પાઉલી વુલ્ફગૅંગ (Pauli Wolfgang)

January, 1999

પાઉલી, વુલ્ફગૅંગ (Pauli Wolfgang) (. 25 એપ્રિલ 1900, વિયેના; . 15 ડિસેમ્બર 1958, ઝુરિચ) : પાઉલી અપવર્જન (બાકાતી) સિદ્ધાંત(Pauli Exclusion Principle)ની શોધ માટે 1945ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. 20 વર્ષની નાની વયે વિશ્વકોશ માટે સાપેક્ષવાદના સિદ્ધાંત (theory of relativity) ઉપર 200 પાનનો વ્યાપ્તિલેખ લખ્યો હતો.

વુલ્ફગૅંગ પાઉલી

1923માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા અને બીજા જ વર્ષે તેમણે સૂચવ્યું કે જેનું સાંખ્યિક મૂલ્ય +1 કે  = -1 હોઈ શકે તેવા ચોથા ક્વૉન્ટમ અંકની, ક્વૉન્ટમ સિદ્ધાંતમાં આવશ્યકતા હતી. ત્યારબાદ એ પણ શોધી કાઢ્યું કે આ બે મૂલ્યો ફર્નિયૉનના ચક્રણ(spin)ની બે શક્ય દિશાઓ દર્શાવે છે. તેમણે 1925માં અપવર્જન સિદ્ધાંત જાહેર કર્યો, જે ઇલેક્ટ્રૉનને લાગુ પાડતાં, તત્વોની આવર્ત-સારણી(periodic table)ના માળખાની યથાર્થતાની તુરત જ સ્પષ્ટતા કરે છે.

1928માં ઝુરિચની ‘ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલોજી’ના સૈદ્ધાંતિક ભૌતિકી(theoratical physics)ના પ્રાધ્યાપક બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા, બીજા વિશ્વયુદ્ધ પહેલાંનાં વર્ષો દરમિયાન, સૈદ્ધાંતિક ભૌતિકીમાં સંશોધન માટેનું એક પ્રખર કેન્દ્ર બની. 1920ના અંતભાગમાં એવું અવલોકન કરવામાં આવ્યું કે પારમાણ્વિક ન્યૂક્લિયસમાંથી બીટા (b) કણના ઉત્સર્જન સાથે સામાન્યત: થોડીક ઊર્જા તથા વેગમાન અનુપસ્થિત (missing) જણાય છે. 1931માં પાઉલીએ સૂચવ્યું કે અનુપસ્થિત ઊર્જા તથા વેગમાન, વિદ્યુતભારરહિત અને દળરહિત અથવા ખૂબ જ અલ્પ દળ ધરાવતા કોઈ કણની સાથે ન્યૂક્લિયસની બહાર જતું રહે છે; જેને નોબેલ પારિતોષિક વિજેતા ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી ફર્મીએ ન્યૂટ્રીનો તરીકે ઓળખાવ્યું. વળી આ અભિધારિત (postulated) કણ પ્રત્યે કોઈનું ધ્યાન ખેંચાયું નહોતું, કારણ કે તે દ્રવ્ય સાથે ભાગ્યે જ પ્રતિક્રિયા કરતો હતો, જેને લઈને તેને શોધી કાઢવો લગભગ અશક્ય બન્યો હતો.

1940માં પાઉલીને પ્રિન્સ્ટન યુનિવર્સિટીની ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડ્વાન્સ્ડ સ્ટડી’માં સૈદ્ધાંતિક ભૌતિકીના સ્થાન (chair) ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. 1946માં યુ.એસ.ના આગંતુક નાગરિક બન્યા અને બીજા વિશ્વયુદ્ધ પછી ઝુરિચ પાછા ફર્યા

એરચ મા. બલસારા