ધર્મ

હિંદુ શાસ્ત્ર-ગ્રંથો પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો અર્થ : ‘ધર્મ’ શબ્દનો સંસ્કૃત ભાષામાં જે રીતે પ્રયોગ થયો છે તે જોતાં તેનો બીજી ભાષામાં પર્યાય શોધવો મુશ્કેલ છે. કોશોમાં તેનો અર્થ આજ્ઞા કે વિધિ, ફરજ, અધિકાર, ન્યાય, નીતિ, સદગુણ, ધર્મ (religion), સત્કાર્ય કે લક્ષણ તરીકે આપેલો  મળે છે. ધર્મની કલ્પના દેવતા તરીકે પણ થઈ છે; જેમ કે, आदित्यचन्द्रावनिलोडनलश्च…..धर्मश्च जानाति नरस्य वृतम् । (મહાભારત, આદિપર્વ 74.16, કે મનુસ્મૃતિ 8.16).

, ટકાવવું, આધાર આપવો, પોષવું – એ ધાતુમાંથી આ શબ્દ નિષ્પન્ન થયો છે. આધાર આપનાર, ટકાવનાર તરીકે આ શબ્દનો પ્રયોગ થયો છે. અન્યત્ર તેનો અર્થ ધાર્મિક વિધિ જણાય છે. (ઋગ્વેદ 1.22.18; 5. 26.6; 8.43.24; 9.64.1). એ જ પ્રમાણે तानि धर्माणि प्रथमान्यासन् (ઋગ્વેદ 1.164.43 અને 50;10.90.16) प्रथमा धर्मा (આદિ વિધિઓધાર્મિક આદેશો) (ઋગ્વેદ 3.17.1; 10.56.3); सनता धर्माणि (પ્રાચીન વિધિઓ). જ્યારે ઋગ્વેદ 4.53.3 (आ प्रा रजांसि दिव्यानि पार्थिवा लोके देव: कृणुते स्वीयधर्मणे), 5.63.7; 6.70.1; 7.89.5 (अचिती यतव धर्मा युयोपिम मा नस्तस्मादेनसो देव रीरिष: ।) જેવાં સ્થાનોમાં તેનો અર્થ ‘ચોક્કસ નિયમ કે આચારનો નિયમ’ લાગે છે. અથર્વવેદ 11.7.17માં ‘ધર્મ’ શબ્દનો અર્થ ‘ધાર્મિક ક્રિયાથી મળતું પુણ્ય’ એવો જણાય છે. (ऋतं सत्यं तपो राष्ट्रं श्रमो धर्मश्च कर्म च । भूतं भविष्यदुच्छिष्टे वीर्यं लक्ष्मीर्बलं बले ।). ઐતરેય બ્રાહ્મણ 7.17-(धर्मस्य गोप्ताजनीति तमभ्युत्कृष्टमेवंविदभिषेक्ष्यन्नेतचार्याभिमन्त्रयेत)માં ‘ધર્મ’ શબ્દ ‘સમગ્ર શ્રૌત કે ધાર્મિક ક્રિયાઓનો સમૂહ’ એવા અર્થમાં પ્રયોજાયેલો લાગે છે. બૃહદારણ્યક ઉપનિષદ 1.4. 14માં ધર્મ અને સત્ય સમાનાર્થ જણાય છે. છાન્દોગ્ય ઉપનિષદ 2.23માં ‘ધર્મ’ શબ્દ પર થોડો પ્રકાશ પડે તેવું મળે છે. (त्रयो धर्मस्कन्धां यज्ञोडध्ययनं दानमिति प्रथमस्तप एवेति द्वितीयो ब्रह्मचार्याचार्यकुलवासी तृतीयोडत्यन्तमात्मानमाचार्यकुलेडवसादयन्, सर्व एते पुण्यलोका भवन्ति, ब्रह्मसंस्थोडमृतत्वमेति ।) અહીં ‘ધર્મ’ શબ્દ આશ્રમધર્મ કે તે આશ્રમનાં કર્તવ્યોના અર્થમાં પ્રયોજાયો છે. આમ, અલગ અલગ તબક્કામાંથી પસાર થતાં થતાં છેલ્લે આર્ય જાતિના અમુક વર્ણ કે આશ્રમમાંની વ્યક્તિના અધિકાર અને કર્તવ્યો કે ફરજોના અર્થમાં ‘ધર્મ’ શબ્દ સ્થિર થયો. આ જ અર્થ તૈત્તિરીય ઉપનિષદ 1.11માં શિષ્યને ઉપદેશ આપેલ છે તેમાં છે (सत्यं वद् । धर्म चर ।). ભગવદગીતા (स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावहः) અને ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં પણ આ જ અર્થ છે. મનુસ્મૃતિ(1.2)માં કહ્યું છે કે સર્વ ઋષિઓએ મનુને સર્વ વર્ણોના ધર્મોનો ઉપદેશ આપવા વિનંતી કરી. ‘તંત્રવાર્તિક’(પૃ. 217)માં કહ્યું છે કે બધાં ધર્મસૂત્રો વર્ણો અને આશ્રમોના ધર્મોનો ઉપદેશ આપે છે. મનુસ્મૃતિની વ્યાખ્યા કરતાં મેધાતિથિ કહે છે કે સર્વ સ્મૃતિવ્યાખ્યાકારો પંચવિધ ધર્મ સમજાવે છે : વર્ણધર્મ, આશ્રમધર્મ, વર્ણાશ્રમધર્મ, નૈમિત્તિક ધર્મ (જેમ કે, પ્રાયશ્ચિત્ત) અને ગુણધર્મ (ક્ષત્રિય કે અન્ય રાજાના ધર્મો રક્ષણ કરવાના). યાજ્ઞવલ્ક્યસ્મૃતિ 1.1 પરની મિતાક્ષરામાં આ પાંચ ઉપરાંત એક છઠ્ઠો ધર્મ ગણાવ્યો છે  –સાધારણ ધર્મ જે સર્વ મનુષ્યો માટે છે; જેમ કે, અહિંસા અને સમર્થનમાં न हिंस्यात् सर्वभूतानि એ વેદવચન ટાંક્યું છે. સર્વ મનુષ્યોને માટે કેળવવાલાયક સદગુણોની ચર્ચા સ્મૃતિ-પુરાણોમાં મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર(1.3.13)માં સર્વ મનુષ્યો માટે અહિંસા, સત્ય, શૌચ, અનસૂયા, આનૃશંસ્ય અને ક્ષમા – એ સદગુણોનું વિધાન કર્યું છે, અને આ અર્થ ધર્મનો પ્રચલિત થયો.

જૈમિનિ પૂર્વમીમાંસા સૂત્ર 1.1.2માં ધર્મની વ્યાખ્યા આપે છે – चोदनालक्षणोडर्थो धर्म:- ઇષ્ટ ફળ જે વૈદિક ચોદના(વિધિ કે આદેશો)થી નિર્દિષ્ટ છે. આમ ધર્મનો અર્થ સુખ, સમૃદ્ધિ લાવે એવી ક્રિયાઓ થાય. વૈશેષિક સૂત્ર પ્રમાણે यतोडभ्युदयनिःश्रेयससिद्धिं स धर्म:- જેનાથી સ્વર્ગાદિ સુખ-સમૃદ્ધિ અને મોક્ષ સિદ્ધ થાય તે ધર્મ. મનુસ્મૃતિ 2.1 પ્રમાણે નૈતિક જીવન જીવનારા, દ્વેષ-પક્ષપાતથી મુક્ત એવા વિદ્વાનો જે આચરે અને જેને તેમના હૃદયની સંમતિ હોય તે ધર્મ. આપસ્તંબીય ધર્મસૂત્ર 1.7.20માં કહ્યું છે કે આર્ય લોકો જેની પ્રશંસા કરે તે ધર્મ અને જેની નિંદા કરે તે અધર્મ. કેટલીક એકાંગી લાગે એવી વ્યાખ્યાઓ પણ મળે છે. अहिंसा परमो धर्म: (અનુશાસનપર્વ 115.1), आनृशंस्यं परमो धर्म: (વનપર્વ, 373.76), आचारः परमो धर्म: (મનુસ્મૃતિ 1.108). હારીત ધર્મને શ્રુતિપ્રમાણક કહે છે (—શ્રુતિ વૈદિકી અને તાંત્રિકી). બૌદ્ધ ગ્રંથોમાં ધર્મના અનેક અનેક અર્થ છે, જેમાં ઘણો પ્રચલિત અર્થ છે, બુદ્ધનો સમગ્ર ઉપદેશ. ધર્મ એટલે પદાર્થ એવો પણ અર્થ છે.

મનુસ્મૃતિ(2.6)માં ધર્મનાં પાંચ મૂળ ગણાવ્યાં છે — वेदोडखिलो धर्ममूलं स्मृतिशीले च तद्विदाम । आचारश्वैव साधूनामात्मनस्तुष्टिरेव च । — સમગ્ર વેદ, સ્મૃતિ અને વેદના જાણકારોનું આચરણ, સજ્જનોનો આચાર અને પોતાનો સંતોષ; અર્થાત્, પોતાની વિવેકબુદ્ધિનો સંતોષથી સ્વીકાર – એ ધર્મનાં મૂળ છે. લગભગ બધાં ધર્મશાસ્ત્રોને આ માન્ય છે.

આમ જોઈ શકાય છે કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં ધર્મનો અર્થ નીતિ-નિયમ, તે તે પરિસ્થિતિમાં કર્તવ્યો એવો થતો હતો અને તે અંગેનું માર્ગદર્શન અને આદેશો ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં અપાતાં. આ ગ્રંથોનો વ્યાપ વિશાલ હતો. ચારેય આશ્રમના વર્ણોના ધર્મો, ગુરુ-શિષ્ય કેવા હોવા જોઈએ, પતિ-પત્નીના સંબંધ અને કર્તવ્યો, લગ્ન, શ્રાદ્ધ વગેરે અને સૌથી મહત્વનું જીવનઘડતર માટે જરૂરી સદગુણો – અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય આદિ અંગેના નિયમો; આ સાથે રાજા, રાજકુમારની તાલીમ અને ફરજો, તેમની વર્તણૂક, સત્તા વાપરવાની રીત, રાજ્યમાં કેટલા અને કેવા કર નાખી શકાય વગેરે ચર્ચા પણ તેમાં મળે છે; અને જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ મુદ્દો પણ સમાવિષ્ટ થતો. પણ મુખ્ય ભાર Ethics કે નીતિ-નિયમો પર હતો : આ ર્દષ્ટિએ ધર્મનો અર્થ જીવન-ઘડતર માટેનું આયોજન કરી આપનાર વ્યવસ્થા – એવો કરી શકાય.

માણસને ડગલે ને પગલે નિર્ણયો લેવા પડે છે તેથી સારું શું અને ખરાબ શું, અમુક પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, સુખપ્રાપ્તિ કે દુ:ખનિવૃત્તિ કેવી રીતે કરી શકાય, બીજાઓ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ વગેરે અંગે નિર્ણયો લેવા જ પડે છે અને પરિણામની જવાબદારી તે તે મનુષ્યની રહે છે.

આ નૈતિક મૂલ્યો અને તેમને માટેના નિયમો-આદેશો કોઈ પણ સમાજ કે સંસ્કૃતિ કે દેશોમાં લગભગ સરખા જ હોય છે, કારણ કે તેમનો સંબંધ માનવ-સ્વભાવ, માનવોના પરસ્પર સંબંધ, તેમની સમસ્યાઓ અને સમાજના યોગ-ક્ષેમ સાથે છે, જે સૌની જવાબદારી છે. આ અંગેના આદેશો અને માર્ગદર્શન ધર્મશાસ્ત્રના ગ્રંથોમાંથી, લોકોના પરંપરાગત આચારમાંથી મળી શકે; પણ બધી પરિસ્થિતિને જરૂરી અને યોગ્ય બધી વાત તેમાં હોય એમ માનવું વધારે પડતું ગણાય. તેથી આ ગ્રંથો પોતે કહે છે કે તમારું હૃદય સ્વીકારે છે કે કેમ અને તેને સંતોષ થાય છે કે કેમ એ અંતિમ ધોરણ છે. તમારી વિવેકબુદ્ધિ કહે તે પ્રમાણે કરો; અલબત્ત, એ વિવેકબુદ્ધિ કેળવવા માટે જીવન-ઘડતરના નિયમોનું પાલન થયેલું હોવું જોઈએ. બાઇબલમાં પણ અનેક આજ્ઞાઓમાંથી દસ આજ્ઞા તારવી છે અને છેલ્લે એક જ વાત કરી છે કે તમે પોતાને માટે ન ઇચ્છો તેવું કોઈને માટે કરશો નહિ. આ જ વાત દરેક દેશના શાણા માણસોએ, ઉપદેશકોએ કહી છે.

જેને આપણે ધર્મ (religion) કહીએ છીએ તેને નીતિશાસ્ત્ર સાથે ગાઢ સંબંધ છે, ધર્મ અને નીતિમત્તા (morality) લગભગ પર્યાય છે એમ કહીએ તો ચાલે; જેમ કે, બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મનું સર્વસ્વ આ નીતિ-નિયમો જ છે, તેમાં કોઈ ઈશ્વરનો સ્વીકાર નથી. માત્ર જગતની સત્તા અને તેનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન અને સારું જીવન જીવવાની કળા પર ભાર છે, જેમાં સર્વસ્વનો ત્યાગ કરીને પણ બીજાનું કલ્યાણ કરવાની વાત મુખ્ય છે. કોઈ પરમ સત્તા કે પરમેશ્વરની માન્યતા સાથે આ નીતિશાસ્ત્ર જોડાઈ જાય તો તેને ધાર્મિક રંગ લાગી જાય અને તે પ્રમાણે થોડા વિશેષ નિયમો, વ્રતો કે વિધિઓના આચરણનો આગ્રહ હોય.

આ સર્વસામાન્ય વાત થઈ. વિપત્તિમાં જ નહિ, સંપત્તિમાં આળોટતા માણસને પણ કોઈક વખતે ગૂંગળામણ થાય છે, કોઈ જીવન-માર્ગ શોધવાની તાલાવેલી લાગે છે; બધાંની વચ્ચે એકલતાનો અનુભવ થાય છે. મરણના પ્રસંગોએ વિચારે ચઢી જાય છે કે આ શું છે, અહીંથી કયાં જવાય છે, આ અંત છે કે આની પછી બીજું કંઈ છે. ત્યારે કોઈ પરમતત્વ સાથે એક થવાની ઝંખના જાગે છે, પોતે અધૂરો છે અને પૂર્ણ કશુંક છે જે પ્રાપ્ત કરવું છે એવી તીવ્ર લાગણી થાય છે. આમ કોઈક પરમ કે અન્તિમ લક્ષ્ય કે ચિંત્ય (ultimate concern) સાથે તેનો ગાઢ નાતો બંધાય છે. આ ધર્મ છે જેનું માર્ગદર્શન કે સૂચન તેને ઋષિઓ, સંતો, આચાર્યોની અનુભૂતિઓને આધારે પ્રાપ્ત થઈ શકે છે. પણ કશુંક પર, જે તેનાથી અલગ નથી અને છતાં સ્વયંસિદ્ધ પૂર્ણ છે તેવું માનવાની તેને સ્વાભાવિક ઝંખના થાય છે. આ પરમ સત્તા કે તત્ત્વ સાથે સંબંધ જોડવા માટે ધાર્મિક ક્રિયાઓ, પૂજા, અર્ચન, ધ્યાન વગેરે વિધિઓનું માર્ગદર્શન તેને ધર્મશાસ્ત્ર કે દાર્શનિક ગ્રંથોમાંથી મળી રહે અને પોતાની પ્રકૃતિ અનુસાર તે કર્મમાર્ગ કે જ્ઞાનમાર્ગ કે ભક્તિમાર્ગ સ્વીકારે. સામાન્ય જનને પોતાનું રક્ષણ કરનાર કોઈ પરમશક્તિ છે એવું આશ્વાસન ભક્તિમાર્ગમાં સૌથી વિશેષ મળે. આ પરમ લક્ષ્ય માટેની ઝંખના એ ધર્મનું સારભૂત લક્ષણ છે. પછી એની સાથે જોડાયેલ ક્રિયાઓ, પૂજા, અર્ચન, આહુતિ વગેરે વગેરે આનુષંગિક છે અને જો એ જ મુખ્ય બની જાય તો એટલે અંશે એ ધર્મ જડ, દંભી અને ખોટો થઈ જાય છે.

પાશ્ચાત્ય પરંપરામાં ધર્મની વ્યાખ્યા : અર્વાચીન વિદ્વાનો સંમત થાય છે કે ધર્મની વ્યાખ્યા કરવી એ સૌથી મુશ્કેલ કામ છે. વિદ્વાનોએ જે વ્યાખ્યાઓ કરી છે તેમાં તેમના પોતાના અનુભવો (સારા કે ખરાબ) અને ગૃહીતોની અસર દેખાય છે. તેમને લાગ્યું હોય કે ધર્મને કારણે વિજ્ઞાનની પ્રગતિ રૂંધાય છે અથવા કોઈ ચોક્કસ વર્ગના અધિકારો પર તરાપ આવે છે તો તેઓ ધર્મથી થતા લાભો પર ધ્યાન આપી શકતા નથી. બીજી બાજુ તેમને કોઈ વ્યક્તિગત મુક્તિનો અનુભવ થયો હોય કે ધર્મને કારણે કોઈ વર્ગની ઉન્નતિ કે પ્રગતિ થતી જોઈ હોય તો ધર્મમાં કોઈ અવગુણ હોઈ શકે તેનો વિચાર જ આવતો નથી. આવી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ.

ઇમાન્યુએલ કાન્ટ (કૅન્ટ) (1724–1804) વિજ્ઞાન અને ધર્મને તદ્દન જુદાં ગણે છે, કારણ કે બંનેની પદ્ધતિ તદ્દન ભિન્ન છે. તેમ છતાં માનવતાને ધર્મની એક ‘વ્યવહારુ જ્ઞાન’ તરીકે ઘણી જરૂર છે, કારણ કે તેનાથી નીતિમત્તા પોષાય છે. નૈતિકતા તરીકે ધર્મનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો આપી શકાય નહિ, પણ સંસ્કૃતિની કેટલીક મૂળભૂત ભાવનાઓ જેવી કે સ્વતંત્રતા માનવી પડે છે કે કલ્પવી પડે છે તેમ આ પણ સ્વીકારવી રહી. નૈતિકતા તરીકે જ ધર્મ સાચો છે, બાકી પરતત્ત્વ પ્રત્યેનું વલણ છે એમ માનવું એ બનાવટ છે.

ફ્રેડરિક શ્લાઇઅરમાખર (1768–1834) : તે અર્વાચીન ખ્રિસ્તી તત્વચિંતન(theology)નો પિતા ગણાય છે. તે કૅન્ટ સાથે સંમત છે કે વિજ્ઞાન અને ધર્મ જુદાં છે. પણ કાન્ટ ધર્મને નૈતિકતા સાથે સરખો ગણે છે તે તેમના મતે બરાબર નથી, કારણ એ કોઈ પણ નીતિમત્તા કરતાં ઘણો વધારે મૂળભૂત અને વૈશ્વિક છે. ખરેખર તો ધર્મ એ મૂળભૂત સભાનતા છે, અખંડ સાથેની એકતાનું ચિહન છે, પોતાના મૂળ સ્રોત પરની સંપૂર્ણ પરવશતાનો ખ્યાલ છે જે બધાં જ્ઞાન અને નૈતિક કર્મનો પૂર્વગામી છે.

જી. ડબલ્યુ. એફ. હેગલ (1770–1831) : જર્મનીના સુવિખ્યાત તત્વચિંતક હેગલને લાગ્યું છે કે આ બંનેએ ધર્મને માનવતાના બૌદ્ધિક વ્યાપારોથી અલગ કરીને મોટી ભૂલ કરી છે. તેમના મતે ધર્મ ઈશ્વર કે નિરપેક્ષ પરમ આત્મતત્વનાં પ્રાથમિક રૂપોમાંનું એક છે એ આનો સાચો ઉકેલ છે. માનવતા પોતાના મનોબળથી ધર્મની વિભાવનામાં ઉત્તરોત્તર સૂક્ષ્મની દિશામાં આગળ વધશે અને સૂર્ય-ચંદ્ર-વાયુ વગેરે પ્રાકૃતિક તત્વો માટે દેવ-દેવી માનતા અનેકદેવવાદ(polytheism)થી આગળ વધીને સત્ય કે પરતત્વનો ખ્યાલ તેના પરથી બાંધશે અને આમ ધર્મ તત્વચિંતનમાં પરિણમશે. નીતિમત્તા અને વિજ્ઞાનને કાન્ટે જુદાં કરેલાં તે ફરીથી જોડાઈ શકે, કારણ કે અહીં શ્રદ્ધા કરતાં પ્રેમ કે એકતા પર વધારે ભાર છે અને ધર્મ કે માનવતામાં ચિંતનને પોતાનું સ્થાન મળી જશે.

લુડવિગ ફોયએરબાખ (1804–1872) : લુડવિગ ફોયએરબાખે હેગલની વ્યાખ્યાને ઊલટી કરી નાખી. જો હેગલના મતે માનવ સભાનતા (human consciousness) એ ઈશ્વરની સ્વ-સભાનતાનું લઘુ સ્વરૂપ છે તો ફોયએરબાખની દલીલ છે કે ઈશ્વરીય સભાનતા એ માનવની સ્વ કે પંથસભાનતાથી વધારે કશું નથી. આપણે ઈશ્વરમાં સર્વશક્તિમત્તા, સર્વજ્ઞતા વગેરે માનીએ છીએ તે વાસ્તવમાં માનવજાતના જ ધર્મો છે; અલબત્ત, કોઈ એક માનવમાં એ અનંત સ્વરૂપે મળતા નથી, પણ સમગ્ર માનવતાની કોઈ સીમા નથી. ધર્મ એટલે અજાણતાં માનવ-જાતિની અનંત શક્તિઓનો અધ્યાસ કરી (તેનો બહાર આરોપ કરી) તેને ઈશ્વરનું રૂપ આપી દેવું. જો સામાન્ય માનવીને આ સમજાવી શકાય તોપણ ધર્મ ટકી શકે અને હેગલ કહે છે તેમ, તેનાથી શ્રદ્ધાને બદલે પ્રેમને યોગ્ય સ્થાન આપી શકાય.

કાર્લ માકર્સ (1818–1883) : કાર્લ માર્કસે હેગલે પ્રતિપાદિત કરેલી માનવતાની બૌદ્ધિક ઉત્ક્રાંતિની વાત સ્વીકારી, પણ તેમના મતે તેનું કારણ સામાજિક-આર્થિક પરિસ્થિતિ છે, માત્ર તાર્કિક વિચાર નહિ. માટે જ ધર્મ સમાજના ઉપલા સ્તરને ઉપયોગી થઈ પડ્યો, જેથી શ્રમજીવીઓને શાંત રાખીને કામ કઢાવી શકાય. દુ:ખો, પીડાઓ, જુલમ, અન્યાય પ્રત્યે બેધ્યાન બનાવવા માટે અફીણની ગરજ ધર્મ સારતો રહ્યો છે. આમ કોઈ પરતત્વ કે પરલોક સાથે ધર્મનો સંબંધ છે એવી વાત એ સ્વાર્થ અને અન્યાયને પોષવા માટેનું સાધન બની રહે છે.

સોરેન કિર્કગાર્ડ (1813–1855) : તેમણે સાચા ધર્મ અને તેની રાજ્ય-પ્રેરિત વિકૃતિનો ભેદ કર્યો, તેના આત્મલક્ષી સત્ય (subjective truth) અને બાહ્યરૂપ(objective form)નો ભેદ કર્યો, શ્રદ્ધા અને બુદ્ધિનો ભેદ કર્યો. ખ્રિસ્તી ધર્મ તેમના મતે માત્ર વાદ કે નીતિમત્તા નથી, કારણ કે આ તો માનવબુદ્ધિનાં સર્જન છે. ધર્મ નિરપેક્ષ પરતત્વ સાથેનો સંબંધ છે જેને માટે નીતિમત્તા ઉપરાંત ઘણું વધારે જરૂરી છે. કદાચ નિરપેક્ષ તત્વ સાથેના સંબંધને લઈને સંસ્કૃતિની વ્યાખ્યા કે નીતિમત્તા બાજુએ મુકાઈ જાય. બાઇબલમાં અબ્રાહમે પોતાના પુત્ર ઇસ્હાકનું બલિદાન આપવાની તૈયારી બતાવી એ કથામાં હેગલના મતે તર્ક કરતાં શ્રદ્ધાને અગ્રસ્થાન મળતું હોવાથી તેનું ભયસ્થાન સિદ્ધ થાય છે, જ્યારે કિર્કગાર્ડના મતે આથી એમ સિદ્ધ થાય છે કે જો ઈશ્વર હોય તો તેને કોઈ વાદ કે નીતિમત્તાની સાંસ્કૃતિક વિભાવનાઓ સ્પર્શતી નથી. તેમની ર્દઢ માન્યતા હતી કે સાચી શ્રદ્ધા એ તર્ક કે બુદ્ધિથી ક્યાંય ચઢિયાતી છે. નિરપેક્ષ પરતત્વ સાથેના સંબંધને કારણે શ્રદ્ધાની જરૂર ઊભી થાય છે. બીજાને કહી શકાય તેવી ન હોવાથી કદાચ તે હાસ્યાસ્પદ કે અધાર્મિક લાગે. આ મત પ્રમાણે ધર્મ વૈશ્વિક રૂપ ધારણ કરે છે પણ તેના આત્મલક્ષી પરિમાણમાં જ.

ફ્રેડરિક નિત્શે (1844–1900) : તે ધર્મ અને બુદ્ધિના બાહ્યરૂપના વિરોધી હતા, એટલું જ નહિ પણ આનાથી જે નીતિમત્તા પોષાય છે તેના પણ વિરોધી હતા. પોતાને અનીતિવાદી (immoralist) કહેવામાં તેઓ આનંદ લેતા. ધાર્મિક સંસ્કૃતિમાં અસ્તિત્વ (being) કરતાં ચિંતનને, સત્તા કરતાં સારભૂતતા(essence)ને, મૂળભૂત આવેગો કરતાં નીતિમત્તાને, ઇચ્છા-શક્તિ કરતાં સમાનતાને, વધારે મહત્વ અપાય છે તેના તેઓ વિરોધી હતા. તેમના મતે પાદરી કે ધર્મગુરુઓનું જે કુદરતી કે સ્વાભાવિક વસ્તુઓ પ્રત્યેનું નકારાત્મક વલણ હોય તેને બધા ધર્મોમાં ઉપસાવવામાં આવે છે. બ્રહ્મચર્ય અને ગરીબાઈની વાતો ઉપસાવવામાં આવે છે. તે સ્વત:વિરોધી અને પોતાને માટે જ વિનાશકારક છે. પોતે સંસારમાં જે ભોગવી શકતા નથી તે બીજાઓને પણ ભોગવવા ન દેવા માટે આ ધર્મગુરુઓ ધર્મ સમાજ પર લાદે છે. તે એટલા નબળા અને ભીરુ છે કે પોતાનાં મૂલ્યો, પ્રેરકબળો ઉપજાવી શકતા નથી અને ઈશ્વર વિના જીવી લેવું જોઈએ એ સમજી શકતા નથી. તેવાઓને ધર્મ ધોરણો, પ્રેરકબળો અને ઈશ્વર પણ પૂરો પાડે છે.

એમિલ ડર્કહાઇમ (1858–1917) : તેઓ ધર્મના સમાજશાસ્ત્રના આગ્રહી છે. ધાર્મિક માન્યતાઓ અને વાદો જોરદાર સામૂહિક ઊભરાઓના સમયમાં નવા નવા આકાર ધારણ કરે છે. આમાં દંતકથાઓ (myths), જાદુ, પશુ-પૂજા (totemism) વગેરેનો સમાવેશ હોય છે અને વૈજ્ઞાનિક ર્દષ્ટિએ તે માન્ય થઈ શકે તેવું ન લાગે છતાં તેમનું પ્રયોજન કે કાર્ય છે, કારણ કે તેથી સામૂહિક પિછાન (collective identity) કેળવાય છે અને જુનવાણી આદર્શો છોડી નવા અર્થપૂર્ણ આદર્શો સમાજ પ્રાપ્ત કરી શકે છે. પવિત્ર અને અપવિત્ર (profane) ક્ષેત્રોનો ભેદ કરવામાં આવે છે અને દેવ અને દાનવ વચ્ચે જે ભેદ કરાય છે, તેથી પણ મૂળભૂત વાસ્તવિક એવી વર્ગ-પિછાન(group identity)નો નિર્દેશ મળે છે અને આમ માન્યતાઓના ચોકઠામાંથી એક નીતિમત્તાનો આકાર ઊપસે છે. ધર્મનાં મૂળ અને તેનાં કાર્યો આમ વૈજ્ઞાનિક ઢબે સમજવાથી માનવસમાજ પોતાના પ્રત્યે અને સમગ્ર જગત પ્રત્યે વધારે જવાબદાર બની શકશે એમ તેમનું પ્રતિપાદન છે.

સિગમંડ ફ્રૉઇડ (1856–1939) : ફ્રૉઇડના મતે ધર્મ જગત પ્રત્યેનો અવૈજ્ઞાનિક, બાલિશ, સત્તા વીંઝતો, ઇચ્છાપૂર્તિ માટેનો અભિગમ છે.  કામના કે જરૂરિયાત પર બંધાયેલો આભાસ છે જે ભ્રમ તરીકે સત્યને જરાય સ્પર્શતો નથી એમ નહિ, પણ અસંભવિત છે. ધાર્મિક પ્રાર્થનાઓ, કથાઓ, વિધિઓ, પ્રાચીન યજ્ઞો કે અર્વાચીન નીતિમત્તામાં આ સ્પષ્ટ જોઈ શકાય છે. ધર્મ પોતામાં થતા પરિવર્તન કે ઉત્ક્રાંતિને કબૂલતો નથી તેથી તે વાસ્તવ સત્તા પ્રત્યેનો ઊતરતી કક્ષાનો અભિગમ છે, જ્યારે વિજ્ઞાન મુક્ત રીતે પોતાની ભૂલો, નબળાઈઓ કબૂલતું આગળ વધતું જાય છે તેથી જગતની સત્તા સમજવા માટેની ચઢિયાતી પ્રક્રિયા છે. ફ્રૉઇડના મતે ગમે તેટલી દાદાગીરી કરવામાં આવે તોપણ ધર્મના જુનવાણી ભ્રમમાં લોકોને લાંબો સમય પૂરી રાખી શકાશે નહિ અને ક્યારેક ધર્મને હઠાવીને વિજ્ઞાન તેનું સ્થાન લેશે. પછી ગમે તેટલી ધારણા (postulating) નીતિમત્તાની વિભાવનાને બચાવી શકશે નહિ.

પાશ્ચાત્ય ચિંતકોએ કરેલી આ થોડીક પ્રતિનિધિરૂપ વ્યાખ્યાઓ જોઈ. એ દિશામાં વિચારતા દરેક વિદ્વાને અલગ અલગ ર્દષ્ટિબિંદુ – સામાજિક, ઐતિહાસિક, સૌંદર્યલક્ષી, તત્વચિંતનાત્મક વગેરે–થી ધર્મની વ્યાખ્યા કરી છે અને દરેકમાં વ્યક્તિગત ગૃહીત તેમ જ કેટલુંક સત્ય જણાય છે. વળી આ વ્યાખ્યાઓમાં પાશ્ચાત્ય અભિગમ જણાય છે તેથી પૂર્વની વિભાવનાથી તેમનો વિવેક કરવો જોઈએ.

વ્યાખ્યાઓ ઘણી જાતની હોઈ શકે. જેમ કે, કેટલીક માત્ર વર્ણનાત્મક હોય — હું બૌદ્ધ છું, સૂર્યપૂજક છું વગેરે. કેટલીક આદર્શાત્મક (normative) હોય જેમાં ધર્મમાં શું હોવું જોઈએ તેનો નિર્દેશ હોય, જેમ કે ધર્મમાં સારું જીવન જીવવા માટેનો ઉપદેશ હોવો જોઈએ કે ધર્મ મનુષ્યની ભાવનાઓને અનુરૂપ હોવો જોઈએ. કેટલીક વ્યાખ્યાઓ ધર્મનાં મૂળભૂત લક્ષણ દર્શાવે છે અને વ્યાપક બનવા પ્રયત્ન કરે છે; જેમ કે, ધર્મ એ પરમતત્વ સાથેના અનુસંધાનની પ્રક્રિયા છે અથવા ધર્મ એ અંતિમ લક્ષ્યથી ઝડપાઈ જવાની અવસ્થા છે (state of being grasped by an ultimate concern).

કાર્યપરક (functional) વ્યાખ્યા ધર્મ શું કરે છે તે બતાવે છે; જેમ કે, માકર્સ કહે છે કે ધર્મ લોકો માટેનું અફીણ છે. તેમને એટલા વિક્ષિપ્ત કરી નાખે છે કે પોતાની સાચી સમસ્યાઓની ચિંતા જ એ કરતા નથી; અથવા ધર્મ એવી શક્તિ છે જે માનવતાને પાપથી મુક્ત કરે છે એ પણ કાર્યપરક વ્યાખ્યા છે.

Religion is an ultimate concern – ધર્મ અંતિમ ચિંત્ય છે – આ સંક્ષિપ્ત વ્યાખ્યાને કામચલાઉ તરીકે સ્વીકારી શકાય, કારણ કે તેમાં ધર્મના મૂળભૂત લક્ષણનો નિર્દેશ છે. પૉલ ટિલિકે (1886–1965) ‘ultimate concern’ એ શબ્દ-પ્રયોગ કર્યો છે.

ધર્મ એ કશાક અનૌપાધિક, પવિત્ર, પરમથી ઝડપાઈ જવાની અવસ્થા છે. પોતાને ધાર્મિક વર્તન કરતા હોવાનો ખ્યાલ ન હોય તોય વ્યક્તિનું વર્તન ધાર્મિક બને – જો કોઈ (અ) જીવનનું અંતિમ લક્ષ્ય જાણવા મથે,  (આ) તેને કોઈ અંતિમ જવાબદારી કે કરવું જ પડે તેવું કર્તવ્ય સમજાય, (ઇ) જેને પરમ સત્ય માને છે તેની સાથે કર્મ કે ભક્તિથી જોડાઈ જાય. ‘અંતિમ લક્ષ્ય’નું એવું ભૂત સવાર થઈ જાય છે કે તેને માટે બધું તજી દેવા તૈયાર થઈ જવાય. તેમાં કોઈ જ ભ્રાન્તિ નથી, તે બધામાં છે અને બધું તેમાંથી ઉદભવે છે અને તેના પર આધારિત છે એવી પ્રતીતિ થાય છે. આ રીતે વિચારતાં કોઈ પૂરો અનીશ્વરવાદી રહેશે નહિ, કારણ કે જે ઈશ્વરમાં નથી માનતા તે પણ પૂરા ઝનૂનથી દેશપ્રેમ કે એવા કોઈ આદર્શને માને છે

ધર્મની જણાતી અનિવાર્યતા : યંત્રપ્રધાન યુગમાં ગમે તેટલી સમૃદ્ધિ અને સહીસલામતી હોય તોપણ માનવીની મૂળભૂત, સાર્વજનિક જરૂરિયાત જે એને સમગ્રતયા જકડી રાખે છે તેને સંતોષી શકાતી નથી. ઊલટું, જેમ પ્રગતિ વધારે થાય અને બાહ્ય જરૂરિયાતો વધુ ને વધુ સંતોષાતી જાય તેમ કોઈ ન સંતોષાયેલી આંતરિક જરૂરિયાતનું ભાન થાય છે. માતા-પિતા મુશ્કેલીઓ ભોગવ્યા પછી સંપત્તિ મેળવીને બાળકોને શિક્ષણ, બધી જાતની સુખ-સગવડ વગેરે મળે તેવી વ્યવસ્થા કરે ત્યારે સંતાન કંઈક વધારે મૂળભૂત અને ઊંડી સાર્થકતાવાળું શોધતાં જણાય એવું બને અને આ મૂળભૂત અસ્તિત્વમૂલક જરૂરિયાત સંતોષવા માટે ધર્મનો ઉપયોગ થાય છે. જુદા જુદા ધર્મોએ પોતપોતાની રીતે કામ કર્યું હશે, પણ બધા આ જ આવશ્યકતાઓ સંતોષવા મથ્યા છે. તેમના અસ્તિત્વના અધિષ્ઠાન કે અંતિમ તત્વ તરફ દોરીને બધા ધર્મોનાં પ્રતીકો, વિધિઓ, સિદ્ધાંતો આ જ જરૂરિયાત સંતોષતા જણાય છે.

આવી કેટલીક જરૂરિયાતો અને તેમની પ્રત્યેના ધર્મના પ્રતિભાવો જોઈએ : એક જરૂરિયાત એ છે કે અસ્થિરતા, બધું ડામાડોળ હોવાનો ખ્યાલ અને ભય દૂર થવાં જોઈએ. આવો અનુભવ દરેકને થાય છે. પારાવાર સમૃદ્ધિની વચ્ચે પણ મૂંઝવણ થાય છે, જાણે કે ધરતી પગ તળેથી સરકે છે, બધું ડામાડોળ છે એવું લાગ્યા કરે. ધર્મ કશુંક સ્થિર, અચળ, આધાર રાખી શકાય તેવું બતાવીને સ્થિરતા જન્માવે છે.

વળી, જનમેદનીની વચ્ચે પણ એકલતાનો અનુભવ થાય છે. સ્થૂલ એકલતાથી આ જુદું છે, વધારે ગંભીર છે, ક્યારેક સમગ્ર વિશ્વથી અલગ થઈ ગયાં હોઈએ એવું લાગે છે. કોઈ અજ્ઞાન, નબળાઈ કે આડે રસ્તે ચઢી ગયેલી વિચારશીલતામાંથી આ એકલતાનો અનુભવ ઉદભવતો હોય તોપણ સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે તેને દૂર તો કરવો જ રહ્યો. ધર્મ આ કામ કરે છે. બે રીતે – માણસ પોતે પ્રયત્ન કરીને મન પર નૈતિક કાબૂ મેળવીને કે ધ્યાનથી આ નબળાઈ દૂર કરી શકે એમ બતાવીને અને બીજું ઈશ્વરને પૂરેપૂરું આત્મ-સમર્પણ કરી દો, તો તે બધું સંભાળી લેશે એવો વિશ્વાસ પેદા કરીને.

એક ત્રીજી માનવ જરૂરિયાત તે દરેક વાત કે ઘટનામાં અર્થ શોધવાની છે. ‘દુ:ખ શું છે, હું શા માટે દુ:ખ ભોગવું છું, બીજાઓ શા માટે પીડાય છે’ એ તો સામાન્ય પ્રશ્ન છે; પણ આનંદ અને સૌંદર્યની બાબતમાં પણ આવા જ પ્રશ્નો થાય છે – ‘આટલું સુખ મને કેવી રીતે મળ્યું, મારી યોગ્યતા છે ? બધી વસ્તુ આટલી સારી કેમ છે ? જીવન મળ્યું છે તો મૃત્યુનો શો અર્થ ?’ ધર્મ આવા પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરે છે. જે બહાર દેખાય છે તે વાસ્તવિક સત્તા નથી, સત્તા વધારે ઊંડી છે અને માનવ–અનુભવોના મૂળમાં પડેલી છે. દરેક ધર્મ જે અર્દશ્ય છે, ઇન્દ્રિયગ્રાહ્ય નથી તેમાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે; કારણ કે એ વધારે સાચું છે. ઉપર ઉપર દેખાય છે તેનાથી ઊંડે ઊતરી સત્તા અને અર્થવત્તા પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ દરેકની સાર્થકતા છે, ભલે એ અર્થ છુપાયેલો હોય, સ્પષ્ટ જણાતો ન હોય; પણ જ્યાં બધું નિરર્થક અને અસ્તવ્યસ્ત લાગતું હોય છે તેની પાછળ વ્યવસ્થા, સાર્થકતા છે જ. વિશ્વ અકસ્માત નથી; તેમાં બધું એકબીજા સાથે સુમેળ રહે એ રીતે ગોઠવાયેલું છે જ. માત્ર એ વ્યવસ્થા આપણે ઓળખવી રહી.

વળી એક જરૂરિયાત એ છે કે આપણને કેટલુંક પવિત્ર લાગે છે, જેની સાથે ખૂબ સંભાળપૂર્વક, કોઈ દોષ ન લાગે તે રીતે વ્યવહાર કરવાનો રસ્તો શોધવો જોઈએ; જેમ કે, અમુક વૃક્ષ પવિત્ર છે, ત્યાં ગમે તેમ ન જવાય, ગમે તેમ ન બોલાય વગેરે. આ જુદું પવિત્ર લાગે છે તેની સાથે સંબંધમાં આવવા માટે ભક્તો ધર્મકથાઓ અને ક્રિયાકાંડ ઊભાં કરે છે. એ તત્વ પ્રત્યે આદર બતાવવા કે તેને નારાજ ન કરવા માટે કેટલીક ક્રિયાઓ બતાવવામાં આવે છે. આ રીતે પવિત્ર સ્થાનો (મંદિરો), પવિત્ર વસ્તુઓ (માળા વગેરે), પવિત્ર ક્રિયાઓ, પવિત્ર વ્યક્તિઓ (ધર્મગુરુ, આચાર્ય), અને પવિત્ર શાસ્ત્રોનો ખ્યાલ વિકસ્યો, જે દ્વારા આ પવિત્ર પરમતત્વથી ડર્યા વિના તેના સંપર્કમાં આવી શકાય. બીજી રીત છે નીતિમત્તા. ઘણાખરા ધર્મોનો ઉપદેશ છે કે એ પવિત્ર પરમતત્વ ઇચ્છે છે કે માનવ નીતિપૂર્વક જીવન ગાળે અને એવું હોય તો તેને પૂરેપૂરો સહકાર મળશે. આવા ધર્મોમાં ક્રિયાઓ કરતાં નીતિમત્તા પર વધારે ભાર છે. વ્યક્તિ પૂજા, અર્ચન વગેરે કરે તેના કરતાં નીતિમય જીવન ગાળે એ વધારે મહત્વનું ગણાય છે. એમ કહી શકાય કે એક ધર્મગુરુ કે પુરોહિતનો અભિગમ છે જ્યારે બીજો પ્રબોધક કે ઋષિ-આચાર્યનો અને વ્યક્તિ પોતાની યોગ્યતા અનુસાર કોઈ પણ માર્ગ પવિત્ર તત્વ સાથે સંપર્કમાં આવવા લઈ શકે.

વળી માનવની એક જરૂરિયાત એ પણ છે કે દુ:ખ કે સુખમાં સાથીઓની જરૂર પડે છે. ભેગા મળીને ભોગવવામાં આવે તો સુખ વધે અને દુ:ખ કંઈક હળવું થાય. ધાર્મિક સમાજ આ ખોટ પૂરી પાડે છે. ધાર્મિક સમાજમાં જે ક્રિયાઓ, કથાઓ પ્રચલિત છે તેનાથી આશ્વાસન મળે છે. જન્મ, નામકરણ, લગ્ન કે મરણ વખતે ધાર્મિક સમાજ સાથે કથા, પૂજા, ક્રિયાઓનો આધાર કે સંગાથ મળે છે તે કોઈ પણ જ્ઞાન કે તર્કશક્તિ કરતાં વધારે પ્રેરક બને છે અને પરમતત્ત્વ સાથે યોગ કરાવવામાં મદદરૂપ થાય છે.

સમાજશાસ્ત્રીઓ પોતાની રીતે ધર્મનો ઉદભવ અને તેની ઉપયોગિતા સમજાવવા પ્રયત્ન કરે છે. સમાજને કેન્દ્રમાં રાખીને વિચાર કરનારાઓમાં એડવર્ડ ટાઇલર (ઓગણીસમી સદી) તેમના પુસ્તક ‘પ્રિમિટિવ કલ્ચર’માં લખે છે કે કેટલીક એવી કુદરતી ઘટનાઓ છે – સ્વપ્ન, પડઘા, અદભુત ર્દશ્યો અને સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું મૃત્યુ – જે સમજાવવા માટે જંગલી અવસ્થામાં માનવ પાસે પૂરતું જ્ઞાન નહોતું તેથી તે માનતો થયો કે શરીરથી અલગ થઈ શકે તેવું આત્મ-તત્વ હોવું જોઈએ. આના પર જ પાછળથી ધર્મનાં વધારે વ્યવસ્થિત રૂપો ઘડાયાં – અનેકદેવવાદ અને પછી એકદેવવાદ.

જેમ્સ જી. ફ્રેઝરે ‘ધ ગોલ્ડન બો’માં આ ઉત્ક્રાન્તિપરક ર્દષ્ટિબિંદુ અપનાવીને આગળ વિકસાવ્યું. તેમના મતે માનવવિચાર જાદુથી આગળ ધર્મ અને તે પછી વિજ્ઞાનમાં વિકસે છે કે ઉત્ક્રાન્ત થાય છે.

કેટલાકને આ ઉત્ક્રાન્તિનો અભિગમ પસંદ પડ્યો નહિ, કારણ કે એ પ્રમાણે વિજ્ઞાન વિકસે તેમ ધર્મ લોપાતો જાય, જ્યારે કેટલાક અર્વાચીનોએ આ પરિપ્રેક્ષ્યમાં જ ધર્મને સતત પોતાની રીતે નવનિર્માણ પામતો અને વિજ્ઞાન સાથે સુમેળ સાધતો ઘટાવ્યો છે. જાદુને પણ આવા જ નવા આકારો વૈજ્ઞાનિક યુગમાં આપી શકાય એમ કહ્યું.

ફ્રૉઇડ માને છે કે ધર્મની ઉત્પત્તિ માનસશાસ્ત્રની ર્દષ્ટિએ વિચારવી જોઈએ. આદિકાળમાં પુત્રોએ પિતાને મારી નાખ્યો કારણ કે તે ટોળાની સૌ સ્ત્રીઓનો ઇજારો લઈને બેઠો હતો, અને પછી તેમને અપરાધભાવના થઈ અને પોતાની લાગણીઓનું દમન કરવા લાગ્યા. ફ્રૉઇડના મતે Totemism (પશુ-પૂજા-પશુને પ્રતીક માનવાની પ્રથા) એ ધર્મનું સૌથી શરૂઆતનું રૂપ છે. અપરાધ-ભાવના અને દમનનો તોડ કાઢવાનો આ પ્રયત્ન છે. લાચાર બાળક અને જોરાવર પિતાના કૌટુંબિક સંબંધો અને અનુભવોમાંથી ધર્મ સાંસ્કૃતિક વ્યવસ્થા તરીકે ઊપસી આવે છે. ફ્રૉઇડ કહે છે કે દેવો પોતાનાં ત્રણ કાર્યોને વળગી રહે છે : કુદરતના પ્રકોપમાં પ્રભાવ બતાવવાનું; નસીબની ક્રૂરતા – ખાસ કરીને મૃત્યુમાં દર્શાવાતી – તેની સાથે સમાધાન કરાવવાનું; અને સાંસ્કૃતિક સામૂહિક જીવનને કારણે માનવને જે દુ:ખો અને યાતનાઓ ભોગવવાં પડે છે તેનો કોઈ બદલો આપવાનું.

જ્યૉર્જ સિમ્મેલ અને રાઇનહોલ્ડ નિબુહ જેવા માને છે કે સામાજિક જીવનમાં માનવો વચ્ચે કેટલાક સંબંધો હોય છે તેમનું જ અલગ પાડીને ઊર્ધ્વીકરણ ધર્મમાં થયેલું જોવામાં આવે છે; દા. ત., દેવતામાં શ્રદ્ધા એ સામાજિક જૂથમાં લોકો વચ્ચે શ્રદ્ધાનો સંબંધ છે તેનું જ ઊર્ધ્વીકૃત રૂપ છે કે માતાપિતા બાળકને સુરક્ષાનો વિશ્વાસ અપાવે છે તે જ દેવતા રક્ષણ કરશે એ શ્રદ્ધામાં પરિણમે છે.

એમિલ ડર્કહાઇમ માને છે કે સમાજમાં સાથે મળીને જે ક્રિયાઓ કરવાની હોય છે, પવિત્ર માન્યતાઓ ધારણ કરવાની હોય છે, તેમાં સમાજ પ્રત્યેનો ધાર્મિક આદર દેખાય છે. ધર્મ એ સામાજિક એકીકરણ અને સંગઠનનું મૂળ છે. બીજી બાજુએ કાર્લ માર્કસ માને છે કે સામાજિક સંઘર્ષ સાથે ધર્મનો સંબંધ છે. ધર્મ અફીણ છે જે ઊંચાં પદોએ બેઠેલા સત્તાધીશો લોકોને પિવડાવીને તેમને અન્યાયો પ્રત્યે બેધ્યાન બનાવે છે.

એક બીજો અભિગમ એવો છે કે અવ્યવસ્થા, અંધેર સર્વત્ર પ્રસરેલ જણાય છે તેમાં કોઈક વ્યવસ્થા લાવવાનો પ્રયત્ન એ ધર્મનું મુખ્ય પ્રયોજન છે. દુનિયામાં અંધેર છે એવો નિરાશા ઉત્પન્ન કરનાર ખ્યાલ માનવને સતત આવ્યા કરે, ખાસ કરીને જેમાંથી કોઈ માર્ગ નીકળતો ન હોય તેવી યાતના કે દુ:ખ ભોગવતી વખતે, ન્યાયના સિદ્ધાંતોનો સતત ભંગ થતો જોવામાં આવે, દુષ્ટ લોકો સુખી અને સમૃદ્ધ થતા જોવામાં આવે અને બધું ન સમજાય તેવું અને નિરર્થક લાગે. આવે વખતે કેટલીક બિનધાર્મિક પ્રવૃત્તિઓ આ પરિસ્થિતિનો સામનો કરવા પ્રયોજાય છે, પણ ધર્મ એ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટેનો અંતિમ ઉપાય લાગે છે. જ્ઞાનની સૌથી વધારે જરૂર હોય ત્યારે એ ખૂટતું લાગે, જેથી જીવનનો કોઈ અર્થ સમજાતો નથી; ન્યાયી સમાજ ઊભો કરવાના પ્રયત્નો અધૂરા લાગે છે; માનવે ઊભી કરેલી બૌદ્ધિક તેમજ ન્યાય, નીતિમત્તા અને જાદુ સાથે સંકળાયેલી વ્યવસ્થાઓ અપૂરતી લાગે છે ત્યારે કચડી નાખે એવી વાસ્તવિકતા સામે ધર્મ આ બધાથી આગળ નીકળીને એવું નક્કર આશ્વાસન આપે છે જેનાથી આજુબાજુ દેખાતું અંધેર અને ગેરવ્યવસ્થા સહ્ય બને છે.

ગૅલ્લોવે એક કામચલાઉ વ્યાખ્યા સૂચવે છે. ધર્મ એટલે કોઈ પરશક્તિમાં માનવનો વિશ્વાસ, જેનાથી તે પોતાની ભાવનાત્મક જરૂરિયાતો સંતોષવા માગે છે અને જીવનમાં સ્થિરતા લાવવા ઇચ્છે છે. તેની આ લાગણી તે પૂજા-પાઠ દ્વારા વ્યક્ત કરે છે.

ઈશ્વરને સિદ્ધ કરવા માટેની કેટલીક દલીલો : ધર્મ એટલે ઈશ્વર નામની કોઈ પરસત્તામાં શ્રદ્ધા એવી સામાન્ય વ્યાખ્યા આપી શકાય, જે લગભગ બધા ધર્મોને માન્ય છે. ઈશ્વર એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વસદગુણયુક્ત હસ્તી જેનાથી વધારે ઊંચું, સારું, શક્તિશાળી કોઈ હોઈ શકે નહિ. પણ આ ઈશ્વરની સત્તા સિદ્ધ કેવી રીતે કરવી ? ઘણી જાતની દલીલો રજૂ કરવામાં આવે છે કે જો ઈશ્વર હોય અને તે હોઈ શકે એટલો સૌથી વધારે સારો, જ્ઞાની, શક્તિશાળી હોય તો દુનિયામાં દુ:ખ જેવું હોવું ન જોઈએ. આની સામે વળી ઈશ્વરવાદીઓની દલીલ છે કે ઈશ્વર જ દુ:ખને ટકવા દે છે, કારણ કે એનાથી નીપજતા લાભો તેનાથી થતા ગેરલાભ કરતાં ઘણા વધારે હશે.

મૂળ કારણ દલીલ (First Cause Argument) : જગતનો ક્યારેક આરંભ થયો હશે, કારણ કે કારણ-કાર્યની શૃંખલા પાછળ પણ અનાદિ ચાલ્યા જ કરે એવું શક્ય નથી. દરેક કાર્ય કારણ બને છે, પણ પોતે કોઈથી નિષ્પન્ન થયેલું હોઈ કોઈને અધીન છે. તેથી આ કાર્ય-કારણની શૃંખલાથી અલગ, તેનાથી જુદું, કોઈને અધીન નહિ એવું કારણ હોવું જોઈએ અને આ સર્વથી અલગ હોવું જોઈએ અને એ કારણ તે ઈશ્વર.

આ દલીલ બરાબર લાગતી નથી. આ કાર્ય-કારણ-શૃંખલા પાછળ અનાદિ કેમ ચાલી ન શકે તેને માટે કોઈ પ્રતીતિકારક કારણ નથી આપ્યું. વળી જો એમ હોય તો પણ જગતનું કારણ ઈશ્વર જ છે એમ સિદ્ધ થતું નથી (ભારતીય દર્શનોમાં સાંખ્યદર્શનમાં આવી શૃંખલા સ્વીકારી છે, જે પ્રકૃતિમાંથી નિષ્પન્ન થાય છે અને ઈશ્વરનો સ્વીકાર નથી. મીમાંસા, બૌદ્ધ, જૈન જેવાં દર્શનો સૃષ્ટિને અનાદિ કાળથી ચાલી આવતી માને છે અને ઈશ્વરનો સ્વીકાર કરતાં નથી.)

વિશિષ્ટ રચના પર આધારિત દલીલ (Design Argument) : પ્રાકૃતિક જગત અને તેમાંની કેટલીક વસ્તુ વ્યવસ્થિત રચના ધરાવે છે.  કોઈ માનવે તેમને બનાવ્યાં નથી; તો પછી જેમ કોઈ પણ રચનાવાળી વસ્તુને બનાવનાર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોવી જોઈએ એમ જોઈએ છીએ તેમ આ જગત કે તેમાંની વસ્તુઓ બનાવનાર કોઈ બુદ્ધિશાળી હોવો જોઈએ, અને આમ ઈશ્વરની સિદ્ધિ થાય છે. (ભારતીય દર્શનમાં પણ ન્યાય–વૈશેષિક દર્શનમાં આવી દલીલ થઈ છે અને તેનો વિરોધ પણ થયો છે. જો માનવ કારીગરની જેમ એ અમાનવ કર્તા બુદ્ધિશાળી હોવો જોઈએ તો પછી માનવ કારીગરની જેમ એને શરીર પણ હોવું જોઈએ વગેરે.)

માત્ર જગતની માનવે બનાવેલી વસ્તુઓ સાથે રચનામાં સામાન્ય સરખાપણાને કારણે જગતના રચયિતાની દલીલ કરવી એ બરાબર નથી અને ધારો કે રચયિતા સિદ્ધ થતો જ હોય તો પણ એ સર્વજ્ઞ સર્વશક્તિશાળી સર્વસદગુણસંપન્ન ઈશ્વર જ છે એમ તો નથી જ સિદ્ધ થતું, કારણ કે જગતમાં ઘણી ક્ષતિઓ, અનિષ્ટો વગેરે જણાય છે, જેનો કર્તા આવો ન હોઈ શકે. અથવા એમ માનવું પડે કે ઈશ્વરે જગત બનાવીને પછી તેની કોઈ ચિંતા કરી જ નહિ, એ પોતાની રીતે બદલાતું – બગડતું ગયું, જે પણ ઈશ્વરની કલ્પનાની સાથે મેળ નથી ખાતું.

નૈતિકતા પર આધારિત દલીલ (Moral Argument) : માનવને કેટલીક નૈતિક જવાબદારીઓ છે જે એ પૂર્ણ કરે એ તદ્દન જરૂરી છે. કારણ કે તેના યોગક્ષેમનો આધાર તેના પર છે, અન્યથા તેને હાનિ થાય. ‘હાનિ થાય’નો શો અર્થ કરવો જોઈએ ? ‘તે ખોટું કરનાર બને’ એવો અર્થ થાય, પણ આવા કેટલાય ખોટું કરનાર સુખી જોવામાં આવે છે અને નૈતિક જવાબદારી નિભાવનારને કોઈ ફળ મળતું દેખાતું નથી. આનો ન્યાય કોણ તોળે ? તે માટે ઈશ્વર જેવું પરતત્વ માનવું જોઈએ, જે સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય અને આ જન્મમાં નહિ તો મૃત્યુ પછીના જીવનમાં ફળ આપે અને ખોટું કરનારને શિક્ષા કરે. આની સાથે કેટલાય મુદ્દા સંકળાયેલા છે. જો મૃત્યુ પછી જીવન હોય તો માણસને મારી નાખવા સામે વાંધો શા માટે લેવામાં આવે છે, ખાસ કરીને જ્યારે તે હોય કે ન હોય તેનાથી કોઈ ખાસ ફરક પડતો ન હોય ? શક્ય છે કે તેનું હવે પછીનું જીવન વધારે સારું હોય. કદાચ કહીએ કે માનવ સ્વાર્થી છે તેથી આવી છૂટ મળી જતાં ગમે તેને ખોટી રીતે મારી નાખે તેથી તેને મારતાં રોકવામાં આવે છે. પણ ઈશ્વર તો સ્વાર્થી કે દુષ્ટ નથી, તેને આ મુશ્કેલી નડે નહિ તેથી તે વ્યક્તિની નૈતિક જવાબદારી અને નૈતિકતાનો વિચાર કરીને તેના મૃત્યુનું કારણ બની શકે. આમ ન્યાય તોલનાર તરીકે ઈશ્વરનો સ્વીકાર થઈ શકે. (ભારતીય તત્વચિંતનમાં કર્મવાદનો સ્વીકાર કરીને કેટલાંક દર્શનોમાં ઈશ્વરનો સ્વીકાર કર્યો છે, કર્મનું ફળ યોગ્ય સમયે વહેંચનાર તરીકે; પણ ઘણુંખરું આત્માની ચેતના અને કર્મની શક્તિ એ જ પૂરતાં મનાયાં છે, કોઈક જન્મમાં કર્મના ફળની પ્રાપ્તિ માટે.)

ઈશ્વરની સિદ્ધિ માટેની દરેક દલીલ વિરુદ્ધ એક સર્વસામાન્ય વાંધો એ લેવામાં આવે છે કે કોઈ દલીલથી સર્વજ્ઞ, સર્વશક્તિશાળી, સર્વસદગુણયુક્ત ઈશ્વર સિદ્ધ થતો નથી, કારણ કે જગતમાં બે પ્રકારનાં અનિષ્ટો–આફતો–દુ:ખો છે – માનવસર્જિત અને કુદરતી. ઈશ્વરને સ્વીકારનારે અનિષ્ટ(evil)નો ખુલાસો કરવો પડે. હિટલરની મૃત્યુ-છાવણીઓ કે કૅન્સરથી મરી જતાં કુમળાં બાળકો માટે શો ખુલાસો આપી શકાય ? જો ઈશ્વર સર્વજ્ઞ હોય તો તેને આ બધાની જાણ હોવી જોઈએ, અને સર્વશક્તિશાળી હોઈને તે આવું થવા ન દે અને સર્વસદગુણયુક્ત હોઈને તે આને ચોક્કસ અટકાવી દે; પણ એવું થતું જોવામાં આવતું નથી. વળી કુદરતી આફતો – ધરતીકંપ, નદીમાં આવતાં પૂર વગેરે – ભયંકર હોનારત સર્જે છે, જે આવો ઈશ્વર થવા જ ન દે. ભારતીય માન્યતામાં કર્મવાદ પ્રમાણે આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ કેટલાકને આ ઠીક લાગતું નથી; કારણ કે પહેલાં ઈશ્વર અને અનિષ્ટનો સંબંધ સમજાવવાનો પ્રશ્ન હતો, જ્યારે હવે ઈશ્વર, કર્મ અને અનિષ્ટનો સંબંધ સમજાવવો પડે.

આમ કોઈ પણ ઈશ્વર-સિદ્ધિ માટેની દલીલનું ખંડન થઈ શકે. છેલ્લે એમ જ કહેવું જોઈએ કે માનવને પોતે આધાર અને વિશ્વાસ રાખી શકે તેવા પરતત્વની સત્તામાં શ્રદ્ધાની અત્યંત જરૂર છે તેથી ઈશ્વરની માન્યતાથી જીવનમાં સ્વસ્થતા તેમજ સમાજમાં વ્યવસ્થા રચાય છે. વળી ઋષિઓ-સંતોને અપરોક્ષાનુભૂતિ થઈ છે તેમાં શ્રદ્ધા રાખીને ઈશ્વરનું અસ્તિત્વ માનવામાં આવે. ઈશ્વર ઇન્દ્રિય-પ્રત્યક્ષ કે અન્ય વ્યાવહારિક પ્રમાણોનો વિષય નથી એમ સૌ સ્વીકારે છે, પણ તર્કથી બુદ્ધિની શુદ્ધિ કરી અપરોક્ષાનુભૂતિની તૈયારી કરવી રહી.

ધર્મની અવેજીમાં માન્ય રખાયેલા કેટલાક વાદ : કેટલાક વિચારકોને ધર્મના ખ્યાલ અને તેને અન્તર્ગત સિદ્ધાંતોમાં કશીય તાર્કિકતા, વાસ્તવિકતા કે આવશ્યકતા ન જણાતાં તેમણે ધર્મની અવેજીમાં માન્ય રાખી શકાય તેવા કેટલાક વિકલ્પરૂપ વાદો સ્થાપ્યા છે. આવા કેટલાક વાદોનો વિચાર કરીએ :

પ્રાકૃતિક નિરીશ્વરવાદ (naturalistic atheism) : કેટલાકના મતે જગતમાં જડ અણુઓની વ્યવસ્થિત જાળ કે જડ તાંત્રિક શક્તિ જ છે અને તેમાં માનવજીવન એની વ્યવસ્થામાં એક અકસ્માત જ છે જે પ્રલય થતાં નાશ પણ પામે અને તેથી પ્રકૃતિને કોઈ લાગણી કે સહાનુભૂતિ થાય નહિ, થઈ શકે નહિ. ઈશ્વર-કૃપા વગેરે ભ્રાન્તિઓમાં પડ્યા વિના આ સત્ય સ્વીકારી લેવું જોઈએ અને જે આવી પડે તે સહન કરવું જોઈએ. કોઈ આશા કે અભિલાષા જ ન રાખવી. તેથી નિરાશ થવાનો પ્રસંગ નહીં આવે. કેટલાક સૂચવે છે કે આ તદ્દન નીરસ અને નિરાશામય લાગતું હોય તો થોડું ચિંતન કરવું કે કલાનો આશ્રય લેવો જેથી જીવનમાં ઉલ્લાસ જણાય, ભલે પછી એ કાલ્પનિક જ હોય.

પણ એ વિચારવા જેવું છે કે જીવન અને વિશ્વમાં વિશ્વાસ જ ન રહ્યો હોય ત્યાં ચિંતન અને કલા કેટલાં ખીલી શકે અને કેટલો રસ જગાડી શકે ! વળી, જેવું નિરાશાજનક ચિત્ર રજૂ કરવામાં આવે છે તેવું ખરેખર છે ? માનવોની અદભુત સિદ્ધિઓ, તેમનાં સંશોધનો, કલ્પનાનાં ઉડ્ડયન કેમ ભૂલી શકાય ? જો પોતાને અને પોતાની જ અભિલાષાઓને કેન્દ્રમાં રાખીને વિચારીએ તો બધું દુ:ખમય લાગે, પણ વિશ્વમાં એક વ્યવસ્થા છે જેનાં પોતાનાં લક્ષ્ય છે એમ વિચારતાં સ્વસ્થતા આવે છે, વળી જો જગતમાં બધું વ્યવસ્થિત રીતે નિયમ પ્રમાણે જ ચાલતું હોય તોપણ માનવજીવન કેવળ અકસ્માત ન હોઈ શકે.

અજ્ઞેયવાદ (agnosticism) : આ વાદ પ્રમાણે આપણે કશું જ એક પક્ષે કે બીજા પક્ષે જાણતાં નથી; જગત, તેની ઉત્પત્તિ, પ્રયોજન વગેરે વિશે કશું જ જાણતાં નથી તેથી કોઈ નિર્ણય પર ન આવવું એમાં જ ડહાપણ છે.

આની સામે એમ કહી શકાય કે અજ્ઞાનનું આ ભાન જ મહત્વનું છે, અને તેમાં જ્ઞાનનો એક આદર્શ અભિપ્રેત છે જે માનવને આગળ લઈ ગયા સિવાય રહે નહિ.

નકારવાદ કે ઉપપ્લવવાદ (scepticism) : તત્વચિંતનક્ષેત્રે એટલા બધા મતો છે કે બધા જાણવામાં રસ પડે, પણ તેમના પરસ્પર વિરોધો જોતાં એક પણ સ્વીકાર્ય લાગે નહિ. આવું કલ્પના, તત્વચિંતન, રાજ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર સૌની બાબતમાં છે. આવી પરિસ્થિતિમાં રસ્તો એક જ છે કે જગતને પ્રયોજનહીન માનવું અને કોઈ અપેક્ષા કે શ્રદ્ધા રાખ્યા સિવાય જે પરિસ્થિતિ હોય તેમાં મૂંઝાતાં મૂંઝાતાં પણ ટકી રહેવું.

પણ નિરપવાદ ઉપપ્લવ કે નકાર શક્ય છે ખરો ? માણસ કશું ને કશું માનતો જ હોય છે. નિષેધ કરનાર પોતાનો તો નિષેધ ન કરી શકે અને અત્યારે જોઈએ છીએ કે જેઓ ઈશ્વરમાં નથી માનતા તેઓ ભૂતપ્રેતના વહેમમાં અટવાય જ છે. ઉપપ્લવવાદી સંશયોથી ગંભીરપણે ગ્રસ્ત છે તે જ તેના આધ્યાત્મિક વિકાસની નિશાની નથી જણાતી ?

માનવવાદ (humanism) : માનવવાદને પ્રકૃતિવાદ અને ધર્મ બંને સામે વાંધો છે. માનવનો આત્મા નથી પ્રકૃતિની કોઈ વસ્તુ કે નથી ઈશ્વરનું સંતાન. જો માનવ પ્રકૃતિનો વિકાર કે તેનું કાર્ય હોય તો મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા અર્થહીન બની જાય. ધર્મની સામે માનવવાદની દલીલ છે કે આ જગતમાં આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે અને માનવતાને સંપૂર્ણ બનાવવી એ જ આપણો આદર્શ છે. આપણે સાચે માર્ગે હોઈએ તો પરમ તત્વ અને તેના સ્વરૂપ વિશે વિચારણા ન કરીએ તોપણ વાંધો નહિ. ધાર્મિક સિદ્ધાંતો પર તર્કથી પહોંચી શકાય, પણ તર્ક તો બેધારી તલવાર છે, તેથી ગમે તે સિદ્ધ કરી શકાય. માનવ માનવ વચ્ચે નિ:સ્વાર્થ ભાવે પ્રેમ અને સમભાવ એ જ માનવવાદનું લક્ષ્ય છે જેથી સમાજનું કલ્યાણ થાય. તે માટે વિષયભોગ અને શરીરદમન બંને છોડીને સમતોલભાવે વર્તવું જોઈએ.

પણ સ્વસ્થ જીવન માટે માત્ર માનવવાદ પૂરતો નથી. સારું જીવન જીવતાં માણસ પર એવાં દુ:ખો આવી પડે છે અને કોઈ દોષ વિના તેના પર એવા આક્ષેપો કરવામાં આવે છે કે તે ભાંગી પડે ત્યારે માનવવાદ તેને કોઈ દિલાસો નહીં આપી શકે. ધર્મવાદ (theism) માટે કૅન્ટની મુખ્ય દલીલ જ એ છે કે પૃથ્વી પર સજ્જન ઘણી વાર હારી જાય છે ત્યારે સદગુણ અને સુખ કે આનંદની વ્યવસ્થા કરવા માટે કોઈક અતિમાનવ(superhuman)ની જરૂર જણાય છે. ધર્મ સાથે માનવવાદને કોઈ વિરોધ હોઈ જ ન શકે. ઈશ્વર અને મનુષ્યના સંબંધની સાચી સમજ માનવ-સેવામાં જ પરિણમે. ઈશ્વરની માન્યતાનું બળ મળે તો કોઈ પણ ધર્મ કે તેના વિકલ્પમાં પૂરતી ક્ષમતા પ્રાપ્ત થાય છે.

અર્થક્રિયાવાદ (pragmatism) : આ વાદ પ્રમાણે પરમ સત્ય જેવું કશું છે જ નહિ. બધાં સત્ય મનાતાં જ્ઞાન સાપેક્ષ છે. સત્યની કસોટી તેનાં પરિણામો પરથી કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓનું મૂલ્ય તેમનાં નૈતિક અને આધ્યાત્મિક પરિણામોથી જ આંકવું જોઈએ. આપણે એમ કહીએ કે ‘ઈશ્વર અમારો પિતા છે’ ત્યારે ઈશ્વરના સ્વરૂપ વિશે આ સાચું છે કે નહિ એ મહત્વનું નથી, પણ તેથી આપણું એકબીજા પ્રત્યેનું વર્તન ઘડાય છે એ મહત્વનું છે. ઈશ્વર છે એમ માનીને જીવવું એ ઉપયોગી છે; સામાજિક કાર્યકુશળતા માટે ધાર્મિક માન્યતાની જરૂર છે.

આની સામે વાંધો એ છે કે આ રીતે તો કેટલાય વહેમોનો પણ બચાવ થઈ શકે, કારણ કે તેમનાથી એક પ્રકારની માનસિક શાંતિ મળે છે. જ્યાં સુધી સત્યનું બળ ન હોય અને કોઈ પણ ભોગે સત્ય જાણવાની તમન્ના ન જાગે ત્યાં સુધી કોઈ માન્યતાને કાયમ માટે વળગી રહેવાનું શક્ય નથી.

આધુનિકતાવાદ (modernism) : આ એવી એક મનોવૃત્તિ છે જે પ્રાચીન કાળથી જોવા મળે છે અને દરેક ધર્મમાં જોવા મળે છે. દરેક પેઢીની એ ફરજ બની જાય છે કે વિકાસની પ્રક્રિયા સાથે જે જરૂરિયાતો ઊભી થાય તેની સાથે ધાર્મિક પરંપરાનું સમાધાન સાધવું. આધુનિકતાવાદીઓ એટલે સુધી કહે છે કે (ર્દષ્ટાંત રૂપે) ખ્રિસ્તી ધર્મનાં કેન્દ્રવર્તી સત્યો પણ વિકાસની જ નીપજ છે. બાઇબલનો ઈસુ એ યહૂદીઓની મસીહાની કલ્પનાથી જુદો છે અને પ્રૉટેસ્ટન્ટના ક્રાઇસ્ટથી પણ જુદો છે. આપણું એ કર્તવ્ય છે કે ધાર્મિક માન્યતામાં જે સ્થાયી છે અને ટકી રહ્યું છે તેને જે બદલાતું જાય છે તેનાથી જુદું તારવીએ અને જે કાયમ ટકે છે તેનું નવી રીતે અર્થઘટન કરીને નવા જ્ઞાન અને આદર્શો સાથે તેનો મેળ બેસાડીએ. વાદો દંતકથાઓ મનાતા જાય, ચમત્કારો કથાનું રૂપ લે, વિધિઓ પ્રતીકો બની જાય અને પવિત્ર શાસ્ત્રો સાહિત્ય ગણાય. ‘ઈશ્વરને જગત પર એટલો પ્રેમ હતો કે તેણે પોતાનો એકમાત્ર પુત્ર આપી દીધો’ એ વિધાન કાવ્યાત્મક રીતે એટલું જ સૂચવે છે કે પ્રેમ કરવો એટલે પીડા ભોગવવી; જેટલો પ્રેમ વધારે તેટલી પીડા વધારે. ઈસુ માનવમાંથી ઈશ્વર બન્યા એમ માનવું વધારે યોગ્ય છે, નહિ કે ઈશ્વરમાંથી માનવ બન્યા એમ.

આ આધુનિકતાવાદ સામે એ વાંધો છે કે ધાર્મિક માન્યતાઓનું વર્તમાન જ્ઞાન સાથે સમાધાન કરવામાં રૂઢિગત કે પરંપરાગત ધર્મની વિશિષ્ટતા નષ્ટ થઈ જાય છે, અને સામાન્ય લોકસમૂહને આ રુચતું નથી. પરંપરાવાદીઓને એમ લાગે છે કે જે અગમ્ય હતું તેના પર અર્ધો પ્રકાશ ફેંકીને આ લોકો ધર્મને નુકસાન પહોંચાડે છે. વધારે સારું એ હોય કે તેને અગમ્ય રહેવા દેવું; શ્રદ્ધાનું સ્વરૂપ ટકાવી રાખવું; અથવા પૂરતો પ્રકાશ ફેંકીને ધર્મનિરપેક્ષતા (secularism) સ્વીકારી લેવી. પ્રકૃતિવાદીઓને આધુનિકતાવાદથી અસંતોષ એ છે કે આવા પ્રયાસોથી ધર્મને ટકી રહેવાનું બળ મળે છે.

સર્વસત્તાધીશતાવાદ કે આગમપ્રમાણવાદ (authoritarianism) : નવી નવી માન્યતાઓ એટલી વધી ગઈ કે તેમને માનનારા કોઈ મળ્યા નહિ, અને ધર્મમાં નહિ માનવા સિવાય કોઈ સમાનતા તેમનામાં નહોતી. આ ઉપદેશોના જમેલામાં સાચો જિજ્ઞાસુ તો ખોવાઈ જ જાય અને જ્યાં આવી અંધાધૂંધી હોય ત્યાં જોહુકમી ફાવી જાય. આવું જ ધર્મના ક્ષેત્રે સર્વસત્તાધીશતાવાદનું થયું છે. ઉપપ્લવવાદમાંથી બચવાનો આ એક ઉપાય મનાયો. શાસ્ત્રવચનનું સમર્થન મેળવવાની પાછળ જે મુક્તપણે તત્વજિજ્ઞાસા વિકસાવવાનો ખ્યાલ હતો તે તો પાર પડી શક્યો જ નથી. લોકોનો મોટો વર્ગ એવો છે જેમને તૈયાર માન્યતાઓ અને ધર્મસ્થાનો જોઈએ, જેથી વંદન-અર્ચન કરીને આશ્વાસન મેળવી શકાય. ધાર્મિક નેતાઓ આનો લાભ લઈને ધર્મસ્થાનોનું મહત્વ, પરંપરાની પ્રાચીનતા વગેરે વધારી-ચઢાવીને વર્ણવે છે અને લોકો તેમના પ્રત્યે આકર્ષાય છે.

સત્તાધીશતા (authority) અને પરંપરાનું મહત્વ ઘણું જ છે. દરેક મનુષ્યને આદિથી શરૂઆત કરવાની નથી હોતી અને દરેકે મૂળભૂત સિદ્ધાંતોને સિદ્ધ કરવાની જરૂર નથી. સર્વસ્વીકૃત જ્ઞાન અને શ્રદ્ધાની અમાનત છે જેનો લાભ સૌ લઈ શકે. આ સાચું હોવા છતાં પરંપરા પ્રત્યે આદરપૂર્ણ વફાદારી એક વસ્તુ છે અને તેની ગુલામી તદ્દન જુદી વસ્તુ છે. પરિણામે ક્યાંક ક્યાંક ધર્મ માત્ર વહેમોનું રૂપ લેતો દેખાય છે અને સાચા ધર્મનિષ્ઠોને તેના પ્રત્યે તિરસ્કાર અને નફરત ઊપજે છે.

ધર્મની અવેજીમાં ટકી રહેવા મથતી કેટલીક વિચારસરણીઓ ઉપર જોઈ. અલગ અલગ વિચારસરણીઓમાંથી કોઈક પસંદ કરી લેવી – ખાસ વિચાર કર્યા વિના એ જાણે કે ફૅશન થઈ ગઈ છે. પોતે ઈશ્વરમાં નથી માનતા એમ કહેતાં જાણે કે ગર્વનો અનુભવ થતો લાગે છે. આ નિષ્ફળતાની ભાષા છે. આપણે પોતાને સાચી રીતે સમજી શક્યાં નથી. શારીરિક, માનસિક શક્તિઓ ઉપરાંત બધી શક્તિઓનો કોઈ સ્રોત છે તે આપણું સાચું સ્વરૂપ છે, અને આપણને સમગ્ર વિશ્વ સાથે જોડે છે. એનો આછો આછો ખ્યાલ આવે છે, પણ પૂર્ણ પ્રકાશ થતો નથી. ભગવદગીતા(2.41)માં કહ્યું છે કે શિક્ષિત પ્રજ્ઞા વિગતોથી વિક્ષિપ્ત થતી નથી તેમ ઉદ્દેશ્યોમાં વહેંચાઈ જતી નથી. તેને જીવનની સકલતા, અખંડતાનો ખ્યાલ છે અને તત્ત્વજ્ઞાનનું કર્તવ્ય છે કે આ સમન્વયાત્મક ર્દષ્ટિ આપણને આપે જે ધર્મના હાર્દને સંશયથી મુક્ત કરે અને જ્ઞાતિ-વાડાઓના વિગ્રહોને નાબૂદ કરી નાખે.

આનંદશંકર ધ્રુવે ધર્મના નિદાન અંગે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે. તેઓ કહે છે :

‘‘20મા સૈકામાં યુરોપના કેટલાક અનીશ્વરવાદી તથા જડવાદી વિદ્વાનોએ ધર્મની ઉત્પત્તિ સંબંધે અનેકાનેક કલ્પનાઓ રચી છે, અને એમાં તેઓ જંગલી પ્રજાઓના અવલોકનનું પ્રમાણ આપે છે. સામાન્ય રીતે એમ બતાવવાનો યત્ન છે કે ધર્મ એ એક વખત ઉપયોગી વ્યવસ્થા હતી; કદાચ હજી પણ ઉપયોગી છે એમ કહી શકાય, પણ એમાં યથાર્થતાનું કે આવશ્યકતાનું કાંઈ તત્વ નથી. ‘પરમેશ્વર’, ‘આત્મા’, ‘અમૃતત્વ’, ‘કર્તવ્ય’ (પરમતત્વ પ્રતિ જવાબદારી) આદિ વિચારો મનુષ્યને સામાજિક નિયંત્રણમાં રાખવા માટે માત્ર ઉપયોગી યુક્તિઓ છે; એ કરતાં એમાં અધિક ગંભીરતા કે સત્વ નથી. કેટલાકના મનમાં, સ્વપ્નના અનુભવમાંથી પ્રેતની, પ્રેતમાંથી આત્માની, અને આત્મામાંથી પરમાત્માની કલ્પના થઈ; તો બીજા કેટલાક પડછાયો અને પ્રતિબિંબ જેવા બનાવોને જ એ કલ્પનાનું પ્રથમ કારણ માને છે. કેટલાક કહે છે કે જંગલી અવસ્થામાં મનુષ્યને પ્રકૃતિના સંક્ષોભક બનાવો જોઈને ભય ઉત્પન્ન થાય છે તેમાંથી ધર્મનો ઉદય છે. તો કેટલાક બતાવે છે કે ગગનમંડળની ભવ્ય અને સુંદર રચના જોઈ થતા આશ્ચર્યમાંથી ધર્મનો પ્રાદુર્ભાવ છે. કેટલાક પિતૃપૂજાને ધર્મનું આદિ સ્વરૂપ માને છે તો કેટલાક જીવારોપણરૂપી સર્વત્ર પોતાનું પ્રતિબિંબ જોવાના મનુષ્યબુદ્ધિના એક સ્વાભાવિક વલણમાંથી જગતના પદાર્થોમાં મનુષ્યને ઈશ્વરભાવના થઈ આવી અને એ રીતે અનેકદેવવાદ ઉત્પન્ન થયો એમ કહે છે; આવા આવા અનેક તર્કો (જે સુપ્રસિદ્ધ છતાં, મનુષ્યબુદ્ધિને અનીશ્વરવાદ કેટલા જોરથી વમળમાં નાખીને મથે છે અને કેવા તરેહતરેહવાર વિચાર સુઝાડે છે એ પૂરતું ભાન કરાવવા માટે અત્રે એકઠા કરેલા છે – એવા અનેક તર્કો) કરી તેઓ ભય, આશ્ચર્ય, કલ્પના કે સ્વપ્નાદિકની ભ્રાન્તિને સમગ્ર ધર્મભાવનાનું નિદાન માને છે. પણ વસ્તુત: આ સર્વ તર્કો અપ્રતિષ્ઠિત, કૃત્રિમ છે. સહસા એકાદ સામાન્ય નિયમ ઘડી કાઢવાના પ્રયત્નમાંથી જ ઊપજી આવ્યા છે; અને ઇતિહાસમાં પ્રત્યક્ષ થતો મનુષ્યસ્વભાવ જ એમને એમ કરાવવા માટે બસ છે.

ત્યારે ધર્મનું નિદાન શું? મનુષ્યની ધાર્મિક વૃત્તિ. આથી ખુલાસો શો થયો ? ‘ધર્મ ક્યાંથી આવ્યો તો ધર્મમાંથી એમ કહેવા સમાન આ ઉત્તર છે; એથી ધર્મના નિદાન ઉપર કાંઈ જ અજવાળું પડ્યું નહિ’ – એમ કદાચ કહેવાશે. પરંતુ એના સમાધાનમાં કહેવાનું કે પરિસ્થિતિ જ એવી છે. ધર્મ મનુષ્યને સહજ છે. અમુક અમુક વૃત્તિમાંથી ભ્રાન્તિ થઈને ધર્મ ઉત્પન્ન થયો એમ નથી. પણ જેમ મનુષ્યને જોવું–સાંભળવું, ખાવું-પીવું, હળવું-મળવું ઇત્યાદિથી માંડી ગૃહ, રાજ્ય, સાહિત્ય, કલા આદિ મહાન તંત્રો વિસ્તારવાં, એમાં ભાગ લેવો, એમાં આત્માનુભવ અને આત્મસંતોષ કરવો એ સ્વાભાવિક છે, તેમ ધર્મનો આવિર્ભાવ પણ એનામાં સ્વભાવ થકી જ થાય છે. હોમર ઠીક જ કહે છે કે ‘As young birds open their mouths for food, all men crave for the gods’ (જેમ પક્ષીનાં બચ્ચાં ખોરાક માટે ચાંચ ઉઘાડે છે, તેમ સર્વ મનુષ્યને ઈશ્વરની આકાંક્ષા રહે છે).

પૂર્વોક્ત વિદ્વાનોની ભૂલ એ થાય છે કે જેને તેઓ ધર્મનું આદિકારણ કહે છે તે વસ્તુત: એના આવિર્ભાવના માત્ર પ્રસંગો જ છે – જેને વેદાંતની પરિભાષામાં આવિર્ભાવની ઉપાધિઓ કહીએ તે છે. અમુક દેશ-કાલમાં પરમતત્ત્વની ભાવનાએ અમુક સ્વરૂપ લીધું, બીજે બીજું લીધું ઇત્યાદિથી સિદ્ધ એ થાય છે કે તે તે દેશકાલાદિ ઉપાધિઓ ધર્મના આકારની વિવિધતામાં હેતુભૂત છે, ધર્મના અસ્તિત્વમાં નહીં – અર્થાત્ એથી ધર્મના આવિર્ભાવનું વૈચિત્ર્ય ફલિત થાય છે, ધર્મની સ્વભાવસિદ્ધતાનો નિષેધ થતો નથી.”

હવે ઉપર કરેલી ચર્ચાને ધ્યાનમાં રાખીને જગતના વિદ્યમાન અગિયાર ધર્મોનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ :

હિંદુ ધર્મ : હિંદુસ્તાનમાં વસેલા પ્રાચીન આર્યોની જીવનરીતિ અને તેમાં સમયાંતરે થયેલાં પરિવર્તનો સાથેની આચારવિચારની પદ્ધતિનો હિંદુ ધર્મ તરીકે ઉલ્લેખ કરાય છે. તે ધર્મ સનાતન ગણાય છે. શ્રુતિ અને સ્મૃતિ હિંદુ ધર્મનું પ્રમાણભૂત સાહિત્ય મનાય છે. શ્રુતિ એટલે વેદસાહિત્ય અને વેદ એટલે જ્ઞાન. જેમ હિંદુ ધર્મનો કોઈ સ્થાપક નથી તેમ વેદનો કોઈ કર્તા નથી. ઋષિઓને જે જ્ઞાન સ્ફુર્યું તે વેદ-સાહિત્યનાં સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદમાં છે. હિંદુ ધર્મનાં પ્રધાન લક્ષણો : વેદમાં  શ્રદ્ધા, વર્ણાશ્રમધર્મ, યજ્ઞોપવીત આદિ સંસ્કારો, કુલદેવતા અને પંચાયતન દેવની પૂજા, અવતાર અંગેની માન્યતા વગેરે.

ઋગ્વેદના પહેલા અને દસમા મંડલોમાં દાર્શનિક ચિંતન છે. યજુર્વેદમાં તૈત્તિરીય સંહિતા તે કૃષ્ણ યજુર્વેદ અને વાજસનેયી સંહિતા તે શુક્લ યજુર્વેદ. તેમાં મંત્રો, યજ્ઞો વગેરેની વિગતો છે. સામવેદ ઋગ્વેદની ઋચાઓના ગાન માટે છે. પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિકમાં સોમયાગ વખતે ગાવા માટેની ઋચાઓ – ક્રમમાં છે. અથર્વવેદમાં અભિચાર એટલે જાદુમંત્રના પ્રયોગ છે તે સામાન્ય લોકો માટે ન હોવાથી તેની ગણના બીજા વેદો સાથે ન કરતાં ‘વેદત્રયી’ શબ્દ પ્રયોજાયો હોય. દરેક સંહિતાને પોતાના બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ ગ્રંથો છે. બ્રાહ્મણમાં ધર્મતત્વનો સ્થૂળ આકાર અને યજ્ઞની ક્રિયાઓ તથા તેનું રહસ્ય બતાવેલું છે. આરણ્યકમાં યજ્ઞનો પ્રતીકાત્મક અર્થ છે ત્યાં તત્વચિંતનની શરૂઆત છે. ઉપનિષદમાં વેદનો અંત એટલે પરમ તાત્પર્ય છે તેથી તે વેદાન્ત. ઉપનિષદોમાં વ્યક્ત થયેલા વિચારોનો સમન્વય બાદરાયણનાં બ્રહ્મસૂત્રો કે વેદાંતસૂત્રોમાં છે. જુદા જુદા આચાર્યોએ તેના પર ભાષ્ય લખી પોતપોતાના મતની સ્થાપના કરી છે. વેદ સમગ્ર શ્રુતિસાહિત્ય છે.

હિંદુ વેદધર્મમાં જે વ્યવસ્થા નક્કી કરવામાં આવેલી તે સૂત્રકાળથી પ્રચલિત છે. ગૃહસ્થ માટેના પાંચ મહાયજ્ઞ દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, મનુષ્યયજ્ઞ દ્વારા ધર્મ, અર્થ અને કામની યોગ્ય વ્યવસ્થાની ઉત્તમ સાંસારિક જીવન જીવવા માટેની વ્યવસ્થા તે ત્રિવર્ગ. જીવનને (જનસમાજને) ધારણ કરે તે ધર્મ. શાસ્ત્રની અમુક કર્મ કરવાની આજ્ઞા. ઉત્તરાવસ્થામાં પરમાર્થચિંતન, સાંસારિક બંધનોમાંથી મુક્તિ એટલે મોક્ષ તે ચોથો પુરુષાર્થ. આત્મજ્ઞાન અને પરમાત્મપ્રાપ્તિ જીવનનું અંતિમ લક્ષ્ય છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ – એમ ત્રણ પ્રકારનાં કર્મ મુજબ જીવનની ત્રણ ગતિ પુનર્જન્મ, સ્વર્ગ કે નરક અને ઉભયથી પર તે મુક્તિ. આ સિદ્ધાંત હિંદુ ધર્મ અને તેના વિવિધ પંથોમાં મુખ્યત્વે સ્વીકાર્ય બનેલો છે.

એક જ પરમ તત્વની ભિન્ન ભિન્ન રૂપે થતી ઉપાસના છતાં દેહે દેહે વસતો આત્મા એક છે – અભિન્ન છે, એ અદ્વૈત સિદ્ધાંત હિન્દુ ધર્મનું હાર્દ છે. પુરાણોમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ રૂપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રિમૂર્તિની કલ્પના છે. ઉપનિષદમાં આ વાત ભારપૂર્વક કહી છે. શૈવ અને વૈષ્ણવ હિંદુ ધર્મના બે મુખ્ય પંથ છે. વિષ્ણુનાં અનંત રૂપમાંથી દસ અવતાર અને બીજી વિસ્તૃત નામાવલિ પ્રમાણે ચોવીસ અવતાર છે. અવતારનો હેતુ અધર્મનો નાશ અને ધર્મની સંસ્થાપના. અવતાર એ હિંદુ ધર્મની વિશિષ્ટતા છે. હિંદુ ધર્મમાં પૂર્ણ પ્રેમસ્વરૂપ ઈશ્વર ભક્તોનું રક્ષણ, પોષણ પ્રાકૃત શરીર ધારણ કરીને કરે છે એ સર્વસ્વીકૃત માન્યતા છે. હિંદુ ધર્મના ગ્રંથ ગીતામાં ભગવત્પ્રાપ્તિના સાધકોની યોગ્યતા અને રુચિને અનુલક્ષીને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ – એવા ત્રણ સાધનામાર્ગ કહ્યા છે. નૂતનયુગની કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓમાં આર્યસમાજ, થિયૉસૉફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન ઉપરાંત અરવિંદ ઘોષ તથા રમણ મહર્ષિની સાધના અને જે. કૃષ્ણમૂર્તિનો ઉલ્લેખ કરવો ઘટે. તેમાં હિંદુ ધર્મનું પુનરુજ્જીવન (renaissance) દર્શાવતી નૂતન તત્વવિચારણા છે.

જૈન ધર્મ : જેમ બ્રાહ્મણધર્મ વેદને પ્રમાણ માનતો તેમ ભારતનો બીજો ધર્મપ્રવાહ વેદનું પ્રામાણ્ય નહિ સ્વીકારનારો શ્રમણ-ધર્મ હતો. તે ત્યાગપ્રધાન છે. તેના કેન્દ્રમાં ગૃહત્યાગ છે જ્યારે બ્રાહ્મણ ધર્મ ગૃહસ્થને કેન્દ્રમાં રાખે છે. શ્રમણોમાં ઉન્નતિની ટોચે પહોંચેલ મનુષ્યની આરાધના (મહાવીરની) હતી. શ્રમણ-પરંપરામાં અનેક સંપ્રદાયો હતા. તેમાંનો એક જે ‘નિર્ગ્રંથ’ તે જ આજનો જૈન ધર્મ. રાગદ્વેષ પર વિજય મેળવનાર તે જિન અને તેના અનુયાયીઓ તે જૈન. કાળક્રમે મહાવીરના અનુયાયીઓ માટે તે શબ્દ વપરાતો થયો.

જૈન પરંપરા અનુસાર કાળચક્રના ઉન્નતિ અને અવનતિ – એવા બે વિભાગમાંથી પહેલામાં 24 તીર્થંકરો થયા. પહેલા તીર્થંકર ઋષભદેવ અને છેલ્લા મહાવીર (સમય ઈ. સ. પૂ. 539 અથવા 599). તેમને બેતાલીસ વર્ષે કેવલજ્ઞાન થયું. તેમને જૈન ધર્મના સ્થાપક માનવામાં આવે છે અને જૈન ધર્મનું શાસન તેમના નામે ચાલે છે. તેમની પહેલાંના પાર્શ્વનાથના અનુયાયીઓ મહાવીરના જૈન સંઘમાં દાખલ થયેલા. તીર્થ એટલે સંસાર – નદી તરવાનો આરો અને તેના બાંધનાર તે તીર્થંકર. મહાવીર સ્વામીના શિષ્યો તે ગણધર. મહાવીરશિષ્ય સુધર્માએ ઉપદેશના સૂત્રકૃતાંગ વગેરે ગ્રંથો રચી મહાવીરની વાણી સાચવેલી.

જૈન મત વિશ્વના લોક અને અલોક – એવા બે ભાગ માને છે. જગતનો રચનાર કોઈ ઈશ્વર નથી. તે અનાદિ છે. ઊર્ધ્વ, મધ્ય અને અધ:લોક છે. લોકમાં જીવાદિ પદાર્થ છે. અલોકમાં આકાશ છે. લોકમાં છ દ્રવ્યોમાં જીવ – ચેતન છે, બાકી બધાં અચેતન છે. જીવો અને પુદગલો અનંત છે. જીવ અને પુદગલને ગતિ કરવામાં સહાયક દ્રવ્ય તે ધર્મ અને તેમની સ્થિતિમાં સહાયક થાય તે દ્રવ્ય એટલે અધર્મ. સિદ્ધો અને તીર્થંકરોની પૂજા-આરાધના થાય છે.

સ્વભાવનું આવરણ કર્મ કરે છે તેથી જીવ પરાધીન છે. બાકી તેના સ્વભાવ છે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. કર્મને લીધે જુદી જુદી યોનિઓમાં શરીર ધારણ કરે છે. કર્મબંધથી મુક્ત થવા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો વડે કષાયોનો ક્ષય કરવો પડે છે. વીતરાગ અને કેવલી બન્યા પછી તીર્થંકર થવાય. આયુષ્ય પૂરું થતાં તે નિર્વાણ પામે છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી સ્વભાવકર્મની સાંકળ અનાદિ કાળથી ચાલી આવે છે. તેનો વિચ્છેદ કરી સર્વનાશ કરવો તે ધર્મનું કામ છે. કર્મબંધનું સાચું કારણ કષાયો છે.

જૈન ધર્મના તત્વજ્ઞાનમાં સ્યાદવાદ અને સપ્તભંગી નય મુખ્ય છે. દ્રવ્ય ધ્રુવ હોઈ તેના પર્યાયો બદલાયા કરે એમ વ્યાપક ભૂમિકા પર તેનું તત્વજ્ઞાન મંડાયેલું છે. અનેકાન્તવાદ એટલે સ્યાદવાદ અને અહિંસા જૈન ધર્મના સારરૂપ સિદ્ધાંતો છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર – એ ત્રણ રત્ન કહ્યાં છે. દર્શન એટલે તીર્થંકર ભગવાને ઉપદેશેલા ધર્મમાં શ્રદ્ધા. વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવું તે તત્વજ્ઞાન અને સારું વર્તન તે ચારિત્ર. તેના વિના આગળનાં બેનો કોઈ અર્થ નથી. રાગદ્વેષરહિત બની, જીવમાત્ર પ્રત્યે સમભાવ રાખી એકાંતમાં ચિંતન કરવું તે સામાયિક. પાપમાંથી પાછા ફરી શુભ તરફ ચાલવું તે પ્રતિક્રમણ. બાહ્ય આચરણને બદલે પારમાર્થિક ધર્મનો ઉપદેશ મહાવીરે કરેલો છે. શ્રમણનું જીવન અપનાવવું, તેમાં વૈરાગ્ય અનિવાર્ય છે. ગૃહસ્થ જીવનની જવાબદારી ક્રમશ: ઘટાડી શ્રમણ-જીવનની તૈયારી કરવી. અહિંસાના આચરણમાં જીવહિંસા ઓછામાં ઓછી થાય તેવો આગ્રહ રાખવો એ મુખ્ય ઉપદેશ છે.

જૈન ધર્મ સ્વપુરુષાર્થપ્રધાન ધર્મ છે. સાધનાના બળે મુક્તિ મેળવાય છે. તીર્થંકર વીતરાગ છે તેથી તેમની ભક્તિ કરી સ્વયં ભગવાન બનવું.

તેના શ્વેતાંબર ને દિગંબર એમ બે પંથ છે. મૂળ ભેદ સાધુઓ માટેનો હતો, પણ પાછળથી સમગ્ર અનુયાયીઓ માટે વપરાયો છે. જૈન ધર્મનું ભારતીય સંસ્કૃતિમાં આત્મવિકાસ અને આચારશુદ્ધિ પરત્વે વિશિષ્ટ પ્રદાન છે.

બૌદ્ધ ધર્મ : મહાવીર સ્વામીના જ સમયમાં ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકામાં ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મ પ્રવર્તાવ્યો. બુદ્ધ એટલે બોધ પામેલા, જાગેલા, જ્ઞાની – સિદ્ધાર્થ. ગૌતમ કુળનું નામ. મહાભિનિષ્ક્રમણ કરીને તપસ્યા કરી. તેથી તેમને જ્ઞાન થયું અને એ રીતે સિદ્ધાર્થ ગૌતમ 35મા વર્ષે બુદ્ધ (enlightened) થયા. લોકકલ્યાણ માટે પોતે શોધેલા દુ:ખમુક્તિના માર્ગનો ઉલ્લેખ એ તેમનો ઉપદેશ છે અને તે જ છે ધર્મચક્રપ્રવર્તન. બુદ્ધિને શરણે જવાનું–વ્યક્તિને નહિ. તે મધ્યમમાર્ગ છે. સંબોધિની પ્રાપ્તિ પછી આપેલા ઉપદેશનો સંગ્રહ ‘ત્રિપિટક’માં છે. તે લોકભાષા પાલિમાં અપાયેલો છે. વિનયપિટક, સુત્તપિટક અને અભિધમ્મ. પહેલામાં આચાર, બીજામાં ધર્મ અને ત્રીજામાં તત્વજ્ઞાન છે. બૌદ્ધ ધર્મનો સુત્તપિટકમાંથી સારનો ગ્રંથ તે ધમ્મપદ. બુદ્ધના પૂર્વ અવતારોની કથાઓ ‘જાતકમાલા’માં છે.

ઉપદેશ : કર્મથી ઊંચનીચ થવાય. દુ:ખ છે તે હકીકત છે. તેનો ઉપાય કરવો. વાદવિવાદથી કંઈ ન બને. સંસારમાં જરા, વ્યાધિ અને મરણ છે. વસ્તુમાત્ર ક્ષણિક અને દુ:ખરૂપ છે. તૃષ્ણામાંથી દુ:ખ જન્મે છે. અનાત્મવાદ ગ્રહણ કરવો. દુ:ખરહિત સ્થિતિ તે નિર્વાણ. આ માર્ગ મધ્યમ-પ્રતિપદા કે આર્ય અષ્ટાંગમાર્ગ કહેવાય છે.

સમ્યગ ર્દષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યગ વાક્ અને સમ્યક કર્મ, આર્ય સત્યો, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, માદક પદાર્થોનું સેવન ન કરવું, કવેળા ભોજન ન કરવું, માલા–અત્તરનો ઉપયોગ ન કરવો – નાચગાન ન જોવાં, સોનાચાંદીનો અસ્વીકાર અને કીમતી શય્યા કે આસનનો ત્યાગ – એ દશ શીલ. પહેલાં પાંચ પંચશીલ. સમ્યગ વ્યાયામ એટલે મૈત્રી, કરુણા જેવી સારી ભાવનાઓ જગાડવી અને ટકાવવી. સમ્યક સ્મૃતિ એટલે અપ્રમાદ. તે ચિત્તપ્રાસાદનો દ્વારપાળ છે. સમ્યક સમાધિ તે ચિત્તની એકાગ્રતા. તેનાથી પ્રજ્ઞાનો ઉદય થાય. ઉપરનાં આઠ એટલે અષ્ટાંગ માર્ગ. તેમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા આવે. પારિભાષિક નામો તે શીલ, શિક્ષા, પારમિતા અને ભાવના.

બૌદ્ધ ધર્મમાં પ્રતિપાદિત શીલ વિધેયાત્મક છે, નિષેધાત્મક નહિ. અહિંસા મુખ્યત્વે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાનો વિકાસ છે.

બુદ્ધ અનાત્મવાદી હોવાને કારણે નિત્ય, કૂટસ્થ એવા આત્મામાં માનતા નથી. પાંચ શાખાવાળું સંસારવૃક્ષ પ્રતિક્ષણ બદલાતું છતાં એનું એ જ પ્રતીત થાય છે. સંસ્કારચક્ર કાર્યકારણની સાંકળ છે. તેનો આધારસ્તંભ કર્મસિદ્ધાંત છે. બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં માને છે. વાસનારૂપ કર્મ તેનું કારણ છે. ચિત્તસંતતિનો જ પુનર્જન્મ થાય છે. કોઈ વેદન સિવાય માત્ર શાંતિ હોય તો ચિત્ત શુદ્ધ બની પુનર્જન્મ પામતું નથી. બુદ્ધના ધ્યાન દ્વારા ચિત્તને શુદ્ધ કરી પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે. બુદ્ધના નિર્વાણ પછી તેમની ભક્તિનો માર્ગ ખૂલ્યો. શુભચિત્ત તે બોધિચિત્ત, તેથી પૂજાની પરંપરા શરૂ  થઈ. પાપોની કબૂલાત અને તે ફરી ન કરવાનો સંકલ્પ. તે માટે બોધિસત્વને શરણે જવું. બુદ્ધની ઈશ્વર તરીકેની માન્યતા પૂરેપૂરી મહાયાન પંથમાં જ ખીલી. આ જગતનું આધારભૂત તત્વ ધર્મકાય એેટલે ધર્મરૂપી મહાશરીર. ભગવાનની પૂજા કરવાની રીત બ્રાહ્મણ અને જૈન ધર્મને મળતી છે.

બે મુખ્ય પંથ. નાનું યાન તે ત્રિપિટકમાં બતાવેલો ધર્મમાર્ગ. બીજા સંસ્કૃત ગ્રંથો ઉમેરાઈને જે યાન બન્યું તે મહાયાન. હીનયાનનો પ્રચાર સિંહલદ્વીપ (શ્રીલંકા), મ્યાનમાર અને સિયામ(થાઇલૅન્ડ)માં છે, જ્યારે મહાયાન નેપાળ, તિબેટ, ચીન, કોરિયા અને જાપાનમાં છે. બુદ્ધે ઈશ્વર અંગે કોઈ ઉપદેશ કર્યો નહોતો. મહાયાનમાં તેમને ઈશ્વર માની તેમના અનેક અવતારોની અને તેમના સ્વરૂપની ભક્તિ ઊભી થઈ. જાપાનમાં બૌદ્ધ સમાધિમાર્ગે ‘ઝેન’નું રૂપ ધારણ કર્યું છે.

શીખ ધર્મ : સં. शिष्य > શીખ. પાલિ – સિખ = પસંદ કરેલ, ભગવાનનો, ફારસી ખલીસહ>ખાલસા એટલે પાદશાહની પોતાની માલિકીનું. પરમ તત્વની ઓળખાણ કોઈ ગુરુ દ્વારા થાય માટે નિષ્ઠાવાન ગુરુ પાસેથી શિસ્તમય જીવનની દીક્ષા લઈ સદાચારી, સત્યનિષ્ઠ જીવન જીવવું એ આ ધર્મનો મધ્યવર્તી વિચાર.

સ્થાપના ઈસુની સોળમી સદીમાં. ગુરુ નાનકે (1469–1539) તેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મોનાં શુભ તત્વોનો સમન્વય કર્યો છે. તેમાં પણ આચારની શુદ્ધિનો ઉપદેશ છે – સત્ નામનો જપ કરવો. પંજાબની રાજકીય જુલ્મ, અજ્ઞાન, વહેમની અવસ્થામાં હિંદુ–મુસ્લિમ સૌને સમભાવપૂર્વક માર્ગદર્શન નાનકે આપ્યું. તેમના ઉપદેશને તેમની પછીના ગુરુઓએ પ્રજામાં ફેલાવ્યો. અર્જુનસિંહની શહીદી પછી એ નિર્ભય – નિર્વૈર પંથ બન્યો. ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ખાલસા પંથ સાથે તેનો વિકાસ પરિપૂર્ણ થયો.

નાનકની પછી ગુરુ અંગદે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી. નાનકનું ચરિત્ર લખાવ્યું. ‘ગુરુ કા લંગર’ની પ્રથા ચાલુ હતી તે વ્યવસ્થિત કરી.

ગુરુ રામદાસે અમૃતસર વસાવ્યું. તેમના પુત્ર અર્જુનદેવ ઉચ્ચ કક્ષાના કવિ, ભક્ત, જ્ઞાની, સંગઠનકારે સુવર્ણમંદિર બંધાવ્યું. ‘ગુરુ ગ્રંથસાહેબ’ અથવા ‘આદિગ્રંથ’નું સંકલન કર્યું અને તેમાં પોતાની પણ કેટલીક રચનાઓ ઉમેરી. શીખ ધર્મને અલગ દરજ્જો મળ્યો. ‘ગ્રંથસાહેબ’માંની ઇસ્લામી ધર્મ સાથે વિસંગત બાબતો રદ કરવાના જહાંગીરના હુકમના અનાદર બદલ અર્જુનસિંહ ‘શહીદોના સિરતાજ’ તરીકે ઓળખાયા.

જપમાળાને બદલે બે તલવાર રાખનાર ‘મીરીપીરીના માલિક’ તરીકે ઓળખાતા ગુરુ હરગોવિંદે ‘અકાલ તખ્ત’ બાંધ્યું. શાહજહાં સાથેની લડાઈઓ થઈ તેમાં શીખો જીત્યા. તેથી ગુરુ હરગોવિંદે બતાવેલ માર્ગમાં લોકોની શ્રદ્ધા ર્દઢ થઈ.

ફૂલને પણ નુકસાન થાય નહિ તેની કાળજી રાખનાર ગુરુ હરિરાય ગુરુ હરગોવિંદના પૌત્ર હતા. ઔરંગઝેબે શાહજહાંના પુત્ર દારાને ભોજનમાં ઝેર ખવડાવેલું તેની દવા દયાળુ હરિરાયે આપેલી અને દારા સાજો થયેલો.

ઔરંગઝેબની જાળમાં નહિ ફસાતાં દિલ્હીમાં થયેલ શીતળા અને કૉલેરાના ઉપદ્રવમાં પીડિતોની સેવા કરનાર હરિકિશનને ચેપ લાગતાં શીતળા નીકળ્યા. અંતસમયે ‘બાબા બકાલે’ કહીને નવમા ગુરુ તેગબહાદુરનો સંકેત આપેલો.

મૂળ નામ ત્યાગમૂલ, પણ કરતારપુરના યુદ્ધમાં મુગલ લશ્કર સામે પરાક્રમ દાખવવાથી પિતાએ ‘તેગબહાદુર’ નામ પાડેલું. લંગરમાં ભૂખ્યાંને ઘણું અન્ન મળતું તેથી પણ ‘દેગબહાદુર’ કહેવાયા. ગરીબોને મદદ કરતા એટલે ‘ટેકબહાદુર’ કહેવાયા. ઔરંગઝેબની ધર્માંધનીતિથી બચવા આત્મબલિદાન આપી કાશ્મીરી પંડિતો અને હિંદુ તથા શીખને ફરજિયાત ધર્મપરિવર્તનથી બચાવેલા તેથી ‘ધર્મની ચાદર’ કે ‘હિંદની ચાદર’ નામથી ‘તેગબહાદુર’ને યાદ કરવામાં આવે છે. તે તિલક, જનોઈ કે મૂર્તિપૂજામાં માનતા નહિ અને શીખ ધર્મ પણ માનતો નથી. તેમના અનેક ભક્તો મુસ્લિમ હતા.

દસમા ગુરુ ગોવિંદસિંહે વૈશાખીના મેળામાં ધર્મ માટે સર્વસ્વ ત્યાગનાર માણસના મસ્તકની માગણી કરતાં એક ક્ષત્રિય અને ચાર શૂદ્રોએ સંમતિ આપી તે ‘પંજ પ્યારે’ શક્તિશાળી સિંહ બન્યા અને ખાલસા પંથની સ્થાપના થઈ. ગુરુએ અમૃતપાન કરાવ્યું અને ગુરુએ શિષ્યો પાસેથી દીક્ષા લીધી. પછી બધા શીખ ‘સિંહ’ બન્યા અને સ્ત્રીઓ બધી ‘કૌર’ (સિંહણ) બની. દરેક શીખે પાંચ ‘ક’ રાખવાનું નક્કી થયું. ગુરુ ગોવિંદસિંહના તેજથી ઔરંગઝેબ ગભરાયો અને તેણે આનંદપુરને ઘેરો ઘાલ્યો. 45 શીખોએ લાખની મોગલ સેનાને હંફાવી. ગુરુએ ચાર પુત્રો અને માતાને ગુમાવ્યાં. તેમનાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને શૌર્યથી પ્રભાવિત થયેલા અનેક મુસ્લિમ ભક્તો પણ હતા. ગોદાવરીતટે નાંદેડમાં બે પઠાણોએ તેમની હત્યા કરી તે પહેલાં તેમણે ખાલસા પંથના ગુરુ તરીકે ‘ગુરુ ગ્રંથસાહેબ’ને જાહેર કર્યા.

ગુરુ ગ્રંથસાહેબ શીખ ધર્મનો મુખ્ય શાસ્ત્રગ્રંથ છે. તેમાં ગુરુઓનાં લખાણ, ભક્તો અને સંગીતકારોની રચનાઓ પણ છે. પ્રભાતમાં જે પાનું ખોલે અને શબ્દ વાંચવામાં આવે તે દિવસની આજ્ઞા શીખો માને છે. શીખ ધર્મના તાત્વિક સિદ્ધાંતોમાં ઈશ્વર એક, અવિનાશી અને સ્વયંભૂ છે અને ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે, મનુષ્યયોનિ શ્રેષ્ઠ છે, મુક્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો વગેરે છે. શીખ ધર્મ પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતમાં માને છે. સદગુરુનો મહિમા હોવાથી તે ‘ગુરુમત’ કહેવાય છે. ‘દશમ ગ્રંથ’ અને ‘જપજી’ નામના બીજા બે ગ્રંથો પણ મહત્વના છે.

શીખ ધર્મ નૈતિક સિદ્ધાંતો પર ખૂબ ભાર મૂકે છે. પ્રામાણિકતા, પરિશ્રમ, દાન, સત્યવચન અને ઈશ્વરસ્મરણને મહત્વ આપેલું છે.

ભક્તિમાં પ્રેમનું પ્રાધાન્ય છે. જપ અને સ્મરણ માટે ‘વાહેગુરુ’ નામ પ્રચલિત છે. શીખભક્તિની પરાકાષ્ઠા તે ‘વિસ્માદાદિ અવસ્થા’ એટલે ભાવસમાધિ. સાધુસંગત અને સત્સંગ આધ્યાત્મિક ઉન્નતિનાં સાધનો છે અને વૈરાગ્યભાવનાથી ગૃહસ્થી જીવન જીવવાનો આદેશ છે. શીખ ધર્મની વિશિષ્ટતા એટલે નમ્રતા, નિર્ભયતા, બલિદાન અને સેવા.

જરથોસ્તી ધર્મ : ઈરાનથી આવી હિંદુસ્તાનમાં વસેલી પારસી પ્રજાનો ધર્મ. તેના સ્થાપક અષો (પવિત્ર) જરથુષ્ટ્ર. તેમણે એકેશ્વરવાદનું સમર્થન કર્યું. ધર્મ અને સારાં કર્મને બળ આપ્યું અને ખરાબ કર્મને નાબૂદ કરવા ઉપદેશ આપ્યો. મિથ્યાક્રિયા અને પશુહત્યાનો વિરોધ કર્યો.

આ ધર્મનાં પુસ્તકો અવેસ્તા, પહેલવી, પાજંદ અને ફારસી – એ ચાર ભાષાઓમાં છે. ઝંદ અવેસ્તામાં યજશ્નેમાં એક ભાગ ‘ગાથા’ છે તે જરથુષ્ટ્રરચિત છે. તે પવિત્ર અને આદરપાત્ર મનાય છે.

તેમણે નૈતિક જીવન અને પવિત્રતા પર ભાર મૂક્યો છે. સત્યથી આબાદી વધે. પ્રત્યેક કર્મમાં અને ખાસ કરીને બીજાને માટે કરેલાં કર્મમાં આનંદ છે. પુરુષાર્થ, સ્વચ્છતા, ભક્તિભાવના વગેરેથી ઈશ્વર સાથે સંબંધ બંધાય છે એમ તેમનો ઉપદેશ છે. તે ધર્મમાં અગ્નિનું મહત્વ છે. તેમાં પ્રકાશ છે. તે વસ્તુઓને પવિત્ર કરે છે. ઘરમાં તેની પૂજા થાય છે. તેમાં સંન્યાસ કે નિવૃત્તિમાર્ગનો ઉપદેશ નથી. ગૃહસ્થજીવન પરિશ્રમ અને નીતિથી જિવાય એટલે સંસારમાં છતાં આસક્તિ વિનાના બનવાનો ઉપદેશ છે. ઈશ્વરે મનુષ્યોને સારા બનવા મોકલ્યા છે એમ જરથુષ્ટ્ર કહે છે. જરથોસ્તી ધર્મમાં પુનર્જન્મની માન્યતા નથી, પણ મરણોત્તર અવસ્થાનો ખ્યાલ છે. કર્મ પ્રમાણે સ્વર્ગ કે નરકમાં જવાનું થાય છે; પણ તે કાયમનાં નથી. નવસર્જન સમયે પાપીને પણ મુક્તિ મળે છે.

સ્ત્રી કે પુરુષ સર્વ માટે કસ્તી (કમરપટો) પહેરવાનો ધાર્મિક રિવાજ છે. ખોરદાદ સાલ, પતેતી, જમશેદી નવરોઝ વગેરે તહેવારોએ પવિત્ર કાર્યો કરવાનાં હોય છે.

યહૂદી ધર્મ : આ ધર્મનો પાયો ‘તોરાહ’ એટલે કાયદો, ઉપદેશ છે. તે સિનાઈ પર્વત પર મોશે પયગંબરને મળેલો અને પાંચ ગ્રંથોમાં સંગૃહીત છે. મોશે પછી જોશુઆ, એઝરા જેવા ઈશ્વરના ઉપદેશના ઉદગાતા અને રાબ્બી જેવા વ્યાખ્યાતા થયેલા. રાબ્બી જુડાહે તોરાહને ગ્રંથસ્થ અને વ્યવસ્થિત કર્યો તે ‘મિનશાહ’ એટલે પુનરાવર્તન. ઈ. સ. 220ની આ રચનામાં યહૂદી ધર્મના ઉત્સવો, વ્રતો, પ્રાર્થના, લગ્નના કાયદા, ગરીબો, દાસ-દાસીના અધિકારો, તોલમાપના કાયદા વગેરે ઝીણી વિગતો આપેલી છે. તે હિંદુઓના ધર્મશાસ્ત્ર જેવું જ છે. પૅલેસ્ટાઇન અને બૅબિલોનની અકાદમીઓમાં ઝીણવટપૂર્વક અભ્યાસ થતાં તેનું સાહિત્ય વિપુલ થયું. તેનું થયેલું સ્વતંત્ર સંકલન ‘તાલમૂદ’ રાબ્બી આશેએ કર્યું. તેનો વિષય કૌટુંબિક અને સામાજિક કાયદાઓ છે.

યહૂદી ધર્મનો મુખ્ય ગ્રંથ ‘જૂનો કરાર’ કે હિબ્રૂ બાઇબલ છે, જેમાં મોશેના ગ્રંથો ઉપરાંત બીજા ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમાં યહૂદી પ્રજાનો ઇતિહાસ, કાવ્યાત્મક વચનો મળે છે, પણ તત્ત્વમીમાંસા જેવું કશું નથી.

યહૂદી ધર્મ એકેશ્વરવાદમાં માને છે. ઈશ્વર પવિત્ર અને સર્વગુણસંપન્ન છે, સર્વજ્ઞ અને સર્વશક્તિશાળી છે. તેની ઇચ્છા મુજબ બધું બને છે. ઈશ્વર નિરાકાર છે. પયગંબરો ઈશ્વરના આદેશના ઉદગાતા છે, પણ ઈશ્વરના અવતાર નથી. માનવી ઈશ્વરનું સર્જન છે અને તેથી તેણે ઈશ્વરના જેવા થવું જોઈએ. મૂર્તિપૂજાનો કડક નિષેધ છે. ઈશ્વરનો આદેશ પવિત્રતાનો છે. તે આપણને ખરાબ કૃત્ય માટે દંડ આપે છે. તે પોતાનાં સંતાનો પ્રત્યે ખૂબ જ દયાળુ છે. મસીહા (તારણહાર) જન્મ લેશે એ ખ્યાલ યહૂદીઓને આશ્વાસન આપે છે. ન્યાયયુક્ત આદર્શ જીવન પર તેમણે ભાર મૂકેલો છે.

યહૂદી પ્રજાના જીવનમાં ઐતિહાસિક પરિસ્થિતિ અનુસાર પરિવર્તનો થયેલાં છે. તે પ્રજાએ ધર્મપરિવર્તનને ક્યારેય ઉત્તેજન નથી આપ્યું. ઈ. સ. 70માં મંદિરનો નાશ કરવામાં આવ્યો પછી પશુની આહુતિ અપાતી બંધ થઈ. પ્રાર્થનાગૃહમાં પ્રાર્થના, શાસ્ત્રગ્રંથનો અભ્યાસ અને સામાજિક પ્રશ્નોની ચર્ચા થતી અને એ રીતે યહૂદીઓને સંગઠિત રાખવામાં ધર્મસ્થાનોએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સામૂહિક કલ્યાણ માટે પ્રાર્થના છે. પયગંબરને ઈશ્વરે આપેલી દસ આજ્ઞા પ્રમાણે નીતિમય જીવન જીવવાનું; શબ્બાથ એટલે વિશ્રામદિન અઠવાડિયે પાળવો; ઈશ્વર અને મનુષ્યો વચ્ચે ગાઢ સંબંધ છે; પાપી વૃત્તિ દાબીને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય; તે પ્રાર્થના વગેરેથી સિદ્ધ થઈ શકે એવું તેમનું પ્રતિપાદન છે.

ખ્રિસ્તી ધર્મ : યહૂદી માતાપિતાના પુત્ર ઈસુએ આ ધર્મ પ્રવર્તાવેલો. ઈસુ તારણહાર છે એવો જેને ર્દઢ વિશ્વાસ હોય તે ખ્રિસ્તી. તેને માટે ‘વિશ્વાસી’ શબ્દ પણ વપરાય છે. જે સમયે યહૂદી ધર્મમાં જડતા, કર્મકાંડનો આડંબર અને ધર્મના વડાઓની જોહુકમીથી લોકોને સહન કરવું પડતું ત્યારે યહૂદીઓ મસીહાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે વખતે બે વિભૂતિઓનો પ્રાદુર્ભાવ થયો. તેમાં જૉન ધ બૅપ્ટિસ્ટ તરીકે જાણીતા બનેલા યોહાને આગાહી કરેલી કે પ્રભુનું સામ્રાજ્ય આવવાનો સમય આવી ગયો છે અને મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવી રહ્યો છે.

યોહાન પછી થયેલી બીજી વિભૂતિ તે યૉસેફ અને મેરીના પુત્ર ઈસુ. તેમણે બાર વર્ષની ઉંમરે ધર્મગુરુ સાથે ધાર્મિક ચર્ચાઓ કરેલી અને ત્રીસ વર્ષની ઉંમરે યોહાન પાસેથી દીક્ષા ગ્રહણ કરેલી. ચાલીસ દિવસ સુધી જંગલમાં ભૂખ્યાતરસ્યા રહીને પ્રભુનું ધ્યાન ધરતાં બોધ થયેલો, પછી લોકોને ઉપદેશ આપતા. તેમનાથી પ્રભાવિત થયેલો લોકસમૂહ એટલો વિશાળ થયેલો કે તેમને ગિરિ પરથી પ્રવચનો કરવાં પડેલાં. યહૂદી ધર્મની દસ આજ્ઞાઓને તેમણે વ્યાપક અર્થ આપ્યો, અને બાર શિષ્યોનું મંડળ સ્થાપ્યું. યહૂદી ધર્મગુરુઓએ તેમના પર રાજદ્રોહનો આરોપ મૂક્યો. પોતે ઈશ્વરના પુત્ર હોવાનું કબૂલતાં તેમને વધસ્તંભ પર ચઢાવ્યા ત્યારે તેમણે શાંતિથી કહેલું કે ‘હે પ્રભુ! તારી ઇચ્છા થજો, મારી નહિ….. તેઓ શું કરે છે તેની એમને ખબર નથી. તેમને ક્ષમા કરો.’ ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર તેમને કબરમાં દાટ્યા પછી ત્રીજે દિવસે ઈસુનું પુનરુત્થાન (resurrection) થયું અને તેમણે પોતાનો સંદેશ જગતભરમાં પહોંચાડવાનો આદેશ આપ્યો.

ખ્રિસ્તી ધર્મનો શાસ્ત્રગ્રંથ બાઇબલ છે. તેના બે ભાગ છે તે હિબ્રૂ ભાષામાં લખાયેલ ‘જૂનો કરાર’ અને ગ્રીક ભાષામાં લખાયેલ ‘નવો કરાર’. બીજો ભાગ યહૂદીઓને માન્ય નથી.

ખ્રિસ્તી ધર્મ ઈશ્વરને કડક ન્યાયાધીશ અને કોમળ પિતા માને છે. પસ્તાવો કરે તેના પર એ કૃપા વરસાવે. ઈસુના ઉપદેશમાં એકેશ્વરવાદ હતો, પણ પાછળથી ત્રિમૂર્તિ(trinity)નો સિદ્ધાંત દાખલ થતાં ઈશ્વરનાં પિતા, પુત્ર અને પવિત્ર આત્મા જેવાં ત્રણ સ્વરૂપ પ્રચલિત થયાં. પોતાની પ્રતિમા સમાં સ્ત્રી-પુરુષે શેતાનની શિખામણથી ફળ ખાધું અને તેમનું પતન થયું. ખ્રિસ્તી ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત નથી, પણ ન્યાયના દિવસે મરેલાં સજીવન થઈ અનંત કાળ સુધી જીવે છે. કર્મ પ્રમાણે ફળ મળે છે. પોતાની સ્વતંત્ર ઇચ્છાનો દુરુપયોગ કરી લોકો પાપ કરે છે. ઈશ્વરની કૃપા માટે પ્રાર્થના કરી, જનસેવા કરીને અનંત જીવન પ્રાપ્ત થઈ શકે છે. ખૂન, ક્રોધ, વ્યભિચાર, લીધેલા સોગનનો ભંગ, વેર, દ્વેષ, ધર્મકાર્યોની જાહેરાત, પરિગ્રહ વગેરેથી બચવાનો ઉપદેશ છે.

મતભેદોને કારણે ખ્રિસ્તી ધર્મમાં ઘણા પંથો પડેલા છે તેમાં કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ મુખ્ય છે. બંનેને મૂળભૂત સિદ્ધાંતો માન્ય છે. રોમન કૅથલિક પંથ સાત ધાર્મિક સંસ્કારો દ્વારા ચર્ચજગતમાં પ્રભુની કૃપા વહેંચે છે.

ધર્મ અને ચર્ચના વડાની સત્તા અબાધિત બનતાં ધર્મસુધારણા આવી. માર્ટિન લ્યૂથરે પોપના દાવાઓનું ખંડન કર્યું અને પાપથી બચવા અંત:કરણપૂર્વક પસ્તાવાનો માર્ગ દર્શાવ્યો અને ખ્રિસ્તી ધર્મને દુરાચારમાંથી બચાવ્યો. લ્યૂથર પછી પણ અન્ય વિચારકોએ સુધારા કરતાં ઘણા પેટા-પંથો ઊભા થયા. તેમાં કેવળ ચારિત્ર્ય પર ભાર મૂકતા પ્યૂરિટન પંથે નૈતિક જીવન અંગે મોટું પ્રદાન કર્યું. મિશનરી સંસ્થાઓએ ધર્મપ્રચાર અને ધર્મપરિવર્તન સાથે લોકકલ્યાણ અને વિદ્યાપ્રસારનાં કાર્યો કર્યાં.

ઇસ્લામ ધર્મ : આ ધર્મનો ઉદભવ અરબસ્તાનમાં થયેલો. ત્યાંના અનેક કબીલાઓ વચ્ચે વેરઝેર, ખૂનખરાબી ઉપરાંત અનેક દેવોની માન્યતા તથા અંધશ્રદ્ધાનું જોર હતું ત્યારે સન 571માં મક્કા શહેરમાં મહંમદ પયગંબરનો જન્મ થયેલો. ઈ. સ. 610માં ખુદાના ફરિશ્તા જિબ્રાઇલે ખુદાની વહી (સંદેશ) આપી કે ખુદાએ તમને પયગંબર તરીકે મોકલ્યા હોવાની જાહેરાત કરવી. પોતે ખુદાના રસૂલ હોવાનું તેમણે જાહેર કર્યું. લોકોને સાચું બોલવા, પવિત્ર જીવન જીવવાનો આદેશ આપ્યો. લોકો પર તેમના ઉપદેશની સારી છાપ પડી અને મદીનાના લોકોએ તેમનું નેતૃત્વ સ્વીકાર્યું. મક્કાવાસીઓ સાથે ધર્મયુદ્ધ કર્યું. એક લાખ ચાલીસ હજાર માણસો સાથે કાબાની હજ પઢવા છેલ્લી વાર મક્કા આવ્યા. એક જાતિ, એક રાજ્ય, એક ધર્મ સ્થાપવાનું સદભાગ્ય તેમને મળ્યું.

ઇસ્લામ ધર્મનો શાસ્ત્રગ્રંથ કુરાન છે. મુસ્લિમો તેને ‘કુરાને શરીફ’ કહે છે, કારણ તેના પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને આદર છે. નીતિના સિદ્ધાંતો, માનવ માનવ વચ્ચેના પ્રેમભર્યા સંબંધો અને ઇસ્લામી દેશોને કાયદા ઘડવામાં મદદરૂપ થઈ શકે તેવી સામગ્રી આ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે.

ઇસ્લામ ધર્મમાં એક જ ઈશ્વરનો સિદ્ધાંત, ખુદાના ફરિશ્તા, ખુદાના ગ્રંથો, ખુદાના પયગંબર અને મૃત્યુ પછીના જીવનની સત્યતા – એ પાંચ ઈમાન (શ્રદ્ધા) પાયા રૂપ છે. કલમો, નમાજ, જકાત, રોજા અને હજ – એ પાંચ પવિત્ર કાર્યોને ધર્માચરણ કહેલ છે. ભોગવિલાસ, મોટાઈની મહત્ત્વાકાંક્ષા ત્યજી સર્વની સમાનતા પર ભાર મુકાય છે. કુરાનમાં સ્થળે સ્થળે નમ્રતા, સત્ય, ન્યાય, જીવદયા, સહનશીલતા અને ક્ષમાનો ઉપદેશ છે. ધર્મયુદ્ધની ભલામણ પણ છે. તેથી ધર્મરક્ષા માટે ઝનૂન અને પ્રાણાર્પણ મુસલમાનોમાં જોવા મળે છે. તેમનામાં શિયા અને સુન્ની – એવા બે પંથ છે. પયગંબરના બતાવેલ માર્ગે ચાલનાર તે સુન્ની અને મહંમદ પયગંબર પછી તેમના વારસના વિવાદમાંથી ઉદભવેલ તે શિયા. બંને વચ્ચે સિદ્ધાંતભેદ ભાગ્યે જ હતો. પાછળથી શિયાઓની વિશિષ્ટ માન્યતાઓ ઉદભવી.

કૉન્ફ્યૂશિયસ ધર્મ : આ ધર્મની સ્થાપના ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકામાં ચીનમાં થયેલી. ચીની પ્રજા જેમને ‘કુંગ ફુત્ઝે’ (ગુરુવર્ય કુંગ) તરીકે યાદ કરતી રહી છે તે કૉન્ફ્યૂશિયસ ચીનની ઐતિહાસિક પરંપરાના પ્રખર અભ્યાસી હતા. સાહિત્ય, સંગીત, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર જેવા વિષયોની જંગમ વિદ્યાપીઠરૂપ તેઓ હતા. લોકો સુશિક્ષિત અને નૈતિક જીવન જીવતા હોય તો ન ગુનો કરે, ન ન્યાયાસન આગળ ઊભા રહેવું પડે કે ન તો તેમને શિક્ષા કરવી પડે એ એમનો ઉપદેશ હતો. પોતે સંનિષ્ઠ સરકારી અમલદાર હતા. તેમણે ચીનની સાંસ્કૃતિક પરંપરા સંબંધી પાંચ પ્રશિષ્ટ ગ્રંથોનું સંકલન કરી સંપાદન કર્યું. તેમના અવસાન પછી તેમના શિષ્યોએ તેમના વિચારો પ્રજામાં પ્રસારિત કર્યા.

કૉન્ફ્યૂશિયસના મતે રાજા-પ્રજા, પિતા-પુત્ર, પતિ-પત્ની, અગ્રજ-અનુજ અને મિત્ર-મિત્ર એ પાંચ સંબંધોમાં પરોપકાર, વફાદારી, ઔચિત્ય, આજ્ઞાપાલન, સૌજન્ય વગેરે નૈતિક જીવનના મહત્વના અંશો રહેલા છે. વ્યવહારમાં સ્વમાન, ઉદારતા, નિખાલસતા, ગંભીરતા અને પરોપકાર – એ સદગુણો જાળવવા તે અનુરોધ કરતા. એમનો ધર્મ માનવતાવાદી  છે. તેમણે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું છે અને પૂજાનો પણ સ્વીકાર કર્યો છે. યજ્ઞો, વિધિઓ, ભજનકીર્તન વગેરેમાં તેમણે હૃદયની ભક્તિ અને પ્રેમભાવના ઉપર ભાર મૂકેલો છે. પોતાની ઓળખ કૉન્ફ્યૂશિયસ સાધારણ માનવી તરીકે આપતા; પરંતુ શિષ્યોએ તેમનાં પૂજા-ભક્તિ શરૂ કરેલાં, ચીનનો રાજા પણ તેમાં જોડાતો.

તેમના સમયમાં ચીનમાં અરાજકતા હતી. કૉન્ફ્યૂશિયસે સૂઝ અને કુશળતાથી અનેક રીતે સમાજનો ઉદ્ધાર કર્યો. તેમણે કહ્યું કે સર્વસત્તાનું મૂળ ઈશ્વરના શાસનમાં છે. શહેનશાહ ‘ચાઉ’ને રાજકીય અને ધાર્મિક વડો ગણાવ્યો. સાદા, સરળ અને પ્રેમપૂર્ણ જીવનનો ઉપદેશ આપી તેમણે પ્રજામાં શિસ્ત આણી.

ઈ. સ.ના તેરમા સૈકામાં નવ્ય-કૉન્ફ્યૂશિયસવાદ ઊભો થયો. જગતની ઉત્પત્તિ ‘યિન્’ એ નકારાત્મક અને ‘યાંગ’ એ હકારાત્મક એવાં બે તત્વોથી થયેલી છે એવું સ્વીકાર્યું. માનવ સ્વભાવથી દૈવી સંપત્તિ ધરાવે છે અને તેથી બધા મનુષ્યો સમાન હોવાનું એ ધર્મમાં સ્વીકારાયેલું છે, જડતત્વ ‘ચિ’ને અનિષ્ટોનું મૂળ કહ્યું છે. પણ તેનાથી જગતની રચના થઈ હોઈ અનિવાર્ય છે. ઇતિહાસની સમજ, સાચું શિક્ષણ અને સંતોનું માર્ગદર્શન મળે તો માનવ સારો થઈ શકે એમ તેમનો ઉપદેશ છે.

તાઓ ધર્મ : આ ધર્મ પણ ચીનમાં છે. તાઓ એટલે ‘રસ્તો’, ‘માર્ગદર્શક’ એ અર્થમાં પ્રકૃતિમાં એ તેના ગૂઢ સર્જકને સૂચવનાર છે. રહસ્યવાદી મહાત્મા લાઓત્સુ આ સંપ્રદાયના સ્થાપક છે. તાયેન તાઓ એટલે ઈશનો માર્ગ. વેદમાં ऋत કે ઉપનિષદમાં ब्रह्म જે અર્થમાં છે તે જ અર્થમાં તાઓ વપરાય છે, જેમાંથી બધા પદાર્થો ઉત્પન્ન થાય છે, તેમના સ્વરૂપમાં રહે છે તેમજ જેમાં લય પામે છે તે મૂળ કારણ એટલે ‘તાઓ’. બધી કૃત્રિમતા છોડી પોતાના સ્વરૂપમાં પાછા ફરવું એ સ્વરૂપસિદ્ધિનો માર્ગ છે.

લાઓત્સુ મહાત્માનું મૂળ નામ ‘લિ’ હતું. તેનો અર્થ થાય છે પ્રાચીન ગુરુ. કૉન્ફ્યૂશિયસે સમાજસુધારણા માટે તેમની પાસે માર્ગદર્શન માગ્યું હતું. ત્યારે તેમણે આંતરિક શુદ્ધિ પર ભાર મૂકેલો. લાઓત્સુને પરમ ગૂઢ તત્વ તાઓની સાક્ષાત્ અનુભૂતિ થઈ હતી. જ્યારે શહેનશાહ ચાઉની પડતી થતી હતી ત્યારે તેમણે દફતરદાર તરીકે નોકરી છોડી દીધેલી. તેમના પુસ્તક ‘તાઓ-તે-ચિંગ’માં પરમ તત્વની અનિર્વચનીયતાની ચર્ચા અને ર્દષ્ટાંતકથાઓ દ્વારા તેની સમજ આપી છે. ‘જે જાણે છે તે બોલતો નથી અને બોલે છે તે જાણતો નથી’ જેવી શૈલી ઉપનિષદો અને બુદ્ધનું સ્મરણ કરાવે તેવી છે. તાઓને પ્રાપ્ત કરવા ચિત્તને શાંત બનાવવું જરૂરી છે. અંદરથી ખાલી થયા પછી જ મનુષ્યને તાઓનો સાક્ષાત્કાર થાય છે અને જીવન તથા મૃત્યુના પરિવર્તનથી તે અલિપ્ત રહે છે. તેવા સિદ્ધનું જીવન બાહ્ય ઘટનાઓથી અલિપ્ત રહે છે. તેને માત્ર આનંદની અનુભૂતિ થાય છે.

લાઓત્સુ ર્દઢપણે માનતા કે મહાન બનવું હોય તો નમ્ર અને નિરભિમાની થવું. કોઈ પણ દખલ સિવાય કુદરતી શક્તિને પોતાની રીતે કામ કરવા દેવું. બાહ્ય નિયંત્રણો અને ઉપદેશોનો ઉપયોગ કરી પછી તેનાથી પણ મુક્ત થવું. આ નૈષ્કર્મ્યનો સિદ્ધાંત છે. પાછળથી તેનો અર્થ નિષ્ક્રિયતા એટલે આળસ અને ચાલે છે તેમ ચાલવા દેવું એવો થતાં આ ધર્મમાર્ગમાં સડો પેઠો.

લાઓત્સુએ સગુણ પરમ તત્વનો નિર્દેશ કર્યો નથી છતાં જેમ બુદ્ધની પૂજા પાછળથી શરૂ થઈ તેમ લાઓત્સુની પણ ભક્તિ શરૂ થઈ. તે ભગવાન તરીકે ઈ. સ. પૂ. 156થી મનાવા લાગ્યા. અને એમના અનેક અવતારોની વાત પણ પ્રચલિત બની. મો–તિ કે મોત્ઝેએ ભક્તિનું તત્વ ઉમેર્યું અને પ્રચલિત સદગુણો સાથે વૈશ્વિક પ્રેમના સદગુણોનો પણ ઉમેરો કર્યો. સ્વર્ગની ઇચ્છાને અનુસરવું એટલે સર્વજનોને સર્વ રીતે ચાહવાનો પ્રેમ. તેને ‘ઝેન’ કહે છે અને તેનાથી અનિષ્ટોનો અંત આવે છે.

તાઓ ધર્મમાં વૈરાગ્યભાવનાનું મહત્વ છે. જે કરો તે સહજ રીતે કરો અને નિર્દોષ રહો. રાજ્ય માટે પણ આ જ ઉપદેશ છે.

આ ધર્મના તાત્વિક સિદ્ધાંતોમાં વિશ્વનું આદિ કારણ, સંચાલક બળ અને ઉપાદાન કારણ પણ તાઓએ તત્વને ગણાવ્યું છે. પ્રકૃતિના પદાર્થો અને ઘટનાઓ બધું પરસ્પર સંકળાયેલું છે. આ અનંત શૃંખલામાં તે એટલે પ્રભાવ કે શક્તિ એકથી બીજામાં સંક્રાંત થાય છે. શહેનશાહ અને તેના અધિકારીઓમાં પણ તે જ શક્તિ છે.

મનુષ્યશરીર સાથે બે આત્મા જોડાયેલા છે તે આધ્યાત્મિક અને પાર્થિવ. મૃત્યુ થતાં આધ્યાત્મિક આત્મા આકાશમાં ચાલ્યો જાય છે અને પાર્થિવ આત્મા મૃતદેહ પંચ મહાભૂતોમાં ભળી જાય ત્યાં સુધી દેહ સાથે કબરમાં રહે છે.

નિષ્ક્રિયતાના સિદ્ધાંતોની ગેરસમજને કારણે કેટલાંક જૂથોએ અમરત્વ પ્રાપ્ત કરવા જાદુ અને ઔષધિઓના બનાવેલ કાઢાઓના પ્રયોગ કર્યા. આ ધર્મની અસર બૌદ્ધ ધર્મ પર પણ થયેલી અને બૌદ્ધો ચીનમાં ગયા ત્યારે તાઓધર્મીઓએ એમને સત્કારેલા. તાઓધર્મીઓએ પણ બૌદ્ધ ધર્મની અસરથી કર્મફળ પ્રમાણે સ્વર્ગ કે નરક ભોગવવું પડે અને પાપકર્મથી આયુષ્ય ઘટી જાય વગેરે વિચારો દાખલ કરેલા.

શિન્તો ધર્મ : શિન્તો જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ છે. એ શબ્દ મૂળ ચીની ભાષાનો છે. જાપાની નામ ‘કમી-નો-મીચી’ એટલે દેવોનો માર્ગ. ‘શિન્તો’ નામ જાપાનના ધર્મને ઈ. પૂ. છઠ્ઠા સૈકામાં લગાડાયું. જાપાનમાં ઈ. સ. 600થી તાઓ ધર્મ અને બૌદ્ધ ધર્મનો પ્રવેશ થયો. કૉન્ફ્યૂશિયસ ધર્મની અસર પણ શિન્તો પર જોવા મળે છે. છતાં શિન્તો જાપાની પ્રજાનો ધર્મ છે અને વિશિષ્ટ અર્થમાં જાપાનનો રાષ્ટ્રધર્મ છે.

‘કમી’નો અર્થ દેવ, ઈશ્વર, આત્મા એવો કરવામાં આવે છે પણ તેમાં અદભુત કે દૈવતવાળી બધી શક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે; તેથી દેવ, રાજા, ભૂતપ્રેત, સિંહ, પહાડ વગેરેની પૂજાનો તેમાં ભાવ છે.

શિન્તો ધર્મના બે વર્ગ થયા છે. એક સાંપ્રદાયિક અને બીજો રાષ્ટ્રીય શિન્તો. પ્રથમ કક્ષાના પ્રાકૃતિક શિન્તોમાં કુદરત, પ્રતીક, પ્રેત, પિતૃ, પ્રાણી પૂજાતાં. તે સાદો એકેશ્વરવાદ હતો. ‘કોજિકી’ નામનું મોટું પુરાણ છે. તેમાં જાપાનનો ઇતિહાસ પણ આવે છે. જાપાનના મિકાડો (રાજા) સૂર્યદેવીના વંશજો મનાતા. આથી રાષ્ટ્રભક્તિ ધર્મનું અંગ બની ગયેલ છે.

દેવદેવીઓની પૂજામાંથી ક્રમશ: સાંસ્કૃતિક વિકાસ થતાં બૌદ્ધિક અને નૈતિક સદાચારનાં તત્વો ઉમેરાયાં. પરિણામે માનવહત્યા અને પશુહત્યા ઓછી થઈ. દેવીના મંદિરમાં રાખેલું આઠ ખૂણાવાળું દર્પણ ડહાપણ અને જ્ઞાનનું પ્રતીક બન્યું. તલવાર ધૈર્ય અને હિંમતનું અને મોતીની માળા પરોપકારનું પ્રતીક ગણાવા લાગ્યું. ચીની અને જાપાની પ્રજાના તે સદગુણો ગણાય છે.

દેવીની સર્વવ્યાપકતાનો સ્વીકાર થતાં સર્વત્ર એક જ શક્તિ વ્યાપ્ત હોવાનું તત્વચિંતન શરૂ થયું. જાપાનની દૈવી ઉત્પત્તિ થયેલી હોવાનું પ્રજા માને છે.

શિન્તો ધર્મના શાસ્ત્રગ્રંથો તે જાપાનનો પ્રાચીન ઇતિહાસ જેમાં છે તે ‘કોજિકી’; ઐતિહાસિક કથાઓનો સંગ્રહ તે ‘નિહૉન્-ગી’; ક્રિયાકાંડના નિયમો જેમાં છે તે ‘એન્ગી-શિકી’; પ્રાચીન કથાઓનું ચયન તે ‘કોગોશુઈ’; અને પાત્રોનો સંગ્રહ ‘મેનિઓ-શિઉ’. પાંચમાથી આઠમા શતકમાંનાં કાવ્યો તેમાં છે.

શિન્તો ધર્મમાં પવિત્રતા અને વફાદારીના નિયમોના પાલનનો ખાસ આગ્રહ રખાયો છે. મન, વચન અને કર્મથી પવિત્ર રહેવાથી દેવો સાથે સાયુજ્ય સાધી શકાય છે. તેમાં પ્રામાણિકતા, વફાદારી, સહનશીલતા, કૃતજ્ઞતા, આજ્ઞાંકિતતા, કર્તવ્યનિષ્ઠા વગેરે સદગુણો ઉમેરાતા ગયા.

રાષ્ટ્ર અને રાજા પ્રત્યે ઊંડો આદર અને વફાદારી જાપાનની પ્રજાના લોહીમાં છે. રાજ્યબંધારણમાં પણ તેનો સ્વીકાર કરાયેલો છે. શાસ્ત્રગ્રંથ ‘એંગી-શિકી’માંની પચીસ પ્રાર્થનાઓ દેવો પ્રત્યેની ભક્તિ-ભાવનાની છે. તેમાં મોટે ભાગે ઐહિક સુખની માગણી કરેલી છે.

જાપાનમાં ઇસે નામના સ્થળે આવેલા સૂર્યદેવી અમતેરસુના મંદિરમાં દર વર્ષે પ્રજા અને રાજા પૂજા કરે છે. ત્યાંના દર્પણમાં દેવીનો જ આત્મા વસેલો હોવાનું મનાય છે. અન્ય મંદિરોમાં પણ શિન્તો ધર્મની પૂજા થાય છે. ઉપરાંત, મિકાડોના જન્મદિવસે પવિત્ર ઉત્સવ મનાય છે અને રાષ્ટ્રપ્રેમ સચવાય તે સારુ રાજાના ચિત્રને પણ નમસ્કાર કરવામાં આવે છે.

‘કિનેન-સાઈ’ અને ‘શિન-જો-સાઈ’ નામના બે ઉત્સવો ઊજવી પ્રજા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. વીરપુરુષોનું સ્મરણ કરવા લોકો યુદ્ધ – દેવોત્સવ પણ ઊજવે છે અને સાથે રમતગમતનું પણ આયોજન કરે છે. શિન્તો ધર્મમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનો ઉલ્લેખ મળતો નથી. પ્રાર્થનાઓમાં પણ ઐહિક સુખોની જ માગણી હોય છે. આથી આ ધર્મમાં તત્વચિંતનનો અભાવ જણાય છે. પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણને સારુ નૈતિક સદગુણોનો આગ્રહ રખાય છે.

ઉપસંહાર : પ્રશ્ન થાય કે શું માનવસંસ્કૃતિના ઇતિહાસમાં માત્ર અગિયાર જ ધર્મ હતા ? આનો ઉત્તર એક જ હોઈ શકે કે નાનામાં નાની ટોળીને પોતાનો ધર્મ હશે જ જેથી કોઈ પ્રાકૃતિક તત્વ કે ગૂઢ તત્વ કે અષ્ટ શક્તિ પર શ્રદ્ધા રાખીને, તેને પ્રાર્થીને મુશ્કેલીના સમયમાં લોકો આશ્વસ્ત રહી શકે. આવા અસંખ્ય ધર્મો કે પંથો હશે. છતાં મોટા પાયે વિકસેલા અને પવિત્ર ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલા ધર્મો ઇતિહાસમાં સ્થાન મેળવે છે; બીજા અજ્ઞાત રહે છે. શક્ય છે કે તેમની કેટલીક વાતોનો તે તે સ્થાનના સ્થિર થયેલા ધર્મમાં સમાવેશ થયો હોય. આવા કેટલાક ધર્મો સારી પેઠે વિકસ્યા અને કોઈ પ્રબળ બળોનો સામનો કરતાં કરતાં લુપ્ત પણ થઈ ગયા; જેમ કે, પ્રાચીન ઇજિપ્તનો ધર્મ, પ્રાચીન મેક્સિકો અને પેરુનો ધર્મ, પ્રાચીન બૅબિલોનિયાનો ધર્મ, ગ્રીસ અને રોમના ધર્મો અને યુરોપના ટ્યૂટોનિક લોકોનો ધર્મ.

જગતના તમામ વિદ્યમાન ધર્મોનો ઉદભવ એશિયા ખંડના અલગ અલગ દેશોમાં થયો છે; ભલે પછી એ પાછળથી યુરોપ, અમેરિકા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં મોટે પાયે પ્રસર્યા હોય. હિંદુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મનો ઉદભવ ભારતમાં જ થયો છે. ચીન અને જાપાનના ત્રણ ધર્મો – તાઓ ધર્મ, કૉન્ફ્યૂશિયસ ધર્મ અને શિન્તો ધર્મ – સિવાયના બાકીના આઠ ધર્મોના સંખ્યાબંધ અનુયાયીઓ ભારતમાં સુખેથી વસે છે, જે ભારતની લોકશાહી પદ્ધતિ, બિનસાંપ્રદાયિકતા અને પરંપરાથી ચાલી આવતી સર્વધર્મસમભાવના આદર્શને આભારી છે. હવે અમેરિકા જેવા દેશોમાં પણ બીજા ધર્મના અનુયાયીઓ સુખચેનથી વસવા માંડ્યા છે, અલબત્ત, ખાસ તો ઊંચા જીવનધોરણના આશયથી; પણ શાન્તિપ્રિય પરધર્મીઓને ભારતમાં જે પ્રેમભર્યો સત્કાર મળ્યો છે તે અન્યત્ર જવલ્લે જ મળ્યો હશે.

તે તે ધર્મના પ્રદેશ, ઉપદેશકની સૂઝ, લોકોની રુચિ અને વલણ, સંજોગો, પ્રાકૃતિક પરિસ્થિતિ, પરંપરાગત માન્યતાઓ વગેરે પ્રમાણે પરમ અષ્ટ શક્તિ કે તત્વને માનીને તેને કોઈ નામ આપવામાં આવે છે જે બીજા ધર્મના પરમ તત્ત્વના નામ કરતાં જુદું હોય અને એ અનુસાર ઉપાસના, અર્ચન, પૂજા, વ્રત, ઉપવાસોમાં પણ વૈવિધ્ય દેખાય છે. પણ  કોઈ મહાન ધર્મમાં સાંપ્રદાયિક સંકુચિતતાને ઉત્તેજન નથી આપ્યું. ઊલટું, અન્ય ધર્મોના અનુયાયીઓની માન્યતાઓનો આદર કરવાનો અનુરોધ કર્યો છે, અને ઊંડી આધ્યાત્મિકતા કેળવવાનો ઉપદેશ આપ્યો છે. વળી નૈતિક સિદ્ધાંતો તો દરેક ધર્મમાં સમાન જ છે. સદાચારનો આગ્રહ અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ એકસરખી રીતે દરેક ધર્મના શાસ્ત્ર-ગ્રંથોમાં દેખાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, ઇન્દ્રિયનિગ્રહ કે સંયમ, કાય-વાણી-મનની શુદ્ધિ, પવિત્રતા, સાદાઈ, જ્ઞાન, દયા, ક્ષમા, પ્રેમ, ભ્રાતૃભાવ, નિષ્કામ પરોપકાર જેવા સદગુણોનો ઉપદેશ સર્વત્ર મળે છે, ભલે પછી જુદા જુદા ધર્મોએ કોઈક વિશિષ્ટ નૈતિક સિદ્ધાંત પર વિશેષ ભાર મૂક્યો હોય; જેમ કે, હિંદુ ધર્મમાં સ્વધર્મના પાલન પર; જૈન ધર્મમાં અહિંસા પર; બૌદ્ધ ધર્મમાં મૈત્રી-કરુણા-મુદિતા-ઉપેક્ષા એ ચાર ભાવના પર; શીખ ધર્મમાં નિર્ભય અને નિર્વૈર રીતે અન્યાયના સામના પર; જરથોસ્તી ધર્મમાં પવિત્રતા પર; યહૂદી ધર્મમાં ન્યાયભાવના પર; ખ્રિસ્તી ધર્મમાં માનવસેવા અને પ્રેમભાવના પર; ઇસ્લામ ધર્મમાં ભ્રાતૃભાવના અને જકાત પર; કૉન્ફ્યૂશિયસ ધર્મમાં રાજા-પ્રજા, પિતા-પુત્ર, પતિ-પત્ની, મોટા ભાઈ-નાના ભાઈ, મિત્ર-મિત્ર – એ પાંચ સામાજિક સંબંધો સંબંધી કર્તવ્યો પર; તાઓ ધર્મમાં નિર્મમતાથી નિષ્પન્ન થતી નિવૃત્તિપરાયણતા પર; શિન્તો ધર્મમાં વફાદારી અને રાષ્ટ્રભક્તિ પર. બીજી બાજુ સર્વ ધર્મોએ જેનો પ્રવેશ ચિત્તમાં ન થવા દેવો જોઈએ તેવા દુર્ગુણો સામે અનુયાયીઓને સાવધાન કર્યા છે અને તેમનાથી દૂર રહેવાનો અનુરોધ કર્યો છે – કામ (ધર્મ કે નીતિવિરોધી વાસનાઓ), ક્રોધ, લોભ, મોહ, કપટ, અહંકાર, ઈર્ષ્યા, આળસ, અપ્રામાણિકતા વગેરે. સૌ ધર્મોએ ભારપૂર્વક કહ્યું છે કે સામા માણસ પ્રત્યે એવું કશું ન કરો, જે તમારા પ્રત્યે એ કરે એમ તમે ન ઇચ્છતા હો, તેમ સામા માણસ પ્રત્યે એવું જ વર્તન કરો જે તમે ઇચ્છતા હો કે એ તમારા પ્રત્યે કરે.

ઘણાખરા ધર્મોએ નૈતિક સિદ્ધાંતોને જ ઘણું મહત્વ આપ્યું છે અને તત્વચિંતન કે તત્વમીમાંસા તો તેમના શાસ્ત્રગ્રંથોમાં નામની જ છે. વળી ધ્યાન ખેંચે એવી વાત એ લાગે છે કે ખ્રિસ્તી ધર્મનો યુરોપમાં આટલો બહોળો પ્રચાર છે, પણ ખ્રિસ્તી ધર્મ અને યુરોપના તત્વચિંતનમાં એકરૂપતા નથી. ખ્રિસ્તી ધર્મનો બધો આધાર બાઇબલ પર છે; જ્યારે જે તત્વચિંતકો યુરોપમાં થયા છે તેઓ પર મુખ્યત્વે ગ્રીસના પ્રાચીન ચિંતકોનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે અને તેમના વિચારોમાં સૉક્રેટીસ, પ્લેટો, ઍરિસ્ટોટલ વગેરે તત્વચિંતકોના વિચારોનો જ વિકાસ અને પરિષ્કાર સ્પષ્ટ નજરે ચઢે છે. ધર્મ પ્રમાણે તો તેઓ ઈશ્વર, ઈશ્વરનો પુત્ર અને પવિત્ર આત્મામાં માને છે અને  તે પ્રમાણે ઉપાસના કરે છે. બીજી બાજુ હિંદુ વેદ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં તે તે શાખાની તત્વમીમાંસા સાથે તે તે ધર્મની પૂરેપૂરી એકરૂપતા છે; બંને એકબીજાનાં પૂરક છે, અથવા અલગ નથી એમ કહીએ તો ચાલે. તત્વમીમાંસાનું અંતિમ લક્ષ્ય મુક્તિ કે નિર્વાણ છે જેની પ્રાપ્તિમાં યોગ્ય ધર્માચરણ મદદરૂપ થાય છે અને તત્વમીમાંસાના સિદ્ધાંતો ધર્મનાં રહસ્યોને પ્રકાશિત કરે છે.

હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે એવી માન્યતા છે. હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના મત પ્રમાણે કર્માનુસાર પુનર્જન્મનો સ્વીકાર છે, અને કર્મનું બંધન પ્રયત્નપૂર્વક અને જ્ઞાન-ભક્તિથી કાપી નાંખવામાં આવે તો મુક્તિ સંભવે; અર્થાત્, આત્મા પરમાત્માને પ્રાપ્ત કરે અથવા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થાય. આ મોક્ષવાદી ધર્મો છે; જ્યારે યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ અને જરથોસ્તી ધર્મ પ્રમાણે પુનર્જન્મ નથી, માણસને આ જન્મ તે એક જ જન્મ છે અને મરણ પછી માણસ ફરી સજીવન થાય છે અને પોતે કરેલ કર્મ પ્રમાણે પુણ્ય અને પાપનું ફળ ભોગવે છે. આ ધર્મો કયામતવાદી છે.

હિંદુ ધર્મ અને તાઓ ધર્મ પરમતત્ત્વ(બ્રહ્મ કે તાઓ)ને જગત-જીવથી જુદું નથી માનતા. તે જગતમાં વ્યાપક છે અને જગતથી પર પણ છે (immanent and transcendent). જગતની ઉત્પત્તિ તેમાંથી થઈ છે, તેનાથી જ તેની સ્થિતિ છે અને લય પણ તેમાં જ થાય છે. જ્યારે યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ ધર્મ ઈશ્વરને જગતથી તદ્દન જુદો ગણે છે; જોકે ઈશ્વરે જ જગતની સૃષ્ટિ કરી, પોતે કોઈ રીતે દૂષિત થયા વિના. યહૂદી ધર્મમાં તો સ્પષ્ટ કહ્યું છે કે કશું નહોતું તેમાંથી ઈશ્વરે જગત સર્જ્યું. આ ધર્મો પ્રમાણે પણ ઈશ્વર સર્વોપરી છે, સર્વશક્તિમાન છે અને જગતનું સંરક્ષણ અને જીવોને ન્યાય આપવાનું તે ભૂલતો નથી. હિંદુ ધર્મ અને તાઓ ધર્મ પ્રમાણે તો અસતમાંથી સત ઉદભવી શકે નહિ તેથી પરમતત્વે પોતામાંથી જ જગતનું સર્જન કર્યું; અર્થાત્, પરમ તત્વ જ જગતનું ઉપાદાન અને કર્તૃકારણ છે.

બધા ઈશ્વરવાદી ધર્મો માને છે કે ઈશ્વર જગતનો સર્જક છે; એટલું જ નહિ, તેને જગત અને વિશેષે કરીને તેમાં વસતા મનુષ્યો સાથે ગાઢ સંબંધ છે – એ અર્થમાં કે જ્યારે જ્યારે એમ લાગે કે અધર્મ બેહદ વધી ગયો છે અને ધર્મની ગ્લાનિ થઈ છે ત્યારે ત્યારે સુખશાંતિ સ્થાપવા માટે ઈશ્વર જગતમાં અવતાર ધારણ કરે છે અથવા પોતાના કોઈ પયગંબરને પૃથ્વી પર મોકલે છે. હિંદુ ધર્મની માન્યતા એવી છે કે ધર્મની સંસ્થાપના માટે અને અધર્મના વિનાશને માટે ઈશ્વર અવતાર ધારણ કરે છે. જાપાનના શિન્તો ધર્મ પ્રમાણે મિકાડો(રાજા)માં દૈવી અંશ છે. જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં ઈશ્વર અવતાર ધારણ કરે છે એવી માન્યતા નથી; પણ ઈશ્વર કોઈ અસામાન્ય શક્તિવાળા ઉદ્ધારકને પૃથ્વી પર મોકલે છે એવી માન્યતા છે. આ ધર્મોમાં પણ પોતપોતાના ધર્મસ્થાપકોને અસાધારણ શક્તિ, સૂઝ અને વ્યક્તિત્વવાળા માનવામાં આવે છે. યહૂદી ધર્મ મોશે વગેરેને ઈશ્વરના પયગંબર માને છે તેમજ જરથોસ્તી ધર્મ જરથુષ્ટ્રને અહુરમઝ્દના પયગંબર માને છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુને ઈશ્વરના પુત્ર અને ઇસ્લામ ધર્મમાં મહંમદને અલ્લાહના પયગંબર માનવામાં આવ્યા છે. જે ધર્મોમાં અવતરણનો સિદ્ધાંત સ્પષ્ટપણે પ્રતિપાદિત કરવામાં નથી આવ્યો તે ધર્મોમાં પણ પોતપોતાના ધર્મસંસ્થાપકોને દૈવી પુરુષની કક્ષા આપવામાં આવી છે. જૈન ધર્મમાં મહાવીર સ્વામીને, બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધને, શીખ ધર્મમાં નાનકદેવ વગેરે શીખ ગુરુઓને, કૉન્ફ્યૂશિયસ ધર્મમાં કૉન્ફ્યૂશિયસને અને તાઓ ધર્મમાં લાઓત્સુને દૈવી સંસ્થાપક માની તેમની પૂજા-આરાધના કરવામાં આવે છે.

ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર જે ધર્મો કરે છે તેમને માટે ઈશ્વરની સંખ્યાનો પ્રશ્ન મહત્વનો હોય છે. જેમ જેમ ધાર્મિક સમજ પરિપક્વ બનતી ગઈ તેમ તેમ એકેશ્વરવાદ તરફનું વલણ વધતું ગયું. ઈશ્વરને એક, અદ્વિતીય માનનાર એકેશ્વરવાદી કહેવાય છે. યહૂદી અને ઇસ્લામ ધર્મ આગ્રહપૂર્વક એકેશ્વરવાદમાં માને છે. ગમે તેટલા મોટા પયગંબરને ઈશ્વરનો અવતાર કે દૈવી અંશવાળા માનવામાં આવતા નથી. ખ્રિસ્તી ધર્મ એક અદ્વિતીય ઈશ્વરમાં માને છે પણ સાથે સાથે ઈશ્વર, ઈશ્વરનો પુત્ર (ઈસુ) અને પવિત્ર આત્મા એ ત્રિમૂર્તિ પણ સ્વીકારે છે. જોકે એવી પણ સમજૂતી આપવામાં આવે છે કે ત્રિમૂર્તિનો સિદ્ધાંત એ ઈશ્વરનું રૂપ વૈવિધ્યવાળું છે એમ બતાવવાનો પ્રયાસ છે; ઈશ્વરની એકતા અને ઈશ્વરનાં વિવિધ રૂપો વચ્ચે અવિરોધ છે, કારણ કે આ ત્રણ રૂપો તે ઈશ્વરની પ્રવૃત્તિનાં ત્રણ ભિન્ન અંગો છે. શીખ ધર્મમાં એકેશ્વરવાદ સ્પષ્ટ છે.

હિંદુ, જરથોસ્તી, તાઓ અને શિન્તો ધર્મમાં અનેકદેવવાદ જેવું જણાય, પણ એકેશ્વરવાદ કે એકેશ્વરવાદ તરફનું વલણ સ્પષ્ટ દેખાય છે. વેદમાં કહ્યું છે તેમ એક સત્-તત્વને જુદાં જુદાં નામે બોલાવાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે શિવ એક પરમેશ્વરની જ ઉત્પાદક, સ્થિતિ કરાવનાર અને પ્રલય કરાવનાર શક્તિ કે પાસાંનાં નામ છે. તેવું જ પંચાયતન વગેરેનું સમજવું. એક દેવની અલગ અલગ રીતે આરાધના કરવાનું સ્વાતંત્ર્ય હિંદુ ધર્મના અનુયાયીઓને મળ્યું છે. જરથોસ્તી ધર્મમાં ‘અહુરમઝ્દ’નું, તાઓ ધર્મમાં ‘તાઓ’નું, શિન્તો ધર્મમાં ‘કમી’ના સ્વરૂપનું જે વર્ણન છે તે પરથી તાત્વિક ર્દષ્ટિએ જણાય કે આ ધર્મો એકેશ્વરવાદમાં માને છે, અથવા એકેશ્વરવાદ તરફ તેમનો ઝોક તો છે જ. વિકસિત ધાર્મિક ચેતના એકેશ્વરવાદનું સમર્થન કરે છે એમ ચોક્કસ લાગે છે.

આમ આટલા વૈવિધ્ય વચ્ચે પણ માનવસ્વભાવની એકરૂપતાને કારણે ધર્મોમાં ઘણું સામ્ય દેખાય છે અને વ્યક્તિ તેમજ સમાજના ઘડતર માટે ધર્મ અને તેમાં સમાવિષ્ટ નૈતિક મૂલ્યો, ભક્તિનું તત્વ અને નિષ્કામ કર્મ તથા જ્ઞાનની અનિવાર્યતા સૌએ સ્વીકારી છે.

એસ્થર સોલોમન