નિઝામિયા : વિદ્યાકેન્દ્ર સમી સંસ્થા. સલ્જુકી શાહ અલપ અરસલાન તથા મલેકશાહના દરબારના પ્રસિદ્ધ રાજપુરુષ, વહીવટકર્તા અને રાજનીતિજ્ઞ વજીર નિઝામ-ઉલ-મુલ્ક તૂસી સાથે નિઝામિયા સંબંધ ધરાવે છે. આ ઉદાર વિદ્યા-ઉત્તેજક વઝીરે બસરા, બલ્ખ, બગદાદ, નિશાપુર, હિરાત, ઇસ્ફહાન તથા મર્વ અને બીજાં અનેક કેન્દ્રોમાં નિઝામિયા નામથી મહાન શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને પોતાના સમયના વિદ્વાનોએ તાલીમ સારુ નીમ્યા હતા. સલ્જુક સલ્તનતનું પાટનગર નિશાપુર અને બગદાદ તે યુગનાં મહાન જ્ઞાનકેન્દ્રો હતાં.

અલપ અરસલાનના શાસન દરમિયાન નિઝામ-ઉલ-મુલ્ક વિશાળ સલ્જુકી સામ્રાજ્યનો વજીર નિમાયો. તેણે બગદાદમાં નિઝામિયા મદ્રસાનો પાયો નાખ્યો. તેમાં અલ-ગઝાલી જેવા નામાંકિત વિદ્વાનોએ અધ્યાપક તરીકેની સેવા આપી.

આમ ઇસ્લામી દુનિયામાં સૌથી વિશેષ પ્રસિદ્ધિ મેળવનાર મદારિસે નિઝામિયા નિઝામ-ઉલ-મુલ્ક તૂસીના હુકમથી સ્થાપવામાં આવી હતી. આ પહેલાં મદ્રસાઓનું અસ્તિત્વ હતું. મદ્રસાઓ મસ્જિદનું જરૂરી અંગ ગણાતી; પરંતુ તુસીએ તેમાં અનેકગણો વધારો કર્યો અને વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો અને છાત્રવૃત્તિઓની તેમજ તેના નિભાવ માટે અવકાફ જેવી વ્યવસ્થા પણ કરી હતી.

ઇસ્લામી દુનિયામાં સૌથી મોટી મદ્રસા, મદ્રસાએ નિઝામિયાએ બગદાદ છે; તેની સ્થાપના 1065માં થઈ હતી. નિઝામ-ઉલ-મુલ્કે તેના આર્થિક સંચાલન માટે ઘણી મિલકત વકફ કરી હતી અને તેમાં એક પુસ્તકાલય પણ તૈયાર કરાવ્યું હતું. નિઝામિયાએ બગદાદ દજલા નદીને કાંઠે ‘સવકલ સલાસા’ નામના સ્થળે કુલ બે લાખ દીનારના ખર્ચે બંધાયું હતું. તેમાં લગભગ 6,000 વિદ્યાર્થીઓ છાત્રાલયોમાં રહીને અધ્યયન કરતા હતા. તેનો વાર્ષિક ખર્ચ 15,000 જેટલા દીનારનો રહેતો.

સલ્જુક વંશના મોટા ભાગના સુલતાનોનાં નામ મદ્રસા સ્થાપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. આ યુગના ઇસ્લામી મદ્રસાઓમાં ફિકહ, હદીસ, તફસીર, સાહિત્ય, ગણિત તથા વૈદકના અભ્યાસક્રમોનો સમાવેશ થતો હતો.

ઈસ્માઈલ કરેડિયા