નાટ્ય ગઠરિયાં (1970) : ગુજરાતી પ્રવાસવૃત્તાંત. ચંદ્રવદન ચી. મહેતાનો ગઠરિયાં ગ્રંથશ્રેણીમાંનો એક સુપ્રસિદ્વ પ્રવાસગ્રંથ. 1963–64થી 1968 સુધી યુરોપના જુદા જુદા દેશોમાં નાટ્યસ્પર્ધાના નિર્ણાયક તરીકે, પરિસંવાદમાં વક્તા તરીકે, અધિવેશનોમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કે પછી સરકારના નિમંત્રણથી વિશિષ્ટ મુલાકાતી તરીકે ચંદ્રવદને યુરોપના સ્પેન, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, પોલૅન્ડ, જર્મની, યુગોસ્લાવિયા જેવા વિવિધ દેશોનો અલગારી પ્રવાસ ખેડ્યો તેનો તેમાં માહિતીસભર રસપ્રદ આલેખ છે. બીજા વિશ્વયુદ્ધમાં બૉમ્બવર્ષામાં અનેક નગરો અને તેમાંનાં અનેક ઑપેરાહાઉસ, નાટકશાળા, મ્યુઝિયમ, પુસ્તકાલય વગેરે ભસ્મીભૂત થયાં હોવા છતાં કળાપ્રેમી પ્રજાએ પ્રાચીન અવશેષોને જાળવી અનેક સુવિધાથી સમૃદ્ધ નૂતન થિયેટરોની નયનરમ્ય બાંધણી કરી તેનો પોલૅન્ડની નાટ્યશાળાઓ, નેકર અને ઇસર નદી પરનાં વિવિધ થિયેટરો, વિયેના અને મિલાનનાં ઑપેરાહાઉસ, બર્ગ થિયેટર, લાસ્કાલા ઑપેરાહાઉસ, નોંસીનાં વિવિધ નાટ્યગૃહો, લાઇપઝિકનું અદ્યતન ઑપેરાહાઉસ, બર્લિનનો કૉન્સર્ટ હૉલ, કોલોન, હાઇડલબર્ગ, માઇનહામનાં થિયેટરો વગેરેના સંદર્ભે તેની પ્રાચીન આખ્યાયિકાઓ સહિત ખૂબ વિગતે પરિચય કરાવ્યો છે. ચંદ્રવદને જોયેલાં લગભગ 400 જેટલાં નાટકોમાંથી નાટ્યલેખન અને ભજવણી સંદર્ભે કેટલાંક નોખાં પડી આવતાં ચિત્તાકર્ષક નાટકો ‘ડૉન કિહોટે’, ‘ડિવાઇન પારોલ્સ’, ‘બાલ્ડ પ્રીમાડોના’, ‘મૃચ્છકટિક’, ‘એઇડ’, ‘ઑથેલો’, ‘ફૉલસ્ટાફ’, ‘નવ વાગ્યે કાર્નિવલ’ વગેરેની તેમણે સૂક્ષ્મતાથી ચર્ચા કરી છે તો બ્રેખ્તનાં નાટકોથી તે કેમ પ્રભાવિત થયા નથી તેની નિખાલસ છણાવટ કરી છે. પ્રેમભૂખ્યા ચંદ્રવદને તેમના પરિચયમાં આવેલાં સખી શીરીન, સુભાષચંદ્ર બોઝની દીકરી અનિતા બોઝ, લેખકસંમેલનમાં પધારેલા મુલ્કરાજ આનંદ, પ્રવાસમાં માર્ગદર્શક બનેલી મિસ ફિલકર, હેલન તેમજ ત્યાંના સુપ્રસિદ્ધ લેખકો અર્નેસ્ટ હેમિંગ્વે, સંગીતકાર હેડિન, નાટ્યકાર દીનો બુઝારી, પ્રિસ્કેટરે વગેરેનાં સંક્ષિપ્ત સંવેદનશીલ રેખાચિત્રો કલમના લસરકાથી ઉપસાવ્યાં છે. યુરોપની પ્રજા અને સરકારની સંગીતનૃત્યનાટકકળા અંગે અતિજાગ્રતતા જોઈ તેમનું સંવેદનપટુ મન ભારતીય રંગભૂમિ અને યુવાનોના દારિદ્ય્રની તુલના કરે છે. ભારતની પ્રશિષ્ટ ભાષા સંસ્કૃત અને તેના સાહિત્ય અંગે ત્યાંના સંસ્કૃતપ્રેમી વિદ્વાન અધ્યાપકો કુલસન, માલામોન્ડ, એનસ્નીક, વૉલ્ટર રૂબેન, વિલ્હમ, ફોવોલનર વગેરેનું ધૈર્ય અને સૂઝપૂર્વકનું સંશોધનકાર્ય જોઈ તે ખૂબ પ્રભાવિત થાય છે. પ્રકૃતિપ્રેમી ઇન્દ્રિયરાગી ચંદ્રવદન  હ્રાઇન નદીનું અદભુત સૌંદર્ય જોઈ નર્મદાસૌન્દર્યને વાગોળે છે. ગ્રાબેનું પ્રાચીન નાટક ‘સર્ઝ સૅટાયર આઇરની ફાર્સ ઍન્ડ ઑલ ધૅટ’નો પ્રયોગ નિહાળી ભવાઈને સ્મરે છે તો હોલૅન્ડમાં ભારતીય એમ્બસીના અજ્ઞાનને કારણે નાટકમાં દુષ્યંત-શકુન્તલાનું જહાંગીર-નૂરજહાં જેવું વેશપરિધાન જોઈ આશ્ચર્ય અનુભવે છે. ફ્લૉરેન્સ અને બાડન નગરીઓની તુલના બૉમ્બવર્ષામાં નાશ પામેલા અને પછી ફીનિક્સ પંખીની જેમ નવા અવતારે જન્મેલા ઉત્તર જર્મનીના નગર રૉસ્ટેકનું વર્ણન, લાઇપઝિકની અદ્યતન લાઇબ્રેરી, કૉન્સન્ટ્રેશન કૅમ્પ, મ્યૂનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના રંગરાગ વગેરે અનેક વર્ણનો ચન્દ્રવદનની વાતચીતિયા વ્યંગ-કટાક્ષ-વિનોદથી સભર લાક્ષણિક ક્રિયાપદો અને વિશેષણોથી ઊભરાતી તથા તત્સમ શબ્દોથી સમૃદ્ધ વાક્યાવલીઓને કારણે ચન્દ્રવદનના મિજાજ અને તેમની અંતરંગ છબીને સહજપણે પ્રગટ કરે છે. પુસ્તકના અંતે મુકાયેલા ઉમાશંકર જોશીને લખેલા ત્રણ પત્રો યુરોપપ્રવાસના પ્રતિભાવ રૂપે વ્યક્ત થયેલી અંગત સંવેદનાને કારણે હૃદયસ્પર્શી બન્યા છે.

લવકુમાર દેસાઈ