નવલકથા

કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં વિવિધ વિશ્લેષણ, વ્યાખ્યા તથા ચર્ચા પરથી તારણ નીકળે છે તે આટલું : તે વાર્તા કે ગદ્યકથાનો પ્રકાર છે અને તેમાં પાત્રો, ઘટના અને પ્રસંગો અને સંભવત: વસ્તુ હોય છે. હકીકતમાં કોઈ ને કોઈ પ્રકારના આછાપાતળાય વસ્તુ વિના વાર્તા કે કથા લખવાનું અતિમુશ્કેલ હોય છે; વળી સામાન્ય વાચકની વસ્તુ માટેની અપેક્ષા કે ઝંખના કે જરૂરત એટલી સતેજ હોય છે કે લેખકે વસ્તુ અપેક્ષ્યું ન હોય તોપણ ન હોય ત્યાંથી વાચક વસ્તુ ઝંખશે અને શોધી કાઢશે : હવે પછી શું થશે એ જાણવાની વાચકની એક સ્વાભાવિક ઉત્કંઠા હોય છે. એક યા બીજા પ્રકારના પાત્ર વિનાની નવલકથા તો ભાગ્યે જ કલ્પી શકાય. એટલે વાચકને જે પાત્ર કે પાત્રો વધુ ગમ્યાં હોય તેના વિશે શું થશે તે જાણવા અને એવું શા માટે થયું, ક્યારે થયું અને ક્યાં થયું એની પૃચ્છા કરવા એ સતત સતર્ક રહે છે. આમાંથી જ જન્મે છે વસ્તુ અથવા કથાતત્વ. આમ, પાત્ર અને પ્રસંગ એકબીજાનાં અભિન્ન તત્વો છે. પાત્ર પ્રસંગને ઘડનારું તત્વ છે. જ્યારે પ્રસંગ પાત્રને પ્રકટ કરનારું અંગ છે. આમ, લેખકે ઇચ્છ્યું હોય કે નહિ તોપણ પાત્ર-પ્રસંગને આધારે વસ્તુ વણાતું જાય છે.

નવલકથાની વસ્તુસામગ્રીનું વર્ગીકરણ કરવું મુશ્કેલ છે. નવલકથા જાણે જાદુઈ ચિરાગ હોય અને તેમાંથી જે વિષયવસ્તુ જોઈએ તે મેળવી લેવાય એવી એની સર્વવ્યાપકતા છે. કથાસામગ્રીની આવી મોકળાશ અને સાર્વત્રિકતા અન્ય સાહિત્યસ્વરૂપમાં જોવા નહિ મળે. સામગ્રીના લગભગ અનંત કહી શકાય તેવા વૈવિધ્યને કારણે જ વધુ ને વધુ લેખકો, ખાસ કરીને લેખક ન હોય એવી વ્યક્તિઓ પણ નવલકથાના સ્વરૂપ પ્રત્યે સતત આકર્ષાતી રહી છે. આ સ્વરૂપનાં વિકાસ-મોકળાશ તથા પરિવર્તનક્ષમતા પણ લગભગ અનન્ય જેવાં છે. આ બધાંને પરિણામે નવલકથાના વર્ગીકરણમાં અનેક વિભાગો – પેટાવિભાગો જોવા મળે છે. આમાં પત્રરૂપ (epistolary) નવલકથા, લાગણીપ્રધાન કે ભાવનાપ્રધાન (sentimental) કથા, ઐતિહાસિક નવલો, પ્રચારલક્ષી (propaganda) કથાઓ, પ્રાદેશિક કે લોકકથાઓ, સમસ્યા(thesis)કથાઓ, મનોવૈજ્ઞાનિક કથાઓ, આમવર્ગની (proletarian) કથાઓ, દસ્તાવેજી તથા યુગલક્ષી (time) નવલકથાઓ, વીરગાથાઓ તથા પ્રતિ-નવલ (anti-novel) જેવા મુખ્ય પ્રકારો ઉલ્લેખી શકાય. આમાં જાસૂસી(detective)કથાઓ, રહસ્યરંગી (thriller) કથાઓ તથા સાહસકથાઓનો પણ ઉલ્લેખ થઈ શકે. જોકે આ બધા પ્રકારો એકબીજાથી તદ્દન ભિન્ન છે એવું પણ નથી; આ કે તે પ્રકારની લાક્ષણિકતાઓ બીજા પ્રકારોમાં પણ દેખા દે એવું બને છે. લેખક પોતે પણ કથાસામગ્રી અમુક પ્રકારે પસંદ કરે છે, પણ અમુક નિશ્ચિત પ્રકારની કથા લખવી છે એવી સતત સભાનતા તેનામાં નથી હોતી. આ ઉપરાંત ભાષા-વૈવિધ્ય, વાતાવરણ, પ્રધાન સૂર (જેમ કે ટૉમસ હાર્ડીનો વિષાદ), ચિત્રાત્મકતા, શૈલીભેદ જેવા ઘટકો નિમિત્તે પણ વૈવિધ્ય પ્રગટતું હોય છે. વળી લેખક પોતાની કથાસામગ્રી પોતે જાતે જ સર્વજ્ઞ રૂપે પણ કથાવિશ્વની બહાર રહીને રજૂ કરતો હોય છે તો ક્યારેક તે કથાની ઘટનાઓની રજૂઆત કોઈ પાત્રના આત્મકથાનક રૂપે થતી હોય છે. ક્યારેક એકથી વધુ પાત્રો પણ કથક બની રહેતાં હોય છે. આમ કથનકેન્દ્ર પ્રમાણે પણ પ્રકારભેદ સર્જાતા જાય છે.

વાચકવર્ગની દૃષ્ટિએ નવલકથા સૌ સાહિત્યપ્રકારોમાં મોખરે છે અને રહેશે. જોકે જે થોકબંધ નવલકથાઓ આ રીતે વંચાય (અને લખાય–છપાય) છે એ બધી ઉત્તમ કે ગુણવત્તાવાળી કૃતિઓ હોય છે એવું તો નથી જ. સામાન્ય વાચક માટે નવલકથાનું મહત્ત્વ સમય પસાર કરવા કે કથારસ પોષવા સિવાય વિશેષ નથી હોતું. એટલે જે તે ગંભીર કૃતિઓને બદલે કૌતુકરાગી, ઘટનાપ્રચુર, રહસ્યરંગી, સાહસપ્રધાન, શૃંગારરસિક કે કામુકતાલક્ષી જેવી હળવી કૃતિઓ જ પસંદ કરાય છે. આવી કથાસામગ્રી તૈયાર કરવાનું કામ પણ સરળ હોય છે. પશ્ચિમી દેશોમાં હવે કમ્પ્યૂટરની સહાયથી નવલકથાઓ તૈયાર થાય છે. આ રીતે ઝટપટ ‘લખાતી’ નવલકથાઓ વેચાય છે પણ ચપોચપ, એટલે પ્રકાશક નવલકથા છાપવા વિશેષ ઉત્સુક હોય છે.

વળી નાટક, આત્મકથા, ચરિત્રનિર્માણ, નિબંધ કે પ્રવાસવર્ણન જેવા ગદ્ય પ્રકારોમાં એ પ્રમાણમાં ઠીક ઠીક મોટું કાઠું ધરાવે છે. સામાન્ય રીતે 60,000 કે 70,000 થી માંડીને 2,00,000 શબ્દો વચ્ચે તેનું કથાજગત વિસ્તરેલું હોય છે. બદલાતી તાસીર અને પ્રયોગશીલતાના પ્રવાહમાં હવે એક-બે બેઠકે વાંચી કાઢી શકાય તેવી લઘુનવલનું રૂપકડું કદ પણ પ્રગટ્યું છે. અગાઉ 4થી 5 ગ્રંથોમાં પથરાયેલી રહેતી યુગકથા કે વંશકથા જેવી મહાનવલ કે નવલશ્રેણી લખાતી હતી. આ મહાનવલ અને લઘુનવલની વચ્ચે સામાન્ય કદની નવલકથાએ વાચકનું મન મોહ્યું જણાય છે. જોકે વિશ્વભરમાં સર્વાધિક આદર પામેલી નવલકથાઓ મહાનવલના ગજાનો વ્યાપ ધરાવે છે. દૉસ્તોયેવ્સ્કીની ‘બ્રધર્સ કારમાઝોવ’, તૉલ્સ્તૉયની ‘વૉર ઍન્ડ પીસ’, ડિકન્સની ‘ડૅવિડ કૉપરફીલ્ડ’, ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ વગેરે કૃતિઓ આનાં દૃષ્ટાંતરૂપ છે. જીવનની સકલતાને પામવામાં તથા તેની બહુરંગી છબી ઝીલવા-આલેખવામાં કદાચ બૃહદ નવલનું કાઠું જ વિશેષ અનુકૂળ નીવડે છે. આ આયામના સંદર્ભમાં તેની મહાકાવ્ય સાથે તુલના કરવામાં આવે છે. વસ્તુત: મહાકાવ્યનો વિષયવ્યાપ અને પાત્રપ્રસંગની ભવ્યતા, નાટ્યની સંઘર્ષમૂલકતા તેમજ ફિલ્મની ચિત્રાત્મકતા અને ઘટનાપ્રચુરતા આલેખવાની ક્ષમતા દાખવીને નવલકથા આ સૌ કલાસ્વરૂપો કરતાં મૂઠીઊંચેરું ગજું કાઢી બતાવે છે. એ દૃષ્ટિએ નવલકથા બહુઆયામી સાહિત્યપ્રકાર છે.

અન્ય સાહિત્યપ્રકારોની તુલનામાં નવલકથા પૂર્ણત: કલ્પનાપ્રધાન સાહિત્યપ્રકાર છે. જીવનચરિત્ર કે આત્મકથામાં કલ્પનાતત્વ માટે ભાગ્યે જ ઝાઝી મોકળાશ હોય છે. જ્યારે નવલકથા માટે તો પૌરાણિક કે ઐતિહાસિક-ભૌગોલિક સામગ્રીને પણ નિમિત્ત તરીકે પ્રયોજી ભરપૂર કલ્પનાતત્વનો ઉપયોગ થતો હોય છે. નવલકથાકાર ઇતિહાસની સચ્ચાઈ કે ભૂગોળની ચોકસાઈની ચિંતા કરતો નથી. તેનો પ્રધાન ઉદ્દેશ હોય છે કથારસ અને તે કેવળ કલ્પનાતત્વથી સિદ્ધ થાય છે. પણ નવલકથા તદ્દન વાસ્તવવિમુખ છે એવું પણ નથી. કલ્પનાના સહારે તે જીવનની અખિલાઈ અને બહુરંગિતા યથાતથ ઉપસાવે છે. વાસ્તવ એની સામગ્રી છે અને કલ્પના તેનું ઉપાદાન.

યુરોપિયન નવલકથાના પ્રબળ લોકપ્રભાવ માટે મુખ્ય કારણ એ જોવાયું છે કે રોજિંદા જીવનની વાસ્તવિકતાને બીજા કોઈ પણ સાહિત્યપ્રકાર કરતાં નવલકથા વિશેષ યથાર્થ રૂપે આલેખી શકે છે. નવલકથાના આ વાસ્તવલક્ષી અભિગમને કારણે કદાચ ઓગણીસમી સદીનાં અંતિમ ચરણો યુરોપિયન નવલકથાનો શ્રેષ્ઠ સમય લેખાય છે. એ દરમિયાન અને એ પૂર્વે ઇંગ્લૅન્ડમાં ડિકન્સ, થૅકરે અને જ્યૉર્જ એલિયટ, ફ્રાન્સમાં બાલ્ઝાક, ફ્લોબૅર તથા ઝોલા, રશિયામાં તુર્ગેનેવ, તૉલ્સ્તૉય અને દૉસ્તોયેવ્સ્કી તેમજ અમેરિકામાં હૉથૉર્ન અને મેલવિલ જેવા લેખકો સક્રિય હતા.

નવલકથાના ઉદ્ભવ અંગે સમયગણનાની કોઈ ચોક્કસતા નથી. તેનાં પૂર્વરૂપોનાં ઉદ્ભવસ્થાનો વિવિધ દેશોમાં મળી રહે છે ખરાં; આજની નવલકથાને મળતું આવતું કલ્પનામઢ્યું કથાસાહિત્ય ઈ. સ. પૂ. 1200 દરમિયાન ઇજિપ્તવાસીઓએ લખ્યું જણાય છે; જેમ કે, ‘ધ પ્રિન્સેસ ઑવ બૅકસ્ટૉ’, ‘ધ પ્રિડેસ્ટિન્ડ પ્રિન્સ’ વગેરે. ક્લાસિકલ સમયથી કથાસાહિત્યની અન્ય કૃતિઓ મળે છે એમાં ઉલ્લેખનીય છે ‘ધ મિલેસિયન ટેલ્સ’ (ઈ. સ. પૂ. બીજી સદી), ‘ધ ગોલ્ડન ઍસ’ (ઈ. સ. પૂ. બીજી સદી) વગેરે. મોટેભાગે પ્રેમકથાનું વસ્તુ ધરાવતા આ કથાસાહિત્યમાં આજના નવલસ્વરૂપની કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે છે.

પરંતુ છેલ્લાં 100 વર્ષથી સુપરિચિત થયેલી નવલકથાને મળતી આવતી કૃતિઓ માટે ઈસુ પછીનાં હજારેક વર્ષ રાહ જોવી પડે છે. આ ગાળાની તમામ જાપાની કૃતિઓમાં સૌથી પ્રખ્યાત છે ‘જેન્જી’ (આશરે 1000). એક જાપાની સ્ત્રીએ મુરાસાકી શિકિબુના ઉપનામથી લખેલી આ નવલકથામાં જાપાનના ડૉન જુઆનનાં શાહી દરબાર ખાતેનાં સાહસો નિમિત્તે તત્કાલીન રાજરંગનું સુંદર ચિત્ર મળે છે. કથાસાહિત્યના ઇતિહાસમાં આ કૃતિનું એટલા માટે મહત્ત્વ છે કે તેમાં પાત્રોનું પૃથક્કરણ તથા પ્રેમના મનોભાવોનું વિશ્લેષણ આલેખાયાં છે.

સંભવત : દસમી સદીના આ ગાળા દરમિયાન, પાછળથી ‘અરેબિયન નાઇટ્સ એન્ટરટેનમેન્ટ્સ’ અથવા ‘ધ થાઉઝન્ડ ઍન્ડ વન નાઇટ્સ’ નામે જાણીતી બનેલી વાર્તાઓના મૂળાંકુર નંખાયા હતા. અલબત્ત, એક સંકલિત વાર્તાગુચ્છ તરીકે એ કથાઓ સંગૃહીત થઈ ઘણી મોડેથી; ઇજિપ્તના એક ધંધાદારી ચારણે ચૌદમીથી સોળમી સદી વચ્ચે તેનું સંકલન કર્યું. યુરોપમાં તો તેનો પરિચય થયો છેક અઢારમી સદીના પ્રારંભે; પરંતુ ત્યારથી કથાસાહિત્ય પરત્વે તેનો પ્રબળ પ્રભાવ રહ્યો છે.

ઇટાલીમાં પણ ચૌદમી સદીમાં ટૂંકી વાર્તા–જે ઇટાલીમાં novella તરીકે ઓળખાય છે તે–ના સંગ્રહ પ્રગટ કરવાની પ્રથા હતી. તેનો એક લાક્ષણિક નમૂનો તે બોકાશિયોનું ‘ડેકામેરોન’ (1348–1358). આ સંગ્રહનો આંગ્લ આદિ કવિ ચૉસર પર ખાસ્સો પ્રભાવ પડવા ઉપરાંત બોકાશિયોની શૈલીનું પણ વ્યાપક અનુકરણ થયું. આ તમામ કૃતિઓ છે તો ટૂંકી વાર્તાઓ જ, પરંતુ નવલકથાનાં ઇતિહાસ તથા વિકાસપ્રક્રિયામાં તેમનાં સ્થાન-કાર્ય અત્યંત મહત્ત્વનાં છે; પહેલું કારણ તો એ કે આ વાર્તાઓ ગદ્યમાં લખાયેલી છે અને બીજું એ કે તેમની કથાવર્ણનની શૈલી તથા પાત્રોનું સર્જન અને પાત્રવિકાસ એ બંને બાબતોમાં તે અર્વાચીન નવલપ્રકારની પુરોગામી બની રહે છે.

ચૌદમી સદી સુધી મોટાભાગનું મનોરંજનલક્ષી સાહિત્ય, ખાસ કરીને મહાકાવ્ય અને રોમાન્સ વર્ણનાત્મક પદ્ય(narrative verse)માં લખાતાં હતાં. ‘રોમાન્સ’માંથી ‘રોમાન’ શબ્દ મળ્યો જે મોટાભાગની યુરોપીય ભાષાઓમાં નવલકથા માટે વપરાય છે. કેટલીક બાબતમાં નવલકથા એ મધ્યયુગીન રોમાન્સ એટલે વીરશૃંગારની કથાઓમાંથી ઊતરી આવેલું સ્વરૂપ છે. મહાકાવ્યની જેમ રોમાન્સ સૌપ્રથમ પદ્યમાં લખાતાં હતાં અને ત્યારબાદ ગદ્યમાં લખાતાં થયાં. સત્તરમી સદીના અંત સુધીમાં પદ્ય વર્ણનાત્મક કથાઓનું સ્થાન ગદ્ય વર્ણનકથાઓએ મેળવી લીધું હતું.

નવલકથાના સ્વરૂપના વિકાસમાં યુરોપભરમાં સ્પેન અગ્રેસર રહ્યું છે. ચૌદમી સદીના પ્રારંભથી જ નવલકથાઓ મળવા માંડે છે. મોટાભાગની આ કૃતિઓમાં પ્રેમશૌર્યનાં કથાનકો હતાં. આવી અનેક કૃતિઓ અને કેટલીક તો અનુકરણ રૂપે લખાઈ તેમાં ઘણીય ગણનાપાત્ર હતી. પણ એ સૌના શિરમોર સમી મહાન નીવડેલી કૃતિ તે સરવાન્ટિસની ‘દૉન કિહોતે’ (1605). મધ્યયુગીન સરદારોની જીવનશૈલી અને  દુ:સાહસોની તો ખરી જ, પણ તે ઉપરાંત પોતાની પૂર્વેની કેટલીક નવલકથાઓની પણ ઠેકડી ઉડાવનાર આ વિશ્વવિખ્યાત ક્લાસિકલ નવલકથાથી યુરોપીય નવલનો સાચો પ્રારંભ થયો લેખાય છે. પણ સરવાન્ટિસનું શૈલીસાતત્ય જળવાયું નહિ. આવો યશસ્વી પ્રારંભ કરનાર સરવાન્ટિસના મૃત્યુ પછી સ્પૅનિશ નવલકથા-જગતમાં છેક ઓગણીસમી સદી સુધી અંધકાર છવાઈ ગયો.

સત્તરમી સદીમાં ફ્રાન્સમાં કેટલીક રસપ્રદ નવલકથાઓ મળે છે, પરંતુ આ સાહિત્યસ્વરૂપે સૌપ્રથમ કાયમી મૂળ નાંખ્યાં તે તો ઇંગ્લૅન્ડમાં. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ડૅનિયલ ડિફો, સૅમ્યુઅલ રિચાર્ડસન તથા હેન્રી ફીલ્ડિંગ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય હતા અને તેમની કૃતિઓ દ્વારા ઇંગ્લૅન્ડમાં નવલકથા સૌથી લોકભોગ્ય સાહિત્યપ્રકાર બની. 1719માં ડિફોની સાહસકથા ‘રૉબિન્સન ક્રૂઝો’ પ્રગટ થાય છે અને તેને પગલે પગલે રણ તથા ટાપુનાં કથાનકોની પરંપરા જન્મે છે. તેમની બીજી બે અગત્યની કૃતિઓ તે સમાજવિજ્ઞાનલક્ષી કથા ‘મૉલ ફ્લૅન્ડર્સ’ (1722) તથા ઐતિહાસિક ઢાંચાની કથા ‘અ જર્નલ ઑવ ધ પ્લેગ યર’(1722).

ઓગણીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં આંગ્લ નવલક્ષેત્રે બે લેખકો અગ્રેસર રહે છે તે સર વૉલ્ટર સ્કૉટ તથા જેન ઑસ્ટિન. ઓગણીસમી સદીના નવલકથાસાહિત્ય પરત્વે કોઈ એક જ વ્યક્તિનો પ્રભાવ રહ્યો હોય તો તે સ્કૉટનો. તેમની વિશેષ જાણીતી કૃતિઓમાં ‘વેવર્લી’ (1814), ‘ઇવાન્હો’ (1819), ‘ધ ટૅલિસ્મન’ (1823) વગેરે ઉલ્લેખનીય છે. જેનની ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’ (1811) તથા ‘પ્રાઇડ ઍન્ડ પ્રૅજુડિસ’ (1813) ખૂબ જાણીતી છે. નવતર શૈલીની રાજરંગની નવલકથાઓ સૌપ્રથમ વાર આપનાર ડિઝરાયલીએ પણ પ્રતિષ્ઠા જમાવી હતી. ઉલ્લેખનીય : ‘વિવિયન ગ્રે’, (1826), ‘સિબિલ’ (1845) તથા ‘ટૅન્ક્રેડ’ (1847).

ઓગણીસમી સદીના મધ્યભાગમાં જોવા મળતા અસાધારણ વિપુલ કથાસાહિત્યમાં ચાર્લ્સ ડિકન્સ અને ઍન્થની ટ્રૉલપનો પ્રમુખ ફાળો છે; એટલું જ નહિ, એમાંની મોટાભાગની કૃતિઓ ખાસ્સી યાદગાર બની રહી છે. ડિકન્સની આવી કૃતિઓમાં ‘ઑલિવર ટિવસ્ટ’ (1838), ‘નિકૉલસ નિકલબી’ (1839), ‘ધી ઓલ્ડ ક્યૂરિયૉસિટી શૉપ’ (1841), ‘ડેવિડ કૉપરફીલ્ડ’ (1850), ‘અ ટેલ ઑવ્ ટુ સિટીઝ’ તથા ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ (1860) મુખ્ય છે. ઈતર નવલકથાકારોમાં થૅકરેની ‘વૅનિટી ફૅર’ (1847–48) જાણીતી રચના છે. જ્યૉર્જ એલિયટ જેવાં મહિલા નવલકથાકાર ‘ઍડમ બીડ’ (1859), ‘ધ મિલ ઑન ધ ફ્લોસ’ (1860), ‘સિલાસ માર્નર’ (1861) જેવી કૃતિઓથી જાણીતાં બન્યાં છે. બ્રૉન્ટી સિસ્ટર્સ તરીકે ઓળખાતી અન્ય ત્રણ લેખિકાઓ એમિલી [‘વુધરિંગ હાઇટ્સ’ (1847)], ચાર્લૉટી (‘જેન આયર’ 1847) તથા ઍન(‘ઍગ્નેસ ગ્રે’ 1847)ની જાણીતી રચનાઓ પણ આ ગાળામાં મળે છે.

ઓગણીસમી સદીની લગભગ છેલ્લી પચીસીના સૌથી ગણનાપાત્ર આંગ્લ નવલકથાકાર તે ટૉમસ હાર્ડી. 1871માં ‘ડેસ્પરેટ રેમેડીઝ’ વડે પ્રારંભ કરી પછીનાં 25 વર્ષોમાં ‘અંડર ધ ગ્રીનવૂડ ટ્રી’ (1872), ‘ફાર ફ્રૉમ ધ મૅડિંગ ક્રાઉડ’ (1874), ‘ધ રિટર્ન ઑવ્ ધ નેટિવ’ (1878), ‘ધ મેયર ઑવ્ કૅસ્ટરબ્રિજ’ (1886), ‘ધ વૂડલૅન્ડર્સ’ (1878) તથા ‘ટેસ ઑવ્ ધ ડીઅર્બરવિલ્ઝ’ (1891) જેવી કૃતિઓ સર્જીને અગ્રણી આંચલિક કથાસર્જક બની રહ્યા. 1880થી 1890ના એ દશકા દરમિયાન આર. એ. સ્ટીવન્સને લખેલી રચનાઓમાંથી ’ટ્રેઝર આઇલૅન્ડ’ (1883), ‘કિડનૅપ્ડ’ (1886) તથા ‘ધ માસ્ટર ઑવ્ બૅલેન્ટ્રી’ ચિરંજીવી બની છે.

ઓગણીસમી સદી દરમિયાન નવલકથા અત્યંત લોકપ્રિય સાહિત્યપ્રકાર તરીકે ઊભરી આવી એ એકાંગી નહિ, પણ યુરોપવ્યાપી ઘટના છે. વળી આ ગાળામાં આ સાહિત્યપ્રકાર અત્યંત ઝડપથી અવનવી પાકટતા પણ પ્રગટાવે છે. ફ્રાન્સના શૅતોબ્રીઆંની ‘રેને’ (1802), ઇંગ્લૅન્ડના બેન્જામિન કૉન્સ્ટન્ટની ‘ઍડલ્ફી’ (1816), ઇટાલીના મૅનસ્તોની ‘આઇ પ્રૉમેસી સ્પોસી’ (1827), ફ્રાન્સના સ્ટેન્ડાલની ‘લ રૉગ એટ લ નૉઈર, (1830), રશિયાના પુશ્કિનની ‘દુબોવ્સ્કી’ (1832–33) અને ‘અ કૅપ્ટન્સ ડૉટર’ (1836) તેમજ લેર્મેન્ટોવની ‘અ હીરો ઑવ્ અવર ટાઇમ’ (1839–40)નો ઉલ્લેખ કરવાની સાથોસાથ ફ્રાન્સના બાલ્ઝાકને એ સૌમાં મોખરે મૂકવાના રહે; 1820થી 1850માં થયેલા મૃત્યુ પર્યંત તે અસામાન્ય ઝડપે ઉપરાઉપરી નવલકથાઓ આપતા રહ્યા. લગભગ આ જ ગાળા દરમિયાન ફ્રાંસના ડૂમા ‘ધ થ્રી મસ્કેટિયર્સ’ (1844), ‘ટ્વેન્ટી યર્સ આફ્ટર’ (1845) તથા ‘ધ કાઉન્ટ ઑવ્ મૉન્ટે ક્રિસ્ટો’ જેવી કથાઓ વડે અનન્ય સફળતા હાંસલ કરી ચૂક્યા હતા. 1841માં ગૉગોલની ‘ડેડ સોલ્સ’ જેવી વિલક્ષણ હાસ્યલક્ષી નવલકથા મળે છે. 1846માં દૉસ્તૉયેવ્સ્કીએ ‘પુઅર પીપલ’ પ્રગટ કર્યા પછી ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’ (1860), ‘ધી ઇડિયટ’ (1866), ‘ધ પઝેસ્ડ’ (1871) તથા ‘ધ બ્રધર્સ કારમાઝોવ’ (1880) જેવી નમૂનેદાર કૃતિઓ આપી. ત્રીજા નામી રશિયન કથાકાર તે તુર્ગેનેવ. તેમની ‘ફાધર ઍન્ડ સન્સ’ (1862) જેવી કૃતિ યાદગાર નીવડી છે; પરંતુ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધનાં વર્ષોના સમર્થ સર્જક તે તૉલ્સ્તૉય. તેમની ‘વૉર ઍન્ડ પીસ’ (1865–72) તથા ‘અના કરેનિના’ (1875–76) જેવી મહાકાવ્ય સમી કથાઓ રશિયન સાહિત્યમાં અજોડ ઠરી છે અને વિશ્વ સમસ્તમાં નામના પામી છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અગ્રણી ફ્રેન્ચ નવલસર્જકોમાં ફ્લૉબૅર (ઉલ્લેખનીય – ‘મૅડમ બૉવરી’, 1856), વિક્ટર હ્યુગો (ઉલ્લેખનીય – ‘નૉટ્રૅડેમ દ પૅરિસ’, 1831, તથા ‘લ મિઝરેબલ’ 1862), એમિલ ઝોલા (ઉલ્લેખનીય  20 ગ્રંથોની નવલશ્રેણી ‘લ રૂગોં મેક્વાર્ટ’), મોપાસાં તથા આનાતોલ ફ્રાન્સનો ઉલ્લેખ કરવાનો રહે.

સત્તરમી સદી પછી સ્થગિત બની ચૂકેલા સ્પૅનિશ નવલસાહિત્યમાં ઓગણીસમી સદીમાં ફરી ગતિ આવે છે. એ નવસર્જકોમાં અગ્રણી છે પિરેઝ ગાલ્ડૉસ. બાલ્ઝાક અને ડિકન્સ સાથે સરખામણી થાય તેવી તેમની સર્જક-પ્રતિભા છે.

અમેરિકામાં ઓગણીસમી સદી દરમિયાન નવલકથા લોકપ્રિય સાહિત્યપ્રકાર બની રહે છે. અનેક કથાલેખકો પૈકી હર્બર્ટ મેલવિલની ‘મૉબી ડિક’ (1851) અમેરિકન સાહિત્યમાં પ્રશિષ્ટ કૃતિ લેખાય છે. સદીના મધ્યભાગમાં આવે છે નેથૅનિયલ હૉથૉર્નની કૃતિઓ (ઉલ્લેખનીય– ‘ધ સ્કારલેટ લેટર’ 1850) આ જ ગાળા દરમિયાન માર્ક ટ્વેનની ‘ધી એડવેન્ચર્સ ઑવ્ ટૉમ સૉયર’ (1876) તથા ‘ધી એડવેન્ચર્સ ઑવ્ હકલબરી ફિન’ (1855) જેવી જાણીતી કૃતિઓ મળે છે. સદીનાં છેલ્લાં ત્રીસ વર્ષ તથા વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોના સૌથી અગ્રેસર અમેરિકન નવલકથાકાર તે હેન્રી જેમ્સ. તેમની અનેક કૃતિઓ પૈકી ‘વૉશિંગ્ટન સ્ક્વૅર’ (1881), ‘ધ પૉર્ટિટ ઑવ્ અ લેડી’ (1881), ‘ધી ઑકવર્ડ એજ’ (1899) તથા ‘ધ વિંગ્ઝ ઑવ્ ધ ડવ’ (1902) ગણનાપાત્ર છે. વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોના અગ્રણી આંગ્લ નવલકારોમાં આનૉર્લ્ડ બેનિટ (ઉલ્લેખનીય– ‘ધી ઓલ્ડ વાઇવ્ઝ ટેલ’ 1908), ઈ. એમ. ફૉર્સ્ટર (ઉલ્લેખનીય– ‘પૅસેજ ટુ ઇન્ડિયા’ 1924), એચ.જી.વેલ્સ (ઉલ્લેખનીય– ‘ફર્સ્ટ મૅન ઇન ધ મૂન’ 1901 તથા ‘ટૉનો બંગે’ 1909) તથા અંગ્રેજી ભાષામાં લખતા પૉલિશ સર્જક જૉસેફ કૉન્રૅડ (ઉલ્લેખનીય– ‘ધ સીક્રેટ એજન્ટ’, 1907) મુખ્ય છે. આ ઉપરાંત કિપ્લિંગની ‘કિમ’ (1901) તથા સૅમ્યુઅલ બટલરની ‘ધ વે ઑવ્ ઑલ ફ્લેશ’ 1903) જેવી કૃતિઓ નોંધપાત્ર નીવડી હતી.

આમાંના મોટાભાગના નવલકારોની લેખનકારકિર્દી લગભગ પૂરી થવામાં હતી, ત્યારે જ ત્રણ આંગ્લ લેખકોનો સર્જનકાળ આરંભાતો હતો. સમરસેટ મોમની ‘ઑવ્ હ્યુમન બૉન્ડેજ’ (1915), ‘કેક્સ ઍન્ડ એલ’ (1930) તથા ‘ધ રેઝર્સ એજ’ (1944) જાણીતી છે. ‘સન્સ ઍન્ડ લવર્સ’ (1913), ‘ધ પ્લમ્ડ સર્પન્ટ’ (1926) અને ‘લેડી ચૅટર્લીઝ લવર’ (1928) જેવાં સર્જનો દ્વારા ડી. એચ. લૉરેન્સ આ ગાળામાં અગ્રેસર બની રહ્યા. આ સૌમાં સૌથી મૌલિક અને ધૂની હતા, વિન્ડમ લુઇસ (ઉલ્લેખનીય–  ‘ધ રિવેન્જ ફૉર લવ’, 1937).

1915માં આ સાહિત્યપ્રકારમાં આંતરચેતનાપ્રવાહ(stream of consciousness)ની શૈલી દાખલ કરનાર પ્રથમ આંગ્લ નવલકથાકાર તે ડૉરોથી રિચાર્ડસન; તેમની ‘પિલ્ગ્રિમેજ’ કથાશ્રેણી (1915થી 1938) 12 ગ્રંથોમાં પથરાયેલી છે. 1916માં જેમ્સ જૉઇસે ‘અ પૉર્ટિટ ઑવ્ ધી આર્ટિસ્ટ એઝ અ યંગ મૅન’ પ્રગટ કરી અને તેમાં તેમણે પણ આંતરચેતનાપ્રવાહની ટૅકનિક પ્રયોજી. ‘યુલુસીસ’(1922)માં તેમણે આ શૈલીની પરિપૂર્ણતા સિદ્ધ કરી બતાવી તથા ‘ફિનગન્સ વેક’(1939)માં આ ટૅકનિકની શક્ય હોય તે તમામ મર્યાદાઓ પણ ચીંધી બતાવી. સાથોસાથ પોતે ભાષાના માધ્યમની સીમાને અતિક્રમી જવા માંગતા હોય એવી અનન્ય પ્રયોગશીલતા પણ એમાં દાખવી. જૉઇસથી નવલસ્વરૂપમાં આમૂલ ફેરફાર થયા અને તેનાં રૂપરંગ તેમ જ શૈલી પહેલાં જેવાં રહ્યાં જ નહિ. તેમની સર્જન-શૈલીનો ઊંડો અને વ્યાપક પ્રભાવ પડ્યો, વળી તેમની નવતર નવલશૈલીનું અનુકરણ કરનારા પણ અનેક લેખકો નીકળ્યા.

1920થી ’30 દરમિયાન આંગ્લ નવલકથાના ભરપૂર વિકાસમાં ફાળો આપનારા લેખકો પૈકી જૉઇસ તથા ડૉરોથીનો પ્રભાવ પામેલા વર્જિનિયા વુલ્ફે આંતરચેતનાપ્રવાહની શૈલીના નોંધપાત્ર પ્રયોગો કર્યા. (ઉલ્લેખનીય  ‘જેકબ્ઝ રૂમ’ 1922, ‘ટુ ધ લાઇટહાઉસ’ 1927 તથા ‘ધ વેવ્ઝ’ 1931). 1922માં ગૉલ્સવર્ધીની ‘ફૉરસાઇટ સાગા’ પ્રગટ થઈ, પછી તેમણે અનેક નવલો લખી. આ જ ગાળામાં પ્રગટ થવા માંડેલી હક્સ્લીની નવલો પૈકી ‘ક્રોમ યલો’ (1921), ‘ઍન્ટિક હે’ (1923), તથા ‘પૉઇન્ટ કાઉન્ટરપૉઇન્ટ’ (1928) નોંધપાત્ર છે. 1932માં તેમણે યુરોપિયા જેવી અતિઆદર્શ સમાજવ્યવસ્થાને પડકારતી જોશીલી નવલકથા ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ તથા 1948 માં ‘એપ ઍન્ડ ઇસેન્સ’ આપી ભારે નામના મેળવી. 1928 માં ‘ડિક્લાઇન ઍન્ડ ફૉલ’થી રમૂજી કટાક્ષલેખક તરીકે પ્રારંભ કરનાર એવલિન વૉએ પણ ઘણી નવલો લખી. આ ક્ષેત્રે મહિલા કથાલેખકોમાં એલિઝાબેથ બ્રૉઇન તથા આઇવી કૉમ્પટન-બર્નેટ નોંધપાત્ર છે.

1920 દરમિયાન પ્રારંભ કરી લગાતાર 50 વર્ષ સુધી એકધારી નવલકથાઓ લખનાર સૌથી વિખ્યાત આંગ્લ નવલકથાકાર તે ગ્રેહામ ગ્રીન. તેમની વીસેક કૃતિઓ પૈકી ‘ધ મૅન વિધિન’ (1929), ‘બ્રાઇટન રૉક’ (1938) તથા ‘ધ પાવર ઍન્ડ ધ ગ્લોરી’ (1940) ઉલ્લેખનીય છે. વીસમી સદી દરમિયાન આંગ્લ નવલકથાનો વિકાસ સાધવામાં ઇંગ્લૅન્ડ ઉપરાંત કૅરેબિયન ટાપુ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના નવલકથાકારોનો પણ ગણનાપાત્ર ફાળો રહ્યો છે.

વીસમી સદીમાં અમેરિકામાં પણ નવલકથાનો બ્રિટન તથા યુરોપ જેવો જ વિકાસ થયો છે. એમાં અપટન સિંકલૅર (ઉલ્લેખનીય– ‘ધ જંગલ’ 1906) ; સિંકલૅર લુઇસ (ઉલ્લેખનીય– ‘બેબિટ’, 1922), થિયોડૉર ડ્રેઝર (ઉલ્લેખનીય– ‘ઍન અમેરિકન ટ્રૅજેડી’ 1925), અર્નેસ્ટ હેમિંગ્વે (ઉલ્લેખનીય– ‘અ ફૅરવેલ ટુ આર્મ્સ’, 1929, ‘ફૉર હુમ ધ બેલ ટૉલ્સ’, 1940 તથા ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’, 1950) ઉલ્લેખપાત્ર લેખાય. સૌમાં વિશેષ ખ્યાતિ પામનાર અમેરિકન નવલસર્જક તે વિલિયમ ફૉક્નર (ઉલ્લેખનીય– ‘ધ સાઉન્ડ ઍન્ડ ધ ફ્યૂરી’). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે પછી લખતા રહેલા કથાલેખકોમાં થૉનર્નટન વાઇલ્ડર (ઉલ્લેખનીય–  ‘ધી ઇડ્ઝ ઑવ્ માર્ચ’ 1948), જૉન સ્ટાઈનબેક (ઉલ્લેખનીય– ‘ઑવ્ માઇસ ઍન્ડ મૅન’ 1937 તથા ‘ધ ગ્રેપ્સ ઑવ્ રૉથ’ 1939) અને વિલિયમ સારોયાન (ઉલ્લેખનીય– ‘ધ હ્યુમન કૉમેડી’, 1943) ગણનાપાત્ર છે.

બ્રિટન, અમેરિકા અને અન્ય દેશોની જેમ યુરોપમાં પણ વીસમી સદીના પ્રારંભે નવલકથાનો વિકાસ થતો રહ્યો. ફ્રાન્સના આવા પ્રતિભાશાળી લેખકોમાં આંદ્રે જીદ, પ્રૂસ્ત તથા રોમાં રોલાં સુપરિચિત છે. સદીના સૌથી અગ્રણી જર્મન કથાલેખક તે ટૉમસ માન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર બે ઑસ્ટ્રેલિયન નવલસર્જક તે રૉબર્ટ મુસિલ અને મૅક્સ બ્રૉડ, અગ્રણી ઇટાલિયન નવલકથાકારોમાં પિરાન્દેલો તથા આલ્બર્ટો મોરાવિયા ઉલ્લેખનીય છે. ચેકોસ્લોવૅકિયાના લેખકો પૈકી જર્મન ભાષામાં નવલલેખન દ્વારા વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર કાફકાનું પ્રદાન ગણનાપાત્ર છે. યુગોસ્લાવિયાના કેટલાક લેખકો પૈકી ઈવો ઍન્ડ્રિક (ઉલ્લેખનીય– ‘ધ વુમન ફ્રૉમ સરજિવો’ 1945) ખૂબ જાણીતા છે. વીસમી સદીના એકમાત્ર ગ્રીક નવલસર્જક તે કઝાન્તઝાકિસ. તેમની ‘ઝોરબા ધ ગ્રીક’(1946)નો ખૂબ પ્રભાવ પડ્યો હતો.

રશિયામાં પણ વીસમી સદીમાં ઓગણીસમી સદી જેવો જ વિકાસક્રમ જળવાઈ રહ્યો. મૅક્સિમ ગૉર્કીએ પ્રગટ કરેલી નવલકથાઓ પૈકી ‘ધ મધર’ (1907) પાછળથી રશિયન સત્તાવાળાઓને સમાજવાદી વાસ્તવદર્શનની ઉત્તમ કૃતિ જણાઈ હતી અને લેખકને ખુશ કર્યા હતા. બીજા ઉલ્લેખનીય લેખકોમાં ઈલ્યા ઇરેન્બર્ગ (ઉલ્લેખનીય  ‘ધ ફૉલ ઑવ્ પૅરિસ’ 1942), સોલોખોવ (ઉલ્લેખનીય– ‘ક્વાયટ ફ્લોઝ ધ ડૉન’ 1928-38), પાસ્તરનૅક (ઉલ્લેખનીય– ‘ડૉ. ઝિવાગો’ 1957), દુદિન્ત્સેવ (‘નૉટ બાય બ્રેડ અલોન’, 1957) તથા સોલઝનિત્સિન (ઉલ્લેખનીય– ‘કૅન્સર વૉર્ડ’ 1968) મુખ્ય છે.

બીજા દેશોના પણ કેટલાક લેખકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ સાંપડી ન હોવા છતાં તેઓ નવલલેખન અંગે આશાસ્પદ પ્રતિભા દાખવી ચૂક્યા છે. આમાં બી ટ્રેવન (પોલૅન્ડ), એલિયાસ કાનેટી (બલ્ગેરિયા; પણ લેખન જર્મન ભાષામાં), જુનિયિરો તાનિઝેકી (જાપાન), હેલ્ડર લેક્સનેસ (આઇસલૅન્ડ), ગુસ્તાવ રેબ (હંગેરી), તેરજી વેઝા (નૉર્વે), મૉતાર લુબિસ (મલાયા), બાલચંદ્રન રાજન, આર. કે. નારાયણ તથા ખુશવંતસિંગ (ભારત), યુકિયો મિશિમા (જાપાન) તથા ચિન્વા અચીબે, સાઇપ્રિયન ઇક્વેન્સી અને એમોસ તુરુલા (નાઇજીરિયા) જેવાં નામો ઉલ્લેખપાત્ર ઠરે.

નવલકથા નાના-મોટા દરેક દેશમાં દરેક ભાષામાં આવકાર પામી લોકભોગ્ય સાહિત્યપ્રકાર બની રહી છે. ઇંગ્લૅન્ડ, અમેરિકા જેવા દેશોમાં તેનો સર્વાધિક અને સર્વાંગી વિકાસ થયો છે તો અન્ય દેશોમાં પણ તેનું જુદા જુદા સ્વરૂપે ઠીક ઠીક ખેડાણ થયું છે. નવલકથા એ રીતે એક વિશ્વવ્યાપી સાહિત્યપ્રકાર બની ગયો છે.

બંગાળી નવલકથા : ભારતમાં નવલકથાનું આગમન થયે સોએક વર્ષ થયાનું ગણાય છે. આ સાહિત્યપ્રકાર સ્પષ્ટત: પાશ્ચાત્ય નમૂના અને પ્રભાવ હેઠળ જન્મ્યો છે. અંગ્રેજી ઐતિહાસિક રોમાન્સ તથા અઢારમી અને ઓગણીસમી સદીના ‘સ્કેચિઝ’ તેમ જ ભારતમાંના અંગ્રેજોની અને અંગ્રેજીમાં લેખન કરતા કેટલાક બંગાળી લેખકોની ઐતિહાસિક રચનાઓ પરથી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના કેટલાક બંગાળી કથાલેખકોને પ્રેરણા મળી. આમાંથી સામાજિક તથા પ્રેમશૌર્યની ઐતિહાસિક કથાઓ તેમજ નવશ્રીમંતોનાં દૂષણોને આલેખતાં કટાક્ષલક્ષી શબ્દચિત્રો દ્વારા નવલલેખનનો માર્ગ ઊઘડ્યો.

બંગાળી નવલકથાના પિતા ગણાય છે બંકિમચંદ્ર. તેમની ‘દુર્ગેશનંદિની’, ‘કપાલકુંડલા’ તથા ‘ચંદ્રશેખર’ જેવી રચનાઓ મારફત જ નવલબંધની લાક્ષણિકતાઓનો બંગાળીમાં સર્વપ્રથમ પરિચય થયો. ‘વિષવૃક્ષ’ તથા ‘કૃષ્ણકાંતેર વિલ’ જેવી તેમની બે સામાજિક કૃતિઓમાં તેમના કથાકૌશલ્યનો પરિચય મળે છે. તેમની છેલ્લી ત્રણ નવલકથાઓ પૈકી ‘આનંદમઠ’ લોકસમુદાયને રાજકીય સ્વાતંત્ર્યની લડત માટે પ્રેરણારૂપ બનેલી. ‘વંદે માતરમ્’ ગીત આ નવલકથાના ભાગરૂપ છે. તેમની સફળતા જોઈ અનેક બંગાળી લેખકો નવલકથાના પ્રકાર તરફ આકર્ષાયા.

રવીન્દ્રનાથ ટાગોર પણ આ સાહિત્યપ્રકાર તરફ આકર્ષાયા. બંકિમચંદ્રની જેમ રવીન્દ્રનાથે પણ ઐતિહાસિક કથાઓથી પ્રારંભ કર્યો અને બે રચનાઓ પછી ‘ચોખેર બાલિ’માં તેમણે આ સાહિત્યપ્રકારના કથાજગતને પશ્ચિમી નવલોની જેમ અંતર્મુખ બનાવ્યું. તેમની સૌથી લાંબી નવલકથા ‘ગોરા’માં તેમણે વ્યક્તિ, સમાજ, રાજ્યની સમસ્યાઓની મહાકાવ્યના સ્તરે કુશળતાપૂર્વક છણાવટ કરી છે. સમકાલીન લોકજીવનના સંદર્ભમાં માનવીના ભીતરી જગતની કથાઓ તે ‘ચતુરંગ’ તથા ‘ઘરે બાહિરે’. ‘શેષેર કવિતા’માં રમૂજથી દીપી ઊઠતા ગદ્ય તથા પદ્યનું રોચક મિશ્રણ છે. ઉત્તરાર્ધની નવલો પૈકી ‘ચાર અધ્યાય’માં આતંકવાદી પ્રવૃત્તિની મીમાંસા છે.

ટાગોરની નવલકથાઓ સાહિત્યિક રુચિ ધરાવતા નિશ્ચિત વર્ગને જ આકર્ષી શકી, જ્યારે પ્રભાતકુમાર મુખરજી અને શિરીષચંદ્ર મજુમદાર જેવા, વાચકોના આમવર્ગ પર પ્રભાવ પાડી શક્યા. જૂના સામયિક ‘ભારતી’ સાથે સંકળાયેલા જૂથના લેખકો પોતપોતાની રીતે સરળ અને લાગણીપ્રધાન કથાઓ વડે સામાન્ય વાચકને સંતોષી રહ્યા હતા.

પણ એ સૌમાં અગ્રેસર અને અનન્ય હતા શરદચંદ્ર ચૅટરજી. ગૉર્કીની જેમ રખડુ જીવન જીવતા શરદચંદ્રે અનોખી નિજી લેખનશૈલી વિકસાવી હતી. ‘બડી દીદી’, ‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘વિરાજવહુ’ તથા ‘પલ્લીસમાજ’ જેવી સરળ અને નાટ્યોચિત આકર્ષણ ધરાવતી ટૂંકી નવલોથી તેમને સહસા પ્રસિદ્ધિ મળી. ‘ચરિત્રહીન’, ‘ગૃહદાહ’ તથા ‘શેષ પ્રશ્ન’ જેવી લાંબી કથાઓમાં પણ સહૃદયોને તેમનો સંમોહક સ્પર્શ અછતો રહેતો નથી.

યુદ્ધ પછી નવલલેખનના ક્ષેત્રે યુવાલેખકોનું એક જૂથ સક્રિય બન્યું. ગામડાં અને પરાવિસ્તારના આમજનોને આકર્ષી રહેલ શહેરી જીવન તથા તેની રહેણીકરણીનું વાસ્તવપૂર્ણ ચિત્ર આલેખવાનો સીમિત અભિગમ તેમણે અપનાવ્યો જણાય છે. તેમાં અગ્રણી હતા નરેશચંદ્ર મિત્ર. અન્ય લેખકોમાં ગોકુલ નાગ, પ્રેમેન્દ્ર મિત્ર, અચિંત્ય સેનગુપ્તા, પ્રબોધ સાન્યાલ તથા બુદ્ધદેવ બસુ ઉલ્લેખપાત્ર છે. એમના વિષયો હતા અસામાન્ય પ્રકૃતિવાળી વ્યક્તિઓની કામુકતાનું મનોવિશ્લેષણ, જીવનની કડવી તથા દુ:ખદ વાસ્તવિકતા તથા અસ્તિત્વ માટેના સંઘર્ષની મથામણ. આ વાસ્તવલક્ષી લેખનશૈલી છતાં રોમૅન્ટિક નવલસાતત્ય જોશભેર વહે છે. તેનું એક લાક્ષણિક ઉદાહરણ તે વિભૂતિભૂષણ બૅનરજીની ‘પથેર પાંચાલી’. બીજી બાજુ તારાશંકર બૅનરજી જેવા કેટલાક કથાલેખકો આંચલિક નવલનો મરોડ વિકસાવી રહ્યા હતા. જ્યારે બૌદ્ધિકોના લેખનપ્રવાહના મુખ્ય લેખકો હતા દિલીપકુમાર રૉય, આનંદશંકર રે વગેરે. આંતરચેતનાપ્રવાહની શૈલીનો પ્રયોગ કર્યો ધૂર્જટિપ્રસાદ મુખરજી તથા ગોપાલ હલધરે.

વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી સામાજિક–આર્થિક પરિસ્થિતિ અત્યંત વણસી ગઈ અને તે સાથે જ નવલકારોનું એક નવું જૂથ ઉદભવ્યું. તે સૌએ સમાજના ઉઝરડા અને ઘા, વર્ગસંઘર્ષ, આંતરિક રાજકીય સાઠમારી, નિર્વાસિતોની સમસ્યા, વેપારીવર્ગ તરફથી થતી શોષણખોરી, મધ્યમવર્ગીય સમાજ તથા કૃષિ અને ઔદ્યોગિક કામદારવર્ગમાં તીવ્ર મૂલ્યહ્રાસ જેવી નવી સાંપ્રત સમસ્યાઓ આલેખવા માંડી. તેમાં અગ્રેસર હતા સુબોધ ઘોષ, જ્યોતિરિન્દ્ર નંદી, નારાયણ ગાંગુલી, નરેન્દ્રનાથ મિત્ર વગેરે. ઐતિહાસિક તથા સામાજિક શૈલીના નવલકથાલેખનનું સાતત્ય જાળવી રાખનાર કથાલેખકોમાં શરદિન્દુ બૅનરજી, આશાપૂર્ણાદેવી, (‘પ્રથમ પ્રતિશ્રુતિ’), મૈત્રેયીદેવી (‘ન હન્યતે’) વિમલ મિત્ર, મહાશ્વેતાદેવી વગેરે મુખ્ય હતાં.

સ્વાતંત્ર્ય મળ્યા પછીના બંગાળના વિભાજનના પરિણામે ઊમટેલો નિર્વાસિતોનો લગાતાર પ્રવાહ, અનાજના રૅશનિંગની પ્રથાની નિષ્ફળતા, તીવ્ર બેરોજગારી, ગૂંચવાડાભરેલી શિક્ષણનીતિ તથા 1977માં કૉંગ્રેસના પતન પછી ઉગ્ર ડાબેરીઓનો વિજય જેવા નવતર પ્રશ્નો ખડા થયા. આના પગલે પગલે અસ્તિત્વવાદી વલણો તથા ઍબ્સર્ડની લાક્ષણિક સભાનતા જેવાં પરિબળો જન્મ્યાં. એ ક્ષેત્રે સક્રિય હતા શ્યામલ ગાંગુલી, સમરેશ બસુ, સુનીલ ગાંગુલી, દેવેશ રૉય વગેરે.

બીજા કોઈ પણ સાહિત્યની જેમ બંગાળી સાહિત્યમાં પણ લોકરંજની કૃતિઓ લખાતી રહી છે. આવી નવલોનો એક આગવો વર્ગ હોય છે. ફિલ્મનિર્માણ માટેની સામગ્રીની સાનુકૂળ ભરચકતા તથા બજારમાંની તેની માગ જેવી બાબતોને ખ્યાલમાં રાખીને લખાતી આવી કૃતિઓમાંથી કેટલીક અત્યધિક વેચાણ ધરાવનારી (best seller) પણ નીવડે છે. વિમલ મિત્ર, મણિશંકર મુખોપાધ્યાય તથા નિમાઈ ભટ્ટાચાર્ય જેવા લેખકો આ પ્રવાહને વરેલા છે.

મરાઠી નવલકથા : મરાઠીમાં નવલકથા માટે ‘કાદંબરી’ નામ પ્રયોજાયું હોવા છતાં પરંપરા કે ઉદ્ભવની દૃષ્ટિએ એ નામની સંસ્કૃત ગદ્યકૃતિ સાથે કશો સંબંધ નથી. તેરમી સદીની મહૈમ ભટ્ટરચિત ‘લીલીચરિત્ર’ સૌપ્રથમ મરાઠી ગદ્યરચના લેખાય છે. ત્યાંથી માંડીને મધ્યકાલીન બાખર સાહિત્ય સુધીના પૂર્વ-બ્રિટિશ ગાળામાં મરાઠીમાં ગદ્યકૃતિઓ લખાતી. ઓગણીસમી સદીના પચાસ, સાઠ તથા સિત્તેરના દાયકામાં મરાઠીમાં ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, નાટક વગેરે ગદ્યપ્રકારોની સ્વરૂપલક્ષી સભાનતા અંગ્રેજી સાહિત્ય મારફત જન્મી છે. પ્રારંભિક ગાળામાં નૉવેલના અનુકરણ રૂપે મરાઠીમાં નવલ અથવા નવલકથા પર્યાય પ્રયોજાયો હતો તે પરથી તેનું પ્રેરણાસ્થાન સ્પષ્ટ બને છે.

બાબા પદમનજીરચિત ‘યમુનાપર્યટન’ (1857) સૌપ્રથમ મૌલિક મરાઠી નવલ મનાય છે. આ જ વર્ષે મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ એ જોગાનુજોગ પણ મહત્ત્વનો છે. કેમ કે બીજી પ્રાદેશિક ભાષાઓની જેમ મરાઠીમાં પણ શૈક્ષણિક જાગૃતિએ સાહિત્યિક સભાનતા પ્રગટાવવામાં નિર્ણાયક ફાળો આપ્યો છે.

‘યમુનાપર્યટન’ પૂર્વે અંગ્રેજી જેવી ભાષાઓમાંથી મરાઠી ભાષાંતર થયેલાં નોંધાયાં છે. જૉન બનયનના ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નો હરિ કેશવજીકૃત અનુવાદ ‘યાત્રિક ક્રમણ’ (1841) સર્વપ્રથમ અનૂદિત મરાઠી નવલ લેખાય છે. તેમના પ્રારંભ પછી રેનોલ્ડ્ઝ, વૉલ્ટર સ્કૉટ, ફિલિપ મૅડૉઝ ટેલર, લૉર્ડ લિટન અને અન્ય આંગ્લ નવલકારોની કૃતિઓના તથા ફારસી અને અન્ય ભાષાની કૃતિઓના અનુવાદ મળતા થાય છે. આ અનુવાદપ્રવૃત્તિએ મૌલિક નવલલેખન માટે ખાસ્સી પ્રેરણા આપી જણાય છે.

‘યમુનાપર્યટન’ની વાસ્તવપ્રધાન શૈલીનો અનુગામી નવલકારો પર કશો પ્રભાવ પડ્યો નહિ, કારણ કે મુખ્યત્વે નવલલેખનમાં રોમૅન્ટિક શૈલીનું અનુસરણ થયું છે. એ શૈલીનો પ્રારંભ કરનારા હતા લક્ષ્મણ મોરેશ્વર હલ્બે. તેમની નવલ ‘મુક્તમાલા’ (1861) પ્રગટ થયા પછી લગભગ 25 વર્ષ સુધી રોમૅન્ટિક શૈલીનો પ્રભાવ રહ્યો. આમાં વી.આર.સોહની (‘પીયૂષભાષિણી વ મદિરા મંજરી’ 1863), એ. કે.  દફતરદાર (‘રાજપુરા રાજહંસ’ 1865), એન.આર. રિસબુડ (‘મંજુઘોષા’ 1866), વી. કે. દેશમુખ (‘સુહાસ્ય વદન’ 1870), કાનિટકર બંધુઓ (‘મનોવેધક મધુસૂદન વ રૂપસુંદરી’, 1872), કદાચ સૌપ્રથમ મહિલા નવલકાર સલુબાઈ તાંબેકર (‘સુવર્ણમાલિની’ 1874) તથા એન. ડી. યોગી (‘પ્રેમબંધન’ 1874) વગેરે આ પ્રવાહનાં લેખકોની રોમૅન્ટિક કૃતિઓમાં પાત્રચિત્રણ પરત્વે ખાસ લક્ષ અપાયું નથી. તેમાં મુખ્યત્વે અસ્વાભાવિક ઘટનાઓનું વર્ણન અને મુખ્ય પાત્રની આસપાસ ગૂંથાતા આવતા આકસ્મિક પ્રસંગો પરત્વે વિશેષ ઝોક છે. આ લેખકોની શૈલી તદ્દન સંસ્કૃતમય છે. જોકે એના પરિણામે, મિશનરી દ્વારા પ્રચલિત અંગ્રેજીપ્રધાન કૃત્રિમ મરાઠી ગદ્યના આક્રમણથી મરાઠી નવલ ઊગરી ગઈ. શાસ્ત્રી કે પંડિત જૂથ (school) તરીકે આ લેખનરીતિના જૂજ નવલકારોએ રોમૅન્ટિક પરિવેશ તથા મિજાજ જાળવી રાખવાની સાથોસાથ વિધવાવિવાહ તથા કન્યાકેળવણી જેવી સામાજિક સમસ્યાઓની પણ છણાવટ કરવાનું વલણ દાખવ્યું છે.

ત્યારપછીનો તબક્કો છે ઐતિહાસિક નવલનો. ભાષા તથા ઇતિહાસ એ બંનેના વિદ્વાન અભ્યાસી આર. કે. ગુજનકરની ‘મોચનગઢ’ (1871) પ્રથમ ઐતિહાસિક નવલ મનાય છે. આ શૈલીના નવલકારો સમક્ષ સ્કૉટ તથા રેનૉલ્ડ્ઝ હતા, તેમની ઐતિહાસિક નવલોમાં વાસ્તવ તથા રોમાન્સનું મિશ્રણ જોવા મળે છે.

આ બધા શૈલીપ્રવાહોની પ્રેરણા ઝીલીને હરિનારાયણ અથવા હરિભાઉ આપ્ટે(1864–1919)ની લેખનકારકિર્દી ઘડાઈ છે. મરાઠી નવલના તે અગ્રિમ નવલકાર લેખાય છે. હરિભાઉની પૂર્વે મનાતું હતું, તેમ તે પછીના નવલકારોએ પણ નવલકથાને સ્વતંત્ર સાહિત્યપ્રકાર તરીકે સેવી જણાતી નથી. નવલકથા એટલે કલ્પનારંગી લાંબી કથા એમ જ બહુધા મનાતું. આવી સ્વરૂપલક્ષી સભાનતા વગર લખતા રહેલા લેખકોમાં એમ. વી. રાહલકર (‘નારાયણ આણિ ગોદાવરી’, 1879),  એન. વી. બાપટ (છત્રપતિ સંભાજી મહારાજ, 1879) વી. કે. ઓક (‘શિરસ્તેદાર’, 1881), જી. એમ. લિમયે (‘વેણુ’, 1886), સી. એમ. આપ્ટે (‘પૂતળીબાઈ’, 1889), બી. એમ. પંડિત (‘સુશીલ યમુના અથવા વાસુદેવ’), એસ. વી. પુરાણિક (‘દેવી સત્યભામા’, ભા.1, 1886) તથા ખુદ હરિભાઉ આપ્ટેનો પણ સમાવેશ થાય છે. આ બધા જ સુશિક્ષિત હતા, પરંતુ તેમણે કેવળ અંગ્રેજી ઐતિહાસિક નવલો તથા રોમાન્સ વાંચીને તેની જ પ્રેરણા ઝીલી. આથી સાહિત્યપ્રકાર લેખે મરાઠી નવલના વિકાસમાં ઊણપ રહી અને વ્યાપક સંદર્ભમાં તે માનવજીવનનું બહુરંગી ચિત્ર બની ન શકી. આમાં એક ઊજળું પાસું એ છે કે આ મરાઠી નવલમાં સ્ત્રીને અતિઆદર્શરંગી પાત્ર તરીકે નહિ, પરંતુ હિંદુ મધ્યમવર્ગીય પરિવારની એક સામાન્ય વ્યક્તિ તરીકે જ આલેખી છે. માતા, બહેન, પુત્રવધૂ, વિધવા, સાસુ વગેરે જેવાં સ્ત્રીનાં વિવિધ સાંસારિક રૂપો આલેખવાની જેમ મરાઠી નવલમાં પુરુષનું પણ પોતપોતાના વ્યવસાય, વાતાવરણ, કાર્યક્ષેત્ર, પરિવાર વગેરે સાથે સુસંગત બનતું ચિત્રણ થયું છે. તેથી મરાઠી નવલ વ્યવહારુ અને વાસ્તવપૂર્ણ રંગ ધારણ કરી રહી.

અર્વાચીન નવલની આ લાક્ષણિકતા મરાઠી નવલપ્રકારને લોકપ્રિય બનાવનાર હરિભાઉ આપ્ટેની ઐતિહાસિક નવલોમાં પણ જળવાઈ રહી. ‘ગણપતરાવ’ (1887–88), ‘મી’ (1895) તથા ‘ભયંકર’ જેવી તેમની સામાજિક કૃતિઓમાં પણ બાળલગ્ન તથા કન્યાકેળવણી જેવી કેટલીક સામાજિક સમસ્યાઓની છણાવટ છે. વામન મલ્હાર જોશીએ ‘રાગિણી’ (1916) દ્વારા નવલસ્વરૂપમાં મનોવૈજ્ઞાનિક પરિમાણ ઉમેરી મરાઠી નવલનો નવો વિકાસક્રમ ચીંધી બતાવ્યો. તેમની સર્વશ્રેષ્ઠ મનાતી કૃતિ ‘સુશીલાચે દેવ’ ઘણી લોકપ્રિય નીવડી. તેમની એ વિશેષતા રહી કે તેમનાં પાત્રો બીબાઢાળ ન રહેતાં ઉગ્ર વ્યક્તિત્વવાદી બન્યાં છે. પ્રથમ ગણનાપાત્ર મહિલા નવલકાર લેખાતાં કાશીબાઈ કાનિટકરની ‘રંગારાવ’ (1903) તથા ‘પાલકી ચા ગોંડા’ (1928) માં સામાજિક વિષયોની છણાવટ છે. પરંતુ એકંદરે 1930 સુધી નવલકથા મુખ્યત્વે ઐતિહાસિક તથા સામાજિક વિષયો પરત્વે સીમિત રહી છે. એકમાત્ર ડી. એ. તુલજાપુરકરની મહત્ત્વની કૃતિ ‘માઝે રામાયણ’(1972)માં સામાજિક સમસ્યાની નવા અભિગમ તથા નવા અર્થસંદર્ભપૂર્વક છણાવટ કરાઈ છે.

મામા વરેરકરે 100 ઉપરાંત નવલો લખીને મરાઠી નવલના વિકાસમાં અભૂતપૂર્વ ફાળો આપ્યો છે. વળી એ પ્રત્યેક નવલ એક યા બીજા સામાજિક ઉદ્દેશથી લખાઈ છે; જેમ કે, ‘વિધવાકુમારી’ (1928) બાળલગ્ન તથા બાળવૈધવ્યની સમસ્યા પરત્વે જાગરૂકતા જન્માવે છે, જ્યારે ‘ધાવતા ધોતા’(1933)માં અસહાય મિલકામદારની દર્દકથાનું તથા જુલમ અને શોષણ સામેની તેની બહાદુરીભરી લડતનું નિરૂપણ છે.

1925ની આસપાસ ના. સિ. ફડકે તથા વિ. સ. ખાંડેકરના હાથે મરાઠી નવલે મહત્ત્વનો વિકાસ સિદ્ધ કર્યો. નવલબંધમાં યુવાસહજ જોશીલી બળવાખોરી તથા રોમૅન્ટિક વિશેષતાઓ પ્રવેશી. ફડકેની નવલો ટૅકનિકની દૃષ્ટિએ સર્વાંગસંપૂર્ણ રોમાન્સ છે. આમજનતામાં તે ખૂબ સફળ નીવડી અને તેમણે અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી. ‘કુલાબ્યાચી દાંડી’ (1925) નામની તેમની સર્વપ્રથમ લોકપ્રિય કૃતિમાં રચનાકૌશલ્ય પણ પ્રશંસનીય છે. તેને પગલે ‘જાદુગર’ (1928), ‘અટકેપાર’ (1931), ‘પ્રવાસી’ (1937), ‘ઇન્દ્રધનુષ્ય’ (1941) તથા ‘પ્રતિજ્ઞા’ પ્રગટ થઈ અને તેમાંની મોટાભાગની કૃતિઓની અનેક આવૃત્તિઓ થઈ. નામાંકિત મરાઠી નટ બાળ ગંધર્વના જીવન પર આધારિત ‘અખેરચે બંદ’ (1944) અન્ય નવલોથી તદ્દન ભિન્ન શૈલીથી આલેખાઈ છે. તેમની લગભગ 75 જેટલી નવલો અત્યંત સરળતા, સ્પષ્ટતા તથા જોશીલી શૈલીની દૃષ્ટિએ નમૂનેદાર નીવડી છે.

તેમના સમકાલીન વિ. સ. ખાંડેકરનું આગમન પ્રમાણમાં મોડું થયું. તેમણે ‘કાંચનમૃગ’(1931)થી પ્રારંભ કર્યો અને ઉડાઉ તથા બેફામ ભૌતિકવાદ તથા આધ્યાત્મિક સાદગી અને સંયમ વચ્ચેનો વિરોધ પ્રગટાવી બતાવ્યો. ‘ઉલ્કા’ (1934) તથા ‘દોન ધ્રુવ’(1934)માં તેમને અસામાન્ય ખ્યાતિ સાંપડી, પૌરાણિક પાર્શ્વભૂમિકા તથા કથાવસ્તુ પર રચાયેલી ‘યયાતિ’ માં મહત્ત્વનાં પાત્રો માટે પ્રથમ પુરુષ કથનની શેલી અપનાવાઈ છે. આ કૃતિ બદલ તેમને સાહિત્ય અકાદમીનો 1960ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો અને તેની 7 આવૃત્તિઓ થવા ઉપરાંત વિવિધ ભારતીય ભાષાઓમાં તેના અનુવાદ થયા. સૌથી વિશેષ તો એ કે આ નવલ બદલ તેમને જ્ઞાનપીઠ ઍવૉર્ડ પણ મળ્યો. 1970માં તેઓ સાહિત્ય અકાદમીના ફેલો નિયુક્ત થયા. જી. ટી. માડખોલકરે રાજકારણી વિષયની નવલકથાઓ લખી. પત્રકારિત્વના નાતે પોતાની રાજકીય વિચારસરણી તથા સભાનતા તેમજ અનેકવિધ સામાજિક સમસ્યાગત સંદર્ભો વિશે તેમણે લખેલી 12 નવલો પૈકી ‘મુખવટે’ (1940), ‘નવે સંસાર’ (1941) તથા ‘ડાક બંગલા’ (1942) જેવી કૃતિઓ લોકભોગ્ય નીવડી છે. મરાઠી નવલમાં તત્વમીમાંસાની ગહનતા દાખલ કરવાનું શ્રેય પી. વાય. દેશપાંડેને જાય છે. તેમની ‘સુકલેલે ફુલ’ (1931), ‘કાલીરાની’ અને ‘નવે જગ’(1941)માં પાત્રોના મનોવ્યાપાર(psyche)નું વિશ્લેષણ છે અને તેમનો અભિગમ અતિવાસ્તવવાદી બન્યો છે.

વીસમી સદીના પ્રારંભે નામાંકિત બનેલાં મહિલા નવલકારોમાં ગીતા સાને, માલતી બેડેકર જેવાં અગ્રેસર છે. માલતી બેડેકર (ઉર્ફે વિભાવરી શિરુરકર)ની ‘બળી’ (1950) ગુનેગારોના આંતરિક જગતની સમભાવપૂર્વક માવજત માટે જાણીતી છે.

પાં. સ. સાને ઉર્ફે સાને ગુરજીએ ‘શ્યામચી આઈ’ (1935), ‘ક્રાંતિ’ (1940) વગેરે જેવી નવલો દ્વારા નવા પ્રકારનું લાગણીપ્રધાન બોધતત્વ દાખલ કર્યું. મોટાભાગની તેમની કૃતિઓ બાળકો માટે હતી. ગાંધીવાદી વિચારસરણીના પ્રભાવ હેઠળ લખાયેલી ‘શ્યામચી આઈ’ પર રચાયેલ ચલચિત્રને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો હતો (1964). વી. વી. બોકિલે (1903–1973) મરાઠી નવલમાં હાસ્યરમૂજનું શૈલીતત્વ દાખલ કરી આ પ્રવાહમાં સ્ફૂર્તિલું નાવીન્ય પ્રયોજ્યું. જી. એન. દાંડેકરે ગ્રામીણ ભૂમિકાવાળી મરાઠી સંસ્કૃતિની ભરપૂર સુવાસ પ્રગટાવીને પોતાનું અનોખું સ્થાન બનાવ્યું. ‘કુના એકાચી ભ્રમણગાથા’ માં નર્મદાપરિક્રમાનો સ્વમુખે કહેવાયેલો પ્રવાસવૃત્તાંત છે. ‘આમ્હી ભાગીરથચે પુત્ર’માં ભાખરા-નાંગલ નિર્માણની સત્યકથા છે. તેમની આત્મકથાનાત્મક નવલ ‘સ્મરણગ્રંથ’ બદલ તેમને 1976માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. વ્યંકટેશ માડગુલકરને પણ તેમની ‘સત્તાંતર’ બદલ 1983માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. એસ. એન. પેંડસેએ સાંપ્રત કોંકણી સમાજની ત્રણ પેઢીની બૃહત્કથા બે ભાગ રૂપે આલેખી નવો વિકાસવળાંક દાખવ્યો છે. તેમની ‘શીતુ’, ‘રથચક્ર’, ‘લવ્હલી’ તથા ‘એલગર’ જેવી નવલો ખૂબ લોકપ્રિય નીવડી છે. મરાઠી નવ્ય કવિતાના અગ્રણી બનેલા બી. એસ. મર્ધેકરે આંતરચેતનાપ્રવાહની શૈલીનું નવતર તત્વ દાખલ કર્યું. વસંત કાનેટકરની ‘ઘાટ’, મનમોહન નાટુની ‘ઝાપુર્ઝા’ તથા ગંગાધર ગાડગીલની ‘લીલીચે ફૂલ’ વર્જિનિયા વુલ્ફ તથા જેમ્સ જૉઇસના પ્રભાવ હેઠળની આ જ શૈલીની કૃતિઓ છે. વિશ્રામ બેડેકરે પણ ‘એક ઝાડ આણિ દોન પક્ષી’ દ્વારા નવ્ય નવલના પ્રવાહમાં ખાસ્સી પ્રયોગશીલતા દાખવી. આંતરચેતનાપ્રવાહની શૈલીથી લખાયેલી આ નવલ બદલ તેમને 1985ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. વિદેશી કન્યા તથા ભારતીય નાયકની પ્રણયકથા આલેખતી અને વિવાદાસ્પદ બનેલી ‘રણાંગણ’ અર્વાચીન મરાઠી નવલના વિકાસમાં સીમાસ્તંભ લેખાય છે. જયંત દળવીની ‘ચક્ર’, મધુ મંગેશ કર્ણિકની ‘માહિમચી ખાડી’ તથા ભાઉ પાધ્યેની ‘વસુનાકા’ જેવી કૃતિઓની લાક્ષણિકતા એ છે કે તેમાં જીવનનું નિર્ભીક અને વાસ્તવપૂર્ણ ચિત્રણ કરાયું છે.

અર્વાચીન નવલમાં પુરાણકથાના નવતર અર્થઘટન દ્વારા પ્રશિષ્ટ પરત્વેનો ઝોક પણ જોવા મળે છે. વિ. સ. ખાંડેકરે આરંભેલા નવપ્રવાહને પગલે શિવાજી સાવંતની ‘મૃત્યુંજય’ તથા રણજિત દેસાઈની (કર્ણના જીવન પર આધારિત) ‘રાધેય’ તેમજ જી. એન. દાંડેકરની ‘કર્ણાયન’ અને ‘કૃષ્ણાયન’ ઉલ્લેખનીય છે.

આ ઉપરાંત આત્મકથાત્મક અને જીનવચરિત્રવિષયક નવલોનો પણ પ્રસાર વધ્યો. એસ. એસ. જોશીકૃત ‘આનંદી ગોપાલ’ એક ધૂની પતિના આગ્રહથી ઉચ્ચઅભ્યાસ માટે પરદેશ મોકલાયેલી સ્ત્રીની સાચી કરુણાંતિકા છે. ગંગાધર ગાડગીલની ‘દૂર્દમ્ય’માં લોકમાન્ય ટિળકનાં જીવન તથા કાર્યોનું વિસ્તારપૂર્વક નિરૂપણ છે. ભાલચંદ્ર નેમડેની ‘કોસલા’ (1983) તથા ‘બિધર’ અતિસામાન્ય માનવીના રોજિંદા જીવનની આંટીઘૂંટીને સ્પર્શે છે. અણ્ણા ભાઉ સાઠે તથા શંકરરાવ ખરાટેએ 1960ની આસપાસ દલિત નવલસાહિત્યનો પ્રવાહ પ્રારંભ્યો હતો. દયા પવારની ‘બાલુટે’, લક્ષ્મણ માનેની ‘ઉપરા’ તથા લક્ષ્મણ ગાયકવાડની ‘ઉચલ્યા’ને વાંચકોએ ઉમળકાપૂર્વક આવકારી હતી. ‘ઉપરા’ ને 1981ના વર્ષમાં તથા ‘ઉચલ્યા’ને 1988 ના વર્ષમાં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યા હતા તથા વિવિધ ભારતીય અને પરદેશી ભાષામાં તેના અનુવાદ પણ થયા છે.

હિંદી નવલકથા : હિંદી નવલના મૂળમાં મધ્યકાલીન રોમાન્સ રહેલા છે ; જોકે આ પ્રેમશૌર્યની કથાઓએ એટલે કે રોમાન્સે મૂળે તો ભૂમિજાત લોકકથાઓ તથા ફારસી કથાસાહિત્યની જ પ્રેરણા ઝીલી હતી. કોઈ સાંસ્કૃતિક નગરકેન્દ્રની અનુપસ્થિતિના કારણે તથા પ્રમાણભૂત હિંદી ગદ્યનો વિકાસ મોડો થવાથી હિંદી નવલને પગભર થતાં વાર લાગી. લાલા શ્રીનિવાસ દાસે લખેલી તથા યુરોપીય ચીજવસ્તુની ઘેલછા રાખનાર અને અંતે દેવાળું કાઢી બરબાદી વહોરનાર એક શ્રીમંત યુવાનની કથા આલેખતી ‘પરીક્ષા ગુરુ’ (1882) સર્વપ્રથમ હિંદી નવલ મનાય છે. આ નવલથી તેમજ ભારતેન્દુ હરિશ્ચંદ્રે મરાઠી નવલના કરેલા રૂપાંતર ‘પૂર્ણપ્રકાશ ઔર ચંદ્રપ્રભા’ (1889)થી તેના વિકાસની દિશા અંકાઈ.

સામાજિક ઉદ્દેશવાળી નવલો ઉપરાંત સાહસ તથા મનોરંજનથી ભરપૂર કથાઓનો પણ પ્રારંભ થયો. દેવકીનંદન ખત્રી આ લોકરંજની શૈલીના અગ્રણી હતા. તેમની અતિખ્યાત કૃતિ ‘ચંદ્રકાંતા’ એ નવલવાચન અંગેનો વિશાળ વાચકસમુદાય ઊભો કર્યો. કિશોરીલાલ ગોસ્વામીએ પણ પ્રેમ તથા રહસ્યના બંને પ્ર્રવાહોનો સમન્વય કરી પોતાના સામયિક ‘ઉપન્યાસ’ દ્વારા નવલપ્રકારને લોકભોગ્ય બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. આ ગાળાના અન્ય લેખકો પૈકી ગોપાલરામ ગાહમારીએ જાસૂસી (detective) નવલ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. મહેતા લજ્જારામ શાસ્ત્રીએ ગુજરાતી નવલનો અને પ્રતાપનારાયણ મિશ્રાએ બંકિમચંદ્રની ‘કપાલકુંડલા’ નો અનુવાદ, અને ગદાધર સિંગે ‘કાદંબરી’નું રૂપાંતર આપ્યાં. ભારતેન્દુયુગ(1850–1900)ની નવલના સમાજસુધારણાની કૃતિઓ, અંગ્રેજી ગૉથિક પ્રકાર જેવી ચમત્કારપૂર્ણ અથવા તિલસ્મી કૃતિઓ તથા ભાષાંતર-રૂપાંતરની કૃતિઓ એમ ત્રણ પ્રકાર પડે છે.

ઓગણીસમીમાંથી વીસમી સદી તરફનું પ્રયાણ હતું ધીમું, છતાં સંગીન, એ પ્રેમચંદ તથા પ્રસાદના લેખનકાર્ય પરથી જોઈ શકાય છે. પ્રેમચંદ હિંદીના આદ્ય નવલકાર લેખાય છે. તેમણે નાની વયે ‘તિલિસ્મે હોશરુબા’ વાંચી કાઢી હતી. ભાવિ નવલલેખક માટે આ કદાચ સારો પ્રારંભ હતો. પ્રેમચંદ પોતાના સમયનાં સુધારાવાદી પરિબળોથી પ્રભાવિત થયા હતા; એ પણ મહત્ત્વનું કે જીવનની કઠોરતા તેમણે ખાસ્સી અનુભવી હતી તેમજ ભારતીય ગ્રામજીવનનો તે નિકટવર્તી અને જાતઅનુભવ પામ્યા હતા. તેમનો સૌથી સર્જનાત્મક સમય એટલે ગાંધીજીના નેતૃત્વ હેઠળ પ્રગટેલી દેશવ્યાપી જનજાગૃતિનો સમય. આથી તેઓ ભારતીય આમજનતાની આશાઓ તેમજ આશંકાઓ સુપેરે આલેખી શક્યા.

‘રંગભૂમિ’ માં સુરદાસને મૃત્યુમાં પણ વિજયી થતો બતાવ્યો છે, કારણ કે તેને કચડી નાખવા માંગતાં પરિબળોના હાથ હેઠા પડે છે. પરંતુ 1925નો આ નૈતિક જુસ્સો, પ્રસન્નકર આશાવાદ 1935 સુધીમાં ઓસરી જાય છે. 1936માં તેમની શ્રેષ્ઠ કૃતિ ‘ગોદાન’ લખી ત્યારે તેમણે તેમના તમામ કથાનાયકોની સરખામણીમાં હોરી જેવા તદ્દન સામાન્ય માનવીને નાયકપદે સ્થાપ્યો છતાં આ આમઆદમી સૌ વાચકોની આંતરિક સંવેદનાને હચમચાવી શકે છે. હોરીનું મૃત્યુ એક સામૂહિક ટ્રૅજેડી બની જાય છે.

પ્રેમચંદે સામાજિક નવલના તમામ આયામો લગભગ સિદ્ધ કરી બતાવ્યા, જ્યારે તેમના સમકાલીન પ્રસાદે નવલના ફલકમાં કાવ્યસહજ પરિમાણ પ્રયોજ્યું. તેમની પ્રથમ નવલ ‘કંકાલ’માં સાંપ્રત સમાજના જીવતા શબનું વાસ્તવચિત્રણ છે, જ્યારે ‘તિતલી’માં જૂના સમાજના શબ પર નવતર સમાજની રચના માટેનાં મૂલ્યોનો આશાવાદ છે. પ્રસાદે નવલના ફલકમાં જે બીજું નવું તત્વ ઉમેર્યું તે આંતરજીવનનો સંકેત. પરંતુ નવલબંધમાં તે પૂરેપૂરું ચરિતાર્થ થયું તે જૈનેન્દ્રકુમારની શૈલીમાં. તેમની ‘પરખ’ (1929) તથા ‘ત્યાગપત્ર’ (1937) દ્વારા તેમણે પાત્રોના આંતરમન વિશે ઊંડું અવગાહન કરવાની જોશીલી શક્તિ દર્શાવી.

હિંદી નવલના અતિલાક્ષણિક આધુનિક વિકાસક્રમો અનુ-પ્રેમચંદયુગમાં એટલે કે ચાલીસીના દાયકા પછી વ્યક્ત થતા જોવાય છે. ઉગ્રરચિત ‘ચંદ હસીનોં કે ખતૂત’ની જેમ આખી નવલથાઓ પત્ર રૂપે લખાવા માંડી. તેમની ‘ઘંટા’ નામની કૃતિમાં નિર્ભેળ તરંગલીલા તથા શુદ્ધ ઇતિહાસનું અનોખું સંમિશ્રણ પણ જોવા મળે છે. રૂપકકથા, કટાક્ષિકા અને નાટ્યછટાવાળા સંવાદો નવલબંધમાં કાર્યસાધક તત્વો તરીકે યોજાયાં. જૈનેન્દ્રકુમારે ‘સુનીતા’ (1935) તથા ‘કલ્યાણી’(1939)માં કથનની નવતર પ્રયુક્તિઓ પ્રયોજી. ‘પ્રેત ઔર સાયા’ તથા ‘સંન્યાસી’ પરથી જોવાય કે આ ગાળામાં એકમાત્ર ઇલાચંદ્ર જોશીએ મનોવિશ્લેષણને નવલકથાનો આધારસ્તંભ લેખ્યો. પરંતુ મનોવિશ્લેષણનો સૂક્ષ્મ ઉપયોગ કર્યો અજ્ઞેયજીએ. તેમની ‘શેખર એક જીવની’ આ દૃષ્ટિએ વિશિષ્ટ રચના બની છે. અજ્ઞેયજી એક નવલકાર તરીકે બીજી જે બાબતમાં નોખા તરી આવે છે તે તેમની નવતર આત્મ-સભાનતા અને નવીન કલાત્મક સજાગતાના કારણે. સામાજિક નવલના લગભગ તમામ વિષયો-પ્રકારો ખેડાઈ ચૂક્યા હતા અને નવલસ્વરૂપ માટે નવાં ક્ષેત્રખેડાણ કરવાની જે ભરપૂર શક્યતા હતી તેનો અજ્ઞેયજીએ વિકાસલક્ષી મેળ પાડ્યો. ‘શેખર એક જીવની’ની જેમ ‘નદી કે દ્વીપ’માં પણ સ્ત્રી-પુરુષસંબંધો અત્યંત નાજુક માર્મિકતાપૂર્વક નિરૂપી તેમણે આ સાતત્ય જાળવી રાખ્યું. ‘અપને અપને અજનબી’ નોંધપાત્ર વેધકતા સિદ્ધ કરનારી અસ્તિત્વવાદી શૈલીની નવલ બની છે.

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના આંતરપ્રવાહ સમો ક્રાંતિકારી જુસ્સો પણ હિંદી નવલમાં ડોકાયો છે. જૈનેન્દ્ર તથા અજ્ઞેય જેવા ગાંધીવાદી લેખકોની કૃતિઓમાં એ પ્રદાન લક્ષણ બનવા ઉપરાંત ઘણી બાબતમાં અજ્ઞેયના પ્રતિરૂપ જેવા યશપાલની નવલોમાં તો ક્રાંતિની ભાવનાનું જોશીલું આલેખન છે. તેમની ‘દાદા કૉમરેડ’ (1941)માં રાષ્ટ્રીય નવરચના માટે સંગઠિત મજૂરશક્તિની આવશ્યકતા ઠસાવાઈ છે. જ્યારે ‘દેશદ્રોહી’માં ગાંધીવાદ તથા કૉંગ્રેસની આકરી આલોચના કરી સામાજિક ક્રાંતિની ભલામણ કરાઈ છે. પરંતુ તેમનું સૌથી ગણનાપાત્ર પ્રદાન તે વિશાળ દૃશ્યાવલીરૂપ (panoramic) દસ્તાવેજી નવલ ‘જૂઠા સચ’ (1960) ; તેમાં દેશના વિભાજન પછી સર્જાયેલી ટ્રૅજેડી આલેખાઈ છે.

નવલલેખનના સમાજશાસ્ત્રીય આયામો પરત્વે ઝોક દર્શાવવામાં યશપાલની સાથોસાથ અમૃતલાલ નાગર તથા ભગવતીચરણ વર્મા પણ પોતપોતાની રીતે સક્રિય હતા. ભગવતીચરણની ‘ચિત્રલેખા’માં તેમણે પાપની સમસ્યાનું સાંગોપાંગ વિશ્લેષણ કર્યું છે. સર્જનશક્તિ તેમ શોધકવૃત્તિની તથા વસ્તુસંકલનાના કૌશલ્યની પ્રતીતિ કરાવનારી ઘણી નવલો તેમણે લખી છે, પણ ‘ભૂલે બિસરે ચિત્ર’ કદાચ ભગવતીચરણની શ્રેષ્ઠ નવલ છે ; તેમાં એક પરિવારની ચાર પેઢીના વૃત્તાંતકથન દ્વારા ભારતના રાષ્ટ્રીય ઇતિહાસનાં 50 વર્ષનું ભાવવાહી ચિત્રણ છે. નાગરની ‘બુંદ ઔર સમુદ્ર’ તથા ‘અમૃત ઔર વિષ’ વિશાળ દૃશ્યાવલીરૂપ રચનાઓ છે. વૃંદાવનલાલ વર્માએ ‘ઝાંસી કી રાની’ તથા ‘મૃગનયની’ જેવી જાણીતી નવલો આપી છે.

નવલકથા પૂરતી વિદ્વત્તા તથા સર્જનાત્મક કલ્પકતાની સૌથી અસામાન્ય કોટિની એકરૂપતા (fusion) જોવાય છે તે હજારીપ્રસાદ દ્વિવેદીમાં, તેમની ‘બાણભટ્ટ કી આત્મકથા’ નિમિત્તે. લાક્ષણિક ભૂમિજાત નવલકથા જેવી આ કૃતિનું સાહિત્ય એકૅડેમીએ પ્રમુખ ભારતીય ભાષાઓમાં ભાષાંતર પ્રગટ કર્યું છે. ‘ચારુ ચંદ્રલેખા’માં ભારતના આધ્યાત્મિક સંતાપની કથા છે, ત્યારે છેલ્લી નવલ ‘અનામદાસ કા પોથા’માં ઉપનિષદકાલીન કથાવસ્તુ છે.

નવલબંધમાં લોકસાહિત્યના ઘટકને ગૂંથી ફણીશ્વરનાથ રેણુ તથા કવિ નાગાર્જુને નવતર કથાતત્વ પ્રયોજવાની પહેલ કરી, પણ એ બંનેમાં રેણુની સિદ્ધિ ઘણી ઊંચી કોટિની છે. પ્રેમચંદ પછી રેણુએ તેમના જેટલી ઉત્કટતાથી વિશાળ જનસમુદાયના વિવિધ મનોભાવોનું નવલચિત્રણ કર્યું છે. તેમની ‘મૈલા આંચલ’ અને ‘પરાતી પરીકથા’ ચિરસ્મરણીય કૃતિઓ નીવડી છે. તેમણે પ્રારંભેલી આંચલિક શૈલીના પગલે અનેક લેખકો લખવા પ્રેરાયા, પરંતુ રેણુની નવલલખાવટ અનન્ય બની રહી. નિમ્ન મધ્યમવર્ગીય સ્તરની જીવનશૈલી તથા પાત્રોનું સંવેદનપૂર્ણ ચિત્રણ કરવા બદલ ઉપેન્દ્રનાથ ‘અશ્ક’ પણ ઉલ્લેખપાત્ર છે.

સાતમા દાયકા સુધીમાં અજ્ઞેય તથા રેણુના નવલલેખન વચ્ચે હિંદી નવલમાં વ્યક્તિથી માંડીને સમષ્ટિને સ્પર્શતા લગભગ તમામ વિષયો આલેખાઈ ચૂક્યા હતા. નવલક્ષેત્રે જાણે સંતૃપ્તિ આવી હોય એમ લાગતું હતું. નવી સર્જકપ્રતિભા અને કલ્પનાશક્તિ દાખવનાર નવલકાર જ નવા આયામ કે અર્થસંકેત પ્રગટાવી શકે તેમ હતું. જોગાનુજોગ આ જ ગાળામાં ટૂંકી વાર્તાને અસામાન્ય મહત્ત્વ મળતું થવાથી પણ નવલસ્વરૂપના વિકાસમાં બાધા ઊભી થઈ. ‘નઈ કહાની’ ઝુંબેશના પરિણામે લેખકો આ લોભામણા લઘુ સાહિત્યપ્રકાર તરફ આકષાર્યા. આવાં વિકાસ – અવરોધક પરિબળો છતાં હિંદી નવલની દિશાગતિ વિકસાવવા તથા નવોન્મેષ પ્રગટાવવા સક્રિય બનેલા લેખકો પૈકી મોહન રાકેશ (‘અંધેરે બંધ કમરે’), કૃષ્ણ બળદેવ વૈદ્ય, રાજેન્દ્ર યાદવ, કમલેશ્વર તથા ભીષ્મ સાહની (‘તમસ્’) મુખ્ય છે. મહિલા નવલકારોમાં મનુ ભંડારી (‘આપ કા બંટી’) તથા કૃષ્ણા સોબતી (‘મિત્રો મરજાની’) ઉલ્લેખપાત્ર છે. નવલ પ્રત્યે આકર્ષાયેલા કવિઓમાં નરેશ મહેતા (‘ધૂમકેતુ એક શ્રુતિ’) તથા શ્રીકાંત વર્મા મુખ્ય છે. ડાયરી પ્રકાર પ્રયોજવા બદલ દેવરાજ (‘અજય કી ડાયરી’) જુદા પડે છે. જ્યારે કથા-અંતર્ગત કથાની નવતર ટૅકનિકની પહેલ કરવા બદલ ધર્મવીર ભારતી(‘સૂરજ કા સાતવાં ઘોડા’)નું નામ જાણીતું થયું છે.

નવલવિકાસ અંગે સભાનતાપૂર્વક લખનારા લેખકોમાં અગ્રેસર ઠરેલા નિરમલ વર્માની ‘વે દિન’, ‘લાલ ટિન કી છત’ તથા ‘એક ચિથરા સુખ’ – એ ત્રણે એક યા બીજી રીતે લાક્ષણિક બની છે.

નોંધપાત્ર બનેલા યુવાલેખકોમાં રમેશચંદ્ર શાહ (‘ગોબર ગણેશ’), વિનોદકુમાર શુક્લ (‘નૌકર કી કમીઝ’) તથા મહેન્દ્ર ભલ્લા (બ્રિટનમાંના રંગભેદના વિષયને આલેખતી ‘દૂસરી તરફ’) મુખ્ય છે. ડિટેક્ટિવ નવલબંધમાં નવતર પ્રયોજન ખેડવા બદલ કટાક્ષકથાકાર શ્રીલાલ શુક્લ (‘રાગ દરબારી’) તથા તેમની જેમ નવલશૈલીમાં સામાજિક કટાક્ષ વિકસાવવા બદલ હરિશંકર પરસાઈ(‘રાની નાગફની કી કહાની’)એ યથોચિત ફાળો આપ્યો છે.

હિંદી નવલ વિશે છેક પ્રારંભથી જે તત્ત્વની ઊણપ વર્તાતી રહી છે તે નિર્ભેળ હાસ્યરસ(humour)ની. ઉગ્રથી માંડીને પરસાઈ સુધીમાં કટાક્ષના વિવિધ આવિષ્કારો જોવાય છે; પરંતુ એમાંથી મનમોકળાશભરેલું હાસ્ય નિષ્પન્ન થતું નથી. અગાઉ ‘પંચતંત્ર’ના શૈલી નમૂના પરથી લખાયેલી જી. પી. શ્રીવાસ્તવની ‘લટખોરીલાલ’માં ઠઠ્ઠા  આનંદ પરત્વે વિશેષ ઝોક છે.

મહેશ ચોકસી

*

ગુજરાતી નવલકથા : ગુજરાતીમાં નવલકથાનો પહેલવહેલો સૂત્રપાત 1862માં સોરાબશા મુનસફનાને હાથે ‘હિન્દુસ્તાન મધ્યે એક ઝૂપડું’ – એ કૃતિથી થયો; પણ અનૂદિત કૃતિ હોવાથી પહેલી, મૌલિક, ઐતિહાસિક નવલકથા તરીકે તો નંદશંકર તુળજાશંકર મહેતાકૃત ‘કરણઘેલો’ (1866) જ. સમયની દૃષ્ટિએ જોતાં તો મહીપતરામે પણ ‘કરણઘેલો’ના પ્રકાશન પૂર્વે ‘સાસુવહુની લડાઈ (1866) નામની લાંબી, સામાજિક વાર્તા પ્રકટ કરેલી, પણ જેને નવલકથા કહેવાય તે પ્રકારનાં ઘણાં લક્ષણો તો પ્રથમ ‘કરણઘેલો’માં જોવા મળે છે. ‘મગરૂબીનો માર, વ્યભિચારીની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય’ એવા લક્ષ્યને કેન્દ્રીભૂત કરીને લખાયેલી આ નવલકથાનો તે કાળે મરાઠી ભાષામાં પણ અનુવાદ થયેલો.

આ સમયમાં અગાઉ ઉલ્લેખ કર્યો છે તે ‘સાસુવહુની લડાઈ’ (1866), ‘સધરા જેસંગ’ (1880) અને ‘વનરાજ ચાવડો’ (1880) જેવી નવલકથાઓના લેખક મહીપતરામ નીલકંઠ, ‘રાણકદેવી’(1899)ના સર્જક અનંતપ્રસાદ વૈષ્ણવ, ‘અંધેરી નગરીનો ગર્ધવસેન’(1870)ના સર્જક હરગોવનદાસ કાંટાવાળા, ‘રૂઢિ અને બુદ્ધિની કથા’(1883)ના સર્જક કેશવલાલ પરીખ, ‘ગંગા-એક ગુર્જર વાર્તા’ (1929) તેમજ ‘હિંદ અને બ્રિટાનિયા’(1886)ના સર્જક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ઇરાવતી’(1888)ના લેખક છગનલાલ મોદી વગેરે અનેક લેખકોએ આ સ્વરૂપને સંપ્રજ્ઞ-અસંપ્રજ્ઞપણે યથાશક્તિ-મતિ ખેડ્યું છે; પણ અહીં મુખ્ય ઉદ્દેશ ‘કથા’ અને તે દ્વારા સમાજસુધારાનો રહ્યો છે. નવલકથા અહીં એની એક આછેરી કોર કાઢે છે, પણ સંતોષ થાય તેવા નમૂના ખાસ મળતા નથી.

‘સરસ્વતીચંદ્ર’(1887)નું પ્રાકટ્ય ગુજરાતી નવલકથાસૃષ્ટિનો યાદગાર બનાવ છે. અદ્યાપિ એ અજોડ કૃતિ રહી છે. ‘સુંદર થવું સ્ત્રીનું તેમજ નવલનું લક્ષ્ય છે’, એવો ગોવર્ધનરામનો સર્જન વિશેનો સ્પષ્ટ ખ્યાલ છે. પણ ઓગણીસમી સદીના વિશ્વના અન્ય નવલકથાકારોની જેમ તેમનો આશય પણ કૃતિથી કંઈક વિશેષ સર્જવાનો હતો. એવા ‘ગુરુતર લક્ષ્ય’ માટે તેમણે સંવિધાનને સકારણ કથળવા દીધું છે અને પ્રેમકથાને મિષે દળદાર સંસ્કૃતિકથાનું તેઓ સર્જન કરે છે. વ્યક્તિ, કુટુંબ, રાજ્ય અને સાધુ – એમ ચતુર્લોકને ઊંડળમાં લેતા ચાર ભાગમાં સર્જક-ચિંતક તરીકેનાં ઊંચાં ઉડ્ડયનો જોવા મળે છે. ગદ્યવૈભવની દૃષ્ટિએ પણ કૃતિ અનેકશ: ધ્યાનપાત્ર બની છે.

ગોવર્ધનરામ પછી અને ક. મા. મુનશીના આગમન પહેલાંના ગાળામાં કેટલાક ઉલ્લેખનીય નવલકથાકારો થઈ ગયા. મુખ્યત્વે કરીને નારાયણ હેમચન્દ્ર (‘મૃણાલિની’, 1901), ભોગીન્દ્રરાવ દિવેટિયા (‘ઉષાકાન્ત’, ‘મોહિની’), નારાયણ વિસનજી ઠક્કુર (‘માધવીકંકણ’, ‘વીર જયમલ્લ’), મણિલાલ ન. દ્વિવેદી (‘ગુલાબસિંહ’, 1895) વગેરેને ગણાવી શકાય. મોટેભાગે આ સર્વ ક્યાંક રોમાંસને આગળ કરે છે તો ક્યાંક હેતુપ્રધાનતાને. એવા સમયમાં કટાક્ષકથનકલાની લાક્ષણિકતા દાખવી એક જુદા જ રૂપની નવલકથા ‘ભદ્રંભદ્ર’ રમણભાઈ નીલકંઠ પાસેથી મળે છે.

‘જે કથન કથનની સરસતા માટે ઉદભવે એ જ શુદ્ધ સાહિત્ય’ એવું તારસ્વરે ઉચ્ચારનાર મુનશીનું આગમન ગુજરાતી નવલકથામાં અનેક રીતે નોંધપાત્ર લેખાયું છે. તેમનો ઉદ્દેશ કથાને રસમય રીતે નિરૂપવાનો રહ્યો છે. ‘વેરની વસૂલાત’ (1913), પાટણની પ્રભુતા (1916), ‘ગુજરાતનો નાથ’ (1918), ‘પૃથિવીવલ્લભ’ (1920), ‘રાજાધિરાજ’ (1924), ‘જય સોમનાથ’ (1940) જેવી પ્રેમ, સાહસ અને વીરત્વથી દીપતી નવલકથાઓ ઇતિહાસની ભૂમિકાઓથી વિસ્તરી છે તો ‘સ્નેહસંભ્રમ’ (1931), ‘તપસ્વિની’ 1–2–3 (1957, 1958), ‘સ્વપ્નદ્રષ્ટા’ (1924), ‘કોનો વાંક ?’ (1915) જેવી સામાજિક ભૂમિકાએથી ઊંચકાઈને કટાક્ષની રગમાં ચાલતી નવલકથાઓ છે. ‘ભગ્નપાદુકા’ (1955), ‘ભગવાન પરશુરામ’ (1946), અને ‘કૃષ્ણાવતાર’ ખંડ 1–5 (1963–1970) પૌરાણિક કથાવસ્તુ ઉપર નિર્ભર રચનાઓ છે. ભારતનો ગુજરાતનો ઇતિહાસ અને તેની અસ્મિતા તેમની રચનાઓમાં કેન્દ્રમાં છે. તેમાંનાં પાત્રો, કથાપ્રવાહ અને ભાષાસંવિધાન નવલકથાનું સ્ફૂર્તિમય સ્વરૂપ પ્રકટ કરે છે.

‘યુગમૂર્તિ વાર્તાકાર’ તરીકે પ્રખ્યાત રમણલાલ વ. દેસાઈ મુનશીથી અલગ પડી સમકાલીન સામાજિક વાસ્તવને પોતાની નવલકથાઓમાં વિષય તરીકે લઈ આવે છે. મુનશીની જેમ તેમણે પણ સંખ્યાબંધ નવલકથાઓ આપીને ગુજરાતી વાચકને નવલકથાવાચનનો રસ લગાડ્યો છે. સ્વાતંત્ર્યલડત વખતના ગુજરાતનું સ્વચ્છ, સુંદર પ્રતિબિંબ તેમની નવલકથાઓમાં ઊઠ્યું છે. ‘જયંત’ (1925), ‘શિરીષ’ (1927), ‘કોકિલા’ (1928), ‘સ્નેહયજ્ઞ’ (1930), ‘દિવ્યચક્ષુ’ (1931), ‘ગ્રામલક્ષ્મી’ ભાગ 1થી 4 (1931–37), ‘ભારેલો અગ્નિ’ (1935) વગેરે તેમની મહત્ત્વપૂર્ણ નવલકથાઓ છે.

આ પછીના ગાળામાં ધૂમકેતુ ‘રાજમુગટ’ (1924), ‘ચૌલાદેવી’ (1940), ચુનીલાલ વ. શાહ (‘કંટક છાયો પંથ’, ‘તપોવન’), ગુણવંતરાય આચાર્ય (‘દરિયાલાલ’, ‘હાજી કાસમ તારી વીજળી’), ઝવેરચંદ મેઘાણી (‘નિરજંન’, ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘વેવિશાળ’, ‘અપરાધી’) વગેરે અનેક નવલકથાકારો આવે છે. ઐતિહાસિક, સામાજિક કથાવસ્તુ લઈને આવતા આ બધા સર્જકોએ પોતપોતાની રીતે સુવાચ્ય નવલકથાઓ જરૂર આપી છે, પણ રૂપવિકાસની દૃષ્ટિએ અહીં કોઈ મહત્ત્વનું સ્થિત્યંતર ભાગ્યે જ જોવા મળે છે.

મનુભાઈ પંચોળી ‘દર્શક’ શુદ્ધ કળાનો આગ્રહ સેવે છે. નવલકથાને તે આનંદાનુભવનો પર્યાય લેખે છે. તેમની પાસે ભાષાવિચારની સમૃદ્ધિ પણ છે. પુરોગામી સર્જકોની શક્તિ-સીમા પણ તેમની સામે રહ્યાં છે. તેનો તેમણે કેટલોક લાભ પણ લીધો છે. ‘દીપનિર્વાણ’ (1944), ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ 1–2 (1952-1958), ‘સૉક્રેટિસ’ (1974), ‘કુરુક્ષેત્ર’ (1992) વગેરે તેમની પ્રમાણમાં પરિમાર્જિત રચનાઓ છે.

નવલકથાક્ષેત્રે પન્નાલાલ પટેલનું આગમન એક મહત્ત્વનો વળાંક બની રહે છે. જાનપદી નવલકથાનું સૌપ્રથમ ઉત્તમ કળારૂપ તેમનામાં નીખરી આવે છે. ગુજરાતી નવલકથા એના સમુચિત અર્થમાં નૂતન વળાંક દર્શાવે છે. ‘વળામણાં’ (1940), ‘મળેલા જીવ’ (1941), ‘માનવીની ભવાઈ’ (1947), ‘ભાંગ્યાના ભેરુ’ (1957), ‘ઘમ્મર વલોણું’ (1968) ગ્રામપરિવેશને તાકતી ગુજરાતી ભાષાની શણગારરૂપ કૃતિઓ છે. ગામડાની, ગામડાના માનવીની અને તેની અંદર ઘૂમરાતા મનોભાવોની  – કહો કે ગ્રામજીવનની શ્રી અહીં પૂરી પ્રમાણભૂતતા સાથે ફોરી ઊઠે છે. વિષય અને શૈલીનું– ન સાંધો, ન રેણ  એવું એકપિંડરૂપ અહીં પ્રકટે છે. તેમણે પૌરાણિક કથાવસ્તુ ધરાવતી નવલકથાઓ પણ આપી  છે, છતાં તેમની પ્રતિભા વિશેષે તો આંચલિક કૃતિઓમાં ઝળહળી છે. આ ધારામાં ઈશ્વર પેટલીકર (‘જનમટીપ’, ‘લખ્યા લેખ’, ‘કંકુ ને કન્યા’, ‘મારી હૈયાસગડી’), પીતાંબર પટેલ (‘ઘરનો મોભ’, ‘ખેતરને ખોળે’ વ.) પુષ્કર ચંદરવાકર (‘માનવીનો માળો’, ‘લીલુડાં લેજો’ વ.) વગેરેએ નવલકથાઓ આપી છે. એ બધાંમાં પેટલીકરની ‘જનમટીપ’ આસ્વાદ્ય બની છે.

ચુનીલાલ મડિયા ‘વ્યાજનો વારસ’, ‘આલા ધાધલનું ઝીંઝાવદર’, ‘લીલુડી ધરતી’, ‘વેળા વેળાની છાંયડી’ જેવી જાનપદી, ઉપહાસલક્ષી અને સતતવાહી કથા આપવાના કંઈક વધુ એકાગ્ર ને સભાન પ્રયત્ન કરે છે. પન્નાલાલની જેમ તે ચિત્તલીલાના વ્યાપારો સારી રીતે પ્રકટ કરી શકે છે. જયંતિ દલાલની ‘ધીમુ અને વિભા’ (1943) તથા ‘પાદરનાં તીરથ’ (1946) રાષ્ટ્રના પ્રશ્નોને બાથમાં લેતી ધ્યાનપાત્ર કૃતિઓ છે. અનુગામી સર્જકો તે પછી પ્રચલિત અને પરિચિત રીતિઓનો આશરો લઈને અનેક વાચનક્ષમ કૃતિઓ આપતા રહ્યા છે. તેમાં ચિરંજીવ કૃતિઓની સંખ્યા નહિવત્ જ હોવાની. કેટલાક સર્જકોએ પરિચિત રીતિઓથી ઊફરા જઈ નવું સર્જવાના પ્રયત્નો જોકે કર્યા છે, જેમાં દિગીશ મહેતાકૃત ‘આપણો ઘડીક સંગ’ તરત સ્મરણમાં આવે. શિવકુમાર જોષી (‘કલહંસી’, ‘કંચુકીબંધ’), વિઠ્ઠલ પંડ્યા (‘નિષ્કલંક’), ધીરુબેન પટેલ (‘આંધળી ગલી’), પ્રિયકાન્ત પરીખ (‘દરિયા ડૂ્બ્યા સાત’) દિલીપ રાણપુરા (‘કૂંપળ ફૂટ્યાની વાત’), પિનાકિન દવે (‘આ તીરે પેલે તીર’), મોહમ્મદ માંકડ (‘ધુમ્મસ’), હસુ યાજ્ઞિક (‘અગ્નિકુંડ’) વગેરે સંખ્યાબંધ નવલકથાકારોએ આ ક્ષેત્રે કેટલુંક ઉલ્લેખપાત્ર અર્પણ કર્યું છે. ન્હાનાલાલ (‘ઉષા’ અને ‘સારથિ’), ઉમાશંકર (‘પારકાં જણ્યાં’), ચંદ્રવદન મહેતા (‘ખમ્મા બાપુ’) અને સ્નેહરશ્મિ (‘અંતરપટ’) જેવા કવિઓએ પણ ભૂતકાળમાં આ કલાપ્રકારને સ્પર્શવાનું બાકી રાખ્યું નથી ! જ્યોતીન્દ્ર જેવા હાસ્યસમ્રાટે પણ ‘અમે બધાં’ ધનસુખલાલ મહેતા સાથે આપી છે.

નવલકથાનું એકધારાપણું કંઈક છઠ્ઠા દાયકામાં તૂટતું જણાય છે. બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ સર્જક ચેતના ઉપર અસર કરે છે. પશ્ચિમના સાહિત્યપરિશીલનમાંથી ગુજરાતી સર્જક અસ્તિત્વવાદ સમેત સર્જક ‘વાદો’ની જાણકારી મેળવે છે. માનવી અને જીવન વિશેના અભિગમોમાં ખાસ્સું પરિવર્તન આવે છે. સુરેશ જોષી એવા સમયે ‘ગુજરાતી નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે’ એવી ફરિયાદ સાથે નવલકથાનું નવું ગણિત રમતું મૂકીને કથાતત્વને બદલે રચનારીતિનો મહિમા કરે છે. ‘છિન્નપત્ર’ (1965) અને ‘મરણોત્તર’ (1973) જેવી સર્જનાત્મક રૂપ ધરાવતી કૃતિઓ આપીને તેમણે તે પ્રકારના નમૂના પણ પૂરા પાડ્યા. કૃતિનો મેદ હવે ઘટે છે. રચના લઘુક થવા તરફ વળે છે. લઘુનવલનો મહિમા એ રીતે પુષ્ટ થતો જાય છે. થોડાંક પાત્રોનું આંતરવિશ્વ, એમનો સંઘર્ષ, નિતાન્ત સર્જનાત્મકતાવાળું ગદ્ય, અસ્તિત્વમૂલકતા – આ બધું એક નવો દિશાસંકેત કરે છે. ઘટના હવે આછાપાતળા તંતુ રૂપે આવે છે. નવતર લેખકોનું એક જૂથ આ નવા માર્ગે સંચરણ કરે છે. શ્રીકાન્ત શાહની ‘અસ્તી’ ચિત્રો દ્વારા જગતની ભાષા ઉકેલે છે. ‘ચહેરા’માં મધુ રાય અસંગતિનું વિશ્વ ઊભું કરે છે. રઘુવીરમાં પરંપરાનું સાતત્ય છે, છતાં ‘અમૃતા’માંની માફકસરની પ્રયોગશીલતાએ સૌનું ધ્યાન ખેચ્યું. રાવજી પટેલ (‘અશ્રુઘર’ ‘ઝંઝા’), મુકુન્દ પરીખ (‘મહાભિનિષ્ક્રમણ’), રાધેશ્યામ શર્મા (‘ફેરો, ‘સ્વપ્નતીર્થ’), સરોજ પાઠક (‘નાઇટમેર’), કિશોર જાદવ (‘નિશાચક્ર’, ‘રિક્તરાગ’), જ્યોતિષ જાની (‘અચલા’, ‘ચાખડીએ ચઢી’), વીનેશ અંતાણી (‘કાફલો’), ધીરેન્દ્ર મહેતા (‘ચિહન’, ‘અદૃશ્ય’, ‘દિશાન્તર’), ભગવતીકુમાર શર્મા (‘સંમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’), પિનાકિન દવે (‘વિવર્ત’), જયંત ગાડીત (‘ચાસપક્ષી’), ચિનુ મોદી (‘ભાવ-અભાવ’), લાભશંકર ઠાકર (‘કોણ?’), હરીન્દ્ર દવે (‘પળનાં પ્રતિબિંબ’, ‘સુખ નામનો પ્રદેશ’), મફત ઓઝા (‘ઘૂઘવતા સાગરનાં મૌન’) વગેરે સર્જકોના આ દિશામાં નોંધપાત્ર પ્રયત્નો રહ્યા છે.

આધુનિકવાદી નવલકથાકારનું ફલક ઘટના નહિ, પણ ચેતના પર અને નિરૂપ્યને બદલે સ્વરૂપ પર મંડાયેલું રહે છે. અસ્તિત્વવાદી વિચારધારાએ જન્માવેલ હતાશા, વ્યર્થતા ને વિચ્છિન્નતાના ભાન સાથે તે લખે છે. આધુનિકવાદીનું લક્ષ ચીલાચાલુ વસ્તુ અને આંતરિક ક્રમબદ્ધ સંકલનાને બદલે કલ્પિત વસ્તુ અને આંતરિક સંવેદન પર વધુ એકાગ્ર થાય છે. લેખક કલ્પનો, પ્રતીકો, પુરાકલ્પનોનો ઉપયોગ કરી નવલકથાના વાસ્તવને ધ્વનિત કરતું વિશિષ્ટ વાતાવરણ જમાવે છે.

બે દાયકામાં બે હજારથી વધુ નવલકથાઓ ગુજરાતીમાં પ્રગટ થઈ ચૂકી છે. ટૅકનિક અને કથનરીતિમાં મૂળગત ફેરફાર કર્યો હોવા છતાં અનુઆધુનિક તબક્કામાં આગલા તબક્કાની પ્રયોગશીલ નવલોથી ચડી જાય એવી વિશિષ્ટ ગુણવત્તા ધરાવતી નવલકથાઓ ઉપલબ્ધ થઈ નથી. આધુનિકોમાંથી મધુ રાય ‘કિમ્બલ રેવન્સ વૂડ’ (1981) અને ‘કલ્પતરુ’ (1987) લઈને આવે છે. કિશોર જાદવે ‘નિશાચક્ર’ (1979), અને ‘રિક્તરાગ’(1989)માં સરરિયલ ટૅકનિક અપનાવી છે. ભૂતકાળમાંથી પ્રસિદ્ધ પુરુષોનાં ચરિત્ર લઈને નવલકથામાં ઢાળવાની પ્રથા ધ્યાન ખેંચે છે. દિનકર જોષીએ નર્મદના જીવન પરથી ‘આકાશનો એક ટુકડો’, ગાંધીજીના પુત્ર હરિલાલ ગાંધીના જીવન પરથી ‘પ્રકાશનો પડછાયો’ લખી છે. રઘુવીર ચૌધરીએ ડઝનેક નવલકથાઓ આપી છે. એમાં ‘રુદ્રમહાલય’, ‘મનોરથ’, ‘શ્રાવણી રાતે’, ‘વેણુવત્સલા’ ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’ કથાત્રયી, ‘દ્વારકા’ ‘ગોકુળ’ અને ‘મથુરા’ કથાત્રયી નોંધપાત્ર છે. દલિતોના લેખક તરીકે જૉસેફ મૅકવાન ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મનખાની મિરાંત’માં પીડિતોની વેદના વ્યક્ત કરે છે. જૉસેફ મૅકવાનની નવલો સીધી પણ સચોટ રીતે વ્યથાની કથા કહે છે. તેની સર્જકતા અનેક નવીન ઉન્મેષોની આગાહી કરે છે. મોહન પરમાર એવા જ એક બીજા દલિત લેખક છે. ‘ભેખડ’, ‘વિક્રિયા’, ‘કાલગ્રસ્ત’, ‘પ્રાપ્તિ’, ‘નેળિયું’ વગેરે તેમની નવલો છે. કુન્દનિકા કાપડિયાએ (‘સાત પગલાં આકાશમાં’) પરંપરાને અનુસરીને વાસ્તવને પ્રત્યક્ષ કરતી રોચક શૈલીમાં નારીનો વિદ્રોહ વર્ણવ્યો છે. એ ઘણે અંશે સાંપ્રત કાળની નારીવાદી મનોદશા દર્શાવતી નવલકથા છે. રજનીકુમાર પંડ્યાએ ‘કુન્તી’, હસમુખ બારાડીએ ‘ગાંધારી’, વર્ષા અડાલજાએ ‘બંદીવાન’, ‘અણસાર’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, બિન્દુ ભટ્ટે ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’, વીનેશ અંતાણીએ ‘અનુરવ’, ‘પલાશવન’, ‘પ્રિયજન’, ધીરેન્દ્ર મહેતાએ ‘દિશાન્તર’, ‘આપણે લોકો’, રામચંદ્ર પટેલે ‘અમૃતકુંભ’, ‘વરાળ’, ‘એક સોનેરી નદી’, મણિલાલ હ. પટેલે ‘ઘેરો’, ‘કિલ્લો’, ‘અંધારું’, પ્રકાશ ત્રિવેદીએ ‘જૅક્સન સિમ્ફની’ અને યોગેશ જોષીએ ‘સમુડી’ આપી આ પ્રવાહને વહેતો રાખ્યો છે.

પ્રવીણ દરજી