પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

February, 1998

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

ભારતીય સમાજના ઇતિહાસને તપાસીએ ત્યારે એક મહત્ત્વના પાસા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પાસું તે જ્ઞાતિ/ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ. આ સંબંધને જ્યારે ગ્રામ અને ગ્રામસમાજ સાથે સાંકળીએ ત્યારે વ્યવસાય કે હુન્નરઉદ્યોગની પરંપરા અને તેના સાતત્યને સમજી શકાય છે. કોટિક્રમિક હિંદુ સમાજનું સંચાલન કરતી ધાર્મિક-કાયદાકીય વ્યવસ્થામાં કોઈ અમુક જ્ઞાતિ માટે નક્કી થયેલાં કાર્યો કોઈ પણ અન્ય જ્ઞાતિ ન કરી શકે એવી સમજ છે. જુદા જુદા વ્યવસાયમાં રોકાયેલા કારીગરો ભિન્ન ભિન્ન જ્ઞાતિના હતા. ભારતમાં જ્ઞાતિ-વ્યવસ્થાએ વ્યક્તિઓ અને કુટુંબોને અમુક ચોક્કસ વ્યવસાયો સાથે પેઢી દર પેઢી એવાં બાંધી રાખ્યાં કે તેમાંથી સદીઓ સુધી જ્ઞાતિ-વ્યવસાય-કારીગરી અને સામાજિક દરજ્જાનું એક જડબેસલાક માળખું રચાયું અને આજદિન સુધી વ્યાપક પરિવર્તનો સાથે તે ટકી રહ્યું છે. બ્રિટિશ અમલ, ઉદ્યોગીકરણ અને શહેરીકરણના પ્રભાવે પરંપરાગત વ્યવસાયોના પ્રાચીન સ્વરૂપમાં મૂળભૂત પરિવર્તનો આવ્યાં. વીસમી સદીના અંતે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ જેવી આધુનિક આર્થિક પ્રક્રિયાઓએ કેટલાક ભારતીય પરંપરાગત વ્યવસાયોને નામશેષ પણ કર્યા.

હિંદુ વિચારધારા પ્રમાણે સમાજવ્યવસ્થામાં ચાર વર્ણો – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર છે; પરંતુ ગુજરાતમાં અઢાર વર્ણોની યાદી આપવામાં આવે છે. આ અઢાર વર્ણોમાં ચાર પરંપરાગત વર્ણો ઉપરાંત નવ નારુ અને પાંચ કારુનો સમાવેશ થાય છે. ‘ભગવદ્ગોમંડલ’ અનુસાર નવ નારુ અને પાંચ કારુમાં કંદોઈ, કાછિયા, કુંભાર, માળી, વાળંદ, સુથાર, પશુપાલક, તંબોળી, સોની, ધોબી, કોળી, લુહાર, ઢેડ અને ચમારનો સમાવેશ થયેલો છે. અઢાર શ્રેણીઓને વર્ણો કહેવામાં આવી એ હકીકત સૂચવે છે કે ગુજરાતમાં અમુક ધંધા-વ્યવસાયોએ એટલું મહત્ત્વ મેળવ્યું હતું કે તેમને વર્ણોનું સ્થાન દેવાયું. નારુ અને કારુના ખ્યાલની સમજૂતી એક જૈન લખાણમાં રજૂ કરવામાં આવી છે. નવ નારુમાં (1) કુંભાર, (2) પટેલ (ખેડૂત), (3) સોની, (4) રસોઇયો, (5) ગાંધર્વ, (6) વાળંદ, (7) માળી, (8) કચ્છાકર અને (9) તંબોળીનો તથા નવ કારુમાં (1) ચમાર, (2) ઘાંચી, (3) છીપો, (4) વાંસફોડો, (5) કલાઈ કરનારો, (6) દરજી, (7) ગુઆર, (8) ભીલ અને (9) માછીમારનો સમાવેશ થતો હતો.

પરંપરાગત વ્યવસાયોને યજમાની વ્યવસ્થાના ભાગ રૂપે પણ સમજી શકાય છે. ગ્રામસમાજમાં ખેતી કરતા ખેડૂતોને કૃષિ તેમજ રોજિંદા જીવનમાં વિવિધ કારીગર જ્ઞાતિઓ પોતાના હુન્નર દ્વારા અનાજ અને વસ્તુઓના બદલામાં સેવા આપતી. આજે પણ યજમાની વ્યવસ્થાના અંશો મર્યાદિત સ્વરૂપમાં પણ ટકી રહ્યા છે. આઝાદી પછી ભારતમાં મોટાભાગની કારીગર જ્ઞાતિઓનો સમાવેશ ‘સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો’માં કરવામાં આવ્યો છે અને તેમના કલ્યાણ માટે નીતિઓ ઘડવામાં આવી છે.

કડિયા : પથ્થર, ઈંટ વગેરેનું ચણતર અને ઘડતરનું કામ કરનાર. તેમની અલગ ‘કડિયા’ જ્ઞાતિ છે. પરંપરાથી શહેરો અને કસબાઓમાં આ કારીગરોનો વ્યવસાય મોખરાનું સ્થાન ધરાવે છે. પરંપરાગત રીતે તેઓ મહદ્ અંશે ઘરની દીવાલો ચણવાનું કે અન્ય નાનાં-મોટાં ચણતરનાં કામ કરતા હતા; પરંતુ શહેરીકરણ અને ઉદ્યોગીકરણના પ્રભાવ હેઠળ વિવિધ પ્રકારના આવાસો, ઉદ્યોગોના એકમો જેવી વિવિધ પ્રકારની ઇમારતો વગેરે બનાવવાના કામમાં તેમને રોજી મળી રહે છે. કડિયાકામના મુખ્ય કારીગરને ‘મિસ્ત્રી’ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે સુથાર – ‘ગજ્જર’ની મદદ લઈને મકાનનું નિર્માણ કરતા. ભૂતકાળમાં કડિયાની પત્નીઓ કડિયાકામ કરતી ન હતી, પરંતુ સમય જતાં તે પણ આ કામમાં જોડાવા લાગી છે. શહેરોના વિકાસ અને વસ્તીવધારા સાથે આવાસોની અમર્યાદ જરૂરિયાતને પહોંચી વળવા હજારોની સંખ્યામાં કડિયાકામ કરનારાઓની જરૂરિયાત ઉપસ્થિત થઈ. આ સંજોગોમાં હવે ગુજરાતમાં મોટી સંખ્યામાં સ્થળાંતરિત આદિવાસી સ્ત્રી-પુરુષો મોટાં શહેરોમાં મકાનોના ચણતર માટે મજૂરી કરવા આવે છે. સમય જતાં તેમનામાંથી કેટલાક કુશળ કડિયા પણ બન્યા છે. કૉન્ટ્રાક્ટ-પદ્ધતિ હેઠળ કડિયાઓને કામે રાખવામાં આવે છે. અમદાવાદમાં તો મહત્ત્વના ચાર રસ્તાઓ ઉપર  ‘ચકલા’ ઉપર – વહેલી સવારે અન્ય કારીગરો સાથે કડિયાઓ કામની શોધમાં ઊભા રહેતા જોવા મળે છે. આવી વિશિષ્ટ જગ્યાઓને કડિયાનાકા કહે છે. બહુમાળી મકાનો બનાવવા માટે ઊંચાઈ પર રહીને ચણતર કરતા કડિયાઓને ક્યારેક પડી જવાથી વાગવાનો કે ક્યારેક મૃત્યુનો પણ સામનો કરવો પડે છે. આમ તેમનો વ્યવસાય જોખમકારક પણ છે. કડિયાઓ સામાન્ય રીતે પ્રણામી, સ્વામિનારાયણ, રામાનંદી અને કબીરપંથી સંપ્રદાયના હોય છે. તેમનામાં જન્મ, લગ્ન વગેરે સામાજિક પ્રસંગોના રિવાજો અન્ય કારીગર જ્ઞાતિઓ જેવા હોય છે. છૂટાછેડા અને વિધવા-પુનર્લગ્નની પ્રથા તેમનામાં પ્રચલિત છે. જ્ઞાતિપંચનું અસ્તિત્વ પણ છે. શિક્ષણનું પ્રમાણ તેમનામાં મર્યાદિત છે.

કંસારા : ગુજરાતના કસબાઓમાં કંસારાવાડામાંથી પસાર થનારને આજે પણ ધાતુનાં વાસણો ઘડવાનો અવાજ સાંભળવા મળે. પરંપરાગત રીતે કાંસાનું કામ અને કલાઈકામ કરનાર તેમજ ધાતુનાં વાસણ ઘડવાનો તેમજ વેચવાનો ધંધો કરનાર વ્યક્તિને કંસારો કહેવામાં આવે છે. તેમનું મૂળ વતન પાવાગઢ અને કાલકા માતા તેમની કુળદેવી છે. તેમની અટકોમાં બાગામા, બારમેયા, ભટ્ટી, ગોહેલ, કારસાકરિયા, પરમાર, સોલંકી વગેરેનો સમાવેશ થાય છે. ચાંપાનેરિયા, મારુ, સિહોરા અને વિસનગરા એવા ચાર વિભાગો કંસારાઓમાં જોવા મળે છે. તેમના વ્યાવસાયિક કામ સાથે પરંપરાગત ઓળખ જોડાયેલી હતી; જેમ કે તાંબાનું કામ કરનાર તાંબાઘડા, પિત્તળનું કામ કરનાર પિત્તળઘડા અને સોનાનું કામ કરનાર સોનારા કંસારા તરીકે ઓળખાતા. પરંપરાથી સૌરાષ્ટ્રમાં શિહોર અને ઉત્તર ગુજરાતમાં કડી અને વિસનગરમાં પિત્તળનાં અને તાંબાનાં વાસણો બનાવવા માટે કંસારા જાણીતા છે.

નવી ટૅક્નૉલૉજીની સાથે મશીનમાં બનેલાં સ્ટીલનાં વાસણો અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધતાં કંસારાઓનો વ્યવસાય મર્યાદિત બનતો ગયો છે અને કેટલેક ઠેકાણે તે તૂટવા પણ માંડ્યો છે.

કુંભાર : માટીનાં વાસણો ઘડવાનો વ્યવસાય કરનાર. કુંભારકામ કદાચ માનવઇતિહાસમાં સૌથી પુરાણો હુન્નર છે. વાસ્તવમાં તમામ નવપાષાણયુગના સમાજોએ કુંભારકામની ટૅક્નિક શોધી કાઢી હતી. આ ટૅક્નિક પ્રમાણે ચીકણી માટીને ગરમી આપવાથી તેમાંનો ભેજ છૂટો પડીને વરાળ રૂપે ઊડી જાય છે અને બાકી રહેલો પદાર્થ સખત અને પાણીથી અસર ના પામે એવો હોય છે. આ પરિવર્તનને પરિણામે કુંભારોને માટીને તૈયાર કરવાની કુશળ અને કઠિન પ્રક્રિયાઓ તેમજ ચાકડા ઉપર વાસણોને  કુશળતાથી ઘડવાની, સૂકવવાની, તપાવવાની વગેરે પ્રક્રિયાઓ શીખવી પડી. ચાકડાના ઉપયોગને કારણે માટીનાં વાસણો બનાવવાનો હુન્નર સ્ત્રીઓ પાસેથી પુરુષોના હાથમાં આવ્યો. ચાકડા વગર વાસણો બનાવવાનો હુન્નર સ્ત્રીઓ માટે રસોઈ અને કાંતણકામ જેવું ઘરકામ હતો. ગુજરાતમાં ઈ. સ. પૂ. 2500થી કુંભારકામ પ્રચલિત છે. લોથલ અને રંગપુરના ઉત્ખનન દ્વારા વિવિધ ઘાટનાં પૉલિશની ટૅક્નિકવાળાં કલાત્મક વાસણો મળી આવ્યાં છે. હડપ્પાના કુંભારકામના કેટલાક આગવા પ્રકારો જાણીતા છે. ગુજરાતના અને ભારતના અન્ય ભાગોના હિંદુ કુંભારો પોતાને ‘પ્રજાપત’ કે ‘પ્રજાપતિ’ કહેવડાવે છે. ગુજરાતના કુંભારોમાં 25થી વધુ પેટાજ્ઞાતિઓ છે. વળી ગુજરાતમાં પ્રાદેશિક વિભાગોમાં કુંભારો ટૅક્નૉલૉજીના આધારે પણ પેટાજ્ઞાતિઓમાં વિભાજિત થયા છે.

ગુજરાતમાં પરંપરાથી બનાસકાંઠામાં મુસ્લિમ કુંભારોનો સમુદાય સ્થાયી હતો; પરંતુ તેઓ હવે રાજ્યના જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ ગયા છે. સામાન્ય રીતે કુંભારકામના વ્યવસાયમાં ઉત્પાદનનું એકમ કુટુંબ હોય છે. કુટુંબનાં સભ્યો શ્રમની વિવિધ પ્રક્રિયામાં ભાગ લે છે. શ્રમવિભાજન લિંગ-આધારિત પણ હોય છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પ્રમાણમાં ઓછી મહેનતનું કામ કરતી હોય છે. બાળકોને કોઈ ચોક્કસ પ્રકારનું કામ નથી હોતું, પરંતુ તે ભિન્ન ભિન્ન પ્રકારના કામમાં મદદ કરે છે; સાથે સાથે કારીગરી પણ શીખે છે. પુરુષો માટી ખોદવાનું અને તેને લઈ જવાનું, ઘાટ ઘડવાનું, ટીપવાનું, ભઠ્ઠીમાં વાસણોને ગોઠવવાનું, વાસણોને બજારમાં લઈ જવાનું કામ કરે છે. સ્ત્રીઓ મોટેભાગે માટી ભાંગવાનું અને ચાળવાનું કામ તથા રંગકામ કરે છે અને કેટલીક વાર ચાકડા ઉપર માટી મૂકવાના કામમાં પણ મદદ કરે છે.

આધુનિક સમયમાં કુંભારોને વિસ્તૃત નાણાકેન્દ્રી બજારના સંબંધોમાં સામેલ થવું પડે છે. જોકે ગ્રામવિસ્તારોમાં પરંપરાગત યજમાની સંબંધો લગ્નપ્રસંગોમાં કે આંશિક રીતે આજે પણ ટકી રહ્યા છે. કૉન્ટ્રાક્ટ પ્રથા પ્રમાણે પણ માટીનાં વાસણો વેચવાનો ચાલ છે. જોકે આ પ્રથા દક્ષિણ ગુજરાતમાં વિશેષ જોવા મળે છે. ઈંટોના ભઠ્ઠાઓની માલિકી પણ કેટલાક સમૃદ્ધ પ્રજાપતિઓ પાસે છે. સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકનાં વાસણોનું ઉત્પાદન અને વપરાશ વ્યાપક પ્રમાણમાં છેક ગામડાના સ્તર સુધી વિસ્તરતાં માટીનાં વાસણોની માંગ ‘માટલાં’ પૂરતી મર્યાદિત રહી ગઈ છે. આ પ્રક્રિયાની અસર સદીઓપુરાણા કુંભારકામ પર પડી છે. તેમનામાં શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે. ‘સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો’માં સરકારે તેમનો સમાવેશ કરતાં હવે ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં તેમને તકો મળવા લાગી છે.

ચૂડગર : ચૂડી વહેરનાર કે ઉતારનાર તેમજ લાકડાની કે હાથીદાંતની ચૂડી ઉતારવાનો ધંધો કરનાર. લગ્નપ્રસંગે કન્યાને સજાવવામાં વિવિધ ઘરેણાંમાં ચૂડીઓનું મહત્ત્વનું સ્થાન છે. આ ચૂડીઓ લાકડાની કે હાથીદાંતની હોય છે. એને તૈયાર કરનાર ચૂડગર કહેવાય છે. ખાસ કરીને મધ્યમ કક્ષાનાં કે મોટાં શહેરોમાં તે કેન્દ્રિત થયેલા છે. સંખ્યાની દૃષ્ટિએ મર્યાદિત કુટુંબોનો તેમાં સમાવેશ થાય છે. કુશળતા અને ઉચ્ચ કક્ષાની કારીગરી દ્વારા તે સુંદર નકશીકામ કરી ચૂડીઓ તૈયાર કરવાનું કામ પરંપરાથી કરતા આવ્યા છે. પેઢી દર પેઢી કુટુંબમાં આ કામ માટે તાલીમ આપવામાં આવે છે.

તંબોળી : નાગરવેલનાં પાન અને મુખવાસનો બીજો સરસામાન વેચનાર પાનવાળો – પાન-સોપારી વેચનાર વ્યક્તિ. પહેલાં આ વ્યવસાય પણ પરંપરાગત હતો.

દરજી : કપડાં સીવવાનો વ્યવસાય કરનાર કારીગર. ‘દરજી’ શબ્દ ફારસી શબ્દ ‘દરઝન’ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘સીવવું’ એવો થાય છે. એક દંતકથા પ્રમાણે જ્યારે પરશુરામ ક્ષત્રિયોને હણતા હતા ત્યારે બે ક્ષત્રિય ભાઈઓ મંદિરમાં સંતાઈ ગયા. પૂજારીએ તેઓને બચાવી દીધા. પૂજારીએ એક ભાઈ ચિપ્પીને ભગવાનના વાઘા સીવવાનું કામ સોંપ્યું અને બીજા ભાઈને વાઘાને રંગ ચઢાવવાનો તથા છાપવાનું કામ સોંપ્યું. ચિપ્પી દરજીની જાતિનો પૂર્વજ મનાય છે.

સામાન્ય રીતે દરેક ગામમાં પરંપરાગત વ્યવસાયો માટેના સુથાર, કુંભાર, લુહાર, મોચી અને દરજી જેવા માણસો રહેતા હોય છે. દરજીનું કામ કરવા માટે હિન્દુ તેમ જ મુસલમાન જાતિના માણસો પણ હોય છે. દરજીકામની સાધનસામગ્રીમાં કપડાંની સિલાઈ માટેનો સંચો, કાતર, સોય, કાપડ માપવાનો ગજ, દોરા, બટન, હૂક વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે દરજીની આસપાસમાંથી ગ્રાહકો તેની દુકાન પર આવતા હોય છે, કેટલાક દરજીઓ પોતાની રીતે કપડાં તૈયાર કરીને હાટ કે બજાર ભરાય ત્યારે ત્યાં જઈને વેચે છે. પહેલાંના સમયમાં તો દરજી સંચો લઈને ઘેર આવે તેવી પ્રથા હતી અને ત્યારે ઘરના  કુટુંબના સૌ સભ્યોનાં કપડાં તેની પાસે સિવડાવી લેવાતાં. આ રીતે ઘરે આવીને સીવણકામ કરનારા દરજીઓને ચા-નાસ્તો તથા જમાડવાની જવાબદારી પણ જે તે ગ્રાહકની રહેતી. જોકે હવે આ પ્રકારની સીવણ-પ્રથા લુપ્ત થવામાં છે.

કેટલીક વાર રસ્તા પર સંચો લઈને બેઠેલા દરજીઓ પણ જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે ફાટેલાં કપડાંને સાંધી આપવાનું – રફૂ કરી આપવાનું કામ કરતા હોય છે.

હાલમાં લોકો મોટી દુકાનો તથા મોલમાં જુદી જુદી બ્રાન્ડનાં કપડાં ખરીદે છે, જે મોટાં કારખાનાં કે વર્કશૉપમાં મશીનોની મદદથી જથ્થાબંધ રીતે તૈયાર થયેલાં હોય છે. દરજીઓ ત્યાં પગારદાર કારીગરો તરીકે કામ કરતા હોય છે. એવાં કારખાનાંમાં કેટલાક કટિંગ કરતા હોય, કેટલાક કૉલર સીવતા હોય, કેટલાક બાંયો સીવતા હોય, કેટલાક મશીન વડે ગાજ-બટન કરતા હોય અને એ રીતે અનેક કારીગરોની મદદથી ખમીસ, પૅન્ટ વગેરે કપડાં તૈયાર થતાં હોય છે. એ રીતે એકસરખી નિર્ધારિત કરેલી ડિઝાઇનવાળાં, પ્રમાણિત માપવાળાં જથ્થાબંધ વસ્ત્રો તૈયાર થાય છે. હાલમાં આ રીતે તૈયાર થયેલાં વસ્ત્રોનું બજાર ઘણું વિકસેલું છે.

શહેરમાં મોટી દુકાનોમાં જ્યાં કપડાંના નિષ્ણાત ડિઝાઇનર હોય ત્યાં તેના માર્ગદર્શન હેઠળ અનેક કારીગરો કામ કરતા હોય તેવું પણ જોવા મળે છે. સિવડાવનાર વ્યક્તિનું માપ લઈ, તે પ્રમાણે કટિંગનું  – કાપડને વેતરવાનું કામ કરનારને ‘માસ્ટર ટેલર’ કહેવામાં આવે છે.

દરજીના વ્યવસાયમાં જુદા જુદા નિષ્ણાતો હોય છે; જેમ કે કેટલાક દરજીઓ બહેનોનાં કપડાં સીવે છે, કેટલાંક ભાઈઓના લેંઘા-કફની, કેટલાંક કોટ-પૅન્ટ તો કેટલાંક શેરવાની-પાયજામાનું કામ કરતા હોય છે.

આપણે ત્યાં વંશપરંપરાગત રીતે જે વ્યવસાયો ચાલતા તેમાંનો એક આ દરજીકામનો વ્યવસાય પણ હતો. દરજીને પણ વસવાયાના વર્ગમાં લેખવામાં આવતો. તેથી દરજી કોમના ભણેલા-ગણેલા લોકો દરજીકામના પોતાના બાપીકા વ્યવસાયમાં કામ કરવાનું નાપસંદ કરતા. જોકે હવે તો અન્ય કોમના લોકો પણ દરજીકામ કરતા થયા છે અને વ્યવસાય તરીકે એ કામમાં પણ નોંધપાત્ર બરકત હોવાનું પણ અનેકને લાગે છે.

દરજીકામ ભલે વ્યક્તિગત હુન્નરના બદલે કાપડઉદ્યોગની જ એક શાખા રૂપે મોટા પાયા પર વિકસતો રહે, પરંતુ દરજીકામની અનિવાર્યતા તો સમાજમાં રહેવાની જ છે. હાલમાં ભારતમાં ત્રીસ લાખ લોકો આ વ્યવસાયમાં છે. આ કામમાં વરસોવરસ વધુ ને વધુ પરિવર્તનો  વૈવિધ્ય ને નવીનતા પણ જોવા મળવાનાં એ સ્પષ્ટ છે.

ધોબી : કપડાં ધોવાનો વ્યવસાય કરનારો. ‘ધોવું’ શબ્દ પરથી ‘ધોબી’ એવું નામ કપડાં ધોવાનો વ્યવસાય કરતી જ્ઞાતિનું પડ્યું. ભારત તથા પાકિસ્તાનમાં હજી આજે પણ આ વ્યવસાય કરનાર લોકો છે.

આમ તો પરંપરાગત અનેક વ્યવસાયો કાળક્રમે લુપ્ત થયા છે, પરંતુ ધોબીનો વ્યવસાય આજના યુગમાં હજી ચાલી રહ્યો છે. ભારતમાં બધાં રાજ્યોમાં ધોબીઓ મળે છે.

સામાન્ય રીતે ધોબીઓ ઘેર ઘેર જઈને ધોવાનાં તેમ જ ઇસ્ત્રીનાં કપડાં લઈ આવે છે. તેમને નિર્ધારિત મુદતમાં ધોઈ-ઇસ્ત્રી કરી તેઓ પરત કરે છે. ધોબી તળાવ કે નદીકિનારે અથવા ઘાટ કે હોજ-કુંડી પાસે જઈને કપડાં ધુએ છે. મોટા સપાટ પથ્થર કે શિલા પર ક્યારેક મેલ કાઢવા માટે કપડાંને છબછબાવે કે પછાડે છે તો ક્યારેક ઘસીને ધોકા મારીને કે બ્રશ કરીને પણ કપડાંનો મેલ કાઢે છે. તે સાબુ, ડિટર્જન્ટ, બ્લીચિંગ પાઉડર વગેરે વાપરીને કપડાંમાંનો મેલ કાઢે છે. તે સાબુ, ડિટર્જન્ટ, બ્લીચિંગ પાઉડર વગેરે વાપરીને કપડાંમાંનો મેલ કાઢે છે. ધોયેલાં કપડાંને નિચોવી-નિખારી નદીની રેતીમાં કે દોરી ઉપર પહોળાં કરીને સૂકવે છે. ધોબી કપડાંની ઓળખ માટે તેમના પર નિશાની પણ કરે છે, જેથી જે તે ગ્રાહકનાં કપડાં અલગ પાડી શકાય. આજના જમાનામાં કેટલાક ધોબીઓ મોટાં વૉશિંગ-મશીનોની મદદથી કપડાં ધોવાનું કામ કરે છે.

મુંબઈમાં મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા ધોબીઘાટ પર ધોબીઓ કપડાં ધુએ છે. ત્યાં કપડાં ધોવાની સિમેન્ટની ચોકડીઓ તથા ટાંકીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળ અને દૃશ્ય જોવા અનેક વિદેશીઓ ત્યાં આવે છે. બ્રિટિશ રાજના સમયે દક્ષિણ મુંબઈમાં ‘ધોબી તળાવ’ નામનું એક તળાવ હતું. ત્યાં સૈનિકોના ગણવેશ ધોવાતા હતા તેથી તેનું નામ એવું પડેલું. અત્યારે ત્યાં તળાવ પૂરી દીધું છે પણ તે વિસ્તાર ‘ધોબી તળાવ’ના નામે ઓળખાય છે.

એક જમાનામાં ધોબીઓ કોલસા ભરેલી વજનદાર ઇસ્ત્રીઓનો ઉપયોગ કરતા હતા, હવે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓનો ઉપયોગ કરે છે.

ભારતમાં ધોબીઓની સૌથી મોટી વસ્તી ઉત્તરપ્રદેશમાં છે. રાજસ્થાનના ધોબીઓ રાજપૂત સમાજમાંથી ઊતરી આવેલા છે. તેમની બિરાદરી પંચાયત તેમનાં વ્યાવસાયિક હિતોની રક્ષા કરે છે અને કોમની અંદરોઅંદર થતી તકરારો અને સમસ્યાઓની પતાવટ કરે છે. હાલમાં ધોબીનું વ્યાવસાયિક મંડળ તેમના ધોલાઈકામ માટેના દર નક્કી કરે છે.

‘ધોબી’ તથા ‘ધોબી-માર્ક’ જેવા શબ્દો હવે ઇંગ્લિશ ભાષાએ પણ અપનાવી લીધા છે.

ધોબીનું પાત્ર આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલું છે. તેથી તે સાહિત્યમાં તેમ જ ચલચિત્રમાં પણ કેટલીક વાર દેખા દે છે.

નૂરજહાંની નિશાનબાજીનો ભોગ ધોબી બન્યો હોય છે અને જહાંગીર તેનો અલ ન્યાય તોળે છે એ વાત જાણીતી છે. વળી રામાયણની કથામાં પણ ધોબીનું પાત્ર રામના જીવનને વિક્ષુબ્ધ કરતું જોવા મળે છે.

મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત શ્રી ગાડગે મહારાજ, તમિળનાડુના અભિનેતા શ્રી આર્ય અને તેલંગણાના રાજનેતા શ્રી ચકાલી ઇલમ્મા ધોબીની જ્ઞાતિના હતા.

પીંજારા : પીંજારા રૂ પીંજવાનું કામ કરે છે અને તે નગરોની ગલીઓ અને ગામડાંમાં હાથબનાવટના કામઠા જેવા તેમના પીંજવાના ઓજાર સાથે ફરે છે. તે ઘાંચી પીંજારા અને મનસૂરી પીંજારા તરીકે પણ ઓળખાય છે. ગામડાંમાં અને શહેરોમાં તે જોવા મળે છે. તેમનો મૂળ વ્યવસાય તો રૂ પીંજવાનો અને સાફ કરવાનો તેમજ તેલીબિયાં પીલવાનો છે. તેલની મિલો શરૂ થતાં ઘાણીઓ મારફત તેલ કાઢવાના તેમના મૂળ વ્યવસાયને સારા એવા પ્રમાણમાં સહન કરવું પડ્યું છે. પીંજારા આર્થિક રીતે ગરીબ છે અને તેમનું જીવનધોરણ નીચું છે. જોકે સમય જતાં તેમનામાંના કેટલાકે શહેરોમાં ગાદલાં વગેરે બનાવવાની દુકાનો ખોલી છે અને મશીનથી પણ રૂ  પીંજવાનું તેમણે શરૂ કર્યું છે. તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. મુસ્લિમ પીંજારાઓને ગુજરાત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સામેલ કરીને તેમના કલ્યાણ માટે જોગવાઈઓ કરી છે.

ભાડભૂંજા : ચણા, જુવાર વગેરે શેકનારી એક જાતિ. તે મોટેભાગે અમદાવાદ, ભરૂચ અને ખેડામાં કેન્દ્રિત થયેલા છે. તેઓ ડાંગરને પલાળી, ખાંડી તથા શેકીને તેમાંથી ધાણી, પૌંઆ અને મમરા બનાવવાનું કામ કરે છે. કેટલાંક નગરોમાં ભાડભૂંજાવાસ પણ હોય છે, જ્યાં તેઓ રહે છે. આ કામ હવે યંત્રથી મોટા પાયા પર અને ઘરમાં પણ નવાં ઉપકરણો દ્વારા થતું હોવાથી ભાડભૂંજાના કામમાં ક્રમશ: બેકારી આવતી જાય છે અને તેમણે અન્ય વ્યવસાયો સ્વીકારવા પડ્યા છે.

માલધારી : માલ એટલે ઢોરઢાંખરને રાખી, ઉછેરી તેના ઉપર ગુજરાન ચલાવનાર. તેનો એક અર્થ જાનવરોના જથ્થાવાળો માણસ  એવો પણ થાય છે. ઢોરઢાંખર ઉપર નભનાર રબારી, ભરવાડ વગેરેનો એમાં સમાવેશ થાય છે. ભરવાડ કોમ લગભગ બધી બાબતોમાં રબારી કોમ જેવી છે. મોટા ભાઈ ભરવાડ અને નાના ભાઈ ભરવાડ એ એમની મુખ્ય પેટા-જ્ઞાતિઓ છે. ગીર, આલેચ અને બરડાના ડુંગરોના ભરવાડને અનુસૂચિત આદિજાતિઓ તરીકે ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં આ ભરવાડ રખડુ જીવન જીવે છે અને ગામ બહાર ખેતરો નજીક ઊભા કરેલા કામચલાઉ પડાવમાં રહે છે. તેઓ એમનાં ઢોર અને કુટુંબનાં સભ્યો સાથે ફરતા રહે છે. રાજ્યના બીજા ભાગોમાં ભરવાડ ઢોર ચરાવવાના હેતુ માટે વર્ષમાં અમુક મહિના માટે હોય, તે સિવાય પોતાના નિયત રહેઠાણથી વારંવાર દૂર જતા નથી. સ્થળાંતરની ટેવને કારણે એમનાં બાળકો અશિક્ષિત – અભણ રહે છે.

‘માલધારી’ કહેતાની સાથે જ સંખ્યાબંધ માલઢોરવાળા; પુષ્કળ પ્રમાણમાં દૂધ-ઘી પૂરાં પાડનાર; બાંકી મૂછો, માથે પાઘડી, શરીરે કેડિયું અને ચોરણીથી શોભતા પુરુષોનો વિચાર આવે. કમભાગ્યે, એક સમયે દૂધ-ઘીની નદીઓ વહેવડાવનારા અનેક માલધારી પરિવારોને અત્યારે ખાવાના સાંસા છે. પછી એ માલઢોર માટે ચારો મેળવવા હજારો કિલોમીટર વિચરતા માલધારી પરિવારો હોય કે ગીર જંગલમાંથી વિસ્થાપિત થયેલા માલધારીઓ.

આખાય એશિયામાં સિંહોની વસ્તી ધરાવનારા સ્થળ તરીકે ગીર જંગલ સુપ્રસિદ્ધ છે. કમનસીબી એ છે કે આજે સિંહોનું સંવર્ધન કરવા માટે જંગલના સંરક્ષક અને સંવર્ધક માલધારીઓને અડચણરૂપ માનવામાં આવે છે અને તેમના ભોગે સિંહોનું સંવર્ધન થઈ રહ્યું હોય એમ જણાય છે.

મોચી : મોચી એક વ્યવસાયી જાતિ છે. તેની જુદી જુદી પેટાજ્ઞાતિઓમાં જણસાલી, સીવણિયા, મ્યાનગર, જીનગર, દસાણિયા, ચામડિયા, ભરતભરા, ચાંદલિયા, સોનારી, આરી-ભરતભરાનો સમાવેશ થાય છે. મોચીકામનો વ્યવસાય અત્યંત નિમ્ન ગણાતો હોવાથી તેમને ગુજરાતમાં અનુસૂચિત જાતિમાં મૂકવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુંબઈ રાજ્ય તેમજ સૌરાષ્ટ્ર રાજ્યમાં ગુજરાતી મોચીઓને અન્ય પછાત વર્ગ તરીકે ગણવામાં આવતા હતા. આ જાતિનો મુખ્ય વ્યવસાય પગરખાં બનાવવાનો છે. જોકે આધુનિક પદ્ધતિએ ફૅક્ટરીઓમાં પગરખાં બનવાને કારણે તેમનો વ્યવસાય મર્યાદિત થતો જાય છે. વળી રબર-ફાઇબર અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ હવે પગરખાં બનાવવામાં થતો હોવાથી તેમને મોટી હરીફાઈનો સામનો કરવો પડે છે. પગરખાં બનાવવામાં બે પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રક્રિયા કરેલાં ચામડાં ઉપયોગમાં લઈને એમાંથી હાથે પગરખાં અને ચંપલો તૈયાર કરવાં અને બીજું, ચામડાં ખરીદીને તેના પર પ્રક્રિયા કર્યા પછી હાથે પગરખાં તૈયાર કરવાં. તેઓ ચંપલ કે બૂટનાં તૈયાર સોલ લાવીને પછી તેને સીવીને પણ પગરખાં બનાવે છે. ગામડાંના કે નાનાં શહેરોના મોચીઓ કરતાં મોટાં શહેરોના મોચીઓનો વ્યવસાય વધુ નફાકારક સાબિત થયેલો છે. પરંપરાગત વ્યવસાય ઓછો નફાકારક અને તીવ્ર હરીફાઈનો સામનો કરતો હોવાની પરિસ્થિતિમાં છે એટલે મોચી કુટુંબો બાળકોને ઉચ્ચશિક્ષણ આપવા તરફ વળ્યાં છે. પરિણામે શિક્ષણ તેઓ માટે ગતિશીલતા અપાવનારું અગત્યનું પરિબળ બન્યું છે.

રબારી : રબારી એક એવી કોમ છે જે મહદ્ અંશે આધુનિક પહેરવેશ અને બીજા રીતરિવાજો અને ટેવોના રંગે રંગાયા વિના પોતાની પરંપરાગત જીવનપ્રણાલી અને વ્યવસાયને વળગી રહી છે. સમગ્ર ગુજરાતમાં તે વસે છે. પરંપરાથી તેમનો મુખ્ય વસવાટ બરડા અને ગિરનારના ડુંગરો અને જૂનાગઢ જિલ્લાના બીજા ભાગોમાં, ઉત્તર ગુજરાતમાં અને રાજ્યમાં અન્યત્ર છે. અમદાવાદ જેવાં શહેરોમાં પણ તે અમુક ચોક્કસ સ્થળોએ સમૂહમાં વસવાટ કરે છે.

રબારીઓ ભોપા, સોરઠિયા ચંપ્યા અને કોડિયાતર તરીકે પણ ઓળખાય છે. તેઓ પોતાનાં કુટુંબ તથા પશુઓ સાથે નાનાં કાચાં-પાકાં ઘરોમાં રહે છે. તેથી એમના રહેઠાણની જગ્યા અનારોગ્યપ્રદ હોય છે. સૌરાષ્ટ્ર વિસ્તારના રબારીઓ ભ્રમણ કરનારા હોય છે. તેઓ પોતાનાં પશુઓને ચરાવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકે છે. પોતાનાં કુટુંબ અને ઘરવખરી સાથે એક ગામથી બીજે ગામ અને રાજ્યની બહાર એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પણ તેઓ વિચરે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં બરડા, ગીર અને આલેચની રબારી કોમોને અનુસૂચિત આદિજાતિઓ તરીકે ગણવામાં આવે છે.

રબારીઓનો વ્યવસાય વારસાગત છે. તેમણે પશુ ઉછેરવાના અને તેમની દેખભાળ કરવાના અને દૂધ વેચવાના ધંધા બાબતમાં જે રીત એમના બાપદાદાઓ અનુસરતા એને જ ચાલુ રાખી છે. જોકે શહેરોમાં સ્થાયી થયેલા રબારીઓનો દૂધ વેચવાનો વ્યવસાય ઘણો વિસ્તૃત અને નફાકારક બન્યો છે. તેઓ સાઇકલ, સ્કૂટર કે રિક્ષાનો ઉપયોગ કરીને દૂધ વેચવાનો ધંધો કરે છે. છેલ્લાં થોડાં વર્ષોથી શહેરોની આસપાસની જમીનો સાચવવાનો તેમજ વ્યાજે પૈસા ધીરવાનો ધંધો પણ તેઓ સફળતાથી કરતા થયા છે. તેમનો સમાવેશ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોમાં કરવામાં આવ્યો છે.

પોતાનાં બાળકોને રબારીઓ નાની ઉંમરે પશુઉછેર અને દૂધ-ઉત્પાદનના વ્યવસાયમાં જોતરી દે છે. શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. છોકરીઓ નિરક્ષર રહી જાય છે અથવા પ્રાથમિક શિક્ષણ માંડ મેળવી શકે છે. વળી ઘણી નાની ઉંમરે બાળકોનાં લગ્ન કરી દેવામાં આવે છે. એ રીતે રબારી કોમમાં બાળલગ્નનું પ્રમાણ નોંધપાત્ર છે. વ્યવસાય, લગ્ન, રીતરિવાજો વગેરે સંદર્ભમાં આ જ્ઞાતિના સભ્યો પર જ્ઞાતિપંચની ઘણી મજબૂત પકડ હોય છે.

વાઘરી : વાઘરીઓ શાકભાજી ઉગાડવાનો અને વેચવાનો, ઘાસ કાપવાનો, દાતણ વેચવાનો અને ઘેર ઘેર ફરીને જૂનાં કપડાંના બદલામાં સસ્તાં વાસણ વેચવાનો વ્યવસાય કરે છે. દાતણિયા, વેડુ વાઘરી, તળપદા વાઘરી, ગમાચિયા વાઘરી, ચીભડિયા વાઘરી વગેરે જેવા જુદા જુદા નામે ઓળખાતા વાઘરીઓનાં અનેક પેટાજૂથો છે. રાજ્યના બધા ભાગમાં તેઓ જોવા મળે છે.

ગુજરાત રાજ્યમાં વાઘરીઓનો વિમુક્ત જાતિઓની યાદીમાં અને કચ્છ જિલ્લામાં અનુસૂચિત જનજાતિ તરીકે સમાવેશ કરાયો છે. અક્ષરજ્ઞાનનું પ્રમાણ ઓછું છે. વાઘરી સ્ત્રીઓ નિરક્ષર ભલે હોય, પરંતુ તેઓ સ્વરોજગાર કરી સ્વાવલંબી જીવન જીવે છે.

વાળંદ : વાળ કાપવાના અને દાઢી બનાવવાના વંશપરંપરાગત વ્યવસાયથી આ કોમ ઓળખાય છે. હિંદુઓમાં સામાન્ય રીતે વાળંદ, નાયી, બાબર તરીકે અને મુસલમાનોમાં નાઈ તરીકે તે ઓળખાય છે. રાજ્યનાં તમામ ગ્રામ અને શહેર વિસ્તારોમાં તે વસવાટ કરે છે. તેમનો મુખ્ય વ્યવસાય વાળ કાપવાનો છે. આજે પણ કેટલેક સ્થળે ગામોમાં કુટુંબ માટે એમની પાસેથી વાર્ષિક ધોરણે સેવા લેવાની અને એમને રોકડમાં અથવા વસ્તુ રૂપે વળતર આપવાની પ્રથા છે. પહેલાં વાળંદો ગામલોકોની શારીરિક સેવાઓ કરતા. તેઓ લગ્ન તેમજ મૃત્યુના પ્રસંગોમાં પણ સેવા આપતા. જૂના વખતમાં વાળંદ વૈદું પણ કરતા. આ પ્રથા હવે ઓછી થતી જાય છે; તેમ છતાં કેટલાંક ગામોમાં તેના અવશેષો આજે પણ જોવા મળે છે. વાળ કાપવાના કામને હલકું ગણવામાં આવે છે. તેથી અન્ય કોઈ જ્ઞાતિના સભ્યો આ કામ કરવા તૈયાર થતા નથી. આ વ્યવસાયને પણ હલકા પ્રકારનો વ્યવસાય ગણવામાં આવ્યો છે. જોકે નાનાં નગરો અને મોટાં શહેરોમાં તેમનાં હૅરકટિંગ સલૂનો તેમને ઠીક ઠીક કમાણી કરાવી આપે છે. પહેલાંના કરતાં શિક્ષણનું પ્રમાણ પણ તેમનામાં વધતું ગયું છે અને તેઓ ઉચ્ચશિક્ષણનો પણ લાભ લેતા થયા છે.

જૂના મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્યમાં વાળંદને અન્ય પછાત વર્ગોમાં ગણવામાં આવતા હતા. મુસ્લિમ બાર્બર એટલે કે વાળંદમાં હિંદુ વાળંદ જેવાં જ લક્ષણો જોવા મળે છે અને તે ખલીફા તરીકે પણ ઓળખાય છે. તેઓ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાય છે.

સફાઈકામદાર : ગુજરાતમાં અનુસૂચિત જાતિમાં વણકર, ચમાર અને ત્યારબાદ કોટિક્રમમાં સૌથી નીચે ભંગીનો સમાવેશ થાય છે. ગામ અને શહેરમાં તેમનો મુખ્ય વ્યવસાય સફાઈકામનો છે. અંગ્રેજી અમલ દરમિયાન શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે વિકસેલાં કસબાઓ અને નગરોમાં ડબ્બાવાળાં જાજરૂ(dry latrins)ના વપરાશની સાથોસાથ ભંગી જ્ઞાતિના સભ્યોને આ સફાઈકામ મળવા લાગ્યું. એ રીતે તેઓ માથે મેલું ઉપાડીને લઈ જવાના કામમાં જોતરાવા લાગ્યા. વ્યવસાય અને જ્ઞાતિ વચ્ચેનો આ સંબંધ આજે પણ અતૂટ રહ્યો છે. કાયદો હોવા છતાં આજે પણ કેટલેક ઠેકાણે માથે મેલું ઉપાડવાની અમાનવીય પ્રથા ગુજરાતમાં અને અન્યત્ર ચાલુ રહી છે.

સફાઈકામ કરનાર ભંગીઓ હલાલખોર, ચોલગાણા, બારબસિયા, મેતરિયા અને મેલા તરીકે પણ ઓળખાતા રહ્યા છે. 1991ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ સફાઈ-કામદારોમાં 85 % ભંગી જ્ઞાતિના હતા. સફાઈ-કામદારોમાં સામાન્ય રીતે કામના સ્વરૂપને આધારે બે પ્રકારો જોવા મળે છે : પ્રથમ પ્રકારમાં એવા કામદારો છે જે રસ્તાઓ, રહેઠાણો, કારખાનાં, હૉસ્પિટલો તેમજ જાહેર અને ખાનગી જાજરૂઓની સફાઈ કરે છે. વળી તેઓ મરેલાં ઢોર ઉપાડીને લઈ જાય છે. બીજા પ્રકારના કામદારો સામાન્ય રીતે પ્રવાહી ગંદકીની સફાઈમાં રોકાયેલા હોય છે. તેમાં ગટર સાફ કરનારા કામદારોનો સમાવેશ થાય છે. 1981ની ગુજરાતની આંકડાકીય માહિતી તપાસીએ તો રાજ્યમાં ભંગી જ્ઞાતિમાં મુખ્ય કામ કરનારા પુરુષોમાં પ્રતિ હજાર કામદારોમાં 698 પુરુષો સફાઈ-કામદારો હતા, જ્યારે પ્રતિ હજાર સ્ત્રીઓમાં આ સંખ્યા 911ની હતી. અમદાવાદ જિલ્લામાં ભંગીઓમાં 80 % પુરુષ-કામદારો છે અને સફાઈ-કામદારોમાં 93 % સ્ત્રી-કામદારો છે. સફાઈકામ કરનારાઓમાં નિરક્ષરતાનું પ્રમાણ મોટું છે.

સરાણિયા : સરાણિયાઓનો પરંપરાગત વ્યવસાય છરી-ચપ્પાંને ધાર કાઢવાનો છે. તેઓ રાજ્યના લગભગ દરેક નગર અને ગામમાં પોતાની હાથ-ગરગડી અને સરાણ સાથે ફરતા અને ગ્રાહકોને તેમનાં છરી-ચપ્પાં સજાવવાની હાકલ કરતા નજરે પડે છે.

આ ફરતી કોમ છે. તેઓ હથિયારો અને સૂડી, કાતર જેવાં ઓજારોને પાણી ચડાવવાનો – સજવાનો ધંધો કરે છે. મધ્યકાલીન યુગમાં જ્યારે હાથોહાથની લડાઈઓ હતી ત્યારે તલવાર, ભાલા, જમૈયા, ખંજર વગેરે સજવાનો તેમનો ધીકતો ધંધો હતો. સમયનાં વહેણ સાથે તેમનો ધંધો પડી ભાંગ્યો છે.

તેઓ સામાન્ય રીતે માટીનાં નાનાં કે ઝૂંપડાં જેવાં ઘરોમાં રહે છે. કામ માટે એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. એમનામાંથી ઘણા આજે પણ લગભગ અસ્થાયી જાતિને મળતા આવે છે. તૈયાર છરી-ચપ્પાં ખરીદવાની ફૅશન અને ધાર કઢાવવા તરફના ઓછા થતા વલણે હવે સરાણિયાના વ્યવસાય માટે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. પરિણામે આ ધંધાથી પોતાનો નિર્વાહ ન ચલાવી શકનાર સરાણિયાને પરચૂરણ મજૂરી કરવી પડે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ જાતિ હિંદુ તેમજ મુસ્લિમ બંનેની બનેલી છે. સરાણિયાઓને ગુજરાત રાજ્યમાં અસ્થાયી જાતિ તરીકે ગણવામાં આવ્યા છે. રાજ્યના કેટલાક ભાગોમાં તેઓ શિકલગીર તરીકે પણ જાણીતા છે. હિંદુ અને મુસ્લિમ બંને સરાણિયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે.

સરૈયા : અત્તર વગેરે ખુશબોદાર વસ્તુઓ વેચનાર. આ નામની જાતિ પણ છે. ભૂતકાળમાં તેમને ‘સુરહિયા’ પણ કહેવામાં આવતા. શહેરના જે લત્તામાં સરૈયા લોકો વસતા હોય તેને સરૈયાવાડ પણ કહેવામાં આવે છે. પરંપરાગત રીતે સરૈયો છેડાતાર ભેગા કરી તેમાંથી રૂપું કે સોનું કાઢી લેવાનો વ્યવસાય કરતા હતા. આ કામ કરનાર સાધારણ રીતે મેમણ હોય છે. પહેલાં ગણિકાના અઢાર સહાયકોમાંના એક સહાયક તરીકે સરૈયા હતા.

સલાટ : પથ્થર ઘડવાનો વ્યવસાય કરનાર. વાસ્તુવિદ્યાને ચોસઠ કળાઓમાંની એક કળા કહે છે. તેમાં પથ્થર ઘડવા ઉપરાંત મૂર્તિઓ બનાવવાનું કામ પણ હોય છે. ઝાલાવાડના સલાટ ભૂતકાળમાં સોમપુરા બ્રાહ્મણ હતા એમ કહેવાય છે. રાજાશાહીના સમયમાં ગુપ્ત દ્વારો, ગુપ્ત ભોંયરાં, ગુપ્ત ધનભંડારો અને મૂર્તિઓ બનાવવાનું કામ સલાટો કરતા હતા. ખાસ કરીને હિંદુ અને જૈન ધર્મમાં વર્તમાન સમયમાં મંદિરો બનાવવામાં, મંદિરોના જીર્ણોદ્ધારમાં તેમની કળા ઉપયોગમાં લેવાય છે. આ જાતિ સોમપુરા સલાટનો અપવાદ કરતાં ગરીબ છે. તેઓ ઘંટીના પથ્થર વેચવાનું અને પથ્થર ટાંકવાનું કામ કરે છે. સલાટોમાં ઘેરા સલાટ નામની એક પેટાજાતિ છે. ગુજરાત રાજ્યની અસ્થાયી જાતિઓની યાદીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘેરા સલાટો ઘંટીના પથ્થર ટાંકવા માટે પોતાનાં કુટુંબો સાથે એક ગામથી બીજે ગામ ફરતા રહે છે. તે સામાન્ય રીતે ગામ કે નગરની બહાર ઝૂંપડાં બાંધીને રહે છે અને પથ્થર ટાંકવાનું કામ કરે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનની ટકાવારી પાંચ ટકાથી પણ ઓછી છે. સલાટો અને ઘેરા સલાટો બંને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે.

સોમપુરા લોકો પણ સોમપુરા સલાટ કહેવાય છે; પરંતુ તેમને બ્રાહ્મણ ગણવામાં આવતા હોવાથી અને તેમની આર્થિક સ્થિતિ સારી હોવાને કારણે એમનો સમાવેશ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની યાદીમાં કરવામાં આવ્યો નથી.

સંઘાડિયા : સંઘાડાથી લાકડા અને હાથીદાંત વગેરેના ઘાટ ઉતારનારા લોકો. સંઘાડો ચલાવનાર વ્યક્તિ તે ખરાદી. સંખેડાના સંઘાડિયાઓનો વ્યવસાય પેઢી દર પેઢી ચાલ્યો આવે છે અને તેમણે બનાવેલ રાચરચીલું અત્યંત સુંદર હોય છે. દેશ અને વિદેશમાં તેમના આ પરંપરાગત આકારો અને ડિઝાઇનની માંગ પણ છે. એવું કહેવાય છે કે તેઓ પોતાનો ધંધો પોતાની દીકરીઓને શીખવા દેતા નથી, કારણ કે તેમનાં હુન્નર અને કારીગરી પોતાના વેવાઈના કુટુંબમાં જતાં રહે એવી દહેશત તેઓ સેવતા હોય છે.

સુથાર : ‘સુથાર’ શબ્દ ‘સૂત્રધાર’માંથી બન્યો છે. તેઓ મોટે ભાગે શહેરો અ મોટાં ગામોમાં વસેલા હોય છે. તેમનામાં છ પેટા જ્ઞાતિઓ પ્રચલિત છે – પિઠવા, ગુજ્જર, મેવાડા, પંચોલી, મારવાડી અને વૈશ્ય. ગુજ્જર, મેવાડા, પંચોલી અને વૈશ્ય પોતાને વિશ્વકર્માના વંશજ કહેવડાવે છે. જ્યારે મારવાડી અને પિઠવા પોતાને રાજપૂત ગણાવે છે. વૈશ્ય અને મેવાડા સુથારો જનોઈ ધારણ કરે છે. તેમની વગ્નવિધિ બીજા હિંદુઓ જેવીજ હોય છે. વૈશ્ય અને મેવાડા સિવાયના સુથારોમાં છૂટાછેડા અને વિધવા-વિવાહની છૂટ અપાઈ છે. ધર્મ પરત્વે સુથારો પ્રણામીપંથ, રામાનંદી, શૈવ, સ્વામિનારાયણ અ પુષ્ટિમાર્ગને અનુસરતા જણાય છે.

હાડવૈદ્ય : ઊતરી ગયેલાં અને ભાંગેલાં હાડકાંને બેસાડનાર, સાંધવાનું કામ કરનાર તથા દવા આપનાર વૈદ્ય.

માનવશરીરમાં બીજાં તંત્રો તથા અવયવોની જેમ અસ્થિતંત્ર અને તેના હાડકામાં પણ ઈજા, ઘસારો, રોગ, કુપોષણ વગેરે તકલીફો થાય છે. ક્યારેક જન્મજાત વિકૃતિઓ પણ નડે છે. જ્યારે આવી તકલીફોને કારણે શરીર બરાબર કામ ન કરી શકે અથવા પીડા થાય ત્યારે હાડવૈદ્ય દેશી પદ્ધતિથી તેની ચિકિત્સા કરે છે. ઉપચાર કરનાર હાડવૈદ્ય હાડકાંની રચના, કાર્ય તથા તેના સંકલન વિશે ઉપયોગી જાણકારી ધરાવે છે. તે વ્યક્તિના ઈજાવાળા ભાગની યોગ્ય તપાસ કરી તેનું હલનચલન કરાવી હાડકાની ખામી વિશે જાણી શકે છે.

અસ્થિભંગના અનેક પ્રકારો હોય છે : અસ્થિને લાગતી સામાન્ય ચોટ (ઈજા), અસ્થિમાં પડતી સાદી તિરાડ કે વધુ તિરાડો, અસ્થિ ભાંગીને બે કટકા થઈ ગયા હોય અથવા તો તે ભારે આઘાતથી છૂંદાઈ ગયું હોય. સામાન્ય ઈજામાં હાડવૈદ્ય બહારથી ઔષધિલેપ લગાડી પાટો બાંધે છે અને મોં વાટે લેવા પીડાશામક ટીકડી આપે છે. વળી ચેપને કારણે હાડકાને તકલીફ હોય તે ચેપનિવારક ઔષધિ આપે છે, જ્યારે દર્દીને હાડકામાં મોટી તિરાડ કે અનેક તિરાડો પડે ત્યારે હાડવૈદ્ય લેપ લગાડી, જરૂરિયાત પ્રમાણે પૂંઠાં કે ખપાટિયાં મૂકી હાડકાના તૂટેલા ભાગોને બેસાડી, સ્થિર કરી, બહારથી તેને ટેકો આપવા માટે પાટો બાંધે છે. હાથપગને યોગ્ય વળાંકે રાખવા ઝોળીનો ઉપયોગ કરાય છે અથવા ભાર લટકાવવાની વ્યવસ્થા થાય છે. તેને લીધે હાડકાં સંધાવા માંડે છે. કેટલીક વાર હાડકું ભાંગે ત્યારે આડુંઅવળું ખસી જાય છે. હાડવૈદ્ય આવા હાડકાને ખેંચીને યથાસ્થાને સરખી રીતે ગોઠવી તેના પર પાટો બાંધી દે છે. થોડા સમયમાં હાડકું સંધાઈ જાય છે.

સમય જતાં તબીબી વિજ્ઞાનમાં નવી નવી શોધો થવા માંડી. તબીબો ક્ષ-કિરણોની છબી વડે અસ્થિભંગની વિગતો જાણી શલ્યકર્મ કરીને ઉપચાર કરે છે. કેટલાક ખરાબ થઈ ગયેલા સાંધા બદલી પણ શકે છે. આધુનિક ઉપચારપદ્ધતિ મોંઘી હોય છે, પણ તેમાં ખૂબ ચોકસાઈ હોય છે. આથી હવે પરંપરાગત પદ્ધતિથી સારવાર કરનારા હાડવૈદ્યોની સંખ્યા ઓછી થતી જાય છે અને તેઓનું કામ પણ ઓછું થતું જાય છે.

હીરાઘસુ : ભારતમાં વારસાગત કલા તરીકે હીરાને પહેલ પાડવાની કલા વર્ષોથી પ્રતિષ્ઠિત થઈ છે. વળી જ્યાં હીરાની ખાણો હતી ત્યાં જ તે વિકાસ પામી હતી. ભારતમાં મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ખીણોમાંથી હીરા મળી આવતા હતા. ભારતમાં આ ઉદ્યોગ મૂળ તો આઠમી સદીથી જાણીતો હતો. આઠમીથી તેરમી સદી દરમિયાન ભારતના પહેલ પડાયેલા હીરા વેનિસ થઈ બીજે વેચાવા જતા. લંડન, ઍમ્સ્ટર્ડમ, ઍન્ટવર્પ વગેરે સ્થળે હીરાને પહેલ પાડવાની કળાનો વિકાસ થતાં ભારતીય કળાનું સ્થાન ગૌણ બન્યું. બનારસમાં બસો વર્ષ પહેલાં હીરાને પહેલ પાડવાનું કામ થતું હતું. ત્યાં પેઢી દર પેઢી આ કળા જાળવી રાખનાર કુટુંબો જોવા મળે છે. ગુજરાતમાં ચાર-પાંચ દાયકા પહેલાં સૂરત અને નવસારીમાં હીરા ઘસવાનો ઉદ્યોગ નાના પાયા પર સ્થપાયો હતો. આજે આ ઉદ્યોગ સૂરત, નવસારી, ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને રાજ્યનાં અનેક નાનાં-મોટાં નગરોમાં વિકસી ચૂક્યો છે.

 મહદ્ અંશે પોતાના કુટુંબને વતનમાં છોડીને આવેલા સ્થળાંતરિત કારીગરો આ ઉદ્યોગમાં જોવા મળે છે.

ગૌરાંગ જાની

દશરથલાલ ગૌરીશંકર વેદિયા

અંજના ભગવતી