નિસર્ગોપચાર

January, 1998

નિસર્ગોપચાર : કુદરતી સારવારની ઉપચારપદ્ધતિ. તેમાં તનમનના સ્વાસ્થ્યની જાળવણી અને પુન:પ્રાપ્તિ માટે હાનિકારક ઔષધોના બદલે પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતા આહારવિહાર અને સરળ ઉપચારો ઉપર ભાર મૂકવામાં આવે છે.

નિસર્ગોપચારનો આધાર આવી સમજણ ઉપર છે : (ક) જીવ પ્રકૃતિનો અંશ છે અને પ્રકૃતિના નિયમો અનુસાર જ જીવન સંભવિત છે. (ખ) સ્વાસ્થ્ય જાળવવાની શરીરની પોતાની પ્રાકૃતિક વ્યવસ્થા છે. મનુષ્યે તેમાં વચ્ચે પડવું ઉચિત નથી. બહુ બહુ તો તેમાં સહાયરૂપ થવું જોઈએ. (ગ) પ્રકૃતિના નિયમોનો ભંગ થવાથી શરીરમાં કોઈ ક્ષતિ ઉત્પન્ન થાય અથવા વિકૃતિ આવે તેને રોગ કહે છે. (ઘ) રોગનિવારણ માટે ઔષધિ નામના પદાર્થોનો વિવેકહીન ઉપયોગ બહુ બહુ તો રોગનાં લક્ષણો દાબી દે છે, પણ તે રીતે સાચું સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું નથી. (ચ) સ્વાસ્થ્ય મેળવવા માટે પુન: નૈસર્ગિક જીવનચર્યા અપનાવવી આવશ્યક છે.

શરીર પંચમહાભૂતનું બનેલું છે : પૃથ્વી, પાણી, વાયુ, આકાશ અને અગ્નિ. શરીરનાં સઘળાં સ્પૃશ્ય અંગોમાં પૃથ્વી, પાણી અને વાયુ વિવિધ માત્રામાં સંયોજિત છે. પાણી લોહી તથા વિવિધ રસો અને મૂત્રનો મુખ્ય ઘટક છે. પાણી વિના પાચન, અભિસરણ અને ઉત્સર્જન શક્ય નથી. જીવનના આધારરૂપ પાંચ વાયુમાં પ્રાણવાયુ મુખ્ય છે. તેના વડે દેહમાં પ્રાણનો સંચાર થાય છે. શરીરનાં પોલાણો તથા ખાલી સ્થાનો આકાશનાં બનેલાં છે. તેમના વિના વાચા, શ્રવણ, દૃષ્ટિ, પાચન, મળવિસર્જન, શ્વસન આદિ મહત્ત્વની ક્રિયાઓ અશક્ય બને છે. અગ્નિ પાંચમું મહાભૂત છે. તે શરીરમાં ઉષ્માશક્તિનો સંચાર કરે છે; જેમ કે, જઠરમાં ઉપસ્થિત અગ્નિ ભૂખ લગાડે છે અને વિવિધ આહારનું પાચન કરે છે.

માણસના શરીરનો પોણાથી વધારે ભાગ પાણીનો બનેલો છે. નિસર્ગોપચારમાં પાણીનો ઘણો મહિમા છે. પીવામાં પૂરતા સ્વચ્છ પાણીના ઉપયોગની વાત તો છે જ; ઉપરાંત, વિવિધ ઉપચારોમાં પાણીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. ઉદા.ત., સ્નાન, બાષ્પસ્નાન, પોતાં, લપેટ, જલધૌતિ, બસ્તિ આદિ. આવા ઉપચારો વડે જઠરશુદ્ધિ, મળવિસર્જન દ્વારા આંતરડાંની શુદ્ધિ, મૂત્રતંત્રની શુદ્ધિ, ત્વચાની શુદ્ધિ, શરીરનું તાપનિયમન, રુધિરાભિસરણનું નિયમન, ઈજા સમયે ઘાના સ્થળેથી રક્તપૃથક્કરણ તથા પીડાશમન આદિ કાર્યો સરળતાથી અને ભય વિના સિદ્ધ કરી શકાય છે.

પાણીના વિવિધ પ્રભાવો : શીતલ જળનો સ્પર્શ ત્વચાની વાહિનીઓને સંકોચે છે. તેથી ત્યાંનું લોહી આંતરિક વાહિનીઓ તરફ વળે છે. આમ ઠંડા પાણીનો સ્પર્શ આંતરિક રુધિરાભિસરણ સુધારે છે. આવા પ્રયોગ સમયે શીતળતાના વધારે પડતા ઉપયોગથી અંગ બહેરું બની જાય અને અભિસરણના અભાવે તેનું મરણ થાય તે સામે સાવધાની આવશ્યક છે. એટલે કે આ ઉપચારમાં પાણી અતિશીતલ હોવું ન જોઈએ તેમ જ તેનો ઉપયોગ ટૂંકા સમય માટે જ કરવો જોઈએ. સમશીતોષ્ણ પાણી આંતરિક લોહીને ધીરે ધીરે સપાટી ઉપર લાવે છે. તેનાથી સ્નાયુઓ ઢીલા પડે છે અને થાક ઊતરે છે. સમશીતોષ્ણ પાણીનું તાપમાન શરીરના સામાન્ય તાપમાનની નિકટનું એટલે કે 36°, 37°, 38° સે. લેવામાં આવે છે. આવા પાણીનું સ્નાન 10થી 30 મિનિટ સુધી ચલાવી શકાય. તેના પછી શીતલ પાણીનું ફુવારાસ્નાન આવશ્યક મનાય છે. આવું સ્નાન સ્વસ્થ નિદ્રા માટે પણ સહાયક છે. ઉષ્ણ પાણીનો સ્પર્શ તત્કાળ ઉત્તેજક રહે છે. આંતરિક લોહી સપાટી ઉપર ધસી આવે છે. રોમકૂપમાં પ્રસ્વેદબિંદુઓ જામે છે. ઊના પાણીનો ઉપયોગ અલ્પ સમય માટે જ લાભદાયી છે. તે પછી તરત શીતલ પાણીનું સ્નાન સૂચવ્યું છે. આથી રોમકૂપો બંધ થાય છે અને અભિસરણ અંદરના અવયવો તરફ વળે છે. આ સ્નાન ફુવારા રૂપે ઇષ્ટ છે. લાંબા સમય સુધી ઊના પાણીનો ઉપયોગ હાનિકારક છે. કોકરવરણા પાણીનો દીર્ઘકાલીન પ્રયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. પણ, ઉષ્ણોદકસ્નાન લાંબા સમય માટે ઇષ્ટ નથી.

બસ્તિ : મોટાભાગના રોગો મળવિસર્જનની સ્વાભાવિક પ્રક્રિયામાં વિક્ષેપ થવાથી થાય છે. આંતરડાને છેડે એકત્ર થયેલા મળને બહાર લાવવાનો સરળ પ્રાકૃતિક ઉપચાર બસ્તિનો છે. મોટું આંતરડું સ્વચ્છ હોય તો ગભરામણ, ચક્કર અને ઊલટી જેવા વિકારો તરત શાંત થઈ જાય છે. નિસર્ગોપચારમાં બસ્તિ કે એનિમાને મહત્ત્વનું સ્થાન છે. હૃદયરોગ, શ્વાસ, શરદી, તાવ, મળમૂત્રાવરોધ આદિ રોગોમાં વિશેષ રૂપે બસ્તિપ્રયોગ કરાય છે. સ્ત્રીઓ માટે ગર્ભાશયશુદ્ધિ અર્થે યોનિબસ્તિનો પ્રયોગ સૂચવ્યો છે. બસ્તિપ્રયોગથી આંતરડાં શુદ્ધ રાખવાથી તેમનું કાર્ય સુધરે છે અને બસ્તિ વિના મળવિસર્જન તેના નૈસર્ગિક ક્રમમાં પુન:સ્થાપિત થાય છે. કેટલાક લોકો તેની ટેવ પડવાનો ભય સેવે છે તે અસ્થાને છે.

સ્નાન : પાણીનો બીજો મુખ્ય ઉપયોગ સ્નાન માટેનો છે. પાણીનું તાપમાન, પાણીનાં વિશેષ ઉમેરણો, શુદ્ધિ, સમય, અવધિ, માત્રા, માર્જનની રીત, અંગ આદિ પ્રમાણે સ્નાનના વિવિધ પ્રકારો ગણાય છે; ઉદા.ત., પેટમાં નીચલા ભાગના અવયવોને કાર્યરત કરવા કટિસ્નાન ઉત્તમ ઉપચાર છે. આ માટે સવારનો ભૂખ્યા પેટનો સમય યોગ્ય ગણ્યો છે. જમ્યા પછી કટિસ્નાન પાચનને વિક્ષેપ કરે છે. સ્નાન પછી થોડા સમય પછી શરીર ફરી સામાન્ય સ્થિતિમાં આવે તે પછી જ (આશરે કલાક પછી) સામાન્ય સ્નાન, ભોજન લેવા જણાવ્યું છે.

પાણીનો એક વધુ ઉપયોગ પોતાં માટે છે. પોતાં માટે પણ ઊનું અને ઠંડું એમ બે પ્રકારનું પાણી વપરાય છે. કોઈ વાર રોગીને સ્નાન કરાવવું શક્ય ન હોય ત્યારે પોતાંથી સ્નાનનો લાભ આપી શકાય છે.

લપેટપ્રયોગ : લપેટ નામના ઉપચારમાં કપડાંની બે જોડ વપરાય છે. અંદર પહેરવાનું સુંવાળું, પાતળું, આછા વણાટવાળું, સુતરાઉ કપડું તથા ઉપર માટેનું ઊનનું. જરૂર પ્રમાણે કપડું ભીનું કરી એક કે બે આંટા લપેટવા. સુતરાઉ કપડું બરાબર ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર ઊની કપડાના એકબે આંટા વીંટવા. થોડા સમયમાં શરીરની મલિનતા રોમ-(રુવાંટી)છિદ્ર દ્વારા બહાર આવે છે.

શેકનો પ્રયોગ : શેકનો ઉપચાર ઘેર ઘેર જાણીતો છે. શેક માટે ઊનું અથવા ઠંડું પાણી વપરાય છે, પણ છેલ્લે ઠંડા પાણીના પ્રયોગથી પૂર્ણાહુતિ કરાય છે. છાતી, હૃદયના રોગોમાં છાતી ઉપર, ચેતાતંત્રના રોગોમાં કરોડ ઉપર તથા મૂત્રપિંડના સોજા કે દુખાવામાં પીઠપેડુ ઉપર ઊના ઠંડા પાણીનો પ્રયોગ લાભદાયી છે.

પાણીના અન્ય પ્રયોગોમાં માથા પર ધાર, સાદું સ્નાન, નેતી, ધૌતી વગેરે છે. વાગવું-તેના પર જલપ્રયોગ આદિ ઉપચારો છે.

માટી : નિસર્ગોપચારમાં માટીનો ઘણો મહિમા છે. પ્રયોગ માટેની માટી સ્વચ્છ, નિર્મળ, ભભરી, ખાતર વિનાની અને કાંટાકાંકરા વિનાની હોવી જોઈએ. નદીના કાંપની કે કાળી માટી તથા રાફડાની માટી સારી હોય છે.

સૂર્યસ્નાન : આ ઉપચાર સૌથી વધારે પ્રમાણમાં નૈસર્ગિક ઉપચાર છે. ઉઘાડા શરીર ઉપર તડકો પડવા દેવો એટલે સૂર્યસ્નાન કરવું તે. ઉનાળામાં સાડાસાત-આઠ વાગ્યા પહેલાંનો તથા શિયાળામાં નવ-સાડાનવ પહેલાંનો તડકો યોગ્ય ગણાય. એ જ પ્રમાણે સાંજે ઢળતા સૂર્યનો તડકો પણ ચાલે. સ્થળ શાંત, સ્વચ્છ અને નિર્જન હોય તે ઇષ્ટ છે. શરીરને પૂરતો લાભ મળે તે માટે લંગોટીભેર રહેવું જોઈએ. સ્ત્રીઓએ શક્ય તેટલાં ઓછાં વસ્ત્રથી કામ ચાલે તેવું સ્થળ શોધી લેવું જોઈએ.

માલિશ અથવા અભ્યંગ : તે પણ નિસર્ગોપચારનું અંગ છે. માલિશથી સ્નાયુઓની શક્તિ વધે છે, શરીરનાં સઘળાં તંત્રોમાં લોહીનું ભ્રમણ સુધરવાથી તેમનાં કાર્ય પણ સુધરે છે, દરેક કોશને શુદ્ધ અને પૂરતો રક્તરસ અને પ્રાણવાયુ પહોંચે છે, અશુદ્ધિઓ દૂર કરવાની તેની ક્ષમતા વધે છે. માલિશ કરવી એ કળા છે તેમ માલિશ કરાવવી તે પણ કળા છે; જેમ કે, માલિશ વેળા શરીર સાવ ઢીલું રાખવામાં આવે છે. વાત પ્રકૃતિવાળા માટે તલનું તેલ, પિત્ત પ્રકૃતિવાળા માટે કોપરેલ અને કફ પ્રકૃતિવાળા માટે સરસિયું લાભદાયી જણાવેલું છે. શ્રેષ્ઠ સમય સવારનો છે. ચામડીના રોગોમાં માલિશ વર્જ્ય છે પણ જીર્ણ રોગોમાં કરી શકાય છે. તેના તરંગ, બેલન, અંગુલિ, કંદૂક અને નોક એવા પાંચ પ્રકાર છે. માલિશનું સ્થાન દૈનિક જીવનચર્યામાં આવશ્યક કહ્યું છે.

ઉપવાસ : નિસર્ગોપચારમાં ઉપવાસનું મહત્ત્વ ઘણું છે. આહારદોષ સર્વ રોગોનું મૂળ છે. આહારની માત્રા, આહારના ઘટકો, વાસીપણું, ઉચિત સમય, ઉચિત રાંધણ, ભૂખ, વાતાવરણ આદિ બાબતો આહારનો પ્રભાવ લાભદાયી કે હાનિકારક બનાવે છે. પાચનતંત્રનું સ્વાસ્થ્ય સચવાય એટલે શરીર સમગ્રનું સ્વાસ્થ્ય સચવાય છે.

આરામ પણ ઉપચારનું સ્વરૂપ છે. ઉપવાસમાં સામાન્ય દિનચર્યા ચાલુ રહે તે સાથે આરામનો પણ વિચાર થવો જોઈએ. સંપૂર્ણ આરામમાં મૌન, શાંતિ, આંખો બંધ, શયન, નિદ્રા આદિને રોગીની અવસ્થા પ્રમાણે સ્થાન આપવામાં આવે છે.

રસાહાર : ઉપવાસનો વિકલ્પ છે. મંદાગ્નિ, અરુચિ, અપચો, મરડો, ભારે પેટ, સંધિવા, શિરોવેદના આદિ રોગોમાં રસાહાર મહત્ત્વનો ઉપચાર છે. તેમાં નાળિયેરનું પાણી, નીરાનો રસ; મોસંબી, નારંગી, ટામેટાં આદિ સીધાં અથવા તેમનો રસ, શાકભાજીનો રસ આદિ લઈ શકાય. રસાહાર એકથી અનેક દિવસ પ્રયોજી શકાય. ઉપવાસની જેમ તેમાં પણ ક્રમિક પદ્ધતિ પ્રયોજવી હિતકારી છે. પ્રવાહી આહારમાં નામ પ્રમાણે આહારનું પ્રવાહી રૂપ મુખ્ય છે. શુદ્ધ આહારમાં લીંબુ, ગોળની રાબ, પાણી, દૂધ, દહીં, છાશ, બાફેલાં શાકભાજી, ટામેટાં, કાચાં ખાઈ શકાય તેવાં શાકભાજી, મોસંબી આદિનો રસ, દ્રાક્ષ, ખજૂર, અંજીર, મધ આદિ સાથે લેવાથી દોષ ન કરે તે રીતનો આહાર લેવાય છે. છેલ્લે જ્યારે પૂર્ણ આહાર લેવાનો થાય ત્યારે તે સમતોલ અને સાદો હોય તે ધ્યાનમાં રાખી તેનું આયોજન કરવામાં આવે છે.

નિસર્ગોપચારમાં કેટલાક વિદ્વાનો આ ઉપરાંત યોગ, ધ્યાન, પ્રાર્થના, પ્રસન્નતા, લય આદિ માનસિક ભાવો કેળવવા ઉપર પણ ભાર મૂકે છે.

નિસર્ગોપચારનો પ્રારંભ માનવીની ઉત્પત્તિથીયે પહેલાં પ્રાણીની ઉત્પત્તિ સાથે જ થયો. વિકાર જન્મે તે સામે શરીર રક્ષણાત્મક પ્રતિક્રિયા કરે છે. મનુષ્ય સહિત પ્રાણીઓ નૈસર્ગિક પ્રેરણાથી તડકો, છાંયો, જલ આદિ શોધે છે. લંઘન કરે છે, પરિશ્રમનો ત્યાગ કરે છે. ભારતનો આયુર્વિજ્ઞાનનો પ્રસિદ્ધ ગ્રંથ આયુર્વેદ આ વલણનું પ્રતિપાદન કરે છે. પશ્ચિમની પ્રાચીન સંસ્કૃતિઓ સાથે ત્યારે ભારતનો આદાનપ્રદાન-વ્યવહાર હતો. તેથી આ વિચારધારા પશ્ચિમ એશિયા, ઇઝરાયલ, ઇજિપ્ત, ગ્રીસ અને રોમ સુધી પ્રસરી. આ બાજુ અગ્નિ એશિયાના દેશો અને ચીન, કોરિયા તથા મંગોલિયા સુધી ભારતનો પ્રભાવ પહોંચ્યો. 1493માં સ્વિટ્ઝર્લૅન્ડમાં પેરાસેલ્સસ નામે નિસર્ગોપચાર-સમર્થક થયો. વર્તમાન પદ્ધતિનો આરંભ જર્મનીથી થયો. હાનિમાન, શુસ્લર, પ્રિસનિત્ઝ, લુઈ કુને, ગ્રાફનબર્ક, નીપ, શ્રૉથ, બિલ્ઝ, રિક્લે, લાહમન, જુસ્ટ આદિ યુરોપી તથા જૉન કૅલોગ, બેનિડિક્ટ લુસ્ટ, હેનરી લિંડલર આદિ અમેરિકી નિસર્ગોપચારવાદીઓ થયા. નવા શિક્ષણના પ્રભાવ હેઠળ ભારતમાં ભારતીયતા પ્રત્યે લોકરુચિ જાગી. આર્થિક ક્ષેત્રે ગાંધીજીએ રેંટિયો આપ્યો, તેમ આરોગ્યક્ષેત્રે નિસર્ગોપચારને પુનર્જીવિત કર્યો. નિસર્ગોપચારના નૈસર્ગિક સ્વરૂપ ઉપરાંત તે ઘણુંખરું બિનખર્ચાળ હોવાથી ભારતના કરોડો દરિદ્રોને માટે આદર્શ પદ્ધતિ છે એમ ભારપૂર્વક કહ્યું.

વિદ્યાપીઠમાં તથા ગાંધીજીના આશ્રમોમાં નિસર્ગોપચાર પદ્ધતિનો અનૌપચારિક પ્રયોગ પ્રચલિત થયો. બાપુની પ્રેરણાથી પુણે નિકટ ઉરુલીકાંચનમાં વ્યવસ્થિત નિસર્ગોપચાર આશ્રમની સ્થાપના કરાઈ. શરણપ્રસાદ તથા જિતેન્દ્ર આર્ય જેવા તજ્જ્ઞોએ સેવાનો ભેખ ધર્યો. ગુજરાતમાં સાદરા ગામે સંશોધન અને પ્રશિક્ષણની સુવિધા સહિતનું નિસર્ગોપચાર કેન્દ્ર કાર્યશીલ થયું છે. બીજાં નોંધપાત્ર નિસર્ગોપચાર કેન્દ્રોમાં અમદાવાદમાં અખંડાનંદ આયુર્વેદિક રુગ્ણાલય, વસંત નિસર્ગોપચાર કેન્દ્ર તથા સ્વામી મનુવર્યજીનો યોગસાધના આશ્રમ, વડોદરામાં ગોત્રીનું નિસર્ગોપચાર કેન્દ્ર, ભુજમાં નિસર્ગોપચાર કેન્દ્ર, ભાવનગર પાસે સોનગઢમાં ક્ષય ચિકિત્સાલય આદિ છે. જામનગરમાં સૂર્યકિરણો દ્વારા ચિકિત્સા માટે સૂર્યમંદિર બંધાયું. પણ, કેટલાક સમય પછી તે બંધ પડ્યું.

ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં તથા આંધપ્રદેશમાં હૈદરાબાદમાં આ વિષયનાં પ્રશિક્ષણ-કેન્દ્રો છે.

બંસીધર શુક્લ