નેપાળી ભાષા અને સાહિત્ય : ઇન્ડોઆર્યન જૂથની, નાગરી લિપિમાં લખાતી નેપાળ રાજ્યની અધિકૃત  ભાષા. નેપાળમાં કિરાતી, ગુરુંગ (મુરમી), તામંગ, મગર, નેવારી, ગોરખાલી વગેરે બોલીઓ પ્રચલિત છે. રાજધાની કાઠમંડુના વિસ્તારમાં વસેલી નેવાર જાતિને પ્રાગૈતિહાસિક ગંધર્વો, કિરાતો અને પ્રાચીન યુગના લિચ્છવીઓની આધુનિક પ્રતિનિધિ પ્રજા માની શકાય. નેવાર જાતિ પોતાની બોલીને ‘નેપાળી ભાષા’ તરીકે ઓળખાવે છે. નેપાળીભાષી લોકોની સંખ્યા નેપાળની કુલ વસ્તીના લગભગ 65 % જેટલી છે. નેવારી ભાષાનું પોતાનું દૈનિક પત્ર છે. જોકે નેપાળની સર્વમાન્ય રાષ્ટ્રભાષા નેપાળી છે.

કેટલાક ભાષાશાસ્ત્રીઓ નેપાળી ભાષાને ભારતીય કુળની એક નવી ભાષા તરીકે ઓળખાવે છે. તે ભારતનાં બિહાર અને ઉત્તરપ્રદેશનાં રાજ્યોમાંથી ઊતરી આવેલી છે. તિબેટની દક્ષિણ અને પૂર્વપશ્ચિમ લાંબી પટીમાં તે બોલાય છે. તેનું ક્ષેત્ર નેપાળ અને તેની દક્ષિણે આવેલ કેટલાક ભારતીય પ્રદેશમાં છે. નેપાળના લોકોની તે માતૃભાષા છે. ઉપરાંત ત્યાં વસવાટ કરનાર અન્ય લોકો તેને સમજી અને બોલી શકે છે. ભારતીય ભાષાઓ બોલનારા પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, સિક્કિમ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના લોકો અહીં વસે છે. સિક્કિમ, દક્ષિણ ભુતાન, ભારતનાં ઈશાન (ઉત્તર-પૂર્વનાં) રાજ્યો, પશ્ચિમ બંગાળના ઉત્તર તરફના પ્રાંતો, ઉત્તરપ્રદેશ, હિમાચલ, પંજાબ વગેરેમાં અત્ર-તત્ર નેપાળી ભાષા બોલાય છે. ભાષાશાસ્ત્રી સુનીતિકુમાર ચૅટરજી નેપાળી ભાષાને ભારતની મુખ્ય ભાષાઓમાંની એક ગણે છે. એ જ રીતે આર. એલ. ટર્નર પણ નેપાળીને સ્વતંત્ર ભાષા માને છે.

સૌથી જૂનું નેપાળી ભાષાનું લખાણ મધ્યપશ્ચિમ નેપાળમાં ‘દુલ્લુ’ પથ્થરના સ્તંભ પર મળી આવે છે (ઈ. સ. 903). આ નેપાળી ભાષા ભારતીય ભાષાના કુલની હોઈ તેનો  વિકાસક્રમ ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરેને અનુસરે છે. રાજકીય ભારત અને રાજકીય નેપાળના ઉદયના ઘણા સમય પહેલાં નેપાળી ભાષા અને સાહિત્યનો ઉછેર હિંદુસ્તાન ઉપખંડમાં થયાની માન્યતા છે. નેપાળી ભાષાનો સંસ્કૃત સાથેનો સંબંધ સ્પષ્ટ છે. બંને ભાષાઓના શબ્દોના ઉચ્ચારમાં સામ્ય  છે. વળી બંને વચ્ચે વ્યાકરણની કેટલીક બાબતોમાં પણ સામ્ય છે.

નેપાળી ભાષાના ઉદગમ અંગે ભાષાશાસ્ત્રીઓમાં મતભેદ છે. જોકે તે ભાષાને નેપાળી તરીકે ઓળખવામાં આવી તે પહેલાં કેટલાક તબક્કામાં પસાર થતી વખતે તે ‘ખસ-કુરા’, ‘પરબતે’, ‘પરબતિયા’, ‘ગોરખાલી’ કે ‘ભાષા’ તરીકે ઓળખાતી હતી. ઓગણીસમી સદીના દસ્તાવેજોમાં આ ભાષા ‘ગિરિરાજ ભાષા’ તરીકે ઓળખાય છે.

ઇન્ડો-આર્યન ખસ બોલી તે જ કુળની અન્ય બોલીઓ સાથે સંપર્કમાં આવતી ગઈ. વળી ઉત્તર તથા પશ્ચિમ હિંદુસ્તાન પર મુસ્લિમ આક્રમણ થતું ગયું તેમ કેટલાક બ્રાહ્મણો અને રજપૂતોએ નેપાળમાં નિર્વાસિત તરીકે આશરો લીધો. સાથે સાથે તિબેટો-બર્મન મૉંગોલૉઇડ્ઝ – મૉંગોલિયન લોકોએ તેમની બોલીઓ સાથે નેપાળી ભાષાનો વિકાસ કર્યો. સવિશેષ તો ગુરખા પ્રજા જેમ જેમ રાજકીય સૂઝ ધરાવતી ગઈ તેમ તેમ કેટલીક બોલીઓ અને લિખિત ભાષાનાં સ્વરૂપો વિકસિત થતાં ગયાં. આમ પ્રમાણભૂત નેપાળી ભાષા ઘડાતી ગઈ. ભારતની ભાષાઓની જેમ નેપાળીએ પણ અન્ય ભાષાઓમાંથી શબ્દો મેળવ્યા છે. મૈથિલી, રાજસ્થાની, ભોજપુરી, અવધી, હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી ઉપરાંત તિબેટ-બર્મા સરહદની અને ઑસ્ટ્રિક ભાષાઓમાંથી તેમજ પરદેશી ભાષાઓ ફારસી, અરબી, તુર્કી, પોર્ટુગીઝ અને અંગ્રેજી ભાષામાંથી કેટલાક શબ્દો નેપાળીમાં દાખલ થયા છે.

ભારતીય આર્યભાષાની જુદી જુદી શાખાઓ પૈકી એકમાં પંજાબી, રાજસ્થાની, ગુજરાતી, પશ્ચિમી હિન્દી, પહાડી અને નેપાળીની ગણના કરવામાં આવે છે. નિ:સંદેહ આધુનિક નેપાળીમાં પંજાબી, ગુજરાતી, અવધી, રાજસ્થાની અને વ્રજબોલીની વિશેષ ઝલક જોવા મળે છે. ‘હૈ’- ને માટે ‘છ’, ‘છુ’, ‘છન્’નો પ્રયોગ ગુજરાતીની જેમ થાય છે. ‘ઊભા રહેવા’ માટે નેપાળીમાં ‘ઉભી રહનુ’ કહે છે.

‘તલી’ શબ્દ રાજસ્થાની સાથે સમાનતા દર્શાવે છે. ‘છાલા’ (ચામડું), બહુવચન માટે ‘હરૂ’ શબ્દનો પ્રયોગ –  નારીહરૂ = નારિયાઁ, બાલકહર = છોકરાઓ, અવધી ભાષાના ‘હરે’ (રામઅવધ હરે આવત રહે હૈં) શબ્દની યાદ અપાવે છે. વ્યંજનવિપર્યયવાળા શબ્દો નેપાળીમાં વિપુલ પ્રમાણમાં છે, જે ભોજપુરીની ઝલક આપે છે; દા. ત., ‘વિરામી’ (બીમારી), ‘વેલુકી’ (વિકાલી = સાંજ), ‘નિમ્તી’ (નિમિત્ત) વગેરે. ‘મંદા’ (અપેક્ષા), ‘સમ્ભ’ (તક), ‘સોહી’ (સોઈ, વહી), ‘બાહૈક’ (અતિરિક્ત), ‘વિસ્તાર’ (ધીરે), ‘છીટો’ (જલદી), ‘ઠૂલો’ (મોટું) વગેરે લગભગ 100 શબ્દોની જાણકારી હોય તો હિન્દી ભાષાના જાણકાર માટે નેપાળી વિદેશી ભાષા રહેતી નથી. બંગાળી, ગુજરાતી, મરાઠી, પંજાબી ભાષા કરતાં નેપાળી હિંદીની વધુ નજીક છે. નેપાળી ભાષાનું વ્યાકરણ એકંદરે અન્ય ભારતીય ભાષા જેવું અને હિંદીને અધિક મળતું આવે છે. નેપાળીમાં કેટલાક શબ્દો એવા છે જે અન્ય હિંદી આર્ય ભાષામાં નથી; દા. ત., ‘હુલાક’ (પોસ્ટઑફિસ – ‘બલાહક’નું અપભ્રંશ), ‘પસલ’ (દુકાન, સં. ‘પણ્યશાલ’નું અપભ્રંશ). નેપાળીમાં ફારસી ભાષાના કેટલાક શબ્દો હિંદીમાં પ્રચલિત શબ્દોના નિતાંત ભિન્ન અર્થમાં મળે છે. દા. ત., ‘બાજાપતા’ (કાનૂની નહિ, પણ ગેરકાયદેસરના અર્થમાં), ‘રાજીનામા’ (સમજૂતા નહિ, પણ ત્યાગપત્રના અર્થમાં – મરાઠીની જેમ) વગેરે.

નેપાળીમાં સૌપ્રથમ શબ્દો ઉચ્ચાર પ્રમાણે લખવામાં આવતા અને બોલીઓ પ્રમાણે બદલાતા રહેતા. હલન્ત ચિહન વ્યંજન માટે વપરાતું, જેથી કોઈ સ્વર આવા વ્યંજન પછી નથી એ જાણી શકાતું. રમ્માની આચાર્ય દીક્ષિતે બનારસથી પ્રસિદ્ધ થતા ‘માધવી’(1908)માં લેખનકાર્ય કરતાં હલન્તનો બહિષ્કાર કર્યો. પંડિત હેમરાજ શર્માએ મધ્યમમાર્ગ સ્વીકારતાં હલન્તનો ઉપયોગ ક્રિયાપદો પૂરતો મર્યાદિત રાખવા જણાવ્યું. જોડણીના નિયમોને પણ સુદૃઢ અને નિશ્ચિત સ્વરૂપ આપવામાં આવ્યું. ભાષાવિજ્ઞાનના પદ્ધતિસરના અભ્યાસ દ્વારા નેપાળી ભાષાના મહાનંદ સપકોટા, બાલકૃષ્ણ, પોખરેલ, ચૂડામણિ બંધુ, તારનાથ શર્મા, બલ્લવમણી ડેહલ અને માધવપ્રસાદ પોખરેલ જેવા તદ્વિદોએ નેપાળી ભાષાને સુપેરે પ્રતિષ્ઠિત કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે.

નેપાળી સાહિત્ય : નેપાળી સાહિત્યનો પ્રારંભ અઢારમી સદીના મધ્યકાળથી ગણી શકાય. તે પૂર્વેનું નેપાળી સાહિત્ય સંસ્કૃત અને નેવારી ભાષામાં મળી આવે છે. તે મુખ્યત્વે ધાર્મિક વિષયનું છે. ગદ્યમાં ‘નેપાળ મહામત્સ્યપુરાણ’, ‘સુમતિતંત્ર’, ‘મૂલ કલ્પતરુ’ વગેરે છે. રાજવંશી કુટુંબોનો ઇતિહાસ, વંશાવલી, સનદપત્ર, વિધિસંહિતા અને સ્તંભ ઉપર કોતરેલ લખાણોનો આમાં સમાવેશ થાય છે.

સુબનંદદાસ નેપાળના પ્રથમ કવિ. સંસ્કૃત ગ્રંથ ‘ભાસ્વતી’નું નેપાળી ભાષાંતર ઈ. સ. 1400થી શરૂ થયું હોવાનું મનાય છે. નેપાળીમાં પ્રથમ લખાણ પદ્યમાં થયું છે. નેપાળી સાહિત્યના આદિકાળ (1742–1815), ભક્તિકાળ (1816–1872), રીતિકાળ (1873–1917), આધુનિક યુગ–1 (1904–1950) અને આધુનિક યુગ–2 (1951–આજ પર્યંત) એવા તબક્કા છે.

નેપાળી સાહિત્યનો આદિકાળ તે તેનો વીરગાથા-કાળ છે, નેપાળના શૂરા રાજકુમારો, તેમણે યુદ્ધોમાં દાખવેલી વીરતા અને રાજાઓનાં સત્તા અને શાણપણની યશગાથાના સાહિત્યનો તે કાળ છે. શક્તિ બલ્લવ, ઉદયાનંદ, આરયલ, રઘુનાથ ભટ્ટ અને હીરા ગૈન્યાની આવી વીરગાથાના કવિઓ છે. શાહ રાજવંશ અને તેની શક્તિ અને શૌર્ય-વિષયક પદ્યરચનાઓમાં રઘુનાથ અને હીરા વિશેષ સુપ્રસિદ્ધ છે.

પ્રથમ ભક્ત કવિ ગુમાની પટનાએ ‘કૃષ્ણ-ચરિત્ર’ની રચના કરી, જે ત્યારપછીના કવિઓ માટે પ્રેરણાદાયી બની. આ પરંપરામાં ઇન્દિરસે ‘ગોપિકા-સ્તુતિ’ અને વિદ્યારણ્ય કેસરીએ ‘દ્રૌપદી-સ્તુતિ’, ‘યુગલગીતિ’ અને ‘બેનુગીતિ’ રચ્યાં. યદુનાથ અને બસંત શર્મા બંનેએ ‘કૃષ્ણ-ચરિત્ર’ અનુક્રમે 1816 અને 1827માં રચ્યું છે. ગુમાની પંતથી યદુનાથ પોખરેલની કવિતાનો વિષય કૃષ્ણભક્તિ સંપ્રદાય રહ્યો. પતંજલિ ગુજરાલે કૃષ્ણભક્તિ સાથે રામભક્તિ પણ વણી લીધી. ગુજરાલની ‘મત્સેન્દ્રનાથકો કથા’, ‘હરિભક્તિમાલા’ અને ‘ગોપાલબાની’ સુવિખ્યાત છે. ‘રામાશ્વમેધ’ પણ તેમની રચના હોવાનું મનાય છે, પરંતુ રઘુનાથના ‘સુંદરકાંડ રામાયણ’ના નેપાળી ભાષાંતરથી તે નેપાળી સાહિત્યમાં છવાઈ ગયા. ભાનુભક્તનું ‘અધ્યાત્મરામાયણ’ મૌલિક કૃતિ છે. તેમની સરળ અને પ્રવાહી ભાષા ભાવકના હૃદય સોંસરવી નીકળી જાય છે. તે ધાર્મિક કવિ કરતાં લોકમાનસના કવિ વિશેષ છે, કારણ કે તેમની પહેલાંના કવિઓએ બહુધા હિંદી શબ્દોનો અને નેપાળી લોકોની ન હોય તેવી ભાષાનો ઉપયોગ સવિશેષ કર્યો હતો. તે બધા કવિઓએ હિંદી અને સંસ્કૃત ભાષામાંથી પ્રચુર માત્રામાં અનુકરણ કરી કવિતાની ભાષાને પંડિતની ભાષા બનાવી દીધી હતી. નેપાળી ભાષામાં સૌપ્રથમ ભાનુભક્તે કવિતાની ભાષા સામાન્ય માણસની ભાષા હોવી જોઈએ તેમ જણાવ્યું. આમ લોકોની ભાષામાં તેમણે ‘રામાયણ’, ‘ભક્તિમાળા’, ‘દાધુશિક્ષા’, ‘પ્રશ્નોત્તરમાળા’ અને અન્ય ટૂંકાં કાવ્યોની રચના કરી. એમનાં સર્જનો ખૂબ સુંદર, લોકભોગ્ય અને હૃદયંગમ છે, તેથી તજ્જ્ઞો ભાનુભક્ત(1814–1869)ને આધુનિક નેપાળી સાહિત્યના જનક તરીકે ઓળખાવે છે. એમના સમકાલીન બસંત શર્મા (1803–1890) છે. ‘સમુદ્રલહરી’ એમની ‘સવાઇ’ સ્વરૂપની કાવ્યરચના છે. રઘુનાથ ભટ્ટ એ કાળના સાહિત્યકાર છે.

કૃષ્ણભક્તિ અને રામભક્તિ ઉપરાંત નેપાળી કવિતામાં ‘સંત જોશમણિ’નો સંપ્રદાય છે. આમાં પ્રથમ કવિ શશિધરે ‘સચ્ચિદાનંદ લહરી’ રચ્યું. જોશમણિ સંપ્રદાયે નિર્ગુણ ભક્તિનો સિદ્ધાંત આપ્યો છે અને પરંપરાગત મૂર્તિપૂજા અને બલિદાનોને બહિષ્કૃત કર્યાં છે. જોશમણિ પરંપરાના સંત ગ્યાંદિલદાસે સુદીર્ઘ કાવ્ય ‘ઉદયલહરી’ અને 500 જેટલાં ભજનો અને ભક્તિગીતોની રચના કરી છે.

શૃંગારપ્રધાન સાહિત્યના કાળમાં ગદ્ય અને પદ્ય ઉભયનો વિકાસ થયો. જોકે પદ્યમાં ભક્તિને બદલે શૃંગાર રસનો મહિમા થવા લાગ્યો. મોતીરામ ભટ્ટ, રાજીવલોચન જોશી, લક્ષ્મીદત્ત પંત, નરદેવ પાંડે આ પરંપરાના કવિઓ છે. મોતીરામ ભટ્ટે ભાનુભક્તિનું જીવનચરિત્ર લખ્યું. આ ઉપરાંત એમણે ‘કમલ-ભ્રમર-સંવાદ’, ‘પિક-દૂત’, ‘પ્રહલાદભક્તિ’, ‘ગજેન્દ્રમોક્ષ’, ‘ઉષાચરિત્ર’, ‘ગફાસ્તક’, ‘પંચક-પ્રપંચક’, ‘કવિસમૂહવર્ણમ્’, ‘તિજકો કથા’ અને ગઝલોનું પણ સર્જન કર્યું છે. એમણે કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ અને હર્ષકૃત ‘પ્રિયદર્શિકા’નું ભાષાંતર કર્યું. એમણે નેપાળી સામયિક ‘ગોરખા ભારત જીવન’ (1897) શરૂ કર્યું. ખરા અર્થમાં નેપાળી ગદ્યને એમણે પ્રતિષ્ઠિત કર્યું.

મોતીરામ ભટ્ટ પછી નવા યુગમાં નેપાળી ગદ્યનો વિકાસ થતો ગયો. એમણે પ્રકાશનની ‘મોતીકૃષ્ણ ધીરેન્દ્ર કંપની’નો આરંભ કર્યો અને 1886માં ‘ગોરખા ભારત જીવન’ વાચક સામયિક શરૂ કર્યું. જેના તંત્રી રામકૃષ્ણ વર્મા હતા. ‘ચંદ્રિકા’ (કુર્સિયાઁગ, 1918); ‘ગોરખા સંસાર’ (દહેરાદૂન, 1924); ‘નેપાળી સૈન્ય સંમેલન પત્રિકા’ (દાર્જીલિંગ, 1932); અને ‘શારદા’ (નેપાળ, 1932) સામયિકો શરૂ થયાં. આ સામયિકોએ નેપાળી ટૂંકી વાર્તા અને નિબંધનું જતન કર્યું.

કવિતામાં લેખનાથના ‘પિંજરા કો સુધા’, ‘સત્યકલી સંબંધ’, ‘રિતુ-વિચાર’, ‘બુદ્ધિવિનોદ’ અને ‘લાલિત્યબહાર’ નોંધપાત્ર છે. તેમનું ‘તરુણ તપસી’ તત્વચિંતનથી સભર છે. ધરણીધર શર્મા ‘નૈબેદ્ય’ કાવ્યસંગ્રહ દ્વારા સૌષ્ઠવપ્રિય કવિ તરીકે નામના જમાવે છે.

1932માં ‘શારદા’ સામયિકના પ્રકાશન બાદ લક્ષ્મીપ્રસાદ દેવકોટા, સિદ્ધિચરણ શ્રેષ્ઠ અને ગોપાલપ્રસાદ રિમલમાં રોમૅન્ટિક શૈલીની કવિતા પ્રગટ થાય છે. બાલકૃષ્ણ કવિ તેમજ નાટ્યકાર છે અને નેપાળી નાટ્યસાહિત્યના શેક્સપિયર તરીકે તેમની ગણના થાય છે. એમણે નેપાળી ભાષામાં સફળતાપૂર્વક ‘બ્લૅન્ક વર્સ’નો પ્રયોગ કર્યો છે. પુરાણ-કથામાંથી વસ્તુ લઈને ‘પ્રહલાદ’ પદ્યનાટકમાં એમણે મહાત્મા ગાંધી અને દ્વિતીય વિશ્વયુદ્ધની વિનાશકારી શક્તિની વાત કરી છે. તેમણે ‘ધ્રુવ’ પદ્યનાટક ઉપરાંત ‘મૂલુકો કથા’ તથા ‘ભક્ત ભાનુભક્ત’ નાટકો પ્રસિદ્ધ કર્યાં છે. દીર્ઘકાવ્ય ‘આગો રા પાની’ અને ‘ચિસો ચુલો’ જેવું મહાકાવ્ય પરંપરાગત નિયમોને બાજુ પર રાખી રચાયેલાં છે.

મહાકવિ લક્ષ્મીપ્રસાદે ‘શાકુન્તલ’, ‘સુલોચના’, ‘મહારાણા પ્રતાપ’, ‘બનફૂલ’, ‘પ્રોમીથિયસ’, ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેવાં મહાકાવ્યો રચ્યાં. ઉપરાંત, એકવીસ જેટલાં દીર્ઘકાવ્યો અને છસ્સોથી વધુ કાવ્યોની રચના કરી. ‘લક્ષ્મીનિબંધસંગ્રહ’, ‘દાદિમ કો રુખ’ એમના નિબંધસંગ્રહો છે. આ ઉપરાંત ‘ચંપા’ નવલકથા, ‘સાવિત્રી-સત્યવાન’ નાટક અને ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘લક્ષ્મીકથાસંગ્રહ’ પ્રગટ કર્યાં છે.

ગુરુપ્રસાદ મૈનાલી લિખિત ‘નાસો’, બાલકૃષ્ણ સમાનું ‘પરાઈ ઘર’ અને બિશ્વેશ્વરપ્રસાદ કોઇરાલાનું ‘ચંદ્રબદન’  ત્રણેય ટૂંકી વાર્તાના સંગ્રહો 1935માં પ્રસિદ્ધ થયા. નેપાળી ટૂંકી વાર્તામાં નવાં શૃંગો પુષ્કર સમશેરના ‘પરિબંદ’, રૂપનારાયણ સિંહાના ‘ધનમતી કો સિનેમા સ્વપ્ના’, ઇન્દ્ર સુંદાસના ‘ગદાવન’ અને શિવકુમાર રાયના ‘માચા કો મોલ’થી સિદ્ધ થયાં. આ વાર્તાઓ સમાજના અનેક કોયડાઓને રજૂ કરે છે.

બિશ્વેશ્વરપ્રસાદ કોઇરાલાની ‘ચંદ્રબદન’ માનવશાસ્ત્રીય વિશ્લેષણ પર અવલંબિત પ્રથમ કથા છે. ભિકાશા ગોવિંદા, બહાદુર માલા, ગોથાલે અને પોસાન પાંડે બિશ્વેશ્વરપ્રસાદની પ્રણાલિકાને ચાલુ રાખે છે. ગુરુપ્રસાદ મૈનાલીનો ‘પરાલ કો આગો’ (1938), પુષ્કર સમશેરનો ‘પરિબંદા’ (1938) અને શિવકુમાર રાયનો ‘માચા કો મોલ’ (1943) નેપાળી ટૂંકી વાર્તાઓના શ્રેષ્ઠ સંગ્રહોમાં સ્થાન પામે છે.

ઇન્દ્રબહાદુર રાયની ‘બિપના કતિપયા’ (1961) અને ‘કથાસ્થ’ (1971), રમેશ બિકલની ‘નયા સદક કો ગીત’ (1962) અને ‘યુ તો બુરો વાયોલિન આશાવરી કો ધૂન સા’ (1968), પોસન પાંડેની ‘મનસ’ (1968), શંકર લંછનયની ‘ગોથાલી કો કુણ્ડ’ (1968), પારિજાતની ‘આદિમ દેશ’ (1968) અને ‘સદક રા પ્રતિભા’ (1975), પ્રેમા શાહની ‘પહેનલો કુલફ’ (1966), પરશુ પ્રધાનની ‘ફેરી આક્રમણ’ (1968) અને ‘યુતા આર્કો દંતિયા કથા’ (1971) મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધો અને તેમનાં સંઘર્ષ અને મથામણોને રજૂ કરતા આધુનિક ટૂંકી વાર્તાના સંગ્રહો છે.

નેપાળી ટૂંકી વાર્તા, કથાતત્વને બાજુ પર રાખી નવા નવા વિચારો રજૂ કરે છે. આધુનિક ટૂંકી વાર્તાના સર્જકો માને છે કે જીવન કોઈ  વાર્તાવસ્તુના ચુસ્ત ચોકઠા વગર અસ્તિત્વ ધરાવે છે એટલે વાર્તામાં તે અનિવાર્ય નથી. ટૂંકમાં,  વાર્તા એ જીવન છે એવું જ એમણે દર્શાવવું હતું. આમ નેપાળી ટૂંકી વાર્તા વિપુલતા અને પ્રતિભાની દૃષ્ટિએ કવિતા પછી તરત જ મોખરાનું સ્થાન ધરાવે છે.

નવલકથાસાહિત્યમાં 1970 પછી રોમૅન્ટિક વલણ બલવત્તર બને છે. રુદ્રરાજ પાંડેની ‘રૂપમતી’ (1934) નેપાળની પ્રથમ રોમૅન્ટિક નવલકથા છે. અત્યાર સુધી નવલકથાનો સંબંધ સામાજિક પ્રશ્નથી પૂરો થતો અને તેમાં સસ્તું મનોરંજન પીરસવામાં આવતું. ત્યારબાદ રૂપનારાયણસિંહની ‘ભ્રમર’ (1936) આવી. તેની વિરુદ્ધમાં લેઈન સિંહ બેંગ દેલની ‘મુલુક બહિરા’ (1947) અને ‘લંગરા કો સાથી’ (1949) આ અગાઉ અપરિચિત રહેલા વાસ્તવવાદને લઈને આવે છે.

આ નવા અભિગમની સાથે સાથે નેપાળી નવલકથામાં સામાજિક પ્રશ્નોનું વર્ચસ રહે છે. સાસુ અને પતિ દ્વારા વહુ પરના અત્યાચાર અને અન્ય સ્ત્રી સાથેના દ્વિતીય લગ્નને લીધે ઉપસ્થિત થતા પ્રશ્નો અને સ્ત્રીઓ પરત્વે પુરુષપ્રધાન સમાજની સર્વોપરીતા અને તેમના દ્વારા થતી સ્ત્રીઓની પજવણી નવલકથા માટે મુખ્ય બાબત રહે છે.

1960થી શરૂ કરીને નવલકથામાં નવી નારીનો પ્રાદુર્ભાવ થાય છે. નવી નારી સામાજિક રૂઢિઓથી મુક્ત, સ્વતંત્ર સ્વભાવવાળી, સાક્ષર, કુશળ અને કળાસંપન્ન છે. વિજયબહાદુર મલ્લાની ‘અનુરાધા’(1966)માં આ પ્રકારની નારી રજૂ થાય છે. ઇન્દ્રબહાદુર રાયની ‘આજા રમિતા ચા’ (1964), બિશ્વેશ્વરપ્રસાદ કોઇરાલાની ‘તીન ઘૂમટી’ (1965), પારિજાતની ‘સિરિસ કો ફૂલ’(1965)માં આધુનિક સ્ત્રીનું ચરિત્રચિત્રણ કયું છે. અસિત રાયની નવલકથાઓનો પાયો અસ્તિત્વવાદના વિચારો પર નંખાયો છે. પારિજાત પોતે વિશિષ્ટ મહિલા નવલકથાકાર છે. તેઓ ‘સિરિસ કો ફૂલ’માં અસ્તિત્વવાદનું નિરૂપણ કરી આગળ વધતાં ‘આંદિયો પહદ સાંગા’માં માનવજીવનના પાયાના પ્રશ્નો છેડી તેમનાં નિરાકરણો આપવા પણ પ્રયત્ન કરે છે. તેમને સમૂળી ક્રાંતિ સિવાય અન્ય કંઈ ખપતું નથી. અસિત રાય અને ધ્રુબચન્દ્ર ગૌતમ આધુનિક પ્રયોગશીલ નવલકથાકારો છે.

1950 પછી નેપાળી સાહિત્ય કરવટ બદલે છે. સમસ્ત જીવન અને તેના અંગેની દૃષ્ટિ વિશે નવી સમજણનો પ્રાદુર્ભાવ થાય છે. પારસમણિ પ્રધાન દાર્જીલિંગથી ‘ભારતી’ માસિકના સંપાદન દ્વારા ગદ્યનું ખેડાણ કરે છે. વ્યાકરણ વિશે સમજ અને સભાનતા કેળવવાનું કાર્ય થવા માંડે છે. લેખક પોતાની કળા વિશે વિશેષ સભાન બનતો જાય છે.

1963થી ‘તીસરો આયામ’ નામથી નવી સાહિત્યિક ચળવળ દાર્જીલિંગમાં શરૂ થઈ. એના પુરસ્કર્તા ઇન્દ્રબહાદુર રાય, ઈશ્વર બલ્લવ અને બિક્રમ નિલંગ છે. નિલંગ ‘બૈરાગી કંહિલા’ તરીકે ઓળખાય છે. ઇન્દ્રબહાદુર રાય વિવેચક, ટૂંકી વાર્તાના લેખક અને નવલકથાકાર છે. બાકીના બે કવિ છે. જીવનના સમગ્ર અર્થને પામવાનો પ્રયત્ન કરતા આ પ્રકારના સાહિત્યમાં મનુષ્યનાં આંતરિક વલણોને દર્શાવવામાં આવે છે. ‘ત્રીજા પરિમાણ’ની આ ચળવળ, જૂનાં કાવ્યસ્વરૂપો અને છંદોબદ્ધતાને છોડી દઈને સાહિત્યમાં નવી ગદ્યશૈલી, નવી ઉપમાઓ અને પ્રતીકો અને પૂર્વ તથા પશ્ચિમની દંતકથાઓ લાવે છે. નેપાળી સાહિત્ય આધુનિકતા અને પ્રયોગશીલતાનો સ્વીકાર કરીને આગળ ચાલે છે.

વિ. પ્ર. ત્રિવેદી