પવનશક્તિ (wind power) : પવનશક્તિ હકીકતે, સૌર ઊર્જાનું એક સ્વરૂપ છે. ગરમીના કારણે, જમીનની પાસેની હવા તપીને ઊંચી ચડે છે અને તેની જગ્યા ભરવા માટે સમુદ્ર ઉપરની હવા જમીન ઉપર આવે છે. હવાની આવી હિલચાલ એટલે પવન. પવન કાયમ ફૂંકાતો જ રહેતો હોઈ, આ ઊર્જા વપરાઈ કે સમાપ્ત થઈ જતી નથી. પૃથ્વીની સંપૂર્ણ સપાટી ઉપર વહેતી કુલ પવન-ઊર્જાનો વિચાર કરીએ તો તે 150 કરોડ ટન કોલસા બાળવાથી ઉત્પન્ન થતી ઉષ્મા જેટલી વિપુલ માત્રામાં હોય છે. આથી જ આ પવનશક્તિનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા ઉપરાંત પરંપરાગત ઉષ્માનો વ્યય પણ બચાવે છે. પવન વડે ઉત્પન્ન થતી શક્તિ P, P = ρ AV³ વડે દર્શાવી શકાય છે. જ્યાં ρ = હવાની ઘનતા, V = પવનનો વેગ અને A = પવનચક્કીનું ક્ષેત્રફળ (જેમાંથી પવન પસાર થાય તે) છે. આમ નિયત વ્યાસની પવનચક્કીમાંથી ઉત્પન્ન થતી શક્તિ, પવનની ગતિના ઘન(cube)ના સપ્રમાણમાં હોય છે. પાણી કરતાં, હવાની ઘનતા 1/1000 ગણી ઓછી હોવાથી, સમાન ગતિએ એકસરખી શક્તિ ઉત્પન્ન કરવા માટે, પાણી કરતાં એક હજારગણી વધુ હવા પવનચક્કીમાંથી પસાર કરવી જરૂરી છે. તેથી પવનચક્કીનું ક્ષેત્રફળ ઘણું જ વધુ હોય છે.

સામાન્યત: પવનચક્કીને સારી રીતે ચલાવવા માટે 10 કિમી./કલાક જેટલો હવાનો વેગ જરૂરી છે. મોટા ભાગના દિવસોએ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં હવાની ગતિ આટલે સુધી પહોંચે છે. પવનશક્તિ વાપરવાના કેટલાક ચોક્કસ ફાયદાઓ છે :

(1) પવનશક્તિ એ શક્તિ માટેનો પુન: પ્રાપ્ત કરી શકાય તેવો સ્રોત છે તેથી તેને મેળવવાની કોઈ સમસ્યા નથી. (2) પવનશક્તિમાં ઈંધણનો કોઈ ખર્ચ ન હોઈ ઈંધણની હેરફેરનો ખર્ચ પણ આવતો નથી. (3) પવન દિવસ-રાત્રિ દરમિયાન ફૂંકાયા કરતો હોઈ સૂર્યશક્તિની જેમ દિવસ દરમિયાન જ ઉષ્મા પ્રાપ્ત થાય તેમ બનતું નથી. (4) સૂર્યશક્તિમાં ઊભો થાય છે તેવો રહેણી-કરણી બદલવાનો પ્રશ્ન, પવનશક્તિના ઉપયોગમાં ઉપસ્થિત થતો નથી. (5) પવનચક્કીના વિકાસનો ઇતિહાસ ઘણો જ જૂનો હોઈ, પવનશક્તિ ઉત્પન્ન કરવામાં કોઈ નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ જરૂરી થતો નથી. (6) પવનચક્કીનો વાર્ષિક જાળવણીખર્ચ ઘણો જ ઓછો આવે છે. (7) આ જાતની શક્તિના ઉત્પાદનથી,  વાતાવરણમાં કોઈ પણ પ્રકારનાં જોખમો ઊભાં થતાં નથી. (8) ઠેકઠેકાણે, શક્ય હોય ને અનુકૂળ હોય ત્યાં, વિશાળ પાયા ઉપર પવનઊર્જા ઉત્પન્ન કરવાનાં મથકો સ્થાપી, તેમાંથી ઉત્પન્ન થતી ઊર્જા ગ્રીડ સાથે સાંકળી વીજળી-શક્તિનું વહન કરી શકાય છે ને તેથી લાંબી સંચરણ-રેખા(transmission line)  ને તેના થકી થતા વ્યયને ટાળી શકાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ