પારસી : પશ્ચિમ ભારતમાં આવીને સ્થાયી થયેલી મૂળ ઈરાનની પ્રજા. પ્રાગૈતિહાસિક કાલથી ઈરાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સંબંધ હતો. ઈરાનીઓ ભારતમાં અનેક વાર આવ્યાના દાખલા  મળે છે. અવેસ્તામાં ભારત વિષે તથા ઋગ્વેદ, મહાભારત, વિષ્ણુપુરાણ વગેરેમાં ઈરાન અને ઈરાનીઓ વિશે ઉલ્લેખો થયા છે. ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં ઈરાનના હખામની વંશના સમ્રાટ દરાયસ પહેલાએ ગંધાર પ્રદેશ જીતી લીધો ત્યારથી ભારતમાં ઈરાનના જરથોસ્તીઓની વસાહતો સ્થપાઈ હતી. મૌર્ય કાલથી અનુ-ગુપ્ત કાલ દરમિયાન પણ તેમનું આગમન ચાલુ રહ્યું. તેઓ અહીંના લોકોમાં ભળી ગયા હતા. પરંતુ એક હજાર વર્ષ પૂર્વે જે ઈરાનીઓ પોતાના ધર્મના રક્ષણ માટે વતન છોડીને પશ્ચિમ ભારતમાં આવીને વસ્યા, તેમણે સ્થાનિક ભાષા, પહેરવેશ તથા વ્યવસાયો સ્વીકારવા છતાં પોતાની કોમ અને ધર્મનું અલગ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. તેઓ ઈરાનના પાર્સ નામના પ્રાંત ઉપરથી પારસીઓ કહેવાયા. તેઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં સ્થાયી થયા. તેમણે પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક અને રાજકીય વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

પારસીઓએ પ્રથમ વસવાટ દક્ષિણ સંજાણમાં કર્યો એનો દસ્તાવેજી ઇતિહાસ ઉપલબ્ધ નથી; પરંતુ 1600માં નવસારીના બેહમન કૈકોબાદ સંજાણાએ ‘કિસ્સએ-સંજાન’ નામના ફારસી કાવ્યમાં તે ઐતિહાસિક પ્રસંગની પ્રચલિત અનુશ્રુતિ નોંધી છે. તેમણે યોગ્ય રીતે તારીખો  આપી નથી; છતાં તે ઉપયોગી માહિતી આપે છે. તે મુજબ ઈરાન ઉપર અરબોએ જીત મેળવી ત્યારે તેમના જુલમને લીધે પોતાના પોતાના ધર્મના જતન માટે કેટલાક ઈરાનીઓ પૂર્વ ઈરાનના ખોરાસાનના પહાડી પ્રદેશોમાં 100 વર્ષ રહ્યા. વિધર્મીઓના ભયથી નાસી જઈને તેમના વંશજો હોરમઝ બંદરે 15 વર્ષ રહ્યા. ત્યાં પણ અરબોના આક્રમણના ભયથી તેઓ માતૃભૂમિ છોડીને, સમુદ્રમાર્ગે ભારતમાં આવી સૌરાષ્ટ્રના દીવ બંદરે 19 વર્ષ રહ્યા. ત્યાં પણ મુસલમાનોના ભયથી હોડીઓમાં સફર શરૂ કરી. સમુદ્રમાં ભારે તોફાન નડ્યું. તેથી સૌએ ઈશ્વરની પ્રાર્થના કરી ને પ્રતિજ્ઞા લીધી કે ‘જો અમે આ આપત્તિમાંથી ઊગરીશું, તો અમે એક આતશ બહેરામ (અગ્નિમંદિર) બંધાવીશું.’ તોફાન શમી ગયું. પછી તેઓ સૂરત પાસે સંજાણ બંદરે ઊતર્યા.

પવિત્ર આતશની જવાળાઓનો સંકેત આપતા શિખરવાળું, પારસી પ્રજાનું ધર્મસ્થાન (અગિયારી)

એ પ્રદેશના રાજા જાદિ રાણાએ દસ્તૂરની આશ્રય માટેની વિનંતી સાંભળીને શરતો મૂકી કે (1) તમારા દેશની ભાષા છોડી ભારતની ભાષા અપનાવવી, (2) તમારી સ્ત્રીઓ અમારી સ્ત્રીઓના જેવો પહેરવેશ પહેરે, (3) તમારે તમારાં બધાં શસ્ત્રો દૂર કરી દેવાં, (4) તમારાં સંતાનોનાં લગ્ન સાંજના સમયે કરવાં. દસ્તૂરે આ બધી શરતો સ્વીકારી અને હિંદુ રાજાએ વસવાટની મંજૂરી આપી. ત્યારબાદ તેમણે વિધિસર આતશ બહેરામ બંધાવી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું.

પારસીઓએ સંજાણમાં વસવાટ ક્યારે કર્યો એ અંગે વિદ્વાનોમાં વિવિધ મત પ્રવર્તે છે. પણ  પારસીઓ સંજાણમાં ઈ. સ. 936માં આવીને વસ્યા એ મત સ્વીકાર્ય છે.

સંજાણમાં સ્થિર થયેલા પારસીઓએ પાછળથી ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. ખંભાતમાં બારમી સદીમાં અગ્નિપૂજકો-જરથોસ્તીઓની વસ્તી હતી. તેરમી સદીમાં અંકલેશ્વર(જિ. ભરૂચ)માં પારસીઓ વસતા હતા. વળી ચૌદમી સદીની શરૂઆતમાં ભરૂચમાં પણ પારસીઓની વસ્તી હતી. 1309માં શેઠ પેસ્તનજીએ ત્યાં દોખમું (શબનો નિકાલ કરવાનું સ્થળ) બંધાવેલ હતું. ‘કિસ્સએ-સંજાન’માં જણાવ્યા મુજબ પારસીઓ નવસારી, વાંકાનેર, ભરૂચ, વરિયાવ, અંકલેશ્વર અને ખંભાતમાં જઈને વસ્યા હતા.

ચૌદમી સદીમાં દક્ષિણ ગુજરાતમાં પારસીઓની વસ્તી વધી જવાને લીધે ધાર્મિક વિધિઓ કરાવવાના અધિકારો ધર્મગુરુઓ વચ્ચે વહેંચી આપી, સંજાણ, નવસારી, ગોદાવરા, ભરૂચ તથા ખંભાતમાં 5 મથકો સ્થાપવામાં આવ્યાં. આ બધા સમય દરમિયાન પારસીઓનું મુખ્ય મથક સંજાણ હતું, જ્યાં આતશ બહેરામની સ્થાપના થઈ હતી; પરંતુ સંજાણ પર થયેલા મુસ્લિમ આક્રમણમાં ત્યાંના હિંદુ રાજાનું અવસાન થયું અને પારસીઓની વસાહત છિન્નભિન્ન થઈ ગઈ. ‘કિસ્સએ-સંજાન’માં જણાવ્યા મુજબ, પારસીઓએ સંજાણમાંથી આતશ બહેરામને લઈને બાહરોટના પર્વતની ગુફામાં 12 વર્ષ અને ત્યારબાદ વાંસદામાં 14 વર્ષ રહી પોતાના ધર્મ અને આતશનું રક્ષણ કર્યું. મૂળ સંજાણના વતની 3 મોબેદો (દસ્તૂર) નગેનરામ, ખુરશેદ અને જાન્યાન દ્વારા નવસારીના ચાંગા શેઠની પ્રેરણાથી આતશ બહેરામને આશરે 1419માં સંજાણથી નવસારીમાં લાવવામાં આવ્યો. બીજા મત મુજબ 1516માં પવિત્ર આતશ નવસારીમાં લાવવામાં આવ્યો હતો. નવસારીમાં આવ્યા બાદ પારસીઓએ નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો. પવિત્ર આતશના આગમન પહેલાં, નવસારીમાં મૂળ પારસીઓ હતા તે ભાગરિયા (કે ભાગલિયા) કહેવાતા, કારણ કે તેઓ પોતાની આવકનો ભાગ વહેંચી લેતા હતા. નવસારીના ભાગરિયા તથા સંજાણાના મોબેદો વચ્ચે ધાર્મિક વિધિના હક અંગે વારંવાર તકરાર થવા લાગી. આ તકરાર કેટલીક વાર ભયંકર સ્વરૂપ પકડતી; તેમ છતાં પારસીઓના નવા તીર્થધામ તરીકે નવસારી પ્રસિદ્ધ થયું.

મુઘલ બાદશાહ અકબરે નવસારીના પ્રથમ વડા દસ્તૂર મહેરજી (માહયાર) રાણાને 1578માં આમંત્રણ પાઠવી, ફતેહપુર સિક્રીના ઇબાદતખાનામાં બોલાવ્યા અને તેમની સાથે ધર્મચર્ચા કરી, જરથોસ્તી ધર્મની સમજ મેળવી હતી. એમની આચારવિચારની પવિત્રતાથી અકબર પ્રભાવિત થયો હતો. અકબરે દસ્તૂર મહેરજીને કુટુંબના નિભાવ માટે નવસારીના પારચોલ પરગણામાં 200 વીઘાં જમીન ભેટ આપી હતી. મહેરજીના અવસાન બાદ, તેમના પુત્ર કૈકોબાદને વધારાની 100 વીઘાં જમીન અકબરે ભેટ આપી હતી.

બાદશાહ જહાંગીરે 1618માં નવસારીના બે દસ્તૂરો મુલ્લા જામાસ્પ અને મુલ્લા હોશંગને ભૂમિદાન કર્યું હતું. ઔરંગઝેબે જજિયાવેરો પારસીઓ ઉપર નાખ્યો હતો. વળી સૂરતમાં મુઘલ અધિકારીઓ પારસીઓને પજવતા હતા; તેથી સૂરતના પ્રસિદ્ધ દાનવીર શેઠ રુસ્તમ માણેકે દિલ્હી જઈને ઔરંગઝેબને ફરિયાદ કરીને, 1672માં જજિયાવેરો રદ કરાવ્યો હતો. રુસ્તમ શેઠે સૂરત અને આજુબાજુના પ્રદેશોમાં અનેક તળાવો, કૂવા, ધર્મશાળાઓ, પુલો વગેરે બંધાવ્યાં હતાં.

નવસારીના અસલ મોબેદો તથા સંજાણથી આવેલા મોબેદો વચ્ચે આવકની વહેંચણી માટે થતી તકરારોમાંથી 1686માં મોટું રમખાણ ફાટી નીકળ્યું. તેમાં 7 પારસીઓનાં ખૂન થયાં તથા અનેક ઘવાયા. તેથી નવસારીના 6 દસ્તૂરોને જેલમાં પૂરવામાં આવ્યા. આમ છતાં વિખવાદનો અંત ન આવવાથી ગાયકવાડ સરકારના હુકમથી સંજાણના મોબેદો આતશ બહેરામને 1741માં નવસારીથી વલસાડ લઈ ગયા; પરંતુ રાજકીય અશાંતિને લીધે આ પવિત્ર આતશને સંજાણના મોબેદો 28 ઑક્ટોબર, 1742ના રોજ ઉદવાડા લઈ ગયા. ઉદવાડામાં શેઠ બનાજીએ બંધાવી આપેલા આતશ બહેરામમાં તેને રાખવામાં આવેલ છે; તેથી ઉદવાડા પારસીઓ માટે સૌથી અગત્યનું તીર્થધામ બન્યું છે.

મુઘલ કાળમાં પારસીઓએ સૂરત જઈને ધંધાર્થે વસવાટ શરૂ કર્યો. તેઓ યુરોપીય વેપારીઓના દુભાષિયા, નાણાવટી કે ભાગીદાર તરીકે આવીને સ્થિર થયા હતા. 1640માં અંગ્રેજોએ તેમનો વેપાર સૂરતથી મુંબઈ ખસેડ્યો, ત્યારથી પારસીઓ પણ મુંબઈ જઈને વસ્યા. તેમની વસ્તી વધવાથી પારસી દાતાઓએ ત્યાં દોખમાં, દેવળો અને ધર્મશાળાઓ બંધાવ્યાં હતાં. આ સમય દરમિયાન પારસીઓ નવસારી, વલસાડ, સૂરત, ભરૂચ, અંકલેશ્વર, ખંભાત, અમદાવાદ, પુણે વગેરે સ્થળોએ વસતા હતા. આ સમયગાળામાં અંગ્રેજો અને પારસીઓ વચ્ચે ઘનિષ્ઠ વેપારી સંબંધો બંધાયા હતા. મુલ્લાં ફીરોઝ વિદ્વાન, કવિ અને લેખક હતા. પાછળથી તેઓ દસ્તૂર પણ બન્યા હતા.

આ દરમિયાન નવા વર્ષની ગણતરીમાં મતભેદ થવાથી જરથોસ્તી ધર્મ ત્રણ સંપ્રદાયો : (1) શહેનશાહી, (2) કદમી અને (3) ફસલીમાં વહેંચાઈ ગયો. ગુજરાતના જરથોસ્તીઓ ઘણુંખરું શહેનશાહી વર્ષની ગણતરીમાં માને છે. વર્ષની ગણતરીનો આ ઝઘડો ‘કબીસા કલહ’ તરીકે ઓળખાય છે. વર્ષની ગણતરી સિવાય એમનાં ધાર્મિક માન્યતાઓ, રીતરિવાજ અને ક્રિયાકાંડમાં તફાવત નથી.

પારસીઓ હિંદુઓની પંચાયતની રૂઢિ મુજબ ઝઘડાનો નિકાલ લાવતા. તે પછી મુંબઈમાં સૌપ્રથમ પારસી પંચાયતનું બંધારણ ઘડવામાં આવ્યું. તે મુજબ અન્ય શહેરોમાં પારસી પંચાયતો સ્થપાઈ. આ પંચાયતો સામાજિક અને ધાર્મિક વિવાદો પતાવતી, ગરીબ પારસીઓને અનાજ-કપડાં આપતી, શાળાઓનો નિભાવ કરતી તેમજ દોખમાંઓ અને અગિયારીઓની દેખરેખ રાખતી હતી. અઢારમી અને ઓગણીસમી સદીનો આરંભકાલ ગુજરાતના પારસીઓ માટે સમૃદ્ધિનો સમય હતો. આ સમય દરમિયાન ગુજરાતમાં પારસીઓ જમીનદારો, વેપારીઓ, રેલવેના તથા સરકારી કૉન્ટ્રાક્ટરો, વકીલો, ઇજનેરો તથા ડૉક્ટરો તરીકેની પ્રવૃત્તિઓ કરતા હતા. તેમની ભાષા ગુજરાતી અને પહેરવેશ તથા રહેણીકરણી ગુજરાતીઓ જેવાં રહ્યાં છે. ઓગણીસમી સદીમાં તેમનામાં સુધારકવૃત્તિ જાગી. તેમણે બાળલગ્નો અને પહેરામણીનું બેહદ ખર્ચ દૂર કરવાના, મૃત્યુ બાદ રોવા-કૂટવાના તથા ભોજનના રિવાજો બંધ કરવાના સુધારા કર્યા.

આ સમયના કેટલાક ગુજરાતી પારસીઓએ નોંધપાત્ર લોકોપયોગી કાર્યો કર્યાં. નવસારીના જમશેદજી જીજીભાઈ(1793-1859)એ શાળાઓ, તળાવો, કૂવા, ધર્મશાળાઓ, રસ્તા વગેરે બંધાવ્યાં. એમને ‘સર’નો ખિતાબ મળ્યો હતો. 1822માં સૂરતની રેલ વખતે અરદેશર ધનજીશાહ કોટવાલે ખૂબ જહેમત ઉઠાવી ઘણાંની જિંદગી બચાવી, મછવા મોકલી હજારો લોકોને ડૂબી જતા બચાવ્યા હતા અને ભોજન આપ્યું હતું. 1837માં સૂરતની ભયંકર આગ વખતે તેમણે લોકોને તાત્કાલિક રાહત આપી હતી. 1862માં દુકાળ વખતે ખરશેદજી ફરદુનજી પારેખે અનાજ અને રોકડ રકમ ગરીબોને વહેંચ્યાં. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ (1840-1926) અમદાવાદના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દાનવીર હતા.

કેટલાક નામાંકિત પારસીઓએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યાં છે. જમશેદજી નસરવાનજી તાતાએ જમશેદપુરમાં દેશનું પ્રથમ સ્ટીલનું કારખાનું સ્થાપ્યું. એમનું એ પ્રદાન ગૌરવપ્રદ છે. દાદાભાઈ નવરોજી, ફીરોજશાહ મહેતા, દીનશા વાચ્છા, મૅડમ ભીખાઈજી કામા, મીનુ મસાણી, કે. એફ. નરીમાન, ફીરોઝ ગાંધી, પીલુ મોદી વગેરેનું રાજકીય ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન છે. અરદેશર ફરામજી ખબરદાર, બહેરામજી મહેરવાનજી મલબારી, જહાંગીર એરચ સંજાના, તારાપોરવાલા એરચ જહાંગીર સોરાબજી વગેરેએ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. કેખુસરૂ કાબરાજી, અદી મર્ઝબાન, ફીરોઝ આંટિયા વગેરેએ પારસી રંગભૂમિને યશ અપાવ્યો. ચલચિત્રના ક્ષેત્રે સોહરાબ મોદી, બીલીમોરિયા, પર્સિસ ખંભાતા, જૉન કાવસ, અરદેશર ઈરાની, હોમી વાડિયા, અરુણા ઈરાની વગેરેએ આગળ પડતો ભાગ ભજવ્યો છે. ફીલ્ડમાર્શલ માણેકશા ભારતનાં સંરક્ષણદળોની ત્રણે પાંખના વડા હતા. હોમી ભાભા અને હોમી શેઠનાએ પરમાણુ-વિજ્ઞાનના ક્ષેત્રે ભારતને યશ અપાવ્યો છે. વળી ઉપર ઉલ્લેખેલા કેખુશરૂ કાબરાજી ઉપરાંત મિનોચર હોમજી, પાલનજી બરજોરજી દેસાઈ, જહાંગીરજી મર્ઝબાન વગેરે પત્રકારત્વના ક્ષેત્રે સમર્થ તંત્રીઓ થઈ ગયા. નાની પાલખીવાળાએ દેશના પ્રથમ પંક્તિના ન્યાયવિદ તરીકે તથા સોલી સોરાબજીએ કલારસિક ઉપરાંત એટર્ની જનરલ તરીકે પ્રતિષ્ઠા મેળવી છે. નરી કોન્ટ્રાક્ટર, ફારૂક એન્જિનિયર વગેરે ક્રિકેટક્ષેત્રે પ્રસિદ્ધ નામો છે.

ઈરાનથી ગુજરાતમાં આવીને વસેલી પારસી પ્રજાએ ગુજરાતની પ્રજા સાથે સાંસ્કૃતિક સમન્વય પણ સાધ્યો છે. તેમણે માદરેવતન ઈરાનની ‘ઝબાને શીરીન’ (મીઠી ભાષા) ફારસી છોડીને ગુજરાતી ભાષા અપનાવી છે. પરંપરાગત ઈરાની પહેરવેશને તિલાંજલિ આપીને અહીંનો વેશ અપનાવ્યો છે. તેઓ પર હિંદુ સંસ્કૃતિનો ઠીક ઠીક પ્રભાવ પડ્યો છે અને તેમણે ગુજરાતી રીતરિવાજો પણ અપનાવ્યા છે.

નોશીર ખુરશેદ દાબુ