ન્યૂઝીલૅન્ડ : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. તે ઑસ્ટ્રેલિયાથી આશરે 1,600 કિમી. અગ્નિકોણમાં  અને યુ.એસ.ના કૅલિફૉર્નિયાથી આશરે 10,500 કિમી. નૈર્ઋત્યકોણમાં આવેલો છે. ભૌગોલિક સ્થાનની દૃદૃષ્ટિએ તે 34° 25´ થી 47°17´ દ. અ. અને 166° 26´ થી 178°33´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ દેશ પૉલિનેશિયા નામે ઓળખાતા વિશાળ ટાપુસમૂહનો એક ભાગ ગણાય છે. ઉત્તર ટાપુ અને દક્ષિણ ટાપુ એમ જોડાજોડ આવેલા બે મુખ્ય ટાપુઓનો તે બનેલો છે, ઉપરાંત તેની નજીકના તેમજ સેંકડો કિમી. દૂર આવેલા નાના નાના ઘણા ટાપુઓ પણ તેની સરહદમાં ગણાય છે. 26 કિમી. પહોળી કૂકની સામુદ્રધુની આ બે મુખ્ય ટાપુઓને અલગ કરે છે. આ દેશનો કુલ વિસ્તાર 2,68,021 ચોકિમી. જેટલો છે.

ન્યૂઝીલૅન્ડ

તે પૈકી 99 % વિસ્તાર આ બે ટાપુઓ આવરી લે છે; ઉત્તર ટાપુનું ક્ષેત્રફળ 1,14,592 ચોકિમી. અને દક્ષિણ ટાપુનું ક્ષેત્રફળ 1,52,719 ચોકિમી. જેટલું છે. દક્ષિણ ટાપુથી દક્ષિણે 32 કિમી. અંતરે ફોવીઅક્સ સામુદ્રધુનીથી અલગ પડતો 1,746 ચોકિમી.નો સ્ટૂઅર્ટ ટાપુ; ઉત્તર ટાપુ નજીક ગ્રેટ બૅરિયર અને કર્માડેક; પૂર્વ તરફ ઍન્ટિપૉડ, ઑકલૅન્ડ, ચેટમ (963 ચોકિમી.) તથા બાઉન્ટી; અને દક્ષિણ તરફ દૂર કૅમ્પબેલ ટાપુઓ આવેલા છે. આ ઉપરાંત અન્ય નાના નાના નિર્જન ટાપુઓ પણ છે. કૅમ્પબેલ અને કર્માડેક વસ્તીવાળા છે. આ નાના ટાપુઓનું ક્ષેત્રફળ એકંદરે 5,819 ચોકિમી. જેટલું છે. ન્યૂઝીલૅન્ડ હેઠળ ગણાતાં બે સંસ્થાનો પણ છે : ઍન્ટાર્ક્ટિકા નજીકનું રૉસ ડિપેન્ડન્સી અને ઈશાન તરફ આવેલો ટોકેલો ટાપુસમૂહ. રૉસ સમુદ્ર નજીકના કિનારાના પ્રદેશનો તે ગ્રેટ બ્રિટન વતી વહીવટ કરે છે. ઈશાનમાં આવેલા કુક ટાપુઓ અને નીઉ ટાપુ પર પહેલાં ન્યૂઝીલૅન્ડનો જ વહીવટ હતો; પરંતુ 1965થી કૂક ટાપુઓ અને 1974થી નીઉ ટાપુ સ્વશાસિત બન્યા છે. જોકે આ ટાપુઓના લોકો ન્યૂઝીલૅન્ડના જ નાગરિકો ગણાય છે અને ન્યૂઝીલૅન્ડની સરકાર તેમના રક્ષણ તથા વિદેશી બાબતોની જવાબદારી ઉઠાવે છે. ન્યૂઝીલૅન્ડની પશ્ચિમે ટાસ્માન સમુદ્ર અને દક્ષિણે ઍન્ટાર્ક્ટિકા ખંડ આવેલા છે. વેલિંગ્ટન તેનું પાટનગર છે, પરંતુ ઑકલૅન્ડ તેનું સૌથી મોટું શહેર છે. બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપ આ દેશ આજે કૉમનવેલ્થનો સ્વતંત્ર સભ્ય છે.

ભૂપૃષ્ઠ : ઉત્તર અને દક્ષિણ બંને ટાપુઓના નીચે મુજબના ત્રણ-ત્રણ કુદરતી વિભાગો પડે છે : ઉત્તર ટાપુ : (1) ઉત્તરના દ્વીપકલ્પો અને વૈકાટો થાળું, (2) જ્વાળામુખી વિસ્તાર અને પશ્ચિમી ઉચ્ચપ્રદેશ, (3) પૂર્વીય ટેકરીઓ. દક્ષિણ ટાપુ : (1) દક્ષિણ આલ્પ્સ અને ઊંચાણવાળો પ્રદેશ, (2) કૅન્ટરબરી મેદાનો, (3) ઑટેગો ઉચ્ચપ્રદેશ અને થાળાં.

ન્યૂઝીલૅન્ડનો 75 % વિસ્તાર પહાડી છે, સપાટ ભાગ માત્ર 10 % છે. દક્ષિણ ટાપુની મધ્યમાં 300 કિમી. લાંબી દક્ષિણ આલ્પ્સની ગિરિમાળા વિસ્તરેલી છે. તેનું સર્વોચ્ચ શિખર કૂક 3,764 મીટર ઊંચું છે. આ ટાપુમાં 3,000 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતાં આશરે 180 જેટલાં અન્ય શિખરો છે. મોટા ભાગનાં શિખરો હિમાચ્છાદિત રહે છે. દક્ષિણ ટાપુના પૂર્વ કિનારે ક્રાઇસ્ટચર્ચ(શહેર)થી પશ્ચિમ તરફ 320 કિમી. લાંબું અને 64 કિમી. પહોળું કૅન્ટરબરી મેદાન વિસ્તરેલું છે. ત્યાંથી દક્ષિણ તરફ ઑટેગોનો ઉચ્ચપ્રદેશ અને તેની દક્ષિણે કિનારાતરફી ઢાળવાળાં પ્રમાણમાં સપાટ થાળાં આવેલાં છે.

ઉત્તર ટાપુ દક્ષિણ ટાપુની સરખામણીએ ઓછો પહાડી છે. અહીં જ્વાળામુખી પર્વતો આવેલા છે. અહીંનું રૂઆપેહનું સર્વોચ્ચ શિખર 2,797 મીટર ઊંચું છે. કિનારા તરફ તૂટક તૂટક સાંકડાં મેદાનો છે. માકોરાકો પર્વત 1,737 મીટર ઊંચો છે. કૈમાનાવા પર્વતમાળાની ઉત્તરે અને પશ્ચિમે આવેલો ઉચ્ચપ્રદેશ લાવા, રાખ અને પ્યુમિસનાં આવરણોવાળો છે. અહીં રૂઆપેહ, ટાગારીરો અને નગૌરુહો જ્વાળામુખીઓ આવેલા છે. અહીંથી પશ્ચિમે 2,518 મીટર ઊંચો એગમૉન્ટ પર્વત છે. તેની નજીકમાં નીચાણવાળો તારાનકી પ્રદેશ છે.

આ પ્રદેશની લગભગ બધી જ નદીઓ ઝડપી પ્રવાહવાળી, ટૂંકી અને કાયમી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમગલનથી બે વાર પૂર આવે છે. ઉત્તર ટાપુની સૌથી મોટી વૈકાટો નદી 425 કિમી. લાંબી છે, જ્યારે દક્ષિણ ટાપુની સૌથી મોટી, વિપુલ જળરાશિ લઈ જતી કલુથા નદી 338 કિમી. લાંબી છે. નદીઓ વેગીલી હોવાથી જળવિદ્યુત ઊર્જાપ્રાપ્તિ માટે ઉપયોગી છે. ઉત્તર ટાપુના મધ્ય ભાગમાં 606 ચોકિમી. વિસ્તાર ધરાવતું ટ્રાઉટ માછલીઓથી જાણીતું બનેલું સરોવર છે. આ સિવાય અગાઉ અસ્તિત્વ ધરાવતી હિમનદીઓએ કોતરી કાઢેલી ખીણોમાં અન્ય નાનાં સરોવરો પણ છે. ન્યૂઝીલૅન્ડમાં સંખ્યાબંધ ધોધ આવેલા છે. દક્ષિણ ટાપુના નૈર્ઋત્ય ભાગમાં મિલફર્ડ સાઉન્ડ પાસે આવેલો સધરલૅન્ડ ધોધ 580 મીટરની ઊંચાઈએથી પડે છે. દુનિયામાં ઊંચામાં ઊંચા ધોધ પૈકી તેનો ક્રમ પાંચમો છે. દક્ષિણ ટાપુના પર્વત-ઢોળાવો પરનાં જંગલોથી ઉપર તરફના ભાગોમાં કેટલીક હિમનદીઓ પણ છે. ટૅસ્માન હિમનદી 29 કિમી. લાંબી છે. અહીં નૈર્ઋત્ય કિનારે રચાયેલાં ફિયૉર્ડને લીધે કિનારો ખાંચાખૂંચીવાળો બની રહેલો છે. ફિયૉર્ડની સરહદે ગ્રૅનાઇટથી બનેલા પર્વતો આવેલા છે. આ ઉપરાંત અહીં ગરમ પાણીના ઝરા અને ફુવારા તેમજ પંકનિર્મિત સપાટ પ્રદેશો પણ છે. ન્યૂઝીલૅન્ડના દરિયાકિનારાની સીધેસીધી લંબાઈ 5,150 કિમી. છે, પરંતુ ઉપસાગરો અખાત અને ફિયૉર્ડની ખાંચાખૂંચી સહિત તેની લંબાઈ 6,920 કિમી. જેટલી થાય છે.

આબોહવા : ન્યૂઝીલૅન્ડ દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી જાન્યુઆરીમાં ઉનાળો અને જુલાઈમાં શિયાળો હોય છે. ન્યૂઝીલૅન્ડની આબોહવા દરિયાઈ અસરને કારણે સમધાત અને ભેજવાળી રહે છે, ઋતુભેદે તેમાં ખાસ ફરક પડતો નથી, તેમ છતાં સ્થાનભેદે થોડાક ફેરફાર જોવા મળે છે. ઉત્તર ટાપુની આબોહવા ઉપોષ્ણ કટિબંધ જેવી ગરમ, ભેજવાળી અને મોટે ભાગે ઝાકળરહિત રહે છે, જ્યારે દક્ષિણ ટાપુની આબોહવા, વિષૃવવૃત્તથી દૂર હોવાથી તેમજ દક્ષિણ સમુદ્રની નજીક હોવાથી પ્રમાણમાં વિષમ રહે છે.

ન્યૂઝીલૅન્ડમાં પર્વતીય ઢોળાવો અને તળેટીમાં થતી ઘેટાપાલનપ્રવૃત્તિ

ઉત્તર ટાપુનો મધ્યભાગ ઉચ્ચપ્રદેશીય હોવાથી ઉનાળામાં ગરમ અને સૂર્યપ્રકાશિત રહે છે. શિયાળામાં ક્યારેક ઝાકળ પડે છે તો ક્યારેક હિમવર્ષા પણ થાય છે. અહીં વેલિંગ્ટન નજીક કૂકની સામુદ્રધુની પરથી પવનનાં તોફાનો આવી ચઢે છે. પર્વતોનાં શિખરોવાળા ભાગમાં પવનો ઠંડા અને તીવ્ર ગતિવાળા રહે છે. દક્ષિણ ટાપુનો પશ્ચિમ કિનારો વરસાદવાળો તો પૂર્વ કિનારો પ્રમાણમાં સૂકો રહે છે. ઉત્તર ટાપુ કરતાં દક્ષિણ ટાપુ ઠંડો રહે છે. ઊંચાઈના પ્રત્યેક 300 મીટરે આશરે 2° તાપમાન નીચું જાય છે. બંને ટાપુઓના કિનારાના ભાગો કરતાં અંદરના ભાગોમાં ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. ઉત્તર ટાપુમાં આવેલ ઑકલૅન્ડનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 19° સે. અને 11° સે. રહે છે. દક્ષિણ ટાપુમાં આવેલ ક્રાઇસ્ટચર્ચનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ દૈનિક તાપમાન 17° સે. અને 6° સે. રહે છે. દક્ષિણ ટાપુના દક્ષિણ છેડાની આબોહવા ઠંડી અને સૂકી હોય છે.

અહીં વરસાદના વિતરણ પર પર્વતોનું નિયંત્રણ છે. સમુદ્ર પરથી વાતા પશ્ચિમિયા પવનો ભેજ લઈ આવે છે, વરસાદ પશ્ચિમી ઢોળાવો પર વધુ પડે છે. પશ્ચિમ કિનારે વાર્ષિક 2,500 મિમી. જેટલો પડે છે. દક્ષિણ ટાપુ પરના મિલફર્ડ સાઉન્ડ પર વાર્ષિક 7,600 મિમી. વરસાદ પડે છે, જ્યારે કૅન્ટરબરીના પૂર્વ ભાગો વર્ષાછાયાના પ્રદેશમાં હોવાથી વાર્ષિક 510 મિમી. કે તેથી ઓછો વરસાદ મેળવે છે. ઑટેગોના મધ્યભાગમાં માત્ર 300 મિમી. જેટલો વરસાદ પડે છે. પર્વતશિખરો હિમાચ્છાદિત રહેતાં હોવાથી ત્યાં હિમવર્ષા થાય છે. ન્યૂઝીલૅન્ડમાં પ્રચંડ ગાજવીજ ભાગ્યે જ થાય છે. અહીંનું કોઈ પણ સ્થળ સમુદ્રથી 130 કિમી.થી વધુ દૂર નથી.

ભૂકંપ : ન્યૂઝીલૅન્ડમાં દર વર્ષે આશરે 400 ભૂકંપ થાય છે, પરંતુ તે પૈકીના માત્ર 100 ભૂકંપ જ અનુભવી શકાય છે. અહીં 1931માં હૉકના ઉપસાગરમાં વિનાશક ભૂકંપ થયેલો, જેમાં 255 લોકોનાં મોત થયેલાં અને હેસ્ટિંગ્ઝ તથા નેપિયર નગરોને નુકસાન થયેલું.

વનસ્પતિજીવન : ઉપોષ્ણ કટિબંધનો આ વિસ્તાર સદાહરિત જંગલોવાળો ગણાય છે. મુખ્યત્વે હંસરાજ પ્રકારની વનસ્પતિ અહીં થાય છે. ઉત્તર ટાપુ પર મધ્યના ઉચ્ચપ્રદેશમાંનો જંગલોનો મોટો વિસ્તાર લાવાનાં પ્રસ્ફુટનોને કારણે નાશ પામી ગયો છે. નૉર્થલૅન્ડ દ્વીપકલ્પમાં પાઇન જેવાં વૃક્ષો ધરાવતાં જંગલો હતાં, પરંતુ શરૂઆતમાં આવેલા યુરોપિયનોએ તે કાપી નાખ્યાં છે. જોકે હજી પણ બંને ટાપુઓ પર અમુક પ્રમાણમાં સદાહરિત જંગલો જોવા મળે છે, બીચ વૃક્ષો ધરાવતાં જંગલો બંને ટાપુઓના ઠંડા ઊંચાણવાળા ભાગોમાં ઊગે છે. દક્ષિણ ટાપુના સૂકા ભાગમાં ચોમાસામાં ઊગી નીકળતું ઘાસ ઉનાળામાં પીળું થઈ જાય છે. 1900ના ગાળા સુધીમાં ઘણાં વિદેશી વૃક્ષો અને 1966થી 1981 દરમિયાન પણ મોટા પાયા પર વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. પાઇનનાં વૃક્ષો તે પૈકી મુખ્ય છે. તેને કારણે અહીં કાગળનો ઉદ્યોગ વિકસ્યો છે. કૌરી વૃક્ષો ઇમારતી લાકડું આપે છે.

પ્રાણીજીવન : યુરોપિયનોના આગમન પૂર્વે અહીં આવેલા માઓરી લોકો તેમની સાથે કૂતરા અને ઉંદર લાવેલા. ચામાચીડિયાંની બે જાતિઓ અહીંનાં મૂળ સસ્તન પ્રાણીઓ છે. અહીં સાપ જોવા મળતા નથી, પરંતુ મૂળ પ્રાગૈતિહાસિક સરીસૃપ વર્ગનો ટૂઆટારા હજી પણ અહીં મળે છે. યુરોપિયનોના આગમન સાથે અને તે પછી હરણ અને સસલાં તેમજ ઢોર, ડુક્કર અને ઘેટાં અહીં લાવવામાં આવેલાં છે. મરીનો ઘેટાં અને ઢોર મોટી સંખ્યામાં ઉછેરાય છે. નાનાં કાંગારું અને પૉસમ (brushtailed possums) ઑસ્ટ્રેલિયાથી આવેલાં છે. વિદેશોમાંથી લાવવામાં આવેલી સૅમન અને ટ્રાઉટ માછલીઓ સરોવરો અને નદીઓમાં વિપુલ પ્રમાણમાં મળે છે. અહીં ઘણાં મુલકી પક્ષીઓ છે, જે પૈકી કીવી, કાકાપો, નોટોરનીસ, તકાહે અને વેકા મુખ્ય છે. કેટલાંક પક્ષીઓ એવાં પણ છે, જે ખાસ ઊડી શકતાં નથી. કીવી અહીંનું રાષ્ટ્રીય પક્ષી છે, જેની ચાંચના છેડા પર બે નસકોરાં હોય છે. કી (Kea) નામના પોપટ ઊડી શકે છે અને માણસો જોડે જાતજાતની રમતો કરી શકે છે. ઊડી ન શકતું 368 સેમી. ઊંચાઈ ધરાવતું દુર્લભ મોઆ (moa) અહીંનું સ્થાનિક પક્ષી છે. અહીં પહેલાં શાહમૃગ જેવાં પક્ષીઓ પણ હતાં, જે હવે વિલુપ્ત થઈ ગયાં છે.

ખનિજસંપત્તિ : કુદરતી વાયુ અહીં વિપુલ પ્રમાણમાં મળે છે, તેનો અનામત જથ્થો 142 અબજ ઘનમીટર જેટલો હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે. તેલક્ષેત્રો ન્યૂપ્લિમથ પાસે આવેલાં છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું છે. ઉત્તર ટાપુના પૈકાટો વિસ્તારમાંથી કોલસાનો ઘણો વિપુલ જથ્થો મળ્યો છે. દક્ષિણ ટાપુમાંથી લિગ્નાઇટ ખોદી કાઢવામાં આવે છે. સમગ્ર દેશમાં ચૂનાખડકોનું પ્રમાણ ગણનાપાત્ર છે. ઉત્તર ટાપુમાં લોહમિશ્રિત રેતી મળી આવે છે. અગાઉ અહીંથી સોનાનાં ખનિજો મળતાં હતાં, પરંતુ હવે તેનું પ્રમાણ તદ્દન ઘટી ગયું છે. ગરમ પાણીના ઝરાઓ વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

ખેતી : અહીંની જમીન ફળદ્રૂપ નથી, તેથી તેને ખેતીલાયક બનાવવા ખાતરનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો પડે છે. ખેતીલાયક જમીન માત્ર 2 % જેટલી જ છે. ઘઉં, જવ, મકાઈ, ઓટ, વટાણા, બટાકા, ડુંગળી, શાકભાજી, સફરજન, પેર, ગુઝબેરી જેવાં ફળો ઉગાડવામાં આવે છે. કૅન્ટરબરીનાં મેદાનોની જમીન પીળી અને ભૂખરી છે. અહીં ખેતીના પાકો ઓછા અને ઘાસ વધુ ઉગાડાય છે. 50 % જમીન ઘાસ ઉગાડવા માટે ઉપયોગમાં લેવાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીનો માત્ર 12 % હિસ્સો છે, તેથી ઘાસના વાવેતર પર અને તેના પર આધારિત ઢોર, ઘેટાં, મરઘાં, ડુક્કરના પાલન પર વધુ ભાર મૂકવામાં આવે છે.

ઉદ્યોગો : ઑકલૅન્ડ, વેલિંગ્ટન અને હૅમિલ્ટન જેવાં શહેરોમાં પ્રક્રિયા કરેલા ખાદ્યપદાર્થો, યંત્રો, વાહનવ્યવહારનાં સાધનો, પગરખાં, કાપડ, ગરમ કપડાં, લાકડું, બૂચ, રબર, પ્લાસ્ટિક, કાગળ, રસાયણો, ધાતુની વસ્તુઓ વગેરેને લગતા મધ્યમ કદના તથા લઘુઉદ્યોગો વિકસ્યા છે. 25 % લોકો આ ઉદ્યોગોમાં રોકાયેલા છે. ઉત્તરના ટાપુમાં વન-આધારિત ઉદ્યોગ અને પ્રવાસન-ઉદ્યોગનો વિકાસ થયો છે. ઑકલૅન્ડમાં એક સ્ટીલ-મિલ આવેલી છે. અગાઉ વહેલ અને સીલનો મોટા પાયા પર શિકાર કરવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર અંકુશ મુકાયો છે. ટ્રાઉટ અને શેલફિશ પકડવામાં આવે છે.

પરિવહન અને વેપાર : ન્યૂઝીલૅન્ડમાં પાકા રસ્તાની લંબાઈ 93,748 કિમી. છે તથા 4,300 કિમી.ના રેલમાર્ગો છે. રેલવેનું સંચાલન સરકાર હસ્તક છે. મુસાફરોની અવરજવરનું, માલવહન માટેની બસો તથા વાહનોનું અને વેલિંગ્ટન તથા પિક્ટન વચ્ચેની ફેરી સેવાનું સંચાલન રેલવેતંત્ર સંભાળે છે. ઑકલૅન્ડ અહીંનું મુખ્ય બંદર છે. માખણ, પનીર, ચીઝ, ઈંડાં, માંસ, ઊન અને ગરમ કાપડ જેવી પશુપાલનમાંથી મળતી પેદાશોની નિકાસ થાય છે; જ્યારે ચા, કૉફી, યંત્રો, કાપડ, રબર, લોખંડ સિવાયની ધાતુઓ, પેટ્રોલિયમ, ખાંડ વગેરેની આયાત કરવામાં આવે છે. દેશ 33 %થી વધુ માલની નિકાસ અને 50 % જેટલા માલની આયાત કરે છે. ઑકલૅન્ડ, વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે તથા આંતરિક સેવાઓ માટે અન્ય 113 હવાઈ મથકો છે.

વસ્તી (લોકો) : ન્યૂઝીલૅન્ડની વસ્તી 2016માં 46,99,370 જેટલી હતી. વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી. 15 વ્યક્તિઓનું છે. 84 % શહેરી અને 16 % ગ્રામીણ વસ્તી છે. ન્યૂઝીલૅન્ડમાં 85 %થી વધુ લોકો બ્રિટિશ આગંતુકો છે, જ્યારે 7 % પૉલિનેશિયન વંશના માઓરી લોકો છે, બાકીના એશિયન છે. માઓરી લોકો 1000થી 1400ના ગાળામાં ઇન્ડોનેશિયામાંથી અહીં આવીને વસેલા છે. બ્રિટિશ લોકો 19મી અને 20મી સદી દરમિયાન આવેલા છે. ફિજી તથા ટોગોમાંથી ભારતીયો આવેલા છે, જે પૈકી 1,200 જેટલા ગુજરાતીઓ પણ છે. અહીંના મોટા ભાગના લોકો અંગ્રેજી ભાષા બોલે છે, બીજી ભાષા માઓરી છે. તેઓ અગ્લિકન, પ્રેસ્બિટેરિયન, રોમન કૅથલિક અને મેથડિસ્ટ પંથના ખ્રિસ્તીઓ છે. ઑકલૅન્ડ, વેલિંગ્ટન, હૅમિલ્ટન, ક્રાઇસ્ટચર્ચ, ડંડીન, નેપિયર, હેસ્ટિંગ્ઝ અને પામર્સ્ટન મુખ્ય શહેરો છે.

6થી 15 વર્ષનાં બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત છે. મોટા ભાગની શાળાઓ સરકાર હસ્તક છે. શાળાઓ અને યુનિવર્સિટીઓ દ્વારા ટૅક્નિકલ શિક્ષણ અપાય છે. 99 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. ઑકલૅન્ડ અને વેલિંગ્ટનમાં આવેલાં સંગ્રહસ્થાનોમાં માઓરી અને પૉલિનેશિયન સંસ્કૃતિના અવશેષો જળવાયેલા છે. વેલિંગ્ટન રાષ્ટ્રીય પુસ્તકાલય, યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયો ઉપરાંત દેશમાં 200 જેટલાં અન્ય પુસ્તકાલયો છે.

ઇતિહાસ : ન્યૂઝીલૅન્ડમાં પ્રથમ વસવાટ કરનાર માઓરી લોકો હતા, શરૂઆતમાં તેઓ ઉત્તરનાં જંગલોવાળા પ્રદેશોમાં વસેલા અને ધીમે ધીમે 700થી 1400ના ગાળા દરમિયાન દક્ષિણ ટાપુમાં પણ ફેલાયા. યુરોપિયન પ્રજા પૈકી ડચ વહાણવટી એબેલ જાન્સઝૂન ટૅસ્માને 1642માં આ પ્રદેશમાં ઉતરાણ કરવા પ્રયાસ કરેલો, પણ માઓરી લોકોએ તેમના માણસોને મારી નાખતાં આ પ્રયાસ નિષ્ફળ ગયો. 1769માં જેમ્સ કૂકે ન્યૂઝીલૅન્ડની મુલાકાત લીધી ત્યારે પણ અહીંના માઓરી માનવભક્ષી હતા.

શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સમાંથી ભાગી છૂટેલા ગુનેગારો તથા કેટલાક વસાહતીઓ અહીં છૂટક છૂટક આવ્યા હતા. 18મી સદીના અંતભાગમાં સીલ અને વહેલના શિકાર માટે યુરોપિયનોએ બંને ટાપુમાં કિનારા નજીક તેમનાં થાણાં સ્થાપ્યાં હતાં. ત્યારબાદ પૉર્ટ જૅક્સન(સિડની)માંથી ઇમારતી લાકડું અને શણની શોધમાં કેટલાક વેપારીઓ આવેલા. વિદેશી વસાહતીઓને માઓરી લોકો સાથે ઘર્ષણ થતાં ઘણા લોકોની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી. 1814માં ઍંગ્લિકન ચર્ચના મિશનરી સૅમ્યુઅલ માર્સડને રસેલ ખાતે થાણું સ્થાપ્યા પછી બીજા મિશનરીઓ પણ આવ્યા. માઓરી લોકો પર યુરોપિયન વસાહતીઓ જુલમ કરતા હોવાથી મિશનરીઓની ભલામણથી 1833માં એક વહીવટી અધિકારી નીમવામાં આવ્યો, પરંતુ દક્ષિણ ટાપુમાંથી ફ્રેન્ચોની છૂપી પ્રવૃત્તિઓને કારણે કોઈ ખાસ ફરક ન પડતાં 1839માં નૌકાસૈન્યના કૅપ્ટન હૉબસનને ન્યૂઝીલૅન્ડનો ગવર્નર નીમવામાં આવ્યો. 1840માં પોતાના રક્ષણની ખાતરીના બદલામાં રાણી વિક્ટોરિયાને અહીંની કેટલીક ભૂમિ સોંપવામાં આવી. આમ 1841માં ન્યૂઝીલૅન્ડ ઇંગ્લૅન્ડનું સંસ્થાન બન્યું. 1840થી 1850 દરમિયાન વેલિંગ્ટન, નેલ્સન, ન્યૂ પ્લિમથ, ડંડીન અને ઑટેગો ખાતે વસાહતો સ્થપાતી ગઈ. ઉત્તર ટાપુમાં 25 વર્ષ સુધી માઓરી લોકો સાથે સંઘર્ષો થતા રહ્યા, જેનો 1870માં ગવર્નર જ્યૉર્જ ગ્રેના લશ્કરી પ્રયાસોથી અંત આવ્યો. 1861થી ’65 દરમિયાન ઑટેગો અને વેસ્ટલૅન્ડ ખાતેથી સોનું મળી આવતાં ઑસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકાથી નવા વસાહતીઓનો ધસારો થયો. આ અગાઉ 1846માં બ્રિટિશ પાર્લામેન્ટે સ્વશાસન બક્ષતો કાયદો પસાર કરેલો, પણ તેનો અમલ 1852થી થયો. 1856માં ગવર્નરને બદલે ધારાસભાને જવાબદાર પ્રધાનમંડળની રચના થઈ. 1865 સુધી ઑકલૅન્ડ અહીંની રાજધાની રહ્યું. 1870 પછી દક્ષિણ ટાપુ સમૃદ્ધ થતાં ઉત્તર ટાપુમાં રેલવે અને રસ્તાઓનું બાંધકામ શરૂ થયું. 1890માં કારખાનાંના કામદારો માટે કામના કલાકો, ઈજા-વળતર, ઝઘડામાં લવાદી પ્રથા, વૃદ્ધોને નિવૃત્તિવેતન, સ્ત્રીઓને મતાધિકાર જેવા સુધારાઓ દાખલ કરાયા. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં ન્યૂઝીલૅન્ડ બ્રિટનને મદદરૂપ રહેલું. 1971 પછી ન્યૂઝીલૅન્ડે બ્રિટન ઉપરાંત અન્ય દેશો સાથે રાજકીય અને વેપારી સંબંધો વધાર્યા છે. હવે ગ્રેટબ્રિટન સાથે ગવર્નર જનરલની નિમણૂક પૂરતો જ મર્યાદિત સંબંધ રહ્યો છે. ન્યૂઝીલૅન્ડ પૅસિફિક કિનારાના દેશો સાથે વધુ ઢળતું રહ્યું છે અને તેણે સ્વતંત્ર વિદેશનીતિ પણ અપનાવી છે. 1950 પછીથી પૅસિફિકના ટાપુઓ, ગ્રેટબ્રિટન અને ભારતમાંથી ન્યૂઝીલૅન્ડ ખાતે સ્થળાંતર ચાલુ રહ્યું છે.

ઈ. સ. 1973માં બ્રિટન યુરોપિયન કૉમ્યુનિટીમાં જોડાયું અને ન્યૂઝીલૅન્ડથી બ્રિટનમાં થતી નિકાસમાં ઘટાડો થયો. ઈ. સ. 1985માં ‘રેઇનબો વોરિઅર’ નામનું જહાજ ઑકલૅન્ડના બંદરે ઉડાવી દેવામાં આવ્યું. માઓરી લોકોના અધિકારો અને માઓરી સંસ્કૃતિ જાળવી રાખવી તે રાજકીય બાબત થઈ. ઈ. સ. 1992માં લોકમત લેવામાં આવ્યો, તેમાં લોકોએ પ્રમાણસરના પ્રતિનિધિત્વ (Proportional representation) દાખલ કરવાની તરફેણમાં મત આપ્યો. ઈ. સ. 1996માં થયેલી ચૂંટણીમાં નૅશનલ પાર્ટી અને ન્યૂઝીલૅન્ડ ફર્સ્ટ – આ બે પક્ષોએ જોડાણવાળી સરકારની રચના કરી. ઈ. સ. 1997માં જેની શીપલી ન્યૂઝીલૅન્ડનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં. ઈ. સ. 1998માં ન્યૂઝીલૅન્ડ ફર્સ્ટ પક્ષ જોડાણવાળી સરકારમાંથી ખસી ગયો. ઈ. સ. 1999ની ચૂંટણીઓ પછી હેલન ક્લાર્કે લઘુમતી મજૂરપક્ષની સરકારની રચના કરી. ઈ. સ. 2000 અને 2001 દરમિયાન ન્યૂઝીલૅન્ડની નિકાસ 21.6 ટકા વધી. 14 ઑક્ટોબર, 2003ના રોજ ન્યૂઝીલૅન્ડની પાર્લમેન્ટે લંડનમાં પ્રીવી કાઉન્સિલમાં અપીલ કરવાનો અધિકાર નાબૂદ કર્યો. સપ્ટેમ્બર, 2005માં વડાપ્રધાન હેલન ક્લાર્કે હોદ્દાની ત્રીજી મુદત મેળવી. ઑક્ટોબર, 2006માં ઑડિટર જનરલે ચૂંટણીપ્રચારમાં રાજકીય પક્ષોએ કરેલા ખર્ચના હિસાબો તપાસી ગેરકાયદે કરેલા ખોટા ખર્ચના આંકડા જાહેર કર્યા. 8 નવેમ્બર, 2008ના રોજ નૅશનલ પાર્ટીની ચૂંટણીમાં જીત થઈ અને વડાપ્રધાન હેલન ક્લાર્કની નવ વર્ષથી સત્તા ભોગવતી સરકારનો અંત આવ્યો. ઈ. સ. 2009માં જૉન કી ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાન હતા. ત્યાં સંસદીય લોકશાહી પ્રકારની સરકાર છે.

જયકુમાર ર. શુકલ

શિવપ્રસાદ રાજગોર