નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ)

January, 1998

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગના યુફોરબિયેસી (એરંડાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Croton tiglium Linn. (સં. દ્રવન્તી, જયપાલ, દન્તિબીજ, બૃહદંતી, જેપાલ; હિં. જમાલગોટા; બં. જયપાલ; પં. જપોલોટા મ. જેપાળબીજ; ગુ. નેપાળો; તા. લાલ., નિર્વીલ; તે. નૈપાલવેમું; તુ. બ્યારીબિટ્ટુ; ફા. બેદઅંજીહખતાઈ, તુમ્ખેબંદે; અ. હબુસ્સલાતીન; અં. પર્જિંગ ક્રોટોન) છે.

ઉદભવ અને ભૌગોલિક વિતરણ : તેનું ઉદભવસ્થાન ઉષ્ણકટિબંધીય એશિયા અને ચીન છે. નેપાળાનો આફ્રિકાના ઘાના, નાઇજેરિયા, કૅમરૂન અને સુદાન જેવા ઘણા દેશોમાં પ્રવેશ કરાવાયો છે. તે મ્યાનમાર અને શ્રીલંકામાં પણ થાય છે. ભારતમાં તેનું કુદરતી સ્થિતિમાં કે વાવેતર દ્વારા બંગાળ, આસામ અને દક્ષિણ ભારતમાં વિતરણ થયેલું છે.

બાહ્ય લક્ષણો : તે એકગૃહી (monoecious), 4.5 – 6.0 મી. ઊંચો ક્ષુપ કે નાનકડું સદાહરિત વૃક્ષ છે. તે મોગલી એરંડા જેવું; પરંતુ તેનાથી નાનું હોય છે. છાલ જાંબલી કે ભૂખરી હોય છે. નાની શાખાઓ છૂટાછવાયા તારાકાર (stellate) રોમ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિત, એરંડાનાં પર્ણો જેવાં, 5.–17.0 સેમી. લાંબાં અને 2.5–9.5 સેમી. પહોળાં, પાતળાં ચીકણાં, અંડાકાર કે અંડ-ભાલાકાર (ovate-lanceolate), પર્ણકિનારી થોડી દંતાળ કે અખંડિત અને 3-5 શિરાઓ ધરાવતાં હોય છે. પર્ણદંડ 2.5 –6.5 સેમી. અને ઉપપર્ણો (stipules) 3.5 મિમી. લાંબાં હોય છે.

પુષ્પો એકલિંગી, લીલાશ પડતાં પીળાં, રોમમય અને કલગી(raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પવિન્યાસના ઉપરના અર્ધા ભાગમાં નર પુષ્પો અને નીચેના અર્ધા ભાગમાં માદા પુષ્પો આવેલાં હોય છે. પુષ્પનિર્માણ ઉનાળામાં થાય છે. તેનાં ફળ, પ્રાવર(capsule) પ્રકારનાં, આછા પીળાં રંગનાં લંબચોરસઅંડાકાર, ત્રિખંડી, 1.7–2.5 સેમી. લાંબાં, લગભગ અરોમિલ (glabrous) અને ત્રણ બીજવાળાં હોય છે. બીજ એરંડાનાં બીજ સાથે સામ્ય ધરાવતાં 1.25 સેમી. જેટલાં લાંબાં અને 0.8 સેમી. પહોળાં તથા લંબગોળાકાર હોય છે. તેની પૃષ્ઠસપાટી વક્ષસપાટી કરતાં વધારે બહિર્ગોળ હોય છે. તેનું કવચ મૃદુ તથા પીળાશ પડતા બદામી રંગના અધિસ્તર વડે આવરિત હોય છે અને અંદરની સપાટી કાળી અને લીસી હોય છે. બીજમાં મગજ રતાશ પડતા બદામી રંગનો હોય છે. તેમાંથી પીળું કે રક્તાભ ભૂરું તેલ પુષ્કળ પ્રમાણમાં મળે છે.

નેપાળો(Croton tiglium Linn)ની પર્ણ અને પુષ્પ સાથેની શાખા

કોષવિજ્ઞાન : તેના કોષોમાં દ્વિગુણિત (diploid) રંગસૂત્રોની સંખ્યા, 2n = 20 છે.

પરિસ્થિતિવિજ્ઞાન : નેપાળો વિવિધ પ્રકારના વનસ્પતિસમૂહ સાથે અનેક  પ્રકારની જમીનમાં 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં સામાન્યત: ગામડાંઓની ફરતે વાવવામાં આવે છે. તે 600–1200 મિમી. વાર્ષિક વરસાદ પડતો હોય તેવા પ્રદેશમાં 21–27.5° સે. તાપમાને અને 4.5–7.5 pH આંક ધરાવતી જમીનમાં થાય છે.

પ્રબંધ : નેપાળાનું પ્રસર્જન (propagation) પ્રકાંડના કટકારોપણ કે બીજ દ્વારા થાય છે. દર કિલોગ્રામે લગભગ 4150 જેટલાં બીજ હોય છે. તેનું વાવેતર અમિશ્ર (pure) પાક કે આંતરપાક (intercrop) તરીકે કરવામાં આવે છે. છાયા આપતા કોકો કે કૉફી સાથે તે આંતરપાક તરીકે ઉગાડાય છે. વાવણી પછી 1.5 વર્ષે પુષ્પનિર્માણ શરૂ થાય છે. ત્રીજા વર્ષે બીજનું  ઉત્પાદન 200–750 કિગ્રા. /હેકટર અને છઠ્ઠા વર્ષે 750–1000 કિગ્રા./હેકટર ઉત્પાદન આપે છે.  પૂર્ણ વિકસિત નેપાળો વધારેમાં વધારે 2000 કિગ્રા./હૅકટર બીજનું ઉત્પાદન કરી શકે છે. અગ્નિ-એશિયામાં બીજ નવેમ્બર-ડિસેમ્બરમાં પાકે છે. ફળો ફાટે તે પહેલાં બીજનું એકત્રીકરણ કરવામાં આવે છે.

રોગો અને જીવાત : Colletotrichum dematium નામની ફૂગ દ્વારા ગંભીર શાખાનો સુકારો (blight, ઝાળ) થાય છે. ચેપની ક્રિયાની શરૂઆત 23 વર્ષના છોડના પાનની નીચેની સપાટીએથી નેર્ઋત્ય મોસમી પવનો દરમિયાન થાય છે. આ ચેપ શાખાઓ તરફ પ્રસરે છે. રોગનું ચિહન 57 મિમી. વ્યાસ ધરાવતાં રાખોડી-ભૂખરાં ટપકાં સ્વરૂપે જોવા મળે છે. દરેક ટપકું બદામી કે કાળા વલય દ્વારા ઘેરાયેલું હોય છે. ડાઇથેન [email protected] 2 %  દર પંદર દિવસે પર્ણોને છાંટવાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે.

નેપાળાના મૂળની ગાંઠમાં રહેતાં સૃત્રકૃમિ ગાંઠનો રોગ કરે છે.

રાસાયણિક બંધારણ : વનસ્પતિના બધા ભાગો ઝેરી હોય છે. બીજનું રાસાયણિક વિશ્લેષણ વિસ્તૃતપણે થયું છે. બીજ 3045 % જેટલું સ્થિર તેલ (ક્રોટોન ઑઇલ) અને લગભગ 20 % જેટલું પ્રોટીન ધરાવે છે. તેલનું બંધારણ નિષ્કર્ષણ(extraction)ની પદ્ધતિ પર આધાર રાખીને જુદું જુદું હોય છે. તેલ ઘટ્ટ હોય છે અને વમનકારી (nauseous) ગંધ તથા  શરૂઆતમાં મંદ, પરંતુ પાછળથી ઉગ્ર તીખો સ્વાદ ધરાવે છે. ભારતીય તેલ આછું પીળું અને ઇંગ્લૅન્ડનું સામાન્યત: ઘેરું બદામી હોય છે.

ક્રોટોન તેલની ભૌતિક-રાસાયણિક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ. ગુ.15° 0.9320–0.9501; nD20° (વક્રીભવનાંક) 1.4734–1.4810; ઍસિડ આંક 2-55; સાબૂકરણ-આંક 200–215; આયોડિન આંક 102–115; [aD]20(પ્રકાશિક ઘૂર્ણન) +5° થી +9°; ગલનબિંદુ  –7°થી –16°  સે. તેલમાં આવેલા વિવિધ ફૅટી ઍસિડોનું પ્રમાણ આ મુજબ છે : ઑલેઇ ઍસિડ 37 %, લિનોલીક ઍસિડ 19 %, મિરિસ્ટિક ઍસિડ 7.5 %, ઍરેકિડિક ઍસિડ 1.5 %, પામિટિક ઍસિડ 0.9 %, ફૉર્મિક ઍસિડ 0.8 %, ઍસિટિક ઍસિડ 0.6 %, સ્ટીઅરિક ઍસિડ 0.3 %. આ ઉપરાંત અલ્પ પ્રમાણમાં બ્યૂટીરિક ઍસિડ, લૉરિક ઍસિડ, ટિગ્લિક ઍસિડ અને વૅલેરિક ઍસિડ હોય છે. તેલમાં ક્રોટિન નામનો ઝેરી પ્રોટીનનો એક સમૂહ હોય છે. ઉપરાંત, તેલ ક્રોટોન રાળ (ક્રોટોનૉલ) લગભગ 3.5 %, ક્રોટોનોસાઇડ (2  હાઇડ્રૉક્સિ-6 ઍમિનો પ્યુરિનનો   રાઇબોસાઇડ) નામનો ગ્લુકોસાઇડ અને એક રેચક ગુણધર્મ ધરાવતો  અબાષ્પશીલ અસંતૃપ્ત ફૅટીઍસિડ ધરાવે છે. નેપાળાનું તેલ ત્વચા ઉપર ઉગ્ર શોથજ (inflammatory) ક્રિયા કરે છે. તેનો પ્રયોગશાળામાં પ્રાયોગિક પ્રાણીઓમાં શોથ (oedema/edema) પ્રેરવા ઉપયોગ થાય છે.

ક્રોટિન–I અને II અનુક્રમે 40 KD(Kilo Dalton) અને 15 KD અણુભાર ધરાવતાં વિષ (toxin) છે. તેમનું બીજમાંથી અલગીકરણ કરવામાં આવ્યું છે. ક્રોટિનI માટે ઉગ્ર LD50 (lethldose, વિનાશક માત્રા) માત્રા 72 કલાકે 0.45 મિગ્રા. /ઉંદર અને ક્રોટિન-IIની LD50 2.23 મિગ્રા./ ઉંદર જોવા મળી છે. ક્રોટિન-II સુકોષકેન્દ્રી (eukaryotic) રાઇબોઝોમમાં પ્રોટીનસંશ્લેષણ અટકાવે છે. તે રુધિરસંલાયી (haemolytic) અને વિલંબિત ઝેરી અસર સાથે રુધિર-ગંઠક (blood coagulant) તરીકેનો ગુણધર્મ ધરાવે છે. મનુષ્યમાં રક્તકણો માત્ર વિરૂપ બને છે અને પ્રતિદ્રવ્ય (antibody) નિર્માણ ઝડપથી પ્રેરાય છે.

બીજના તેલનો સ્ફોટકર (vesicant) અને પ્રકોપક (irritant) ગુણધર્મો નેપાળાની રાળને કારણે છે. આ રાળ લાંબી શૃંખલા ધરાવતા ફૅટી ઍસિડોના ઍસ્ટર અને ડાઇટર્પીન ફોર્બોલની બનેલી હોય છે. નેપાળાના બીજના મિથેનૉલીય નિષ્કર્ષમાંથી પાંચ ફોર્બોલ ડાઇઍસ્ટર(ત્રણ જાણીતા ફોર્બ્વેલ ડાઇઍસ્ટર સાથે)ને અલગ કરવામાં આવ્યા હતા અને તેમની સંરચનાનું વર્ણપટદર્શી (spectroscopic) અને ‘એસીલ’ જૂથોના પસંદગીમય જલાપઘટન દ્વારા નિર્ધારણ કરવામાં આવ્યું હતું. આ ફોર્બોલ ડાઇઍસ્ટરોમાં 13-0-એસિટાઇલફોર્બોલ-20-લિનોલીએટ; 13-O-ટિગ્લોઇલફોર્બોલ-20-લિનોલીએટ; 12-O-એસિટાઇલફોર્બોલ-13-ટિગ્લીએટ; 12-O-ડેકાનૉઇલફોબૉર્લ-13-(2-મિથાઇલબ્યુટાઇરેટ); 12-O-ટિગ્લોઇલફોબૉર્ર્લ-13-(2-મિથાઇલ બ્યુટાઇરેટ); 12-O-એસિટાઇલફોર્બોલ-13-ડેકાનૉએટ; 12-O-(2-મિથાઇલ બ્યુટાઇરૉઇલ) ફોર્બોલ-13-ડોડેકાનોએટ, અને 12-O-ટેટ્રાડેકાનૉઇલફોર્બોલ -13-ઍસિટેટનો સમાવેશ થાય છે.

આ ફોર્બૉલ ઍસ્ટર વિરોધાભાસી(paradoxical) જૈવસક્રિયતા દર્શાવે છે. કેટલાક ઍસ્ટર ઉગ્ર સહકૅન્સરજન (cocarcinogen)  હોય છે; તો અન્ય પ્રતિકૅન્સર (anticancer) ગુણધર્મ ધરાવે છે. 12-0-ટેટ્રાડેકાનૉઇલ-ફોર્બૉલ-13-ઍસિટેટ (TPA) પ્રમાણિત અર્બુદ-પ્રેરક (tumor-promoting) પ્રક્રિયક છે. કેટલાક અન્ય ઍસ્ટર નાસા-ગ્રસની (nasopharygeal) કૅન્સરના રોગકારકો (causative agents) છે; કારણ કે તેઓ એપ્સ્ટેઇન-બાર વાઇરસને ઉત્તેજિત કરી શકે છે. તેથી વિપરીત, ફોર્બૉલ 12 – ટિગ્લેટ -13 ડેકાનૉએટ ઉંદરોમાં P-388 લસિકાકણીય (lymphocytic) શ્વેતરક્તતા (leukaemia) નામના કૅન્સર સામે અવરોધક (inhibitory) અસર દર્શાવે છે.

12-0-ઍસિ-ટાઇલફોર્બૉલ-13-ડેકાનૉએટ અને 12-0 ડેકાએનૉઇલફોર્બૉલ-13-2-મિથાઇલબ્યુટાઇરેટ પ્રોટીનકાઇનેઝ cને ઉત્તેજિત કર્યા સિવાય HIVI પ્રેરિત MT-4 કોષો ઉપર કોષરોગજનક(cytopathic) અસરનો સક્ષમ અવરોધ કરે છે. ઉંદરમાં કેટલાક પ્રકારના કૅન્સરના કોષો સામે ક્રોટોનાસાઇડ કોષવિષાળુ (cytotixic) અસર દાખવે છે. ક્રોટોનોસાઇડ એક પ્રકારનું ઓછું ઝેરી ગ્લાયકોસાઇડ છે.

ફોબૉર્લ ઍસ્ટરોની પ્રાથમિક પ્રક્રિયા જૈવિક પટલો ઉપર થાય છે. તેઓ ઉભયરાગી (amphiphitic) અણુઓ છે અને ફૉસ્ફોલિપિડ પટલમાં રહેલા સ્વીકારકો (receptors) સાથે બંધન પામવાનું તેમનું વલણ હોય છે. તેથી સ્વીકારકોની સક્રિયતાઓમાં ફેરફાર થાય છે; 2-ડીઑક્સિગ્લુકોઝ અને અન્ય પોષકોના અંતર્ગ્રહણની ક્રિયામાં વધારો થાય છે; કોષ આસંજન(adhesion)માં પરિવર્તન થાય છે; એરેકિડોનિક ઍસિડની મુક્તિ અને પ્રોસ્ટાગ્લેન્ડિન સંશ્લેષણનું પ્રેરણ થાય છે. કોષની સપાટીએ આવેલા સ્વીકારકો સાથે અધિચ્છદીય વૃદ્ધિકારક(epidermal growth factor, EGF)ના બંધનનો પ્રતિરોધ (inhibition) થાય છે અને લિપિડના ચયાપચય (metabolism)માં ફેરફાર થાય છે. ફોર્બોલની સૌથી મહત્વની સક્રિયતા તેનું પ્રોટીનકાઇનેઝ c (PKC) સાથેનું બંધન અને તેથી થતું PKCનું સક્રિયણ (activation) છે. ફોર્બોલ PKCને અતિસક્રિયિત કરે છે અને કોષ વિપુલોદભવન (proliferation)નો પ્રારંભ કરી કૅન્સરજનો(carcinogens)ની કાર્યસાધકતામાં વધારો કરે છે.

ક્ષીરરસ (latex) અને પ્રકાંડની છાલના જલીય નિષ્કર્ષો મીઠા પાણીમાં થતી ગોકળગાયો, Lymnea acuminute અને Indoplanorbis exustus સામે મૃદુકાયનાશી (mollusciadar) પ્રક્રિયા કરે છે. આ નિષ્કર્ષોની ઊંચી માત્રા મીઠા પાણીની માછલી, Channa punctatus માટે વિનાશક હોય છે.

ક્રોટૉનનું તેલ મુખ દ્વારા વધારે માત્રામાં લેવામાં આવે તો મોંથી માંડી જઠર સુધી ગરમ બળતરા થાય છે. તેને કારણે પુષ્કળ લાળ છૂટે છે;  ઊલટી થાય છે; ઝાડા થાય છે; અને ચક્કર આવે છે. અતિશય પરસેવો થઈને વ્યક્તિ ઢીલી પડી જાય છે અને લોહીનું દબાણ ઘટે છે; ક્યારેક મૃત્યુ પણ થાય છે. જો તેલ ચામડી પર પડે તો ત્યાં બળતરા થાય છે અને લાલાશ થઈ આવે છે તથા ક્યારેક ફોલ્લા પણ ઊપસે છે.

ચાર બીજ કે બે મિલી. તેલનું સેવન 6 કલાકથી 3 દિવસમાં મૃત્યુ નિપજાવે છે. સારવાર રૂપે જઠરને પ્રવાહી વડે સાફ કરી બળતરા શમે તેવી દવાઓ અપાય છે; દા. ત., પ્રત્યામ્લો (antiacids) લોહીનું દબાણ ઘટે તો તેને વધારવાની સારવાર કરાય છે. મૃત્યુ બાદ જો શબ-પરીક્ષણ (postmortem examination) કરાયું હોય તો જઠર અને આંતરડાની દીવાલમાં રુધિરભારિતા (congestion), શોથ (inflammation) અને ચાંદાં જોવા મળે છે. અન્ય અવયવોમાં પણ રુધિરભારિતા થાય છે. બળતરા અને ચચરાટને કારણે સ્થાનિક નસો પહોળી થાય છે. લોહી પુષ્કળ પ્રમાણમાં વહેવા માંડે છે તથા લોહીના કોષો અને પ્રવાહી પેશીમાં ભરાય છે. તેને રુધિરભારિતા કહે છે. તેને લીધે પેશી લાલ અને ગરમ થઈ જાય છે; સૂજી જાય છે અને તેમાં દુખાવો થાય છે. લાલ, ગરમ, સૂજેલી પેશીના પીડાકારી વિકારને શોથ કહે છે.

નેપાળાનું તેલ બધા જ રેચકોમાં સૌથી ઉગ્ર રેચક છે. તેની અલ્પમાત્રાથી પણ તીવ્ર રેચન અને ઊલટી થાય છે. તેનો ઉગ્ર વિરેચક (cathartic)  તરીકે સંમિશ્રણમાં મંદકો (diluents) સાથે મર્યાદિત ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ન્યુમોનિયા અને રાંઝણમાં રક્તિમારક (rubefacient) ચોળવાના ઔષધના ઘટક તરીકે ઘણી વાર વપરાય છે. જોકે આ ઉપયોગ માટે પણ તે બિનસલામત છે, કારણ કે તેનાથી ત્વચા ખરી પડે છે. બ્રિટિશ, અમેરિકા અને ડચ ઔષધકોશો-(pharmacopoeias)માંથી આ વનસ્પતિને રદ કરવામાં આવી છે. ભારતીય ઔષધકોશમાં તેને લિનિમન્ટ (liniment) તરીકે હજુ પણ સ્વીકૃતિ અપાયેલી છે. પશુચિકિત્સામાં તેના ફોડલા પર લગાડવાના મલમ તરીકે કેટલીક વાર ઉપયોગ થાય છે, પરંતુ વિરેચક તરીકે ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે.

નેપાળાનું કાષ્ઠ, અલ્પ માત્રામાં પ્રસ્વેદક (diaphoretic)  હોવાનું મનાય છે; પરંતુ વધારે માત્રામાં રેચક અને વમનકારી (emetic)  હોય છે.

આયુર્વેદ અનુસાર, તેના ગુણધર્મો આ પ્રમાણે છે :

ગુણ

ગુણ – ગુરુ, રુક્ષ, તીક્ષ્ણ           રસ – કટુ

વિપાક – કટુ                     વીર્ય – ઉષ્ણ

કર્મ

દોષકર્મ – તે કફ પિત્તહર છે.

બાહ્ય કર્મ – તે લેખન, વિદાહી અને સ્ફોટજનન છે.

પાચનતંત્ર – તે તીવ્ર રેચન અને કૃમિઘ્ન છે; તેથી જઠરમાં ક્ષોભ થાય છે, પેટમાં મરોડ થાય છે, આંત્રકલામાં સોજો આવે છે અને અધિક સંખ્યામાં પાણી જેવા ઝાડા થાય છે.

રુધિરાભિસરણતંત્ર – તે શોથહર છે.

સાત્મીકરણ – તે વિષઘ્ન છે.

પ્રયોગ

દોષપ્રયોગ – તે કફ અને પિત્તના રોગોમાં ઉપયોગી છે.

બાહ્ય પ્રયોગ – શોથ અને વેદનાયુક્ત વિકારોમાં, ચામડીના રોગોમાં અને ખાલિત્યમાં તેનો લેપ કરવામાં આવે છે. તેલના રૂપમાં તે ધ્વજભંગ(નપુસંકતા લાવે તેવો રોગ)માં શિશ્ન ઉપર લગાવાય છે.

પાચનતંત્ર – જીર્ણ વિબંધ, કૃમિ, વિશેષત: જલોદર વગેરેમાં રેચન માટે તેનો પ્રયોગ થાય છે.

રુધિરાભિસરણતંત્ર – તે સર્વાંગ શોથમાં ઉપયોગી છે.

સાત્મીકરણ – જંગમ વિષ(ખાસ કરીને સર્પવિષ)માં બીજને લીંબુના રસમાં ઘસીને આંખમાં અંજન કરવાથી તેનું વિષ તરત ઊતરી જાય છે.

ઔષધીપ્રયોગો  (1) વીંછીના દંશ ઉપર : નેપાળાનાં બીજને પાણીમાં વાટી તેનો લેપ ડંખ ઉપર કરવામાં આવે છે. (2) સાપના વિષ ઉપર : નેપાળાનાં બીજમાંના મીંજને લીંબુના રસના 21 પુટ આપી તેને ખરલ કરી લાંબી ગોળી બનાવી મનુષ્યની લાળમાં ઘસી તેનું અંજન કરવામાં આવે છે. (3) આધાશીશી ઉપર : નેપાળાનાં બે કે ત્રણ બીજના મીંજને લીમડાના રસમાં ઘસી જે બાજુ માથું દુખતું હોય તે બાજુની આંખની ભ્રમર ઉપર સળીથી ચોપડવામાં આવે છે તેથી થોડો ચચરાટ થશે, પરંતુ તે જ દિવસે માથું દુખતું બંધ થાય છે. (4) ગંડમાળા ઉપર : નેપાળાનાં પાન વાટી તેના અંગરસની થેપલી છાંયડામાં સૂકવી તેનો લેપ કરવામાં આવે છે. (5) હૃદયોદરમાં અથવા લોહીમાંથી પાણી જલદી ઓછું કરાવવું હોય ત્યારે નેપાળાનું તેલ આપવામાં આવે છે. મસ્તિષ્કમાં શિરા તૂટી અર્ધાંગવાયુ થયો હોય ત્યારે નેપાળાનું તેલ અથવા જુલાબ આપવામાં આવે છે. દર્દી બેભાન હોય તો નેપાળાના તેલનું એક ટીપું માખણમાં મિશ્ર કરી જીભ ઉપર ઘસવામાં આવે છે. હૃદયોદરમાં નેપાળો બહુ લાભદાયી છે; પરંતુ જો જુલાબ બંધ ન થાય તો કાથાને પાણીમાં ઘસી પિવડાવાય છે અથવા લીંબુનો રસ આપવામાં આવે છે. (6) કબજિયાત ઉપર : એક ગ્રા. ત્રિકટુ ચૂર્ણ, 0.06 ગ્રા. નેપાળાના બીજનું ચૂર્ણ, 0.12 ગ્રા. ટંકણ પાણી લેવાથી કબજિયાત મટે છે. (7) મોડશી (કોગળિયું, કૉલેરા) ઉપર  : નેપાળાનાં મૂળ છાશમાં ઘસી પિવડાવાય છે. પછી તે મૂળ પાણીમાં ઘસી શરીરે લેપ કરવામાં આવે છે. (8) શ્વાસનો હુમલો : એક લાંબી સોય ઉપર બીજ લઈ દીવાની જ્યોત પર ઘસી તેનું ધૂમ્રપાન દર્દીને કરાવવામાં આવે છે અને બળેલા બીજનો ચોથો ભાગ રહે ત્યારે પાન સાથે ખવડાવાય છે.

માત્રા : બીજ 25–50 મિગ્રા., તેલ : અર્ધું કે એક ટીપું

પ્રસિદ્ધ ઔષધો : જ્વરમુરારિરસ, ઇચ્છાભેદીરસ, જલોદરારિરસ

નોંધ : નેપાળો અત્યંત ઉગ્ર હોવાથી નબળાઈ ધરાવતી વ્યક્તિઓને સેવન નહિ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ પણ દર્દીએ નેપાળાનું સેવન વૈદ્યના માર્ગદર્શન હેઠળ કરવું ઇચ્છનીય છે.

जयपालो दन्तिबीजं विरव्यतिं तिन्तिडीफलम् ।

जयपालो गुरुस्तीक्ष्णोरेची पित्तकफापहा ।।

ભાવપ્રકાશ

जेपाल: कटुरुष्णाश्च कृमिहारी विरेचन : ।

दीपन : कफवातघ्नो जलोदरविनाशन : ।।

                                                            રાજનિઘંટુ

આદિત્યભાઈ છ. પટેલ

રવીન્દ્ર  ભીંસે

શિલીન નં. શુક્લ

બળદેવભાઈ પટેલ

રાજેન્દ્ર ખીમાણી