ધવલા (816) : દિગંબરોને માન્ય શૌરસેની આગમ સાહિત્ય (षट्खंडागम) પર લખાયેલી મહત્વપૂર્ણ ટીકા. રચયિતા આચાર્ય વીરસેન. બપ્પદેવગુરુની વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ટીકાને આધારે ચૂર્ણી શૈલીમાં પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત 72 હજાર શ્લોકપ્રમાણની ધવલા ટીકા લખેલી છે. પ્રશસ્તિ અનુસાર 816માં વટગ્રામપુરમાં આ રચના સમાપ્ત થઈ હતી. ટીકામાં તેમણે દિગંબર-શ્વેતાંબરના પંથના અનેક આચાર્યોના અનેક ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. વારંવાર ઉત્તર-પ્રતિપત્તિ અને દક્ષિણ-પ્રતિપત્તિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે દક્ષિણ-પ્રતિપત્તિ ઋજુ અને આચાર્ય-પરંપરાગત છે, જ્યારે ઉત્તર-પ્રતિપત્તિ અનૃજુ અને આચાર્ય-અપરંપરાગત છે. તેમાં સૂત્ર પુસ્તકોના વિવિધ પાઠો અને મતભેદોનો ઉલ્લેખ કરી યથાશક્તિ સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે. નાગહસ્તિ અને આર્યમંક્ષુના મતભેદોનો ઉલ્લેખ કરી નાગહસ્તિના ઉપદેશને આચાર્ય-પરંપરાગત અને આર્યમંક્ષુના ઉપદેશને આચાર્ય-અપરંપરાગત કહ્યો છે.

તેમાં षट्खंडागम ના છ ખંડોનું આ પ્રમાણે વિવરણ છે : પહેલો ખંડ जीवट्ठाण (જીવસ્થાન) છે, જેનું શ્લોકપ્રમાણ 18 હજાર છે. તેમાં ગુણસ્થાન અને માર્ગણાનું વર્ણન છે. બીજો ખંડ खुद्राबंध (ક્ષુલ્લક બંધ) છે, જેના અગિયાર અધિકારોમાં કર્મબંધના ભેદો સહિતનું વર્ણન છે. ત્રીજો ખંડ ‘बंधस्वामित्वविचय’ છે, જેમાં કર્મબંધ કરનાર જીવની અપેક્ષાએ વર્ણન છે. ચોથો ‘वेदना’ ખંડ ‘કૃત’  અને ‘વેદના’ નામક બે અનુયોગદ્વારમાં વિભક્ત છે. પાંચમો ખંડ ‘वर्गणा’ છે, જેમાં જીવની 23 પ્રકારની વર્ગણાનું વર્ણન છે. છઠ્ઠો ખંડ ‘महाबंध’ છે. તેનું શ્લોકપ્રમાણ 30 હજાર છે, જે મહાધવલા તરીકે ઓળખાય છે, જેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશબંધનું વિસ્તૃત વર્ણન છે.

સમસ્ત ખંડ ત્રણ ભાગમાં વિભક્ત કરી શકાય છે : (1) પુષ્પદન્તાચાર્યનાં સૂત્રો, (2) વીરસેન દ્વારા રચિત પ્રાકૃત-સંસ્કૃત-મિશ્રિત ટીકા, (3) ટીકામાં મૂકેલાં ગદ્ય-પદ્યમય પ્રાચીન ઉદ્ધરણો. ટીકાનો ¾ ભાગ પ્રાકૃતમાં અને ¼ ભાગ સંસ્કૃતમાં છે. તેની ભાષા શૌરસેની હોવા છતાં મહારાષ્ટ્રી પ્રાકૃતથી યુક્ત છે.

ટીકાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે : તેમાં કર્મસિદ્ધાંતનું સુસ્પષ્ટ, વિસ્તૃત અને સવિસ્તર નિરૂપણ છે. તેમાં દર્શનશાસ્ત્રની અનેક મૌલિક માન્યતાઓનો સમાવેશ છે. લોકસ્વરૂપ અંગેના નવા ર્દષ્ટિકોણની સ્થાપના છે. પૃથ્વીની વર્તુળાકાર માન્યતાનું ખંડન કરી તે આયનચતુસ્રાકાર છે તેવા મતની સ્થાપના કરી છે. સ્વયંભૂરમણ સમુદ્રની બહાર અસંખ્ય યોજન લાંબી પૃથ્વીનું અસ્તિત્વ સિદ્ધ કરેલું છે. ગણિતશાસ્ત્રવિષયક માહિતી ઉપલબ્ધ છે. ઘન, ઘાતાંક, સમીકરણ, અજ્ઞાતરાશિ, વૃત્ત-વ્યાસ, પરિધિ સંબંધિત ગણિતપરિધિ, ચાપ, વલયવ્યાસ, પરિવૃત્ત, અંત:વૃત્ત વગેરે વિશે સમજ આપવામાં આવી છે, જે આજના ગણિતનો મૂળ પાયો છે. જ્યોતિષ અને નિમિત્ત સંબંધિત પ્રાચીન માન્યતાનું સ્પષ્ટ વિશ્લેષણ કરી, રૌદ્ર, શ્વેત, વરુણ, ભાગ્ય વગેરે મુહૂર્તોનો ઉલ્લેખ છે. નક્ષત્રનાં નામ, ગુણ-સ્વભાવ, ઋતુ, અયન, પક્ષ પર વિવેચન છે. સમ્યક્ત્વના સ્વરૂપ પર વિશેષ વિવેચન છે. નામ, નિક્ષેપ અને પ્રમાણની પરિભાષા છે અને દર્શનના સિદ્ધાંતોનું વિવિધ ર્દષ્ટિકોણથી નિરૂપણ કરેલું છે. દયાનું વિસ્તૃત વર્ણન છે. કથાનાં ચાર સ્વરૂપોનું વિશ્લેષણ છે. ભાષા અને કુભાષાવિષયક ચર્ચા છે. શ્રુતજ્ઞાનનાં પદોની સંખ્યા વિશે નિરૂપણ છે. ગુણસ્થાન અને જીવસમાસોનું વર્ણન છે. સમકાલીન રાજાઓ, પૂર્વવર્તી આચાર્યો અને તેમના ગ્રંથો વિશે દીર્ઘ માહિતી છે. આમ તેમાં લોક, સમાજ, સાંસ્કૃતિક તત્વો, ધર્મ, સિદ્ધાંત, દર્શન સંબંધિત અનેક માન્યતાઓનો સમન્વય થયેલો હોઈ તે ગ્રંથ સ્વયં જ્ઞાનકોશની ગરજ સારે તેવો બન્યો છે.

કલ્પના કનુભાઈ શેઠ