નિસાર, મહંમદ

January, 1998

નિસાર, મહંમદ (જ. 1 ઑગસ્ટ 1910; અ. 11 માર્ચ 1963) : પતિયાળા, દક્ષિણ પંજાબ, ઉત્તરપ્રદેશ અને ભારત વતી ખેલનાર અત્યંત ઝડપી ગોલંદાજ. પંજાબના પહાડી પ્રદેશમાં જન્મેલા ઊંચા અને મજબૂત બાંધાના આ ગોલંદાજની દડો નાખવાની રીત અત્યંત પદ્ધતિસરની હોવાથી દડાને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરી શકતા હતા. કારકિર્દીના પ્રારંભે સુરવાળ પહેરીને ગોલંદાજી કરતા હોવાથી ક્યારેક દડાની દિશા પર કાબૂ રાખી શકતા નહિ. 1932માં ઇંગ્લૅન્ડના પ્રવાસ સમયે મહંમદ નિસાર અને અમરસિંહની ઝડપી જોડીએ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આ પ્રવાસમાં મહંમદ નિસારે 18 રનની સરેરાશથી 71 વિકેટ ઝડપી હતી.

મહંમદ નિસાર

1936ના ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે પસંદગી પામેલા મહંમદ નિસારે ત્રણ ટેસ્ટમાં 12 વિકેટ ઝડપી હતી. તેમાં પણ ઓવલની ટેસ્ટમાં વિરોધી ટીમની 7 વિકેટ ખેરવી હતી અને ગોલંદાજીની સરેરાશમાં પ્રથમ રહ્યા હતા. ભારતની પચરંગી સ્પર્ધામાં મુસ્લિમ ટીમ તરફથી રમતા ઓપનિંગ ગોલંદાજ તરીકે તે મશહૂર બન્યા હતા. એ સમયના અત્યંત ઝડપી ગોલંદાજ ગણાતા ઇંગ્લૅન્ડના હૅરલ્ડ લારવૂડ કરતાં પણ ક્યારેક મહંમદ નિસાર વધુ ઝડપી દડા નાખતા હતા અને સામે રમતો બૅટધર ગભરાઈ જતો હતો. આજે પણ ઝડપી ગોલંદાજ તરીકે મહંમદ નિસારને યાદ કરવામાં આવે છે.

નાનુભાઈ સુરતી