ નામના સાપ્તાહિકના તંત્રી બન્યા.

નીડર પત્રકાર. કોઈની શેહશરમમાં ન તણાય એવું એમનું વ્યક્તિત્વ. પત્રકાર ઉપરાંત, ન્યૂ હાઈસ્કૂલમાં ક્લાર્ક-શિક્ષક તરીકેની કામગીરી પણ બજાવી.

માધ્યમિક શાળાના અભ્યાસથી જ શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કથી કવિતાની કામગીરીનાં બીજ રોપાયાં. પછી તો રોજના એક કાવ્યનો નિયમ થઈ પડ્યો. શરૂઆતની તકલીફો પછી તો સહજ સ્ફુરણાથી કાવ્યો રચાવાં શરૂ થયાં. આખા આયખા દરમિયાન 3500 કરતાં વધારે ભજનો; ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ, નામદેવ, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરેના જીવન ઉપર આધારિત આખ્યાનો; ‘નવધાભક્તિ’ના 1થી 11 ભાગ; ‘પુનિત ભાગવત’ જેવો વિસ્તૃત ગ્રંથ; ‘વડલાનો વિસામો’, ‘જીવનનું ભાથું’, ‘પુનિત પ્રસાદી’ જેવી દૃષ્ટાંત-કથાઓ  એમ બધા મળીને 60 જેટલા ગ્રંથો એમણે આપ્યા છે.

પુનિત મહારાજ

તેમને ગળથૂથીમાંથી જ ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. પરંપરાથી શૈવ પણ હૃદય કૃષ્ણ-રામભક્તિ તરફ વળેલું. એ રીતે એમના જીવનમાં શિવ, રામ અને કૃષ્ણની ભક્તિનો ત્રિવેણીસંગમ રચાયો હતો. તનમનના રોગ મટાડે રામ શરણ જે આવે; રામનામનું રસાયણ ભવરોગને હરનાર,  એ ધૂન એમને ભજનરસના અખંડ સેવન તરફ દોરી ગઈ. પોતે ભજનો રચતા અને મધુર કંઠે ગાતા. કોઈ ભક્તનું આખ્યાન કહેતાં કહેતાં વચ્ચે વચ્ચે ભજનો મૂકીને અવિરત કથા સાથે કીર્તનરસનું પાન પણ કરાવતા. તેઓ કથ્ય વિષયને આબેહૂબ જીવંત રૂપે રજૂ કરી શ્રોતાઓને ભાવવિભોર બનાવી દેતા.

માનવસેવા, સમાજસેવા અને સંસ્કૃતિસેવાના ક્ષેત્રમાં એમનું અનોખું પ્રદાન રહ્યું છે.

ભાખરીદાન, મફત રોગનિદાનયજ્ઞો, રાહતદરે દવાઓ જેવી પ્રવૃત્તિઓ એમણે જીવનભર કરી. ‘જનકલ્યાણ’, ‘પુનિત સેવાશ્રમ’ અને મોટી કોરલનો સેવાશ્રમ એમની આવી પરોપકારનિષ્ઠ સેવાના ચિરંતન નમૂના છે. અંગત હિત ખાતર કોઈ દિવસ ભેટ લીધી નથી કે ખર્ચ લઈને ભજન નથી કર્યાં. સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ભજનો કરવા તેઓ મંડળ સાથે જતા; સાથે માનવસેવાનાં કામો-રાહતકામો પણ કરતા. ભાખરીદાન અને ધાબળાદાનની તેમની પ્રવૃત્તિઓ ફૂટપાથવાસીઓ માટે મોટા આશીર્વાદરૂપ બની હતી.

તેમણે સ્થાપેલ આશ્રમ અને ‘જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે જનસેવા કરે છે. પુત્ર જનક પણ કિર્તનકાર થયા અને જનક નહારાજ નામે લોકપ્રિય થયા.

નટુભાઈ ઠક્કર