પુનાતર, રતિભાઈ (. 31 ઑગસ્ટ 1913, જામનગર અ. 14 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મોટાં શહેરોમાં જઈને વસેલા ગુજરાતી પરિવારોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ચલચિત્રોનું સર્જન કરી તેમણે ગુજરાતી ચલચિત્રોને નવી દિશા આપી. રતિભાઈ પુનાતરે ગણ્યાંગાંઠ્યાં જ ગુજરાતી ચિત્રો બનાવ્યાં છે; પણ આ ચિત્રો ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયાં છે. ચલચિત્રોના વિકાસમાં પાયાનું કામ કરનાર સરદાર ચંદુલાલ શાહના તેઓ ભાણેજ હતા. તેઓ ચંદુલાલના ખ્યાતનામ રણજિત સ્ટુડિયોનું કામ સંભાળતા હતા. ચંદુલાલે ગુજરાતી ચલચિત્રો બનાવવા અજિત ચિત્ર સંસ્થા શરૂ કરી. રતિભાઈએ આ સંસ્થાના નેજા હેઠળ રણજિત સ્ટુડિયોના પૂરેપૂરા સહકારથી સૌપ્રથમ ‘ગુણસુંદરી’ ચિત્ર બનાવ્યું. ખ્યાતનામ સંગીતકાર અવિનાશ વ્યાસનાં ગીત-સંગીતવાળું આ પ્રથમ ચિત્ર હતું. ગુજરાતી ચિત્રો માટે અનેક રીતે સીમાચિહ્નરૂપ બની ગયેલા આ ચિત્રે મુંબઈ તથા અમદાવાદમાં રજતજયંતી ઊજવી હતી.

‘ગુણસુંદરી’ પછી એ જ વર્ષે (1948માં) તેમણે ‘નણંદ-ભોજાઈ’નું સર્જન કર્યું. આધુનિક અને સુધારાવાદી દૃષ્ટિકોણ ધરાવતા આ ચિત્રમાં વિધવાવિવાહનું કથાવસ્તુ રજૂ કરીને એ જમાનામાં ખાસ્સો  વિવાદ જગાવ્યો હતો. આ ચિત્રને ટિકિટબારી પર બહુ સફળતા મળી નહોતી, પણ રતિભાઈએ ટિકિટબારીને ધ્યાનમાં રાખવા ચિત્રના કથાવસ્તુ સાથે સમાધાન કરવાનું સ્વીકાર્યું નહોતું.

એ પછીના વર્ષ 1949માં બનાવેલી ‘મંગળફેરા’એ મુંબઈ અને અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં બીજાં શહેરોમાં રજતજયંતી ઊજવી હતી. 1950માં તેમણે ‘ગાડાનો બેલ’ ચિત્રનું સર્જન કર્યું. સંયુક્ત કુટુંબમાં પરિવારનો વડો એકમાત્ર કમાનાર વ્યક્તિ હોય અને તેની સ્થિતિ ભરેલું ગાડું ખેંચનાર બળદ જેવી હોય એવું સમસામયિક કથાવસ્તુ પસંદ કરીને તત્કાલીન ગુજરાતી સમાજની યથાર્થતા તેમણે આ ચિત્રમાં રજૂ કરી હતી. એ પછી લાંબા ગાળે તેમણે 1961માં કમલ કલાચિત્રના નેજા હેઠળ ‘ચુંદડી અને ચોખા’નું નિર્માણ કર્યું.

રણજિત મૂવિટોન માટે હિંદી ચિત્રો બનાવવા તરફ પણ તેમણે ધ્યાન આપ્યું. ‘મન કા મીત’, ‘વીર અર્જુન’, દેવ આનંદ અને સુરૈયાને લઈને ‘નીલી’ વગેરે ચિત્રો તેમણે બનાવ્યાં. રતિભાઈએ બનાવેલાં ગુજરાતી  ચિત્રોની તમામ આવક રણજિત સ્ટુડિયોની જ ગણાતી. ‘અજિત ચિત્ર’નો પોતાનો કોઈ નોખો હિસાબ નહોતો. 1952માં સરદાર ચંદુલાલ ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા અને દેવાળિયા જાહેર થયા. મામાને પગલે રતિભાઈની આર્થિક સ્થિતિ પણ કફોડી થઈ ગઈ. ત્યારથી તે સામાન્ય સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા હતા.

હરસુખ થાનકી

રજનીકુમાર પંડ્યા