નાટ્યદર્પણ (બારમી સદી) : નાટ્યલક્ષણગ્રંથ. કર્તા રામચન્દ્ર (આશરે ઈ. સ. 1100–1175) અને ગુણચન્દ્ર. બંને જૈન આચાર્ય હેમચન્દ્રના શિષ્યો. ગુણચન્દ્ર વિશે ખાસ માહિતી નથી, પણ રામચન્દ્ર એક આંખવાળો, આચાર્યનો પટ્ટધર શિષ્ય, અગિયાર સંસ્કૃત નાટકો રચનાર, પ્રબન્ધ-શત-કર્તા, અત્યંત વિદ્વાન, ગુજરાતના સિદ્ધરાજ (1093–1143), કુમારપાળ (1143–72), અજયપાળ (1172–75) વગેરે રાજાઓનો સમકાલીન. અજયપાળે એને તપાવેલા લાલચોળ તાંબા પર બેસવા ફરજ પાડી મારી નાખ્યો. નાટ્યદર્પણના ચાર વિવેક(= પ્રકરણો)ના વિષયો આવા છે : (1) મુખ્ય નાટ્યપ્રકાર તરીકે નાટકનું સ્વરૂપ. તેમાં યથાપ્રસંગ સ્વગત ઇત્યાદિ નાટ્યપ્રયુક્તિઓ, અંકરચનાના નિયમો, નાટ્યવસ્તુની પાંચ અવસ્થાઓ, પાંચ સંધિઓ, સંધ્યંગો વગેરેની ચર્ચા છે. (2) બાકીના અગિયાર નાટ્યપ્રકારો(જેમાં નાટી અને પ્રકરણી રામચન્દ્રે નવા ઉમેરેલા છે)ના સ્વરૂપની ચર્ચા છે. (3) રસ, ભાવ, વૃત્તિ અને ચાર પ્રકારના અભિનયો; તેમજ (4) બધા નાટ્યપ્રકારોમાં સામાન્ય એવાં પાત્રો – નાયક-નાયિકા – તેમના પ્રકારો, હાવ, હેલા, ભાષાપ્રયોગના નિયમો, પરસ્પર અવસ્થાગૌરવાનુસાર સંબોધનના નિયમો વગેરે. ‘ભરતનાટ્યશાસ્ત્ર’ નાટ્યપ્રયોગનાં તમામ અંગોનું વિસ્તારથી નિરૂપણ કરે છે. તેમાંથી સાહિત્યસ્વરૂપ તરીકે નાટ્યપ્રકારોનું નિરૂપણ ધનંજય ‘દશરૂપક’માં કરે છે. ‘નાટ્યદર્પણ’નો આદર્શ ‘દશરૂપક’ છે. ‘દશરૂપક’ની જેમ ‘નાટ્યદર્પણ’માં પણ ચાર પ્રકરણો છે. ધનંજય વિષ્ણુના દશ અવતારોને કારણે નાટકના દશ પ્રકારો વર્ણવે છે. તો ‘નાટ્યદર્પણ’ બાર પ્રકારની જૈની વાક્ને અનુસરીને નાટકના બાર પ્રકારો ગણાવે છે. ધનંજયે ‘દશરૂપક’ની કારિકાઓ રચી. વૃત્તિ એના ભાઈ ધનિકે રચી; ‘નાટ્યદર્પણ’માં કારિકા અને વૃત્તિ બંનેનું કર્તૃત્વ બેઉ ગુરુબંધુઓનું સંયુક્ત છે. નાટકના બાર પ્રકારો આપવા ઉપરાંત આ ગ્રંથની બીજી વિશેષતા છે એનો રસસિદ્ધાંત. બધા જ રસોનો (કરુણનો પણ) આસ્વાદ આહલાદજનક હોય છે એવા અભિનવ-મમ્મટના લગભગ સર્વસ્વીકૃત મતથી વિરુદ્ધ રામચન્દ્ર-ગુણચન્દ્ર ‘સુખદુ:ખાત્મકો રસ:’ એવો સિદ્ધાંત સ્થાપે છે. એમના મતે શૃંગાર-હાસ્ય-વીર-અદભુત-શાન્ત  એ પાંચ રસો સુખાત્મક છે, જ્યારે કરુણ-રૌદ્ર-બીભત્સ-ભયાનક દુ:ખાત્મક છે. એમનો તર્ક આવો છે : સ્થાયી ભાવનો ઉત્કર્ષ તે જ જો રસ હોય અને સંસારમાં શોક-ક્રોધ-જુગુપ્સા-ભય જેવા સ્થાયી ભાવો જો દુ:ખાત્મક હોય તો તેમનું રસસ્વરૂપ સુખાત્મક શી રીતે હોઈ શકે ? બીજું, નટને રસાનુભવ ન જ હોય એ સિદ્ધાંત અંગે પણ તેઓ પૂર્ણસંમત નથી. તેમનું મંતવ્ય છે : વેશ્યાઓ જેમ ધનના લોભે બીજાના આનંદ માટે રતિ ઇત્યાદિ માત્ર પ્રદર્શિત જ કરતી હોવા છતાં ક્યારેક પોતે પણ પરમ આનંદનો અનુભવ કરે છે તેમ નટ પણ પાત્રના ભાવોનું અનુકરણ કેવળ પ્રેક્ષકોને દર્શાવવા કરતો હોવા છતાં ક્યારેક સ્વયં પણ એ ભાવોમાં તન્મય બની જઈને રોમાંચ આદિ અનુભવે છે. ગ્રંથને અંતે ‘અન્યાનિ રૂપકાણિ’ તરીકે ઉપરૂપકો પણ વર્ણવ્યાં છે જેમાં સટ્ટક (પ્રાકૃત ભાષામાં પ્રવેશક-વિષ્કમ્ભકો વિનાની નાટિકા), શ્રીગદિત, દુર્મિલિત, હલ્લીસક, રાસક, નાટ્યરાસક, ભાણક-ભાણિકા વગેરેનાં લક્ષણો આપેલાં છે. આ પ્રકારો સમાજના ઉપલા શિષ્ટ વર્ગો કરતાં નીચલા સાધારણ વિશાળ લોકસમૂહોમાં વધારે પ્રચલિત હોય એમ લાગે છે. એમણે બાર નાટ્યપ્રકારો જેવા સુધારા અને સુખદુ:ખાત્મક રસસિદ્ધાંત જેવું નવું ભેદક પ્રસ્થાન પણ આપવા પ્રયાસ કર્યો છે; અને ‘દશરૂપક’ની લોકપ્રિયતા અક્ષુણ્ણ રહ્યા છતાં ‘નાટ્યદર્પણ’નું અને એ દ્વારા ગુજરાતનું નાટ્યલક્ષણના ક્ષેત્રમાં પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.

રાજેન્દ્ર નાણાવટી