પાક (crops)

ભારતના સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં થતી વિવિધ કૃષિનીપજની માહિતી. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 1,95,984 કિમી. છે, જે દેશના કુલ વિસ્તારના 7 % ગણાય. જુદા જુદા પાક હેઠળનો કુલ વિસ્તાર એક કરોડ સાત લાખ હેક્ટર છે, જે દેશના પાક હેઠળના વિસ્તારના 6 % જેટલો છે. રાજ્યની કુલ વસ્તી 4 કરોડ જેટલી છે, જે પૈકી 70 % વસ્તી ગામડાંઓમાં અને બાકીની 30 % વસ્તી શહેરોમાં વસે છે. લગભગ 75 લાખ લોકો આર્થિક દૃષ્ટિએ અલ્પવિકસિત છે.

પંજાબ (83 %) અને હરિયાણા(54 %)ના પિયત-વિસ્તારના પ્રમાણમાં ગુજરાતનો પિયત-વિસ્તાર બહુ જ ઓછો (18 %) છે.

રાજ્યના કુલ વિસ્તારના ત્રીજા ભાગમાં જંગલો હોવાં જોઈએ. તે સામે ફક્ત 10 % વિસ્તાર જંગલો હેઠળ છે. ભારતમાં જંગલ-વિસ્તારનું પ્રમાણ 20 % છે. જંગલો હેઠળનો વિસ્તાર પાંખો અને ઓછો થતો જાય છે, જે ચિંતાપ્રેરક છે.

ગુજરાતનું ચોમાસું ટૂંકી (ત્રણેક માસ) મુદતનું ગણાય છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં 340 મિમી. અને સૌથી વધુ વરસાદ  ડાંગનાં જંગલોમાં 1,780 મિમી. પડે છે. ચોમાસું બહુ જ અનિયમિત હોય છે. દર ત્રણ વર્ષે એકાદ દુષ્કાળનું વર્ષ જોવા મળે છે. ગુજરાતની પ્રજા મોટે-ભાગે શાકાહારી છે. માથાદીઠ માસિક અન્ન-વપરાશ 12 કિગ્રા. છે. મગફળીના તેલનો માથાદીઠ માસિક વપરાશ 600 ગ્રામ છે, જે દેશની સરેરાશ કરતાં બમણાથી પણ વધુ છે. ખાંડનો માથાદીઠ માસિક વપરાશ તેલની માફક વધુ (700 ગ્રામ) છે.

ભારતમાં પશુઓની સંખ્યા 51 કરોડ છે, જ્યારે ગુજરાત રાજ્યમાં તે 1.83 કરોડ છે, પશુ-ગીચતાનું પ્રમાણ એક ચોકિમી. એ 94 છે, જે દેશના પ્રમાણમાં ઓછું ગણી શકાય. આમ છતાં ડેરી-ઉદ્યોગના મુખ્ય રાજ્ય તરીકે ભારતમાં ગુજરાતની ગણના થાય છે અને પરદેશમાં પણ ખ્યાતિ ફેલાઈ છે.

ખેત-ઉત્પાદનની રૂપાંતર-પ્રક્રિયા માટે ખેડૂતોની સહકારી સંસ્થાઓએ સારો વિકાસ કર્યો છે. સહકારી ધોરણે કપાસ લોઢવાનાં જિન, ખાંડની ફૅક્ટરીઓ, રાઇસ-મિલો, દૂધમંડળીઓ અને કૅનિંગ ફૅક્ટરીઓની તથા ફળ અને શાકભાજીની ખેડૂત સહકારી મંડળીઓની સારી પ્રગતિ સધાઈ છે. સહકારી ધોરણે વન્ય ઉદ્યોગો અને આયુર્વેદ ફાર્મસીનો પણ વિકાસ થયો છે.

રાજ્યમાં જમીન અને વરસાદની વિવિધતાને અનુરૂપ લગભગ 200થી 225 જેટલા પાકો થાય છે. તેમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં, રોકડિયા પાકો (કપાસ, શેરડી, તમાકુ વગેરે), મરીમસાલા, ઔષધીય વનસ્પતિઓ, શાકભાજી, ઘાસચારો, ફળ-ફૂલના છોડ, સુશોભન માટેની વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. વન અને વનવૃક્ષોના ઉછેરનો પણ આમાં સમાવેશ થઈ શકે. મોટાભાગના વિસ્તારનો મગફળી, કપાસ, બાજરી, ડાંગર, મકાઈ, તમાકુ અને તુવેર જેવા ચોમાસુ પાકો માટે ઉપયોગ થાય છે. રોકડિયા પાકોનો વિસ્તાર કુલ પાક હેઠળના વિસ્તારના 52 % જેટલો છે. કપાસ, શેરડી અને તમાકુ જેવા રોકડિયા પાક હેઠળના વિસ્તારનો વધારો ઓછી આવક આપતા અનાજના પાકનાં ભોગે થયો છે. ખાદ્ય પાકો હેઠળનો વિસ્તાર ઘટ્યો હોવા છતાં આધુનિક ખેતી-પદ્ધતિ અને સુધારેલ જાતો અપનાવવાથી ધાન્ય-પાકોનું કુલ ઉત્પાદન વધ્યું છે; પરંતુ વસ્તીનિયંત્રણના ઉપાયો રાજ્ય તેમજ દેશ-કક્ષાએ અસરકારક નહિ નીવડતાં લોકોની પ્રાથમિક જરૂરિયાત તરીકે ધાન્ય-પાક બધી વસ્તીને પૂરતા પ્રમાણમાં સંતોષી શકતા નથી.  શિયાળુ પાકો મુખ્યત્વે પિયત-પાકો છે. તેમાં ઘઉં, રાઈ, રાયડો અગત્યના છે. શાકભાજીના પાકનું વાવેતર શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ પાક તરીકે જે તે પાકની ખાસિયત અને અનુકૂળતા મુજબ કરાય છે. શેરડી અને ચીકુ, આંબા, લીંબુ, બોર જેવાં ફળ-ઝાડ હેઠળનો વિસ્તાર પણ ઠીક ઠીક પ્રમાણમાં વધી રહ્યો છે.

વિવિધ વર્ગના તેમજ વ્યક્તિગત પાકોની અગત્ય ધ્યાનમાં લઈ તેના ઉત્પાદન અને વિસ્તાર અંગેની વિગતો સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે :

(1) ધાન્ય પાક (food-grain crops) : સમગ્ર વિશ્વ અને ભારતમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં જે વધારો થયો છે તેમાં મુખ્ય ફાળો ઘઉં અને ડાંગરની વધુ ઉત્પત્તિ આપતી તથા બાજરી, મકાઈ, જુવારની સંકર જાતોનો છે. દેશમાં ઈ. સ. 1950-51માં અનાજનું ઉત્પાદન 5.0 કરોડ ટન હતું, જે વધીને 1990-91માં 17.5 કરોડ ટન થયેલ છે. ગુજરાત રાજ્ય બાજરીના ઉત્પાદનમાં મોખરે છે. ગુજરાતમાં 16 લાખ હેક્ટરમાં બાજરી ઉગાડાય છે અને 10 લાખ ટન જેટલું ઉત્પાદન મળે છે, જે રાજ્યના કુલ ધાન્ય પાકનાં ઉત્પાદનનો ચોથો ભાગ ગણાય છે. ગુજરાતમાં ઘઉંનું વાવેતર 6 લાખ હેક્ટર અને ઉત્પાદન 12 લાખ ટન છે. માનવજાતની અડધી વસ્તીનો મુખ્ય ખોરાક ચોખા છે. ભારતમાં ડાંગરનો વિસ્તાર 394 લાખ હેક્ટર છે અને ઉત્પાદન પાંચ કરોડ ટન જેટલું થાય છે; જ્યારે ગુજરાતમાં ડાંગર 5 લાખ હેક્ટરમાં ઉગાડાય છે અને ઉત્પાદન 15 લાખ ટન જેટલું થાય છે. ગુજરાત રાજ્યની સ્થાપનાનાં લગભગ 40 વર્ષના અંતે ઘઉં, ડાંગર, બાજરી, જુવાર અને મકાઈના ઉત્પાદનમાં અનુક્રમે 8, 7, 6, 4 અને 3ગણો વધારો થયો છે; આમ છતાં આ પાકો ઉગાડતા વિકસિત દેશોની ઉત્પાદકતા કરતાં ભારતની ઉત્પાદકતા ઘણી જ ઓછી છે, જે આધુનિક ખેતી-પદ્ધતિ અને સુધારેલ જાતો અપનાવવાથી વધારી શકાય તેમ છે.

(2) કઠોળના પાક (pulse-crops) : ભારતમાં કઠોળના પાકનું વાવેતર 2.40 કરોડ હેક્ટરમાં થાય છે, જેનું હેક્ટર દીઠ 580 કિલો ઉત્પાદન ગણતાં કુલ ઉત્પાદન 1.40 કરોડ ટન થાય છે. દુનિયામાં કઠોળના ઉત્પાદન અને વિસ્તારમાં ભારત મોખરે છે. ગુજરાતમાં કઠોળ 9 લાખ હેક્ટરમાં થાય છે, જેનું હેક્ટરદીઠ ઉત્પાદન 720 કિલો ગણતાં કુલ ઉત્પાદન 6.5 લાખ ટન થાય છે. ગુજરાતમાં તુવેર અગત્યનો કઠોળ-પાક છે.

(3) તેલીબિયાંના પાક (oil-crops) : દુનિયામાં 1,250 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંના પાકનું વાવેતર થાય છે. ભારતમાં 230 લાખ હેક્ટરમાં જુદાં જુદાં તેલીબિયાંનું વાવેતર થાય છે. આમાં મુખ્યત્વે મગફળી, રાઈ, દિવેલા, તલ, સૂર્યમુખી, કસુંબી અને અળસીનું વાવેતર છે. દેશમાં થતાં તેલીબિયાંના કુલ વિસ્તારનો 40 % વિસ્તાર ગુજરાતમાં આવેલ છે; જેમાં મગફળી, રાઈ, દિવેલા અને તલનું વાવેતર મુખ્ય છે. વિસ્તારની દૃષ્ટિએ ભારત અગ્રસ્થાને હોવા છતાં દુનિયાનાં ખાદ્ય તેલીબિયાંના હેક્ટરે 1,492 કિલો ઉત્પાદન સામે ભારતનું ઉત્પાદન માત્ર 789 કિલોગ્રામ છે; જ્યારે દિવેલાની ઉત્પાદકતામાં ભારત આગળ છે.

ચોમાસુ મગફળીનું મોટાભાગનું વાવેતર સૌરાષ્ટ્ર-વિસ્તારમાં થાય છે; જ્યારે રાઈ, દિવેલાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં થાય છે. સુધારેલી જાતો અને વૈજ્ઞાનિક ખેતી-પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો હાલમાં મગફળી, રાઈ, દિવેલા, સોયાબીન જેવા પાકોનું હેક્ટરદીઠ ઉત્પાદન જે 800થી 1,000 કિગ્રા. છે તે બમણું કરવાની શક્યતા રહે છે. એ જ રીતે તલ, સૂર્યમુખી, કસુંબીમાં હેક્ટરદીઠ ઉત્પાદન 300થી 400 કિગ્રા. છે, તેને પણ બમણું કરવાની ઊજળી તક છે. તેલ-ઉત્પાદન વધારવા ભારતમાં ઑઇલ પામનું વાવેતર કરવાના પ્રયત્નો થયા છે.

(4) રોકડિયા પાક (cash-crops) : કપાસ, શેરડી અને તમાકુ અગત્યના રોકડિયા પાકો છે. કપાસ ભારતનો અને ગુજરાત રાજ્યનો એક અગત્યનો રોકડિયો પાક છે. વસ્ત્ર-ઉદ્યોગમાં તેનું ઘણું જ મહત્વ છે. ભારતમાં આશરે 80 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે, જેમાં હેક્ટરે 200 કિગ્રા. રૂનું ઉત્પાદન મળતાં કુલ ઉત્પાદન 100 લાખ ગાંસડીઓ થાય છે. ગુજરાતમાં 12થી 15 લાખ હેક્ટર જમીનમાંથી હેક્ટરદીઠ 240 કિગ્રા. રૂનું સરાસરી ઉત્પાદન મળતાં 20થી 22 લાખ ગાંસડીઓ થાય છે. રાજ્યમાં જે કપાસનું વાવેતર થાય છે તેમાં સંકરજાતો હેઠળ 44 %થી 50 % અને સ્થાયી જાતો હેઠળ 50 %થી 60 % વિસ્તાર છે. તાજેતરમાં દેશી કપાસની સંકર જાતો વિકસાવવામાં આવેલ છે. તે સ્થાયી જાતો કરતાં વધુ ઉત્પાદન આપે છે. તેના વપરાશથી રાજ્યમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાય તેમ છે. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાવેતરયોગ્ય કપાસની સંકર જાત ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ હતી અને તેનું વ્યાપારી ધોરણે વાવેતર ગુજરાતમાં કરવામાં આવેલું. તાજેતરમાં કપાસના પાકમાં નર વંધ્ય જાતો (male sterile line) મળેલ છે, જેમાં ફક્ત માદા ફૂલ જ હોય છે. તેના ઉપયોગથી મોટા પાયા પર સંકર બિયારણ કરવાની શરૂઆત થયેલ છે.

કાપડ-ઉદ્યોગ પછી ખાંડ-ઉદ્યોગ બીજા નંબરે આવે છે. ‘ઇન્ડિયન શુગર’ જુલાઈ, 1997ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં શેરડી હેઠળનો વિસ્તાર 41.39 લાખ હેક્ટર, ઉત્પાદકતા 68.4 ટન/હેક્ટર, કુલ ઉત્પન્ન 28.28 કરોડ ટન શેરડી, ખાંડની રિકવરી 9.42 % અને ખાંડનું ઉત્પાદન 1.65 કરોડ ટન છે; જ્યારે ગુજરાતમાં શેરડી હેઠળનો વિસ્તાર 1.62 લાખ હેક્ટર, ઉત્પાદકતા 65 ટન/ હેક્ટર, કુલ ઉત્પન્ન 1.05 કરોડ ટન શેરડી, ખાંડની રિકવરી 11.48 % અને ખાંડનું ઉત્પાદન 11.30 લાખ ટન છે. 1990-91ના વર્ષમાં ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન 89.6 ટન/હેક્ટર થયેલું, પરંતુ શેરડીમાં સુકારા નામના ફૂગજન્ય રોગને કારણે એકમ-વિસ્તારના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. રોગપ્રતિકારક જાતો તૈયાર કરવા તેમજ ટિશ્યૂકલ્ચરથી મોટા પ્રમાણમાં રોપાની વૃદ્ધિ કરી સારી જાતના તંદુરસ્ત છોડ ખેડૂતોને પૂરા પાડવાની કામગીરી નવસારી ખાતે હાથ ધરાયેલ છે.

દેશમાં ખાંડનાં 416 કારખાનાં છે, જ્યારે ગુજરાતમાં 16 કારખાનાં છે. ગુજરાતમાં ખાંડની માથાદીઠ માસિક વપરાશ 700 ગ્રામ છે, જે ભારતમાં સૌથી વધુ છે. નબળા વર્ષમાં ખાંડ આયાત કરવી પડે છે. ભારતમાં 50 % શેરડી ખાંડ બનાવવા માટે, 40 % ગોળ અને ખાંડસરી બનાવવા માટે તેમજ 10 % બિયારણ અને રસ માટે વપરાય છે. સુધારેલ જાતો અને આધુનિક ખેતી માટેની ભલામણોનો અમલ કરવાથી ઉત્પાદનમાં વધારો મેળવવાની ઊજળી તક છે.

તમાકુ કેફી અને ઔષધીય પાક છે. તેના વધુ પડતા સેવનથી કૅન્સર થવાની શક્યતા છે. પોર્ટુગીઝોએ સત્તરમી સદીમાં ભારતમાં તમાકુનો પાક દાખલ કર્યો. ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં ખેડા જિલ્લો તમાકુ પકવતો મુખ્ય પ્રદેશ છે.

ભારતમાં તમાકુની મુખ્યત્વે બે જાતિઓ(ટેબાકમ અને રસ્ટિકા)નું વાવેતર થાય છે. ટેબાકમ એટલે બીડી-તમાકુ; જે સિગારેટ, બીડી, ચિરૂટ, હુક્કા, ગુટકા અને છીંકણી માટે વપરાય છે. રસ્ટિકા એટલે કલકત્તી તમાકુ; જે માત્ર હુક્કા, છીંકણી અને ખાવા માટે વપરાય છે અને તેનો વાવેતર-વિસ્તાર ઓછો છે. ગુજરાતમાં બીડી-તમાકુનું વાવેતર ચરોતર-વિસ્તારમાં અને પંચમહાલ-વડોદરા જિલ્લાઓમાં થાય છે.

ભારતમાં તમાકુ હેઠળનો વિસ્તાર 4 લાખ હેક્ટરથી વધુ છે, તેનું ઉત્પાદન લગભગ 51 લાખ ટન જેટલું મળે છે. હેક્ટરદીઠ ઉત્પાદકતા 1,335 કિગ્રા. છે, જ્યારે ગુજરાતમાં 1 લાખ હેક્ટરમાં તમાકુ ઉગાડાય છે જેમાંથી 185 લાખ ટન ઉત્પન્ન મળે છે. હેક્ટરદીઠ ઉત્પાદકતા 1,855 કિગ્રા. છે. ખેડા જિલ્લામાં તમાકુનું વાવેતર ઘટતું જાય છે અને તેનું સ્થાન મગફળી અને કેળના પાકોએ લેવા માંડ્યું છે.

(5) મરીમસાલા અને ઔષધીય પાક (spices-condiments and medicinal plants) : ભારત વિવિધ પ્રકારના મરીમસાલાના પાકોના વાવેતર અને ઉત્પાદનમાં દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતમાં ઉત્પન્ન થતાં મરી, તજ, લવિંગ, એલચી, જીરું, ધાણા, વરિયાળી, અજમો, મરચું, મેથી, હળદર, સૂંઠ વગેરેમાંથી 90 હજાર ટન જેટલા મરીમસાલા અને તેની બનાવટોની નિકાસથી રૂ. 240 કરોડનું હૂંડિયામણ મળે છે. આમાં કાળાં મરીનો 50 % જેટલો ફાળો છે.

ગુજરાતમાં મરીમસાલા હેઠળ 2.0 લાખ હેક્ટર જમીન છે, જેમાંથી 2.0 લાખ ટન જેટલું ઉત્પાદન મળે છે. ઘરઆંગણે અને પરદેશમાં મરીમસાલાની મોટી માંગ ઊભી થયેલ છે. વળી રાજ્ય અને રાષ્ટ્ર-કક્ષાએ થયેલ સંશોધનના પરિણામે જે નવી જાતો અને પાક-ઉત્પાદન-પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે તેનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે. આથી ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે તેમજ પ્રોસેસિંગ ઉદ્યોગને વેગ મળ્યો છે.

ઉપર જણાવેલ પાકો ઔષધિ તરીકે પણ વપરાય છે. વળી ઇસબગુલ, ચિકોરી, જેઠીમધ, અરડૂસી, અર્જુન, હરડે, તુલસી, લીમડો તેમજ જંગલની અન્ય જડીબુટ્ટી અને તમાકુ, ચા, કૉફી, ભાંગ, અફીણ, નાગરવેલનાં પાન વગેરે યોગ્ય માત્રામાં આયુર્વેદિક ઔષધ તરીકે વપરાય છે. આરોગ્ય જાળવવામાં આયુર્વેદ અને કુદરતી ઉપચારનું મહત્વ લોકો સમજતા થયા છે, પરિણામે ઔષધીય પાકનો વપરાશ વધતો રહ્યો છે.

(6) શાકભાજીના પાક (vegetable-crops) : માનવ-ખોરાકમાં અનાજ, કઠોળ, તેલ, ઘી, ખાંડની જરૂરતની જેમ શાકભાજી પણ સમતોલ આહાર માટે અનિવાર્ય છે. માથાદીઠ રોજનાં 300 ગ્રામ શાકભાજીની જરૂરિયાત સામે માત્ર 125 ગ્રામ જેટલાં શાકભાજી હાલ ઉપલબ્ધ છે. શાકભાજીના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં 55 લાખ હેક્ટરમાં શાકભાજી ઉગાડાય છે, જેમાંથી 538 લાખ ટન ઉત્પાદન મળે છે, જે દુનિયાના શાકભાજીના ઉત્પાદનના 12 % જેટલું છે. શાકભાજીની હેક્ટરદીઠ ઉત્પાદકતા 9.8 ટન ગણી શકાય. ભારતમાંથી દર વર્ષે 30,000 ટન જેટલાં લીલાં શાકભાજી પરદેશ મોકલાય છે, જેની કિંમત 25 કરોડ રૂપિયા થાય છે. પરદેશની માંગ અને સારા ભાવને કારણે ખેડૂતો સુધરેલી જાતો અને આધુનિક ખેતી-પદ્ધતિ અપનાવી વધુ ઉત્પાદન મેળવતા થયા છે; પરંતુ વિકસિત દેશોની સરખામણીમાં ભારતનું હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું છે.

ગુજરાતમાં શાકભાજીના પાક હેઠળનો વિસ્તાર 1 લાખ હેક્ટર જેટલો છે, જેમાંથી 16 લાખ ટન જેટલું શાકભાજીનું ઉત્પાદન મળે છે. તે ધ્યાનમાં લેતાં શાકભાજીની હેક્ટરદીઠ ઉત્પાદકતા 16 ટન છે, જે દેશની શાકભાજીની ઉત્પાદકતાની સરખામણીએ દોઢી ગણી શકાય. નિકાસને અનુકૂળ શાકભાજી તૈયાર કરવાની જરૂર છે. મધ્યપૂર્વના દેશો, દક્ષિણ એશિયા, અખાતી દેશો, મલેશિયા, સિંગાપોર વગેરે દેશોમાં લાલ ડુંગળી, મરચાં, ભીંડા વગેરેની નિકાસ કરવાની ઊજળી તક છે.

(7) ફળોના પાક (fruit-crops) : શાકભાજીના જેટલું જ માનવ-આહારમાં ફળોનું મહત્વ છે. સમતોલ આહારમાં માથાદીઠ એક વ્યક્તિને દરરોજ 85 ગ્રામ ફળોની જરૂરત ગણાય તે સામે ફક્ત 50 ગ્રામ ફળ પૂરાં પાડી શકાય તેટલું ઉત્પન્ન થાય છે. આમ છતાં ભારત રૂ. 725 કરોડનાં કેરી, કેરીની બનાવટો, ચીકુ, કેળાંની બનાવટો, કાજુ અને અન્ય ફળોની નિકાસ કરે છે.

ભારતમાં ફળોના પાકનો  વિસ્તાર 32 લાખ હેક્ટર છે, જેમાંથી 282 લાખ ટન ફળોનું ઉત્પાદન મળે છે. તેમાં કેરી, કેળાં અને લીંબુ વર્ગનાં ફળોનું, સફરજન અને જમરૂખનું ઉત્પાદન વિશેષ છે.

ગુજરાતમાં ફળોના પાક હેઠળ એક લાખ હેક્ટર જમીનનો વિસ્તાર છે. મુખ્ય ફળ-પાકો ચીકુ, કેળાં, લીંબુ, બોર, પપૈયાં, ખારેક અને નાળિયેર છે, તેમાં 9 કરોડ જેટલાં નાળિયેર અને 18 લાખ ટન અન્ય ફળો મળે છે. ટિશ્યૂકલ્ચરની મદદથી કેળ, પપૈયાં, દ્રાક્ષ, ખારેક, સફરજન, બટાટા, ટમેટાં, મરચાં વગેરેમાં રોગમુક્ત રોપા તૈયાર કરી શકાયા છે. વળી સુધારેલ જાતો અને આધુનિક ખેતી-પદ્ધતિથી એકમ-વિસ્તારદીઠ ઉત્પાદન વધારી શકાયું છે અને હજુ વધારવાની શક્યતા છે.

ભારત સરકારે 8મી પંચવર્ષીય યોજનામાં બાગાયતી પાકોને વિશેષ મહત્વ આપ્યું છે, તેથી તેના વિકાસ માટે 1,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ઑલ ઇન્ડિયા કોઑર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ નીચે ભારતની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓને વિવિધ ફળ, શાકભાજી, ફૂલછોડ અને અન્ય પાકો માટે 45 જેટલી સંશોધન-યોજનાઓ ફાળવી છે.

(8) ફૂલછોડ અને સુશોભન માટેના છોડ (flowering and ornamental plants) : માનવજાતને પુષ્પ પ્રત્યે કુદરતી આકર્ષણ છે, કારણ કે પુષ્પો પ્રેમ અને શાંતિના પ્રતીકરૂપ મનાય છે. ફૂલની નિકાસ કરનારા દેશોમાં નેધરલૅન્ડ્ઝ 65 %, કોલંબિયા 12 %, ઇઝરાયલ 6 % ઇટાલી 5 % અને અન્ય દેશોનો 12 % ફાળો રહ્યો છે. કોલંબિયામાં ફૂલની ખેતીનો ધંધો 20 વર્ષ જૂનો છે, તો પણ વર્ષે દહાડે 1 લાખ ટન ફૂલો ઉત્પન્ન થાય છે, જેમાં કારનેશન, ક્રિસેન્થમમ, ગુલાબ અને ડેઝી મુખ્ય છે.

ભારત સુશોભન માટેના છોડનું ઘર છે. ઍસ્ટર (14 જાતો), ઇક્ઝોરા (37), આઇપોમિયા (57), રેહોડોડેન્ડ્રોન (43), ઑરકિડ્ઝ (1,600), પૅન્ડાનસ (7), પ્રિમુલા (43), લોનિસેરા (23) જેવાં સુશોભન માટેના છોડ અહીં થાય છે. બધી સુવિધા છતાં ભારતનો ફાળો દુનિયાના ફૂલબજારમાં નહિવત્ (રૂ. 2.5 કરોડ) છે. APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) (1989)એ કરેલ મોજણી પ્રમાણે ભારતમાં જુદાં જુદાં રાજ્યોમાં 29,000 હેક્ટર વિસ્તારમાં ફૂલની ખેતી થાય છે. ભારતમાં ફૂલનો વાર્ષિક ધંધો 205 કરોડ રૂપિયાનો ગણવામાં આવે છે.

ગુજરાતમાં ગુલાબ, જૂઈ, ઍસ્ટર, ગલગોટા, ટ્યૂબરોઝ, સ્પાઇડરલિલી અને સુશોભન માટેના અન્ય છોડ હેઠળ 1,300 હેક્ટર જમીન છે. તેમાંથી 6,400 ટન ફૂલોનું ઉત્પાદન મળે છે. જર્મની, અમેરિકા, ફ્રાન્સ, યુ.કે. અને અન્ય અરબ દેશોમાં ફૂલોની માંગ છે, તે જોતાં ભારતમાં રાજ્ય અને રાષ્ટ્ર-કક્ષાએ ફૂલોની ખેતી માટે ઊજળી તક છે.

ઇન્ડો-અમેરિકન હાઇબ્રિડ સીડ કું., બૅંગાલુરુ 1 કરોડ ફૂલછોડ તૈયાર કરે છે. તે બીજ અને છોડ પરદેશ મોકલે છે. મિ. ફીરોઝ મસાણી (નાસિક) કાર્નેશનનાં ફૂલો હોલૅન્ડ નિયમિત મોકલે છે. ફ્લોરો ટેક કાં, પુણે ગુલાબની બડસ્ટિક નેધરલૅન્ડ્ઝ નિકાસ કરે છે. ગુજરાતમાંથી રોઝિઝ ઍન્ડ ગાર્ડન નર્સરી, વડોદરાએ ગુલાબ અને અન્ય સુશોભન-છોડ પરદેશ મોકલવાની શરૂઆત કરી છે. વળી સરકાર તરફથી નિકાસ કરવામાં નડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તો ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો વધુ ફાળો આપી શકે તેમ છે.

(9) વન અને વનવૃક્ષો (forest and forest-trees) : ‘ફૉરેસ્ટ સિચ્યુએશન ઇન ઇન્ડિયા’ (1989) તેમજ વન-ખાતાના વાર્ષિક વહીવટી અહેવાલ (1987-88)માં જણાવ્યા પ્રમાણે ભારતમાં ખરેખર વનવિસ્તાર 6,40,134 ચોકિમી. છે, જે ભૌગોલિક વિસ્તારના 19,47 % છે. ગુજરાતનો વિસ્તાર 19,410 ચોકિમી. છે, જે ભૌગોલિક વિસ્તારના 9.86 % છે. રાજ્યના કુલ વિસ્તારનો ત્રીજો ભાગ (33 %) જંગલો નીચે હોવો જોઈએ, પરંતુ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ અનુક્રમે 10 % અને 20 % છે, જે બહુ ઓછો ગણાય. ભારતનાં જંગલોમાંથી 1987-88 વર્ષ દરમિયાન રૂ. 376 કરોડની ઊપજ મુખ્ય પેદાશ ઇમારતી લાકડું, વાંસ, પલ્પ અને મૅચવૂડ, જલાઉ લાકડું વગેરેના વેચાણથી મળેલી. ગુજરાતમાં રૂ. 25.16 કરોડની ઊપજ મુખ્ય વન્ય પેદાશમાંથી મળેલી. તેની સામે વન-ખાતાને રૂ. 54.19 કરોડ ખર્ચ થયેલો.

ગુજરાતમાં સાગ, સીસમ, વાંસ, ખેર, સાદડ, હળદરવો, કલમ, લીમડો, બાવળ, તણછ, કિલઈ, સેવન વગેરે મુખ્ય વનવૃક્ષો છે. ભારતકક્ષાએ હવામાનની વિવિધતાને કારણે સાલ, ચીડપાઇન, દેવદાર, ગર્જન, બ્લૂપાઇન, સીસમ વગેરે વધારાનાં વૃક્ષો પણ જોવા મળે છે.

રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ જંગલોની જાળવણી અને વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે, છતાં જંગલ હેઠળનો વિસ્તાર વધવાને બદલે ઘટતો જાય છે, જે પર્યાવરણની જાળવણી માટે બાધારૂપ છે.

(10) ઘાસચારાના પાક (fodder crops) : ‘ગૌદર્શન’ (માસિક) 1997, અમદાવાદ તેમજ અન્ય માહિતી પ્રમાણે ભારતમાં પશુઓની વસ્તી 51 કરોડ છે, જેને માટે 615 કરોડ ટન જેટલા લીલા અને સૂકા ચારાની જરૂરિયાત રહે છે. ગુજરાતમાં પશુઓની વસ્તી 1.7 કરોડ છે, જેને માટે 3.05 કરોડ ટન ઘાસચારાની જરૂરિયાત છે; પરંતુ 2.60 કરોડ ટનની પ્રાપ્યતા સામે 45 લાખ ટનની ઊણપ રહે છે. જ્યારે 112 લાખ ટન દાણની સામે ફક્ત 28 લાખ ટન દાણ પ્રાપ્ય છે. રાજ્યનો ફક્ત 4 %થી 6 % જમીનવિસ્તાર જ ઘાસચારાના ઉત્પાદન માટે ઉપયોગી છે. ઘાસચારાની માગને પહોંચી વળવા રજકો, બાજરી, મકાઈ, જુવાર, હાઇબ્રિડ નેપિયર (ગજરાજ ઘાસ), ચોળા અને દશરથ ઘાસ ઉગાડવામાં આવે છે. આ પાકોની સંશોધન-આધારિત સુધારેલ ખેતી-પદ્ધતિની  ગુજરાત કૃષિ યુનિવર્સિટી તરફથી ભલામણ કરવામાં આવી છે.

ગ્રામપંચાયત તથા વન-ખાતા હસ્તકનાં ગૌચર સુધારવાથી, પડતર જમીનને સુધારી ગૌચર નીચે લાવવાથી, ઘાસચારાની સુધારેલ જાતો અને ખેતી-પદ્ધતિનો ઉપયોગ કરવાથી, ગૌચરોની વૈજ્ઞાનિક પદ્ધતિથી સતત જાળવણી કરવાથી તેમજ દાણ(concentrate)નું ઉત્પાદન વધારવાથી ઘાસચારાની ઊણપ દૂર કરી શકાય તેમ છે. આ કાર્યમાં સફળતા મળે તો પશુઓના સ્વાસ્થ્યમાં તેમજ દૂધ-ઉત્પાદનમાં પણ નિશ્ચિતપણે વધારો થાય.

ગુજરાત કે ભારતના વિવિધ પાકોના ઉત્પાદનના આંકડા તેમજ ખેતીનો જમીનવિસ્તાર બદલાતો જાય છે, પરિણામે જે તે પાકનું ઉત્પાદન બદલાતું રહે છે. ગુજરાત રાજ્ય ખેતીવાડી-વિભાગ પાસેથી જરૂરી આંકડા ઉપલબ્ધ થઈ શકે છે. સામાન્ય ગણતરી માટે નીચેનું સૂત્ર (formula) ઉપયોગમાં લેવાય છે :

P = A  W

P = Production  જે તે પાકનું ઉત્પાદન

A = Area  જે તે પાકનાં વાવેતરનો વિસ્તાર એકમ હેકટર દીઠ (કુલ વિસ્તાર)

W2 weight – જે તે પાકની ઉત્પાદનશીલતા (productivity) કિલોગ્રામ/ મેટ્રિક ટનમાં.

ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા

એમ. કે. પટેલ

રા. ય. ગુપ્તે