ધવલગિરિ : (1) ઓરિસામાં ભુવનેશ્વરથી 3.2 કિમી. દૂર આવેલો પર્વત. તે 20° 14´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. આસપાસ છે. તેનું બીજું નામ અશ્વત્થામાનો પર્વત પણ છે. અહીં અશ્વત્થામાનું એક સ્થાન પણ છે. મૌર્ય સમ્રાટ અશોકે કલિંગ પર ચડાઈ કરી ત્યારે કલિંગરાજ સાથે આ પર્વત નજીક યુદ્ધ કર્યું હતું. લાખો માણસોનો આ યુદ્ધમાં સંહાર થયો હતો અને અશોકનું મન આ નરસંહારથી ખૂબ ઉદ્વિગ્ન થયું હતું. આ મનોમંથન બાદ તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો.

(2) હિમાલયનું ઉત્તુંગ શિખર ધરાવતો વાયવ્ય નેપાળમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 28° 42´ ઉ. અ. અને 83° 30´ પૂ. રે. તે કાલીગંડક નદીના ઊંડા કોતરની પશ્ચિમે આવેલો છે. આ પર્વતસમૂહમાં અનેક હિમાચ્છાદિત શિખરો છે. તેમનાં ધવલગિરિ 1, 2, 3 અને 4 એવાં અલગ નામો છે; જે 7,620 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. સૌથી ઊંચું શિખર 8,172 મી. ઊંચાઈ ધરાવે છે. પર્વતની દક્ષિણ દીવાલ સીધા ચઢાણવાળી 454.5 મી. ઊંચાઈવાળી છે. અહીં બારે માસ બરફ રહે છે. અહીંથી ઘણી હિમનદીઓ નીકળે છે. સખત ઠંડી આબોહવા અને કપરા ચઢાણને કારણે તે ઘણા સમય સુધી અજેય રહેલ. 1950 સુધી કોઈ પણ પરદેશીને નેપાળ તરફથી પર્વતારોહણ માટે પરવાનગી અપાતી ન હતી. 1950માં ચાર વખત આરોહણ માટે નિષ્ફળ પ્રયાસો કરાયા હતા. છેવટે 13-5-1960ના રોજ સ્વિસ પર્વતારોહક સાહસિક મૅક્સ ઐસેલિનના નેતૃત્વ નીચેની ટુકડીને આ પર્વતના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચવામાં સફળતા મળી હતી.

શિવપ્રસાદ રાજગોર