પત્રસાહિત્ય
પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે.
પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં છે. લૅટિનમાં વાગ્મિતાના આચાર્યોએ પત્રના મુખ્યત્વે બે પ્રકાર ગણાવેલા : (1) અંગત અને (2) બિનઅંગત એટલે કે વ્યવહારલક્ષી. વળી ત્રીજા પત્રપ્રકારને પણ ધ્યાનમાં લઈ શકાય, જે કોઈ વ્યક્તિવિશેષને કે છાપાના તંત્રીને પ્રસિદ્ધ કરવા માટે લખાયો હોય.
પ્રશિષ્ટ સાહિત્યની પરંપરા સાથે પત્રસાહિત્યની ચર્ચાવિચારણા પ્રસંગોપાત્ત થતી રહી છે. પશ્ચિમના સાહિત્યમાંથી પત્રરચના વિશેના સંખ્યાબંધ આલેખો મળી રહે છે. ખાસ કરીને યુરોપમાં મધ્યકાલીન યુગમાં લેખનકલાના ગ્રંથોમાં પત્રોની લખાવટ વિશેનાં સલાહસૂચનો વિગતે પ્રાપ્ત થાય છે. વાગ્મિતાના આ આચાર્યોના કહેવા પ્રમાણે પત્ર લખવા માટે ઔચિત્યનો વિચાર હંમેશાં કરવાનો રહે છે. તેમાં નૈસર્ગિક મોકળાશ ઇષ્ટ ખરી, પરંતુ વધુ પડતી વાચાળતા કે હળવાશ તો વર્જ્ય જ. વળી શુષ્કતા કે આડંબર, વધુ પડતી તટસ્થતા કે લાગણીવશતા પત્રમાં અનિચ્છનીય. જમાનાની આગેકૂચ સાથે, પત્રલેખનના આદર્શો પણ બદલાતા રહ્યા છે. અર્વાચીન યુગમાં 19મી સદીમાં અંગ્રેજ લેખક લિટન સ્ટ્રેચી(1880-1932)એ પત્ર વિશેનો પોતાનો ખ્યાલ રજૂ કરતાં જણાવ્યું કે પત્રનો મૂળ હેતુ નથી તો માહિતી પૂરી પાડવાનો કે નથી મનોરંજન પૂરું પાડવાનો. એનો મુખ્ય હેતુ તો હોય લખનારના વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરવાનો જ. આ ખ્યાલને પછી સારું સમર્થન મળતું રહ્યું અને એને પુષ્ટ કરે એવું સમૃદ્ધ પત્રસાહિત્ય એક કરતાં વધુ કલમો પાસેથી મળ્યું. તેમાં દિદેરો, રૂસો, બાયરન, ફ્લૉબેર જેવાઓનો નિર્દેશ કરવો જોઈએ. પત્રસાહિત્યનો અભ્યાસ અનેક દૃષ્ટિબિંદુઓથી, અનેકશાસ્ત્રીય ભૂમિકાએથી થઈ શકે. ઓગણીસમી સદીના ઇંગ્લિશ લેખકોમાં થૅકરે, જ્યૉર્જ એલિયટ કે હેન્રી જેમ્સ જેવી પ્રતિભાઓની કલમે લખાયેલા વિપુલ પત્રસાહિત્યનો વિગતપૂર્ણ અને વસ્તુનિષ્ઠ દૃષ્ટિએ અભ્યાસ થયો છે.
પત્રસાહિત્ય જે તે સમયના મિજાજની સાક્ષી રૂપે એકથી વધુ રીતે ઉપયોગમાં આવે છે. આમ 1422-1509 વચ્ચે લખાયેલા ‘પાસ્ટન લેટર્સ’ આમ તો તે સમયના એક જ કુટુંબની વિવિધ પેઢીઓ દરમિયાન થયેલી પત્રોની આપ-લેનો સંગ્રહ છે, પણ તત્કાલીન ઇંગ્લૅન્ડનાં નૉરફોક પરગણા વિશેની વિપુલ માહિતી તેમાંથી મળી રહે છે. એ રીતે તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. પાસ્કલ કે વૉલ્તેરના પત્રો તત્કાલીન ફ્રાન્સના વૈચારિક પ્રવાહો વિશે કહી જાય છે. એ જ રીતે એડમન્ડ બર્કના પત્રોમાં રાજકીય કે કાર્ડિનલ ન્યૂમૅનના પત્રોમાં ધાર્મિક વલણો અને વાતાવરણ પડઘાય છે. વીસમી સદીના સાહિત્યકારોમાં પ્રૂસ્ત, જીદ ઉપરાંત ડી. એચ. લૉરેન્સ જેવી પ્રભાવક પ્રતિભાઓને પણ પત્રસાહિત્યના સંદર્ભમાં વિશેષભાવે યાદ કરવી જોઈએ.
ભારતીય પત્રસાહિત્ય : આત્મકથાસાહિત્યની જેમ પત્રપ્રકાશનની પરંપરા બ્રિટિશ યુગ પહેલાં અસમિયા ભાષામાં નહોતી, પરંતુ સ્વાતંત્ર્ય પછી લક્ષ્મીનાથ બેઝબરુઆના પત્રોનો એકમાત્ર સંચય ‘પત્રલેખા’ 1968માં મહેશ્વર નિયોગ દ્વારા સંપાદિત થયો છે.
પત્રસાહિત્ય જીવનચરિત્ર સાથે ઘણો નિકટનો સંબંધ ધરાવે છે. સાહિત્યકારો માત્ર અંગત વ્યવહારસંપર્ક માટે જ નહિ; પરંતુ જીવન અને કલા અંગેનાં પોતાનાં વિવિધ મંતવ્યો અને ખ્યાલોને વ્યક્ત કરવા માટે પણ પત્રોનો આશ્રય લે છે. એ રીતે અનેક લેખકોએ વાસરીસ્વરૂપમાંય પત્રો લખ્યા છે.
ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર (1820-1891), મધુસૂદન દત્ત (1824-1873) અને દેવેન્દ્રનાથ ટાગોર (1817-1905) અર્વાચીન બંગાળી સાહિત્યના શરૂઆતના આ ત્રણેય લેખકોના પત્ર સચવાયા છે. વિદ્યાસાગરે મિત્રો અને સંબંધીઓને ઉત્કૃષ્ટ ગદ્યમાં અનેક પત્રો લખ્યા છે. તેમાંનો ઠીક ઠીક ભાગ ઇન્દ્રમિત્રના ‘કરુણાસાગર વિદ્યાસાગર’માં પ્રકાશિત થયો છે. મધુસૂદન દત્તના ઘણાખરા પત્રો અંગ્રેજીમાં છે, જેમાં તેમના વ્યગ્ર ચિત્તનો હૃદયવેધક ચિતાર રજૂ થયો છે. દેવેન્દ્રનાથ ટાગોરના પત્રો ખાસ સાહિત્યિક મૂલ્ય ધરાવતા નથી; પરંતુ તે જમાનાની સામાજિક આર્થિક માહિતી પૂરી પાડે છે.
સ્વામી વિવેકાનંદ (1862-1902) એક અઠંગ પત્રલેખક છે. 1888થી 1902 સુધીમાં બંગાળીમાં લખાયેલા તેમના 552 પત્રો મળ્યા છે. વળી તેમણે પત્રસ્વરૂપે પ્રવાસડાયરી લખેલી, જે ‘પરિવ્રાજકેર ડાયરી’ તરીકે જાણીતી છે.
કવિ નવીનચંદ્ર સેને (1846-1909) ‘પ્રવાસેર પત્ર’માં તેમના આંતરવ્યક્તિત્વનો સાક્ષાત્કાર કરાવ્યો છે. દ્વિજેન્દ્રલાલ રૉયે (1863-1913) ‘બિલાતેર પત્ર’માં ઇંગ્લૅન્ડમાં વિદ્યાર્થી તરીકે પોતાને થયેલા અનુભવોનું અનૌપચારિક શૈલીમાં બયાન કર્યું છે.
રવીન્દ્રનાથ ટાગોરે (1841-1941) પત્રોનો સમૃદ્ધ સાહિત્યવારસો આપ્યો છે. તેમણે આત્મકથાના મુકાબલે પત્રોમાં પોતાના વિશેની ઘણીબધી વિગતો પ્રગટ કરી છે. વિશ્વભરની અનેક વ્યક્તિઓને લખાયેલા તેમના પત્રોનું અનેક ગ્રંથોમાં સંપાદન-પ્રકાશન થયું છે. રવીન્દ્રનાથ ટાગોર જે પત્ર મેળવતા તેનો પ્રત્યુત્તર પોતે પોતાના હસ્તાક્ષરમાં જ આપતા અને આવું પત્રલેખનનું કાર્ય તેમણે જીવનના અંતિમ તબક્કા સુધી કર્યું હતું. બંગાળી સાહિત્યમાં ટાગોરના ‘છિન્નપત્ર’નું વિશિષ્ટ સ્થાન છે. તેમનો બીજો પત્રસંગ્રહ છે ‘ભાનુસિંહેર પત્રાવલી’. એમાં 14 વર્ષની કન્યાને ઉદ્દેશીને લખાયેલા પત્રો છે. વિશ્વપ્રવાસી ટાગોરના અનેક અનુભવ પત્ર અને ડાયરીમાં ઊતર્યા છે; જેમ કે, ‘યુરોપપ્રવાસીર પત્ર’, ‘બિલાતજાત્રીર પત્ર’, ‘જાત્રી’, ‘પર્શિયાભ્રમણ’, ‘જાપાનજાત્રી’, ‘રશિયાર ચિઠ્ઠી’ વગેરે. મિત્રો અને સંબંધીઓને લખેલા પત્રો ‘ચિઠિપત્ર’ નામે વિશ્વભારતી દ્વારા પ્રકાશિત થયા છે. અજાણ્યા લોકોએ પૂછેલા પ્રશ્નોના જવાબો આપવા પણ ટાગોરે પત્રો લખ્યા છે. આવા પત્રોમાં પણ તેમની સર્જનાત્મક દૃષ્ટિશૈલીનો સ્પર્શ જોવા મળે છે. આ ઉપરાંત પ્રમથનાથ ચૌધરી (18681946), શરતચંદ્ર ચૅટરજી (18761938), ‘તીર્થંકર’ના લેખક દિલીપકુમાર રૉય, ‘સૂર ઓ સંગતિ’ના લેખક ધૂર્જટિપ્રસાદ મુખર્જી, તથા ‘પત્રસ્મૃતિ’ના પરિમલ ગોસ્વામી બંગાળી પત્રસાહિત્યને સમૃદ્ધ કરનારા અન્ય સાહિત્યકારો છે.
હિંદી ભાષામાં જાયસી, કબીર, સૂર, તુલસી, મીરાં જેવાંના કાવ્યસાહિત્યમાંથીયે પત્રલેખનના સગડ પ્રાપ્ત થાય છે; પરંતુ આજની રીતનું પત્રસાહિત્ય તો ભારતેન્દુ, પ્રસાદ, પંત, નિરાલા, મહાદેવી વર્મા, નવીન, રાહુલ, માખનલાલ ચતુર્વેદી, રામચન્દ્ર શુક્લ જેવા સાહિત્યકારો પાસેથી મળે છે.
સૌથી પહેલું હિન્દી પત્રપ્રકાશન મહાત્મા મુનશીરામ(પાછળથી સ્વામી શ્રદ્ધાનંદને નામે જાણીતા)નું સ્વામી દયાનંદને ઉદ્દેશીને લખાયેલા પત્રો વિશેનું મળે છે. એ પછી ભાગવત દત્તનો ‘ઋષિ દયાનંદ કા પત્રવ્યવહાર’, ત્યારબાદ ‘વિવેકાનંદ પત્રાવલી’ તથા માંડલે જેલમાંથી લખેલા સુભાષચન્દ્ર બોઝના 153 પત્રોનો સંગ્રહ મળે છે. જવાહરલાલ નહેરુના અંગ્રેજી પત્રોનો પ્રેમચંદે કરેલો અનુવાદ ‘પિતા કે પત્ર પુત્રી કે નામ’ 1931માં પ્રયાગથી પ્રગટ થયો. વળી શાંતિપ્રિય આત્મારામ દ્વારા ‘આલમગીર કે પત્ર’ નામનો ઐતિહાસિક પત્રસંચય 1931માં વડોદરાથી પ્રકાશિત થયો. આ ઉપરાંત જે અનેક પત્રસંગ્રહો પ્રગટ થયા તેમાં ધીરેન્દ્ર વર્માનો ‘યુરોપ કે પત્ર’, ચંદ્રશેખરનો ‘સ્ત્રી કે પત્ર’, ભદંત આનંદ કૌસલ્યાયનનો ‘ભિક્ષુ કે પત્ર’ (બે ભાગમાં), ‘પ્રેમચંદજી કે પત્ર’ (1948), ‘વિવેકાનંદ કે પત્ર’ (નાગપુર, 1948), વૃજ મોહનલાલ વર્માનો ‘લંડન કે પત્ર’ (મુંબઈ, 1954), કિશોરીદાસ વાજપેયીનો ‘સાહિત્યિકોં કે પત્ર’ (કનખલ, 1958) અત્રે ઉલ્લેખનીય છે.
આધુનિક હિન્દી સાહિત્યના પિતા ભારતેન્દુ સંવેદનશીલ પત્રલેખક હતા. પ્રતાપનારાયણ મિશ્રા અને બાલમુકુન્દ ગુપ્તા પણ હિન્દી સાહિત્યના અદ્વિતીય પત્રલેખક ગણાયા છે. મહાદેવપ્રસાદ દ્વિવેદી પોતે જ ‘સરસ્વતી’ નામના સામયિકના તંત્રી હતા. તેમણે અનેક પત્રો લખ્યા છે અને મેળવ્યા છે. સાહિત્યના દૃષ્ટિકોણથી વિચારીએ તો દ્વિવેદીના પત્રો ખૂબ અગત્ય ધરાવે છે. બૈજનાથસિંહ વિનોદે દ્વિવેદીના મહત્ત્વના પત્રોનું ‘દ્વિવેદી પત્રાવલી’ (1954) અને ‘દ્વિવેદીયુગ કે સાહિત્યકારોં કે કુછ પત્ર’(1958)ને નામે સંપાદન કર્યું છે.
આચાર્ય દ્વિવેદી અને પદ્મસિંઘ શર્માની જેમ મુનશી પ્રેમચંદ પણ હિન્દી પત્રસાહિત્યમાં અગત્યનું સ્થાન ધરાવે છે. તેમના નાના પુત્ર અમૃતરાયે ‘ચિઠ્ઠીપત્રી’ (બે ભાગ) નામે પત્રસંગ્રહ પ્રકાશિત કર્યો છે, જે તેમાં છતી થતી પ્રેમચંદજીના વ્યક્તિત્વ અને સાહિત્યિક સર્જનાત્મકતાની વિશિષ્ટતાને કારણે રસપ્રદ છે.
1960માં વિયોગી હરિએ ‘બડોં કે પ્રેરણાદાયી કુછ પત્ર’ પ્રકાશિત કર્યા, જેમાં 1932થી 1955 સુધીમાં તેમના પર લખાયેલા ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, ઠક્કરબાપા, વિનોબા ભાવે અને પુરુષોત્તમદાસ ટંડનના પત્રો છે. આ જ વર્ષે કવિ સુમિત્રાનંદન પંતના 126 પત્રોનો સંગ્રહ ‘કવિયોં મેં સૌમ્ય પંત’ પણ પ્રગટ થાય છે.
1965માં પ્રગટ થયેલા ‘મુક્તિબોધસ્મૃતિ’માં પ્રસિદ્ધ લેખકો દ્વારા મુક્તિબોધને લખાયેલા પત્રોનો સંગ્રહ છે. હજારીપ્રસાદ દ્વિવેદીની ષદૃષ્ટિપૂર્તિ પ્રસંગે વિવિધ સાહિત્યકારોએ લખેલા પત્રોનો સંગ્રહ ‘શાંતિનિકેતન સે શિવાલિક’ (1962) નામના ષદૃષ્ટિપૂર્તિગ્રંથમાં મળે છે.
કેટલીક ખ્યાતનામ સાહિત્યિક સંસ્થાઓએ અને ઉત્સાહી સાહિત્યકારોએ કેટલાક નોંધપાત્ર સાહિત્યકારોના પત્રો સંપાદિત કર્યા છે; જેમ કે, ‘બંદી કી ચેતના’ (1962 – કમલાપતિ ત્રિપાઠી), ‘બાપૂ કે પત્ર’ (કાકા કાલેલકર), ‘અઠારહવીં સદી કે હિન્દી પત્ર’ (1970 – કે. એસ. કેળકર), ‘ફાઇલ ઔર પ્રોફાઇલ’ (1970 – ઉગ્ર), ‘બચ્ચન-પત્રો મેં’ (1970 – જીવનપ્રકાશ જોશી), ‘બનારસીદાસ ચતુર્વેદી કે પત્ર’ (1971 – સં. જાનકીવલ્લભ શાસ્ત્રી), ‘પંત કે દો સૌ પત્ર બચ્ચન કે નામ’ (1971 – સં. બચ્ચન) વગેરે.
હિન્દી સાહિત્યકારો સિવાય શરતચંદ્ર, શ્રી અરવિંદ, રવીન્દ્રનાથ, ગાલિબ વગેરેના પત્રસંગ્રહો અનુવાદ રૂપે પ્રકાશિત થયા છે; જેવા કે, ‘શરતપત્રાવલી’, ‘શ્રી અરવિંદ કે પત્ર’, ‘મિત્ર કે નામ પત્ર’ ‘ગાલિબ કે પત્ર’ વગેરે.
મરાઠી પત્રસાહિત્યનો ઇતિહાસ તેરમી સદીથી શરૂ થાય છે. એક કિંવદન્તી મુજબ ચંગા વાટેશ્વરે (ચાંગદેવે) કાગળ જ્ઞાનેશ્વરને લખીને મોકલવાને બદલે કોરો મોકલ્યો, જેના પર પછી ‘ચાંગદેવપ્રશસ્તિ’ લખાયું.
જૂના જમાનાના પત્રો ‘કાવ્યેતિહાસ સંગ્રહ’, ‘શાહુ અને પેશવા રાજકીદાસ’, ‘મરાઠ્યાંચી ઇતિહાસાતીલ સાધને’, ‘ઐતિહાસિક લેખસંગ્રહ’, ‘પેશ્વે દફતર’, ‘ઐતિહાસિક પત્રવ્યવહાર’; ‘ઐતિહાસિક સંકીર્ણ સાહિત્ય’, ‘શિવચરિત્ર સાહિત્ય’ જેવાં સંપાદનોમાં મળે છે. મરાઠીમાં એ રીતે ભૂતકાળના આશરે 60,000 પત્રોનું પ્રકાશન થયું છે.
સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા પત્રો શરૂઆતમાં સામયિકોમાં પ્રકાશિત થતા હતા. આ પત્રોની સાહિત્યિક ગુણવત્તા પણ ઊંચી રહેતી. આ પ્રકારના પત્રો સંદર્ભે બાળશાસ્ત્રી જાંભેકરનું નામ ઉલ્લેખનીય છે. સાહિત્યના આ પ્રકારમાં સૌથી મહત્ત્વનો ફાળો હરિભાઉ મોરેનો છે, જેમણે ઘણા પત્રોનું સંકલન અને સંપાદન કરી ‘વિશ્રબ્ધ શારદા’ના બે ગ્રંથો પ્રકાશિત કર્યા. આ પત્રો 1817થી 1972ના ગાળામાં જુદા જુદા સમાજસુધારકો, રાજકારણીઓ, ઇતિહાસકારો, સંશોધકો, સાહિત્યકારો, સંપાદકો, કલાકારો, નાટ્યલેખકો, સંગીતકારો, સ્થપતિઓ, કેળવણીકારો વગેરેએ લખેલા છે. પ્રથમ ખંડમાં એમ. જી. રાનડે, પંડિતા રમાબાઈ, વિષ્ણુશાસ્ત્રી શિવાજીરાવ ગાયકવાડ, શાહુ છત્રપતિ, વિઠ્ઠલ રામજી શિંદે, બાબાસાહેબ આંબેડકર, એન. સી. કેળકર, સેનાપતિ બાપટ, રઘુનાથ ધોંડો કર્વે વગેરેના પત્રો સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ ગ્રંથમાં મહારાષ્ટ્રના સામાજિક અને રાજકીય સુધારકો તથા તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓનું તો બીજા ગ્રંથમાં મરાઠી રંગભૂમિ તથા સંગીતનું વિવરણ છે. તે મરાઠી નાટકમંડળીઓ, તેમની પ્રવૃત્તિઓ, દિનચર્યા, કલાકારો તથા તેમનું જીવન, મરાઠી રંગભૂમિની પડતી, સિનેમાયુગની શરૂઆત વગેરેની વિગતોથી ભરપૂર છે અને આ પત્રો વિષ્ણુદાસ ભાવે, ભાઉરાવ કોલ્હાટકર, શંકરરાવ મજમુદાર, રામગણેશ ગડકરી, કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકર, બાલગંધર્વ વગેરેએ લખેલા છે. સંગીતને લગતા પત્રો વી. ડી. પલુસ્કર, ગોવિંદરાવ ટ્રેમ્બે, અબ્દુલ કરીમખાન, વિલાયત હુસેનખાન, મોગુબાઈ કુર્ડીકર, હીરાબાઈ બડોદેકર વગેરેએ લખેલા છે.
મરાઠી ભાષામાં લખાયેલા પત્રોમાં ‘કુસુમાનિલ’ શીર્ષકથી પ્રકાશિત થયેલા (1972) પત્રો વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જેમાં મરાઠીના ખ્યાતનામ સાહિત્યકારો કવિ અનિલ અને કુસુમાવતી જયવંત વચ્ચેનો પ્રેમપત્રાલાપ છે. ‘પ્રસાદદીક્ષા’ શીર્ષકથી મરાઠી ભાષામાં પ્રકાશિત થયેલા પત્રસંગ્રહમાં મહાત્મા ગાંધી અને કાકા કાલેલકરે આશ્રમવાસી પ્રેમા કંટકને લખેલા પત્રો છે. પત્રો દ્વારા સાહિત્યિક ચર્ચા કરવાના ઉત્તમ નમૂના તરીકે નરહર કરુંટકર અને પ્રકાશક આર. જે. દેશમુખ વચ્ચે થયેલો પત્રવ્યવહાર ‘ધાર આણિ કાથ’ નામક પુસ્તકના પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે. ‘તાંબે, સમ્રગ કવિતા’ ગ્રંથમાં કવિ તાંબે અને સંપાદક માયાદેવ વચ્ચે થયેલા પત્રવ્યવહાર પણ પરિશિષ્ટ રૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે.
મલયાળમ ભાષામાં પત્રને ‘કટ્ટુ’ કહેવાય છે. અન્ય ભારતીય ભાષાઓની જેમ મલયાળમ ભાષાનું પણ પત્રસાહિત્ય છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્ત્વ ધરાવતા મલયાળમ ભાષાના પત્રોનું લેખન સૌથી પ્રથમ વાર 19મી સદીના અંતે કેટલાંક સામયિકોના પ્રકાશનથી શરૂ થયું ગણાય. ‘મનોરમા’, ‘ભાષાપોણિણી’, ‘રસિકરંજિની’, ‘કવનકૌમુદી’ જેવાં સામયિકોમાં ગદ્ય અને પદ્યમાં લખાયેલા સેંકડો પત્રો પડ્યા છે; પરંતુ તે હજુ સુધી સંપાદિત અને પ્રકાશિત થયેલા નથી.
‘રન્ટુ કટ્ટુકલ’ (‘બે પત્ર’ 1917) એ બે સ્વાતંત્ર્યસેનાનીઓને જેલમાં તેમની માતાએ લખેલા પત્રો છે, જે પુસ્તક રૂપે પ્રકાશિત થયેલા પ્રથમ પત્રો ગણાય. તેના કર્તા અજ્ઞાત છે. ‘નિન્ડા નિળાલ’ (Ninda Nizhal) (પ્રલંબ પડછાયો) કોનિયૂર મીનાક્ષી અમ્મા(Koniyoor Minakshi Amma)ની સૅમ્યુઅલ રિચર્ડસનની નવલકથાની યાદ અપાવે એવી નવલકથા છે, જેમાં પત્રસ્વરૂપનો ઉપયોગ થયો છે. ટી. કે. પરમેશ્વર પણિક્કરના ‘પત્રાધિપરુડે કટ્ટુકલ’ (તંત્રીના પત્રો, 1939) અને પી.ટી.ચાકોએ તે વખતના ત્રાવણકોર-કોચીન રાજ્યના દીવાન સર સી. પી. રામસ્વામી ઐયરને લખેલો ખુલ્લો પત્ર ‘સર સી. પી. ક્કુ ઓરુ તુરન્ન કટ્ટુ’ તત્કાલીન સમયની રાજકીય પરિસ્થિતિનું બયાન આપે છે. ‘લંડન કટ્ટુકલ’(1950)માં સી. બી. કુમારે પશ્ચિમના જીવનની તેમના પર પડેલી છાપ અને તે અંગેના તેમના વિચારો કેરળમાં રહેતી તેમની ભાણીને લખ્યા છે. ‘એ કટ્ટુકલ નીનાક્કુલ્લાટનુ’(‘આ પત્રો તારા માટે છે’, 1954)માં અન્ના જૉસેફના બાળકોને ઉદ્દેશીને લખાયેલા પત્રો છે. જૉસેફ મુન્ડાસેરીના ‘નીન્ટા કટ્ટુકલ’ (1955), સી. આર. કૃષ્ણ પિલ્લાઈના ‘ઉષાકુલ્લા કટ્ટુકલ’(ઉષાને પત્રો, 1956)માં લેખકના રશિયાના પ્રવાસ દરમિયાનના અનુભવોનું વર્ણન છે. ‘જર્મન કટ્ટ્ુકલ’ (‘જર્મનીથી પત્રો’, 1957) એ ઈ. આર. શ્રીકૃષ્ણ શર્માનો પત્રસંગ્રહ છે. એમ. વી. પાંઈલીના ‘વિદેશટ્ટુ નીન્નુ કુરે કટ્ટુકલ’(પરદેશથી લખેલા પત્રો, 1963)માં યુરોપીય દેશોના પ્રવાસ-અનુભવો પત્રો દ્વારા વર્ણવાયા છે. સી. દામોદર મેનનના ‘વલસાલા કકુ અયચા કટ્ટુકલ’(પિતાએ વલસાલને પાઠવેલ પત્રો, 1976)માં પંદર પત્રો છે. ઉપર્યુક્ત સર્વ પત્રસંચયોથી સવિશેષ નોંધપાત્ર છે ‘વલ્લત્તોલ કટ્ટુકલ’ 1978 અને ‘મરારૂતે કટ્ટુકલ’ (Mararute Kattukal (1981)). પહેલો સંગ્રહ સરદાર કે. એમ. પણિક્કરને ઉદ્દેશીને વલ્લત્તોલે લખેલા પત્રોનો છે, જેમાંથી કલામંડળના વિકાસ માટે અને કથકલીના પુનરુત્થાન માટે તેમણે કરેલા પ્રયાસોનો ખ્યાલ આવે છે. બીજો સંગ્રહ (Letters of Marar, 1981) પીઢ વિવેચક કુટ્ટિકૃષ્ણ મરારના તેમના મિત્રો પર લખેલા પત્રોનો છે, જેમાં પત્રલેખકે અનેક સામાજિક અને સાહિત્યિક વિષયવસ્તુઓની ચર્ચા કરી છે.
સ્વાતંત્ર્યોત્તર સમયમાં 1954થી 1977 દરમિયાન કન્નડ કવિ જી. શંકર કુરુપના એન.વી. કૃષ્ણ વૉરિયરને સંબોધીને લખાયેલા 131 પત્રોનો સંગ્રહ ‘હૃદયથીન્તે વટયન્ગલ’ (Hridaya thinte vatayanangal) કૃષ્ણ વૉરિયર દ્વારા જ સંપાદિત થઈને પ્રગટ થયો છે. તેમાં કવિને પોતાની વ્યાવસાયિક તથા સાહિત્યિક કારકિર્દી દરમિયાન જે કટુ અનુભવો થયા તેનું બયાન છે.
મલયાળમ ભાષામાં અન્ય ભારતીય ભાષાઓમાંથી જે કેટલાક અનુવાદો થયા છે તેમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ તથા મોરારજી દેસાઈના પત્રોના થયેલા અનુવાદ ઉલ્લેખનીય છે.
પત્રસાહિત્યની બાબતમાં મૈથિલી ભાષા દરિદ્ર છે. મૈથિલીમાં પત્રસાહિત્યનું ખાસ ખેડાણ થયું નથી. જોકે વિદ્યાપતિની ‘લિખનાવલી’ 15મી સદીના પ્રથમ ચરણમાં પ્રાપ્ત થાય છે. તેમાં સંસ્કૃત-મૈથિલી મિશ્ર ભાષામાં વિવિધ વર્ગના લોકોને સંબોધીને લખાયેલા 84 પત્રો છે.
મધ્યકાલીન યુગમાં મહારાજા છત્રસિંહ વગેરેના જમાનામાં ફારસી પ્રભાવવાળી મૈથિલીમાં અનેક રાજદ્વારી પત્રો લખાયા છે, પણ તેનું સાહિત્યમૂલ્ય નહિવત્ છે. લાલદાસે ફારસી પત્ર-લેખનશૈલીના નમૂના પર કેટલુંક કામ કરેલું. ત્યારબાદ ચાંદ ઝા તથા સુભદ્ર ઝાએ પત્રસાહિત્યના વિકાસમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું. આ ક્ષેત્રે ઉત્તમ કાર્ય ઉપેન્દ્રનાથ ઝાનું છે. તેમણે ‘દુઈ પત્ર’ (1969) નામે પત્રશૈલીમાં આપેલી નવલકથા મૈથિલીમાં પત્રસાહિત્યક્ષેત્રે એક નવપ્રસ્થાન લેખાય છે, અને તે કૃતિ સાહિત્ય અકાદમીના 1969ના પારિતોષિકને પાત્ર પણ બની છે.
સાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર તરીકે પંજાબી સાહિત્યમાં પત્રસાહિત્યે હજુ ગજું કાઢવાનું બાકી છે. આમ છતાં પંજાબીમાં પત્રલેખનના જે કેટલાક પ્રયત્નો થયા છે તેમાં શેરસિંઘના તેમની પત્નીને પરદેશથી લખેલા પત્રોનો સંચય ‘પરદેશયાત્રા’ (1939) ધ્યાનાર્હ છે. બીજો પ્રયત્ન ગુરુબક્ષસિંઘનો છે. તેમણે અમેરિકાથી તેમની પત્નીને પોતાના અભ્યાસકાળ દરમિયાન લખેલા પત્રોનો સમાવેશ તેમની આત્મકથાના બીજા ખંડમાં ‘મંઝિલ દિસ પાઈ’ નામે કર્યો છે. તેમના મૃત્યુ પછી આવા પત્રોનો પૂરો સંપુટ ‘ચિઠ્ઠીમાં જિતન દે નામ’ (1978) નામે પ્રગટ થયો છે. વળી પંજાબી ભાષાના પ્રતિષ્ઠિત વિવેચક હરભજનસિંઘે જુદાં જુદાં સામયિકોમાં પત્રસ્વરૂપના ડઝનેક વિવેચનલેખો આપ્યા છે. આ પૂર્વે 1952માં સુરજિતસિંઘ સેઠીએ અંગ્રેજીમાં પંજાબી નાટક વિશે લખેલા આઠ પત્રોનો અનુવાદ ‘પંજાબી નાટક કલા’ (1957) નામે થયો છે. આ ઉપરાંત જી. પ્લકનૉવ (G. Plakanov), જવાહરલાલ નહેરુ વગેરેના પત્રોના અનુવાદ પણ પંજાબીમાં મળે છે.
રાજસ્થાની ભાષામાં પત્રસાહિત્યનું ખાસ ખેડાણ થયું નથી. જે થોડું થયું છે તેમાં લેખકનાં વિચારો અને લાગણી માત્ર વ્યક્ત થયાં નથી, પણ તે સમયની કૌટુંબિક, સામાજિક, ધાર્મિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિનાં વર્ણનો પણ મળે છે. જૈને કવિ દલપતવિજયે આપેલા ‘ખુમાણ રાસ’ જેવી પત્રાત્મક પદ્યકૃતિઓ જવલ્લે જ મળે છે. ઉપલબ્ધ પત્રસાહિત્યનો ઠીક ઠીક ભાગ રાજામહારાજાઓ, સંતમહંતો વગેરેના સંબંધો અને તેમની પ્રવૃત્તિઓને અનુલક્ષતો મળે છે. સાહિત્યિક દૃષ્ટિએ ઉલ્લેખનીય પત્રસાહિત્યનો અભાવ છે.
જવાહરલાલ નહેરુએ તેમની પુત્રીને 1928માં જે પત્રો લખ્યા તેનો થોડા જ સમય બાદ અરજણદાસ થરવાણી દ્વારા સિન્ધીમાં અનુવાદ થયો, જેની 1966માં બીજી આવૃત્તિ થઈ છે. 1945માં દીપચંદ તિલોકચંદ બાલાણીએ ગાંધીજીના પત્રોનો અનુવાદ ‘બાપુઆજા ખત’ આપ્યો. એ પછી નહેરુના પત્રોના પ્રભાવ હેઠળ તીર્થદાસ પેસ્સુમલે ‘પિયુજા પૂતા દે ખત’ નામનો પત્રસંગ્રહ આપ્યો. આ જ રીતે 1973માં કમલા મરીવાળાના 30 પત્રોનો સંગ્રહ મળે છે, જેમાં લેખિકા વધુ અભ્યાસ અર્થે ન્યૂયૉર્ક ગયા પછી ત્યાં થયેલા પાંચ વર્ષના અનુભવોનું પિતાને પત્રો દ્વારા બયાન આપે છે. જેલમાંથી પત્ની પર લખેલા 13 પત્રોનો સંગ્રહ સલામત પુરસ્વાણી દ્વારા 1963માં મળે છે, જેમાં જેલના અનુભવો, માર્ક્સવાદની સમજૂતી વગેરે રજૂ થયાં છે. તેની ત્રીજી આવૃત્તિ 1978માં બહાર પડી છે. 1977માં આ પત્રસંગ્રહને સોવિયેત લૅન્ડ તરફથી નહેરુ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
1969માં અલ્લામા ઇમદાદઅલી કાઝી પાસેથી ‘શહર જા શિંગાર’ (Sahar Ja Singara) નામે પત્રસંગ્રહ મળે છે. તેમાં મોટાભાગના પત્રો અંગ્રેજીમાં છે અને થોડાક સિંધીમાં એમ કુલ 82 પત્રો જી. એમ. સૈયદને ઉદ્દેશીને લખાયેલા છે. એમાં કાઝીના વ્યક્તિત્વનું તેમની વિચારપદ્ધતિ તથા તેમની આકર્ષક ને જોરદાર રજૂઆતરીતિનું દર્શન થાય છે. શેખ મુબારક અયાઝના 1955માં લખાયેલા 22 પત્રોનો સંગ્રહ ‘જે કાકી કાકોરિયા કાપરી’ (je kaki kakoriya kapri) નામે 1963માં પ્રસિદ્ધ થયો. સિંધી સાહિત્યનું આ પ્રકારનું કદાચ પહેલું પુસ્તક છે. અયાઝનું રોમૅન્ટિક વ્યક્તિત્વ આ પત્રોમાંથી ખડું થાય છે. આ પત્રોમાં કલા અને કવિતા-વિષયક વિચારો વ્યક્ત થયા છે.
વિવિધ લેખકો, અધ્યાપકો અને ન્યાયાધીશોના શિષ્ટ લેખક મનોહરદાસ કૌરોમલ ખીલાણીને સંબોધીને લખાયેલ પત્રોનો સંગ્રહ (khafti khatani jokhaako) ‘ખફતી ખટાની જોખાકો’ 1965માં મળે છે. સિંધી ભાષાસાહિત્યની એમાંથી આછીપાતળી ઝલક મળે છે.
તમિળ ભાષામાં સૌથી પ્રથમ પત્રલેખન કવિઓ દ્વારા થયું એમ કહેવાય. નાના કાવ્યમય પત્રો જે ‘Chittukkavi’ કહેવાય છે, તે ત્યાંના સ્થાનિક રાજાઓ, અમીરઉમરાવો અને શ્રીમંતોને ઉદ્દેશીને લખાયા છે. માધવીનો ‘કોવલન’ Kovalan પરનો પત્ર ‘શિલપ્પદિકમ્’ (Silappadikam)માં અને ચિવકન(Chivakan)ને સંબોધીને લખાયેલો કુનમલાઈ(Kunamalai)નો પત્ર ‘ચિવક ચિંતામણિ’(Chivaka Chintamani)માં મળે છે.
પત્રસ્વરૂપે પુસ્તક લખાયું હોય અને તે સાહિત્યિક ગુણવત્તા ધરાવતું હોય તેવો પ્રથમ પ્રયાસ 19મી સદીમાં થયો છે. સી. એન. અન્નાદુરાઈ, જે તમિળનાડુના 1967થી 1969 દરમિયાન મુખ્ય પ્રધાન હતા, તેમણે આમ વર્ગને પ્રશિક્ષિત કરવાના આશયે પત્રના માધ્યમનો બહોળો ઉપયોગ કરેલો. એમના પત્રોમાં સાહિત્યિક ગુણવત્તા પણ ડોકાય છે.
રાજકારણીઓના પત્રોમાં ‘દ્રવિડનાડુ’માં અન્નાદુરાઈની કૉલમ ‘થમ્બી’ (Thambi, younger brother) નિયમિત પત્રસ્વરૂપે આવતી. તેમના મૃત્યુ પછી આ પત્રો ‘Tambikku anna ezhutiya Kaditankal’ નામે પુસ્તક રૂપે પ્રકાશિત થયા. અન્ય પત્રલેખકોમાં એસ. સત્યમૂર્તિ અને કરુમુટુ ત્યાગરાજન્ નોંધપાત્ર છે.
19મી સદીના સાહિત્યકારોમાં વેદનાયકમ્ પિલ્લાઈ, રામલિંગ સ્વામીકલ અને મરાઈમલાઈ આદિકલે પત્રસ્વરૂપને અપનાવ્યું છે. વેદનાયકમ્ પિલ્લાઈના પત્રો પદ્યસ્વરૂપે છે, રામલિંગ સ્વામીકલના પત્રોનું સંકલન અને પ્રકાશન તોઉવુર વેલયુત મુદલિયાર (Touvur Velayura Mudaliar) દ્વારા થયું છે.
મરાઈમલાઈ આદિકલની કુમિદાવલી(Kumidavali) અથવા નાગ (Naga) નાટ્ટુ (nattu) આરસી (arsi) પત્રસ્વરૂપે લખાયેલ મહત્ત્વની નવલકથા છે. આ મહાન વિદ્વાન નીતિચુસ્ત રજૂઆતરીતિ માટે પણ જાણીતા હતા. મરીમલાઈ આદિકલનું બીજું નોંધપાત્ર કાર્ય ‘કોકિલમ્બલ (kokilambal) કડિટન્કલ (kaditankal)’ છે.
‘તમિળરિદયે (Tamilaridaiye) અન્બુપ્પોર(anbuppor)’માં અન્બુ (Anbu) પંચમ (Pancham) ની (Ni) અને કે. વી. વીરરાઘવન્ બંનેએ પત્રસ્વરૂપે સાહિત્યિક વિવેચન કર્યું છે. મોટાભાગના પત્રો લેખકને ઉદ્દેશીને લખાયા છે. આ પુસ્તકમાં 47 પત્રોનો સમાવેશ થયો છે. આ પત્રોમાંની હળવાશ આસ્વાદ્ય છે.
ખ્યાતનામ નવલકથાકાર પુટુમાઈપિટ્ટને નોંધપાત્ર પત્રો લખ્યા છે. કેટલાક પત્રો તેમની પત્નીને ઉદ્દેશીને છે. પુટુમાઈપિટ્ટના બીજા આઠ પત્રો સોમુ (M.P. Somasundaram) દ્વારા કલાઈમિકલમાં પ્રકાશિત થયા છે. સાહિત્યિક દૃષ્ટિએ તે રસપ્રદ છે.
તમિળ ભાષામાં રસિકમણિ નામે જાણીતા ટી.કે. ચિદંબરનાથ મુદલિયાર TKCથી ઓળખાતા રહ્યા છે. તેમના પત્રોનો સંગ્રહ અગત્યનો છે. તેમાં સંગીત, કલા, તમિળ સંસ્કાર-પરંપરા, કવિતા, વિવેચન અને ઉચ્ચકેળવણી વગેરે વિશેની ચર્ચાવિચારણા જોવા મળે છે. તેમના પત્રોના બે ગ્રંથો પ્રકાશિત થયા છે. પહેલો ગ્રંથ ટી. એમ. ભાસ્કર ટોન્ડાઇમન્ (T. M. Baskara Tondaiman) દ્વારા ‘રસિકમણિ ટી કે સી યિન કડિટન્કલ’ (Rasikmani T K C Yin kaditankal) 1961માં પ્રકાશિત થયો છે. તેમાં રાષ્ટ્રીય નેતાઓ, કવિઓ, પત્રકારો, ન્યાયાધીશો, મિત્રો, શિષ્યો વગેરેને સંબોધીને લખાયેલા પત્રો છે.
બીજો ગ્રંથ ‘રસિકમણિયિયમ્ (Rasikamaniyian) કડિટન્કલ (kaditankal)’ જસ્ટિસ મહારાજને સંપાદિત કર્યો છે અને તે 1979માં પ્રકાશિત થયો છે. TKCના પુત્ર તિતરપ્પન (Thitharappan) પણ વિલક્ષણ પત્રલેખક હતા. તેમના સોમુને સંબોધીને લખાયેલા કેટલાક પત્રો કોઈમ્બતુરથી નીકળતા ‘વસંતમ્’માં પ્રકાશિત થયા છે. અન્યને સંબોધીને લખાયેલા પત્રો Itaya Oliમાં દર મહિને હપતાવાર પ્રગટ થયા છે.
‘વીરટ્ટમિલરુક્કુ (Virattamilarukku) અવેસક્કડિ (avesakkadi) ટન્કલ (tankal)’ એ સ્વામી સુધાનાથન્ ભારતીનો પત્રસંગ્રહ છે. 1947માં તેનું પ્રથમ પ્રકાશન થયું. તેમના કાલ્પનિક પત્રોનો બીજો સંગ્રહ ‘સુધાનાથન્ (Sudhanthan) ભારતીયિન (Bharathiyin) કડિટન્કલ (kaditankal)’ એ નામે પ્રકાશિત થયો છે.
બીજા એક સફળ લેખક વરદરાજને ‘નમ્બરક્કુ ટન્ગાઇક્કુ’ (Nambarkku Tangaikku), ‘તાંબિક્કુ’ (Tambikku), ‘અન્નાઇક્કુ’ (Annaikku) જેવાં પત્રશ્રેણીનાં અનેક પુસ્તકો લખ્યાં છે. તેમાં આર્થિક, રાજકીય અને સામાજિક પ્રશ્નો પરના તેમના વિચારો વ્યક્ત થયા છે. ભવિષ્યમાં છપાશે તેવા સહેજ પણ ખ્યાલ વગર વરદરાજને તેમના મિત્રોને, વિદ્યાર્થીઓ અને સહકાર્યકરોને લખેલા પત્રો ‘મુ (Mu) વ (va) વિન (vin) કડિટન્કલ (kaditankal)’ નામે શાસ્ત્રીય રીતે સંપાદિત થઈને 1979માં મદુરાઈ કામરાજ યુનિવર્સિટી તરફથી પ્રકાશિત થયા છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાક પત્રો તેમના સાથીઓ દ્વારા પ્રગટ થયા છે. એ. એમ. પરમશિવાનંદમે મલેશિયાના પ્રવાસનું પત્રસ્વરૂપે વર્ણન લખ્યું છે.
તેલુગુ ભાષામાં કન્ડુકુરી વીરશલિંગમના 64 પત્રો પ્રગટ થયા છે. તેમણે મોટી સંખ્યામાં વેન્ગુરી વેન્કટ સુબ્બારાવને સંબોધીને પત્રો લખેલા. કેટલાક પત્રો સાહિત્યિક ચર્ચાવિચારણાના સંદર્ભમાં મહત્ત્વના છે.
સુદિપતિ વેંકટાચલમે પણ સાહિત્યિક પ્રશ્નો અંગે કેટલાક પત્રો પ્રગટ કર્યા છે. અન્ય મહત્ત્વના પત્રલેખકોમાં કોડાવટીગન્ટી કુટુમ્બ રાવ (Kodavatiganti Kutumba Rao) અને મધુનાપન્તુલા સત્યનારાયણ શાસ્ત્રીને ગણાવી શકાય.
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નર્મદે લખેલા પત્રોથી પત્રસાહિત્યની શરૂઆત ગણાય. તેના પત્રોમાં તેનું સ્વમાની અને નીડર વ્યક્તિત્વ પ્રગટ થાય છે. આ સમયના લેખકો દુર્ગારામ, કરસનદાસ મૂળજી, નવલરામ પંડ્યા, નંદશંકર, મહીપતરામ, ઇચ્છારામ સૂર્યરામ, નારાયણ હેમચંદ્ર વગેરેનો પત્રવ્યવહાર વ્યવસ્થિત રીતે સચવાયો નથી. ગોવર્ધનરામ અને દયારામ ગિદુમલ વચ્ચે થયેલો લાંબો પત્રવ્યવહાર વિચારસામગ્રીથી ભરપૂર છે. શ્રીમન્ નૃસિંહાચાર્યજી અને મન:સુખરામ ત્રિપાઠીના પત્રોમાં તત્ત્વજ્ઞાનની રસપ્રદ ચર્ચા છે. ગોકુલજી ઝાલાના પત્રોમાં વિશેષણયુક્ત લાંબાં સંબોધનોની પ્રાચીન પ્રણાલિકાનું અનુસરણ જોવા મળે છે. દિવાળીબાઈના મ. ન. દ્વિવેદી પરના પ્રેમપત્રો પણ પ્રકાશિત થયા છે. ન્હાનાલાલના પત્રોમાં ખાસ સાહિત્યસામગ્રી નથી, જ્યારે બ. ક. ઠા.ના પત્રોમાં તેમની વિદ્વત્તા, નીડરતા અને નિખાલસતા દેખાઈ આવે છે.
ગુજરાતી પત્રસાહિત્યમાં ચિરંજીવ સ્થાન તો કલાપીના પત્રોનું છે. ‘કલાપીની પત્રધારા’(સંવત 1987, સને 1931)માં કુલ 535 પત્રો તેમના પુત્ર જોરાવરસિંહજીએ પ્રગટ કર્યા છે અને મુનિકુમાર ભટ્ટે 144 પત્રોનો સંગ્રહ પ્રગટ કર્યો છે. આમ કુલ 679 પત્રો પ્રગટ થયા છે. કવિતા તેમનો શ્વાસ હતો તો પત્રો તેમનું જીવનપોષક બળ હતું. સ્વાભાવિકતા અને નિખાલસતા આ પત્રોના મુખ્ય ગુણો છે. અહીં જીવન, સાહિત્ય અને ધર્મવિષયક ચિંતન છે. ‘કાશ્મીરનો પ્રવાસ’ પણ પત્ર રૂપે છે. ‘સ્વીડનબૉર્ગનો ધર્મવિચાર’માં સ્વીડનબૉર્ગના સંદર્ભે કાન્ત સાથે પત્રસ્વરૂપે ચાલેલી ચિંતનગોષ્ઠિ છે.
કાન્તના 150 પત્રો ‘કાન્તમાલા’માં પ્રગટ થયા છે. કેટલાક પત્રો અંગ્રેજીમાં છે. તેમનો અનુવાદ બ. ક. ઠાકોરે એમાં આપ્યો છે. કાન્તના આ પત્રોમાં એમનો મૃદુ સ્વભાવ, વિશિષ્ટ કૌટુંબિક અને સામાજિક પરિસ્થિતિ, એમના જીવન અને સાહિત્યની જે તે ઘટના અંગેના તેમના તીવ્ર પ્રતિભાવ, એમની અભિજાત ગુણગ્રાહિતા, કવિતાકલાનો ઉચ્ચગ્રાહ, એમની કાવ્યસાધનાની પ્રક્રિયા, સાહિત્યપ્રવાહ અને સાહિત્યકારો વિશેનાં એમનાં નિખાલસ મંતવ્યો અને મૂલ્યાંકનો, એમનું તીવ્ર ધર્મમંથન વગેરે વ્યક્ત થયાં છે. ‘કાન્તમાલા’ પછી દર્શના ધોળકિયાએ ‘કાન્તના પત્રો’માં કાન્તના બધા પત્રો સંપાદિત કર્યા છે.
‘બાપુના પત્રો’માં ‘ગાંધીજીના અક્ષરદેહ’માં સંખ્યાબંધ વ્યક્તિઓને લખેલ પત્રો સચવાયા છે. ધર્મ, નીતિ, સદાચાર, રાજકારણ, વ્યવહાર, ખોરાક, લગ્ન, કરકસર, કુદરતી ઉપચાર એમ અનેકાનેક બાબતે ગાંધીજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ પત્રોમાં તેમની પારદર્શક સચ્ચાઈ, સૌ માટેનાં પ્રેમ અને આત્મીયતા તથા સમભાવ પ્રગટ થયાં છે.
‘કેટલાક જૂના પત્રો’ (1962) તે જવાહરલાલ નહેરુએ લખેલા અને તેમના પર આવેલા પત્રોનો સંગ્રહ છે. ઇન્દિરા તેર વર્ષનાં હતાં ત્યારે જેલમાંથી નહેરુએ આ પત્રો લખ્યા હતા. ઇન્દિરાનું કેટલેક અંશે ઘડતર આ પત્રોએ કર્યું હતું એમ કહી શકાય.
કાકાસાહેબ કાલેલકરે શ્રી નેત્રમણિભાઈને, વિદ્યાર્થિનીને અને ચિ. ચંદનને લખેલા પત્રોમાં મર્મ અને વિનોદ સારા પ્રમાણમાં છે. ‘લિ. સ્નેહાધીન મેઘાણી’ (1984) અને ‘લિ. હું આવું છું’ (1988) એ મેઘાણીના પત્રોનો સંગ્રહ છે. નિખાલસતા અને નમ્રતા, મીઠાશ અને સૌજન્ય આ પત્રોમાંથી પ્રગટ થાય છે. ગુજરાતી પત્રસાહિત્યમાં મેઘાણીના પત્રો મહત્ત્વના ઉમેરારૂપ છે.
નરહરિ પરીખે ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ લખ્યા છે. ઉમાશંકર જોશીના પણ કેટલાક પ્રવાસપત્રો પ્રસિદ્ધ થયા છે. કનૈયાલાલ મુનશીએ ‘કુલપતિના પત્રો’ નામે શ્રેણી આરંભી હતી, જે ‘સમર્પણ’માં નિયમિત રીતે પ્રસિદ્ધ થતી હતી. બટુભાઈ ઉમરવાડિયાએ ‘કીર્તિદાને કમલના પત્રો’ લખ્યા છે. વસ્તુત: તેમાં સાહિત્યવિવેચન છે. વિજયરાય વૈદ્યનાં કેટલાંક વિવેચનો પત્ર રૂપે મળે છે. અનંતરાય રાવળે સરસ્વતીચન્દ્ર, કુમુદ, ગુણસુંદરીને પત્રો લખ્યા છે, જેમાં પણ વસ્તુત: સાહિત્યવિવેચન છે. શ્રીમદ્ રાજચન્દ્રે ગાંધીજીની આધ્યાત્મિક શંકાઓના નિરાકરણાર્થે પત્રો લખેલા. ‘બંધુ પુરાણીના પત્રો’ (1939) અને ‘પથિકના પત્રો’(1940)માં અંબુભાઈ પુરાણીના તત્ત્વવિચારણાસભર પત્રો છે. ‘સ્વામી અને સાંઈ’ (1993) એ સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચેનો 1955થી 1975 સુધી ચાલેલો પત્રાલાપ છે. કુલ 300 પત્રોમાંથી સંપાદિકા હિમાંશી શેલતે પસંદ કરેલા 151 પત્રો અહીં છે. ‘ચેતોવિસ્તારની યાત્રા’ (1988) એ ‘દર્શક’ના પત્રોનો સંગ્રહ છે. ત્રણ દાયકા સુધી શિષ્યા મૃદુલાબહેન સાથે ચાલેલો પત્રવ્યવહાર એમાં છે. આ ઉપરાંત રમણલાલ પટેલના પત્રો ‘કાગળ પરનો સત્સંગ’ નામે પ્રસિદ્ધ થયા છે. ‘પરલોકે પત્ર’ હીરાબહેન પાઠકે પદ્યમાં લખેલા પત્રો છે. ‘રાવજીના પત્રો’ (1965થી 1968) મફત ઓઝાએ સંપાદિત કર્યા છે. કિશનસિંહ ચાવડાના ‘હિમાલયની પત્રયાત્રા’(1970)માં હિમાલયયાત્રી અધ્યાત્મસાધક કિશનસિંહની પત્રરૂપ મનોયાત્રા છે. 1929માં વલ્લભદાસ અક્કડ પાસેથી ‘બાલપત્રો’ નામે બાળકોને લખાયેલા પત્રોનો સંગ્રહ છે. આ બાલપત્રો વ્યક્તિત્વના વિકાસ માટે લેખકે સરળ ભાષામાં લખ્યાં છે. ‘સાધ્વી શ્રી વિમલાદેવીના પત્રો’ 1933માં પ્રગટ થયા. તે આધ્યાત્મિક પત્રો છે. શ્રી વિમલાદેવીએ પોતાના તરફ સદ્ભાવ રાખનાર બંધુ બહેનોની ઉપર લખેલા પત્રો છે. 1938માં ગિજુભાઈ પાસેથી ‘સુશીલાને પત્રો’ નામે સંગ્રહ મળે છે. તેમની પુત્રી શાંતિનિકેતનમાં અભ્યાસ કરતી હતી તેને લખેલા પત્રો છે. 1964માં ‘પત્રસંચય’ નામે અંબાલાલ પુરાણી પત્રસંગ્રહ આપે છે. અહીં રજૂ થયેલા પત્રોમાં યોગસાધના તેમ જ અનેક વિષયોની ચર્ચા કરતા પત્રો છે. ‘જયાના પત્રો’ 1939માં હિંમતલાલ શાહે લખેલો પત્ર-સંગ્રહ છે. આ પત્રો દ્વારા પ્રેમ, લગ્ન, છૂટાછેડાના કાયદા અને આરોગ્ય વિશે રસપ્રદ ચર્ચા કરતા પત્રો છે. 1940માં અજ્ઞાત પાસેથી ‘તેત્રીસ પત્રો’ મળે છે. આ સંગ્રહમાં યુવાનોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો પત્ર રૂપે અપાયા છે. ‘અખંડાનંદજીના પત્રો’ (1946)માં અખંડાનંદજીએ ઊછરતી પ્રજાને જીવનમાં ઉપયોગી થઈ પડે તે પત્રો તેમાં છે. 1948થી 1963 દરમિયાન પૂ. શ્રી મોટાના ‘જીવનસંદેશ’, ‘જીવનપગથી’, ‘જીવનપોકાર’, ‘જીવનમંડાણ’, ‘જીવનપાથેય’, ‘જીવનસોપાન’, ‘જીવનસંશોધન’, ‘જીવનદર્શન’ અને ‘જીવનપરાગ’ એ નામે પત્રસંગ્રહો પ્રગટ થયા છે. આ પત્રો જુદી જુદી કક્ષાની વ્યક્તિઓને ઉદ્દેશીને લખાયેલા છે. 1948માં વલ્લભજી મહેતા પાસેથી ‘આધ્યાત્મિક પત્રો’ નામે સંગ્રહ મળે છે. ‘પન્ના ઝવેરીના પત્રો’ (સંપા. રશ્મિન) 1953માં પ્રગટ થયા છે. આ પત્રોમાં જીવનમંગલની ઉત્તમ ભાવનાઓની ચર્ચા છે. ‘સંસાર સાગરને તીરેથી’ 1963માં લખેલું રંભાબહેન ગાંધીનું પુસ્તક છે. આમાં સમાજમાં બનતી ઘટનાઓનું પત્રરૂપે નિરૂપણ થયેલું છે. 1964માં ગિજુભાઈ પાસેથી ‘ઋતુના રંગો’ નામે સંગ્રહ મળે છે. આ સંગ્રહના પત્રો જાન્યુઆરીથી જુલાઈ મહિના સુધીની ઋતુઓ વિશે તથા પ્રકૃતિમાં થતા ફેરફાર અને તેની અસરો વિશે નાનાં બાળકોને રસ પડે તેવી સરળ શૈલીમાં લખાયેલા છે. સરદારનું બહુરંગી દર્શન કરાવતા પત્રો એટલે ‘સરદારશ્રીના પત્રો’. વિષયની દૃષ્ટિએ આ સંગ્રહોમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ભારતના રાજકીય તખ્તા પર સૌથી મહત્ત્વની વ્યક્તિઓ ઉપર લખાયેલા પત્રો છે. ‘યમુનાને પત્રો’ એ ગુણવંતી ગાંધીએ 1976માં લખેલું પુસ્તક છે. ‘સ્વાધ્યાય પત્રો’ સ્વામી પ્રણવતીર્થ (1977), ‘પત્રાલાપ’ (સંપા. સારાભાઈ ચોકસી, 1977), ‘ગાંધીજી-પટ્ટણી પત્રવ્યવહાર’ (1981), ‘સત્યાન્વેષણ’ (જયંત પરીખ, 1983), ‘કવિ ખબરદારના પત્રો’ (સંપા. ધર્મેન્દ્ર માસ્તર, 1992), ‘સેતુબંધ’, સંપા. વિજયશીલચંદ્રસૂરિ 2002, બ. ક. ઠાકોરના કેટલાક અંગત પત્રો, ‘હિમાલયના પત્રો’, ‘કવિ બોટાદકરના પત્રો’ અને ‘અનંતની આરાધના’ વગેરે ઉલ્લેખનીય છે. સુમન શાહલિખિત ‘સુરેશ જોષીને પત્રો’ ‘ખેવના’માં પ્રકાશિત થયા છે. રાજેન્દ્ર શુક્લે પોતાની પત્નીને ગઝલ સ્વરૂપે જે પત્રો લખ્યા છે તે પણ ઉલ્લેખનીય છે. ઉમાશંકર જોશીએ લખેલા પત્રો એમના મૃત્યુ પછી સ્વાતિ જોશીએ સંપાદિત કરીને બે ગ્રંથોમાં પ્રસિદ્ધ કર્યા છે. ‘શબ્દસૃષ્ટિ’માં શિરીષ પંચાલે પત્રશ્રેણી ચલાવી છે. માવજી સાવલાના પત્રો ‘ઓળખ’માં પ્રગટ થયા છે. તો કિશોરસિંહ સોલંકીએ પુત્રને ઉદ્દેશીને લખેલા પત્રો ‘કુમાર’માં પ્રસિદ્ધ થયા છે. ‘પિતાને પત્ર’ શીર્ષક હેઠળ ‘શબ્દસર’માં અને બાને ઉદ્દેશીને લખાયેલા પત્રો ‘પચીસ વર્ષે’ શીર્ષક હેઠળ પ્રફુલ્લ રાવલે લખ્યા છે.
દિગીશ મહેતા
વીણા શેઠ
