ન્યૂઝવીક : અમેરિકન વૃત્ત-સાપ્તાહિક. ‘ટાઇમ’ના વિદેશી સમાચારોના પ્રથમ સંપાદક ટૉમસ જે. સી. માર્ટિને ‘ટાઇમ’ સાથેની સ્પર્ધામાં 1933માં ‘ન્યૂઝ-વીક’ની સ્થાપના કરી. પહેલાં એ ‘ન્યૂઝ-વીક’ નામે પ્રગટ થયું પછી તેમાં થોડોક ફેરફાર કરી ‘ન્યૂઝવીક’ રખાયું (‘ન્યૂઝ’ અને ‘વીક’ બે શબ્દો ભેગા કરી દેવાયા.) ‘ટાઇમ’થી સ્વતંત્ર દેખાવા માટે ‘ન્યૂઝવીકે’ પ્રમાણમાં વધુ ધીરગંભીર સૂર અપનાવ્યો. સમાચારો તથા અભિપ્રાયો બંનેને અલગ અલગ રાખવાના ઉદ્દેશથી લેખકના નામ સાથેની કટારો શરૂ કરી. વળી ‘ન્યૂઝવીકે’ વૃત્તાંત-નિવેદકોનાં નામ સાથે વૃત્તાંતો પ્રગટ કરવાની પ્રથા શરૂ કરી, જે પાછળથી લગભગ તમામ વર્તમાનપત્રો તથા સમાચાર-સાપ્તાહિકોએ અપનાવી. આમ અખબારી આલમમાં ‘બાર-લાઇન’નો યુગ ‘ન્યૂઝવીકે’ આરંભ્યો એમ કહી શકાય. ‘ન્યૂઝવીકે’ વિસ્તૃત વૃત્તાંત-નિવેદનને તાત્ત્વિક ઓપ આપવાની પણ પહેલ કરી. આ ઘટનાને ઊંડાણથી આવરી લેતા વૃત્તાંત (in-depth cover report) તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ મહત્ત્વના પ્રશ્ર્ન અંગે વિશેષાંકો પ્રગટ કરવાની પ્રથા પણ ‘ન્યૂઝવીકે’ શરૂ કરી. જુદા જુદા દેશોમાં વિશાળ વાચકવર્ગ સુધી પહોંચવા માટે તેણે અંગ્રેજી ભાષામાં ત્રણ જુદી જુદી આવૃત્તિઓ શરૂ કરી. આ આવૃત્તિઓમાં જે તે આવૃત્તિના વાચકવર્ગનાં રસ ને રુચિને લક્ષમાં રાખી વાચનસામગ્રી પ્રગટ કરાતી. આમ સમાવિષ્ટ વાચનસામગ્રી આ ત્રણેય આવૃત્તિઓમાં એકસરખી રહેતી નહોતી. 1986માં ‘ન્યૂઝવીક’ની જાપાની ભાષાની આવૃત્તિ શરૂ કરાઈ. ‘ટાઇમ’ની જેમ ‘ન્યૂઝવીક’ સાપ્તાહિકની ગણના પણ વિશ્વના ખૂબ જ વિશાળ ફેલાવો ધરાવતા વૃત્તપત્ર તરીકે થાય છે. ‘ન્યૂઝવીક’ ઇન્કૉર્પોરેટ દ્વારા પ્રગટ કરાય છે.

મહેશ ઠાકર