પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો : 1910ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની વિજેતા સંસ્થા. સ્થાપના 1892. શાંતિ માટે સઘન પ્રયાસ કરી શકે તેવી સંસ્થા ઊભી કરવાનો વિચાર ફ્રેડરિક બેજર નામના વિશ્વશાંતિના પુરસ્કર્તાએ રજૂ કર્યો. 1880માં લંડન ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય-રાજકીય પરિષદમાં તે માટે એક સમિતિની રચના કરવામાં આવી અને તેના અનુસંધાનમાં 1891માં સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન નગરમાં આ સંસ્થાના માહિતીકેન્દ્રની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી થોડા સમયમાં આ સંસ્થાએ પોતાની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો.

શરૂઆતના ગાળામાં આ સંસ્થાએ શાંતિક્ષેત્રે કામ કરનાર વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનોની માહિતી એકત્ર કરવાનું કાર્ય કર્યું તથા તેમની સાથે વ્યાપક સંપર્ક પ્રસ્થાપિત કર્યો. તે સાથે આ સંસ્થાએ ઇન્ટરનેશનલ પીસ કૉંગ્રેસનાં અધિવેશનોમાં રજૂ કરવા માટેનું સાહિત્ય પણ તૈયાર કરવા માંડ્યું. વળી આ સંસ્થા પીસ કૉંગ્રેસ દ્વારા પસાર થતા ઠરાવોનો અમલ થાય તે માટે પણ કાર્યરત રહેતી. શાંતિને લગતાં પ્રકાશનો તથા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બનતી મહત્ત્વની ઘટનાઓ અંગે સુમાહિતગાર રહેવાનો આ સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવતો. સર્વસામાન્ય અને સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણને આ સંસ્થા પ્રોત્સાહન આપે છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લવાદની પદ્ધતિ દ્વારા થાય તે માટે પણ આ સંસ્થા પ્રયત્નશીલ રહે છે. વળી વિશ્વશાંતિ માટે જુદા જુદા દેશોમાં કામ કરતી સંસ્થાઓની પ્રવૃત્તિઓનું તે સંકલન કરે છે તથા રાષ્ટ્રસંઘ ખાતે તે વિશ્વશાંતિ માટેની વૈશ્વિક ઝુંબેશનું પ્રતિનિધિત્વ કરે છે.

સંસ્થાના પ્રારંભકાળમાં તેનું સંચાલન 1902ના શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા એલી ડુકોમન દ્વારા કરવામાં આવતું હતું. તેમના અવસાન (1906) પછી આ જવાબદારી તેમના સહવિજેતા આલ્બર્ટ ગોબાટે ઉપાડી હતી.

વિશ્વના 41 દેશોમાં વિશ્વશાંતિ માટે કામ કરતાં 125 સંગઠનો હાલ આ સંસ્થાનું સભ્યપદ ધરાવે છે. તે ‘જિનીવા મૉનિટર’ નામનું પોતાનું દ્વિમાસિક મુખપત્ર આઈ.પી.બી. જિનીવા ન્યૂઝ પત્રિકા તરીકે પ્રકાશિત કરે છે. હાલ બ્રસ કૅન્ટ સંસ્થાના પ્રમુખ અને કોબિન આર્ચર તેના મહામંત્રી છે.

રક્ષા મ. વ્યાસ