પર્યાયકોશ : શબ્દકોશનો એક પ્રકાર. તેમાં શબ્દોના પર્યાય આપવામાં આવે છે. સામાન્ય શબ્દકોશમાં કોશની યોજના પ્રમાણે અકારાદિ ક્રમથી પદોના અર્થ નોંધવામાં આવે છે. પર્યાયકોશ એવી શબ્દસૂચિ છે, જેમાં અકારાદિ ક્રમને નહિ પણ અર્થ કે વિભાવનાને અનુસરીને સમાન ક્ષેત્રના શબ્દો એકત્ર કરવામાં આવે છે. જરૂર પ્રમાણે તેમાં ઉપજૂથો પણ રચવામાં આવે છે. કોશને અંતે સઘળા શબ્દોની અકારાદિ ક્રમે સૂચિ આપીને જોઈતા અર્થના શબ્દો કયા પાને મળશે તે દર્શાવવામાં આવે છે.

લેખન અથવા ભાષણ દ્વારા વિચારોની અભિવ્યક્તિ કરનારનો સામાન્ય અનુભવ છે કે અવારનવાર એવા પ્રસંગો આવે છે; જ્યારે પોતાનો વિચાર સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ઉચિત શબ્દ મળતો ન હોય અથવા પોતે ઉપયોગમાં લીધેલો શબ્દ વિચારને સ્પષ્ટ કરશે કે કેમ વિશે સંશય હોય અથવા પોતાના વિચારને સ્પષ્ટ અને પુષ્ટ કરે એવી અને સામું પાત્ર સરળતાથી ગ્રહણ કરી શકે એવી કોઈ ઉક્તિ, કહેવત આદિની આવશ્યકતા લાગતી હોય. એવા પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે જ્યારે શ્રોતાગણની કક્ષા અનુસાર વક્તવ્યમાં (કે લેખનમાં) તળપદ અથવા નાગરી, સંસ્કૃત અથવા ફારસી એમ વિશેષ શબ્દપ્રયોજન ઇષ્ટ હોય. આવે પ્રસંગે પર્યાયકોશ ઉપકારક થાય છે.

પર્યાયકોશમાં નિશ્ચિત મર્યાદા સાથે કેવળ શબ્દાર્થ હોય તેવું બને અથવા તેમાં વિસ્તૃત માહિતી આપવાનો પ્રયત્ન પણ હોય. આમ પર્યાયકોશના નીચેના જેવા પ્રકારો પાડવામાં આવે છે :

(1) બૃહત સંબંધદર્શક કોશ : આમાં શબ્દના પર્યાય ઉપરાંત વિવિધ પ્રયોજનથી થતી અર્થનિષ્પત્તિ એટલે કે શબ્દપ્રયોગ સાથે સંબંધ ધરાવતા પર્યાયાદિ આપવામાં આવે છે.

(2) લઘુ સંબંધદર્શક કોશ : બૃહત સંબંધદર્શકમાં જે માહિતી વિસ્તારથી આવે છે, તે લઘુ સંબંધદર્શક કોશમાં નિર્ધારિત મર્યાદામાં અપાય છે.

(3) વિવિધભાષી સંબંધદર્શક કોશ : આ એવો કોશ છે, જેમાં સંબંધ ધરાવતી ભગિની-ભાષાઓ તથા રાષ્ટ્રભાષા અને વિશ્વભાષાના પર્યાયોના સંબંધો સ્પષ્ટ કરવામાં આવે છે; ઉદા., ‘નક્ષત્ર’નો અર્થ ગુજરાતીમાં આકાશમાં ચંદ્રના માર્ગનાં 27 વિશેષ તારાજૂથો થાય છે, જ્યારે બંગાળીમાં તે તારાના અર્થમાં વપરાય છે. ભાષાંતરના કાર્યમાં અથવા પરભાષામાંથી અવતરણ લેવાનાં હોય તેવે સમયે આવા અર્થભેદ સંબંધે ધ્યાન આપવું જરૂરી છે.

(4) યંત્રવાચ્ય સંબંધદર્શક કોશ : આ કોશ કેવળ રૂપભેદે જુદો પડે છે. તેમાં સંચિત માહિતી અન્ય પ્રકારના કોઈ એક કોશ જેવી હોય છે, પણ તેનું મુદ્રણ એવું હોય છે, જે સંગણક (computer) જેવાં યાંત્રિક ઉપકરણો વાંચી શકે છે. તે સંહતિકા કે સીડી (compact disc) રૂપે પણ હોઈ શકે. આવો કોશ સમયનો ઘણો બચાવ કરે છે તથા વધારે વિસ્તૃત રીતે શબ્દશોધ શક્ય બનાવે છે.

(5) સર્વગ્રાહી પર્યાયકોશ : નામ સૂચવે છે તેમ આ કોશ પર્યાયકોશનાં બધાં લક્ષણો ધરાવે છે. તેને શબ્દાર્થકોશ પણ કહે છે; ઉદા., ‘વિદ્યા’ શબ્દ પ્રત્યાયનની એક વિભાવના તરીકે પ્રત્યાયનજૂથના શબ્દસમૂહમાં જોવા મળે છે. તેમાં ક્રમથી આ પ્રમાણે માહિતી આવી શકે : (i) ‘વિદ્યા’ નામ તરીકેના અર્થો; જેમ કે, જ્ઞાન, માહિતી, ભણતર. (ii) ‘વિદ્યા’ના અભ્યાસની વિભાવનાના સંદર્ભમાં અર્થો; જેમ કે, વાચન, પઠન. (iii) ‘વિદ્યા’ના વિશેષણના સંદર્ભમાં અર્થો; જેમ કે, શિક્ષિત. (iv) ‘વિદ્યા’ના ક્રિયાપદના સંદર્ભોમાં અર્થો; જેમ કે, શીખવું, સમજ મેળવવી. (v) ઉક્તિ રૂપે મળતા સંબંધ શબ્દસમૂહો; જેમ કે, વિદ્યા પાઠે, ગરજ ગાંઠે; સા વિદ્યા યા વિમુક્તયે; પોથીમાંનાં રીંગણાં. ‘છબીકલા’ શબ્દ જોડે એ કલાના પર્યાયો; કૅમેરાના પર્યાયો; છબીના પર્યાયો; છાપ કે મુદ્રણના પર્યાયો; ચલચિત્ર વિષયના પર્યાયો; છબીકલાની પ્રક્રિયાના શબ્દો તથા પર્યાયો; છબીયંત્રો વિશેના શબ્દો તથા પર્યાયો; ઉપકરણવિષયક શબ્દો-પર્યાયો; છબીકલાના વિવિધ પ્રકારોની માહિતી આદિ વિશેષ પર્યાયો મળી શકે. સમાનાર્થી તેમ વિરુદ્ધાર્થી શબ્દો તથા પર્યાયો પણ જોવા મળે.

પર્યાયકોશના વિષય પ્રમાણે શબ્દજૂથો પણ આવે છે; જેમ કે, વાહન શબ્દજૂથમાં અનેકવિધ વાહનોનાં નામોનો સંગ્રહ કરાય છે. પૂર્વગ, ઉપસર્ગથી બનતા શબ્દો તથા શબ્દાર્થ અપાય છે. વિશેષ અર્થવાળા શબ્દોનાં મૂળ કે વ્યુત્પત્તિ સમજાવવામાં આવે છે; જેમ કે, ‘વસંતસંપાત’. આવાં કારણોસર પર્યાયકોશને ‘શબ્દાર્થકોશ’, ‘સંબંધદર્શકકોશ’, ‘સમાંતર કોશ’ જેવાં વિવિધ નામો અપાયાં છે.

વિશ્વની ભાષાઓમાં સંસ્કૃત સૌથી પ્રાચીન ભાષા છે. તેથી પ્રથમ પર્યાયકોશ પણ સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. મહાભારત અનુસાર વર્તમાન પૂર્વે, આશરે ચારથી છ હજાર વર્ષે, કશ્યપ ઋષિએ ‘નિઘંટુ’ નામે પ્રથમ કોશ રચ્યો. તે વૈદિક સંહિતાઓનો અંશ ગણાય છે. ‘નિઘંટુ’ શબ્દનો અર્થ આ પ્રમાણે આપેલો છે : જેમાં તુલ્ય અર્થ અને તુલ્ય કર્મવાળા ધાતુઓની વ્યાખ્યા, એક પદાર્થ(પદ + અર્થ)ના અનેકાર્થ અને અનેકાર્થનું એક નામ વર્ણવેલાં હોય તેને ‘નિઘંટુ’ કહે છે. વૈદિક નિઘંટુમાં પાંચ અધ્યાય છે. ‘નિઘંટુકાંડ’ નામના પહેલા ત્રણ અધ્યાયોમાં પર્યાય અપાયા છે. ચોથા ‘નૈગમકાંડ’માં કેવળ વૈદિક શબ્દનો સંગ્રહ છે. પાંચમા ‘દેવતાકાંડ’માં પણ વૈદિક શબ્દસંચય છે. વેદની ઋચાઓનો અર્થ સમજવા માટે ‘નિઘંટુ’ની સહાય આવશ્યક છે. શાકપૂતિ અને સ્થૌલષ્ટોવી નામે બે ઋષિઓએ ‘નિઘંટુ’ની વ્યાખ્યા કરી. તે પછી યાસ્ક મુનિએ ‘નિરુક્ત’ નામે જે વ્યાખ્યા કરી તે વધારે પ્રસિદ્ધિ પામી. આજે પણ તે વૈદિક ભાષાનો મહત્ત્વનો પર્યાયકોશ છે.

અંગ્રેજીમાં પહેલો પ્રયત્ન 1668માં જૉન વિલ્ક્ધિસે કર્યો. તેણે ‘વિભાવનાલક્ષી શબ્દકોશ’ (conceptual dictionary) નામે કેટલાક કોઠાઓ તૈયાર કર્યા. પીટર માર્ક રોજે (1779-1869) નામના બ્રિટિશ દાક્તરે 1852માં પ્રગટ કરેલો ‘થિસૉરસ ઑવ્ ઇંગ્લિશ વર્ડ્ઝ ઍન્ડ ફ્રેઝીઝ’ પહેલો નોંધપાત્ર પર્યાયકોશ થયો. તેને એટલી લોકપ્રિયતા સાંપડી કે પીટરના અવસાન પૂર્વે જ તેનાં 28 સંસ્કરણો થયાં. તેના પુત્ર અને પૌત્રે પણ નવસંસ્કરણો કર્યાં. 1886થી ન્યૂયૉર્કની ટૉમસ વાય. ક્રૉવેલની પેઢી તેનું પ્રકાશન કરે છે. આજે પણ અંગ્રેજી ભાષામાં ‘રોજેસ ઇન્ટરનૅશનલ થિસૉરસ’ પ્રમાણભૂત કે માનકદંડરૂપ ગણાય છે. ફ્રાન્સિસ માર્ચ (1902) અને નૉર્મન લુઈસ (1958) જેવાનાં કાર્યની મુલવણી પણ એના આધારે કરાય છે.

ગુજરાતી ભાષામાં કોશસાહિત્ય વિપુલ છે. તેમાં પર્યાયકોશની તુલનામાં અનેકાર્થી કોશની બહુલતા છે. ગોંડળના મહારાજા ભગવતસિંહજીની પ્રેરણાથી સ્વ. ચંદુલાલ બહેચરભાઈ પટેલ (1889-1965) દ્વારા સંપાદિત ‘ભગવદ્ગોમંડળ’ આવો બૃહત કોશ છે. તે અનેકાર્થી કોશ છે; ઘણે સ્થળે તે પર્યાયવાચી પણ છે. આ સિવાય   ગુજરાતીમાં આ દિશાના પ્રારંભિક તબક્કાના જે પ્રયત્નો થયા છે તેમાં ડૉ. મફતલાલ ભાવસારનો ‘પાયાનો પર્યાયકોશ’ (1993), ડૉ. ઈશ્વરલાલ ર. દવેનો ‘ગુજરાતી ભાષાનો શબ્દાર્થકોશ’ (1994) તથા વિદ્યાધર ઠાકોરનો ‘ગુજરાતી લઘુ પર્યાયકોશ’(1997)નો સમાવેશ થાય છે.

‘ગુજરાતી ભાષાનો શબ્દકોશ’ ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન છે. તેમાં 30 આલોક કે વિભાગમાં 1009 વિભાવનાઓ સંગ્રહી છે. તેનું સ્વરૂપ સર્વગ્રાહી પ્રકારનું છે. જોકે સંસ્કૃત પર્યાયો તથા બીજી કેટલીક ઉપયોગી માહિતી વિસ્તારભયે છોડી દેવાઈ છે. નૅશનલ બુક ટ્રસ્ટે ‘સમાંતર કોશ’ નામે એક દળદાર પર્યાયકોશ પ્રસિદ્ધ કર્યો છે.

ભાષા અને સાહિત્યના ક્ષેત્રના લોકો – લેખક, પત્રકાર, અધ્યાપક, વ્યાખ્યાતા, વિજ્ઞાપનક્ષેત્રના લેખક વગેરે – ને પર્યાયકોશ ઘણો ઉપયોગી થાય છે. લેખનમાં એવા પ્રસંગો અવારનવાર આવે છે, જ્યારે લેખક પોતાની વાત સ્ફુટ કરે તેવો ઉચિત શબ્દ નહિ સ્ફુરવાને કારણે મૂંઝવણ અનુભવે છે. તેનું કાર્ય તેથી અટકી પડે છે; એથી ઊલટું, એવા પ્રસંગો પણ આવે છે, જ્યારે સત્યને ઢાંકવા માટે છદ્માવરણનો આશરો લેવો પડે છે. આવા પ્રસંગોમાં પણ પર્યાયકોશ કામ લાગે છે.

પિંકી શાહ