નરાશ્વ તારકમંડળ (Centaurus) : રાત્રિ આકાશમાં નર અને અશ્વના સંયોજનરૂપ દેખાતી તારાકૃતિ. આ તારકમંડળનું અનોખું મહત્ત્વ છે. કેમ કે સૂર્યને બાદ કરતાં પૃથ્વીથી સૌથી નજીકનો તારો તેમાં આવેલો છે.

આ તારકમંડળમાં પહેલા વર્ગના બે, બીજા વર્ગના બે અને ત્રીજા-ચોથા વર્ગના અનેક તારાઓ છે.

ભારતીય પુરાણકથા મુજબ ઋષિઓને પણ રજા વિના પ્રભુ પાસે જવા ન દઈ, ઋષિઓના શાપનો ભોગ બનનાર વિષ્ણુ ભગવાનના કર્તવ્યનિષ્ઠ દ્વારપાળ એટલે આ મંડળના બે મુખ્ય તારા જય અને વિજય છે. તેઓ પહેલા વર્ગના તારા છે. જય એ સૂર્યને મળતો આવતો પણ સૂર્ય કરતાં 24,000ગણો દૂર આવેલો તારો છે. તેનો તેજાંક સૂર્ય જેટલો છે. સૂર્ય પછી એ પૃથ્વીથી સૌથી નજીકનો તારો છે. તે પૃથ્વીથી 42 પ્રકાશવર્ષ એટલે કે 4  1013 કિમી. દૂર છે, તેથી તેના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતાં 42 વર્ષ લાગે છે. વિજય 300 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. તેનો તેજાંક 7,600 છે. સૂર્ય કરતાં તે 3000ગણો પ્રકાશિત છે, જ્યારે જય 1.3ગણો પ્રકાશિત છે.

નરાશ્ચ અને સ્વસ્તિક

જય એ G પ્રકારનો પીળો તારો છે. તે દ્વિ-તારક (binary) છે અને 0.01 અને 1.3 પ્રકાશતીવ્રતાવાળા બે તારાનો બનેલો છે. જ્યારે વિજય એ B પ્રકારનો તારો છે, જેને અજેના કહે છે.

જય-વિજય તારાઓની જમણી તરફ સ્વસ્તિકની બાજુમાં કાળોધબ્બ વિસ્તાર દેખાય છે. તેને ‘કાજળથેલી’ (coal sack) કહે છે અને તે કાળું તારક વાદળ છે. તે તારાઓની ધૂળ છે અને હજારો તારાઓ સમાવી શકે તેટલી ધૂળ એમાં રહેલી છે.

ઉપરાંત, આ તારકમંડળમાં 2,944, 3,786 અને 5,490 જેવી સંખ્યાત્મક ઓળખ ધરાવતા ખુલ્લા તારકગુચ્છ (open cluster), 5,139 અને 5,289 એવા બે સઘન તારકગુચ્છ (globular cluster) આવેલા છે. 5,128 નામની આકાશગંગા પણ છે. ઉપરાંત બે દ્વિતારાઓ, ચાર રૂપવિકારી તારાઓ પણ આ તારકમંડળમાં આવેલા છે. બીજા અનેક સામાન્ય તારાઓ પણ આ તારકમંડળના સભ્ય છે.

અશોકભાઈ પટેલ