નાટ્યનિકેતન : મરાઠી નાટ્યસંસ્થા. વીસમી સદીના બીજા દશકાના અંત સુધી મરાઠી નાટકોના ક્ષેત્રે સંગીતનાટકોનું પ્રચલન હતું. સંવાદો ગીતોમાં જ થતા અને સ્ત્રીપાત્રોનો અભિનય પણ પુરુષનટો જ કરતા. આ સંગીતના જાદુમાંથી નાટકને મુક્ત કરવા તથા નાટ્યકલાની શાસ્ત્રીય તાલીમ આપવા માટે નાટ્યવિદ મો. ગ. રાંગણેકર જેવા કુશળ અભિનેતા, દિગ્દર્શક તથા નાટકકાર અને નાટ્યનિષ્ણાતે 1922–23માં અભિનેતાઓને નાટ્યકલાનું સર્વાંગી શિક્ષણ આપી શકાય એવી પ્રયોગશાળા સ્થાપી અને એને ‘નાટ્યનિકેતન’નું નામ આપ્યું. એમાં નાટકોને નવું સ્વરૂપ આપી આધુનિકતા તરફ વળાંક આપવા માટે પ્રયત્નો શરૂ થયા. એ માટે રાંગણેકરે નવાં નાટકો રચ્યાં અને ભજવ્યાં. એમાં એમનું સમસ્યાનાટક ‘કુલવધૂ’ અત્યંત લોકપ્રિય નીવડ્યું. મરાઠી નાટકને એ સંસ્થા દ્વારા આધુનિકતા અર્પી. એ સંસ્થા 6 વર્ષ ચાલી. એમાં પશ્ચિમના નાટકકાર ઇબ્સનના નાટ્યરૂપનો પ્રબળ પ્રભાવ હતો. એ સંસ્થાનો મરાઠી નાટકના સર્વાંગી વિકાસમાં ગણનાપાત્ર ફાળો છે.

અરુંધતી દેવસ્થળે