ધવલાંક (albedo) : સપાટી વડે વિસ્તૃત રીતે પરાવર્તન પામતા પ્રકાશનો અંશ. ધવલાંક, પદાર્થની સપાટી વડે થતા પરાવર્તનના ગુણધર્મોનું વર્ણન કરે છે. સફેદ સપાટીનો ધવલાંક લગભગ એક અને કાળી સપાટીનો ધવલાંક શૂન્યની નજીક હોય છે.

ધવલાંકના કેટલાક પ્રકાર છે. તેમાં બૉન્ડ ધવલાંક (AB) મહત્વનો છે. તે ગ્રહની સપાટી ઉપર આપાત થતી સૌર ઊર્જાનો પરાવર્તિત થતો અંશ છે અને ગ્રહની ઊર્જાનું સમતોલન નક્કી કરે છે.

સામાન્ય ધવલાંક અથવા ‘સામાન્ય પરાવર્તકતા (reflectance rn)’ એ સપાટીનું, લંબ રૂપે અવલોકન કરતાં મળતી સાપેક્ષ તેજસ્વિતાનું માપ છે. આવું માપન પૂર્ણ સફેદ લૅમ્બર્ટ સપાટીના સંદર્ભમાં કરવામાં આવે છે. લૅમ્બર્ટ સપાટી એવા પ્રકારની સપાટી છે જે તેના ઉપર આપાત થતા પ્રકાશનું લેશમાત્ર શોષણ કરતી નથી અને બધી દિશામાં એકસરખું પ્રકીર્ણન કરે છે. આવી સપાટી મૅગ્નેશિયમ ઑક્સાઇડ (MgO), મૅગ્નેશિયમ કાર્બોનેટ (MgCo3) અથવા ચકચકિત પાઉડર વડે તૈયાર કરવામાં આવે છે.

સૂર્યમંડળના સભ્ય શુક્ર માટે બૉન્ડ ધવલાંક 0.76 છે, જ્યારે લઘુગ્રહો (asteroids) માટે તેનું મૂલ્ય 0.01થી 0.02 વચ્ચે મળે છે. પૃથ્વી માટે આ મૂલ્ય 0.33 છે. બૉન્ડ ધવલાંકને બધી જ આપાત તરંગલંબાઈ માટે વ્યાખ્યાયિત કરી શકાય છે.

કેટલાક પદાર્થો માટે સામાન્ય પરાવર્તકતા નક્કી કરવામાં આવી છે; જેમ કે, કાજલ માટે 0.02, કોલસા માટે 0.04, લોહ-ઉલ્કાઓ માટે 0.18, બરફ માટે 0.70 અને મૅગ્નેશિયમ ઑક્સાઇડ માટે 1.00 છે. સામાન્ય પરાવર્તકતા આપાત પ્રકાશની તરંગલંબાઈ ઉપર આધારિત છે. આ હકીકતનો ઉપયોગ ગ્રહીય (planetary) વિજ્ઞાનમાં, ખૂબ દૂરના અંતરેથી સપાટીનું બંધારણ જાણવા માટે થાય છે.

સૌર પ્રણાલી માટે ભૌમિતિક ધવલાંક(P)નો પણ ઉપયોગ થાય છે. પશ્ચપ્રકીર્ણન દિશામાં પરાવર્તન પામતા પ્રકાશ અને એટલી જ પૂર્ણ સફેદ લૅમ્બર્ટ સપાટીવાળા પદાર્થ વડે પરાવર્તન પામતા પ્રકાશનો તે ગુણોત્તર છે. ચંદ્ર માટે P = rn લઈ શકાય છે. તુષાર અથવા પ્રકાશિત વાદળોથી ઘેરાયેલ ગ્રહ માટે P = ​23rn હોય છે.

સૌરપ્રણાલી માટે (AB/P)ને કલાસંકલ (phase integral) q તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અહીં P સમગ્ર વર્ણપટ ઉપર લેવાયેલ સરેરાશ મૂલ્ય છે, જે શુક્ર માટે 1.3, મંગળ માટે 0.2 અને ચંદ્ર માટે 0.6 છે.

અન્ય કેટલીક રીતે પણ ધવલાંકની વ્યાખ્યા કરવામાં આવી છે. પણ બૉન્ડ અને ભૌમિતિક ધવલાંક મહત્વના છે અને તે બધી માહિતી પૂરી પાડે છે.

પ્રહલાદ છ. પટેલ