નિસર્ગવાદીઓ (physiocrats)

January, 1998

નિસર્ગવાદીઓ (physiocrats) : અઢારમી સદીમાં ફ્રાન્સમાં પ્રચલિત થયેલી આર્થિક વિચારધારાના પ્રણેતાઓ તથા સમર્થકોનો સમૂહ. તેમની વિચારસરણીને નિસર્ગવાદ (physiocracy) તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં નિરંકુશ રાજાશાહીના કાળમાં વિકસેલા ‘વ્યાપારી મૂડીવાદ’(commercial capitalism)ને વૈચારિક સમર્થન આપતી વાણિજ્યવાદ(mercantalism)ની વિચારસરણીની પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદનો ઉદય થયો હતો. ફ્રૅન્કો ક્વીને આ વિચારસરણીના પ્રણેતા ગણાય છે. નિસર્ગવાદીઓના મત મુજબ કૃષિ એ જ સંપત્તિનો એકમાત્ર સ્રોત હોય છે, ખેતી એ જ ઉત્પાદક વ્યવસાય ગણાય; ઉદ્યોગો અને વાહનવ્યવહાર નિર્જીવ તથા અનુત્પાદક (sterile) આર્થિક પ્રવૃત્તિ હોય છે. તેમની એવી દૃઢ માન્યતા હતી કે કૃષિના ભોગે ઉદ્યોગોનો વિકાસ, માત્ર નાણાકીય વ્યાપારતુલા હાંસલ કરવા પર મુકાતો ભાર, વ્યાપાર અને વાણિજ્યનું નિયમન કરવા માટે તેના પર મુકાતી કૃત્રિમ મર્યાદાઓ, અનાજના વેચાણ અને નિકાસ પર મુકાતાં નિયંત્રણો વગેરેએ ફ્રાન્સની પ્રજાને દારુણ કંગાલિયતમાં ધકેલી છે અને વાણિજ્યવાદપ્રેરિત આ નીતિઓ જ સામાજિક અનિષ્ટો તથા દેશ દેશ વચ્ચેના સંઘર્ષ માટે જવાબદાર સાબિત થઈ છે. આ પરિસ્થિતિ પર વિજય મેળવવો હોય તો ઔદ્યોગિકીકરણ પૂર્વેના યુગ તરફ સમાજે પ્રયાણ કરવું જોઈએ. વાણિજ્યવાદીઓની વિચારસરણીના પરિણામસ્વરૂપ સર્જાયેલી આર્થિક નીતિઓ સમાજના આર્થિક જીવનના નૈતિક પાસાને વિસંગત છે; એટલે કે તે વિનિમયની સમાનતા તથા ન્યાયસંગત કિંમતનાં ધોરણોને પરસ્પરવિરોધી હોય તેવી નીતિઓને ઉત્તેજન આપે છે. વિનિમયની સમાનતા તથા કિંમતનાં ન્યાયસંગત ધોરણોને આધારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તથા એક દેશ અને બીજા દેશ વચ્ચે આર્થિક વ્યવહાર થાય તો જ પ્રજાનું આર્થિક કલ્યાણ સાધી શકાય.

સમાજની પ્રવર્તમાન આર્થિક વિટંબણાઓના કાયમી ઉપાય તરીકે નિસર્ગવાદીઓએ બે-સૂત્રી આર્થિક કાર્યક્રમની ભલામણ કરી હતી : (1) મુખ્ય વ્યવસાય તરીકે કૃષિની પુન:સ્થાપના કરવી, જેથી લોકો બધી જ આર્થિક વિટંબણાઓમાંથી મુક્તિ મેળવી શકે. (2) મુક્ત વ્યાપારને અવરોધતા બધા જ સરકારી કાયદાઓ રદ કરવા જેથી નૈસર્ગિક ન્યાય અને સ્વાતંત્ર્યની પુન:સ્થાપના થઈ શકે. મનુષ્ય દ્વારા નિર્મિત કાયદાઓ સમાજ માટે હાનિકારક હોય છે અને તેથી સમાજના જીવનવ્યવહારોનું સંચાલન નૈસર્ગિક નિયમોને જ અધીન હોવું જોઈએ એવી નિસર્ગવાદીઓની સંકલ્પના હતી.

નૈસર્ગિક નિયમોનું અસ્તિત્વ, સમાજમાં ચાલતી પ્રવૃત્તિઓનું સંચાલન કરવાની તેમની ક્ષમતા તથા નૈસર્ગિક વ્યવસ્થાતંત્રમાં તેમની શ્રદ્ધા અવૈજ્ઞાનિક અને તેથી પાયા વગરની હતી. કૃષિ એ જ એકમાત્ર ઉત્પાદક વ્યવસાય છે અને ઉદ્યોગો તથા અન્ય વ્યવસાયોમાં ચાલતી પ્રવૃત્તિઓ અનુત્પાદક હોય છે એવા મતલબની તેમની રજૂઆત ખોટા ખ્યાલો તથા ખોટી ભૂમિકા પર રચાયેલી હતી. મૂલ્ય, વ્યાજ, વેતન, વિનિમય વગેરે વિશેના તેમના વિચારો અપૂર્ણ અને ખામીયુક્ત ગ્રહણશક્તિ અને સમજ પર આધારિત હતા. સામંજસ્યનો અભાવ અને વિરોધાભાસી દલીલોને કારણે નિસર્ગવાદીઓની વિચારસરણી કાળક્રમે અસ્વીકાર્ય બનતી ગઈ. 1776માં ઍડમ સ્મિથનો ‘વેલ્થ ઑવ્ નૅશન્સ’ ગ્રંથ પ્રકાશિત થયો અને તેની સાથે જ નિસર્ગવાદીઓની વિચારસરણીનો લોપ થયો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે